ભંવર ફિલ્મ રીવ્યુ Pankaj Pandya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભંવર ફિલ્મ રીવ્યુ

કઠપૂતળી અને ભવાઈ..... લુપ્ત થવાના આરે ઊભેલી કળાઓ... માત્ર કળા જ નહીં પણ આપણી સંસ્કૃતિની ધરોહર.... જો કે આ કળાઓ માત્ર સ્થૂળરૂપે જ નામશેષ થવાની અણી પર છે. બાકી સુક્ષ્મરૂપે તો દિન પ્રતિદિન વ્યાપ્ત થઈ રહી છે... આજે માણસ જ્યાં પણ તક મળે, બીજા માણસને પોતાની આંગળીઓના ઇશારે કઠપૂતળીની માફક નચાવવાની ફિરાકમાં હોય છે. રહી વાત ભવાઇની. તો ભવની ભવાઈ આપણે જોઈ ચૂક્યા છીએ અને નજીકના ભવિષ્યમાં લવની ભવાઈ પણ આપણી સમક્ષ પ્રસ્તુત થશે.

આજે આપણે વાત કરવી છે ભંવરની. ભંવર ગુજરાતના ગામડામાં રહેતો એવો યુવાન છે જેનું કુટુંબ કઠપૂતળીના ખેલ થકી પોતાનું ગુજરાન ચલાવે છે. ભંવર પણ કઠપૂતળીની કળાનો પારંગત કલાકાર છે. જે ભંવર પોતાની આંગળીઓના ઇશારે કઠપૂતળીઓને નચાવે છે એ ભંવર અમદાવાદ સ્થળાંતરિત થઈને ગુજરાતી સિનેમાનન દિગ્દર્શકોના ઇશારે નાચવા થનગની રહ્યો છે. એવું નથી કે તેને પોતાની કળા પ્રત્યે આદર અને પ્રેમ નથી. પણ જે કળામાં એને ઉત્કૃષ્ટ પારંગતતા હાંસલ છે એ કળા ન તો બે ટંકના રોટલા ભેગા થવા માટે પૂરતી છે કે ના એ સમાજમાં ઇચ્છિત સન્માન અપાવી શકે છે. ભંવર કોઇ પણ ભોગે પોતાના માતાપિતાની જેમ જીવનભર અપમાનજનક સ્થિતિમાં રહેવા નથી માંગતો અને એટલા માટે જ એ મા બાપની ઇચ્છા અવગણી ગૃહત્યાગ કરી અમદાવાદની વાટ પકડે છે.

નીલ ભટ્ટે સન્નાટા મચાવી દેતો અભિનય કર્યો છે ભંવરની ભૂમિકામાં. અમદાવાદ આવ્યા પછી ભંવરની રાહ જરા પણ આસાન નથી હોતી. ભંવરના ગામનો છોટુ નામનો યુવક એને શરણ આપે છે તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મેક અપ આર્ટિસ્ટ તરીકે કામ કરતી દિશા પણ તેને યોગ્ય દિશા આપે છે. ભંવર ભલે નામ અને દામ કમાવા માટે એક્ટર બનવાનું સ્વપ્ન લઇને ગામડું છોડીને શહેરમાં આવ્યો છે પણ જેમાં એનું core competance (મુખ્ય આવડત) છે એવી કઠપૂતળીની કળાને નજર સામે અપમાનિત થતી જોઈ પોતાની લાડલી કળા પ્રત્યેનો એનો પ્રેમ ઊભરાઈ આવે છે અને પછી જે ઘટનાક્રમ નિર્માણ પામે છે એ ખરેખર રોમાંચિત કરી દે છે.

દિશાના પાત્રમાં તારિકા ત્રિપાઠીએ સુંદર અભિનય કર્યો છે. તો લગાન ફિલ્મમાં કચરાનું યાદગાર પાત્ર ભજવનાર આદિત્ય લાખિયાએ પણ ખૂબ સરસ સાથ નિભાવ્યો છે. આ ઉપરાંત પ્રશાંત બારોટ, દયાશંકર પાંડે, ભરત ઠક્કર વગેરેએ પણ પોતાના પાત્રોને યોગ્ય ન્યાય આપ્યો છે.

ભંવરના ગીતો ખરેખર પ્રાસંગિક છે અને અર્બન ગુજરાતી ફિલ્મો માટે કદાચ આ સૌ પ્રથમ વખત આ અનુભવ મળ્યો છે.

અદિતી ઠાકોરે દિગ્દર્શક તરીકે પોતાના પ્રથમ પ્રયત્નમાં જ ફિલ્મને ચાર ચાંદ લગાવ્યા છે અને ફિલ્મનાં બધાં જ પાસાઓને જરૂરી માવજત આપવામાં કોઈ કચાશ નથી રાખી.... સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન.....

રહી વાત સફળતાની.... તો જ્યાં સુધી દર્શકો દેખાવ (performance) કરતાં દેખાડા (show off)ને પ્રાધાન્ય આપતા રહેશે ત્યાં સુધી આવી ઉત્કૃષ્ટ ફિલ્મો ધારી સફળતા નહી પામી શકે... જો target audienceને યોગ્ય રીતે કેન્દ્રિત કરી પ્રચાર પ્રસાર કરવામાં આવે તો ભંવર ઘણા વમળો પેદા કરી શકે છે...

બાકી તો..... હાથ હસે છે... હાથ રડે છે.... નાચે એનો હાથ..... સમજાઈ જાય તો જીંદગીમાં બીજું કંઈ સમજવાનું બાકી ના રહે.…

***