લવની ભવાઈ – ફિલ્મ રીવ્યુ
જિંદગી..... એક્ષ્પ્રેસ ટ્રેનની જેમ કદીક પૂરપાટ વેગે દોડી જતી તો ક્યારેક લોકલ ટ્રેનની જેમ મંજીલના રસ્તે આવતાં તમામ સ્ટેશનોએ અથડાયા કરે છે...... એક જ ટ્રેનમાં મુસાફરી કરતા માનવીઓની નોખી નોખી દાસ્તાન. કોઈ મનચાહી મંજીલ પામવા અધીર હોય તો વળી કોઈ પોતાની જ મસ્તીમાં મસ્ત, દુનિયા શું વિચારશે એ વાતથી બેપરવાહ વ્યવસ્થિત રીતે લઘર વઘર રહીને પોતાની અલગ છાપ પાડે. તો ક્યાંક સોનલ સૂરજના ઉદય ટાણે પ્રભાતિયાં કે પછી શ્લોક સ્તુતિ ગાનથી સવારને સુમધુર સંગીતમય બને તો વળી સાંજે કોઈ દૂર દૂર નિર્જન સ્થળે નદી કિનારે સ્થિત શિવાલયમાં સુમધુર રેલાતી ભક્તિરસથી તરબોળ.. આરતી.. અંતે તો આપણે સૌ પરમ કૃપાળુ પરમેશ્વરના ઈશારે નાચતી કઠ પૂતળી જ અને એની જ લખેલી સંરચના મુજબ નિત્ય ભજવાતી રહેતી ભવાઈ...... કદીક માનવીની ભવાઈ, ક્યારેક ભવની ભવાઈ તો હવે આધુનિક યુગમાં ખેલાતી રહેતી લવની ભવાઈ......
લવની ભવાઈ જાણીતા દિગ્દર્શક સંદીપભાઈ પટેલની એક અદભૂત રચના... RJ અંતરા કે જે શહેરના રેડિયો શ્રોતાઓમાં સૌથી વધુ જાણીતી અને માનીતી છે, એકદમ બિન્દાસ્ત અને ચૂલબુલી..... પોતાની રીતે જિંદગી જીવવામાં માનતી..... નિજી જિંદગીમાં કંઇક અંશે આળસુ અને સુસ્ત તો પ્રોફેશનલ લાઈફમાં એકદમ ચૂસ્ત અને ઓલ્વેઝ ફૂલ ઓન... તેના પોતાના જ એક રેડિયો પ્રોગ્રામ થકી ખળખળ વહેતા ઝરણાં સમી જિંદગીમાં અચાનક આરોહી-અવરોહી..... સોરી..... આરોહ-અવરોહ પેદા થાય છે અને RJ તરીકે શ્રોતાઓની મુંઝવણોનો ઉકેલ આપતી રહેતી અંતરા ખુદ મુંઝવણમાં ફસાઈ જાય છે. અને એ મુંઝવણનો ઉકેલ લાવવામાં એનું RJ-ing જ એની વહારે આવે છે. પણ એ કામ પણ એટલી સરળતાથી પાર પડતું નથી... જેમ ફેશન શોમાં રેમ્પ પર શો સ્ટોપર તરીકે સેલિબ્રિટી મોડેલને કેટવોક કરાવવામાં આવે છે એમ આ ભવાઈમાં શો સ્ટોપર તરીકે ભવાઈની દુનિયાના પશ્ચાદભૂમિમાંથી આવતા અને જાણીતી સીરીયલ તારક મહેતા કા ઊલટા ચશ્માંમાં નટુકાકાનું પાત્ર ભજવીને ઘેર ઘેર જાણીતા બનેલા શ્રી ઘનશ્યામ નાયક આવે છે અને પોતાને મળેલ નાના પણ મહત્વના પાત્રને સૂપેરે નિભાવી જાય છે. ફિલ્મનો અંત આ જ સ્ટોરી સાથે હજુ વધુ રોમાંચક બનાવી શકાયો હોત.
ફિલ્મમાં મુખ્ય પત્ર ભજવતા કલાકારની આ સાતમી ફિલ્મ છે અને બધી જ ફિલ્મો સફળતાને વરેલી છે એટલે અભિનયના પર્યાય બની ચૂકેલ એ કલાકાર વિશે વિશેષ કંઈ નહિ લખું પણ આરોહી પટેલ અને પ્રતિક ગાંધી એ પોતાના પાત્રને અનુરૂપ ગજબ મલ્હાર કર્યો છે એટલું ચોક્કસ કહીશ. મૌલિક ત્રિવેદી પણ અસરકારક રીતે અભિનય પથ પર અગ્રેસર છે. દિગ્દર્શન ખરેખર અદભૂત છે.... પ્રોફેશનલ ટચની રીતે જોઈએ તો સો ટચનું બટાકું.... સોરી.... સમજી ગયા હશો...
લાગી રે લાગી રે લાગી.... લાગી રે લાગી રે લાગી.... ઈન્ટરવલ પછીના સમયે ખરેખર લાગેલી પણ ખુરશી છોડીને ઊઠવાનું મન નહોતું થતું એટલે ફિલ્મ પૂરી થવા સુધી મુલતવી રાખ્યું... ગીતો ખરેખર સુંદર છે અને એક પણ જગ્યાએ ગેપ ફીલર તરીકે ઉપયોગમાં લેવાયા હોય તેવું ના લાગે... સચિન જીગરને સલામ....
કેવી રીતે જઈશ થી શરુ થયેલી સફરે લવની ભવાઈ સુધીમાં અનેક શિખરો સર કર્યાં છે પણ હજુ દર્શકોને બુસ્ટરડોઝ તરીકે અમિતાભ બચ્ચન કે સલમાન ખાનના નામ નો ઉપયોગ કરવો પડે કે પછી અરિજીત સિંગ ના ગીતોની ચાહત બતાવવી પડે એના કરતાં ભવિષ્યમાં મલ્હાર કે પ્રતિકના કેમિયો જોવા મળે કે પછી ફિલ્મના પત્રો “વાલમ આવોને’ જેવા ગીતો ગણગણતાં જોવા મળે તો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાચા અર્થમાં સફળતાને વાર્યો છે એવું કહેવામાં કંઈ જ અતિશયોક્તિ નહિ લેખાય.
ત્યાં સુધી તો જિંદગીની ભવાઈમાં આપણને મળેલ નાયક, નાયિકા, રંગલા રંગલી કે મશ્કરાના પાત્રને યોગ્ય રીતે ભજવતા રહીએ અને ગણગણતા રહીએ... તા થૈયા થૈયા તા... થૈયા થૈયા તા થૈયા થૈયા તા થૈ.