લાડેસર Nivarozin Rajkumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાડેસર

મારા દીકરા,

આજે તો તારો જન્મદિવસ.

તને ઘસઘસાટ ઊંધતા જોઈ એક સંતોષની લાગણી થાય છે . મારા હ્રદયમાં અંકાયેલા સ્મરણો આજે તો લખી જ નાખવા છે .

તમે છોકરા ગઈ કાલ સુધી અમારા પડછાયા હો છો …. અને તમારું કદ તો ફટાફટ વધી જાય છે…પણ હું ૧૮ વર્ષ પહેલાની એ સવાર જરાય ભૂલી નથી . એ અગાઉના નવ મહિના હું એકદમ પથારીવશ હતી . બાળક નોર્મલ છે એવા રીપોર્ટસ આવતા હતા એટલે સતત નવ મહિના લોહીના ધોધ વચ્ચે પણ …ભયંકર વેદના … ચિંતા અને અનિશ્ચિતતા વચ્ચે પણ તારા આવવાની હું ઉજાગરાભર્યા દિવસો અને રાતો વિતાવી વાટ જોયા કરતી … તું …મારો નાનકડો અંશ હાથમાં આવ્યો ત્યારે એ દીકરો છે કે દીકરી એ જાણવા કરતા તારું આખું શરીર સ્પર્શી લીધું . કોઈ ખોડખાંપણવાળું નથી એ જોઈ એકદમ હળવી થઇ જાણે નવ મહિનાની ઊંઘ ખેંચવી હોય તેમ સતત એક આખો દિવસ હું ઘસઘસાટ ઊંઘતી રહી ….. એ પછીનું એક આખું વર્ષ …તારા બોલવા-ચાલવા સુધી એક અજંપો રહ્યા કર્યો …..કોઈ ક્ષતિ કે ખામી નથી જ એ આશ્વાસન રોજે રોજ મળ્યા કરતું . ૫% HB અને પ્લેઝનટા પ્રીવિયાના રીપોર્ટ જોઈ ૧૪ ડોક્ટરોએ મા કે બાળક બેમાંથી એક જ જીવતું રહેશે એવું કીધા પછી સાવ નોર્મલ ડીલીવરીથી જન્મેલો મારો દીકરો ….૧૯ વર્ષનો સ્વસ્થ દીકરો નજર સામે ફરે ત્યારે ઈશ્વરના હોવા વિષે કોઈ શંકા રહેતી નથી …ચમત્કારો એના સિવાય કોણ કરી શકે !

વર્ષો પસાર થાય છે પણ સંભારણા જીવનને તરોતાજા રાખે છે.

એ પહેલું …ખુબ વહાલું લાગેલું રૂદન. … એ બોખા મોંનું ખડખડાટ હાસ્ય. … એ પહેલી વારના ડગલા…. એ નાની આંગળીથી ટાઇટ ઝલાયેલી મારી આંગળીઓ …. એ છોલાયેલા ગોઠણ. … એ ભેંકડા …એ રિસામણા. …એ નાની નાની જીદ …એ ઢાંકપીછોડા. …એ અવલંબન… એ આંધળો વિશ્વાસ … એ હક … અને એની સમજ અને સામર્થ્યથી બજાવતી ફરજો. …. શું શું લખું ? તું ક્યારેય અનહદ તોફાની કે જીદ્દી કે મુડી કે એવા કોઈ અંતિમ છેડાની તીવ્ર લાગણીઓ વાળો હતો જ નહી ..છે જ નહી …તારું બધું તો એકદમ નિયંત્રિત .

અરે , તું તો સાચે જ મોટો થઈ ગયો. જોકે શારીરિક રીતે ભલે તું હમણા મોટો થયો હોય પરંતુ તારી સમજણની મોટપ તો તારી આ માએ વર્ષો પહેલા જ માણી હતી. મુંબઈના આપણા વસવાટ દરમિયાન સોમવારથી શુક્રવારના દિવસોમાં તને મારો પડછાયો બની જતા અને એક બાળકમાંથી જવાબદાર પુરુષ બની જતા મેં તને જોયા કરું છું . એ સાથે જ શનિવારે પાપા આવે એટલે અચાનક સાવ બેફિકરો બની જતાં પણ મેં તને જોઉં છું .ઘરની ચીજ વસ્તુઓ લાવીને મુકવાની તારી જવાબદારી પણ તું સમજે છે . મિત્રો સાથે રમવાની વાત હોય કે ગમે તે મને જણાવ્યા વગર તું આગળ વધતો નથી .
અમને ખબર છે તને એન્જીનીયર બનવામાં ઝાઝો રસ નહોતો પણ આજે રાતદિવસ સરસ રીતે અભ્યાસ કરતા
તને જોઈએ છીએ અને સારા માર્કસે પાસ થતા જોઈ મન આનંદથી ભરાય જાય છે . દસ ધોરણ સુધી સ્ટેટ બોર્ડમાં ભણી ૧૧ અને ૧૨ CBSEમાંથી પાસ થતા તને પડેલી તકલીફ અને તારો મુંજારો મેં અનુભવ્યો છે . એ બદલ અમને માફ કરી દે દીકરા ... સંજોગો જ એવા હતા કે આ કઠોર નિર્ણય અમારે લેવો પડ્યો હતો . તારા એ સંઘર્ષ બદલ અમને ઘણો પસ્તાવો છે .

ત્રણ વર્ષ પહેલાં મારી બીમારી દરમિયાન મારી તબિયત લથડતી ત્યારે રાત્રે બે વાગે તને ખડા પગે ઊભા રહેતો મેં તને જોયો છે. ને જીદ કરીને અડધી રાતે હોસ્પિટલ આવતા, પાપાની ગેરહાજરીમાં મને હોસ્પિટલ લઈ જતા મેં તારી પ્રેમાળ સંભાળ મહેસૂસ કરી છે. ત્યારે તું સોળ વર્ષનો હતો. પરંતુ સોળ વર્ષના છોકરા કરે એવી કોઈ કચકચ કર્યા વિના તને ઘરના કામોમાં મદદ કરતો મેં જોયો છે. દર દસ મિનિટે દોડતા આવીને, ‘મને બોલાવ્યો….?’ એમ પૂછતો મેં તને જોયો છે. હોસ્પિટલમાં મને પ્રોત્સાહિત કરવા અનેક PJ ફટકારતા મેં તને જોયો છે. અને ત્યાંનું સાવ બેસ્વાદ ભોજન ફરિયાદ વગર જમતા મેં તને જોયો છે. મારું ઑપરેશન થયાં પછી ઘરના રસોડામાં વઘાર થાય તો મને છીંક ન આવે એ માટે દોડીને દરવાજો બંધ કરતી વખતે મેં તારી લાગણી અનુભવી છે. મારો હાથ પકડી, ટેકો આપી મને પલંગ પરથી ઉઠાડતી વખતે તને અકળામણ થઈ હોય એવું મેં ક્યારેય અનુભવ્યું નથી. મારા રૂમમાં આવીને મારી પાણીની બોટલ ચેક કરતા ને મને મારી તબિયત વિશે ‘પ્રવચન’ આપી ટપારતા પણ મેં તને જોયો છે.

હોસ્પિટલમાંથી રજા લઈને ઘરે આવ્યા પછી ‘તમને તકલીફ થશે, ઊભા ન થતા’ એમ કહી તારા હાથે તેં મને જમાડી ત્યારે શાક પર રોટલી લપેટતા તારા હાથ જોઈને તારા બાળપણમાં તને જમાડતી વખતે મને થતો સંતોષ મને યાદ આવી જતો. રોજ સવારે અને ક્યારેક ઉજાગરા પછીની મારી સવારની મિઠી ઉંઘ ન બગડે એ માટે મને હળવેથી ‘ચુંબન’ આપી તને સ્કૂલે જતાં મેં તને અનુભવ્યો છે. જોકે રોજ સવાર પડે એટલે બટેટાનું શાક ખાવાની તારી જીદ મને સમજાતી નથી.

દસમાં ધોરણના પરિણામ વખતે જ્યારે ૮૪ ટકા આવ્યા ત્યારે પાપાને દુઃખ થશે એમ વિચારીને હોંગકોંગ એરપોર્ટ પર બેઠેલા પાપાને ફક્ત ‘સોરી’ એમ મેસેજ કરીને તને ધ્રૂસકે ધ્રૂસકે રડતા મેં તને જોયો છે. ખાસ તો તારી દીદીની સાથે મળીને તમે જે ખાનગી ચટરપટર કરતા તથા એના ‘વકીલ’ તરીકે એની ડિમાન્ડ્સ પૂરી કરવા તારા પાપાને પટાવતા હું જોઉં છું ત્યારે મને થતું કે તું દીદીનો નાનો ભાઈ નહીં પરંતુ એનો મોટો ભાઈ છે! એકબીજાના પડખે સુતા સુતા તમે જયારે ખાનગી વાતો કરો છો ત્યારે મને એક સુંદર ભવિષ્ય દેખાઈ આવે છે . બેન અને ભાઈનો આ પ્રેમ જળવાઈ રહે એ જોવાની જવાબદારી તમારી બંનેની છે એ યાદ રાખજે . બજારમાંથી ઘરે આવીને ‘તારો દીકરો મોંઘા કપડા ખરીદતો જ નથી’ એવી મીઠ્ઠી ફરિયાદ તારા પાપા મને કરે ત્યારે તારા પર ગર્વ અનુભવું છું. ફાધર્સ ડેના દિવસે તારા બચાવેલા પોકેટ મનીમાંથી ભરબપોરે દોડીને બ્લ્યુટુથ ખરીદી લાવી સૂતેલા પાપાના માથા પાસે એ મૂકતી વખતે અને વારે વારે ‘પાપાએ એ જોયું કે નહીં’ એ જોયા કરતા તને અને તારા ભાવોને મેં એકલીએ મનભરીને માણ્યા છે. તારા પાપા સાથેની તારી બેમિશાલ દોસ્તી, તમારો પરસ્પરનો પ્રેમ, તમારી લાગણી, તમારું સાથે ગીતો ગાવું, રાત્રે બહાર મહાલવા જવું, રોજ રાતે પત્તા રમવા …આ બધું જોઈને મને પરમ સંતોષની લાગણી થાય છે . દેશદુનિયાના તાજા ખબર, રમતગમત , ફિલ્મ, રાજકારણ અને ખાસ તો ઘર્મ વિશેના સ્પષ્ટ વિચારો અને તારું વિશાળ વાંચન મને કોઈ વાર અંચબામાં મૂકી દે છે. વાંચનને કારણે તારા વિચારોની ધાર પણ તેજ થઈ છે, જેને કારણે જ્યારે તું કોઈક વિષય પર બોલે ત્યારે તારી બોલવાની ઢબને કારણ કે હું તો બસ તને જોયા જ કરું. છું. વાતે વાતે મસ્તીમાં મને ‘પાય લાગુ માતાજી. આશીર્વાદ દીજીએ’ કહીને પગે પડતા તને જોઈને તારા પર ગુસ્સો કરવો હોય તોય હસી પડાય છે. અને સાચે જ ઘણી બધી પ્રાર્થનાઓ અને આશીર્વાદો મારા હૈયામાંથી વહી નીકળે છે. ‘તમારો દીકરો બહુ સંસ્કારી છે’ આવું જ્યારે કોઈ કહે છે ત્યારે શેર લોહી ચડી જાય છે

મારા દીકરા, વડીલો હોય , પાડોશીઓ હોય કે પછી અમે ત્રણ હોઈએ, તારા પ્રેમાળ વર્તનથી દરેકનો તું લાડેસર બનતો જાય છે. દીકરા, સ્નેહ અને લાગણીથી વધુ આ દુનિયામાં કોઈ વસ્તુ કિંમતી નથી એ તને બહુ જલદી સમજાઈ ગયું છે તે મને બહુ ગમ્યું. કોઈનેય પ્રેમથી તરબોળ કરીને એને ખુશ રાખવાના તારા વલણને કારણે જીવનની પરીક્ષામાં તું અવ્વલ નંબરે પાસ થવાનો છે એની મને ખાતરી અને વિશ્વાસ છે. ભગવાન તને ખુશ રાખે અને તારા હ્રદયમાં ખળખળ વહેતા પ્રેમના ઝરણાને હંમેશાં વહેતું રાખે.

તારી મમ્મી

May god bless us ….<3

— નીવારાજ