Aaje Diwali, Kale Diwali books and stories free download online pdf in Gujarati

આજે દિવાળી, કાલે દિવાળી

આજે દિવાળી, કાલે દિવાળી..

ઉમંગ અને ઉત્સાહ નવો લઈને આવશે...

નવું વર્ષ છે ઘણું નવું લઈને આવશે,

ગુજરાતી એવા જૂજ અને નસીબદાર માણસોમાંથી છે જે એક જ વર્ષમાં બે-ત્રણ વાર વર્ષનો છેલ્લો દિવસ ધામ-ધૂમથી ઊજવે છે. એક તો આ દિવાળી અને બીજો 31 ડિસેમ્બર અમને બે ય લાગે. અને બંને પુરા ધામ-ધૂમથી એક પ્રસંગની જેમ મનાવીએ. અને ગુજરાતી એટલે વેપાર કરતા હોય એટલે 31 માર્ચ તો ખરી જ.

દિવાળી નો ઇતિહાસ તો એમ કહે છે કે રામ ૧૪ વર્ષનો વનવાસ પૂરો કરી અને રાવણ ઊપર ભવ્ય જીત મેંળવી પાછાં અયોધ્યા જાય છે તેના કારણે દિવાળી ઊજવવામાં આવે છે. પણ આ તો ઇતિહાસની વાત છે વર્તમાનની વાત કરી તો જે લોકો પોતાના ઘરથી, સ્વજનથી, પોતાના ગામ - શહેર- દેશથી દૂર ભણવા,કામ ધંધો કરવા ગયા હશે અને દિવાળીનું વેકેશન કે રજાઓમાં ઘેર જતા હશે તે લોકોને પણ થોડીક થોડીક, આછી-પાતળી ભગવાન રામ જેવી ફીલિંગ તો આવતી જ હશે કે નહિ?

ભારત અને ગુજરાતની પબ્લિક આમ પણ ઉત્સવ પ્રેમી. એટલે જ કહેવાય છે ને ઉત્સવ અમાર જાતી, આનંદ અમાર ગોત્ર. એકી સાથે તહેવાર આવે અને કેટલા બધા આવે. દિવાળી તો ખાલી નામ છે.. ધનતેરસ થી લઈને લાભ પાંચમ કે દેવ દિવાળી સુધી રજાનો અને મજાનો માહોલ જ હોય સર્વત્ર.એવું જ સાતમ=આઠમમાં કહેવાય સાતમ અને તહેવાર રાંધણ છઠ થી લઈને અગિયારસ કે અમાસ સુધી ચાલે એવું જ, ખીયર –ઉતરાયણમાં ઈદની જેમ તાજી અને વાસી બંને ઊજવાય. નવરાત્રિમાં પણ ડીટ્ટો એવું જ એક ગુજરાતી ગરબાની ફરતે જેટલા કિલોમીટર આ નવ-દશ દિવસમાં કાપતો હશે અને તેટલું તો કોઈ મેરેથોન એથલીટ એના સમગ્ર કેરિયરની રેસમાં નહિ દોડ્યો હોય. તહેવારોની હમેશ હારમાળા જ હોય આખે આખા ઝૂમખા. પાચ દિવસ, દસ દિવસ, પંદર દિવસ ધુમ ધામ થી બધા ઊજવે.

દિવાળી એટલે સાફ-સફાઈથી લઈને નવા નવા કપડા, દિવાળી એટલે નવી નવી વસ્તુઓ અને શોપિંગનું બહાનું, દિવાળી એટલે જાત ભાતની રંગોળી, દિવાળી એટલે નાના ટેટા થી લઈને મોટા મોટા ધડાકા કરનાર ફટાકડાઓ, દિવાળી એટલે દેશી અને માટીના દીવાઓ(ચાઇનીસ લાઈટો પણ ચાલે.. સાંભળ્યું છે અત્યારે ભારતને ચીન સાથે સમાધાન થઈ ગયું છે), દિવાળી એટલે ચટપટી મીઠી-તીખી ખાવાની અવનવી વાનગીઓ, દિવાળી એટલે જાતજાતના મુખવાસ, દિવાળી એટલે બીગ બજેટ અને કેટલાય સમયથી કોઈ ફિલ્મની રાહ જોઈ રહ્યા હોય તે ફિલ્મ લાગવાનો દિવસ, દિવાળી એટલે છાપા-પૂર્તિઓ અને મેગેઝીનના વિશેષાંક, દિવાળી એટલે ગ્રીટિંગ અને શુભેચ્છા સહપરિવા આપતી પોસ્ટ વોટ્સપ ફોર્વર્ડીયા દ્વારા, દિવાળી એટલે કડકડતી નોટો વડીલો પાસેથી પડાવવા પગે લાગવું, દિવાળી અત્યારના જમાનામાં એટલે બીગ બિલીયન ડે કે મસ મોટા ઓનલાઈન ડિસ્કાઉન્ટ આપતી વેબ સાઈટો, દિવાળી એટલે કોઈ મહત્વના કે બીજાના કામ ને પાછું ઠેલવાનું સરળ બહાનું ( “દિવાળી પછી” આ શબ્દ સરેરાસ ગુજરાતી દિવાળી પહેલા ૫૦૦-૧૦૦૦ વાર બોલતો હશે દર વર્ષે.)

જ્યારે હું સ્કૂલમાં હતો ત્યારે દિવાળી અને નવું વર્ષ ઊજવવા કરતા તેની વાતો વેકેશન પછી સ્કુલે બધા મિત્રોને કરવાનો ઉત્સાહ અને આતુરતા વધારે (દેખાદેખી નાના અને જુનવાણી લેવલની) હતી. કોણે કેટલા અને કેટલી માત્રામાં ફટાકડા ફોડ્યા, કોણે કેટલા કપડા લીધા, કોણે શું શું કર્યું વગેરે વગેરે.

દિવાળીમાં ફટાકડા ફોડવાનો આનંદ જેને ફટાકડા ભરપૂર માત્રમાં ફોડ્યા હોય એને જ ખબર હોય. મોટો સુથલી(સીંદરી) બોંબ ફોડ્યા પછી જો તેનો અવાજ ગજાવી નાખે તેવો આવે, આજુ બાજુના ઘરના વાસણો ખખડી જાય તો અંદરથી મહારાણા પ્રતાપ જેવી ફીલિંગ આવે જાણે એકી સાથે ત્રણ ચાર વિરોધી સેનાના સૈનિકના તલવારથી ગળા કાપી નાખ્યા હોય અને આજુ બાજુ અને રસ્તા પરથી નીકળતા લોકો તો મને એવી રીતે જોવે જાણે હું દાઉદ હોવ અને મેં બોમ્બેના સીરીયલ બ્લાસ્ટ કરાવ્યા હોય. આજકાલ તો પ્રદૂષણની ચિંતા વધવા લાગી છે અને દિલ્હીમાં તો ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ જ આવી ગયો છે પણ મારું માનવું એ છે કે આવી બધી વાત અને ચર્ચા નવા વર્ષથી કરવાની અને આ વર્ષે તો ફટાકડા ફોડી જ લેવા. બાકી જે લોકો ચૂટકી વાલી હોળી રમ્યા હોય તેમ એક બે ફોટા ફૂલઝડી સાથે પાડીને સોસીયલ મીડ્યામાં પોસ્ટ તો કરી જ દેવાના છે.

જ્યારે દિવાળીની રાત્રે એક બાજુ ફટાકડા ફૂટતા હોય છે ત્યારે બીજી બાજુ ઘરની સ્ત્રી બહેન, માં, ભાભી રંગોથી, કલ્પનાથી, ધીરજથી, શાંતિથી, અને પોતાની આર્ટીસ્ટીક સ્કીલથી રંગોળી બનાવતી હોય છે. ખાલી આ રંગોળી વિષે જ વાત કરીએ ને તો તેના વિષે પણ એક આખો મોટો લેખ કે બુક લખાય જાય એટલી કહેવા લાયક વાતો હોય છે.

દિવાળી પછી આવે નવું વર્ષ, હેપ્પી ન્યુ યર, સાલમુબારક કે અતિ શુદ્ધ ગુજરાતીમાં નુતનવર્ષાભીનંદન. દિવાળીની રાત્રે પુરતી નીંદર કરી હોય કે ના કરી હોય પણ નવા વર્ષની સવારે એક બીજાને કેવા ઉમંગથી મળે અને નવા વર્ષેને વધાવે. ઘણી વાર થાય કે આખું વર્ષ માણસ આવી રીતે રહેતો હોય તો કેવું સારું!! નવા વર્ષનું સગા, સંબંધી, મિત્રો આપણા ઘેર આવે એજ સગા ના ઘેર પાછું આપણે જવાનું એક માણસને બે વાર મળવાનો લહાવો, પ્રેમ, રિવાજ ખાલી ગુજરાતી કે ભારતીયોમાં જ હશે.અને તેમાં પણ ઘેર આવી ને વિશ્લેષણ કરવાની મજા કે કોના ઘેર નાસ્તો, મીઠાઈ અને મુખવાસ સારા હતા. પણ હવે તો આવા- જવાનું પણ છેલ્લા થોડાક વર્ષથી ઓછું થઈ ગયું છે. સમૂહ, સમાજ, શહેરમાંથી આજકાલ ખાલી સર્કલ રહી ગયા છે. પોતપોતાનું અંગત સર્કલ બે, પાંચ દશ માણસનું બનાવી લીધું છે આ ગ્લોબલ દુનિયા એ. તેના ભેગા જ ક્યાંક ટુરનો પ્લાન બનાવી લે, મોટા શહેરોમાં ક્યાંક નાનકડી હાઉસ પાર્ટી રાખી દે એટલે નવું વર્ષ અને દિવાળી પૂરી.

નવા વર્ષ પછી આવે ભાઈ-બીજ, એક જ વર્ષમાં ભાઈ-બહેનના સંબંધ માટે બે તહેવાર ગજબ છે ને રક્ષાબંધન અને ભાઈબીજ. આપણે જે પશ્ચિમી સંસ્કૃતિનું આટલું વળગણ છે અને આંધરી રીતે ફોલો કરી એ છે ત્યાં પણ સ્ત્રી કે માં માટે વર્ષમાં એક જ દિવસ છે જ્યારે આપણે તો ખાલી ભાઈ-બહેન માટે જ બે અલગ તહેવાર છે તો બીજું તો શું કહેવું જ?

અનુભવનું બીજું નામ છે જિંદગી અને આ તહેવારોનો અનુભવ એ જિંદગી છે અને એ જ જિંદગીને જીવતી, ધબકતી, મલકતી, મોટીવેટેડ રાખે છે આ એટલે જ આ દિવાળી એ એક બે નાના મોટા ફટાકડા ફોડી લેવા ભલે બીક લાગે, કાળી ચોદ્સની રાત્રે બારેક વાગ્યા પછી એકલું ક્યાંક અંધારી જગાએ ચાલ્યા જવું ( આ એક કામ ન કરતા હો બીક લાગે..ખી..ખી...ખી...) દુશ્મન ને કે જેની સાથે નાનું-મોટું મનદુઃખ થઈ ગયું છે તે ભુલાવી નવા વર્ષમાં નવી શરૂઆત કરવી સંબંધની અને પ્રેમથી ગળે મળી જવું. રંગોળી આવડે કે ન આવડે થોડુંક પ્રયત્ન કરી જુઓ કે પછી ઘરમાં કોઈ રંગોળી કરતું હોય તો તેને મદદ કરવી. આજના જમાનામાં ફિટનેશ માટે કેટલી વાર વાંકા-ચૂંકા વળતા હશો તો વડીલોને પગે પણ લાગી લેવું તેને સારું લાગશે અને તમારા એબડોમીનલ ક્રંચ – એકસરસાઈઝ થઈ જશે.( પૈસા મળશે એ નફામાં). જેવા બેસતા વર્ષને નવા વર્ષનું મૂડમાં હો એવું જ વર્તન અને મૂડ આખું વરસ રાખો એવી જ ઈચ્છા .....દિવાળી અને નવ વર્ષની હાર્દિક શુભેચ્છા..

ફૂલઝર

આકાશ: તને ખબર છે દિવાળી પછી દર વર્ષે શું આવે ?

અવની: એમાં શું એ તો બધા ને ખબર હોય.. નવું વર્ષ...

આકાશ: ખોટું.....ક્યારેક ક્યારેક ધોકો પણ આવે...

(દેશી ગુજરાતી ને જ સમજાશે).

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED