રવીન્દ્રનાથ ટાગોર Swarsetu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રવીન્દ્રનાથ ટાગોર

રાગમિલાપ- વિનોદ ભટ્ટ

કવિતાનું ઘરેણું રવીન્દ્રનાથ ટાગોર

હવે રવીન્દ્રનાથ ટાગોર બીજા નહિ જન્મે, ભારતમાં તો ક્યારેય નહી કારણ પૂછો. કદાચ એ જ કે રવીન્દ્રનાથ ટાગોર એમના પિતા દેવેન્દ્રનાથનું ચૌદમું સંતાન હતા. હવેનાં કોઈ મા-બાપને રવીન્દ્રને મેળવવાના લોભમાં આટલી લાં...બી... રાહ જોવાનું પાલવે નહીં. અરે, મા-બાપો શ્રીકૃષ્ણ સુધીય વાટ ક્યાં જુએ છે? એટલે તો સંભવામિ યુગે યુગેનું પ્રોમિસ આપવા છતાં શ્રીકૃષ્ણ ક્યાં અવતરે છે?

આ સરસ્વતીપુત્ર રવીન્દ્ર લક્ષ્મીમાસીનો ખોળો ખૂંદીને મોટા થયા. તેમના પિતા દેવેન્દ્રનાથ મોજીલાલાની પેઠે ઘણા ઠાઠથી રહેતા. ધન તેમના પગ નીચે આળોટતું ને પગ ઉપર પણ દેખાયા કરે એ માટે તેમણે પોતાના માટે હીરા-રત્નજડિત મોજડી બનાવડાવેલી. કારણ એટલું જ કે મોજડીના હીરા અને રત્નો જોવા માટે મોટા અમીરો પણ તેમના પગ પાસે ઝૂકે ને! બસ પૈસા વસૂલ.

રવીન્દ્રને ભૌતિક સુખો સારા પ્રમાણમાં મળ્યા, પણ તેમને માનો પ્રેમ બહુ જ ઓછો, લગભગ નહીવત મળ્યો. તેમણે નોંધ્યું છે: ‘મા શી વસ્તુ છે તે હું જાણી ન શક્યો.’ તેમનું એક કાવ્ય છે: ‘કેવી હશે તે કેવી નહીં, મા મને કોઈ દી’ સાંભરે નહીં.’

શિક્ષણપદ્ધતિ આજે છે એટલી જ નકામી-ત્રાસદાયક એ દિવસોમાં પણ હતી. પંખીઓનાં નસીબની ઈર્ષા કરતાં તે લખે છે: ‘પક્ષીઓ કેવાં ભાગ્યશાળી છે! તેમના વડીલો દીવા-બત્તી પેટાવતાં નથી. ભાષાના પાઠ સવારે જ શીખવાય છે...અને ભૂલવું ન જોઈએ કે તેમને અંગ્રેજી ભણવું પડતું નથી...’ લગભગ છ વર્ષની ઉંમરે તેમને નિશાળે મૂકેલા ત્યારે નિશાળ શું ને કેવી હોય છે એની ખબર નહી હોવાથી ભૂલમાં તેમણે શાળાએ જવા કંકાસ કર્યો, હઠ કરી એ વખતે તેમને ઘરમાં ભણાવતા શિક્ષકે ભાખ્યું હતું કે આજે નિશાળે જવા માટે તું જેટલો રડે છે તેના કરતાં ઘણું વધારે તારે નિશાળ નહીં જવા માટે રડવું પડશે. રવીન્દ્રનાથે નોંધ્યું છે કે આના જેવી સચોટ બીજી કોઈ ભવિષ્યવાણી તેમણે ફરી કદી સાંભળી નથી.

મને એના કારણની જાણ નથી, પણ આપણા મોટા માણસો જ્યારે નાના હતા, શાળામાં હતા ત્યારે ભણવામાં સાવ ઠોઠ હતા. રવીન્દ્રબાબુની ગણતરી કક્કાના ચૌદમા અક્ષર ‘ઢ’માં થતી. (આમેય એ ચૌદમું બાળક તો હતા જ. સ્કૂલમાં એમને ચૌદમા રત્નનો લાભ મળેલો કે નહીં એનો ઉલ્લેખ કોઇપણ પુસ્તકમાં નથી.) જોકે એમને શાળામાં અવારનવાર લાંબો સમય પાટલી પર ઊભા રહેવાની સજા થતી. પણ પોતાના એક શિક્ષક હરનાથ અંગે ટાગોરે હાસ્યપૂર્ણ ગુસ્સાથી લખ્યું છે: ‘પ્રાણીઓમાં એવું જોવા મળે છે કે જેમને ડંખ હોય તેમને દાંત નથી હોતા, અને દાંત હોત તેને ડંખ નથી હોતો, પણ પંડિત મોશાયને બંને ભેગા મળ્યા હતા!...’

આગળ જણાવ્યું તેમ ટાગોરને માનો પ્રેમ, માતાનું લાલન-પાલન પણ જોઈએ એવું મળેલું નહીં. શક્ય છે કે માનું નામ શારદાદેવી હોવાને લીધે આમ બન્યું હોય. આમ શારદા હોય કે વિદ્યા, યા સરસ્વતી, પણ એનો સ્નેહ નસીબમાં લખાયો જ ન હોય તો ક્યાંથી મળે !...રવીન્દ્રએ ચાર-ચાર નિશાળો બદલી હતી, પણ તે ભણવા કાજે નહીં, નહીં ભણવા માટે. ચારમાંથી એકેય શાળા ફાવી નહીં. તેમને સારા, હોંશિયાર વિદ્યાર્થી બનાવવામાં એકેય શાળા ફાવી નહીં! શાળાનું શિક્ષણ તેમને અધવચ્ચે જ છોડવું પડ્યું.

સત્યેન્દ્રનાથ તેમના બીજા નંબરના ભાઈ હતા – એક અર્થમાં આમ તો તે રવીન્દ્રના ડિસ્ટન્ટ બ્રધર-દૂરના ભાઈ કહેવાય, કેમ કે સત્યેન્દ્રનાથ અને રવીન્દ્રનાથ વચ્ચે બાર ભાઈ-બહેનો જેટલું અંતર હતું, આમ પણ આ બંને ભાઈઓ વચ્ચે ખાસ્સું અંતર હતું. સત્યેન્દ્રનાથ આઈસીએસ હતા. રવીન્દ્ર નાના હતા ત્યારે ઘરના બધાને હતું કે મોટો થઈને રવિ નામ કાઢશે. રવિ મોટો તો થતો ગયો પણ નામ ન કાઢ્યું. બધા નિરાશ થઈ ગયા. તેમની ઈચ્છા ધૂળધાણી થઈ ગઈ, કેમ કે ભદ્ર સમાજમાં આગળ આવવા માટે ભણવું જરૂરી હતું. જોકે આજે પરિસ્થિતિ એ છે કે ઔપચારિક રીતે અભણ રહેલ રવીન્દ્રનાથનાં ભાઈ-બહેન લેખે એ લોકો ઓળખાય છે.

એ જમાનામાં કદાચ એવું હશે કે જે કશું જ ના થઈ શકે તે લંડન જઈ બેરિસ્ટર થઈ આવે, એટલે રવીન્દ્રનાથના કુટુંબીજનોએ વિચાર્યું કે તેમને બેરિસ્ટર થવા વિદેશ મોકલવા. આ પરીક્ષા કદાચ પ્રમાણમાં વધારે સહેલી હશે ને તેનું સો ટકા રિઝલ્ટ પણ આવતું હશે, જે પરીક્ષા આપે તે બધા પાસ, ન આપે તે જ નાપાસ એવો રિવાજ પણ હોવો જોઈએ. આપણા એ સમયના કેટલા બધા નેતાઓ યુરોપ જઈ બેરિસ્ટર થઈ આવેલા! એ બધા તો ઠીક, પણ શરદબાબુનો પેલા ગુડ ફોર નથિંગ, ગણાતો રખડેલ-વંઠેલ દેવદાસ જેવો દેવદાસ પણ બેરિસ્ટર થયેલો. (સૌજન્ય: દેવદાસ ફિલ્મ બનાવનાર સંજય લીલા ભણસાલી. શરદબાબુ દેવદાસને ભણવા માટે લંડન મોકલી શકે એવી તેમની આર્થીક સ્થિતિ નહોતી. એટલે પછી સંજય લીલા ભણસાલીએ પોતાના હિસાબે ને જોખમે દેવાને વિદેશ મોકલી બેરિસ્ટરની ડીગ્રી અપાવી હતી!) જ્યારે રવિબાબુ તો લંડન ગયા છતાં બેરિસ્ટરી કર્યા વગર જ પાછા ફરી ગયા. તેમનું મન જ નહોતું બેરિસ્ટર થવાનું ...

ઇંગ્લેન્ડ પહેલીવાર જવા અગાઉ રવિબાબુ પાશ્ચાત્ય રીતભાત શીખવા મુંબઈ રોકાયા હતા, તેમાં ભાઈના મિત્ર ડૉ. આત્મારામ તરખુડને ત્યાં. તેમની દીકરી અન્નપુર્ણા-એના તાજેતરમાં જ ઈંગ્લેન્ડથી ભારત આવી હતી. બંને જોતજોતાંમાં એકબીજાને ગમી ગયાં. રવિ પાસે શસ્ત્ર તરીકે કવિતા અને મધુર અવાજ બંને હતા. ને એના પાસે આ બંને ઝીલવા સંવેદનાસભર હ્રદય હતું. રવિ તો દેખાવમાં ય પાછા ફાંકડા, મોહક હતા. એટલે તો એના- જેને કવિ નલિની કહેતા, તેણે વચન લીધું: ‘તારા ચહેરાની રૂપાળી રેખાઓને દાઢી વધારી કદી ઢાંકીશ નહી.’ રવીન્દ્રે આ ષોડશીને આપેલ વચન પાળી મોટી ઉંમરે, એ સ્ત્રી ગુજરી ગઈ ત્યાર પછી જ દાઢી વધારેલી. જેથી વચનભંગ થયો ન ગણાય. એનાનું નલિની નામ કવિએ પાડ્યું હતું. નલિની પર પણ કવિએ રાબેતા મુજબ એક ગીત વહેલી સવારે ભૈરવી રાગમાં ગાઈ સાંભળ્યું ત્યારે મંત્રમુગ્ધ થઈને નલિનીએ કહ્યું હતું: ‘કવિ, તારું ગીત સમ, સાભળીને તો મૃત્યુલોકમાંથી પણ હું પાછી આવી જાઉં.’ આવી પ્રશંસા સાંભળી કવિનું દિલ બાગબાગ થઈ ગયું, પણ આને પ્રેમ કહેવાય કે વહેમ એ નક્કી કરવામાં છ અઠવાડિયાં નીકળી ગયાં. મુંબઈ અને નલિની બંને ઘણાં પાછળ રહી ગયાં. તેમને મૂકીને ટ્રેન આગળ નીકળી ગઈ.

તે વિદેશ ભણવા ગયા ત્યારે ઇંગ્લેન્ડમાં સ્કોટ કુટુંબની બે બાળાઓ તેમના પ્રેમમાં હતી, લ્યુસી વધારે. રવિબાબુએ એકરાર કર્યો છે કે એ બંને બહેનો મારા પ્રેમમાં હતી એ વિશે મને લેશમાત્ર શંકા નથી, કાશ! મારામાં એ વખતે વધુ નૈતિક હિંમત હોત...’ પણ કવિ પોતાની કવિતામાં ક્યારેક પ્રેમ-સ્વીકાર કરવાની હિંમત દાખવતા:

‘અને ઓ રે, કેવો અફસોસ, કેવી શરમ!

આવ્યો અહીં આ ભૂમિ પર હું બે દિવસ

 • તોડવા કોઈનું કોમળ હ્રદય!...’
 • ‘ઇન્દીરાદેવી ચૌધરી (તેમની ભત્રીજી), રાની મુખરજી, મનરો (કે જેને મેરેલીન મનરોની મા કે દાદી સાથે સ્નાનસૂતકનો ય સંબંધ નથી) હેરિએટ મૂડી, વિક્ટોરિયા ઓકામ્પો વગેરે વગેરે વગેરે.’

  કવિનું હ્રદય પણ અનબ્રેકેબલ નહીં હોવાથી કેટકેટલી વાર તૂટ્યું હશે! તેમના મોટાભાઈ જ્યોતીરિન્દ્રનાથનાં પત્ની કાદમ્બરી રવિથી એકાદ વર્ષ મોટાં, લગભગ નવેક વર્ષના. કવિનાં તે બાળસખી બની ગયેલાં. બંને એકબીજાંને ખૂબ ચાહતાં, એકબીજાનો આદર કરતાં. સાથે બેસીને સાહિત્યગોષ્ઠિ કરતાં, બંને વચ્ચે ગાઢ સાહિત્ય-સહવાસ હતો.

  સ્ત્રીઓ તરફ હ્રદય એકસોવીસ અંશનાં ખૂણે ઢળેલું હોવા છતાં લગ્નની વાત આવે ત્યારે કવિ ઉદાસ થઈ જતા. પત્ની તરીકે તેમના ગોળની કોઈ મનપસંદ પરી તો મળે તેમ નહોતી છેવટે રવિબાબુનાં ભાભીઓએ જ તેમને માટે દસ વર્ષની, દૂબળી-પાતળી, સાધારણ દેખાવની, અભણ કહી શકાય એવી કન્યા પસંદ કરી. કવિ તો પોતાની થનાર પત્નીને જોવાય નહોતા ગયા. તીનપત્તીની ભાષામાં કહીએ તો ‘બ્લાઇન્ડ’ રમ્યા હતા. ભાભીઓને તેમણે કહી દીધું: ‘તમારે જે કરવું હોય તે કરો, મારે એમાં કશું કહેવાનું નથી.’ આમ તેમણે કાચી વયની, તેમનાથી બારેક વર્ષ નાની, સીધી-સાદી ગ્રામ્ય બાલિકાને સહેજ પણ આનાકાની વગર અર્ધાંગિની તરીકે અપનાવી લીધી. કન્યાનું પિયરનું નામ ભવતારિણી, જે સાસરીમાં મૃણાલિની થઈ. શ્રીમતી રવીન્દ્રનાથ ટાગોર બન્યાં. સાહિત્યના વિવિધ પ્રકારના હજારો પાનાં લખનાર આ કવિએ તેમના લગ્ન વિશે સહેજ પણ ઉમળકો દાખવ્યા વગર માત્ર એક જ વાક્યમાં લખ્યું છે: ‘કારાવારથી આવ્યા પછી થોડા જ સમયમાં તા: ૯.૧૨.૧૮૮૩ના દિવસે મારાં લગ્ન થયાં, ત્યારે મારી ઉંમર બાવીસ વર્ષની હતી.’ એ સિવાય લગ્ન કે મૃણાલિની દેવી વિશે ક્યાંય કશો ઉલ્લેખ નથી.

  રવિબાબુનાં લગ્ન પછી ચારેક મહિનામાં, તા:૧૯.૦૪.૧૮૮૪ના દિવસે તેમના ભાભી કાદમ્બરીએ કોઈ અગમ્ય કારણસર અફીણ ઘોળ્યું. આ દુર્ઘટના છાપા સુધી ના પહોંચે એ માટે તેમણે કરેલ ખર્ચની વિગત આ પ્રમાણે છે: ‘રૂપિયા બાવન- મૃત્યુના સમાચાર છાપામાં આવતા દબાવી દેવા થયેલો ખર્ચ’- બહુ જ સસ્તામાં પત્યું ગણાય. (આજે તો છાપામાં બેસણાંની જા.ખ. પણ ચાર આંકડા જેટલા રૂપિયા આપતાં છપાય છે.)

  ખુદ રવીન્દ્રનાથે જ એક પત્રમાં તેમની ભત્રીજી ઇન્દિરાને લખ્યું હતું કે અંગ્રેજી લખવાની મને ફાવટ નથી તે સાવ ઉઘાડી વાત છે. પણ માણસનું જો નસીબ સારું હોય તો ખરાબ અંગ્રેજી પણ આડે આવતું નથી. અંગ્રેજી નસીબની આડે પાંદડું બનતું નથી. અરે, એક વખત તો ‘ગીતાજંલિ’ની, પોતે જ અંગ્રેજીમાં કરેલ અનુવાદની સ્ક્રિપ્ટ લંડન ખાતે ટ્યુબ રેલવેમાં ખોવાઈ ગઈ હતી. તેમની પાસે માત્ર આ એક જ હસ્તપ્રત હતી. ઝેરોક્ષની શોધ એ સમયમાં થઈ નહોતી. આ શોધને કારણે આજે તો કેટલાક કવિઓ તો કવિતા લખતાં પહેલાં જ તેની ઝેરોક્ષ નકલો કરાવી લે છે. રવિબાબુ ગભરાઈ ગયા. પણ પછી આ હસ્તપ્રત લેફ્ટ લગેજ ઓફિસમાંથી જડી ગઈ, નોબેલ પ્રાઈઝ ખોવાતું બચ્યું. ટાગોરની અંગ્રજી હસ્તપ્રત કવિ વિલિયમ યેટ્સે રંધો મારી આપ્યો. ટાગોરના ભાગ્ય સાથે થોમસ હાર્ડીનું દુર્ભાગ્ય પણ જોડાયેલું હતું. નોબેલ – પ્રાઈઝ કમિટીના કેટલાક સભ્યો હાર્ડીને આ ઇનામ આપવા રાજી નહોતા ને ત્યાં વળી ટાગોરના જ કવિ-મિત્ર યેટ્સે ‘ગીતાંજલિ’ કમિટી સામે ધરી દીધી, ને ટાગોરને લોટરી લાગી ગઈ.

  આના અનુસંધાને ફ્રાન્ઝ કાફકાએ એક માર્મિક પ્રસંગ નોંધ્યો છે. તે એક પ્રકાશકની દુકાને બેઠો હતો. ત્યારે પ્રકાશક મુઠ્ઠીઓ વાળીને, દાંત પિસ્તો દુકાનમાં આંટા મારી રહ્યો હતો. કાફકાએ તેને પૂછ્યું કે કેમ આમ મૂંઝાયેલા લાગો છો? ત્યારે પ્રકાશકે કાફકા સામે ઘટસ્ફોટ કર્યો: ‘આજે સવારે જ મેં ટાગોરની ‘ગીતાંજલિ’નો અનુવાદ ‘સાભાર પરત’ કરી દીધો ને હમણાં જ ખબર પડી કે તેને આ ‘ગીતાંજલિ’ માટે નોબેલ પ્રાઈઝ મળ્યું છે એટલે એની મેન્યુસ્ક્રિપ્ટ પાછી મેળવવા હું પોસ્ટ ઓફિસે ગયો, પણ ત્યાંથી તે સ્ક્રિપ્ટ નીકળી ગઈ ...’ નોબેલ પ્રાઈઝ મળ્યા પછી એ કૃતિ મહાન થઈ ગઈ.

  અને જે લોકો ટાગોરની કૃતિઓની પુષ્કળ ઝાટકણી કાઢતા હતા એ લોકો, ટાગોરને નોબેલ પ્રાઈઝ પ્રાપ્ત થતાં તેમના આંગણે અભિનંદન આપવા દોડી ગયા. ટાગોરે તેમને દૂરથી આવતા જોયા એટલે તે બીજા રૂમમાં ચાલ્યા ગયા. તેમનું અભિવાદન કરવા આવનારાઓને તેમણે કહેવડાવી દીધું કે આ લોકોને મળવા તે નથી ઈચ્છતા, કારણ કે તે ટાગોરને નહીં, પણ તેને મળેલ નોબેલ પ્રાઈઝને નવાજવા આવ્યા છે, ઇનામને સન્માનવા આવ્યા છે. તેમને એ બાબત પણ ખટકી હતી કે તેમની કવિતા વિદેશમાં વખણાઈ એટલે તમે ખોટોખોટો ઉમંગ બતાવવા દોડી આવ્યા! આવું ગુલામી માનસ ધરાવો છો, તમે!

  અને પછી તો તેમને મુબારકબાદ આપવા આવેલા લોકો પણ તેમના પર નારાજ થઈ ગયા. કહેવા માંડ્યા કે જવા દો ને આ બધું તો યેટ્સે ‘મેનૂવર’ કર્યું હતું, એટલું જ નહીં, કવિતાઓ પણ તેણે જ મઠારી આપેલી ને કેટલીક તો પોતે જ લખી દીધી હતી. આ પ્રાઈઝ કંઈ માત્ર સાહિત્યને કારણે નથી મળ્યું, સાહિત્યેત્તર કારણોએ પણ તેમાં મહત્વનો ભાગ ભજવ્યો છે, કંઈ બોલવા જેવું નથી આમાં. (એ સમયે સાહિત્યિક સામયિકના તંત્રી કાંટાવાળાએ ‘ગીતાંજલિ’ વિશે નોંધ્યું હતું: ‘એમને ગીતાંજલિ’ બહુ રૂચિ નથી તેથી અમારી વિદ્વતા વિશે વાચક શંકા ઊઠાવે એ વાજબી છે. વિદ્વાન હોવાનો દાવો અમે કર્યો નથી. ‘સાહિત્યનો ઉદ્દેશ દંભ દુર કરવાનો અને સાહિત્યને સમાન્ય પ્રજાને રુચતું કરવાનો છે’ ઇન્ડીયા જેવા પછાત દેશના કવિને ‘આધ્યાત્મિક ટાયલાં’ માટે આટલું મોટું માન-સન્માન મળ્યું એ પણ પશ્ચિમના ઘણાં લોકોને નહોતું ગમ્યું. ઘણાં તો આ કવિને બ્રિટનના એજન્ટ ગણતા.

  ટાગોરને ઘણા બધાનો પ્રેમ અને કેટલાકની નફરત એક સાથે જોવા મળી હતી. આ બધા જમા-ઉધારનું સરવૈયું કાઢીને પોતાના પુત્ર રથીન્દ્ર સમક્ષ રવિબાબુએ એકવાર કબુલ કર્યું હતું કે, ‘મેં કશું સિદ્ધ કર્યું નથી, હું કશું સિદ્ધ કરી શકું એવું મને લાગતું નથી- મારું સમગ્ર જીવન નિરર્થક છે.’ – આ નોબેલ પ્રાઈઝ પણ તેમને નિરર્થક જણાયું હશે ?

  રવીન્દ્રે ભલે શાળા છોડી, પણ શાળાએ તેમને છોડ્યા નહોતા, માનસિક રીતે શાળા તેમને વળગેલી જ રહી હતી. એટલે તો તેમણે શાંતિનિકેતનમાં વિશ્વભારતીની સ્થાપના કરી. જેમાં મુક્ત વાતાવરણમાં શિક્ષણની સાથે સંસ્કાર અને શિસ્ત પણ વિદ્યાર્થી પામી શકે. ફક્ત તેજસ્વી છાત્રો અહીં ભણવા આવતા એવું નહીં. પંડિત જવાહરલાલ નેહરુનાં એક માત્ર પુત્રી પ્રિયદર્શિની યાને ઈન્દિરાજી પણ અત્રે થોડો સમય હવાફેર માટે આવ્યાં હતાં ને ભણ્યાં હતાં. અહીંથી તે શું અને કેટલું શીખ્યાં એ વિગતો ઉપલબ્ધ નથી, જરૂરી પણ નથી.

  શાંતિનિકેતન એ કંઈ સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ કે કોલેજ નહોતી, જે વિદ્યાર્થીઓના વાલીઓના ખિસ્સાના જોરે ચાલી શકે. અહીં તો રેતમાં ચલાવવા માટે નાવ પણ ભાડેથી મેળવવી પડે તેમ હતી. પણ રવીન્દ્રનાથ જિદ્દી હતા. નહીં ભણવાની હતી એવી જ તેમની જિદ્દ આ ભણવાની સંસ્થા ચલાવવાની હતી. જગન્નાથપુરીની પોતાની એક કોઠી તેમને શાંતિનિકેતનના આર્થિક બોજાને કારણે વેચવી પડી હતી. તેમજ પોતાનું ૧૩૦૦ પાનાંનું લખાણ ફક્ત બે હજાર રૂપિયામાં વેચી દેવું પડ્યું. ગુજરાતી સર્જક નહીં હોવાનો આ રોકડો ફાયદો-ઘરાક મળી ગયો.

  ૨૦૦૪ની સાલમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોરને મળેલ નોબેલ પ્રાઈઝના પ્રતિક સમો સુવર્ણચંદ્રક બદમાશો શાંતિનિકેતનમાં ખાતર પાડી ઉઠાવી ગયા. બદમાશોને તો વગર ‘ગીતાંજલિ’ લખે નોબેલ પ્રાઈઝ મળી ગયું. આને કહેવાય નસીબ!

  (પુસ્તક ‘તમે યાદ આવ્યા’માંથી સાભાર, આભાર: ગૂર્જર પ્રકાશન, મનુભાઈ શાહ)