Saasu Etle Ansu... Kona? books and stories free download online pdf in Gujarati

સાસુ એટલે આંસુ ? .... કોના ?

સાસુ એટલે આંસુ ? …કોના ?

નીવારોઝીન રાજકુમાર


સાસુપુરાણ : :P

મારા હિસાબે ..સંસારની સૌથી પડકારરૂપ ભૂમિકા કદાચ સાસુની જ હશે .

સામાન્ય રીતે વહુ વિષે જ વધુ ચર્ચાય …આજે થયું લાવ સાસુ વિષે વિચારી જોઉં …:)

આમ તો સાસુ એટલે કડકાઈ , નિયમો , ડર અને જુલમનો પર્યાય .

બાપ રે , આજે મેં સાસુકાયામાં પ્રવેશ કર્યો તો સમજાયું કે સાલું , સાસુ થવું બહુ અઘરું છે . પુરુષ તો બહાર ફરતો ફરે એટલે વહુના આગમનની બહુ નહિવત અસર એના જીવનમાં પડે ..પણ સ્ત્રીનો તો ગરાસ લૂંટાતો હોય તેવું જ લાગતું હશે …

ઉંમરલાયક દીકરાના લગ્ન , વહુ અને સંસાર વિષે ચિંતા કરતી માતાના મનમાં હરખ , ઉત્સાહ કે આનંદનાં ભાવો તો બહુ પછી આવે …મને લાગે છે બધાથી પહેલો ભાવ અસુરક્ષિતતાનો આવતો હશે . સામાન્ય રીતે દીકરી સાપનો ભારો, કે પારકી થાપણ અને એવી તો કેટલીય વ્યાખ્યાઓ દ્વારા એવું ઉપજાવવામાં આવે છે કે દીકરીનો જન્મ એટલે બહુ મોટી પળોજણ …!!! ધારીને જુઓ ત્યારે સમજાય કે એકવાર ખુબ સરસ રીતે ઉછરેલી દીકરી સાસરે જાય અને થોડા સમય પછી સેટ થઇ જાય તો ૮૦% જેટલો બોજ ઉતરી જતો હોય છે .

પણ કોઈની જણી …કોઈનો ઉછેર પોતાના ઘરમાં લઇ આવી સતત શાંતિ અને સુખનો અહેસાસ થશે જ એની કોઈ ગેરેંટી નથી હોતી …અને એટલે જ મન ૧૦૦% તંગ અવસ્થામાં રહે છે ….અને વહુ ઘરમાં આવ્યા પહેલા એના વિષે પૂર્વગ્રહનો ગૃહપ્રવેશ થઇ જાય છે .

૨૨ / ૨૩ વરસ સાવ અલગ જ માટીમાં પાંગરેલ વ્રુક્ષને અચાનક નવી માટીમાં પણ એ જ લીલોતરી …એ જ ફળફળાદિ… એ જ મઘમાટ …એ જ સુગંધથી ભરપુર રહેવાની અપેક્ષાનો સામનો કરવો પડે છે …અને આ અપેક્ષામાં સ્ત્રીને પતિ પછી સાસુનો સામનો કરવો પડે છે … આ બે સંબંધમાં મૂળભૂત ફેર એ પડે કે રાતના અંધકારમાં પતિ એની પત્નીને લાડ પ્યારથી દિવસ દરમ્યાન જે કાંઈ થયું હોય તેની ભરપાઈ કરી શકે …..જ્યારે એજ અંધકાર સાસુના મન પર વહુની વિરુદ્ધ એક અણગમામાં સજ્જડ ઉમેરો કરે .

પણ આ બિચારી સાસુ નામની જણને સમજવા જેવી તો છે જ …. આ ભૂમિકામાં આવ્યા પછી સાસુના મનની ઉથલપાથલ નિહાળવા લાયક હશે .

બાળ ઉછેરમાં કરેલા ઉજાગરા , આર્થિક તકલીફો અને એવી તો ગણી ગણાય નહિ એવી ઘણી બાબતોની યાદ દીકરાના લગ્ન નક્કી થતા જ વધારે આવવા લાગે છે . અને આજ સુધી ન અનુભવાઈ હોય તેવી તીવ્ર ..માલિકીપણાની લાગણી અનુભવવાનું શરુ થાય છે અને એટલે જ આવા લાડેસર હવે બીજી ….આજકાલની આવેલીની લાગણીનું પણ ધ્યાન રાખશે એ વાતે મનમાં એક અજબ છટપટાહટ શરુ થાય છે . સગાવ્હાલા અને પાસપડોસીઓ પાસેથી સાંભળેલી અને જોયેલી સાસુ-વહુ કથાઓ આવી ગ્રંથીઓમાં ધરખમ વધારો કરે છે .

આમાં પણ નવુંનવું થાય છે …..એક તો કેટલીક સ્ત્રીઓ બીજાની ભૂલો નહી દોહરાવવાની કસમ ખાઈ લે છે તો કેટલીક મનમાં પૂર્વગ્રહોની ગાંઠો વાળે છે ….વિચાર ગમે તે હોય પણ મનમાં એક દ્વન્દ તો શરુ થાય છે જ …. :)

ચાલો , સાસુને સમજીએ ….:)

……દીકરાને અને ઘરને એકદમ વહુને હવાલે કરી દેવા છે ….બહુ ઢસરડા કર્યા ….હવે બસ …એ લોકો બધું શીખી લેશે …નવા જમાનાની વહુઓને બહુ ટોકાય નહી ….એને જેમ કરવું હોય તે કરે …આખી જીંદગી ખુબ વેઠયું છે ….ખુબ ભેગું કર્યું છે …એકેક પૈસો બચાવી દીકરાવહુ માટે સગવડો ઉભી કરી છે …..હવે જતી જિંદગીએ આ બધી પળોજણ મૂકી દેવદર્શને જવું અને પ્રભુભજન કરવું છે ….અને હવે જરૂરીયાતો પણ કેટલી ? જવાબદારીઓ તો મુકીએ તો જ છૂટે …..!!!!! ચાલો , હવે આરામનો વખત આવ્યો ….એમ કાંઈ દીકરાને જુદો ન કરાય …!!

વળી વિચાર આવે ….પણ આમ કરવાથી વહુ પર અચાનક બોજ નહી પડે ? એને કેવું લાગશે ? મેં એને મદદ ન કરી એ વિચારે એ મને માન નહી આપે …તો ? બધા નિર્ણય પોતાની રીતે લેશે તો મારું ઘરમાં શું સ્થાન ? :(

……પણ પછી વિચાર આવે કે એવું થોડું હોય ? એમ કાંઈ નવી આવેલીને છૂટોદોર ન આપી દેવાય ….વહુને પણ ખબર હોવી જોઈએ કે કોઈ નજર રાખી રહ્યું છે ….થોડો સમય નવી વહુ ને આ નવા ઘરના રીતરીવાજો શીખવવા જ જોઈએ ……એકેક પૈસો બચાવવામાં જે તકલીફો વેઠી છે એનો અહેસાસ વહુને કરાવવો જ જોઈએ ..એમ કાંઈ એને બધું સોંપી ન દેવાય …નજર તો રાખવી જ પડે ….નહી તો ઘર ભેલાઇ જાય …એની અણઆવડતના કારણે દીકરાને અને આખા ઘરને નુકશાન થાય તે તો કેમ ચાલે …!!!! ન ફાવે તો વહેતા કરી મુકવા છે ..એમનું ફોડી લે …આપણે તો શાંતિ …!!!

વળી વિચાર આવે ….પણ આમ કરવાથી વહુ મને નફરત નહી કરે ? ઘડપણમાં મારી બીમારી કે એવી હાલતમાં મારી સેવા નહી કરે તો ? :(

….. આવતા વેંત જુદા કરવા છે ..ભલે એ પોતાની રીતે સેટ થાય …આખરે તો એ લોકોએ એકબીજા સાથે જીવવાનું છે ….એક વહુ સાથે માથાકૂટ થશે તો આખા ગામમાં મારી વાતો થશે અને નામ ખરાબ થશે …એના કરતા હાથપગ ચાલે છે ત્યાં સુધી અલગ રહેવું સારું …..બંને નોકરી કરે છે ..મનમાં આવશે ત્યારે ઉઠશે કે કામ કરશે …બહાર જમશે કે એવું બધું …સાથે રહેશે તો એનું કામ મારે કરવાની નોબત આવશે …એના કરતા બધાને શાંતિ થાય તેવું કરવું ….જોઈતી વસ્તુ આપી દેવાની ..બાકીની ખરીદી લેશે …કેટલુ કરી આપવાનું ? બાકીનાનું નહી જોવાનું ?

વળી વિચાર આવે કે આવું કરીશ તો વહુ પિયરમાં પેધી પડશે કાંતો પિયરીયા એના ઘરે પેધા પડશે …દીકરાની કમાણી આમ જ ઉડી જશે …અને આખા સમાજમાં દીકરા વહુને હાથેપગે જુદા કર્યા એવી વાતો ફેલાશે …અને મારું ઘડપણ બગડી જશે …..!! :(

….. બિચારી સાવ નવા વાતાવરણમાં આવી છે …એમ કાંઈ આટલો બધો બોજ એના પર એક ઝાટકે ન નાખી દેવાય …એને નવા ઘરમાં સેટ થવા માટે સમય આપવો જોઈએ …..અમારો વખત જુદો હતો ..સાવ નાજુક અને સગીર વયે લગ્ન થયા એટલે શીખવામાં સહેલું પડ્યું …હવેના સમયમાં મોટી વયે લગ્ન થાય છે એટલે વહુને નવા માહોલમાં સેટ થતા વધુ વાર લાગે એ સ્વાભાવિક છે …..ભણવાની લાહ્યમાં ઘરકામ ક્યાંથી શીખી હશે …!!! બધું ઠીક થઈ જશે …નવા નવા લગ્ન થયા છે ….થોડું હરીફરી પછી ઠરીઠામ થશે …અને લગ્ન દીકરા સાથે થયા છે…. કુટુંબ સાથે નહી ……એકબીજાને સમજે એટલો સમય તો આપવો જ પડે ….આગલી જીંદગી સુખે પસાર થાય . ધીમે ધીમે જવાબદારીનું ભાન નહિ થાય ? એ તો શરૂઆતમાં સમય આપવો જ પડે …બિચારી કેવા અરમાનો લઈને આવી હશે . આપણે પણ દીકરી છીએ ..આપણે પણ દીકરી છે …!!!

વળી વિચાર આવે કે આવા લાડપ્યાર કરવાથી વહુ છકી તો નહી જાય ….!! મને કામવાળી માની સાવ સાઈડમાં તો નહિ કરી મુકે ? મારા પ્રેમનો બદલો બરાબર નહી મળે તો ? સમયસર જવાબદારીનું ભાન નહી થાય તો ?

બહુ કરી …..હું તો વિચારીને જ થાકી ……સાચે જ બહુ કપરું છે સાસુ થવું ….બોલીએ તો કહે બોલે છે ….ન બોલીએ તો કહે કાંઈ પડી નથી ….કરે તો ક્યા કરે …..!!!!

જોકે મારે વહુની સાસુ થવાને હજુ ખાસી વાર છે ….લાગે છે આજનું મનોમંથન મને ભવિષ્યમાં મદદમાં આવશે ……:D

આજે સાસુપુરાણ લખ્યું …વહુ પુરાણ લખું ? કહો …..:)

— નીવારાજ


આંગણું …………એક પાઠશાળા ….!!!!

નીવરોઝીન રાજકુમાર


ઘર ભલે સાવ નાનું હોય પણ સાથે નાનકડો બગીચો ….આંગણું હોય એવું ઘર મારું સ્વપ્ન છે ..કારણો ઘણા છે ….પક્ષીઓની ચહલપહલ , ઝાડ , છોડ , માટી , રેતી , હીંચકાની ઠેસ , ચાનો કપ અને એકાદ રસપ્રદ પુસ્તક …..!!! અને સાથે રાજ બેઠેલા હોય તો તો લોટરી જ લાગે હો ….:)

ફૂલ ઝાડ અને આંગણું ન ગમતા હોય તેવા માણસો મને અજુબા જેવા લાગે છે ..:/

મને હજુ ઝાડના ખરેલા પાનને બહુ મોટો ઇસ્યુ બનાવી પાડોશી સાથે લડ્યા કરતા લોકો સમજાતા નથી . માવા મસાલાના કાગળિયાં કે નકામી વસ્તુઓ કે એવી ચીજો માટે ગુસ્સો આવે એ વ્યાજબી ગણાય . પાડોશી નાં વ્રુક્ષની એક ડાળ પોતાના આંગણા તરફ નમેલી જોઈ આખો દિવસ બળ્યા કરતા લોકો મને ખુબ દયાપાત્ર લાગે છે . :( ઝાડના પાનને કેવી રીતે કચરો ગણી શકાય ? અરે, બિચારા સુકાઈને , ખરીને ક્યારામાં પડ્યા હોય અને ઉપર પાણી નાખો તો દિવસો સુધી જમીનમાં ભેજ સંગ્રહી શકે છે …ઝાડનું તો કશુંય નકામું ન ગણી શકાય …!!

મુંબઈની મારી કોલેજના આખા ગ્રાઉન્ડને કોન્ક્રીટ બનાવવાનું નક્કી થયું ત્યારે પહેલો વાંધો મેં ઉપાડ્યો હતો …કોઈએ સાંભળ્યું નહી એ અલગ વાત છે ….ગાજરની પીપુડી …:( આજકાલના ફળિયાઓમાં લાદીઓ જડી દેવામાં આવે છે …કારણ ઘરમાં નવી લાદી નંખાઈ હોય તો જૂની સાજીસમી લાદીનો સદ્દુપયોગ થઇ જાય ..અને આંગણું ચોખ્ખું પણ લાગે ..:) …..વાત સાચી પણ છે ….પણ આ આખી પ્રક્રિયામાં ઘરના મોભી જેવા ઠંડક આપતા ઘણા જુના વ્રુક્ષોની બલી લેવાય જાય છે …..અને આમ પણ સગવડિયા કારણો બાજુ પર મુકીએ તો વૈજ્ઞાનિક અને ભૌગોલિક દૃષ્ટિએ જોઈએ તો વરસાદના પાણી હવે જમીન પર કેવી રીતે શોષાશે ? અને એજ પાણી ફરી ડંકી કે કુવામાં કેવી રીતે આવશે ? ઘરની બહાર નીકળતા તો ડામરના રોડ શરુ થઇ જતા હોય છે તો પાણી ગટર સિવાય બીજે ક્યાં જાય ? આ તો કુદરતના આખા ક્રમને ઉથલાવી નાખ્યો ન કહેવાય ? અને એ લાદી ગરમ થઈ ઉનાળામાં આખા ઘરને ન તપાવે …….લૂની અસર વધારે ધારદાર ન બનાવે ? અને એ લાદીને વધુ ચમકદાર બનાવવા એની ઉપર રહેલી ધૂળ કાઢવા એને રોજેરોજ ધોવી પડે એટલે વધારાના પાણીનો વેડફાટ નહી ?

જીવનની ફિલોસોફી શીખવા આમ જોઈએ તો આપણે આંગણું ..બગીચો …ફળિયું છોડી ક્યાંય જવાની જરૂર જ ક્યાં છે ?

આંગણામાં રહેલા વ્રુક્ષો અડીખમ વડીલો તો વેલો અવલંબિત પરિવારજનો જેવા જ ન લાગે ?

આપણા આંગણામાં ઉગેલું એક પાંદડું કે ફૂલ આપણને જીવનમાં ભરપુર આશા ..ઉલ્લાસ અને ઉંમંગ છે એ શીખવે છે ..એક નવું પાંદડું કે કળી ચેતના જગાડી દે છે . હકારાત્મકતા લાવી દે છે …એમાં પણ બેધ્યાનપણે ભૂલી ગયા પછી કે બહારગામ ગયા હોવાથી સંભાળ ન લેવાઈ હોય તો થોડા મુરઝાઈ ગયેલા છોડને પાણી નાખ્યા પછી એમાં જે જીવન આવે છે એ જોઈ મનમાં ખુબ ખુશી થાય છે . અને એ માવજત પછી ઉગી નીકળેલા નવાસવા પાંદડાને જોઈ જીવવા જેવું લાગે છે …:) વિવિધ રંગોનાં ફૂલો અને પાંદડાઓ આપણને જીવનના અનેક શેડ્સ કે ભાવો ભણાવે છે .

અને સાથે સાથે એ પણ સમજાય છે કે જીવન , સંબંધો , પ્રેમ , વ્હાલ , મિત્રતા અત્યંત નાજુક છે એને પણ આ નાના છોડની જેમ માવજતની જરૂર હોય છે . ધ્યાનની જરૂર હોય છે . પાણી છાંટવાથી જેમ ફૂલો ,ફળો અને છોડમાં જીવંતતા આવે છે તેમ જ સંબંધો પણ યોગ્ય ધ્યાન અને કાળજી લેવાથી ફોરી ઉઠે છે ..મ્હોરી ઉઠે છે …:)

ક્યારામાં આપણે વાવેલા છોડ કે વ્રુક્ષની આજુબાજુ ઉગી નીકળતા ઘાસ બે વસ્તુ શીખવે છે …એક તો એમને મળેલી તક …જેનો એમણે ભરપુર ફાયદો લીધો …અને ઉગી નીકળ્યા એટલે આપણે પણ વિષમ પરિસ્થિતિમાં ગમે તે રીતે ઉગી નીકળવું જોઈએ …અને રસ્તો શોધી લેવો જોઈએ …અને બીજું એ ઘાસ જ્યારે સાવ નકામું ગણી આપણે ઉખાડી નાખીએ છીએ એ વાત એ શીખવે છે કે આપણા માર્ગમાં આવતા આવા નાના અવરોધોને આમ જ નજર અંદાજ કરી ..એમને ઉખાડી ..ફેંકી મુખ્ય કાર્ય પર આપણે ધ્યાન આપવું જોઈએ .

રોજ સવારે કે પછી પાનખરમાં ખરી પડતા પાન આપણને જીવનનું એક મહાન સત્ય ….’આરંભ તેનો અંત’ …એ વાત શીખવે છે ….મરણથી મોટાભાગે આપણે બધા જ વિચલિત થઈ જઈએ છીએ ત્યારે આ ખરેલા પાન આપણને જીવનની રીત શીખવે છે …. અને ફરી પાછા ઉગતા પાન સંસારચક્ર …:) જન્મ-મરણની પ્રક્રિયા …….!!!!

આ ઉપરાંત આંગણામાં ફેલાયેલા કેટલાક આડાઅવળા ઉગી નીકળેલા ડાળખાંઓને કાપતી વખતે આપણામાં રહેલા કેટલાક અવગુણો દૂર કરી જાતને એક શિસ્તમાં લાવવાની જરૂર પણ હોય છે એ સમજાય છે તો ક્યારામાં પથરાયેલા લીલાસુકા ફૂલ , છોડ કે પાંદડા સાફ કરી એ જગ્યાને ચોખ્ખી બનાવતી વખતે આમ જ મનમાંથી ભૂતકાળના બનાવો …..મનદુઃખો …..કડવી યાદો …..અનુભવો ……ફરિયાદો …..કચરો સમજી ફેંકી દઈએ તો જ મન સાફ રહેશે …ચિત્ત શાંત રહેશે એમ સમજાય છે …:)

ગજરા માટે , પૂજા માટે , બુકે માટે , કબ્રસ્તાન માટે , સારા નરસા પ્રસંગોએ વપરાતા ફૂલો અને દવા કે ઓસડિયામાં અનેક રીતે ઉપયોગી ફળો અને વ્રુક્ષ છોડ જીવનની ઉપયોગીતા શીખવે …:) અરે , આંગણામાં ઉગતા ફળો સ્વાદ આપી બીજા માટે જાત અર્પી દે એ વાત અને ફૂલો બીજા માટે સુગંધરૂપી ખુશી લઇ આવે એ વાત આપણને કશુંય ન શીખવે ?

બગીચામાં પાણી છાંટ્યા પછી આવતી માટીની સુંગંધ …સોડમ ભાગ્યે જ કોઈને ન ગમતી હોય ….:) અને એ માટી પર ચાલતી વખતે પડેલા પગલા સુખદ યાદો વિષે યાદ અપાવે ..શીખવે ..જે ઘણા દિવસ જળવાઈ રહેવી જોઈએ ..તો ક્યારની બહાર પડેલી રેતીમાં પગલા જળવાતા નથી એ દુઃખદ બાબતો વિષે શીખવે ….:)

આંગણામાં લીલોતરી હોવાથી આપોઆપ અતિથી જેવા પક્ષીઓ આવી જ ચડે અને એ કલબલાટ અને કચકચ …..એમના ટહુકાઓ…એમની વાતો …..એમની માળો બનાવવાની મહેનત ….આખું મન ખુશખુશાલ કરી ન મુકે ?

ઉંમર વધવા સાથે કેટલાક ફેરફારો કરવા જોઈએ ….વધુને વધુ સમય બગીચામાં વિતાવવો જોઈએ …..કસરત તો થાય જ ….એકલતા ન લાગે સાથે સાથે સમય ખુબ સરસ રીતે પસાર થાય …વેરાવળ અને મુંબઈમાં મારા ટેરેસ ગાર્ડનમાં થતા અનેક ફૂલો અને ટમેટા …..મેથીની ભાજી….ફુદીનો કે કોથમીરનો વૈભવ જોઈ લોકો પૂછતા કે આટલી નાની જગ્યામાં આ તમે કેવી રીતે સંભાળી શકો છો ? ત્યારે મારા “એ” જવાબ આપતા કે નીવા આમની સાથે બહુ વાતો કરે છે એટલે એમને પણ એકલું લાગતું નથી અને એ બધા ખુબ ખુશ રહે છે :) …..સાચે જ હું બહુ લાડ કરતી હતી …..<3 મારા ઘરે ઉગેલા નવા પાંદડા કે ફૂલની વાત પાડોશી તો ઠીક…. કોલેજ તો ઠીક ફોન પર દૂર રહેતા મારા સગાઓને પણ જણાવતી …:P ભાવનગરના મમ્મીના ઘરે કેરી , જમરૂખ અને કેટલાક ફૂલો ઉગે છે …એક શાનદાર હીંચકો મારી પ્રિય જગ્યા છે ..અને મારા ઘરમાં જ્યારે સીતાફળ ઉગે તો મમ્મી મને ફોન કરી જણાવે કે તારા ઘરમાં લીલોતરી ઉગી છે …:) અમારા સાઉથના ઘરમાં ફણસ , કેળા , કેરી જેવા ફળો અને સેવંતી, ગુલાબ ,જૂઈ , મોગરો જેવા અનેક ફૂલો …થોડાક લવબર્ડ્સ , અને ત્રણ કુતરાઓ રહી શોરબકોર કરી શકે એવું અત્યંત સુંદર આંગણું છે …

એટલે જ મારે એક નાનકડા બગીચાવાળા ઘરમાં રહેવું છે…!!!

પણ આવો ‘બગીચો’…. અહીં અમદાવાદમાં અમારા ‘બજેટ’માં બેસતો નથી …હું ઉદાસ છું :(

— નીવારાજ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED