ઘણા વખતથી સ્ત્રી સ્વતંત્રતા વિષે ચર્ચાઓ ચાલે છે ..ઘણી વિચાર માગી લે તેવી વાત છે . ઘણા સમાજમાં સ્ત્રીને કોઈ સ્થાન નથી એ હકીકત છે તો ઘણા સમાજમાં સ્ત્રીઓ જ કર્તાહર્તા હોય છે એ પણ હકીકત છે .
અહીં કેટલાક પ્રકારની માનસિકતાવાળી સ્ત્રીઓ છે ….
૧… એક સ્ત્રી ઘરના બધા નિર્ણયો લે છે .. પૈસાથી માંડી બધા જ વ્યવહારો સંભાળે છે…પણ નોકરી કરતી નથી …
૨…એક સ્ત્રી નોકરી કરે છે પણ પોતાના પૈસા પોતાની રીતે વાપરી શકતી નથી..
૩…એક સ્ત્રી લગ્નજીવનના શરૂઆતના તબક્કામાં સાસરિયાની ફરિયાદો પિયરમાં કરી ..પતિનોગુમાવી ચુકી છે…એટલે પિયર જઈ શકતી નથી…
૪…ફેસબુક પર આવીને ચેટબોક્ષમાં અન્ય પુરુષ સાથે પ્રેમાલાપ કરતા પકડાઈ ગઈ એ ફેસબુક પર આવી શકતી નથી…
૫…એક સ્ત્રી કિટી પાર્ટી કલ્ચરમાં મિત્રો અને વીશીના ચક્કરમાં પૈસા ગુમાવી બેઠી છે….એટલે હવે કિટી બંધ છે ….
૬…એક સ્ત્રી આખો દિવસ ઘરના કામોમાં રચી રહે છે ..રસોઈથી માંડી બધામાં એનો પરિવાર એના પર અવલંબન રાખે છે….
૭… એક સ્ત્રી પૈસાપાત્ર હોવા છતાં એનો પતિ એના હાથની રસોઈ જમવા માંગે છે …
૮… એક સ્ત્રી આડોશપાડોશમાં ગોસીપ કરી ઝગડા લગાવી ચુકી છે એટલે બહાર જવાનું બંધ છે…
આવી અસંખ્ય સ્ત્રીઓ આપણી આજુબાજુમાં જોવા મળે છે… મહત્વની વાત એ છે કે ઉપર જણાવેલ આ બધી સ્ત્રીઓને લાગે છે કે તેઓ સ્વતંત્ર નથી… !!
સુખદુઃખની જેમ સ્વતંત્રતાની વ્યાખ્યા સાપેક્ષ છે ..આમાંથી અડધી સ્ત્રીઓ દેખાદેખીના કારણે..સાવ અકારણે દુઃખી થઇ રહી છે ..પોતાની પાસે જે છે તે સ્વતંત્રતા નથી જ એવું માને છે….હકીકતમાં એ લોકો ખરેખર સ્વતંત્ર છે જ ….બાકીની અડધી સ્ત્રીઓ પોતાના કર્યા ભોગવે છે …આપેલી સ્વતંત્રતાનો એમણે ભરપુર ગેરફાયદો ઉઠાવ્યો હોય છે.
હકીકતમાં મુક્તિ કે બંધન બંને ૮૦% કિસ્સાઓમાં માનસિક અવસ્થા છે … કેટલીક સ્ત્રીઓને બંધન જ મુક્તિ જેવું લાગતું હોય છે તો કેટલીકને મુક્તિ બંધન જેવી …!!!!
દરેક સ્ત્રી (કે પુરુષ) પોતાના સુખ કે દુઃખ માટે જવાબદાર હોય છે…આ એક માનસિકતા જ છે…
એવી કેટલીય સ્ત્રીઓ છે જે અગણિત સમાધાનો , બલિદાનો કર્યા પછી પણ ખુશખુશાલ હોય છે ને કેટલીક તો વળી નાની અમથી અડચણથી ગમગીન બની જાય…..!!!
જે વાતથી એક ખુશ થાય એ જ વાત બીજીને માટે દુઃખદાયી હોય……!!!!
આમ જોવા જાઓ તો દુઃખ કે પીડાની કે સુખની વ્યાખ્યા દરેક વ્યક્તિ એ અલગ જ હોય…….!!!!!
પરિવારના બંધનમાં પ્રેમ કરવાની મુક્તિ હોઈ શકે….ઘરનું કામ જ કરું છું ..બહાર ધક્કા ખાવા નથી જવું પડતું એવો વિચાર કરી ન શકાય ? ….બધા જ નિર્ણયો કોઈ લે છે ..રસોઈ કે બીજું કામ બીજા સંભાળે છે…તો કમસે કમ એ બોજ તો નથી ઉઠાવવો પડતો ..ખાલી પૈસા આપી દેવાના રહે છે ..એની હાશ અનુભવવાની હોય છે….તો કેટલીક મુક્તિમાં …કોઈને દરકાર નથી ..તમને મારી કાળજી નથી ..બધું મારે જ કરવું પડે છે.. બધી જવાબદારી મારે જ કેમ ઉઠાવવાની ? તેવી ફરિયાદ પણ હોઈ શકે …એની જગ્યાએ મારા પતિ અને બાળકો મારા પર આધાર રાખે છે એનો ગર્વ લઇ શકાય ..ઘણી વાર બંને નોકરી કરતા હોય તેવા સંજોગોમાં બંને ઘરકામ કરતા હોય છે … એવા દાખલાઓ ઓછા નથી જ .
ગામડામાં સાસુ , નણંદ કે એવી કોઈ વડીલ સ્ત્રીઓ રીતસર દાદાગીરી કરે છે … તો સામે પુરુષો માતા , પત્ની કે મોટી બહેન …. આ સંબંધોમાં સ્ત્રીઓથી ફફડતા હોય તેવા કેટલાય પરિવારો જોવા મળી આવશે … પ્રેમ નહી તો કકળાટ કરી ઘણી સ્ત્રીઓ પુરુષોને ડરાવીને આખા પરિવારને ડરમાં રાખતી હોય છે .. પોતે કરેલા બે ચાર વધારાના કામો કે લાવેલા દહેજની યાદ અપાવી માનસિક રીતે દબાવી રાખતી હોય છે … !! પરિવારને બાંધીને રાખવો કે તોડી નાખવો એ પણ પુરુષ નહી ૯૮% કિસ્સામાં સ્ત્રી જ નક્કી કરતી હોય છે . વહુ જો ત્રાસ પામતી હોય તો ૮૦% કિસ્સામાં સસરા કે બીજા પુરુષ વ્યક્તિઓ નહી એક સ્ત્રી ..સાસુથી જ પામતી હોય છે .. અને પોતે સહ્યું એટલે વહુ પણ સહે તેવી માનસિકતા સતત જળવાયા કરે છે એટલે ચિત્રમાં ફેરફાર થતો નથી … !! સ્ત્રી જ સ્ત્રીના વિકાસમાં રુકાવટ … !!!
પોતાના ઘરની સ્ત્રીઓની ઈજ્જત અને આબરુની ચિંતા કરતો પુરુષ પૈસા ખર્ચીને ફિલ્મો જોવા જાય છે અને પડદા પર નાચતી સ્ત્રી જોઈ વ્હીસલ વગાડ્યા વગર રહી શકતો નથી …. :/ માન સન્માન ફક્ત પોતાના ઘરની સ્ત્રીઓ માટે જ અનામત છે એવું માનતો સમાજ સ્ત્રી સ્વતંત્રતાની વાત કરે ત્યારે હસવું આવી જાય છે … સ્ત્રીની શારીરિક રચના ખાસ પ્રકારની હોવાનાં કારણે અને બીજા અનેક સામાજિક રીતરીવાજોનાં કારણે શું પહેરવું કે શું ન પહેરવું એ વિષે મતમતાંતરો ચાલ્યા જ કરે છે …સમયે સમયે બદલાવ આવે ત્યારે આવી ચર્ચાઓ ઉપર આવી જાય છે …જો કે સ્ત્રી કોઈ પણ પોશાક આત્મવિશ્વાસથી પહેરે છે ત્યારે એ ઉત્તમ જ લાગે છે …ઘણા સમાજમાં સ્ત્રીઓએ ખુબ ઘરેણા પહેરવા પડે છે ..ધ્યાનથી જોશો ખ્યાલ આવશે કે એ સમાજમાં પુરુષો પણ ઘણા ઘરેણા પહેરતા હશે .. મારવાડી કે આદિવાસી સમાજ જોઈ લેજો … :) કપડાનું પણ એવું છે ..આવા સમાજના સ્ત્રીઓ અને પુરુષોના કપડાનું પ્રમાણ લગભગ એક સરખું હશે … !!!
સ્ત્રીનું શરીર ભોગવવાની ચીજ છે એવી માનસિકતાના કારણે અને સ્ત્રી શારીરિક દ્રષ્ટીએ પુરુષ કરતા ઘણી સહનશીલ અને મજબૂત હોવા છતાં નબળું પાત્ર ગણાવાના કારણે બંધનો લાગુ પડ્યા કરે છે … બળાત્કારો થયા કરે છે….બાકી બાળકના જન્મ જેવી અત્યંત પીડાદાયક વેદના પુરુષ સહી શકે જ નહી એ નિર્વિવાદ હકીકત સ્ત્રીની સહનશીલતા પુરવાર કરવા પૂરતી છે . પણ આપણો સમાજ પુરુષપ્રધાન સમાજ છે એટલે પણ ક્યારેક લાગે કે સ્ત્રી દબાયેલી છે …૫૦% જેટલા કિસ્સામાં દલીલો કે ગેરસમજણ કે સાચા સમયની ચર્ચાના અભાવે સ્ત્રીઓ પર મારપીટ કરવામાં આવતી હોય છે ..બળાત્કાર કે ગંદી માનસિકતા જેવા સંજોગો ન હોય તો ગમે તેવો ભડ લાગતો પુરુષ બેડરૂમમાં સ્ત્રી પોતાની જાતે સમર્પણ કરે , પ્રેમથી વર્તન કરે ત્યારે જ સંતોષ પામતો હોય છે .
કેટલીક સ્ત્રીઓ ખરેખર કોઈ રીતે સ્વતંત્ર નથી હોતી ..ઘર કે ગામ બહાર પગ મુક્યો નથી હોતો …એમને ભણવાની કોઈ જરૂર લાગી નથી હોતી … માબાપના ઘરેથી સાસરે આવી ચુપચાપ ઘરકામ કરવામાં અને બાળકો પેદા કરવામાં એમના જીવનનો ઉદ્દેશ્ય પૂરો થઇ જતો હોય છે …એમના ઘરના પુરુષો અને બાળકો પણ ભણતા નથી ..એટલે એમને ભણતરનું મહત્વ ન સમજાય તો સ્વતંત્રતા કેવી રીતે સમજાવી શકાય ? એ એમ જીવવા ટેવાયેલી હોય છે….:) જો કે એમાં સ્ત્રીનો ખુદનો કોઈ દોષ નથી હોતો … સમાજની ઘડ કે પ્રથા એવી હોય તો જ આવું જોવા મળે છે . મતલબ સ્ત્રી કે સમાજના પછાતપણા માટે સ્ત્રી નહી, સમાજ જવાબદાર હોય છે. સ્ત્રી ગર્ભમાંની બાળકીને આવા ગંદા સમાજમાં લાવવા માંગતી નથી હોતી … તો પિતા પણ કૂરીવાજોના કારણે જ દીકરીના જન્મથી ગભરાતો હોય છે . બેડી તોડવાની હિંમત બહુ ઓછા લોકોમાં હોય છે .
ટૂંકમાં… જેમ સ્ત્રી અકળ છે તેમ સ્ત્રીના સ્વતંત્રતા વિશેના તેના વિચારો અકળ છે… અને ચિત્ર સુધરી શકે તેવી પ્રબળ શક્યતાઓ છે … :) સરકાર તો ઠીક પુરુષોની માનસિકતા બદલાશે તો સ્ત્રી ઘણી રીતે સ્વતંત્ર બનશે .. દેશના વિકાસમાં સ્ત્રી પુરુષ બંનેનો ફાળો હોવો જોઈએ .
સ્ત્રી સ્વતંત્ર છે કે નથી એ ચર્ચા બાજૂ પર મુકીએ તો શું લાગે છે ? પુરુષ સ્વતંત્ર છે ?