ડરના મના હૈ (DMH) - 29 Mayur Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડરના મના હૈ (DMH) - 29

ડરના મના હૈ

Darna Mana Hai-29 યુદ્ધકેદીઓની લાશો પર ઊભેલો બ્રીજ

લેખકઃ મયૂર પટેલ. ફોનઃ ૦૯૫૩૭૪૦૨૧૩૧

૧) યુદ્ધકેદીઓની લાશો પર ઊભેલો બ્રીજ

થાઈલેન્ડના પાટનગર બેંગ્કોકથી પશ્ચિમ દિશામાં ૯૦ માઈલ જતાં કાંચનબુરી નામનું સ્થળ આવે છે. આ સ્થળેથી ‘ક્વાઈ’ નામની મધ્યમ પહોળાઈ ધરાવતી નદી વહે છે. આ નદી પર આવેલા એક પુલની આસપાસ અનેક ભૂતો દેખાતાં હોવાનું કહેવાય છે. બહુ જાણીતા એવા આ પુલની ઐતિહાસિક તવારીખથી પરિચિત થવા માટે ઈતિહાસમાં ડૂબકી મારવી પડશે.

બીજા વિશ્વયુદ્ધનો એ સમય

૧૯૪૦ના દાયકાના શરૂઆતના વર્ષો હતા. યુરોપ બીજા વિશ્વયુદ્ધની ચપેટમાં સપડાયું હતું. રહીરહીને અમેરિકાએ પણ યુદ્ધમાં ઝંપલાવ્યું હતું. યુરોપી મોરચે જ્યાં જર્મનીએ પોતાના પડોશી દેશોને ખેદાનમેદાન કરી નાખ્યા હતા ત્યારે તેના પક્ષે રહીને લડતા જાપાને એશિયાની ધરતી ધમરોળી નાખી હતી.

ચીન, બર્મા, થાઈલેન્ડ, સિંગાપોર, હોંગકોંગ, મલેશિયા, ઈન્ડોનેશિયા સહિતના તમામ દક્ષિણ-પૂર્વીય એશિયાઈ દેશો પર હુમલા કરી જાપાને ભારે આણ વર્તાવી હતી. પોતાના સામ્રાજ્યને સમગ્ર એશિયામાં ફેલાવી દેવાની જાપાનની મેલી મુરાદ હતી. અગાઉ નોંધ્યા એ દેશોને યુદ્ધમાં હરાવી જાપાને ભારત ઉપર ડોળો માંડ્યો હતો. ભારત પર એ સમયે અંગ્રેજોનું રાજ હતું એટલે પણ જાપાનને જર્મનીના દુશ્મન ઈંગ્લૅન્ડને પરાસ્ત કરી ભારત પર કબજો જમાવવાનું બહુ મન હતું, પરંતુ સેનાને જમીન માર્ગે ભારત સુધી પહોંચાડવી ભારે કઠિન હતું, કેમકે બર્મા-થાઈલેન્ડનો ભારત સાથે અડીને આવેલો સરહદી પ્રાંત પર્વતાળ હતો અને ઘનઘોર જંગલોથી છવાયેલો હતો. ત્યાંનું હવામાન અત્યંત દુષ્કર હતું. ભારે વરસાદને લીધે સમૃદ્ધ થયેલા અહીંના ઘટાટોપ જંગલોમાં જીવલેણ મલેરિયા ફેલાવતા મચ્છરોનો ભારે ત્રાસ હતો. આવી વિષમ ભૂગોળને ચીરતી રેલવે લાઈન નાખવાનું જાપાને નક્કી કર્યું. ભારત પર કબજો જમાવવો હોય તો સૈનિકો અને માલસામાનના પરિવહન માટે રેલવે લાઈન નાખવી અનિવાર્ય હતું. જાપાની એન્જિનિયરોએ મહામુશ્કેલ એવા આ પ્રોજેક્ટની ચેલેન્જ ઉપાડી લીધી. ભારે ખર્ચો કરીને ૧૯૪૨માં કુલ ૨૬૦ માઈલ લાંબી રેલવે લાઈન નાખવાનું શરૂ કરવામાં આવ્યું.

હજારોનો જીવ લેનારી રેલવે લાઇન

એશિયાભરમાં જાપાને લાખો યુદ્ધકેદીઓને જેલમાં પૂરી રાખ્યા હતા. એ જ યુદ્ધકેદીઓને મજૂર બનાવવામાં આવ્યા. જંગલો કાપવામાં અને પહાડો તોડવામાં સેંકડો સૈનિકો જાન ગુમાવવા લાગ્યા. વિષમ વાતાવરણ, કમરતોડ મહેનત અને અપૂરતા ખોરાકને લીધે કુપોષણનો ભોગ બનેલા મજૂરોનો મૃત્યુઆંક રોજ-બરોજ વધતો ચાલ્યો, પરંતુ જાપાનીઓને તેમની કોઈ ચિંતા નહોતી. દરમિયાન ચોમાસું બેઠું અને અધૂરું હતું તે કામ મચ્છરોએ પૂરું કર્યું. મલેરિયાનો ભોગ બનીને હજારો મજૂરો મરણને શરણ થઈ ગયા. મરેલા યુદ્ધકેદીઓના શબોનો સામૂહિક નિકાલ કરી દેવામાં આવતો અને તેમને બદલે જીવતા નરકમાં ધકેલવા માટે બીજા યુદ્ધકેદીઓ મગાવી લેવાતા હતા.

બર્મા અને થાઈલેન્ડ થઈને પૂર્વ ભારત સુધી પહોંચતી રેલવે લાઈન પૂરી કરવા માટે પાંચ વરસ જેટલા લાંબા સમયની જરૂર હતી, પરંતુ જાપાન પાસે સમય જ તો નહોતો. જાપાની સેનાએ ફક્ત અને ફક્ત ૧૩ જ મહિનામાં આ પ્રોજેક્ટ પૂરો કરી દેવાનો ટાર્ગેટ રાખ્યો હતો (જે તેમણે મહદંશે પૂરો કરી પણ દેખાડ્યો!) અને એ માટે જે કોઈ પગલાં લેવાં પડે એ લેવાની સેનાને છૂટ હતી.

મજૂરો પાસેથી મહત્તમ કામ લેવા માટે તેમને જાનવરોની જેમ કામમાં જોતરવામાં આવતા. કામમાં ધીમા પડનારને ચાબુક વડે ફટકારવામાં આવતા અને ઘવાયેલા મજૂરો જો વધારે કામ આપવામાં અસમર્થ જણાય તો તેમને ગોળીથી વીંધી દેવામાં આવતા. માંદા પડવાનું કોઈને પરવડે એમ નહોતું, કેમ કે ‘માંદા પડ્યા તો મર્યા’નો નિયમ હતો. તબીબી સારવાર આપીને સમય અને પૈસા બરબાદ કરવાને બદલે બીમાર મજૂરને મોત આપી દેવામાં આવતું. રાત-દિવસની શિફ્ટમાં બાંધકામ ચાલતું અને ટાર્ગેટ પૂરો કરવા માટે જાપાની સૈનિકોએ માનવતા કોરાણે મૂકી દઈને ક્રૂરતા આચરવા માંડી. કેટલાય સૈનિકો એટલી હદે ઈજાગ્રસ્ત કે બીમાર બનતા કે રાતે સૂતા તો સવારે મૃત અવસ્થામાં મળી આવતા.

‘ક્વાઈ’ નદી પર એ સમયે લાકડાનો મજબૂત પુલ બનાવવામાં આવ્યો હતો. (હવે ત્યાં લોખંડનો વધુ મજબૂત પુલ ઊભો છે). સમગ્ર રેલવે લાઈન તૈયાર થાય તે પહેલાં જ કુલ મળીને ૧ લાખ જેટલા યુદ્ધકેદીઓ તનતોડ મજૂરી કરી કરીને મોતને શરણ થઈ ગયા હતા, જેમાં ૧૬૦૦૦ જેટલા યુદ્ધકેદીઓ ઑસ્ટ્રેલિયા, બ્રિટન, અમેરિકા અને નેધરલેન્ડના હતા. બાકીના ભારત, બર્મા, મલેશિયા, ઈન્ડોનેશિયા, ચીન અને થાઈલેન્ડના યુદ્ધકેદીઓ અને સિવિલિયનો હતા.

જ્યારે જાપાનના પાસા અવળા પડ્યા

જાપાની સૈન્યની ભારત સુધી પહોંચવાની મેલી મુરાદ પૂરી થાય એ પહેલાં જ અમેરિકાએ સપાટો બોલાવ્યો અને એશિયાના તમામ મોરચે જાપાનને કારમી પછડાટ આપી. અમેરિકન સેનાએ ક્વાઈ નદી પર બનેલા પુલને પણ બૉમ્બ વડે ઉડાડી દીધો. વિશ્વયુદ્ધ પૂરું થયા બાદ જાપાની સેનાના કાળા કેરનો ભોગ બનેલા યુદ્ધકેદીઓની મોટા પ્રમાણમાં લાશો મળી આવી હતી. સેંકડોની સંખ્યામાં ઢગલો કરીને જમીનમાં દટાયેલાં હાડપિંજરો મળી આવ્યાં હતા. ક્રૂર મોતને ભેટેલા એ જ સૈનિકોનાં પ્રેત વર્ષોથી ક્વાઈ નદીના એ પુલની આસપાસ જોવા મળી રહ્યાં હતા.

આ સમગ્ર ઘટનાક્રમ પરથી હોલીવુડમાં એલેક ગિનિસ અભિનીત એક અદ્‍ભુત ફિલ્મ ‘બ્રીજ ઑન ધી રિવર ક્વાઈ’ નામે બની હતી. ફિલ્મમાં જાપાની સૈન્યના અત્યાચારનું રૂંવાડાં ઊભાં કરી દેતું ચિત્રણ થયું છે. હાલમાં રિવર ક્વાઈ બ્રીજની ઘટનાને લઈને તે સ્થળે આખો બિઝનેસ વિક્સી ચૂક્યો છે. દર વર્ષે પાનખર ઋતુમાં ૧૦ દિવસના રિવર ક્વાઈ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે, જેમાં રાતના સમયે પુલની આસપાસ સાઉન્ડ ઈફેક્ટ અને લાઈટિંગ દ્વારા યુદ્ધનો માહોલ ઊભો કરી પ્રેક્ષકોને મનોરંજન અને રોમાંચ પૂરો પાડવામાં આવે છે. નદીનાં પાણીમાં બોટિંગની સગવડ છે અને બ્રીજની છાપવાળા ટી-શર્ટ, કેપ અને કોફી મગ જેવા સુવિનિયરનું આખું બજાર વિકસી ચૂક્યું છે.

ક્વાઈ નદી પરના એ બ્રીજની મુલાકાતે આવનાર અનેક પ્રવાસીઓએ દાયદાઓ પહેલાં યાતના વેઠી વેઠીને મરી ગયેલા યુદ્ધકેદીઓનાં પ્રેત જોયાના દાવા કર્યા છે. રાતના સમયે પુલની આસપાસના વિસ્તારમાં ઈજાગ્રસ્ત પ્રેતો ફરતા જોવામાં આવ્યાં છે. ઘણા પ્રવાસીઓએ તો કુતૂહલવશ આવા પ્રેતોનો જંગલમાં પીછો કર્યો હોય એવા કિસ્સા પણ નોંધાયા છે. પુલની આસપાસ મૃત યુદ્ધકેદીઓની ચીસો સંભળાતી હોવાના દાવા પણ વખતોવખત થતા રહ્યા છે. યુદ્ધકેદીઓના પ્રેત દેખાતાં હોવાની વાતે જ વધુ ને વધુ પ્રવાસીઓ રિવર ક્વાઈ બ્રીજની મુલાકાતે ખેંચાઈ આવે છે.

૨) લેક હવાસુ બ્રીજ, ઇંગ્લેન્ડઃ પથ્થરોમાં વસેલી ભૂતાવળ

લંડનની વિખ્યાત થેમ્સ નદી ઉપર ઈ.સ. ૧૮૩૧માં એક ઐતિહાસિક પુલ બનાવાયો હતો. દાયકાઓ સુધી લંડનની જનતાનાં વપરાશમાં આવેલો આ પુલ કાળક્રમે જર્જરિત થવા લાગ્યો હતો. સન ૧૯૬૦માં લંડન નગરપાલિકાએ પુલની પરિસ્થિતિનો અભ્યાસ કર્યો ત્યારે તેમને જણાયું કે પુલ વધુ ટકે એમ નથી. તાત્કાલિક પુલને વેચવા કાઢવામાં આવ્યો પરંતુ પુલને ખરીદનાર મેળવવામાં બે વર્ષ લાગી ગયાં. ૧૯૬૨માં એક ખાનગી કંપનીએ પુલને ખરીદી લીધો. પુલની મરમ્મત કરી તેને ફરી વાર ઉપયોગમાં લેવાનું મુશ્કેલ હોવાથી પુલને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો. ભારે કાળજીપૂર્વક પુલને તોડવાની કામગીરી આરંભાઈ. ધીમે ધીમે કરીને એક એક પથ્થર છુટો પાડવામાં આવ્યો. આ જ પથ્થરોને ફરી વાર વ્યવસ્થિત રીતે વાપરી નવો પુલ બંધાવાનો હતો એટલે નવા પુલને પણ ઐતિહાસિક દેખાવ મળે એટલા માટે પથ્થરોની જાળવણી જરૂરી હતી. એકેએક પથ્થર પર નંબર લખવામાં આવ્યો કે જેથી તેમની ફરી વાર ગોઠવણી થાય ત્યારે તેમનું સ્થાનફેર ન થાય.

આટઆટલી કાળજી બાદ થેમ્સ નદીને કાંઠે ભેગા કરાયેલા નાના-મોટા પથ્થરોને એક જહાજમાં લાદી ‘લેક હવાસુ’ નામના નગરમાં લઈ જવાયા. આ નાનકડા નગરમાં આવેલી નદી ઉપર એ પથ્થરો વાપરી નવો પુલ બનાવવામાં આવ્યો. લંડનના મેયર દ્વારા ૧૯૭૧માં આ પુલનું ઉદ્ઘાટન થયું અને પુલ વપરાશ માટે ખુલ્લો મુકાયો.

હવે કહાનીમાં ટ્વિસ્ટ આવે છે. ઐતિહાસિક પુલના પથ્થરોની સાથે સાથે કેટલાક ભૂતો પણ લેક હવાસુ આવ્યા હતા! આ એ જ ભૂતો હતા જે પુલ જ્યારે લંડનની થેમ્સ નદી પર હતો ત્યારે તેના પથ્થરોમાં વસતા હતા. લેક હવાસુમાં નવો પુલ ખુલ્લો મુકાયાના બીજા જ દિવસથી અહીં ભૂતો દેખાવા લાગ્યા હતા. સાંજના સમયે જૂના જમાનાનાં બ્રિટીશ વસ્ત્રોમાં સજ્જ સ્ત્રીઓ અને પુરુષો પુલ પરથી પસાર થતાં દેખાતાં. સુસંસ્કૃત જણાતા એ પ્રેતો બહુ જ સહજ રહેતા અને હૂબહૂ જીવતા મનુષ્યો જેવાં લાગતાં. બહુ જ સ્વાભાવિકપણે ચાલતા જતાં એ પ્રેતો પોતાની જ દુનિયામાં ખોવાયેલા રહેતાં અને આસપાસનાં વાતાવરણથી તદ્દન અલિપ્ત રહેતાં. પુલ પરથી પસાર થતાં વાહનો અને જીવતા માણસો તરફ તેઓ સહેજ પણ ધ્યાન ન આપતા. પુલને છેડે પહોંચતા જ તેઓ અદૃશ્ય થઈ જતા, જાણે કે હવામાં ઓગળી જતા!

સ્થાનિક સુધરાઈએ ઐતિહાસિક તથ્યો ચકાસ્યાં ત્યારે તેમને એ પુલ પર થતાં ભૂતોનાં રહસ્ય વિશે સાચી હકીકત જાણવા મળી. થેમ્સ નદી પર મૂળ જ્યારે પુલ બનતો હતો ત્યારે રાજદ્રોહ માટે મૃત્યુદંડની સજા પામેલા કેટલાક સ્ત્રી-પુરુષોને એ પુલનાં પાયામાં જીવતા દાટી દેવામાં આવ્યા હતા. સજા પામેલામાં મોટાભાગનાં ઉચ્ચ વર્ગમાંથી આવતા હતા. એ અભાગિયા લોકોનાં જ પ્રેત પછીથી લંડનનાં એ બ્રીજનાં પથ્થરોમાં વસી ગયા હતા અને ત્યાંથી પછી તેઓ લેક હવાસુ આવી ગયા હતા.

લેક હવાસુનાં પુલ પર થતી આ ભૂતાવળને વીતેલાં વર્ષોમાં ભારે પ્રસિદ્ધિ મળી અને અહીં આવનારા મુલાકાતીઓની સંખ્યામાં વર્ષોવર્ષ વધારો થતો ગયો. ભૂતાવળની રોકડી કરી લેવા માટે સ્થાનિક ગાઈડો દ્વારા ‘ધી લંડન બ્રીજ હિસ્ટોરીકલ ઘોસ્ટ વૉક’ નામની ટૂરનું આયોજન કરવાનું શરૂ કરવામાં આવ્યું જેને ભારે લોકચાહના મળી. બ્રીજની મુલાકાત દરમ્યાન કોઈ પ્રેત જોવા મળે કે ના મળે પરંતુ એ ઐતિહાસિક પુલની મુલાકાત પ્રવાસીઓને ભારે રોમાંચ પૂરો પાડે છે. આજે પણ દરરોજ સાંજે છ વાગ્યાને ૩૦ મિનિટે લેક હવાસુના એ પુલ પર ઘોસ્ટ ટૂરનું આયોજન કરવામાં આવે છે.

૩) ધ રિચમન્ડ બ્રીજ, ઑસ્ટ્રેલિયાઃ જ્યોર્જ ગ્રોવરનું ભૂત

ઑસ્ટ્રેલિયાના તાસ્માનિયા પ્રાંતમાં હોબાર્ટ શહેરથી ૨૫ કિલોમીટર ઉત્તરે આવેલા નગર રિચમન્ડમાં એક પુલ આવેલો છે. ‘ધ રિચમન્ડ બ્રીજ’ નામે ઓળખાતો આ પુલ ઑસ્ટ્રેલિયાના હાલમાં વપરાશમાં લેવાતા પુલોમાં સૌથી જૂનો છે. છેક ઈ.સ. ૧૮૨૫માં આ ઐતિહાસિક પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

વર્ષ ૨૦૦૫માં ઑસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય હેરિટેજ સ્મારકોમાં આ પુલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સેન્ડ સ્ટોનમાંથી બનેલો આ પુલ ‘કોલ’ નદી પર બનાવવામાં આવ્યો છે. એ જમાનામાં કંઈક એવી રીત-રસમો હતી કે જાહેર બાંધકામો માટે જેલની સજા ભોગવતા કેદીઓને મજૂરીકામે લગાડવામાં આવતા જેની પાછળ સસ્તી મજૂરીનો આશય રહેતો. સુંદર કમાનો ઉપર ટકેલો રિચમન્ડ બ્રીજ તેની આસપાસ આવેલી લીલીછમ વનરાજીભરી ટેકરીઓને લીધે એક રમણીય સ્થાન લાગે છે. ઘણા પ્રવાસીઓ ઑસ્ટ્રેલિયાનો સૌથી જૂનો પુલ હોવાથી તેની ભવ્યતા અને મજબૂત બાંધણીની ઝાંખી કરવા રિચમન્ડ આવે છે, તો ઘણા આ પુલ પર જ્યોર્જ ગ્રોવરની એક ઝલક મેળવવા આવે છે. જ્યોર્જને જોવા માટે ફક્ત રાતે જ આ પુલ પર જવું પડે છે, કેમ કે જ્યોર્જ કોઈ જીવિત વ્યક્તિ નહીં, પરંતુ એક ભૂત છે!

જ્યોર્જનું ભૂત રિચમન્ડ બ્રીજ પર શા માટે આવે છે એની એક રસપ્રદ કહાની છે. ઈ.સ. ૧૮૨૧માં ચોરી કરવાના ગુના હેઠળ જ્યોર્જ ગ્રોવર તાસ્માનિયાની એક જેલમાં સજા કાપી રહ્યો હતો. તેને ચાર વર્ષની સજા સંભળાવવામાં આવી હતી. ૧૯૨૫માં જ્યારે તેની સજા પૂરી થઈ ત્યારે રિચમન્ડ બ્રીજનું બાંધકામ ચાલુ હતું. જેલના કેદીઓને મજૂરીએ લગાડવામાં આવ્યા હતા. જ્યોર્જને એ કેદીઓના કામ પર દેખરેખ રાખવાની નોકરી આપવામાં આવી. સુપરવાઈઝર તરીકે જ્યોર્જે મજૂર કેદીઓ પર કેર વર્તાવવાનું શરૂ કર્યું. કામમાં ભૂલ કરનાર કેદીને તે સોટી વડે ક્રૂરતાપૂર્વક ફટકારી સજા કરતો. એક વાર સવારે જ્યોર્જની લાશ રિચમન્ડ બ્રીજના પાયામાં આવેલા પથ્થર પર પડેલી મળી આવી. લોકોએ માન્યું કે દારૂ પીને હોશ ગુમાવી તે અકસ્માતે પુલ પરથી નીચે પડી ગયો હશે, પરંતુ હકીકત કંઈક જુદી જ હતી. દરરોજ સાંજે કામ પૂરું કર્યા બાદ દારૂ પીવાની જ્યોર્જને આદત હતી. તેનું મૃત્યુ થયું એ દિવસે તેણે કંઈક વધારે જ શરાબ ઢીંચ્યો હતો. હોશ ગુમાવીને તે પુલ પર જ ઢળી પડ્યો હતો. તેની ક્રૂરતાને લીધે તેના પર ગિન્નાયેલા કેદી મજૂરોએ આ તકનો લાભ લીધો અને તેને ઢોર માર મારીને તેના પરની ખીજ ઉતારી. છેલ્લે તેમણે તેને ઊંચકીને પુલ પરથી નીચે ફેંકી દીધો. ત્રીસ ફૂટ ઊંચેથી પથ્થર પર પટકાયેલા જ્યોર્જનું તત્કાલ અવસાન થઈ ગયું.

બસ, ત્યારથી લઈને આજ સુધી જ્યોર્જ ગ્રોવરનું ભૂત રિચમન્ડ બ્રીજ પર ભટકતું રહે છે. તેને જોવા માટે રાતના સમયે બ્રીજ પર પહોંચતા મુલાકાતીઓ પૈકીના મોટા ભાગનાને તો ફક્ત જ્યોર્જનો પગરવ જ સંભળાય છે. જીવતો હતો ત્યારે બ્રીજ પર ફરજ નિભાવતી વખતે તે રૂઆબભેર ચાલતો અને ત્યારે તેના મજબૂત જૂતાં જે પ્રકારનો અવાજ ઉત્પન્ન કરતા એવો જ એ પગરવ હોય છે. બહુ ઓછા પ્રવાસીઓને આજ સુધીમાં જ્યોર્જ ગ્રોવરનું પ્રેત પડછાયારૂપે કે ઝાંખી આકૃતિરૂપે જોવા મળ્યું છે.