હેલેન કેલર Shailesh Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હેલેન કેલર

હેલન કેલર

(પ્રકૃતિ ને પડકાર)

લેખક :

શૈલેશ વ્યાસ

Email : saileshkvyas@gmail.com

Mobile : 9825011562

તમને કોઈ સંપૂર્ણ કાળા ડીબાંગ અંધારા ઓરડા માં પૂરી દે જેમા ક્યાંયથી પણ એક પણ નાનું અમથું પણ પ્રકાશ નું કિરણ ન આવતું હોય અને થોડા દિવસો સુધી એ ઓરડો કોઈ ખોલે જ નહી તો તમારી માનસિક હાલત કેવી થઇ જાય? વિજ્ઞાનીઓએ અને માનસશાસ્ત્રી ઓએ કરેલા પ્રયાગો માં એવું તથ્ય જાણવા મળ્યું છે કે આવા ઓરડામાં માણસને બે કે ત્રણ દિવસ જો રાખવામાં આવે તો કાં તો માનસિક રીતે અસ્થિર થઇ જાય અથવા તો મૃત્યુ પામે.

હવે ફરી કલ્પના કરો કે તમે આવા ઓરડામાં બંધ છો અને તમારા કાન ને મીણ થી પૂરી દીધા છે જેમાં તમે કોઈ પણ જાતનો અવાજ પણ સાંભળી શકતા નથી તો તમારી માનસીક સ્વસ્થતા જાળવી શકો?

અને આ બંને ભયાવય સ્થિતી સાથે એક બીજુ પરિબળ પણ જો જોડાય જેવું કે તમે બોલી પણ ન શકો તો તમને કેવો વજ્રઘાત લાગે ? તમે કે હું કેટલા સમય સુધી આ ભયાનક પરિસ્થિતી માં રહી શકીએ કે જીવી શકીએ ?

હવે તમને એમ કહેવામા આવે કે આખી જીંદગી તમારે આંધળા, બહેરા અને મૂંગા જ રહેવાનું છે તો આપણે ઢગલો જ થઇ જઈએ અથવા તો દુઃખ અને ભય થી આપણું હ્રદય જ ધબકવાનું બંધ કરી દે છે.

પણ ગઈ સદી માં એક એવી વ્યક્તિ ઈતિહાસ માં અમર થઇ ગઈ જેણે આવી ત્રણ ત્રણ જ્ઞાનેન્દ્રીઓ નાં અભાવે પણ કુદરત અને ઈશ્વર ને પડકાર આપી, આંખે અંધ, કાનથી બહેરી અને મોઢેથી નાનપણ માં મુંગી હોવા છતા અનેક પ્રકાર ની સિધ્ધી ઓ સર કરી અને માનવી નો પુરુષાર્થ શું કરી શકે છે તેનું વિશ્વ સમક્ષ ઉદાહરણ પ્રુરુ પાડ્યું , હૈયામાં હામ હોય અને સાચી રીતે કે રસ્તો બતાવનાર શિક્ષક કે ગુરૂ હોય તો “પંઘુમ લંધ્યતે ગિરિમ” વાળો સંસ્કૃત નો શ્ર્લોક સત્ય પુરવાર થાય છે.

પ્રકૃતિ દ્વારા અપાયેલી વિભિષિકા ને પડકાર આપી તેના પર જીત મેળવી વિશ્વભરમાં અદભુત વિદુષી તરીકે નામના અને ખ્યાતિ મેળવનાર કિશોરી/યુવતી/સ્ત્રી નું નામ હતું “હેલન કેલર” તેણે પોતાની અસમર્થતા ને પોતાની સમર્થતા બનાવી શિક્ષા પ્રાપ્ત કરી, ગ્રેજ્યુએટ થઇ, પુસ્તકો લખ્યા, ભાષણો આપ્યા (જ્યારે અન્યો ની જેમ થોડું થોડું બોલતા શિખી) વિદેશ ના પ્રવાસો કર્યા અને સ્ત્રી અને માનવજાત માટે એક અદભુત ઉદાહરણ તરીકે સ્થાપિત થઇ

ચાલો આપણે હેલન કેલર વિશે જાણીએ,

બાળપણ અને બિમારી

હેલન કેલર નો જન્મ ૨૭ જુન ૧૮૮૦ માં અમેરિકામાં ટસ્કુમ્બીઆ, અલાબામામાં થયો હતો. હેલન કેલર નાં જન્મ વખતે તે અન્ય સ્વસ્થ બાળકી ઓ જેવી જ હતી અને જોઈ અને સાંભળી શકતી હતી. પણ તે જયારે તે માત્ર ૧૯ મહિના ની જ હતી ત્યારે તેને કોઈ ચેપી રોગે ઘેરી લીધી (ડોકટરો નું કહેવું હતું કે તેને સ્કારલેટ ફીવર અથવા મેનેંનજાઈટીસ થયો હોઈ શકે). આ બિમારી એ તેની આંખે જોવાની અને કાન થી સાંભળવાની શક્તિ હરી લીધી. સાંભળી ન શકવાથી તેની વાચા ઉપર પણ અસર થઇ ગઈ હતી બિમારી ને કારણે, પણ વાસ્તવમાં એ વયે તે પ્રજ્ઞાચક્ષુ, બહેરી અને લગભગ મૂક એમ ત્રણે અવસ્થા નો શિકાર બની ગઈ હતી પણ તે થોડુ ઘણુ સંકેત કરી ને વાતચીત કરતી હતી. જે ત્યારે માત્ર સાત વર્ષ ની હતી ત્યારે તે લગભગ ૬૦ જાતની ઘરઘરાઉ સંજ્ઞાઓ કરી શકતી હતી. પણ માતા પિતા ની ચિંતા નો પાર ન હતો, આ છોકરી નું ભવિષ્ય શું થશે એ વિચારી તેઓ કાંપી જતા હતા.

પણ ૧૮૮૬ માં હેલન ની માતા એ લોરા બ્રિજમેન નામની એક પ્રજ્ઞાચક્ષુ અને બહેરી યુવતી ની ગાથા સાંભળી ને તેને નાક અને ગળા નાં ડોક્ટર જુલીઅન ચીઝોમ પાસે મોકલી તેમનો અભિપ્રાય લેવા. ડોકટરે તેમને એલેક્ષાન્ડર ગ્રેહામ બેલ (ટેલીફોન ના શોધક) પાસે મોકલ્યા કારણ કે બેલ તે વખતે બહેરા બાળકો માટે કાર્ય કરી રહ્યા હતા. એલેક્ષાન્ડર ગ્રેહામ બેલે તેમને પ્રજ્ઞાચક્ષુ માટેની પર્કિન્સ ઇન્સ્ટીટયુટ પાસે મોકલ્યા જ્યાં લોરા બ્રિજમેને શિક્ષણ લીધું હતું. આ ઇન્સ્ટીટયુટે ૨૦ વર્ષિય તેમની ભૂતપૂર્વ વિદ્યાર્થીની એન સુલિવાન જે પોતે આંશિક રીતે અશક્ત દ્રષ્ટિ વાળી હતી તેને હેલનની પરીક્ષક નક્કી કરી. આ એક ૪૯ વર્ષ લાંબી ચાલનાર હ્રદય સંબંધ ની શરૂઆત હતી. આ લાંબી યાત્રા દરમ્યાન એન સુલીવાન તેની મિત્ર, સાથિદાર સહાયીકા અને શિક્ષિકા બની રહી.

સુલિવાને તેના ઘરે પહોચ્યા પછી તરતજ હેલન ને પ્રશિક્ષિત કરવાનું આરંભ કરી દીધું. સૌ પ્રથમ તો વાતચીત કરવાના પ્રથમ પગથિયા તરીકે તેણે હેલન ની હથેળી માં અક્ષરો ને શબ્દો લખવા માંડ્યા. તેણે તેના હાથમાં ભેટ તરીકે લાવેલી doll (ઢીંગલી) આપી અને પછી તેની હથેળીમાં D-O-L-L એવા અક્ષરો ઘૂંટ્યા. શરૂઆત માં તો હેલન ખુબ જ નાસીપાસ અને ગુસ્સે થઇ જતી હતી કારણકે તે જાણતી જ નહોતી કે દરેક વસ્તુ ને એક નામ હોય છે. આવા વખતે તે ખુબ જ હતાશ અને ક્રોધિત થઇ જતી હતી અને તોડફોડ પણ કરતી હતી.

ત્યારે તેના જીવન માં સૌ પહેલો પ્રસંગ, કે જે તેના જીવનમાં નવો વળાંક લાવનાર હતો, બન્યો. સુલિવાને તેના હાથ ઉપર પાણી પડતું હતું ત્યારે તેની હથેળીમાં W A T E R શબ્દ લખ્યો. હેલન ને ત્યારે જ્ઞાન થયું કે હાથમાં લખેલ શબ્દ પાણી માટે છે પછી તો તેનો વધુ જાણવાનો ઉત્સાહ વધી ગયો અને તે સુલીવાન ને સેંકડો જાણીતા પદાર્થ નાં નામ જણાવવા માંગણીઓ કરવા લાગી. આગલા છ મહિનામા તેણે નવા ૬૨૫ શબ્દો શીખી લીધા. દસ વર્ષ ની ઉંમરે તેણે બ્રેઇલ(અંધજનો માટે ની ઉપસેલી લીપી) શિખી લીધી અને તે ટાઇપરાઈટર નો પણ ઉપયોગ કરવા લાગી.

શિક્ષા અને વ્યક્તવ્ય

૧૯૯૪ માં તે રાઈટ હુમાસન બહેરાની શાળા માં સારાહ ફૂલર નાં હાથ નીચે તાલીમ લેવા દાખલ થઇ એન સુલિવાન પણ તેની સાથે જ હતી. સારાહ ફૂલરે તેને ધીરે ધીરે મોઢામાં આંગળી મૂકી ને પહેલા જુદા જુદા અવાજો અને પછી થોડા થોડા શબ્દો બોલતા શિખવાડ્યું તેની પાસેથી હેલન આવાજોના સ્પંદનો અને હોઠો ની હિલચાલ થી અવાજો બોલતા શીખી. ધીમે ધીમે તે અસ્ફુટ અને ભાંગેલા શબ્દો કાઢતા શિખી. જ્યારે તે આવજોને શબ્દો કાઢતા શીખી ત્યારે તેના આનંદ નો પાર ન રહ્યો. જો કે તેણે પાછળ થી દેશ વિદેશ માં ભાષણો પણ આપ્યા પણ તેઓ ક્યારેય ચોખ્ખુ બોલી ન શક્યા જેનો તેમને હંમેશ માટે અફસોસ રહ્યો. ૧૯૦૦ ની સાલમાં તેણે રેડકલીફ કોલેજ માં પ્રવેશ લીધો. અમેરિકા નાં વિખ્યાત લેખક માર્ક ટવેઈને તેની ઓળખાણ સ્ટાન્ડર્ડ ઓઈલ કુંl નાં ધનાઢ્ય માલિક હેનરી રોજર્સે સાથે કરાવી હતી. હેનરી રોજર્સ તેના ભણતર નો પૂરો ખર્ચો ઉપાડી લીધો હતો. ૧૯૦૪ માં માત્ર ૨૪ વર્ષ ની ઉમરે કેલરે આર્ટસ વિષય માં સ્નાતક ની પદવી મેળવી હતી. તે પહેલી પ્રજ્ઞાચક્ષુ હતી જેણે આવી સ્નાતક ની પદવી મેળવી હતી. તે વિવિધ સાક્ષરો જોડે પત્રવ્યવહાર દ્વારા સંપર્ક રાખતી હતી તે અન્યો જોડે વાતચીત વ્યવહાર કરી શકે તે માટે તેણે વધુ ને વધુ બોલવા નો અભ્યાસ કરતી રહી અને જીવન નો ઘણો સમય તેણે ભાષણો અને વ્યકતવ્યો આપવામાં ગાળ્યો હતો. જો કે તેના ઉચ્ચારો સાફ કે શુધ્ધ ન હતા તેનું તેને જીવન ભર દુઃખ રહ્યું હતું. તે અન્યોના વ્યક્તવ્ય સાંભળવા તેમના હોઠો ઉપર હાથ મૂકી હોઠ વાંચતી/સાંભળતી હતા, તેમની સ્પર્શેન્દ્રીય ખુબ જ સંવેદનશિલ હતી અને ઝીણામાં ઝીણા સ્પંદનો તેઓ પારખી લેતા હતા. તેઓ બ્રેઈલ લીપી, સાંકેતીકભાષા અને સંગીત નાં સ્પંદનો ઓળખતા શીખી ગયા હતા.

હેલને પોતાના વિચારો અને પોતાના સંઘર્ષ વિશે જણાવવા ભાષણો અને વ્યક્તવ્ય આપવા માંડ્યા જેથી કરી ને અન્ય તેમના જેવા લોકો ને પ્રેરણા મળે. જ્યાં જ્યાં તેમના ભાષણો થતા ત્યાં ત્યાં નાં લોકો ખુબ જ પ્રેરિત અને આભા બની જતા હતા, તે પોતાના વ્યક્તવ્ય મા માત્ર પોતાના સંઘર્ષ કે હાડમારી વિશે જ નહોતા કહેતા પણ તેમને જીવન માંથી જે સુખ, આનંદ અને મિત્રતા મળી છે તે વિશે પણ લંબાણ થી કહેતા હતા, શારીરિક ખોટ ની સામે તેમને જે કલ્પના, આનંદ અને કુતુહલતા મળી છે તેનો આનંદ તેઓ જણાવતા અને સ્વીકારતા હતા.

સાથીદારો અને મિત્રો

શારીરિક વિકલાંગતા ને કારણે હેલન ને હંમેશા એક સાથીદાર ની જરૂર હતી. હેલન કેલરે કહ્યું કે જો તેમના જીવનમાં એન સુલિવાન નું આગમન ન થયું હોય તો તેમનું શું ભવિષ્ય કાંઈક જુદુજ હોત, તેમનું આખું જીવન સુલિવાને બદલી નાખ્યું હતું. જેટલી પ્રસિધ્ધી અને શાબાશી હેલન કેલર ને આપીએ એટલી જ પ્રશંસા એન સુલીવાન ની કરવી જોઈએ. સુલીવાને જીવન ભર હેલન નો સાથ નિભાવ્યો. તેમની સફર લગભગ ૫૦ વર્ષ સુધી સાથે ચાલી. આ સાથીદારો અને મિત્રો જ હેલન કેલર ની આંખો હતી. જયારે એન ની તબીયત ૧૯૧૪ માં લથડી ગઈ ત્યારે તેમણે પોલી થોમ્પસન ને ઘર સંભાળવા રાખી લીધી. જો કે તેને પ્રજ્ઞાચક્ષુ કે બહેરા લોકો સાથે નો કોઈ અનુભવ ન હોતો પણ ધીરે ધીરે તે તેમની અંગત મદદનીશ બની ગઈ અને જીવનપર્યત તેમની સાથે રહી. આ દરમ્યાન હેલન એક વાર એક રિપોર્ટર ના પ્રેમ માં પણ પડી હતી અને ભાગી જવાની પણ તેણે તૈયારી કરી હતી. પણ ઘરના તથા એન સુલિવાને આ પ્રેમપ્રકરણ નો વિરોધ કર્યો હતો અને તેનો અંત આવી ગયો. એન સુલીવાન નું ૧૯૩૬ માં મૃત્યુ થઇ ગયું તેના મૃત્યુ વખતે હેલન તેનો હાથ પકડી ને બેઠી હતી, જેણે તેના જીવન માં પ્રાણ રંગ અને આનંદ ભર્યો હતો તેના મૃત્યુ નો તેને ઘણો જ આઘાત લાગેલો અને બાકીના શેષ જીવનમાં તેનો ખાલીપો તેને હરહંમેશ મહેસુસ થતો રહ્યો.

ત્યાર પછી તેણે અને પોલી થોપસને વિશ્વના ઘણા દેશો નો પ્રવાસ કર્યો અને પ્રજ્ઞાચક્ષુ તથા વિકલાંગો માટે ભંડોળ ઉઘરાવ્યા. જ્યારે થોપસન નું પણ મૃત્યુ થયું તે પછી વીની કોરબલી નામની નર્સ તેની જીવનપર્યંત ની સંગાથી બની રહી.

વિવિધ પ્રવૃતિઓ

હેલન કેલર પોતાનો પૂર્ણસમય દેશવિદેશ માં વિકલાંગો અને પ્રજ્ઞાચક્ષુઓ માટે ભંડોળ ભેગું કરવા માટે પ્રવાસો કરતા હતા, વ્યક્તવ્યો અને ભાષણો પ્રજા ને જાગૃત કરવા ને મદદરૂપ થવા માટે કરતા હતા. તેમણે પુસ્તકો પણ લખ્યા. તેઓ સમાજવાદી હતા અને શિશુ જન્મ નિયંત્રણ મા માનતા હતા તેમણે હેલન કેલર ઇન્ટરનેશનલ નામની સંસ્થા સ્થાપી જેના દ્વારા દ્રષ્ટિ, સ્વાસ્થય અને પોષણ ઉપર સંસોધન માં મદદ કરવામાં આવતી હતી. તેઓ એ લગભગ ૪૦ દેશો નો પ્રવાસ કર્યો હતો અને લગભગ બધા જ અમેરિકન પ્રમુખો ને મળ્યા હતા. તેઓની અલેક્ષાંડર બેલ અને માર્ક ટવેઇન સાથે મૈત્રી હતી. ઘણા સાક્ષરો તેમને અને નેપોલિયનને ઓગણીસમી સદી ની બે મહાન વિભૂતીઓ તરીકે માને છે, તેઓ સમાજવાદી ધારા માં માનતા હતા અને તેના ઉત્થાન માટે તેમણે ઘણું કામ કર્યુ.

સાહિત્યકાર અને લેખીકા અને પ્રાણીપ્રેમ

આંખો અને કાન ની શક્તિઓ કામ નહતી કરતી છતા તેમણે દરેક ક્ષેત્ર માં ઊંચાઈઓ અને સિધ્ધી ઓ પ્રાપ્ત કરી હતી. તેમણે લેખન ક્ષેત્રે પણ પોતાનો હાથ અજમાવ્યો હતો તેમણે ઘણા બધા લેખો તથા પુસ્તકો પણ લખ્યા, તેમણે લગભગ બાર જેટલા પુસ્તકો લખ્યા, તેમણે લગભગ ૨૨માં વર્ષે પોતાની આત્મકથા ‘મારા જીવનની વાતો’ લખી. આ ઉપરાંત તેમણે અન્ય પુસ્તકો પણ લખ્યા. તેમના લેખો પણ ઘણી જગ્યા એ પ્રકાશીત થયા. તેમને પ્રાણીઓ પ્રત્યે પણ ખુબજ લાગણી હતી જેના કારણે જાપાનીઝ સરકારે તેમને એક અકિતા જાતી નો કુતરો ભેટ આપ્યો.

આખરી દિવસો

હેલન કેલર ને ૧૯૬૧ માં હ્રદય હુમલાઓ આવ્યા અને તેમણે તેમના છેલ્લા વર્ષો પોતાના ઘરે જ વિતાવ્યા. ૧૯૬૪ માં અમેરિકા ની સરકારે તેમને પ્રેસિડેન્સીપલ મેડલ ઓફ ફ્રિડમ થી નવાજ્યા અને તેઓ નેશનલ વિમેન્સ હોલ ઓફ ફેમ માં ચુંટાયા. આ છેલ્લા દિવસો માં તેઓ અમેરિકન ફાઉંડેશન ઓફ બ્લાઈંડ માટે ભંડોળ ઉઘરાવવા માટે વધારે સમય આપતા હતા. ૧૯૬૮ ની પહેલી જુને તેઓ એ ઊંઘમાં જ દેહત્યાગ કર્યો ત્યારે તેમની ઉમર ૮૮ વર્ષની હતી.

પ્રેરણા સ્ત્રોત અને પ્રોત્સાહન

આ નારી નું આખું જીવન એક દુર્ગમ અને ભિષણ સંઘર્ષ ભરેલું હતું. આંખ, કાન અને આંશિક રીતે શબ્દો નો અભાવ હોવા છતા તેમણે જે કુતુહલ, ઉત્સાહ, સાહસ અને હિંમત થી પોતાના જીવન ની અધૂરપો સામે લડાઈ આપી તેના થી તેઓ આખા અમેરિકા અને વિશ્વમાં વિખ્યાત થઇ ગયા. આપણ ને એક નાની સરખી શારીરિક ઉણપ કે તકલીફ હોય તો આપણે હતાશ, અસંયમી બની જઈએ છીએ ત્યારે આ વિદુષી એ આંખ, કાન અને જીભ ત્રણે ના અભાવ માં શિશુ અને કિશોરાવસ્થા માં કઈ રીતે જીવન નો સામનો અને દિવસો કાઢ્યા હશે તે વિચારતા જ કંપારી છુટી જાય છે તે જમાનામાં જયારે આજ નાં જેટલી તબીબી ક્ષેત્રે ઔષધિય કે તકનીકી સેવા ઓ ઉપલબ્ધ નહોતી ત્યારે તેના માતા પિતા ઉપર કેવી વિતી હશે તે વિચારતા જ હ્રદય ધ્રુજી જાય છે પણ હેલન કેલર નશીબદાર હતી કે તેને એન સુલીવાન જેવી શિક્ષક/ગુરૂ મળી. જેણે તેને જીવન નો માર્ગ ખુલ્લો કરી આપ્યો. આપણા ધર્મપુસ્તકો મા લખેલું છે કે “ગુરૂ ગોવિંદ દોનો ખડે, કાકું લાગુ પાય, બલિહારી ગુરૂદેવ કી જીસને ગોવિંદ દિયો બતાઈ“ ગુરૂ પ્રખર હોય તો ગોવિંદ મળે છે તેમ સુલીવાન જેવી ગુરૂ મળવાથી હેલન કેલર નું જીવન અદભુત બની ગયું, આપણે બધી ઈન્દ્રીઓ સલામત હોય તો પણ જે કામો નથી કરી શકતા તેવા બધા જ કામો તેણે આ ઈન્દ્રીઓ ના અભાવ માં પણ કરી બતાવ્યા. દિવ્યાંગો ને પ્રાત્સાહન મળે તે માટે તેમણે મૂક ફિલ્મ “Deliverence” માં ૧૯૧૯ માં કામ કર્યુ જેમાં તેમના જેવી જીવન કથા વર્ણવાયેલી હતી. તેમના જીવન ઉપરથી બે કે ત્રણ દસ્તાવેજી ફિલ્મો પણ બની અને પછી ‘ધ મિરેકલ વર્કર’ નામની ઓસ્કર એવોર્ડ જીતતી હોલીવુડ ની ફિલ્મ બની, ટીવી ઉપર તેમની જીવની ઉપર થી સીરીયલો બની. આના ઉપરથી પ્રેરણા લઇ ને અન્ય ફિલ્મો પણ હોલીવુડ માં બની જેવી કે ‘ધ પેચ ઓફ બ્લ્યુ’ અને બોલીવુડ માં ‘બ્લેક’ નામની ફિલ્મ અમિતાબ બચ્ચન અને રાણીમુખર્જી ને લઇ ને બની.

હેલન કેલર ના મૃત્યુ પછી પણ તેમને ઘણા માન સંમાન મળ્યા. અલાબામા રાજ્યે તેમના નામનો બ્રેઇલ લીપી વાળા સિક્કો બહાર પાડ્યો છે, તેમના નામે હોસ્પિટલ, રસ્તાઓ ના નામ રખાયા છે અને પોસ્ટલ સ્ટેમ્પ પણ બહાર પડાઈ છે સાર્વજનિક જગ્યાઓ ઉપર તેમના પૂતળાઓ મુકાયા છે, ભારત માં પણ તેમના નામે સ્કૂલો ને નામ અપાયા છે.

તેઓ કહેતા કે “જીવન એક મહાનસાહસ છે અથવા કાંઈ જ નથી” “વિશ્વ ની સારામાંસારી અને સુંદર વસ્તુઓ જોઈ શકાતી નથી કે સ્પર્શી શકાતી નથી. તેને હ્રદય ની લાગણીઓ થી સમજવી પડે છે” જો વિશ્વ માં દુઃખો ની ભરમાર છે તો સાથે સાથે દુઃખો ને દૂર કરવાની શક્તિ પણ છે”

આપણે ઈંદિરાગાંધીને, ગોલ્ડામેર ને કે માર્ગારેટ થેચર ને લોખંડી મહિલા તરીકે ઓળખીએ છીએ પણ તેની સામે આ વિદુષી મહિલા હેલન કેલર કેટલું બધું લોખંડી, પોલાદી આત્મબળ ધરાવતી હશે, કે આંખો, કાન અને શબ્દ વગર આખા વિશ્વમાં પોતાની આત્મશક્તિ અને પોતાની વિદ્વતા ની પ્રતિભા દેખાડી. આજે વિશ્વમાં અને ભારતમાં પણ નારીઓ એ હરણફાળ ભરી છે અને દરેક ક્ષેત્ર મા આગવું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. ત્યારે આ વિદુષી નારી ને આપણે સો સો વાર નમન અને સલામ કરીએ જેને પ્રકૃતિ ને પડકાર આપીને કુદરત ને હરાવી દીધી છે, આપણે વીતેલા જમાના ની ફિલ્મ “તુફાન ઓર દિયા” ને યાદ કરીએ જેનું ગીત ”નિર્બલ સે લડાઈ બળવાન કી યે કહાની હે દિયે કી ઔર તુફાન કી” ને યાદ કરીએ બળવાન અને ક્રૂર પ્રકૃતિ અને કુદરત સામે આ હેલન કેલર નામના નાના દિવા એ કેવી ટક્કર લીધી અને અંતે વિજય મેળવ્યો.

આવી વિદુષી અને લોખંડી આત્મબળ ધરાવતી નારી ને સો સો વંદન.

-------x-----x---------

Ref: - www.//en.wikipedia.org/wiki/Helen_keller

www.perkins.org/ Helen Keller

www.ducksters.com/biography/women_Leaders/helen_keller.php