Benjamin Franklin books and stories free download online pdf in Gujarati

બેંજામિન ફ્રેંકલિન

બેંજામિન ફ્રેંકલિન

એક

વિલક્ષણ અને વિચક્ષણ

પ્રતિભા

લેખકઃ

શૈલેશ વ્યાસ

saileshkvyas@gmail.com

9825011562


“બેંજામિન ફ્રેંકલિન”

એક વિલક્ષણ અને વિચક્ષણ

પ્રતિભા

વિશ્વના દરેક ક્ષેત્રમાં વિરલ વ્યક્તિઓએ પોતાની અમિત છાપ છોડી છે. રાજધૂરામાં સિકંદર, મહાત્મા ગાંધી, અબ્રાહમ લિંકન, માઓ ત્સે તુંગ, સાહિત્યમાં કવિ કાલિદાસ, હેમિંગ્વે, વિલીયમ શેક્સપીયર, ટોલ્સ્ટોય, વર્ડઝવર્થ, સિનેમાં ક્ષેત્રે માર્લોન બ્રાંડો, કલાર્કગેબલ, દિલીપકુમાર, સોફિઆ લોરેન, સ્ટીવન સ્પીલબર્ગ, રમતગમત ક્ષેત્રે જેસી ઓવેન્સ, મહમ્મદ અલી, સચીન તેડૂલકર, પેલે, માઈકલ જોર્ડન, વિજ્ઞાન ક્ષેત્રે એડીસન, મેડમ ક્યુરી, આઈન્સ્ટાઈન, ચિકિત્સા / નર્સીંગ ક્ષેત્રે સુશ્રુત, ડો.બેરી માર્શલ, ડો.ક્રિશ્ચીયન બર્નાર્ડ, ફલોરંસ નાઈટીંગેઈલ, વિ. પોત પોતાના ક્ષેત્રમાં અમૂલ્ય પ્રદાન આપેલું છે. અને વિશ્વમાં પોતાનું આગવું સ્થાન સ્થાપિત કર્યુ છે.

આપણને જ્યારે કોઈ એક ક્ષેત્રની વિશિષ્ઠ વ્યક્તિનું નામ પૂછે તો આપણે તરત જ તે ક્ષેત્રની કોઈ એક વ્યક્તિનું નામ આપી શકીએ. પરંતુ જો આપણને એવું પૂછવામાં આવે કે કોઈ એક એવી વ્યક્તિનું નામ આપો જેણે વિવિધ ક્ષેત્રે જેવા કે, વિજ્ઞાન, રાજકારણ, સમાજસેવા, શોધકાર્ય કે લેખક, મુદ્રક તરીકે અદભૂત પ્રદાન કર્યુ હોય તો આપણે વિચારમાં પડી જઈએ કે માંથુ ખંજવાળતા રહીએ.

પણ કહેવાય છે ને કે “બહુરત્ના વસુંધરા” આ ઉક્તિ પ્રમાણે આવા વિશિષ્ઠ રત્નો પણ આ જગતમાં થઈ ગયા છે જેમણે એકલપંડે વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપી ને ખૂબજ નામના કમાયેલી છે.

આવી જ એક વિલક્ષણ અને વિચક્ષણ બહુમુખી પ્રતિભા એટલે “બેંજામિન ફ્રેંકલિન”

બેંજામિન ફ્રેંકલીન આવી જ બહુમુખી અને અદભૂત પ્રતિભા ધરાવનાર અમેરીકન વ્યક્તિ હતા જેમના દ્વારા કરાયેલ વિવિધ કાર્યોથી તેમણે આખા યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકા ને પ્રભાવિત કર્યુ હતું.

એક આડ વાત અહિંઆ કરી લઈએ. આપણે જેને અમેરીકા કરીને સંબોધીએ છીએ તેનુ ખરૂ નામ યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરીકા (U.S.A) છે. બે મહાખંડો છે. નોર્થ અમેરિકા અને સાઉથ અમેરીકા, ઉત્તર અમેરિકામાં યુ.એસ.એ તથા મેક્સિકો છે જયારે દક્ષિણ અમેરીકામાં બ્રાઝિલ, પેરૂ, ચિલી વિ. દેશો છે. પણ આપણા માટે તો અમેરીકા એટલે અમેરીકા (U.S.A) જ છે.

ફરી, પાછા આપણા મુળ વિષય ઉપર પાછા ફરીએ.

બેંજામિન ફ્રેંકલિન એક બહુમુખી પ્રતિભા ધરાવનાર “મહાપંડિત” હતા. તેઓ એ પોતાના જીવનકાળ દરમ્યાન મુદ્રક, લેખક, રાજકારણી, વિજ્ઞાની, વિ.વિવિધ શ્રેત્રોમાં પોતાનું યોગદાન પ્રદાન કર્યુ હતું. તદ્દઉપરાંત તેમણે નાગરિક કાર્યકર્તા, પોસ્ટમાસ્ટર, તથા રાજદૂત તરીકે પણ અમૂલ્ય યોગદાન આપેલુ. તેઓ સંયુક્ત અમેરીકા રાજ્યોના આદ્યસ્થાપકોમાંના એક હતા. તેમણે સ્વતંત્રતાના ઘોષણાપત્ર અને દેશના બંધારણના ઘડવૈયા પૈકીના એક હતા. તેઓ ને “પ્રથમ અમેરીકન”ના ખિતાબ થી પણ નવાજવામાં આવ્યા હતા.

આજના યુગમાં આપણે આપણા કાર્ય કે ગૃહ ક્ષેત્રમાં પણ ઉચ્ચ કે શિર્ષસ્થ સ્થાન પામવા માટે કેટકેટલી અડચણ અને અવરોધ પાર કરવા પડે છે. અને આપણે શ્રમિત થઈ જઈએ છીએ. ત્યારે આજ થી લગભગ 200 વર્ષ પહેલાના સમયમાં એક થી વધારે ક્ષેત્રમાં એકસાથે અમાપ સિધ્ધીઓ પ્રાપ્ત કરવામાં તેમને કેટકેટલી કઠણાઈનો સામનો કરવો પડ્યો હશે તેની તો માત્ર આપણે કલ્પના જ કરી શકિએ.

બેંજામિન ફ્રેંકલિને પણ તરૂણાવસ્થામાં આર્થિક સંકડામણ ભણતરનો ત્યાગ તથા નાની વયે જ શિખાઉ મદદનીશ તરીકે કાળી મહેનત કરવાનો સામનો કર્યો હતો. જે વય તેમની ભણવાની કે અન્ય રમતગમત, શોખ પોષવાની હતી તેવી વયે જ તેમને આવી મુશ્કેલીઓમાં માંથી માર્ગ કાઢવો પડે તેવી પરિસ્થિતી ઉત્પન્ન થઈ હતી.

તેમ છતા તેમણે પોતાની બુધ્ધિમતા, ધૈર્ય, કાર્યક્ષમતા અને દૂરંદેશી થી પોતાની કેડી કંડારી પોતાનો માર્ગ બનાવી સિધ્ધીના સોપાનો ચડતા ગયા અને અમેરીકાની એક અત્યંત આદરણીય અને બહુમુખી પ્રતિભા તરીકેની પોતાની વિશિષ્ઠ ઓળખ બનાવી.

પણ જેમ આગળ જણાવ્યુ તેમ માર્ગ કાંટાળો અને દુર્ગમ હતો, સરળતા સાથે નિષ્ફળતા પણ માર્ગમાં આવતી હતી. પણ ક્યારેક હિંમત હાર્યા વગર તેમણે પોતાની આગેકુચ જારી રાખી અને પોતાના દરેક ધ્યેયને સિધ્ધ કર્યા.

આ જગતયાત્રા દરમ્યાન તિરસ્કાર, દ્રારિદ્રય, પ્રેમ, મિત્રતા, દગાખોરી, સ્વાર્થ, વિ અનેક જીવનના પાસાઓ તેમને સ્પર્શયા.

આપણે જો તેમની તુલના કોઈ ભારતીય સાથે કરવી હોય તો એવુ કહી શકાય કે તેઓમાં જવાહલાલ નહેરૂ, ડો. આંબેડકર, જગદીશ ચંદ્ર બોઝ, પ્રફુલ્લકુમાર સરકાર વિ. ના અંશો મળીને આ વ્યક્તિનું બંધારણ રચાયું હતુ. આવો આપણે તેમના જીવનના પાસા તબક્કાવાર ક્રમમાં જોઈએ.


બાલ્યાવસ્થા / તરૂણાવસ્થા

બેંજામિન ફ્રેંકલિનનો જન્મ સને 1706માં મેસેસ્યુસેટસ રાજ્યના બોસ્ટન શહેરમાં થયો હતો. તેઓ તેમના પિતા જોશિઆ ના કુલ 17 સંતાનો પૈકીના એક હતા. તથા સૌથી નાના હતા. તેમના પિતાની ઈચ્છા તેમને પાદરી બનાવવાની હતી કારણ કે તે જમાનામાં પાદરીનો દરજ્જો ખૂબ જ સન્માનીય ગણાતો હતો. પણ તે માટે ઉચ્ચ શિક્ષણની જરૂરત હતી. જે માટે જોઈતી રકમ તેમના પિતા પાસે ન હતી જેના કારણે તેમને સ્કુલમાંથી ઉઠાવી લેવાયા અને 10 વર્ષની ઉંમર તેમના પિતાના વ્યવસાયમાં જોડાવી દેવાયા.

બેંજામિન ફ્રેંકલિનને તેમના પિતાનો વ્યવસાય બિલકુલ પસંદ ન હતો તેમનું માનસ તો ઉડતા પક્ષીની જેમ અવકાશ વિહારી હતુ તેમને વાંચવાનો, જ્ઞાન અર્જીત કરવાનો લેખનનો અત્યંત શોખ હતો. તેમની ઈચ્છા કોલંબસ કે મેગેલન જેવા સમુદ્ર યાત્રી બનવાની હતી. આજ કારણસર તેઓ સારા તૈરાક પણ બની ગયા હતા. તેઓની વિવિધ ઓજારો વાપરવા ઉપર સારી હથોટી હતી તેમજ ઘરના નાના મોટા સમારકામ તેઓ જાતે જ કરી લેતા હતા. આ શોખ તેમને તેમના આગળના જીવનમાં પણ ખૂબ ઉપયોગી સાબીત થવાના હતા કારણકે તેમના વૈજ્ઞાનિક પ્રયોગો માટેના નાના મોટા યંત્રો તે જાતે જ બનાવી લેતા હતા. નાના મોટા આવિષ્કાર પ્રત્યે તેમનો અનુરાગ તરૂણાવસ્થાથી જ સતેજ થયો હતો.

બાલ્યાવસ્થાથી જ વાંચન અને પુસ્તકો પ્રત્યે તેમને અદમ્ય આકર્ષણ રહ્યુ હતું. બીજા ખર્ચાઓ ઉપર કાપ મુકી આવા બચાવેલ પૈસામાંથી તેઓ આછી કિંમતના સસ્તા દરના પુસ્તકો ખરીદતા અને વાંચતા. તેમની જ્ઞાનની તૃષા દિવસે દિવસે વધતી જતી હતી અને આ બધા પુસ્તકોની અસર તેમના માનસ અને વિચારો ઉપર થતી હતી.

પણ હજુ તેમનું મન ચંચળ હતુ. જીવનને કઈ દિશામાં લઈ જવુ તે બાબતે તેઓ અવઢવમાં હતા. તેમા તેમનો પણ કોઈ વાંક ન હતો. હજુ તો તેઓ બાલ્યાવસ્થામાંથી નિકળી તરૂણાવસ્થા તરફ ડગ ભરતા હતા. ખરેખર તો આપણે એમને આટલી નાની ઉંમરે આવા વ્યક્તિત્વ માટે અભિનંદન આપવા ઘટે.

તેઓને ખિલે બાંધવા તેમના પિતાશ્રીએ તેમને મુદ્રણ વ્યવસાયમાં જોતરવાનો નિર્ણય લીધો. તેમના વડીલ બંધુ જેમ્સે બોસ્ટનમાં મુદ્રણ પ્રેસની સ્થાપના કરી હતી અને માત્ર 12 વર્ષની કુમળી વયે તેમને આ મુદ્રણ પ્રેસમાં શિખાઉ મદદનીશ તરીકે જોતરી દીધા. બેંજામિન ફ્રેકંલિન પોતાની પ્રકૃતી મુજબ આ નવા કાર્યોમાં પણ ધીરે ધીરે પોતાની પ્રભુતા સિધ્ધ કરવા માંડી તાલીમ મદદનીશ તરીકે જોડાયાના ત્રણેક વર્ષ પછી તેમના ભાઈ જેમ્સે “ધ ન્યુ ઈગ્લેંડ કોરંટ” નામનું અખબારપત્ર શરૂ કર્યુ. જેમ્સે પોતાના નાનાભાઈ ઉપર છાપકામની સઘળી કામગીરી લાદવા માંડી હતી તે ઉપરાંત ઘરે ઘરે જઈને આ છાપું વેચવાની પણ ફરજ પાડવામાં આવતી હતી.

બેંજામિન ફ્રેંકલિનના ઉપજાઉ મગજમાં આ અખબારપત્રમાં વિવિધ વિષયો ઉપર લેખો લખવાની પ્રથમ ઈચ્છા પ્રગટ થઈ હતી. પણ જ્યારે તેના ભાઈ જેમ્સને આ વાતની જાણ થઈ ત્યારે “તુ નાનો છે.” કહીને લેખ લખવા ઉપર પ્રતિબંધ મુકી દીધો. તેમને આ વાતથી ધણુંજ દુઃખ પહોંચયુ પણ તેમનો સ્વભાવ અવરોધોમાંથી માર્ગ કાઢવાનો હતો. પોતાની ઈચ્છાપૂર્તી માટે તેમણે એક નવિન માર્ગ શોધી કાઢયો. આ માર્ગ હતો અનામિ લેખ નો. તેઓ પોતાના વિચારો, મંતવ્યો લખીને ચૂપચાપ મુદ્રણાલયમાં સરકાવી દેતા હતા. સવારે જયારે આ લેખો મળતા અને તેના વિચારોથી પ્રભાવિત થઈ જેમ્સ તેમને પોતાના અખબારમાં સ્થાન આપતો અને સૌ આ અનામી લેખકની ભરપૂર પ્રસંશા કરતા. આ સાંભળી બેંજામિનની છાતી ગજગજ ફુલતી હતી. પણ જ્યારે આ વાતની જાણ તેના ભાઈ જેમ્સને થઈ ત્યારે તે ખુબજ ગુસ્સે થયો. જેમ્સનો સ્વભાવ ગુસ્સાવાળો, તોછડો અને કંઈક અંશે જોહુકુમી વાળો હતો.

તે ઘણીવાર બેનજામીનને ફાવે તેમ બોલતો હતો તેમજ ધોલધપાટ પણ કરી લેતો હતો. પણ શિખાઉ મદદનીશના કરાર ઉપર સહી કરેલ હોવાથી બેંજામિનના હાથ બંધાયેલ હતા. આ દરમ્યાન રાજનૈતિક કારણોસર તેના ભાઈને કારાવાસની સજા થઈ એટલે મુદ્રણનું કામ બેંજામિનના હાથમાં આવ્યું. પણ છુટીને આવેલા ભાઈ જોડે તેનો કોઈ મનમેળ ન હોવાથી બંને વચ્ચે તકરાર થતી હતી જેમા જેમ્સ મોટા હોવાનો ફાયદો ઉઠાવી બેંજામિન ને ગડદાપાટુ પણ મારી લેતો હતો.

આ બધાથી કંટાળીને બેંજામિને અખબારનું કામ છોડવા નિર્ણય લીધો પણ જેમ્સની દરમ્યાનગીરી અને દાદાગીરી ને લઈને અન્ય કોઈ મુદ્રકે તેની સાથે કામ કરવાની આનાકાની કરી.

આ બધી પળોજણ થી કંટાળી ને બેંજામિને કરારનામાનો ભંગ કરીને માત્ર 17 વર્ષની વયે “ભાગેડુ” બનીને બોસ્ટન નો ત્યાગ કર્યો અને ન્યુયોર્ક થઈ ફિલાડેલ્ફીઆ પહોચી ગયા.


ફિલાડેલ્ફીઆમાં સંધર્ષ

બેંજામિન માટે આ શહેર સાવ નવુ તથા અજાણ્યુ હતુ. તે અહિસા કોઈનેય ઓળખતો ન હતો પણ અનાયાસે તેની મુલાકાન એક મુદ્રક જોડે થઈ જેણે તેને મદદ કરવાનું વચન આપ્યુ અને પાળ્યુ પણ ખરૂ. આ મુદ્રકની ભલામણથી તેને અન્ય એક મુદ્રકને ત્યા છુટક નોકરી મળી ગઈ. પણ તેની મહેનત અને બુધ્ધીમત્તાને કારણે ઘણા લોકો તોનાથી પ્રભાવિત થવા લાગ્યા હતા. આ દરમ્યાન પેનસિલ્વેનીઆના ગર્વનરે તેને લંડન મોકલવાની દરખાસ્ત મૂકી કે ત્યાંથી તે છાપખાનાના યંત્રો લાવે જેથી કરીને ફિલાડેલ્ફીઆમાં અન્ય એક અખબાર ચાલુ કરી શકાય. તે સમયે બેંજામિનને ખ્યાલ નહોતો કે ગર્વનર તેને ફિલાડેલ્ફીઆ થી દુર કરવાના બદઈરાદાથી તેઆ ચાલ ચાલેલા. લંડન પહોંચ્યા પછી તેને જાણ થઈ કે ગર્વનર કીથે પોતાના વચન પ્રમાણે કોઈપણ જાતના ભલામણ પત્ર કે મદદપત્ર આપ્યા જ ન હતા.

બેંજામિન પાસે અન્ય કોઈ માર્ગ ન હોવાથી તેમને જે મળે તેવી મુદ્રકને ત્યાં નોકરી સ્વીકારવી પડી અને કંટાળીને થોમસ ડેન્હામ નામના વેપારીને ત્યા સબ બંદર કા વેપારી જેવુ કારકુની, દુકાનદારી તથા ખાતાવહી લખવાનું કામ સ્વિકાર્યુ.

થોમસ ડેન્હામ એક ભલો માણસ હતો જેની મદદથી બેંજામિન ફરીથી ફિલાડેલ્ફીઆ પરત આવ્યા.

બેંજામિને ફિલાડેલ્ફીઆમાં આવીને “ધ પેનીસિલ્વેનીઆ ગેઝેટ” નામનું અખબાર પ્રકાશિત કર્યુ જેને કારણે તેને પૈસા, પ્રતિષ્ઠા અને સન્માન મળવા લાગ્યા. પોતાના અખબાર દ્વારા તેઓ જનતામાં જુદા જુદા વિચારોનો પ્રચાર કરવા લાગ્યા અને પ્રજાએ શું કરવુ જોઈએ કે શું ન કરવુ જોઈએ તે બાબતે સલાહ પણ આપવા લાગ્યા.

આ દરમ્યાન તેઓ ફ્રિમેશન ચળવળના સભ્ય બન્યા અને આ સંસ્થામાં ઉત્તરોત્તર પ્રગતિ કરી તેના ગ્રાન્ડ માસ્ટર પણ સ્થાપિત થયા.

આ દરમાયન તેણે ડેબોરાહ રીડ જોડે કોમન-લો પ્રમાણે લગ્ન કર્યા કારણ કે ડેબોરાહ રીડ પહેલેથી જ પરણેલી હતી પણ તેનો પતિ તેને છોડીને તેની સંપત્તિ લઈને અનામી જગ્યાએ જતો રહ્યો હતો.

બેંજામિને “પુઅર રિચાર્ડઝ એલ્માનેક” છાપવાનું શરૂ કર્યુ જે ખૂબજ લોકપ્રિય થયુ અને બેંજામિનને ઘણા પૈસા કમાવી આપ્યા સાથે સાથે તેણે અન્ય પુસ્તકો પણ પ્રકાશિત કર્યા જેના દ્વારા તેને ઘણીજ ખ્યાતી મળી.


વૈજ્ઞાનિક સેવા અને આવિષ્કારો

બેંજામિન માત્ર બુધ્ધિજીવી લેખક કે મુદ્રક ન હતા. પણ બાળપણથી જ તેમને વૈજ્ઞાનિક સંશોધનોમાં અત્યંત રસ હતો. નવું નવું જાણવાની તેને અદમ્ય જીજ્ઞાસા રહેતી હતી. તેણે વિવિધ શોધો કરી હતી. જેના ફળ આપણે અત્યારે પણ ભોગવી રહ્યા છીએ.

આજે બેતાલીશની ઉંમરે આપણે “બેતાલા” આવ્યા છે તેવુ કહીએ છીએ જેના માટે આપણે “બાયફોકલ્સ” ચશ્માંના કાચ પહેરીએ છીએ ચોખ્ખુ વાંચવા માટે આ “બાયફોકલ્સ”ની શોધ બેંજામિન ફ્રેંકલિને જ કરી હતી.

આ ઉપરાંત ફ્રેંકલિને સગડી, ગ્લાસ આર્મોનિકા, તરવાની ફીન્સ (પાંખો), મુત્રનલિકા વિ. ની શોધ કરી હતી. પણ તેણે આ બધી શોધો ઉપર પોતાના માલિકી હક્કો ક્યારેય સ્થાપિત કર્યા ન હતા. કારણ કે તેઓ એવું માનતા હતા કે આ બધી શોધો માનવજાતના ઉપયોગ માટે છે. એટલે તેનું સ્વતંત્ર વિતરણ થવુ જોઈએ અને કોઈપણ એક વ્યક્તિનો તેના પર માલિકી હક દાવો ન હોવો જોઈએ.

આ ઉપરાંત તેમણે વિવિધ વિષયો ઉપર સંશોધનો કર્યા હતા. જેવાકેઃ સમુદ્રના વહેણ, પ્રકાશના મોજા ના નિયમો, પોઝીટીવ અને નેગેટીવ વીજળીના સંચયીકરણ, તેલ સાથે પાણીની તરલતા વિ. આ બધા સંશોધનો ઘણા જ લોકપ્રિય અને માન્યતા પ્રાપ્ત થયા.

પણ તેમનું સૌથી વધારે પ્રખ્યાત વૈજ્ઞાનિક સંશોધન વિદ્યુત / ઈલેક્ટ્રીસીટી વિષેનું છે. તેમણે એક અનોખા પ્રયોગ દ્વારા સિધ્ધ કરી બતાવ્યુ કે આકાશની વિજળી પણ વિદ્યુત જ છે આ માટે તેમણે વરસાદી તોફાનમાં થતી વીજળી વખતે પતંગ ઉડાડી સાબીત કરી બતાવ્યુ કે વીજળી પણ વિદ્યુત જ છે અને પતંગનો દોરો અને લોઢાની ચાવી વિદ્યુતનું વહન કરી શકે છે.

આ પ્રયોગ ઉપર આધારીત રહીને તેમણે “લાઈટનીંગ રોડ” નો પણ આવિષ્કાર કર્યો તદ્દઉપરાંત વિદ્યુત સંચય માટે તેમણે “બેટરી” નો પણ આવિષ્કાર કર્યો હતો.

આ બધા કાર્યો જોડે જોડે તેમણે લેધર એપ્રોન કલબ, લાઈબ્રેરી ઓફ ફિલાડેલ્ફીઆ, અમેરીકન ફિલોસોફીકલ સોસાયટી તથા યુનિવર્સીટી ઓફ પેનસિલ્વેનીયાની સ્થાપના કરવામાં અગ્ર ભાગ ભજવ્યો તેમણે ફિલાડેલ્ફીઆની યુનીયન ફાયર કું ની સ્થાપના કરવામાં મદદ કરી અને આગ દ્વારા થયેલી નુકશાની ભરપાઈ હેતુ ઈન્સ્યુરન્સની વ્યવસ્થા પણ કરાવી.


કારકિર્દી

બેંજામિન ફ્રેંકલિન ના અદભૂત જીવન કાર્યોમાં તેમણે જાહેરજીવનને પણ ખૂબજ અગત્યાના આપી હતી અને જે સમાજે તેમને માન સન્માન આપ્યા હતા. તે સમાજ માટે તેમણે પોતાનું પરમ કર્તવ્ય સમજીને ખૂબજ યોગદાન આપ્યુ હતુ. જેને કારણે અમેરીકાના ઈતિહાસમાં તથા સમાજમાં તેમનું નામ આજે પણ ગૌરવથી લેવાય છે.

મુદ્રક તરીકેના તેમના વ્યવસાય દરમ્યાન જ તેમણે જાહેર જીવનમાં પણ ઝંપાલાવ્યુ હતું. તેમણે ફિલોડેલ્ફીઆ કોલેજ અને એકેડેમી સ્થાપવામાં ખૂબ જ ઉંડો ભાગ ભજવ્યો હતો.

ધીમે ધીમે તેમણે ફિલાડેલ્ફીઆની રાજનીતીમાં ભાગ લેવાનું શરૂ કર્યુ. શરૂઆતમાં તેઓ જનરલ એસેમ્બલીના કલાર્ક તરીકે ચૂંટાયા અને ક્રમશઃ તેઓ ઉચ્ચતર પદ તરફ ગતીશીલ થવા લાગ્યા. સમયાંતરે તેઓ એસેમ્બલીના સભ્ય તરીકે ચૂંટાયા. તદ્દઉપરાંત તેઓને “જસ્ટીસ ઓફ પીસ” ની પદવી એનાયત કરવામાં આવી. ત્યારબાદ તેમની નિયુક્તી મદદનીશ પોસ્ટ માસ્ટર તરીકે કરવામાં આવી જેમાં એમની ખાસ ઉપલબ્ધિ દર અઠવાડીએ ટપાલો રવાના કરવાની હતી. તદ્દઉપરાંત તેમણે ફિલાડેલ્ફીઆમાં સુરક્ષા હેતુ શહેર પોલીસની યોજના પણ વિચારી હતી. તેમણે તેમના સહયોગી ડો. થોમસ બોંડ જોડે યુ.એસ.એ. ની પહેલી હોસ્પિટલ પેનસિલ્વેનીઆ હોસ્પીટલની પણ સ્થાપના કરી. આ દરમ્યાન તેમણે એમેરીકન ફિલોસોફિકલ સોસાયટીની પણ સ્થાપના કરી હતી. જેથી કરીને વિજ્ઞાનીઓ પોતાની શોધખોળ વિષે ખૂલીને, એકબીજા સાથે ચર્ચા વિચારણા કરી શકે.

તદ્દઉપરાંત ભવિષ્યની યોજના અને રાજકીય જરૂરીયાત સમજીને તેમણે વિવિધ ભાષાઓનું જ્ઞાન પણ અર્જીત કર્યુ. તેમણે ભવિષ્યના દેશના વિદેશ સંબંધો વિષે વિચારીને ફ્રેંચ, ઈટાલીયન, તથા લેટીન ભાષાનો પણ અભ્યાસ કર્યો. ભવિષ્યમાં ફ્રાંસમાં થનારી નિમણુંક વખતે આ ભાષા જ્ઞાન તેમને ખૂબજ મદદરૂપ થવાનું હતુ.

વચ્ચે વચ્ચે આ સમય દરમ્યાન તેમની વિવિધ આયોગ, એસેમ્બલી વિ. માં નિયુક્તી કરવામાં આવી હતી.

તે સમયમાં અમેરીકાના મૂળ વતની રેડ ઈન્ડીયન્સ જોડે વસાહતીઓને ઉગ્ર મતભેદો હતા અને વારંવાર એકબીજા ઉપર આક્રમણો થતા હતા. જેમા બંને પક્ષે ખુવારી વેઠવી પડતી હતી. રેડ ઈન્ડીયનો ની મોહાક, મોહિકેન, એપાચી, સુ. શાયેન કોમાંચી વિ. પ્રજાતપતિઓ લડાકુ અને હિંસક હતી અને તેમના પ્રદેશો ઉપર શ્વેત વસાહતીઓનો કબજો તેમનાથી સહન થતો ન હતો અને તેથી શ્વેત વસાહતીઓ જોડે તેમને સામરીક ઝડપો થતી હતી. આવી ઈન્ડીયન જાતીઓ સાથે વાટાઘાટો કરવા માટેના કમીશનના કમીશનર તરીકે તેમની નિમણુંક કરવામાં આવી હતી.

તેમની વિદ્રતાથી અભિભૂત થઈ હાવર્ડ અને યેલ વિશ્વવિદ્યાલયો એ તેમને માનદ એમ.એની ડીગ્રીથી સન્માનિત કરેલા તદ્દઉપરાંત રોયલ સોસાયટીના સભ્ય તરીકે તેઓ નિર્વાચિત થયા અને તેમને તેમની શોધો માટે કાપ્લે ચંદ્રક થી સન્માંનિત કરવામાં આવ્યા. આ દરમ્યાન તેમની પદોન્નતિ દ્વારા જોઈન્ટ પોસ્ટ માસ્ટર જનરલના પદ ઉપર નિયુક્તી કરવામાં આવી.

આ અરસામાં તેમની નિયુક્તી પેનસિલ્વેનીયા રાજ્યના પ્રતિનીધી મંડળના નેતા તરીકે કરવામાં આવી જેણે “અલ્બાની કોગ્રેસ” માં પ્રતિનિધિત્વ કર્યુ. આ સભા સંસ્થાનો દ્વારા રેડ ઈન્ડીઅનો સાથેના સંબંધો સુધારવા તથા ફ્રાંસ સામે નિતીઓ વિષે વિચાર વિમર્શ કરવા યોજાયેલી હતી.

બેંજામિન ફ્રેંકલિને અમેરીકાના મુળ વતની રેડ ઈન્ડીયનો સાથે યુધ્ધ કરવા એક ખાસ લશ્કરી ટુકડીનું ગઠન કર્યુ જેનાથી મૂળવતની નો વિદ્રોહ વસાહતીઓ સામે થાય તો તેનો પ્રતિકાર કરી શકાય.

અત્યારે જે “રોયલ સોસાયટી ઓફ આટર્સ” તરીકે જાણીતી છે. તેના તેઓ સભ્ય બન્યા.

પેન્સીલ્વેનીયા એસેમ્બલીએ તેમને સંસ્થાના પ્રતિનિધિ તરીકે ઈંગ્લેંડ મોકલ્યા તેમનું મુખ્ય કાર્ય સંસ્થાનોના માલિકોની સત્તા ઓછી કરવાનું હતુ. સંસ્થાનોના માલિકો પાસે એસેમ્બલીના કાયદાઓ અમાન્ય કરવાની સત્તાઓ હતી. પણ ઈંગ્લેંડના રાજનૈતિકો સાથે સંબંધ ન હોવા ના કારણે તેમને આ કાર્યોમાં સરીયામ નિષ્ફળતા મળી. પણ તેમના ઈંગ્લેડના રહેઠાણ દરમ્યાન તેમણે વિવિધ ક્ષેત્રના લોકો જોડે મિત્રતા કેળવી હતી.

આ દરમ્યાન વિવિધ વિશ્વવિધ્યાલયો દ્વારા તેમને વિવિધ માનદ ઉપાધીઓ અર્પણ કરવામાં આવી જેવી કે ડોકટર ઓફ લો. વિ. ઓક્સફોર્ડ વિશ્વવિદ્યાલયે તેમને માનદ ડોકટરેટની ઉપાધી તેમના વૈજ્ઞાનિક અભિગમ માટે અર્પિત કરી.

ઈંગ્લેંડની પરત આવ્યા બાદ તેમણે ફરી પાછી પેન કુટુંબ સામેની ચળવળની આગેવાની લીધી અને પેનસિલ્વેનીઆ હાઉસના સ્પીકર તરીકે તેમની વરણી થઈ. પણ તેમના વિવિધ પગલાની વિપરીત અસર થઈ અને તેમની એસેમ્બલીની ચૂંટણીમાં હાર થઈ. ત્યારબાદ તેમને ફરી ઈંગ્લેંડ મોકલવામાં આવ્યા.

તેમણે લંડનમાં સ્ટેંપ એક્ટ ને પાસ થતા રોકવાનો પ્રયાસ કર્યો પણ આ પગલાની પેનસિલ્વેનીઆમાં વિપરીંત અસર થઈ તેમણે હાઉસ ઓફ કોમર્સમાં આ એક્ટ પાછો લેવા માટે ખૂબ દલીલો કરી અને જેના કરાણે આ કાયદો પાછો લેવામાં આવ્યો. આની અસર એ થઈ કે તેઓની ઓળખ ઈંગ્લેંડમાં અમેરીકાના હિતેચ્છુ તરીકે થવા લાગી. જેને કારણે જયોર્જીઆ, ન્યુજર્સી તથા મેસેરયુસ્સેટ સંસ્થાનોએ તેમની પોતાના પ્રતિનિધી તરીકે ઈંગ્લેંડમાં નિમણુંક કરી.

તેમણે બ્રિટીશ સરકારનો પણ જોરદાર વિરોધ કર્યો જયારે તેમણે ફ્રાંસ અને રેડ ઈન્ડીયન્સ સામેના યુધ્ધનો ખર્ચો અમેરીકન સંસ્થાનો ઉપર નાખવાનો પ્રયાસ કર્યો.


સ્વતંત્રતાનો ઘોષણા પત્ર / બંધારણ લેખન

અમેરીકન પ્રજાએ બ્રિટીશરો સામે સ્વતંત્રતાનું યુધ્ધ છેડી દીધું હતું. બ્રિટિશરોએ અમેરીકન સંસ્થાનો ઉપર જે કરવેરા લાદયા હતા તેના વિરોધમાં આ લડત ચાલુ થઈ હતી. જેની શરૂઆત “બોસ્ટન ટી પાર્ટી” થી થઈ હતી. અમેરીકાની સેના જયોર્જ વોશિંગ્ટનના નેતૃત્વ હેઠળ લડતી હતી અને યોર્કટાઉન ની હાર પછી બ્રિટને અમેરીકાને સ્વતંત્રતા આપી દીધી.

આ દરમ્યાન પેનસિલ્વેનીઆએ તેમની સર્વાનુમતે નિયુક્તી તેના પ્રતિનિધી તરીકે દ્રિતીય કોન્ટીનેન્ટલ કોગ્રેસમાં કરી હતી. અને ત્યારબાદ સ્વતંત્રતાના ઘોષણાપત્ર તૈયાર કરવાની કમીટીના પાંચ સદસ્યમાં તેમની પણ વરણી કરાઈ. અને તેમણે આ ઘોષણા પત્ર તૈયાર કરવામાં પોતાનું અનુદાન આપ્યુ.

આ દરમ્યાન તેમને યુનાઈટેડ સ્ટેટસ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર જનરલ બનાવવામાં આવ્યા હતા.

સ્વતંત્રતા પછી અમેરીકાનું બંધારણ ઘડવામાં અને તેમાં સહી કરવા માટેના છ પ્રતિનિધીઓમાં સૌથી જૈફ અને વડીલ સભ્ય બેંજામિન ફ્રેકંલીન જ હતા.

આ બાદ તેમની અમેરીકાના રાજદૂત તરીકે ફ્રાંસમાં નિયુક્તી કરવામાં આવી તેમના પ્રયત્નો થી વિવિધ ધર્મોના અનુયાયીઓને પોતાનો ધર્મ પાળવાની છુટ મળી. તેમણે તેમના ફ્રાંસના રહેઠાણ દરમ્યાન અમેરીકા અને ફ્રાંસ વચ્ચેના સંબંધોને સુદ્રઢ કર્યા અને વિવિધ સંધીઓ ઉપર હસ્તાક્ષરો કર્યા.

બેંજામિન ફ્રેંકલિન એક માત્ર એવા અમેરીકન નેતા હતા જેમણે સ્વાતંત્ર્ય ઘોષણાપત્ર, ટ્રીટી ઓફ એલાયંસ, ટ્રીટી ઓફ પેરીસ અને અમેરીકાના બંધારણ ઉપર હસ્તાક્ષર કર્યા હતા. આ બતાવે છે કે અમેરીકાના રાજકીય ફલક ઉપર તેમું યોગદાન કેટલુ વિરાટ હતું.

આટલી બધી દોડધામ, કાર્યશીલતા અને દેશપ્રેમમાં સમયવ્યસ્તતાને કારણે તેમણે અંતે 1788માં સાર્વજનિક જીવનમાંથી સંન્યાસ લઈ લીધો.


ગુલામી પ્રથા

અમેરીકમાં ત્યારે ગુલામીની પ્રથા બહુપ્રચલીત હતી. અશ્વેત લોકોને આફ્રિકા થી ગુલામીના વ્યાપાર માટે લાવવામાં આવતા હતા અને અમેરિકામાં વેચાતા હતા જેની પાસે વધારે ગુલામ તે વધારે ઐશ્વર્યવાન અને શક્તિશાળી વ્યકિત ગણાતી હતી. બેંજામિન ફ્રેંકલિન પાસે પણ ઘણા ગુલામો હતા. જે તેમના ઘરમાં તથા કાર્ય સ્થળે મજુરી કરતા હતા. તે પોતે પણ ગુલામોના ખરીદ વેચાણ કરતા હતા. પણ ધીરે ધીરે તેમના વિચારોમાં પરિવર્તન આવવા લાગ્યુ અને તેમણે આડકતરી રીતે ગુલામી પ્રથા નો વિરોધ શરૂ કર્યો. એક સમય એવો આવ્યો જયારે તેમણે પોતાના ગુલામોને સ્વતંત્ર કરી દીધા અને ગુલામી પ્રથા પ્રત્યેનો પોતાનો અણગમો જાહેર કર્યો.

આગળ જતા આ પ્રયત્નો થી પ્રભાવિત થઈ ભવિષ્યના અમેરિકાન પ્રમુખ અબ્રાહમ લિંકને ગુલામી પ્રથા નાબુદ કરવા માટે ઉત્તર અને દક્ષિણના રાજ્યો વચ્ચે ગૃહ યુધ્ધ છેડી દીધુ હતુ અને અંતે ઉત્તરના રાજ્યોનો વિજય થતા ગુલામી પ્રથાનો અંત આણ્યો હતો. પણ ગુલામોની સ્વતંત્રતાનો વિચાર બેંજામિન ફ્રેંકલિને સરળ કર્યો હતો.

આટલી વ્યવસ્તા, પ્રવાસો, રાજકીય દબાણોએ એમના સ્વાસ્થય ઉપર પણ ઘણી અસર કરી હતી. છેલ્લા દિવસોમાં તેઓ મેદસ્વીતા અને ગાઉટથી પીડાતા હતા. તેઓનું 84 વર્ષની જૈફ વયે પ્લુરસીના રોગને કારણે મૃત્યુ થયુ. ફિલાડેલ્ફીઆમાં જે તેમની કર્મભુમી રહી હતી. ત્યાંજ તેમની કબર ફિલાડેલ્ફિઆના ક્રાઈસ્ટ ચર્ચ બરીયલ ગ્રાઉન્ડમાં સ્થિત છે.


અન્ય ગુણો અને સિધ્ધીઓ

બાલ્યકાળમાં જ તેમના પિતાશ્રી તેમને ચર્ચના પાદરી બનાવવાનું સ્વપ્ન સેવતા હતા. એ જમાનામાં યુરોપ-અમેરીકામાં પાદરીઓને ખુબજ માન અને સન્માન થી જોવામાં આવતા હતા. સમાજમાં તેમને મોભો ઉચ્ચ કક્ષાનો ગણાતો હતો. તેઓને સ્થૂળ ધર્મ પ્રત્યે કોઈ આસ્થા ન હતી પણ ઈશ્વર પ્રત્યે તેમને અથાગ શ્રધ્ધા હતી. તેઓની માન્યતા પાછળથી બદલાઈ ગઈ હતી. અને તેઓ માનતા થયા હતા કે ઈશ્વર અને ચર્ચ દ્વારા જ માનવજાતનો ઉધ્ધાર છે. તેઓ પ્રાર્થનાની શક્તિમાં માનવા લાગ્યા હતા.

અમેરીકન કોંગ્રેસે બેંજામિન ફ્રેકંલિન, જહોન આદમ્સ અને થોમસ જેફરસનને અમેરીકાના રાજચિન્હની પ્રતિકૃતી તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી જો કે તેમણે સૂજવેલ પ્રતિકૃતી કોગ્રેસે સ્વીકારી ન હતી.

તેમણે પોતાના જીવન માટે અમુક નિયમો નક્કી કરેલા જે પ્રમાણે તેમણે પોતાની દિનચર્યા અને જીવનના લક્ષ્યો નિર્ધારીત કર્યા હતા. આ ગુણો હતા. 1) સ્વચ્છતા 2) શ્રમ 3) વ્યવસ્થા 4) કરકસર 5) સંકલ્પ 6) શાંતિ 7) અંકુશ 8) વિનમ્રતા 9) સંયમ 10) નિષ્ઠા 11) મિતભાષી 12) ચારિત્ર્ય 13) ન્યાય.

તેઓએ પોતાનું આખું જીવન આ નિયમોને આધિન રાખીને જીવ્યુ. આજે આખુ જગત જયારે ફિલ્મસ્ટાર, ક્રિકેટર્સ વિ.નું આંધળુ અનુકરણ કરીને પતનની ગર્તામાં ધકેલાઈ જાય છે ત્યારે જો આવા આદર્શો આજની પેઢી પોતાના જીવનમાં ઉતારે તો તેમનું, તેમના કુટુંબનું તેમજ સમાજનું કલ્યાણ અવશ્ય થશે. જરૂર છે આ સંસ્કારોને આપણા અને આપણા બાળકોના જીવનમાં સિંચવાની. બેંજામિન ફ્રેકંલિનની જીવનગાથા એક પ્રેરણાગ્રંથ છે. અંગ્રેજીમાં જેને “રેગ્સ ટુ રીચીઝ” કહેવાય છે. તેવી ગાથા છે. પરંતુ એક તફાવત સાથે “રેગ્સ ટુ રીચીઝ” મુખ્યત્વે તદ્દન ગરીબ અવસ્થામાંથી જે ખૂબજ ધનવાન થઈ જાય તેના માટે વપરાય છે.

પણ અહિઆતો આ વ્યક્તિ તદ્દન દારિદ્રય માંથી ધનવાન પણ બની તથા જાહેર જીવનમાં ઉચ્ચતમ સિધ્ધીઓ અને પદો પામી. એક વખત એવો આવ્યો કે અમેરીકામાં જયોર્જ વોશિંગ્ટન પછી બીજા નંબરે બેંજામિન ફ્રેંકલિન ને ગણવામાં આવતા હતા.

આપણે ગાંધીજીને કે આઈનસ્ટાઈને કે સચીન તેંડુલકરને તેમની મહાન સિધ્ધી માટે બિરદાવીએ છે. પણ આપણે ક્યારેય વિચાર્યુ કે ગાંધીજી એ રાજકીય ગતિવિધીઓ સિવાય, વિજ્ઞાન કે રમતગમતમાં કોઈ પ્રદાન આપેલુ છે.? શું આઈનસ્ટાઈને વિજ્ઞાન સિવાય રમતગમત કે રાજનિતીમાં કોઈ સિધ્ધી પ્રાપ્ત કરી છે. ? સચીનને ક્રિકેટનો ભગવાન કહેવામાં આવે છે પણ તેણે શું કોઈ વૈજ્ઞાનિક આવિષ્કાર કરેલ છે. ?

આવુ આપણે જયારે વિચારીએ કે તુલના કરીએ ત્યારે જ આપણને ખ્યાલ આવે કે બેંજામિન ફ્રેકંલિન કેવી વિરાટ પ્રતિભા હશે તેઓ એકમુખીને સ્થાને બહુમુખી પ્રતિભા હતા જાણે કોઈ અષ્ટભુજા વાળા દેવ હોય જે એક સાથે અનેક વિષયો અને વર્ગો ઉપર કાર્ય કરવાની ક્ષમતા રાખતા હતા.

વિશ્વના ઈતિહાસમાં ભાગ્યેજ કોઈ એવી વિરલ પ્રતિભાઓ થઈ હશે. જે બેંજામિન ફ્રેંકલિન સાથે સ્પર્ધા કરી શકે.

અમેરીકાની પ્રજામાં પણ એક અદભૂત ગુણ છે. તેઓ પોતાના વિરલાઓને વિસરતા નથી. સરકાર ગમે તે પક્ષની આવે પણ દેશના વિરલા માટે સહુ કોઈ ને માન હોય છે. આખા અમેરીકામાં વિવિધ સ્થળોએ તેમની પ્રતિમાઓ સ્થપાયેલી છે. અમેરીકાના ચલણ ઉપર, પદકો ઉપર તેમજ ટપાલ ટિકીટ ઉપર એમના ચિત્રો મુકી તેમની યાદ ને ગૌરવાવિંત કરાયેલી છે. રસ્તાઓ, પુલો, સ્કુલો, કોલેજો, સંગ્રહાલયો એમના નામે નામાધિન છે. અનેક સામરીક યુધ્ધપોતોને યુ.એસ.એસ ફ્રેંકલીન નામ અપાયેલુ છે. આશ્વર્યની વાતતો એ છે તેમના મિત્રોએ એક વૃક્ષને ફ્રેંકલીન વૃક્ષ તરીકે નામાધિન કરેલ છે. ઓછામાં ઓછા 15 થી 16 અમેરીકન રાજ્યોના અમુક વિસ્તારને ફ્રેંકલિન નામ આપેલ છે.

જયારે એક વ્યક્તિ પોતાનું જીવન સમાજને દેશને સમર્પિત કરી દે છે ત્યારે આપણે જોયુ છે કે એમનું કૌટુંબિક જીવન શાંત કે સ્થિર હોતુ નથી. કારણ કે તેઓ પાસે પોતાના કુટુંબને ફાળવવવા માટે સમય જ હોતો નથી. જેથી તેમનું કુટુંબ એક પ્રકરાનો ખાલિપો તથા અજંપો સેવતા થાય છે. અને સાંનિધ્યના અભાવે એક બીજા થી માનસિક રૂપે દૂર થતા જાય છે.

બેંજામિન ફ્રેંકલિનના જીવનમાં પણ આવું જ બન્યુ હતુ. તેમણે ડેબોરાહ રીડ નામની મહિલા જોડે કોમન લો લગ્ન કર્યા હતા. તેમનું પહેલુ સંતાન બાળપણમાં જ રોગગ્રસ્ત થઈ મૃત્યુ પામ્યુ હતું.

ડેબોરાહ રીડને લાંબા પ્રવાસે જતા ફ્રેંકલિનની એકલતા ખૂબ જ સાલતી હતી પણ સમુદ્રના પ્રવાસના ભયથી તે ક્યારેક ફ્રેંકલિન સાથે લાંબા યુરોપના પ્રવાસે જવાની હિંમત જ કેળવી ન શકી તે લાંબા વિયોગથી અને એકલતાથી હતાશામા ડુબી જતી હતી અને આવી જ હતાશ દશામાં ફ્રેંકલીનના ઈંગ્લેંડના પ્રવાસ દરમ્યાન જ તેનું મૃત્યુ થઈ ગયું.

ફ્રેંકલિનને એક અવૈધ પુત્ર વિલીયમ હતો. જેની માતા કોણ હતી તેની કોઈને જ જાણ ન હતી. ફ્રેંકલિને તેને ન્યુ જર્સીનો ગવર્નર બનાવ્યો હતો પણ તેને તેના અવૈધ પિતા સાથે સારા સબંધો ન હતા છેવટે તે ઈંગ્લેંડ જતો રહ્યો.

બેજામિન ફ્રેંકલિનના આખરી વર્ષોમાં તેમની બિમાર અવસ્થા વખતે તેમના પત્નિ કે પુત્ર હાજર ન હતા. એ આવા વિરલ વ્યક્તિનું દુર્ભાગ્ય હતું.

આટલી બધી વ્યવસ્તા વચ્ચે પણ તેઓ પોતાના શોખો પુરા કરતા હતા જેથી કરીને તણાવ ભરેલી સ્થિતીમા પણ તેઓ શાંત રહી શકતા હતા. તેઓ વાયોલીન, ગિટાર તથા વિણા વગાડી શકતા હતા. તેઓ સંગીતની રચના પણ કરતા હતા. તથા ચાર ગાયકો ગાઈ શકે તેવી સંગીતકૃતી ની રચના શાસ્ત્રીય રૂપમાં કરી હતી. તેઓ ચતુરંગી (શતરંજ) રમવાના પણ શોખીન હતા. તેઓ બધા સંસ્થાનોમાં અતિ વિખ્યાત શતરંજ ખેલાડી તરીકે નામના પામ્યા હતા. થોડા વર્ષો પહેલા તેમનું નામ યુ.એસ.એસ હોલ ઓફ ફેમ સાથે જોડી તેમનું બહુમાન કરાયુ હતું.

બેંજામિન ફ્રેંકલિન પોતાની વાતોમાં તથા વાર્તાલાપોમાં અમુક સુક્તિઓ નો ઉપયોગ કરતા તેમાની ઘણી બધી ખૂબ જ પ્રસિધ્ધી પામી છે.

પ્રભુએ આવુ સર્જન કઈ રીતે કર્યુ હશે તે વિશે આપણને આશ્ચર્ય અનુભવીએ. આપણે કોઈ ક્રિકેટર, બેટસમેન હોય, કોઈ બોલર હોય, કોઈ વિકેટકીપર હોય, કે કોઈ કોઈ ઓલ રાઉન્ડ હોય તેવુ સાંભળ્યુ છે. પણ ક્યારેય એવું સાંભળ્યુ છે કે આ ક્રિકેટર, ઓલ રાઉન્ડર છે, અંપાયર છે, થર્ડ એપાંયર છે. રેફરી છે. ગ્રાઉન્ડમેન છે. તેમ જ વ્યવસ્થાપક પણ છે. ?

બેંજામિન ફ્રેંકલિનની તુલના આવી વ્યક્તિ સાથે થઈ શકે. તેઓ જે પણ કાર્ય હાથમા લેતા તેમાં ઓતપ્રોત થઈ જતા હતા અને પૂર્ણ ઉત્સાહ, વિશ્વાસ થી પોતાના ધ્યેય અને લક્ષ્યને પ્રાપ્ત કરવા અથાગ પ્રયત્નો કરતા હતા.

તેઓને ઘણી સફળતા મળી હતી. તો ઘણી નિષ્ફળતા પણ મળી હતી. પણ નિષ્ફળતા થી નિરાશ થવાને બદલે ફરીથી અથાગ પરિશ્રમ કરીને અથવા પોતાના મૂલ્યોનું ફેર આકલન કરીને ધ્યેય પ્રાપ્ત કરવા માટે અથાગ પરિશ્રમ કરતા હતા. હતાશા કે નિરાશાનું તેમના જીવનમાં કોઈ સ્થાન ન હતુ.

એમના જીવન વૃતાંતમાંથી આપણે અને આપણી યુવાપેઢીએ ખૂબ જ પ્રેરણા લેવા જેવી છે. ઘણા રાજપુરુષો અને વિશિષ્ઠ વ્યકતિઓ આવી પ્રેરણા લઈ ચૂક્યા છે. તેમને બેંજામિન ફ્રેંકલિનના જીવનમાં થી ખૂબજ પ્રેરણા મળી છે. અને તેમણે તેમના જીવન અને કાર્યોને બેંજામિન ફ્રેંકલિનના જીવન અને આદર્શો પ્રમાણે મઠારવાના પ્રયત્નો કર્યો છે.

આવી વિરલ અને વિશિષ્ઠ વ્યક્તિને આપણે કોટી કોટી વંદન કરીએ.

References:- The factual data and references are taken from following Sources:

1. www.wikipedia.org/wiki/Benjamin_Franklin

2. ushistory.org

3. autobiography of Benjamin Franklin

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED