Vamad - 14 books and stories free download online pdf in Gujarati

વમળ પ્રકરણ 14

વમળ પ્રકરણ -14 લેખક રાજેન્દ્ર જોષી

એક માણસ નામનું પ્રાણી જ એવું છે કે જેને જે મળ્યું છે એનો સંતોષ નથી. કેમ કરીને એકના ડબલ જલદી થાય એમાં જ રચ્યો પચ્યો રહે. માથે છાપરું હોય તો પાકું મકાન જોઈએ, પાકું મકાન થાય તો મોટો બંગલો, મોટો બંગલો થાય તો મહેલ ….. ભેગું કરેલું વાપરવાનો સમય પણ ના હોય અને તો પણ બસ કેમ કરીને વધારે ને વધારે પૈસા, મિલકત ભેગી થઇ શકે એ જ પ્રયત્નો ચાલુ રહે. આ આંધળી દોડમાં આખું આયખું નીકળી જાય અને તો પણ ઈચ્છાઓ તો કુંવારી જ રહી જાય. બીજી કોઈ પ્રજાતિમાં આટલો લોભ કે સંગ્રહવૃતિ જોવામાં નથી આવતા. લોભ-સંગ્રહખોરી એક અફીણ છે. જે એનો બંધાણી થાય એ એને ક્યારેય છોડી ના શકે.

વિનાયક તો જુવાનીથી જ આ નશાનો અઠંગ બંધાણી હતો. દેશ-દેશાવરમાં ફેલાયેલી મિલકત પણ એને સંતોષ નહોતી આપી શકી. પેટ્રો-કેમિકલના ક્ષેત્રમાં ઇન્ડિયામાં તો એ રાજા હતો જ પણ એને તો મોટી ઉડાન ભરવી હતી. દુનિયામાં ડંકો વાગે તો જ કૈક અહં પોષાય. હમણાં હમણાં અમેરિકામાં શેલ ગેસના મોટા ભંડાર મળ્યા હતા અને એને exploit કરવામાં જો સફળતા મળે તો ઘરે જ ટંકશાળ પડે. આ અભિયાન પાર પડે તો ભારદ્વાજ ગ્રુપ ઓફ કંપનીઝ ફોર્ચ્યુન ૫૦૦ માંથી હનુમાન છલાંગ મારીને સીધા ટોપ ૫૦ માં આવી જાય એમ હતું. આ સુવર્ણ તક ગુમાવવી વિનાયકને પાલવે એમ નહોતી. અમેરિકાની નામી મલ્ટીનેશનલ કંપની Exxon Mobil સાથે જોઈન્ટ વેન્ચર માટેની વાટાઘાટો અંતિમ તબ્બકામાં હતી. MOU સાઈન કરવાની તારીખ પણ નક્કી હતી. પણ ત્યાં જ ઇન્ડિયાથી સમાચાર આવ્યા કે બાપુજીને હાર્ટ-એટેક આવ્યો છે અને તેમને હોસ્પીટલમાં એડમીટ કરવામાં આવ્યા છે. વિનાયક ભલે ગમે એટલો નામ અને દામનો ભૂખ્યો હોય પણ તેણે કોઈ દિવસ પોતાનાં કુટુંબની અવગણના કરી નહોતી. બલકે એક જ સમયે અલગ અલગ દેશોમાં પોતાનાં બબ્બે બે કુટુંબોને સફળતાપૂર્વક અને સમાંતર રીતે તેણે છેલ્લા ત્રીસેક વર્ષથી સંભાળી જાણ્યા હતાં. અને બંને કુટુંબના સભ્યોમાંથી કોઈને તેણે ફરિયાદનો કોઈ મોકો આપ્યો નહોતો. તો બાપુજીને આવેલ હાર્ટ-એટેકનાં સમાચાર સાંભળી તેણે પોતાનાં બધાં બીઝનેસ-પ્લાન્સને કેન્સલ કરી નાખ્યા અને તત્કાલ ઇન્ડિયા જવાની તૈયારી કરતો હતો, કે ફરી સમાચાર આવી ગયા કે શુબાન ત્યાં વેળાસર પહોંચી ગયો છે અને પોતાનાં દાદાજીની સેવામાં તે ઉભેપગે જ છે. અને આમ શ્વેતાને માનસિક સપોર્ટ આપીને તેણે કટોકટીનો સમય સાચવી લીધો છે. બાપુજી હવે ખતરાની બહાર છે અને ખાસ ચિંતા કરવા જેવું નથી એ જાણી ને વિનાયકે ખુબ જ નિરાંતનો શ્વાસ લીધો. શુબાને પણ તેમને ચિંતા નહીં કરવા જણાવ્યું. આમ છતાં પણ અમેરિકા સ્થિત આ જોઈન્ટ વેન્ચરની વાતચીત પતે એટલે ત્યાંથી સીધા જ ઇન્ડિયા જવાનું વિનાયકે નક્કી કરી લીધું. અહીં સોનિયા ભલે હોસ્પિટલના બિછાને હતી, પણ એની હાલત દિવસે દિવસે સુધરી રહી હતી. ડોક્ટરોના કહેવા મુજબ તેની ચિંતાનું ય કોઈ કારણ નહોતું. આમ બંને જગ્યાએ બીમારી તો હતી પણ બેઉ કાબુમાં હતી, તો જેમ ત્યાં બાપુજી પાસે શ્વેતા-સુભાન હતાં એમ અહીં સોનિયા પાસે જો નિર્મલ હોય તો પોતાને ખાસ કોઈ ચિન્તા ન રહે એવું વિચારીને વિનાયકે નિર્મલને ફોન જોડ્યો.

“નિર્મલ, આપણે પ્લાનમાં થોડો ફેરફાર કરવો પડશે. તું ઇન્ડિયાની વિઝીટ હમણાં મુલ્તવી રાખ અને જલદી અહી લંડન આવી જા. સોનિયાની પડખે કોઈએ તો રહેવું પડશે. હું Exxon Mobil સાથે જોઈન્ટ વેન્ચર માટે તાત્કાલિક અમેરિકા જવા નીકળું છું.”

નિર્મલ વાતની ગંભીરતા થી પૂરો માહિતગાર હતો. અને કોઈ પણ આનાકાની વગર જવાબ આપ્યો.

“વિનાયક, તું સોનિયાની ચિંતા છોડ. હું જેમ બને એમ જલદી લંડન પહોચું છું.”

હોસ્પિટલ થી થાકી ને આવેલા આર્યને સલોની સાથે વાત ટૂંકમાં પતાવી અને તરત શાવર નીચે ઉભો રહી ગયો. આર્યનને હતું કે ઠંડા પાણીની બૌછાર કદાચ મગજમાં ભડકી રહેલા યાદોના દાવાનળને ઠારે ……. આંખો બંધ કરીને શાવર નીચે ખાસો સમય ઉભો રહ્યો …… એની મનોદશા મઝધારમાં ફસાયેલી હોડી જેવી જ હાલક ડોલક હતી. મેક્ષિકો થી લઈને હોસ્પિટલ સુધી ….. શ્વેતા થી સલોની સુધી …. ઘડીમાં આમ અને ઘડીમાં તેમ ……. એને સતત એવું મહેસુસ થતું રહ્યું કે છેલ્લા થોડા દિવસોમાં જાણે એની જિંદગીએ કોઈ નવીજ દિશામાં સફર આદરી હોય કે જેના ગંતવ્ય સ્થાન વિષે એ સાવ અજાણ હતો …. સુકાન કોઈ બીજાના હાથમાં હતું અને એ એક લાચાર મુસાફર જેવો …… ફોન મુકતા મુકતા સલોનીએ પ્રેમનો કરેલો ઇજહાર કેમ એને સાતમાં આસમાને ના લઇ ગયો? ઉલટાનું એ વાત પૂરી થયા પછી એક અગમ્ય ભય એના મનો-મસ્તિષ્કમાં ફેલાય ગયો હતો …….. કેમ? કોઈ સવાલના જવાબ મળતા નહોતા …… જવાબો મેળવવા મથતો આર્યન કિંગ સાઈઝ બેડમાં આમ થી તેમ પડખા ઘસતો રહ્યો.

આજ ના હાઈ સોસાઈટી કલ્ચરમાં કોઈ પણ યુવાનના જીવનમાં એક સાથે બે બે રૂપ સુંદરીઓ પ્રવેશે તો જેકપોટ લાગ્યો હોય એવી ફીલિંગ થાય, દોસ્તો સામે કોલર ઉંચો રાખી ને બડાશો હાંકવા મોકો મળે. જ્યાં સંબંધો પણ એક્ષ્પાઇરી ડેઇટ સાથે બંધાતા હોય, યુઝ એન્ડ થ્રો ની ફિલોસોફી અપવાદ નહિ પણ એક સામાન્ય ચલણ બની ગયી હોય એવા સમાજના કહેવાતા ઉચ્ચ વર્ગનો હોવા છતાં આર્યન આ રંગે રંગાયો નહોતો અને એથી જ તો એના દિમાગને આટલી તસ્દી આપતો હતો. જેમ જેમ શ્વેતા અને સલોની સાથેની મુલાકાતો-વાતો એના વિચારોમાં રીવાઈન્ડ થઇ ને માનસપટલ પર એક ચલચિત્રની જેમ તાદશ થતી ગઈ એમ એમ દૂધ નું દૂધ અને પાણી નું પાણી અલગ દેખાવા માંડ્યું.

સલોની …એક ઉછળકૂદ કરતુ ઝરણું, નિર્મળ ખરું પરંતુ દિશા વિહીન, અલ્લડ જયારે શ્વેતા ધીર-ગંભીર સરિતા, સૌમ્યતાથી છલોછલ. સલોની જાણે હજુ ફૂલ થવા મથતી કળી જયારે શ્વેતા ઝાકળ આચ્છાદિત ગુલાબનું ફૂલ, સલોની એટલે જાણે ભડભાખરુ અને શ્વેતા સોનેરી સવાર. સલોની સાથે જેટલી પણ મુલાકાતો થઇ એમાં થોડું આછકલાપણું ઉડી ને આંખે વળગતું જયારે શ્વેતાનું વર્તન ઠરેલ, સાલસ અને હૃદયગમ્ય હતું. તો પછી સલોની માટે પણ લગાવ જેવું કેમ અનુભવ્યું હતું? એનો સથવારો મન ને કેમ પ્રફુલ્લિત કરતો હતો? શું એ લાગણી હતી, પ્રેમ હતો કે પછી બે જુવાન હૈયાઓ વચ્ચેનું ફક્ત સાહજિક શારીરિક આકર્ષણ હતું? આર્યન વિચારતો રહ્યો ….. હૃદયના ત્રાજવે એક પલ્લામાં સલોની અને બીજામાં શ્વેતા ….. ધીમે ધીમે ત્રાજવું સ્થિર થવા માંડ્યું …… શ્વેતાનું પલ્લું ધીમી પણ મક્કમ રીતે નીચે આવવા માંડ્યું. મગજમાં વ્યાપેલ ધુમ્મસ ધીમે ધીમે વિખરાયું અને દ્રશ્ય સાફ દેખાયું. એક ઊંડો શ્વાસ લઇ આંખો બંધ કરી અને મનોમન શ્વેતાને સ્વપ્નમાં આવવાનું ઇજન આપી સુઈ ગયો. પણ એના મગજમાં એવો વિચારતો સ્ફૂર્યો જ નહિ કે એક અબજોપતિની દીકરીનું દિલ દુભાવવા માટે, એને ઠુકરાવવા માટેના શું માઠા પરિણામ આવી શકે.

જે.પી. એની વિશાળ ઓફીસમાં બેઠા બેઠા ભગવાનનો પાડ માની રહ્યો હતો. ગયા જન્મના કોઈ સારા કર્મો જ હશે જેના થકી આજે આર્યન હયાત છે. પોતાની જાત માટે એક વાર તો એને ધિક્કારની, ધ્રુણાની લાગણી પણ થઇ આવી. અજાણતામાં કેટલો મોટો અપરાધ થઇ જાત એનો અહેસાસ એને કોરી ખાતો હતો. ત્યાં જ ઇન્ટરકોમની બેલ વાગી.

સેક્રેટરીનો રૂપાની ઘંટડી જેવો અવાજ આવ્યો “સર, મનીષ દેસાઈ આપને મળવા માંગે છે”

મનમાં વિમાષણ તો થઇ કે આ મનીષ અત્યારે શું કામ આવ્યો હશે પણ જૂની દોસ્તી અને વગર કામે ખલેલ નહિ પહોચાડવાની મનીષની ખાસિયત થી જે.પી. પરિચિત હતો. એટલે “મોકલ” એવો ટૂંકો જવાબ આપી ફોન મુક્યો.

મનીષ અને જયદેવ નાનપણમાં સાથે એક જ મહોલ્લામાં મોટા થયા હતા. સ્કુલમાં સાથે પણ પછી જયદેવ ગ્રેજ્યુએશન માટે અમેરિકા ગયો ત્યારે બંને છુટા પડ્યા. મનીષની આર્થિક સ્થિતિ બહુ સારી નહિ એટલે પરદેશ જવાનું પોષાય એમ નહોતું. પણ એ વર્ષો દરમ્યાન અને પછી પણ બંને એક બીજાના સંપર્કમાં તો રહ્યા જ હતા. પ્રસંગોપાત ફેમીલી સાથે એક બીજાના ઘરે પણ આવવા જવાના સંબંધો જાળવી રાખ્યા હતા. ભલે જે.પી. જેટલો ધનવાન નહિ પણ મનીષ પણ ધંધામાં બે પૈસે થયો હતો. શહેરમાં એની પણ શાખ ખરી.

“આવું કે?” આમ પૂછી જવાબની રાહ જોયા વગર જ મનીષ કેબીનમાં હાજર થઇ ગયો અને જે.પી. કઈ કહે એ પહેલા એની સામે ની ખુરશીમાં ગોઠવાઈ પણ ગયો. કેમ છો? શું ચાલે છે? શું નવાજુની છે? ઘરે બધા કેમ છે? ધંધા-પાણી કેવા છે? ની ઔપચારિકતા પતાવી મનીષ મુદ્દાની વાત પર આવવા માંડ્યો.

જયદેવે ઇન્ટરકોમ પર સેક્રેટરી ને કહ્યું “Ruby, Please get me Jasmine Tea and some cookies and do it fast” અને પછી મનીષ તરફ જોઈ ને કહ્યું “હા બોલ, શું હતું?”

“યાર જયદેવ, કેટલા પૈસા ભેગા કરીશ? આ શું ગાંડાની માફક દિવસ-રાત લાગેલો જ રહે છે? આમ નોટો છાપવાના મશીનની જેમ શું સવાર થી સાંજ ……. થોડું ફેમીલીનું પણ ધ્યાન રાખ. બૈરા-છોકરાને પણ સમય આપ.”

જે.પી. ને કૈક અજુગતું રંધાઈ રહ્યું હોય એવું લાગ્યું. જે.પી ના ચહેરા પર ના આશ્ચર્યના ભાવ પારખીને મનીષ બોલ્યો.

“જો જયદેવ, તને એવું લાગશે કે હું નાહકનો તારી અંગત બાબતમાં માથું મારું છું પણ દોસ્ત મારે દોસ્તીનો ધર્મ નિભાવવો જ રહ્યો. મને અંદાજો છે કે તારી અને ભારદ્વાજ વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે અને એ પણ ખબર છે કે એક બીજાને નીચા બતાવવા તમે કોઈ પણ હદ સુધી જઈ શકો એટલા પહોચેલા છો. અને એટલે જ મને થયું કે તને એક વાત થી ચેતવી દઉં”

આ સાંભળતા જયદેવના ચહેરા પર અસમંજસના સાથે થોડી નારાજગી, ગુસ્સાના ભાવ આવ્યા. એક શંકા પણ થઇ કે મનીષને પેન્થર વાળી વાતની તો ખબર નથી પડી ગઈ ને? કપાળમાં કરચલીઓ પડી અને બોલ્યો.

“Would you please stop beating around the bush and come to the point, Manish?”

“Don’t get worked up, Jaydev. થોડી ધીરજ રાખ અને ઠંડા કલેજે હું જે કહું એ સાંભળ.” મનીષે કહ્યું.

એણે આગળ ચલાવ્યું …

“હમણાં હાઈ ટાઇડ હતી ત્યારે મારી વાઈફ પાછળ પડી કે મને મરીન લાઈન્સ લઇ જાવ. આટલો વરસાદી માહોલ અને ૮-૧૦ ફૂટ ઊંચા ઉછળતા મોજા જોવાનો મોકો એમ ઓછો ચુકી જવાય? જો ભાઈ હું તો આવી ફરમાઇશ આવે એની રાહ જ જોતો હોઉં. બધા કામ-ધંધા બંધ કરીને મેડમ ને લઇ આ બંદા મરીન લાઈન્સ પર ગયા. મકાઈના ગરમ ગરમ ડોડા માણતા મસ્તી કરતા હતા ને મારું ધ્યાન રોડની બીજી બાજુ પર ગયું. ઓ માં … યાર મારા માનવામાં ના આવ્યું. આપણો આર્યન અને ભારદ્વાજની છોકરી શ્વેતા બંને પેલા મેક્ષિકન રેસ્ટોરંટમાં થી સાથે બહાર આવતા જોયા. બંને જુવાનીયાઓ ની હાલ-ચાલ જોઈ મને એવું લાગ્યું કે એ બે વચ્ચે એક નોર્મલ ફ્રેન્ડશીપ કરતા કૈક વિશેષ છે. જો ભાઈ, આ તો અનુભવી આંખો થી જોએલી વાત કરું છું. માનવી- ના માનવી તારી મરજી. મારી ફરજ હતી કે તને જણાવું. બાકી તું જાણે.”

જે.પી. નો શ્વાસ હેઠો બેઠો. મનીષનો આભાર માન્યો.

મનીષના ગયા પછી આપો આપ જ એના મોઢામાં થી “થેંક ગોડ” શબ્દો નીકળી ગયા. જે.પી. વિચારતો રહ્યો કે જે કઈ સંજોગો ઉભા થઇ રહ્યા છે એ કુદરતનો જ કોઈ સંકેત છે. પહેલા આર્યનનું બચી જવું અને હવે ભારદ્વાજ પરિવાર સાથે ટીપુંય લોહી રેડ્યા વગર ધારેલું કામ પાર પડવાની અપાર શક્યતાઓ સામે ચાલી ને આવવી એ ઈશ્વરની અનુકંપા નહિ તો બીજું શું હોય શકે. એક આત્મસંતોષની ભાવના સાથે એણે ઇન્ટરકોમ પર રૂબી ને કહ્યું “I am calling it a day. Please ask the driver to be ready”.

……. New addition ………

સલોની ઇન્ડિયા થી પાછી આવ્યા બાદ એકદમ ખુશ મિજાજ રહેતી હતી. વિના કારણ મલકવું, નાની અમસ્તી વાતમાં પણ જોર જોર થી હસવું, દિવસમાં અનેક વાર ડ્રેસ ચેન્જ કરવા, વારે ઘડીએ અરીસા સામે ઉભા રહી પોતાના સૌન્દર્યને નિહાળતા રહેવું, ઢગલો સેલ્ફી લેવી, અચાનક રોહિણીને વળગી એના ગાલ ચુમ્મીઓ થી ભરી દેવા….. .. રોહિણી એની વ્હાલસોયી દીકરીમાં આવેલ બદલાવ આનંદ સાથે જોયા કરતી.

આર્યનની હાલત કફોડી હતી. એના વોટ્સ-એપ એકાઉન્ટ પર સલોનીએ લીધેલી સેલ્ફીનો વરસાદ અવિરત વરસતો રહ્યો. શરૂઆતમાં થોડા પિક્ચર પર “Gorgeous – Smarty – Cutieee” વિગેરે પ્રતિભાવ મને-કમને આપ્યા પણ પછી આર્યનના પ્રતિભાવ જેમ જેમ જુજ અને શુષ્ક થવા માંડ્યા એમ એમ સલોનીનો ઉત્પાત વધવા માંડ્યો. “Hi Baby, My bachchu, Why you are so unromantic, Come on darling, say something” આવા મેસેજ થી આર્યનનું ઇન બોક્ષ ઉભરાતું રહ્યું. સલોનીની લાગણીઓ વધતી ગઈ એમ એમ માંગણીઓ પણ વધતી ગઈ. આર્યનને લાગ્યું કે હવે જો જલ્દી ચોખવટ નહિ કરે તો વાત વધુ વણસસે. કોઈ મુગ્ધાનું દિલ તોડવા માટે સિંહનું કલેજું જોઈએ. ખુબ હિંમત એકઠી કરી આર્યને સલોનીને ફોન લાગવ્યો.

મોબાઈલના સ્ક્રીન પર “Sweet heart” નામ ફ્લેશ થતા જ સલોની ઉત્તેજનાની મારી ચીસ પાડી ઉઠી. એકદમ લહેકા સાથે આર્યનનું અભિવાદન કર્યું “Oh my dear, I can’t believe my senses. Is that you?” સલોનીના અવાજમાં જેટલો રણકો હતો, જેટલી ઉત્સુકતા હતી એટલી જ સામે છેડે શુષ્કતા, નીરસતા આર્યનના અવાજમાં પડઘાઈ રહી હતી. દર્દસભર અને ગુનાહિત અવાજમાં આર્યને કહ્યું “સલોની, please don’t get me wrong but I consider you as my good friend only, nothing more than that. I, in fact, wanted to tell you this when you were leaving India but you did not give me a chance to spell it out. I am extremely sorry if I have unknowingly hurt you”

આ સાંભળતા જ સલોનીના પગ તળે થી જમીન સરકી ગઈ. હજારો વિછીઓ જાણે એને ડંસી રહ્યા હતા. ફોન disconnect પણ નહોતો થયો અને સલોની ફર્શ પર ફસડાઈ પડી. એના હીબકા રોકાવાનું નામ નહોતા લેતા. રોહિણી આજ વખતે સલોનીના રૂમમાં દાખલ થઇ અને સલોનીની હાલત જોઈ ૧૦૦૦ વોટ્સનો ઝટકો લાગ્યો હોય એમ ત્યાં જ ખોડંગાઈ ગઈ. “શું થયું દીકરા? મને કૈક કહીશ તો મને ખબર પડશે ને? કોણે તારું દિલ દુભાવ્યું? મને કહે તો ખરી …. જેણે આ કર્યું છે એને હું છોડીશ નહિ.”

સલોની રોહિણીના આગોશમાં હીબકા ભરતી રહી ….. રોહિણી એના માથે મમતા ભર્યો હાથ પ્રસારતી રહી ….. રોહિણીએ મનોમન નક્કી કરી લીધું કે જેણે મારી ફૂલ જેવી દીકરીને ઠેસ પહોચાડી છે એની જીંદગી દોજખ ના બનાવી તો મારું નામ રોહિણી નહિ ……………………………

ક્રમશ: — રાજેન્દ્ર જોષી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED