Napolean Bonaparte books and stories free download online pdf in Gujarati

નેપોલિયન બોનાપાર્ટ

નેપોલીયન બોનાપાર્ટ

“સૈનિક થી સમ્રાટ”

લેખકઃ

શૈલેશ વ્યાસ

Email : saileshkvyas@gmail.com

Mobile : 9825011562


નેપોલીયન બોનાપાર્ટ

વિશ્વના ઈતિહાસમાં અનેક રાજાઓ, શહેનશાહો અને સમ્રાટોએ પોતાની નોંધ મૂકાવી છે, જેમણે પોતાના સામ્રાજ્યોનો વિસ્તાર કરી અનેક ભૂમી, પ્રજા કે મહાખંડો ઉપર પોતાનું સ્વામિત્વ સ્થાપિત કર્યુ હતું. આવા અગ્રગણ્ય રાજવીઓમાં, મહાન સિંકદર, અકબર અશોક, મહાન ફ્રેડરીક દ્વિતીય, મહાન પીટર પ્રથમ, સાયરસ દ્વિતીય, રિચાર્ડ ધ લાયન હાર્ટેડ, સલાઉદ્દીન વિ.ના નામો પ્રમુખ છે.

આ રાજવીઓની ખ્યાતિ કે મહાનતા તેમના સામ્રાજ્યના વ્યાપ ઉપરથી કે કેટલી ભૂમી હસ્તગત કરી કે કેટલા યુધ્ધો, જીત્યા તે ઉપર થી સ્થાપિત થતી હતી. તેમની મહાનતા ની ગણના તેમના સામ્રાજ્ય નો વિસ્તાર ભૌગોલિક રીતે ક્યાંથી ક્યાં સુધી પથરાયેલો હતો તેના ઉપર થી થાય છે.

પણ આ બધા સમ્રાટો, શહેનશાહો કે રાજા મહારાજાઓ વચ્ચે એક ખાસ સમાનતા હતી. તેઓ સૌ રાજવંશના હતા. તેમના પિતા તેમના પહેલા રાજસિંહાસને આરૂઢ હતા. આ રાજવીઓ રાજપુત્રો હતા તથા સિંહાસનના ક્રમે કે અનુક્રમે ઉત્તરાધિકારી હતા. રાજપદ કે રાજસિંહાસન તેમને વંશવારસામાં મળેલુ હતુ. સૌને રાજકુળની રાજકીય અને સામાજીક તાલીક મળેલી હતી અને રાજરીતો તેમના લોહીમાં જ હતી. અમુક અપવાદ બાદ કરતા તેમને રાજસિંહાસને આરૂઢ થતા ઝાઝી કોઈ મુશ્કેલીઓ કે અડચણ વેઠવી પડી ન હતી.

પિતા કે પ્રપિતાના સ્વર્ગવાસ પછી તેમણે સામ્રાજ્યની રાજધૂરા સંભાળી હતી. વહીવટી તંત્ર તથા સૈન્યશક્તિ પૂરા સામ્રાજ્ય ઉપર પોતાની પકડ જાળવી રહી હતી. એટલે આ નવા શાસકોને રાજધૂરા વહન કરવામાં કોઈ અધિક સમસ્યા કે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો ન હતો.

પણ ઈતિહાસના પૃષ્ઠો ઉપર અનેક એવા રાજવીઓ છે જેઓ કોઈ રાજવંશ કુળમાં ઉત્પન થયા ન હતા છતાં પોતાની બુધ્ધી, શક્તિ, પરાક્રમ, લોકપ્રિયતા અને આંતર શક્તિ દ્વારા જેમણે સામાન્ય સ્થિતીમાંથી ઉધ્વઁ જઈ રાજપદ કે સમ્રાટ પદ સ્થાપિત કર્યુ હતું.

આવા રાજવીઓમાં ચંદ્રગુપ્ત મોર્ય, ચંગેઝખાન, કુતુબુદ્દિન ઐબક, શેરશાહ સુરી, હેમુ વિક્રમાદીત્ય, હૈદરઅલી, ડેવીડ (ઈઝરાયેલ) તથા નેપોલીયન બોનાપાર્ટ નું નામ મોખરે આવેલ છે.

આમાના કોઈપણ રાજવી કોઈપણ રાજવંશમાં જનમ્યા ન હતા તથા કોઈને રાજપદ કે રાજસિંહાસના વારસાગત પ્રાપ્ત ન હતા. તેમને શરૂઆતમાં કોઈ રાજસી તાલીમ કે સમર્થકોનું પીઠબળ ન હતું. તેઓએ સામાન્ય કુટુંબ, ગુલામી કે સામાન્ય સૈનિક તરીકે શરૂઆત કરી પોતાની બુધ્ધિ પ્રતિભા, પરાક્રમ, પ્રામાણિકતા તથા તક ઝડપવાની કુશાગ્રતાને કારણે એક પછી એક પગથિયું ચડતા ચડતા, સર્વોચ્ચ સ્થાને પહોંચ્યા હતા.

આ સૌ રાજવી કે સમ્રાટોઓએ રાજ્ય કે ભૂમિવિજય કરતા વધારે પ્રાધાન્ય પોતાની પ્રજા, સૈનિકો તથા સમર્થકોનો વિશ્વાસ અને હૃદય જીતવા ઉપર આપેલ હતુ અને એટલો વિશ્વાસ, પ્રેમ અને ભક્તિ સંપાદન કરી હતી જેના થકી તેઓ અકલ્પનીય સફળતા અને વિજયો પ્રાપ્ત કરી શક્યા હતા.

આવી મુઠી ઉંચેરા રાજવીઓ અને સમ્રાટો વચ્ચે પણ જો કોઈ વધારે ઉધ્વઁ ઉંચાઈ પ્રાપ્ત કરનાર કોઈ સમ્રાટ હોય તો તે છે

“નેપોલીયન બોનાપાર્ટ”

ફ્રાંસનો સમ્રાટ જેની જીવનગાથાને “સૈનિક થી સમ્રાટ” નુ શિર્ષક આપી શકાય આવો, આપણે આ અદભૂત, અજીત અને આખા યુરોપ મહાખંડને ધ્રૂજાવનાર સેનાપતિ અને સમ્રાટ વિશે જાણીયે.

બાલ્યાવસ્થા તથા પ્રારંભિક સૈનિક જીવનઃ-

નેપોલીયનનો જન્મ ૧૫મી ઓગષ્ટ ૧૭૬૯માં એજાસીઓ, કોર્સિકામાં થયો હતો. તેમના પિતા વકીલ હતા અને કુટુંબ આર્થિક રીતે સધ્ધર હતું. બાલ્યાવસ્થામાં નેપોલીયન ઉપર તેમની માતાનો ખૂબ જ પ્રભાવ હતો અને તેઓના જીવનના ઘડતરમાં તેમની માતાનો ફાળો અમુલ્ય હતો. આ જ કારણે તેઓને દરેક માતાઓ પ્રત્યે ખૂબજ આદર હતો. એક કિવદંતી પ્રમાણે જયારે એક બંદી અંગ્રેજ સૌનિકે ઈગ્લીશ ચેનલ પાર કરવા નાના હોડકામાં ભાગવાનો પ્રયાસ કર્યો અને પકડાઈ ગયો ત્યારે નેપોલીયને તેને છોડી મુકવાનો હુકમ કર્યો કારણ કે જયારે નોપોલીયને તેને પુછયું કે આવુ ભયજનક સાહસ ખેડવા તું કેમ તૈયાર થયો? ત્યારે પેલા બંદીએ જવાબ આપ્યો કે “હું મારી માંદી માતાને મળવા ઈચ્છુંક છું”

૧૭૭૯ માં તેમણે સૈનિક તાલીમ શાળામાં પ્રવેશ લીધો. તેમને ઈતિહાસ, ભૂગોળ, ગણિત વિ. વિષયોમાં ઉંડો રસ હતો. અહિંઆ તેમની તાલીમ પૂરી થતા તેમને ઈકોલ મીલીટેરમાં તેમની ભરતી થઈ જયાં તેમણે તોપખાનાના અધિકારી તરીકે તાલીમ લીધી.

નેપોલીયનને ત્યારે સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે તોપખાનાની આ તાલીમ તેમના જીવનની ચડતી નું પહેલુ પગથીંયુ બનવાની હતી.

અહીંથી, ઉર્તિણ થયા બાદ નેપોલીનની દ્વીતીય લેફટનંટ તરીકે તોપસેનામાં નિમણુંક થઈ. ફ્રેંચ વિદ્રોહના સમયે તેઓ “જેકોબીયન ગુટ”ના સમર્થનમાં હતા અને વિવિધ પક્ષો સામે તેઓ લડયા હતા. પણ પાઓલી નામના નેતા સાથેના મતભેદને કારણે તેમને પોતાના કુટુંબ સહિત કોર્સિકા નો ત્યાગ કરી ફ્રાંસમાં આશરો લેવો પડયો હતો.

૧૭૯૩માં નોપોલીયનની નિયુક્તી પ્રજાસત્તાક સેનાની તોપ ટુકડીના સેના નાયક તરીકે “ટયુલોન ના ઘેરા” વખતે થઈ. તેમની રણવ્યુહ રચનાના કારણે પ્રજાસત્તાક દળોએ ટયુલોન શહેર ઉપર કબજો મેળવ્યો. ફળ સ્વરૂપે માત્ર ૨૪ વર્ષની યુવા વયે તેમને બ્રિગેડીયર જનરલનો હોદ્દો મળ્યો, તદ્દઉપરાંત ફ્રાંસની ઈટાલીના યુધ્ધ માટે તૈયાર કરેલુ તોપખાનાનો હવાલો પણ તેમને સોપવામાં આવ્યો.

નોપોલીયને “સાર્ડીનીઆ” રાજય ઉપર ચડાઈ કરવાનો વ્યુહ બનાવ્યો અને “ઓર્મિઆ શહેર જીતુ લીધુ” તથા “સઓર્ગે” ને ઘેરી લીધુ. જયારે રાજાશાહી સમર્થકોએ વિદ્રોહ કર્યો ત્યારે નેપોલીયને પોતાની તોપનો ઉપયોગ કરી તેમના ઉપર તોપગોળા વરસાવી તેમને છિન્નભિન્ન કરી નાખી વેરવિખેર કરી દીધા.

રાજશાહી સમર્થકોને હરાવવાને કારણે નેપોલીયનને કિર્તી, કલદાર, સત્તા અને સરકારનું સમર્થન પ્રાપ્ત થયુ અને ઈટાલી માટેની સેનાનુ ગૃહ સેનાપતિ તરીકેનુ પદ સોપાયું.

આજ સમય દરમ્યાન તેમનુ લગ્ન જોસેફીન જોડે થયું.

નેપોલીયનના લગ્ન પછી તુરતજ ઈટાલીયન અભિયાન ઉપર નિકળી પડયો અને માત્ર એક પખવાડીઆની અંદર જ તેણે પીડમોટની સૈન્યશક્તિને ધરાશાયી કરી દીધી.

ત્યારબાદ ઈટાલીના મિત્ર ઓસ્ટ્રિયાની સેના ઉપર હુમલા ઉપર હુમાલ કર્યા તથા ઓસ્ટ્રિયાના પ્રતિ હુમલાઓને વિફળ કરી વિજયો પ્રાપ્ત કર્યો અને “રિવોલી”ના યુધ્ધમાં ઓસ્ટ્રિયાના સૈન્યને ઈટાલીમાં પરાજીત કરી દીધું.

ત્યારબાદ “ટાવીર્સની લડાઈ” જીતી લઈ ઓસ્ટ્રિયામાં ઉંડે સુધી પોતાની સત્તા સ્થાપિત કરી અને “લીયોબેન” સુધી પહોંચી ગયો. હારી આથી ગભરાઈને ઓસ્ટ્રિયા એ ફ્રાંસ સાથે સંધિ કરી જેના લીધે મોટાભાગના ઉત્તર ઈટાલી અને નીચાણવાણા દેશો ઉપર ફ્રાંસનું પ્રભુત્વ સ્થપાઈ ગયું. તેણે “વેનિસ” પણ જીતી લીધું.

નેપોલીયનના સૈન્ય રણવ્યુહ અને વિજયો ને કારણે તે આખા યુરોપમાં વિખ્યાત થઈ ગયો અને ખાસ કરીને ફ્રાંસમાં તો તે દરેક ફ્રેંચ નાગરીક માટે એક આદર્શ પુરૂષ કે “Hero” બની ગયો.

નેપોલીયનની અદભૂત વ્યુહરચના તથા તોપખાના અને પાયદળના સમન્વય દ્વારા શત્રુઓના પરાજય આપવાની રીતનો યુરોપના અન્ય દેશોમાં રીતસરનો અભ્યાસ ત્યાંના સૈન્યો કરવા લાગ્યા.

ત્યારબાદ ફ્રાંસના મુખ્ય હરિફ અને શત્રુ બ્રિટેનની સત્તા નબળી પાડવા તેણે ઈજીપ્ત ઉપર આક્રમણની યોજના બનાવી. તેણે આ નૌકા અભિયાનમાં માત્ર સૈનિકો જ નહી પણ સાથે વૈજ્ઞાનિકો, ગણિતશાસ્ત્રીઓ, ભૂતલશાસ્ત્રીઓને પણ લીધા હતા, જે દર્શાવે છે કે તે વિશ્વના જુદા જુદા વિષયો ઉપર સંશોધનોને પણ કેટલુ મહત્વ આપતા હતા. તેઓએ માત્ર ભૂમિ વિજય ઉપરાંત જ્ઞાન માહિતીના ફેલાવા ઉપર પણ એટલુ જ ધ્યાન આપ્યુ હતુ. જેથી વિશ્વની પ્રજાનું જ્ઞાન અને જાણકારી વધે.

ઈજીપ્ત પહોંચતા પહેલા તેણે માલ્ટા ઉપર કબજો કર્યો. ત્યારબાદ તેણે ઈજીપ્તના એલેક્ષાંડ્રીયા તથા શુભ્રાખીટ તથા અન્ય લડાઈઓ જીતી તેણે પોતાની સ્થિતી મજબુત કરી. તદઉપરાંત હમાશકશ, આરિસ, ગાઝા, જાફ્ફા અને હાઈફા ઉપર વિજયો મેળવ્યા. જો કે આ દરમ્યાન બ્રિટેનના વિખ્યાત નૌસેનાપતિ હોરેટીયો નેલ્સને ફ્રાંસના મોટાભાગના વહાણોને નાઈલ ની લડાઈમાં ડુબાડી દીધા. તો પણ નેપોલીયને ઓટોમાન સામ્રાજ્યના નૌકાદળના આક્રમણને વિફળ બનાવ્યું. પરંતુ આ દરમ્યાન પ્લેગ ની બિમારી તથા પુરવઠાનો પુરતો જથ્થો ન મળવાથી નેપોલીયનની સ્થિતી નિર્બળ થઈ ગઈ અને તેણે ફ્રાંસ પાછા ફરવાનો નિર્ણય લીધો.

ફ્રાંસનો શાસક અને સમ્રાટ

ફ્રાંસમાં નોપોલીયનનું સ્વાગત એક અદભૂત વીરપુરૂષ અને તથા અદ્વિતીય સેનાપતી તરીકે થયુ. કારણક કે તેની ગેરહાજરીમાં ફ્રાંસે ઘણા પરાજયો સહન કરવા પડયા હતા. તેણે પોતાના સાથીદારો સાથે ગઠબંધન કરી સ્થાપિત સરકારને વિદ્વોહ કરી ઉથલાવી નાખી. નેપોલીયનની નિમણુંક “પ્રથમ મંત્રી” તરીકે ૧૦ વર્ષના કાર્યકાળ માટે કરવામાં આવી અને બંધારણે તેને સ્વીકૃતી પણ આપી જેથી કરીને આ નિમણુંક કાયદેસર થઈ ગઈ. આ બંધારણ નેપોલીયને પોતાની રીતે ઘડયુ હતું જેમાં દેશ પ્રજાસત્તાક રાજ્ય હોવાનો દેખાવ થઈ રહ્યો હતો પણ ખરેખર તો સરમુખત્યારશાહી સ્થાપિત કરાઈ હતી.

સને ૧૮૦૦માં બોનાપાર્ટે આલ્પ્સ પહાડ ઓળંગીને ઈટાલીમાં પ્રવેશ કર્યો. જો કે આ અભિયાનમાં શરૂઆતમાં નેપોલીયનને ખૂબજ મુશકેલીઓ નડી. પણ વખતસર સૈન્ય કુમક આવી જતા તેણે ઓસ્ટ્રિયનો ઉપર વિજય હાંસીલ કર્યો.

આ દરમ્યાન નેપોલીયને “લુસીઆના પ્રદેશ” ને યુ.એસ.એ ને વેચી દીધો જેનાથી અમેરીકાનું ક્ષેત્રફળ બમણું થઈ ગયું.

નેપોલીયનની સત્તા સામે વારંવાર ષડયંત્રો રચાયા ગયા તથા તેની હત્યાનું ષડયંત્ર પણ પકડી પડાયું. જેમાં ફ્રાંસના ભૂતપૂર્વ રાજપરીવારોની સંડોવણી હતી.

નેપોલીયને આ ષંડયંત્રોનો પોતાના લાભ માટે ફાયદો ઉઠાવ્યો અને રાજશાહી દાખલ કરવાનો અને પોતાને “ફ્રાંસના સમ્રાટ” તરીકે સ્થાપીત કરવાનો નિર્ણય લીધો. ફ્રાંસના સમ્રાટ કે શહેનશાહ તરીકે “તેનો રાજ્યાભિષેક” ૨ જી ડીસેમ્બર ૧૮૦૪માં કરવામાં આવ્યો અને તેની પત્નિ જોસેફીનની શાહબાનુ/રાજરાણી તરીકે તાજપોશી કરવામાં આવી. તદ્દઉપરાંત ૨૬ મે ૧૮૦૫ના રોજ તેનો ઈટાલીના રાજા તરીકે રાજ્યાભિષેક કરવામાં આવ્યો તેણે સેનાનો સાથ મેળવવા જુદા જુદા પ્રદેશો ઉપર સેનાપતિઓની નિમણુંક કરી.

પણ ફ્રાંસની આ વધતી જતી સત્તા સામે બ્રિટનના વિરોધના કારણે નેપોલીયનને ત્રીજા ગઠબંધનનો સામનો કરવો પડયો. નેપોલીયને બ્રિટનના આ ગઠબંધનને ઓસ્ટરલીટ્ઝના યુધ્ધમાં મરણતોલ ફટકો માર્યો જેના કારણે પવિત્ર ગણાતા રોમન સામ્રાજ્યનો અંત આવ્યો. પણ ઓકટોબર ૧૮૦૫માં ફ્રાંસનો સ્પેનના નૌકાદળ દ્વારા ટ્રાફલગરના યુધ્ધમાં પરાજય થયો જેના કારણે બ્રિટને ફ્રાંસના બંદરોની નાકાબંધી કરી. આનો બદલો લેવા ફ્રાંસે કોન્ટીનેંટલ સીસ્ટમ દ્વારા યુરોપ દ્વારા બ્રિટન સાથે કરાતા વેપારને બંધ કરાવી દીધો.

ફ્રાંસ સામે ચોથુ ગઠબંધન તૈયાર થયુ કારણ કે પ્રશિયાને ફ્રાંસનો ભય લાગ્યો અને તેઓએ ફ્રાંસ સામે લડત આરંભી પણ નેપોલીયને તેમને પરાજય આપ્યો અને ત્યારબાદ રશિયાને પણ હરાવી દીધું.

નેપોલીયને આઈબેરીઆ ઉપર વિજય મેળવ્યો પણ સ્પેન પોર્ટુગલ અને ઓસ્ટ્રીઆ સાથે યુધ્ધો ચાલુ રહ્યા જેમાં જય, પરાજય બંને મળતા રહ્યા. ૧૮૦૭માં નોપોલીયને ઓસ્ટ્રિઆ અને પાંચમાં ગઠબંધનને હરાવી દીધું. ૧૮૧૧ ની સાલ સુધીમાં નેપોલીયને લગભગ ૭ કરોડ વ્યક્તિઓના યુરોપીયન સામ્રાજ્ય ઉપર પોતાનું આધિપત્ય સ્થાપ્યુ હતું.

પોલેન્ડવાસીઓના વિદ્વોહ અને કથળતી જતી આર્થિક પરિસ્થતીઓને કારણે નેપોલીયને પોતાના જીવનની સૌથી મોટી અને ગંભીર ભૂલ કરી. તેણે રશિયા ઉપર આક્રમણ કરવાનો નિર્ણય લીધો જે નેપોલીયનના જીવનમાં અને ઈતિહાસ જેને કદી ભૂલી જ ન શકે તેવો અનર્થકારી નિર્ણય સાબીત થયો. (આવી જ ગંભીર ભૂલ લગભગ સવાસો વર્ષ પછી જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે કરી હતી. જેનું પરિણામ પણ મરણતોલ ફટકા જેવુ હતું, જેવુ નેપોલિયને પણ ભોગવ્યુ હતું.)

નેપોલીઅને લગભગ ૪૫૦૦૦૦ સૈનિકો થી બનેલ “ભવ્ય સેના” ને લઈને રશિયા ઉપર આક્રમણ કર્યું.

પણ રશિયાનોએ તેને સામી છાતીએ કોઈ લડાઈ આપી નહી અને નેપોલીયનને રશિયાની અંદર ને અંદર ખેચી ગયા તેમણે “વેરાન ભૂમી”ની નીતી અજમાવી જેને કારણે નેપોલીયનના સૈનિકો ને ભૂખમરો વેઠવો પડયો અને છેલ્લે છેલ્લે તો તેમને પોતાના ઘોડા મારીને પોતાની ભૂખ સંતોષવી પડી. પછી દાઝયા ઉપર ડામ હોય તેમ રશિયાનો ભયંકર શિયાળો બેસી ગયો. રશિયાનો શિયાળો એટલો ભયંકર શિયાળો હોય છે કે યુરોપના અન્ય દેશોના રહેવાશીઓ કે જે બરફ થી ટેવાયેલા હોય છે તેઓ પણ સહન નથી કરી શકતા. એટલે ફ્રાંસના સુંવાળા સૈનિકો આ ભયંકર શિયાળાનો માર સહન કરી ન શકયા અને મોસ્કો શહેરની બાહર ઘમાસાણ યુધ્ધ થયુ જેમાં બંને પક્ષના હજારો સૈનિકો માર્યા ગયા. નેપોલીયનની જીત તો થઈ પણ એ જીત તેના જીવનની સૌથી મોટી હાર હતી.

નેપોલીયને ફ્રાંસ પાછા ફરવાનો નિર્ણય લીધો તેના સૈનિકો ઘુંટણ સમાં બરફમાંથી ચાલતા, પડતા, મરતા પાછળ વધ્યા. તેમણે પોતાના ઘોડાને મારી ભૂખ સંતોષવી પડી તથા તોપખાનાને તથા અન્ય સામગ્રી તજવી પડી. ભયંકર શિયાળાને કારણે હજારો સૈનિકો મોતને ઘાટ ઉતરી ગયા ૪૫૦૦૦૦ લાખની ભવ્ય સેનામાંથી માત્ર ૪૦૦૦૦ જ બચીને પાછા ફરી શક્યા.

ફ્રાંસની રશિયામાં થયેલી હાર થી ઉત્સાહીત થઈ પ્રશિયા, ઓસ્ટ્રિયા, સ્વીડન, રશિયા, બ્રિટેન, સ્પેન અને પોર્ટુગલે ગઠબંધન બનાવ્યુ અને નોપોલીયન સામે યુધ્ધ છેડી દીધું.

નાની મોટી લડાઈમાં હાર અને જીત પછી નેપોલીયનની સેના આ ગઠબંધન સામે હારી ગઈ અને મિત્ર રાજ્યોના દબાણ નીચે તેણે રાજયગાદી નો ત્યાગ કર્યો.

મિત્રરાજ્યોએ તેને એલ્બામાં દેશનિકાલ કરવાનો નિર્ણય લીધો. જયાં માત્ર ૧૨૦૦૦ માનવીઓની જ વસ્તી હતી. પણ નેપોલીયનનો જૂસ્સો અણનમ અને સાહસ અદમ્ય હતુ. આટલી કઠીન પરિસ્થતીમાં પણ તેણે હામ અને હિંમત નહોતા ગુમાવ્યા. લગભગ ૭૦૦ સૈનિકો સાથે તે એલ્બામાંથી ભાગ્યો અને ફ્રાંસની ધરતી ઉપર ફરી પોતાના કદમ મૂક્યા.

નેપોલીયનને રોકવા એક સેનાની ટુકડી સત્તાધીશોએ મોકલી. અને જયારે આ ટુકડીનો સામનો થયો ત્યારે નેપોલીયન પોતે એકલો આગળ વધ્યો અને સૈનિકો સામે પોતાની છાતી ધરીને પુછયું. “શું તમે તમારા સમ્રાટ ઉપર ગોળી ચલાવશો? લો, હું અહિંઆ જ ઉભો છું. તમારી સામે” સૌનિકો એ ઉત્સાહમાં આવી જઈ કહ્યુ “ના” અને “સમ્રાટ નો જય હો” ના નારા લગાવી તેને વધાવી લીધો.

નેપોલીયને ફરી પેરીસનો કબ્જો લીધો અને રાજસત્તા સંભાળી પણ મિત્ર રાજ્યોએ ફરી તેની સામે લડવા કમર કસી લીધી. નેપોલીયને ફરી યુધ્ધ કર્યુ પણ “વોટર્લુના યુધ્ધમાં” ડયુક ઓફ વેલિંગ્ટન સામે તે હારી ગયો. આ હાર એટલી મોટી કહેવાય છે કે આજ સુધી કોઈ પણ મોટી હાર કે અંતિમ પરાજય ને “વોટર્લુ” થયુ એવું કહેવાય છે.

નેપોલીયનને બ્રિટને પકડી લીધો અને તેને સેંટ હેલેના ખાતે રાખવામાં આવ્યો તેની વિવિધ રીતે હેરાનગતી કરવામાં આવતી અને તેનો હાથખર્ચ વિ. ઉપર કાપ મુકવામાં આવ્યો અને તેને કોઈ જાતની સહાય કે ભેટ સોગાદ ન મળે તથા તેના ઉપર હરહંમેશ જાપ્તો રહે તેવો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો.

આવી જ બદતર હાલતમાં ફ્રાંસનો એક ભૂતપૂર્વ ભવ્ય સમ્રાટ ૫ મી મે ૧૮૨૨ના રોજ મૃત્યુ પામ્યો.

નેપોલીયનનું વ્યક્તિત્વ અને પ્રભાવ

નેપોલીયનના રાજકીય ઉદય પાછળ એના વ્યક્તિત્વનો મુખ્ય ફાળો રહ્યો છે. પોતાની અદમ્ય મહત્વકાંક્ષાને કારણે એક સાધારણ સૈનિકમાંથી તે ફ્રાંસનો સમ્રાટ અને મોટાભાગના યુરોપનો શહેનશાહ બન્યો. તેનામાં ઈચ્છાશક્તિ, બુધ્ધિમતા અને ઉત્સાહનું સંમિશ્રણ હતુ જે બહુ જ ઓછામાં જોવા મળે છે. તેનામાં સામેનાને વશ કરવાની શક્તિ હતી જેના કારણે તે પોતાની ઈચ્છા મનાવી શકતો હતો.

તે અદભૂત સેનાની હતો અને તે નવી નવી રણ વ્યુહરચના કરતા હતો અને યુધ્ધમાં સદાય અગ્રેસર રહેતો હતો. સૌનિકોને વિશ્વાસ હતો કે નેપોલીયન યુધ્ધમાં આગળ હોય તો તેમની જીત અવશ્ય થશે જ. તે પોતાની રણનિતી, શતરંજની રમત પ્રમાણે ચાર ચાલ આગળ વિચારીને ઘડતો હતો.

તે હંમેશા જીત, જીત અને માત્ર જીતમાં જ માનતો હતો. તે કોઈ પણ જાતનું જોખમ લેવા તૈયાર હતો. તે કહેતો હતો કે “અશક્ય જેવો શબ્દ મારા શબ્દકોષમાં છે જ નહી”

તે તેના સૈનિકો માટે પ્રેરણાસ્ત્રોત્ર હતો અને તેઓ માનતા હતા કે તે અજય અને અપરાજીત હતો. શત્રુ સેનાપતિ પણ કહેતા કે તેની રણમેદાનમાં હાજરી ૫૦૦૦૦ સૈનિકો ની હાજરી બરાબર હતી.

તે દુરદર્શી હતો, તેણે ઘણા સુધારાઓ જેવા કે ઉચ્ચ અભ્યાસ કરવેરા સંહિતા, માર્ગ પરિવહન અને ગટર વ્યવસ્થા વિ. દાખલ કર્યા હતા. તેણે ફ્રાંસની મધ્યસ્થ બેંક પણ સ્થાપિત કરી હતી. તેણે કાયદાઓમાં સુધારા દાખલ કર્યા હતા.

નેપોલીયનનું સૌથી મોટુ યોગદાન ભવિષ્યની યુવા પેઢી માટે હતુ કે તમે ગમે તે નાના કે ગરીબ કુટુંબમાં જનમ્યા હો પણ જો તમારી પાસે બુધ્ધિ, ઉત્સાહ, ઈચ્છાશક્તિ હોય તો તમે ઉચ્ચતમ પદ પામી શકો છો તમે અદના સૈનિકમાંથી સમ્રાટ કે શહેનશાહ બની શકો છો.

------------------- XXX -------------------

Ref:- The factual data and reference and taken from the following:-

  • www.//en.wikipedia.org/wiki/napolean
  • www.//en.wikipedia.org/wiki/history-of-france
  • બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED