Letter to my valentine
મેર મેહુલ
“તું લાલ ડ્રેસમાં હોય અને હું બ્લેક સૂટમાં, તારો હાથ મારા ખભા પર હોય અને મારો હાથ તારી કમર પર હોય, બંને કપલ ડાન્સમાં બધું જ ભુલીને એકબીજામાં ખોવાઈ જઈએ.”અફસોસ આ સપનું વહેલી સવારે તો આવે છે પણ અધૂરું રહી જાય છે.
હા બકુ, તને છેલ્લા બે વર્ષથી શોધી રહ્યો છું, આ વર્ષે હું વિસ વર્ષ પુરા કરીશ, અઢારમામાં પ્રવેશ્યો ત્યારે નક્કી કર્યું હતું કે તને શોધીને વેલેન્ટાઈન બનાવી દઉં પણ તું તો મળતી જ નહિ, તને ખબર છે તારા માટે હું છેલ્લા બે વર્ષથી ટેક લઉં છું.31st ના રોજ નક્કી કરું છું કે આ 14th February માં વેલેન્ટાઈનને(તને) શોધીને જ દાઢી ઉતરાવી છે, તું તો મળતી નહિ પછી મારે પંદર તારીખે દોઢ મહિનાથી વધેલી દાઢી ઉતરાવવા સલૂનમાં જવું પડે છે.
એવું નહિ કે મેં તને શોધવાનો પ્રયત્ન નહિ કર્યો, ખૂબ જ ટ્રાય કરી તને શોધવાની અને એક સમય એવો પણ આવી ગયો હતો બકુ કે બધી ગલ્સમાં મને તું જ દેખાતી પણ જ્યારે દિલની આંખો ચોળીને જોતો, ત્યારે તેમાંથી તું ગાયબ થઈ જતી.હવે તું જ કહે આમ બે મિનિટ માટે તને મળીને મારે શું કામ છે?, મારે તો તારી સાથે બેસીને કલાકો સુધી વાતો કરવી છે, હા હું થોડું ઓછું બોલું છું પણ તને પૂરું ધ્યાન આપીને સાંભળીશ હો.
તને ખબર છે બકુ, તું મને મેં જ લખેલી લવ સ્ટોરી જેવી લાગે છો, તારામાં જ વસુ છું, તને જ ફિલ કરું છું, તને જ યાદ કરું છું બસ આ બધું લવ સ્ટોરીમાંથી હકીકતમાં બની જાય તો ભોળાનાથની મહેરબાની અને હા બકુ તને યાદ છે આ વખતે તો ભોળાનાથે પણ વેલેન્ટાઈન ડે મનાવવાનું નક્કી કર્યું છે. હવે તું આટલું તો વિચાર જો વર્ષો પહેલા મળેલા પ્રેમીઓ પણ વેલેન્ટાઈન ડે મનાવી શકતા હોય તો તો આપણે હજી પ્રેમના માર્કેટમાં નવા જ છીએ.
કદાચ એક દિવસ તું મને મળી હતી બકુ, હું કલાસમાં લેકચર ભરતો હતો, તું મોડી આવી હતી અને ત્યારે પહેલી વાર તને જોઈ.તને નથી ખબર બકુ તે દિવસ પછી એક અઠવાડિયું હું રાત્રે સુઈ શક્યો નહિ, તારી એ સ્માઈલ અને પેલા ડિમ્પલ નજરોથી દૂર જ ન થયા. પાગલ થઈ ગયો હતો તને મળવા માટે, રોજ રોજ નવી યુક્તિઓ શોધતો તારું ધ્યાન ખેંચવા માટે, અરે મને રવિવાર કરતા સોમવાર વધુ ગમવા લાગ્યો હતો પણ….પણ એક દિવસ મને જાણવા મળ્યું કે તું ત્યાં હતી જ નહિ, એ તો કોઈ બીજાની વેલેન્ટાઈન હતી એટલે પત્તી ગયું બધું, જો કે ત્યારે મારા પાકીટે બોવ ખુશ થઈને મને કહ્યું હતું, “શાબાશ મેહુલ, તું સાચા રસ્તા પર જ છો.”
બે મહિના પહેલાની જ વાત છે બકુ, ‘લવની ભવાઈ’ જોઈને બહાર આવ્યો, તો હું પુરે પૂરો તે ફિલ્મના નશામાં હતો, ત્યાં બધી છોકરીમાં મને તું નજરે આવવા લાગી, પણ મારા નસીબ સારા છે ને હજી સાગર અને અંતરા મલે તે પહેલાં આપણે સંતરા ખાઈને ઘરે આવી ગયા હતા.
હવે જ્યાં ત્યાં નજર કરતો રહું છું ક્યાં તું મારી અંતરા બનીને મલી જાય તો.મારો એક દોસ્ત છે તેને બધી જ ગલ્સમાં પોતાની અંતરા દેખાય છે, જો મળે તો અંતરા બની જાય અને નો મળે તો પોતે આદિત્ય બની જાય. મારે તો સાગર પણ નહિ બનવું અને આદિત્ય પણ નહિ બનવું, હું મેહુલ જ છું અને મેહુલ બનીને જ તને મળવું છે.
હવે આપણે પહેલા વેલેન્ટાઈનના દિવસે મળશું ત્યારે શું થશે તેની વાત કહું.જયારે મને ઠોસ સબૂત મળી જ જશે કે તું મારી વેલેન્ટાઈન છો મતલબ કે જ્યારે તને જોઈને હું બધું જ ભૂલી જઈશ, મારી અંદરનો ડર તને જોઈને હિમતમાં પરિણમશે, જ્યારે તારી સિવાય મને કોઈ દેખાશે જ નહીં ને ત્યારે હું તારી પાસે આવીશ અને બિન્દાસ થઈ તને કહીશ,
“જો બકુ, તને જ્યારથી મેં જોઈ છે ને ત્યારથી મારા પાકા-સરવૈયાનો સરવાળો નહિ મળતો, ક્યાં તો ફીલિંગ્સના લેણદારો વધી જાય છે, ક્યાં તો ફીલિંગ્સના દેવાદારો વધી જાય છે, હવે તું જ આવી આ સરવૈયું સરભર કર.મને તારામાં મારી વેલેન્ટાઈન દેખાઈ રહી છે, WILL YOU BEING MY VALENTINE ?” અને હા બકુ હું જ્યારે તને વેલેન્ટાઈન માટે પ્રોપઝ કરીશને ત્યારે મારી નજર સીધી તારી આંખો પર હશે, જેટલી નજાકતથી આપણી આંખોના ઈશારા થશેને તેટલી જ નજાકતથી આપણો મેળાપ થશે.
પછી 14th February ના દિવસે તું લાલ ડ્રેસમાં હશે અને હું બ્લેક સૂટમાં, તારો હાથ મારા ખભા પર હશે અને મારો હાથ તારી કમર પર હશે, બંને કપલ ડાન્સમાં બધું જ ભુલીને એકબીજામાં ખોવાઈ જઈશું.
“તું જાણે પતંગ છેને હું છું કોઈ દોર,
લઈ જાય લઈ જાય છે તું કંઈક ઔર,
બાજી જે હારી છે, પાછી લગાડી છે,
મનડું જુગારી છે આ કેવું ડફોળ.
લાગી રે લાગી રે તારી ધૂન લાગી રે,
લાગી રે લાગી રે તારી ધૂન લાગી.
મને ધૂન લાગી તારી ધૂન લાગી,
મને તારી તારી તારી ધૂન લાગી.
લિ. તારો વેલેન્ટાઈન
મેહુલ