ભીનું રણ-(2)
સીમાના ગોરા શરીર પર એક રૂંછાળો ટુવાલ હળવે હળવે મસ્તીથી ફરી રહ્યો હતો. એક એક અંગનો નિખાર તેના સ્પર્શથી જાણે ઉઘડી રહ્યો હતો. શરીરની ભીનાશ ધીમે ધીમે સાબુની સુંગંધ સાથે અદ્રશ્ય થતી ગઈ તેમ તેના શરીરમાં તાજગીનું સર્જન થતું ગયું. સીમાનું મન પણ અત્યારે તેના કાબુ બહાર જતું હોય તેવું લાગતું હતું. કિશોર શું વિચારતો હશે મારા વિષે? કેમ હજુ તે મૂંગો છે? જો કે પહેલેથી જ એ મૂંગો છે પણ આજે આટલા વર્ષે તે જાણે અકળ થઇ ગયો હોય તેવું લાગે છે. તેના જીવન વિષે કોઈ અંદાજ બાંધવો મુશ્કેલ છે. તેના વર્તન પરથી તો હજુ તે તેની જૂની પરીસ્થિતિમાં યથાવત છે કે જેવો મેં કોલેજ સમયે તેને જોયો હતો. કેટલા વર્ષે તે મને મળ્યો છે! રાત તો રોજ જવાન જ હોય છે પણ આજે તે કયા મૂડમાં રહેવાની છે તેની કલ્પના કરવી મુશ્કેલ લાગે છે. તેના હાથ તેણે વસ્ત્રો લેવા માટે લંબાવ્યા. ત્રણ-ચાર નાઈટડ્રેસ લઈને પાછા મુક્યા પછી એક ગુલાબી રંગના ગાઉનનું નસીબ ઘણા સમયે આજે ચમક્યું. કારણકે એ લાવ્યા પછી તેમાં પારદર્શકતા ઓછી હોવાને કારણે તે એમ જ પડી રહ્યું હતું. કિશોર સાથે ઘણી વાતો કરવી છે તેની સરળતા કાયમ મારા મનને ખેંચી રાખતી હતી. મુશ્કેલીના સમયમાં તેની સલાહ કેટલી વખત કામ લાગી છે તે મને યાદ નથી પણ એવા વિચારોથી સીમાનું મન ચકરાવે ચડ્યું હતું. જુના અને સારા કહેવાતા સંબંધે જ આજે એ તેને અહી લાવી છે, બાકી આ જમાનામાં કોઈ જાણીતા યુવાનને તેની મુશ્કેલીમાંય ઘરમાં શરણ ના અપાય. ગાઉન ઠઠારીને તેના ઉપર એક અતિ માદક એવું સ્પ્રે છાંટીને તે અરીસાની સામું ઉભી રહી.
........
સોના ડ્રીન્કસનું પૂછીને કિચનમાં ગઈ એટલે હું ઘરનું નિરીક્ષણ કરવા લાગ્યો વેલવેટના ભૂરા સોફા વચ્ચે નકશીકામવાળું ટેબલ હતું. મોંઘી લાઈટોના પ્રકાશવાળા આ ડ્રોઈંગરૂમ સિવાય બે બેડરૂમ હશે તેવું વિચારી મેં રસોડા બાજુ નજર કરી તો સોના ત્યાં ડાઈનીંગ ટેબલ આગળ ઉભી ઉભી મારી તરફ જ જોઈ રહી હતી. મેં જેવી નજર વાળવાની કોશિશ કરી ત્યાં તો આચ્છા ગુલાબી રંગમાં શોભતી સીમા પેલા રૂમમાંથી બહાર આવી, એટલે કે તરત જ નજર ને વિચારવાનો-વિચરવાનો એક મોકો મળી ગયો. હજુ તેના શરીરમાંથી એવાજ તરંગો નીકળતા હોય તેવું લાગ્યું જેવા ભૂતકાળમાં તેની વીસ વરસની કાયામાંથી નીકળતા હતા.
ધીરે ધીરે તેના પગલા સોફા તરફ આવતા ગયા તેમ મારી ધડકનો કાબુ બહાર જવા લાગી. શરીર અને મગજ એકબીજાના હરીફ બની ગયા હતા તેવી નાજુક પળમાં તે મારી સામેના સીંગલ સોફા પર બેઠી. બે હાથે પોતાના વાળને સરખા કરતી કરતી એણે બહુજ સિફતથી બંને પગને એકબીજા પર ગોઠવ્યા હોય તેવું મને લાગ્યું. ત્યાં સોના એક ટ્રેમાં બોટલ અને બે ગ્લાસ લઈને આવી, સાથે આઈસ-ક્યુબનો બાઉલ હોય તેવું લાગ્યું .
‘સોના આ મહેમાન માટે??’ .....અને સીમાએ કાતિલ નજરે મારી સામે જોયું
‘મેડમ મેં પૂછ્યું પણ એ ના પાડે છે. તમે કહો તો હવે હું જાઉં?’
‘હવે હું જાઉં’ એમ સંભાળતા જ જાણે મારા પર વીજળી પડી હોય તેવું લાગ્યું મારા આખા શરીરમાં ઝણઝાણાટી પ્રસરી ગઈ. કદાચ એ મારા સ્વભાવ પ્રમાણે ડરની હતી.
‘હા સોના એક કોલ્ડ ડ્રીંક ની બોટલ મુકીને તારે જવું હોય તો જા‘
‘કઈ આપું લિમ્કા કે થમ્સ-અપ’
‘ઓ માણસ આ તારા માટે પૂછે છે, મારા માટે તો આવી ગયું છે’
‘આમ મ..મ..મને તો લિમ્કા જ ચાલશે’હું એકાએક જાણે ઝબકીને બોલ્યો.
સોના તો ફાટક દઈને લિમ્કા લઈને આવી, ને સટાક દઈને મેઈન ડોર બંધ કરી ચાલી ગઈ. હું દેખતો જ રહી ગયો. આટલી મોડી રાતે ......!!??
સીમાએ એ પણ વાંચી લીધું અને તરતજ બોલી ‘આ મારી મેઈડ છેને એ અહી નજીકમાંજ રહે છે એક્ચ્યુલી આજે તારા કારણે મોડું થઇ ગયું એટલે તેને જવાની ઉતાવળ હતી’
‘ઓહ તો બરાબર.’
મારા મનના ભાવ વાંચી લેતી એ ખુલ્લા દિલની છોકરી આજે ઘણી શાંત અને ઠરેલ લગતી હતી, ઉંમરની સાથે તેનામાં બીજા તો કોઈ પરિવર્તન દેખાતા ના હતા. બસ ચોખા જેટલી ભરાવદાર થઇ હોય એમ લાગ્યું.
‘બોલ કશું કહેવું છે ...પણ એની શરૂઆત ક્યાંથી કરવી એ શોધે છે?’
ફરી ઝબકયો અને જવાબ આપું તે પહેલા એ બોલી.
‘અહી પણ કદાચ તારા જેવા જ હાલ છે. હા કદાચ આટલા સમય પછી એટલે કે વચ્ચેના ઘણા વર્ષોમાં આપણે કોઈ રીતે સંપર્કમાં ના હતા એટલે પ્રશ્નો તો તને હશેજ.’
‘હા સીમા પ્રશ્નો તો તું જ્યારથી જ્યાં મુકીને ગઈ છે ત્યાં તેવા અકબંધ જ છે’
‘પહેલા મને એક બિયરનો લાર્જ ગ્લાસ પી લેવા દે. તારા પ્રશ્નોના જવાબ આપવા માટે એ જરૂરી છે અને આમેય કાલે રવિવાર છે કાલ માટે બાકી રાખીશું તોય ક્યાં વાંધો છે?’
એમ બોલીને સીમાએ એક ગ્લાસમાં મારા માટે લિમ્કા ભરી એ ગ્લાસને મારી બાજુ ખસેડ્યો. પછી એણે આંખ બંધ કરીને હળવે હળવે બીયરના નાના નાના સીપ લેવાના ચાલુ કર્યા. એની સામું જોતા જોતા ફરી પાછું મારી સમક્ષ ભૂતકાળના દ્રશ્યોએ તાંડવ ચાલુ કર્યું.
સીમા શરૂઆતથીજ એક સ્વરૂપવાન અને અલ્લડ છોકરી હતી. ત્રણ વર્ષના કોલેજ સમયમાં એક વરસ તો તેને દેખવામાં જ ગયેલો. તેની જવાનીની એ પળોને હું યાદ કરું તો હજુ હૃદયના તાર ઝણઝણી જાય છે, મેં તેને ફક્ત એક સ્પષ્ટ નજરથી જ જોઈ હતી અને એ હતી તેની સુંદરતા. હું સીધો સાદો ગણાતો કોલેજની હોસ્ટેલમાં રહેતો એક ગરીબ વિદ્યાર્થીની ગણતરીમાં આવતો જુવાન. મારાથી તેના સપના પણ જોઈ ના શકાય તેવું હું કોલેજના પહેલા વરસમાં માનતો. લગભગ આખું વરસ તેની સુંદરતાના વખાણ લોકો જોડે સાંભળ્યા હતા, પણ તેના કરતા તેની વધારે ચર્ચા તો તેના બોયફ્રેન્ડ એવા વિલાસ સાથેના તેના સંબંધો વિષે સાંભળી હતી.
વિલાસ એક પોલીસ અધિકારીનો પુત્ર હતો. બુલેટ ઉપર સવાર થઈને આવતો વિલાસ દેખાવે શ્યામ હતો, પણ ઘાટીલો અને સ્નાયુબદ્ધ શરીર ધરાવતો હતો. એ નબીરો શરૂઆતથી જ તેનું આગવું ગ્રુપ બનાવી ચુક્યો હતો. થોડા સમયમાંજ તેણે સીમા જોડે દોસ્તીનો હાથ લંબાવી દીધો. બિચારા બીજા હેન્ડસમ દેખાતા જુવાનિયાઓના સપનાઓ તો ત્યાંજ ચકનાચૂર થઇ ગયા.ધીરે ધીરે આખી કોલેજમાં સીમા અને વિલાસના પ્રેમ પ્રકરણો ચર્ચાવાના ચાલુ થઇ ગયા.
વિલાસ ક્યારેક ક્યારેક અમારી હોસ્ટેલમાં આવતો. તેના ગ્રુપમાં ઘણા સિનિયર્સ વિદ્યાર્થીઓ હતા જે અમારી હોસ્ટેલમાં પડ્યા પાથર્યા રહેતા હતા. શની-રવિ માં ક્યારેક કોઈના રૂમમાં તે પાર્ટી કરવા આવતો. પણ હું ભણવામાં ધ્યાન રાખવા માંગતો હોવાથી બીજી બાબતોમાં બહુ ચંચુપાત કરતો નહિ. હજુ આગળ કોઈ બીજું દ્રશ્ય દેખાય તે પહેલા જ ટેબલ પર બોટલ મુકવાના અવાજથી હું ચમક્યો મેં સીમાની સામું જોયું
‘સીમા તને આમ રોજ પીવાની આદત પડી ગઈ છે કે શું?’
‘જો કિશોર મેં મારી જીંદગી માં એક વાત નક્કી કરી દીધી છે કે રોજ એ રીતે જીવવું કે કાલ થવાની જ નથી’
‘પણ સીમા આ દારૂની લત તો ...’
‘જો ગુરુજી હવે તમે મને કોઈ શિખામણ આપશો તો કઈ અસર થવાની નથી, અને હા હજુ તારી સલાહ આપવાની આદત એવી જ લાગે છે.’
‘સીમા એક કામ કર તારી આંખમાં પણ મને થાક દેખાય છે. એક કામ કર હવે સુઈ જઈએ એજ યોગ્ય છે, સવારે નિરાંતે વાત કરીશું’
ઢળતી આંખો વડે સીમા બોલી ‘હમમમ હું પણ એજ કહેવા જતી હતી બાય ધ વે કાલે તારો શું પ્રોગ્રામ છે હું રવિવારે તો સાંજે જ ઘરની બહાર નીકળું છું.’
'સવારે થોડું કામ છે એ પછી તો નવરો જ છું' બોલીને કિશોર ઉભો થવા જતો હતો ત્યાં સીમા બોલી.
‘ઉતાવળ ના કરીશ આ બોટલમાં વધેલું મને પૂરું કરી દેવા દે.’
‘સીમા... એ તો કાલે પણ ચાલશે ને..?’
મને પકડીને બેસાડતા એ સોફામાં લથડી ગઈ, ને તરત જ બોલી ‘બેસ એક મિનીટ માટે ....વધેલું ક્યારેય હું ફ્રીઝમાં પાછું મુકતી નથી.’ આમ બોલી તે સોફા પર ઢળી પડી.
મેં તેને પકડી બગલમાં હાથ નાખી ટટ્ટાર કરીને લગભગ ઘસડાતી હોય તેમ તેને તેના બેડરૂમ તરફ લઇ ગયો, મખમલી પલંગ તરફ દોરીને તેના બેડરૂમમાં પ્રવેશ્યો. સુગંધિતતા અને માદકતાનું જાણે ત્યાં સામ્રાજ્ય હોય તેવું લાગ્યું પલંગ પર તેને અધડૂકી સુવાડીને ફરી ઉચકીને તેને સરખી કરી ત્યારે તેણે તેના હાથથી મારો હાથ છોડ્યોજ નહિ અને મને તેના તરફ ખેંચીને કૈક બબડી રહી હતી.
તેના લગભગ બેભાન એવા શરીર પર પોતાનું અડધું શરીર નખાયેલું હોવાથી મારી અવસ્થા વિચિત્ર થઇ ગઈ, તેના સુવાળા અંગો પરથી મારા હાથ ધીરે ધીરે ખસેડીને મેં પોતાની જાતને તેના થી દુર કરી. તેનું માથું ઉશીકા પર મુકીને હું ઝડપથી રૂમ છોડી ગયો. તેનો બેડરૂમ બંધ કરી મને આપવામાં આવેલા રૂમ તરફ હું ધસી ગયો જાણે રખેને એક બુમ પડી સીમા અંદર બોલાવી દે તો.
સીમાએ નશો કરેલી હાલતમાં એસીમાંથી આવતા ઠંડા પવનની જેમજ એક ઠંડો નિસાસો નાંખ્યો અને મનોમન મલકાતી રહી કે પાંચ વરસમાં કિશોર બદલાયો હોય એવું લાગતું નથી. પછી પોતાની લાઈફમાં આવેલા બદલાવ વિશે વિચારતી એ પણ ક્યારે સુઈ ગઈ એનું ભાન ન રહ્યું.
(ક્રમશ)
-ચેતન શુક્લ