રેટિંગ ૦.૫ Pankaj Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રેટિંગ ૦.૫

રેટિંગ ૦.૫

મુનીશ વિશ્વભરમાં પ્રતિષ્ઠિત આઈ. ટી. કંપનીમાં મહત્વના હોદ્દા પર જોબ કરતો હતો. હોદ્દો જેટલો મહત્વનો હતો જવાબદારીઓ પણ એટલી જ હતી અને લટકામાં ટેન્શન પણ. ટેન્શન હળવું કરવા માટે એણે બાળપણના વાંચનના શોખને એક્સ્ટેન્શન આપ્ય હતું. કંપનીના કામે જયારે પણ એ બહાર જાય તો બેગમાં બે ચાર પુસ્તકો એની સાથે જ હોય. મિત્ર વર્તુળમાં સ્થાનિક અને વિશ્વના ખ્યાતનામ બધા લેખકોનાં પુસ્તકોના નામ માટે એ પૂછપરછની બારી સમાન બની ગયો હતો. સમય જતાં મોબાઈલ પર જ ઇ-બુક્સ પ્રાપ્ય થવા લાગતાં એને ઘણી સરળતા થઇ. પછી તો સમય મળતાં એણે જાતે જ લેખન કાર્ય આરંભ્યું અને ઇ-બુક પ્રકાશિત કરતી એક કંપનીમાં એક સ્વરચિત સ્ટોરી મોકલી જે પ્રકાશિત પણ થઇ અને સફળ પણ.

હવે તો મુનીશ નિયમિતપણે શોર્ટ સ્ટોરીઝ લખતો ગયો અને ઓનલાઈન રીડર્સની દુનિયામાં નામ કમાતો ગયો. એની ટૂંકી વાર્તાઓ એક દમ સરળ, સચોટ અને હૃદયસ્પર્શી રહેતી. શબ્દો પરની એની પકડ અને ધારદાર રજૂઆતને લીધે એ ખૂબ ટૂંકા સમયગાળામાં વાચકોના દિલમાં ઘર કરી ગયો હતો. મોબાઈલ એપમાં વાચકોને રેટિંગસ અને ફીડબેક આપવાની સુવિધા હતી... મુનીશ મહદઅંશે પાંચમાંથી ચારની ઉપર જ રેટિંગ મેળવતો. નિયમિત વાંચકો જોડે અનુસંધાન કેળવવા માટે થઈને એણે મોટાભાગના વાંચકોને સોશિયલ મીડિયાની સાઈટ પર મિત્રો બનાવેલા જેમની સાથે અવારનવાર ચેટીંગનો દોર પણ ચાલતો.

મુનીશ આજે કપનીના કામાર્થે ચેન્નાઈ આવેલો હતો. એ મીટીંગમાં વ્યસ્ત હતો ત્યાં જ એના મોબાઈલ પર એક મેસેજ ઝબકયો. એના નિયમિત વાંચકોમાંની એક હિરણમયીનો મેસેજ હતો.

‘સોરી....’

એણે શા માટે સોરી કહ્યું હશે એમ વિચારી મુનીશે મોબાઈલ ખિસ્સામાં મૂક્યો અને મિટીંગ પતાવી. મિટીંગ પતાવીને મુનીશ કાર હાયર કરીને હોટલ જવા રવાના થયો. બીજા દિવસ બપોર પછીની ફ્લાઈટ હતી એટલે હવે તેને ત્યાં સુધીની નિરાંત હતી. રાત્રે જમી પરવારીને હળવાશથી કોઈ નવી સ્ટોરી લખવાનો પ્લાન બનાવી રહ્યો હતો ત્યાં એને પેલો મેસેજ યાદ આવતાં મોબાઈલ હાથમાં લીધો.

ફરીવાર મેસેજ જોયા પછી એણે વળતો મેસેજ કર્યો.

‘શું થયું?’ મુનીશના મેસેજની જાણે સામે છેડે આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હોય એમ તરત જ જવાબ મળ્યો..

‘હું નિયમિત તમારી વાર્તાઓ મોબાઈલ એપ પર વાંચું છું..’

‘વાહ.. ખૂબ સરસ.. આભાર’

‘મને તમારી વાર્તાઓ ખૂબ જ ગમે છે’

‘ફરી એક વખત આભાર’

‘હું હંમેશાં પૂરા પાંચ રેટિંગ આપું છું પણ આજે ભૂલથી ૦.૫ રેટિંગ અપાઈ ગયા છે’

‘ઓહ.. એમ વાત છે..’ મુનીશે મેસેન્જર મિનીમાઇઝ કરી એપ પર જોયું તો હિરણમયીની વાત સાચી હતી.

‘નો પ્રોબ્લેમ’ મુનીશે આગળ ચલાવ્યું.

‘રીયલી સોરી.. સર’

‘સોરી બોરી તો ઠીક છે પણ મને સર ના કહો.’

‘કેમ?’

‘સર-દર્દ થાય છે’

‘હહાહાહાહાહા.... યુ આર એઝ ફની એઝ ઓલ્વેઝ...’

‘હ્મ્મ્મમ્મ્મ’

‘આજે સાંજે ફ્રી છો?? આપણે ક્યાંક મળીએ તો?’

‘કેમ.... તમારું મેસેજનું સોરી મેં સ્વીકારી લીધું છે... પછી મળવાની શી જરૂર છે?’

‘એમ નહિ... હું તમારી ખૂબ મોટી ફેન છું.... મને ખૂબ ગમશે તમને મળવાનું...’

‘ઓહ... એમ વાત છે? પણ તમને ખબર છે અત્યારે હું કયાં છું?’

‘હા... એટલે જ તો મળવાની ઓફર કરી... અમારા ચેન્નાઈમાં તમારું સ્વાગત છે’

‘ઓહો.... એટલે તમે ચેન્નાઈમાં રહો છો એમ?’ મુનીશે ફેસબુકમાં સ્ટેટસ અપડેટ કરેલું એટલે હિરણમયીને એના ચેન્નાઈમાં હોવા વિષેનો ખ્યાલ આવેલો.

‘હા.... હું બેઝીકલી એન્જીનીયર છું અને અહી એક વર્લ્ડ ફેમસ ઇન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રકશનની કંપનીમાં જોબ કરું છું.’

‘વાઉ.... ટ્યુ ગુડ’

‘તો હવે આપણે મળી શકીએને?

‘થોડી વાર રહીને મેસેજ કરું’

‘શ્યોર’

મેસેજ મોકલનાર યુવતી હિરણમયીની પ્રોફાઈલ ચેક કરી તો મુનીશ દંગ રહી ગયો. ગોરો વાન, તપકીરી આંખો, દાડમની કાળી જેવા દાંત.... અને એ બધા પર આઈસીંગ ઓન ધ કેકની જેમ ઘાયલ કરી દેતું મીઠું મધુરું હાસ્ય.. મુનીશ પળવારમાં ઘાયલ થઇ ગયો..

‘સાબ... આપગા.. હોટલ...... કમ......’

મુનીશને ટેક્સી ડ્રાઈવરે ઢંઢોળ્યો ત્યારે તે ધરતી પર પરત ફર્યો.

‘ઓહ.. સોરી’ કહી મુનીશે ડ્રાઈવરને ભાડું ચૂકવ્યું અને હોટલમાં પોતાની રૂમ તરફ ભાગ્યો.... એ દરમ્યાન હિરણમયીની સાથે ચેટીંગ ચાલુ જ હતું...

‘ઈટ્ઝ માય પ્લેઝર.... વી આર મિટીંગ ફોર શ્યોર..’

ત્યારબાદ બંનેએ ફોન નંબરની આપલે કરી અને મળવા માટે સ્થળ અને સમય નિર્ધારિત કર્યો. રાત્રે આઠ વાગ્યે બંને એક કોફી હાઉસના ટેબલ પર સમસામે બેઠેલા હતા.

હિરણમયી પ્રોફાઈલ પિક્ચરમાં દેખાતી હતી એના કરતાં વાસ્તવમાં અનેક ઘણી સુંદર લાગી રહી હતી.

‘હેલ્લો સર.. થેન્ક્સ અ લોટ ફોર પ્રોવાઈડીંગ અસ સચ નાઈસ સ્ટોરીઝ’

‘ઓહ..... માથું દુખે છે... ‘

‘શું થયું સર?’

‘આ તમે સર સર કરો છો એટલે... સર દર્દ થાય છે..’

‘હહાહાહાહાહા...... તો શું કહું તમને?’

‘મુનીશ ચાલશે’

‘ઓકે... મુનીશ ‘

પછી તો બંને વચ્ચે ઘણી વાતો થઇ... બીજા દિવસે હિરણમયીને ઓફિસમાં રજા હોવાથી મુનીશે એને ચેન્નાઈનાં જોવાલાયક સ્થળો બતાવવાનો પ્રસ્તાવ મૂક્યો જે એણે સહર્ષ સ્વીકાર કર્યો.

વડોદરા પરત ફર્યા પછી બંને વચ્ચે ક્યારેક ચેટીંગથી તો ક્યારેક ફોન પર વાતચીતનો દોર ચાલુ રહ્યો. બંનેને હવે એકબીજા સાથે વાત કર્યા વગર ચાલતું નહોતું.

દસ વર્ષ બાદ વડોદરાના આલીશાન બંગલાના ડ્રોઈંગરૂમમાં એક દંપતિ ભૂતકાળ વાગોળી રહ્યું હતું. ચેન્નાઈની પ્રથમ મુલાકાત પછી ફોન ઉપર ચેટીંગ ઉપરાંત રૂબરૂ મુલાકાતોનો દોર પણ ચાલેલો.જે પ્રેમ સંબંધની કબૂલાતે પહોચ્યો અને પ્રણયનો એ સંબંધ અંતે પરિણયમાં પરિણમ્યો. હિરણમયીને તેની જ કંપનીની વડોદરા બ્રાન્ચમાં ટ્રાન્સફર મળી ગઈ અને ધીરે ધીરે બંને પોતપોતાની વ્યવસાયી જીંદગીમાં ઉચ્ચ શિખરો સર કરવા લાગ્યાં. મુનીશની લખવાની પ્રવૃત્તિ પણ તેજ રફતારમાં ચાલતી રહી હતી જેના થાકી તેને સારો એવો ચાહક વર્ગ પણ મળ્યો. એમનું ઘર જાણે ખુશીઓના સામ્રાજ્યનો મહેલ સમું હતું જેની એક એક દીવાલ મહેનત, ધગશ અને નિષ્ઠાથી ચણાયેલ હતી.

તેમને આઠ વરસની એક દીકરી પણ હતી જેનું નામ તન્મયા હતું.. એના ખિલખિલાટથી ઘર હર્યુભર્યુ લાગતું.

હિરણમયીને અચાનક એક પ્રસંગ યાદ આવ્યો..

‘અરે યાદ છે મુનીશ આપણે ચેન્નાઈમાં પ્રથમ વાર મળ્યાં પછી હું પહેલી વખત વડોદરા આવેલી એ કિસ્સો?’

‘ના.. ખાસ કંઈ યાદ નથી આવતું..’

‘અરે શું યાદ નથી? મને તો બધું ય એવું તાજું યાદ છે કે જાણે એ ગઈ કાલની જ ઘટના હોય..’

‘ઓહો... એવું તે શું થયું હતું?’

‘હું કંપનીના કામે વડોદરા આવેલી હતી. મારું કામ પતિ ગયું એટલે તમને ફોન કર્યો કે જેથી આપણે મળી શકીએ... પણ....’

‘પણ શું?’

‘શું વળી? હું ફોન કરી કરીને થાકી પણ તમે ફોન ઉપાડતા જ નહોતા...’

‘પછી શું થયેલું?’

‘મારે બીજા દિવસે અમદાવાદથી ચેન્નાઈ જવા માટેની ટ્રેનની ટીકીટ હતી અને અમદાવાદમાં જ મારું ઘર હોવાથી મિટીંગ પત્યા પછી મારે અમદાવાદ જ જવાનું હતું પણ વિચાર્યું કે તમે વડોદરામાં જ છો તો આપણે મળીશું, હરીશું ફરીશું ને ખૂબ મજા કરીશું ને પછી રાત્રે હું અમદાવાદ જતી રહીશ... પણ તમે ફોન ના ઉપાડ્યો એટલે હું બસ સ્ટેશને પહોચી અમદાવાદ જતી બસમાં બેસી ગઈ...’

‘ઓહ... તો તો પછી આપણે એ દિવસે નહિ મળી શક્યા હોઈએ ને?’ મુનીશ બધું જ જાણતો હતો પણ એણે એની હીરના મોંઢેથી વારંવાર સંભાળવાની મજા આવતી હતી...

‘પછી તો બસ ઉપડી ગઈ... એક્સપ્રેસ વે પર પણ પહોચી ગઈ... હું ખૂબ જ નિરાશ હતી અને ગુસ્સે પણ...અને જ્યાં બસ ટોલગેટ પહોચી ત્યાં તમારો ફોન આવ્યો..’

‘ઓહો.... તો પછી તું ત્યાંથી પાછી આવી?’

‘હાસ્તો વળી....તમે ફોન પર જણાવ્યું કે કોઈ અગત્યની મિટીંગ હોઈ તમે ફોન સાઈલેંટ મોડ પર રાખેલો. અને મિટીંગ પૂરી થતાં મારા પચાસ મિસ્ડ કોલ જોયાને તરત ફોન જોડ્યો..’

‘હા.. મને યાદ આવ્યું.... પછી તું વડોદરા આવીને નીકળી ગઈ એ ખબર પડતાં મેં તને ટોલગેટ પર ઉતરી જઈ પરત વડોદરા આવવા જણાવ્યું... અને તું ત્યાંથી પાછી આવી અને આપણે ચાર કલાક વડોદરામાં ખૂબ મજા કરેલી..... અને હા મેં શું કહેલું ફોન પર?’

‘એ જ કે તું જલ્દી પાછી આવી જા આપણે અઢી જણ મળીને મજા કરીશું?’

‘અઢી જણ? એટલે?’

‘તમારો ડાયલોગ તમને જ યાદ નથી? મેં પણ તમને એ જ પૂછેલું કે અઢી જણ એટલે? અને તમે કહેલું હું, તું અને તારું ૦.૫ રેટિંગ.....’