ઝંઝા અને જીવન - 6 Ganesh Sindhav (Badal) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઝંઝા અને જીવન - 6

ઝંઝા અને જીવન

(લઘુનવલકથા)

ગણેશ સિન્ધવ

‘બાદલ’


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


કમલ આ ઉનાળુ વેકેશન બાદ બારમા ધોરણમાં પ્રવેશ કરશે. એ ઘરના આ કંકાશથી ત્રસ્ત છે. એ સૂવા એની રૂમમાં ગઈ. એને ઊંઘ આવતી નહોતી.

મધુસૂદન અને અનુબહેન પોતાના શયનખંડમાં જઈને સૂતાં. ઊંઘ એમની વેરણ બની હતી. વિચારના વમળમાં રાત પસાર થઈ. આપઘાતનો વિચાર એમને ઘેરી વળ્યો.

સુનિતાને થોમસના વિરહની પીડા હતી. એને ઊંઘ દૂરની વસ્તુ બની ગઈ હતી. એની નજર સામેથી થોમસ ખસતો નહોતો. એણે થોમસને આપેલું વચન યાદ આવતું હતું. એને થતું કે મારાથી વચન ન પાળવાની બેઈમાની કઈ રીતે થઈ શકે ?

અનુબહેન પાંચ વાગે પથારીમાંથી ઊભાં થઈને રસોડામાં ગયાં. એમણે ચા બનાવી. ઓવનમાં બ્રેડ ગરમ કરી. મધુસૂદનને ચા નાસ્તા માટે બોલાવ્યાં. કમલને જગાડીને એની સાથે સુનિતાનો ચા નાસ્તો મોકલ્યો. કમલ બારણું ખોલીને અંદર ગઈ. સુનિતાની આંખો બંધ હતી. કમલે એને જગાડીને એની ટિપોઈ પર ચા-નાસ્તો મૂક્યો.

સુનિતા કહે, ‘‘મારે નાસ્તો કરવો નથી. ચા પીવી નથી. મને નિરાંતે સૂવા દે.’’ કમલે ચા-નાસ્તો પાછો લાવીને રસોડામાં મૂક્યો.

અનુબહેન એમની બહેનપણી વસુધાબહેનના ઘરે પહોંચ્યા. સુનિતા દ્વારા ઘરમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ હકીકત વસુધાને કહી, વસુધાબહેન મેડિસિન લેબોરેટરીની ડાયરેક્ટર હોવાથી અનુબહેને એને કહ્યું.

‘‘તારી લેબોરેટરીમાંથી મને તું ઝેરની બે શીશીઓ આપ. એ બન્ને શીશીઓ બોક્ષમાં પેક હોવી જરૂરી છે, મારે ઘરમાં નાટક ભજવવું છે. નાટક પૂરું થથાં તારી બન્ને શીશીઓ તને પરત મળી જશે એની સો ટકા હું ખાતરી આપું છું.’’

વસુધા કહે, ‘‘અનુ, ઝેરના પારખાં ન કરાય એને નાટકમાં ઉતારવું એ પણ જોખમ છે. લેબોરેટરીના કબાટમાંથી એ શીશીઓ બહાર કાઢવી એ પણ ખતરો છે. એ શીશીઓ તને હું આપું ને કબાટમાં યથાસ્થાને પરત ન મૂકું ત્યાં સુધી મારાથી જંપીને બેસાશે નહીં, આમ છતાં તુ મારી ખાસ બહેનપણી હોવાથી તને ના પાડતી નથી, તારે મને તારા નાટાકનું લખાણ આપવું પડશે, શીશીઓ પાછી મળ્યેથી એ લખાણ તારી સામે જ હું ફાડી નાખીશ. આ કાગળમાં હું બોલું એ રીતે લખીને મને આપ.’’

તા.૧૫-૧૨-૨૦૧૧

અનુબહેન એમ. દવે લખી આપું છું કે મારે નાટકના પ્રયોગ માટે ઝેરની બે શીશીઓની જરૂર છે. એ મને વસુધાબહેન ભટ્ટ તરફથી મળી છે. તેનો કોઈ પ્રકારે દુરુપયોગ નહીં થાય. એ બાબતની બાંહેધરી આપું છું. આવતીકાલે પરત આપી જવાની ખાતરી આપું છું.

લિ. અનુ એમ. દવે

ઝેરની બન્ને શીશીઓ લઈને અનુબહેન ઘરે આવ્યાં. બપોરની રસોઈ કમલે તૈયાર રાખી હતી. અનુબહેન મધુસૂદનને એક બાજુ બોલાવીને નાટકના પ્રયોગની યોજના સમજાવી દીધી. કમલે રસોઈના વાસણો ડાઈનિંગ ટેબલ પર મૂક્યાં, અનુબહેને સુનિતાને બોલાવવાં માટે કમલને મોકલી. કમલ કહે, ‘‘ચાલ તને મમ્મી બોલાવે છે.’’

સુનિતા કહે, ‘‘મારે નથી આવવું. તું અહીંથી જા, મને અહીં જ પડી રહેવા દે.’’

કમલે પરત આવીને એની મમ્મીને કહ્યું, ‘‘એ અહીં આવવાની ના પાડે છે.’’

અનુબહેન કહે, ‘‘એ ભલે ન આવે આપણે જમી લઈએ. જમ્યાં પછીથી મધુસૂદન, અનુબહેન મુખ્ય રૂમના સોફા પર બેઠાં. એમણે કમલને બોલાવીને બાજુમાં બેસાડી ઝેરની બન્ને શીશીઓ એના હાથમાં મૂકીને કહ્યું,

‘‘કમલ, આ બૉક્સમાંથી શીશીઓ બહાર કાઢ એની પર જે લેબલ છે એ વાંચ.’’ કમલે લેબલ વાંચ્યું ને બોલી, ‘‘મમ્મી આમાં તો કાતિલ ઝેર છે !’’

અનુબહેન મોટા અવાજથી કહ્યું, ‘‘એક શીશી મારા માટેની છે બીજી તારા પપ્પા માટે છે. આજે જ હું ખરીદીને લાવી છું. અમે બન્નેએ નિર્ણય કરી લીધો છે. અમારે આ જગતમાંથી વિદાય થવું એ જ અમારા માટેનો રસ્તો છે. સુનિતાએ તો એના લગ્ન અંગે નક્કી કરી લીધું છે. તું પણ તને ઠીક લાગે એ છોકરા સાથે લગ્ન કરી લેજે. હવે પછીથી અમારી આડખીલી તમારી વચ્ચે રહેશે નહીં. અમારી રાજીખુશીથી અમે મોતને વહાલું કર્યું છે. એવી આ ચિઠ્ઠી મૂકીને અમે તમારાથી વિદાય થઈએ છીએ.’’ એટલું બોલીને અનુબહેને કમલના હાથમાં ચિઠ્ઠી મૂકી.

‘‘અમે અમારી મરજીથી આપઘાત કર્યો છે. અમારા મૃત્યુબાદ કોઈને દોષિત ગણવાં નહીં.’’ લિ. મધુસૂદન દવે અને અનુબહેન દવે.

ઝેરની શીશીઓ ટિપોઈ પર મૂકીને કમલે ચિઠ્ઠી વાંચી, એ પછીથી એનું રડવું રોકાયું નહીં, મોટા અવાજથી એ રડવા લાગી. અનુબહેનની આંખમાંથી અશ્રું ટપકતાં હતાં. મધુસૂદન પણ રડતા હતા. એમને છાનાં રાખવાવાળું અહીં કોઈ નહોતું, કમલ એની મમ્મીને વળગી પડી, એક સાથે રોકકળનો અવાજ સાંભળીને સુનિતાને થયું, કે કંઈક અજુગતું બની રહ્યું છે. તેથી તે બહાર આવી. એણે કમલને રડવાનું કારણ પૂછ્યું, તો એ કંઈ બોલતી નહોતી, એણે ટિપોઈ પર હાથ લંબાવીને શીશીઓ બતાવી. એ સુનિતાએ જોઈ. એમાં ઝેર હોવાની એને ખાતરી થઈ. એણે ચિઠ્ઠી પણ વાંચી.

અનુબહેને રડતાં રડતાં ઊભાં થઈને સુનિતાના હાથમાંથી બોક્સ લઈ લીધાં. કમલનું રડવાનું ચાલુ જ હતું. મધુસૂદન રૂમાલ વડે પોતાના આંસુ લૂછતાં હતાં, સુનિતાએ કમલના ખભા પર હાથ મૂકીને કહ્યું.

‘‘તું, રડવાનું બંધ કર, આપણે બધાં જ ભાણવડ જઈશું હું પણ દેશમાં આવીશ.’’ પછી મમ્મી પપ્પા સામે ફરીને એ બોલી.

‘‘પપ્પા, હું તમારી સાથે જ દેશમાં આવીશ. તમારી યોજના મુજબ મારા લગ્ન કરવા માટે મને વાંધો નથી.’’ ધીરેધીરે એના મમ્મી પપ્પા શાન્ત થયાં. સુનિતા સ્નાન માટે બાથરૂમમાં ગઈ. કપડાં બદલીને એ રસોડામાં પહોંચી. એણે ઓવનમાં બ્રેડ ગરમ કરી. ચા સાથે નાસ્તો કર્યો. એ સ્વસ્થ બની.

બીજા દિવસે અનુબહેન વસુધાના ઘરે પહોંચ્યાં બન્ને બૉક્સ જેવાં લીધાં હતાં તેવાં જ પરત કર્યા, વસુધાએ પૂછ્યું,

‘‘અનુ, તારું નાટક કેવું રહ્યું.’’ અનુબહેન કહે, ‘‘ખૂબ સફળ.’’ અમણે વસુધાનો આભાર માન્યો. બન્ને સખીઓએ ખૂબ વાતો કરી.

અનુબહેને સુનિતાના માથે હાથ ફેરવીને કહ્યું, ‘‘તું ન માની હોત તો તારા પપ્પાએ અને મેં આપઘાત કરવાનું નક્કી કર્યું હતું. તારી જીદ છોડીને તેં અમને બચાવી લીધાં છે. દેશમાં આપણા ઘરની આ ઘટનાની જાણ કોઈને થાય નહીં એની કાળજી આપણે બધાંએ રાખવી જરૂરી છે. આજે આપણે બધાંએ તારા માટે પાંચેક લાખ રૂપિયાના દાગીના ખરીદવા જવાનું છે, તારી પસંદગી મુજબ ખરીદી થશે.’’

સુનિતાને વિચાર આવ્યો હતો. મારા કારણે મારા મા-બાપ અંતિમ પગલું ભરવાં તૈયાર થયાં છે. તેથી એમને મારે રોકવાં જોઈએ. મારે ઈન્ડિયા જવું જોઈએ, આથી એ ઈન્ડિયા જવા તૈયાર થઈ છે. એનું અંતકરણ તૈયાર નહોતું, થોમસના વિયોગની એને મોટી વેદના છે. ઈન્ડિયા જવા માટે હવે ગણતરીના કલાકો બાકી છે. જતાં પહેલાં એને થોમસને મળવાની ઈચ્છા છે તેથી એણે અનુબહેનને કહ્યું.

‘‘મમ્મી, હું થોમસને મળવા માંગુ છું. દોઢ બે કલાકમાં પરત આવી જઈશ.’’

અનુબહેન કહે, ‘‘હજી આપણે નાસ્તો બનાવીને પેક કરવાનું મોટું કામ બાકી છે, થોમસને મળવાં માટે સમય બગાડવો ઉચિત નથી.’’

સુનિતાએ કહ્યું, એ કામ હું રાતે કરીશ. અનુબહેન કહે, જા પણ કમલને સાથે લેતી જા.

એ કહે, ‘‘ના હું એકલી જઈશ.’’ એણે થોમસને ફોન કર્યો. ‘‘હું તને મળવા માટે આવું છું.’’ એ સાથે એણે ગાડી હંકારી મૂકી.

એ થોમસને મળી. છેલ્લા દશ દિવસની ઘટનાને કારણે સુનિતાને જે કષ્ટ પડ્યું હતું એથી એની શારીરિક હાલત બગડી હતી. એનું મુખારવિન્દ નિસ્તેજ બન્યું હતું. એને જોઈને થોમસ કહે, ‘‘તારી આવી હાલત શા કારણે બની ?’’

સુનિતાએ હકીકત કહી ને એ આગળ બોલી, ‘‘હું ઈન્ડિયા જાઉં છું. ત્યાં મારા લગ્ન માટે અમારી જ્ઞાતિના મુરતિયાને આમંત્રિત કરવા છાપામાં જાહેરાત અપાશે. એ બધાંનો ઈન્ટરવ્યુ લેવાનું હું નાટક કરીશ, કોઈ ઉમેદવારને હું પસંદ નહીં કરું, મારી પસંદગી એકમાત્ર થોમસ છે. મેં તને આપેલું વચન પાળવા માટે હું વચનબદ્ધ છું.’’

થોમસ કહે, ‘‘સુનિતા, ગયા રવિવારે તને મળવાં માટે હું તારા ઘરે આવ્યો હતો. અનુબહેને મને તારા ઘરના દરવાજા આગળથી પાછો કાઢ્યો હતો. અહીં મને કોઈ સાંત્વના આપનાર નહોતું. મારી આ ગેલેરીના છોડના ફૂલ પવનથી ડોલતાં હતાં. એ કહેતાં હતાં. ‘‘સુનિતા તને જરૂર મળશે.’’ તું ઈન્ડિયા જાય છે એ મારા માટે મોટી સજા છે. તું જલદીથી પાછી આવી જજે.’’

સુનિતા કહે, ‘‘હું અહીં પાછી નહીં આવું તારે ઈન્ડિયા આવવાનું છે. તું મને ઘણીવાર કહેતો હતો કે મારે ઈન્ડિયા જોવું છે. આપણે ઈન્ડિયામાં સાથે રહીને જીવીશું. ત્યાંની ગરીબ વસતીના વિકાસ માટે કામ કરીશું. અમારા ગામ ભાણવડમાં મારા દાદા કૃપાશંકરની હું લડકી પૌત્રી છું. એ પણ ત્યાં ગરીબ લોકોના કામ કરે છે, એમણે મને ગાંધીજીની ઘણી વાતો કહી હતી. આપણાં લગ્ન માટે હું એમને કહીશ, એમના હાથે જ આપણાં લગ્ન થશે, એવો મને વિશ્વાસ છે.’’

થોમસની વિદાય લેતાં સનિતા રડવા લાગી. થોમસની આંખોમાંથી પણ આંસુડાં ટપકતાં હતાં. તે બન્ને જુદાં પડ્યાં.

અનુબહેને મધુસૂદનને કહ્યું, ‘‘સુનિતા થોમસને મળવા માટે ગઈ છે. એ જલદી આવે તો સારું. મને ચિંતા થાય છે.’’ મધુસૂદનને પણ એની ચિન્તા થવા લાગી. બન્ને પતિપત્નીની એક એક ક્ષણ કલાકોની લંબાઈની થવા લાગી. એમને થતું હતું કે સુનિતા થોમસ સાથે ભાગી જશે તો ? એટલામાં સુનિતાની કાર આવી પહોંચી. એના મમ્મી પપ્પાને હાશકારો અનુભવ્યો.