સેવન ડેઝ, સિક્સ નાઇટ-5 Mukul Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સેવન ડેઝ, સિક્સ નાઇટ-5

૫-રમણીય પતન અને અણમાનીતી રાણીનો કુંવર!

આપણા ગુજરાતમાં જેટલી સાહજીકતાથી માંસાહારી ભોજન મળી રહે છે એટલી જ સરળતાથી કેરાલામાં શુધ્ધ શાકાહારી રેસ્ટોરાં મળી રહે છે, શરત ફકત એટલી છે કે તમારો ડ્રાઈવર સ્થાનિક હોવો જોઇએ. ને ડ્રાઈવર સ્થાનિક ના હોય તો પણ શાકાહારી ભોજન તો મળી જ રહે પણ થોડી મગજમારી વધી જાય. એટલું જ. આમ સફરના ત્રીજા દિવસે એલ્લેપ્પીથી મુન્નાર જવાના રસ્તા ઉપર આવેલ એક શાકાહારી રેસ્ટોરાંમાં ભોજન પતાવ્યા પછી અમારી કાર મુન્નારના રસ્તે દોડતી હતી, હવે ઘાટનો રસ્તો શરૂ થઈ ગયો હતો, અને અંશુલની ઊલ્ટીઓ પણ! અંશુલને કારની મુસાફરીની એલર્જી છે, જ્યારે પણ કારમાં અરધા કલાકથી વધારે મુસાફરી કરવાનું થયું છે ત્યારે ઊલ્ટી થાય જ છે એટલે પૂર્વતૈયારી રૂપે પ્લાસ્ટીકના ઝબલાં ભેગાં રાખવા સિવાય અમારી પાસે કોઇ ઇલાજ નહોતો! (જે ઈલાજ પહેલા દિવસે સાંજે અર્નાકુલમ ઉતર્યા ત્યારથી લઈને છેલ્લે અર્નાકુલમ થી ટ્રેન પકડી ત્યાં સુધી કામ લાગ્યો!)

મુન્નાર જ્યારે ૪૨ કિલોમીટર છેટું હતું ત્યારે ભારતના સુંદરતમ માર્ગોમાંના એક NH49 ઉપર અમારા માટે સૌથી પહેલું નજરાણું હતું તે હતો અર્નાકુલમ જીલ્લાની પૂર્વે સરહદ ઉપર અને ઈડ્ડુકી જીલ્લામાં દેવિયાર નદી પર આવેલ આવેલ વલ્લેરા ધોધ. અંગ્રેજીમાં આનો સ્પેલિંગ Valara એવો છે પણ સ્થાનિક લોકો વલ્લેરા અથાવા વલ્લારા એવો ઉચ્ચાર કરે છે. હાઇ વે તરફ પીઠ કરીને આસનસ્થ, ધ્યાનસ્થ થયેલ વૃધ્ધ સાધ્વી જેવો પહાડ અને એના પાછળ ઢળતા શ્વેત કેશ જેવો જલપ્રપાત! ખરેખર, કોઈ પણ પતન ક્યારેય આટલું અદ્‌ભૂત અને રમણીય ક્યારેય નથી લાગ્યું! એક હજાર મીટર જેટલી ઊંચાઈએ થી ખાબકતા જલરાશીમાંથી નિપજતું સંગીત અહીંથી પસાર થતા યાત્રિકોને થોડી વાર માટે દુનિયાદારીની બધીજ પળોજણ ભૂલી રોકાઇ જવા મજબૂર કરતું હતું. અમે પણ રોકાયા, ફોટા પડ્યા, આજુબાજુ લાગેલી હાટડીઓમાંથી વિન્ડો શોપિંગ કર્યું અને વલ્લેરાને આવજો કહેતા આગળ જવા નીકળ્યા. હજુ માંડ દશેક કિલોમીટરનું અંતર કાપ્યું હશે ત્યાં અમારી જમણી બાજુ NH 49 થી થોડે દૂર ચીયપ્પારા(cheeyappara) ધોધ દેખાતો હતો, કોઇ અણમાનીતી રાણીના કુંવર જેવા આ ધોધને જોવા માટે એકલદોકલ કાર રોકાતી હતી અને એ પણ કારમાંથી નીચે ઉતરવાની તસ્દી લીધા વગર! એવું નથી કે આ ધોધ સુંદરતામાં કોઈ રીતે કમ હતો પણ મનભાવતાં ભોજન પેટભરીને ખાધા પછી આઇસ્કીમ પ્રત્યે પણ અરૂચી થઈ જાય, એવું જ કદાચ આ ધોધની સાથે પણ થતું હતું! એક કારણ એ પણ છે કે વલ્લેરા સાવ હાઈવે ને અડીને છે જ્યારે આ ચીયપ્પારા હાઈ વે થી સો દોઢસો મીટર જેટલો દૂર ઊભો છે, જે હોય તે પણ અમને તો સાત પગથિયાં ઊતરીને નીચે આવતો ચીયપ્પારા પણ એટલોજ વહાલો લાગ્યો!

વલ્લેરા ધોધ

કેરાલા એના મરીમસાલાના ઉત્પાદન ને કારણે સદીઓથી વિદેશીઓ માટે પણ આકર્ષણ રહ્યું છે, જેમ મુન્નાર નજીક આવતું હતું એમ ઠેક્ઠેકાણે રસ્તામાં આવેલા સ્પાઈસ ગાર્ડનવાળા હાથ ઊંચા કરી અમને એમના સ્પાઇસ ગાર્ડનની મુલાકાત લેવા માટે આમંત્રણ આપતા હતા. છેવટે આવા એક સ્પાઇસ ગાર્ડન Dreamland Spices Park પાસે અમારી કાર રોકાઇ અને અમે અમારી અને કેમૅરાની પ્રવેશ ફી ભરી ગાર્ડનમાં પવેશ્યા. ઊંધા શંકુ આકારના આ બગીચામાં ઉપરના ભાગમાં જાતજાતના મરી મસાલા અને ઔષધિનીની વનસ્પતી હતી અને વચ્ચે ખીણમાં ઢોળાવો ઉપર ચાના બગીચા. ખીણની ધાર ઉપર સાંકડી કેડી, અને કેડી પર હાથી પોતાની પીઠ ઉપર માણસો ને બેસાડીને ચાના બગીચામા ચક્કર મરાવતા હતા એ દ્ર્શ્ય ગમ્યું નહી. કોણ જાણે કેમ પણ ધરતી પરના સૌથી કદાવર અને તાકાતવર જાનવરને આમ લાચાર અવસ્થામાં માણસની ગુલામી કરતું જોઇને હમેંશા ખિન્નતાજ અનુભવી છે.

ચીયપ્પારા(cheeyappara) ધોધ

વર્ષોથી જે મસાલાઓ ઘરમાં વપરાતા આવ્યા છે એના વૃક્ષો, વેલાઓ અને છોડ જોવાનું હમેશાં રોમાંચક લાગે છે, (આજની જનરેશન ને માટે ઘઉં,બાજરી અને ચોખા જેવાં ધાન્યો કોઈ કારખાનામાં નથી બનતા પણ ખેતરમાં પાકે છે એ પણ સ્કૂલમાં ભણવામાં આવે ત્યારે ખબર પડે છે!) પરંતુ અમારા આ વનસ્પતીઓ જોવાના ઉત્સાહ ઉપર એક તો વરસાદે ઠંડું પાણી રેડવાનું ચાલુ કર્યું અને બીજું એ પાર્કના સ્ટાફને અમારા જેવા પર હેડ ૧૫૦ રૂપિયા જેવી ફી ચુકવનાર કડકા ગ્રાહકો કરતાં હાથીની સવારી સાથેનું ૭૫૦ જેવું પેકેજ લેનારા મલાઇદાર ગ્રાહકોમાં વધારે રસ હોય એ સ્વાભાવિક હતું! અને એ બેવકૂફ જાનવર, ચાર અલમસ્ત હાથી પોતાના જ ઈલાકામાં, આ તુચ્છ માનવજંતુઓના પેટ ભરવા માટે અન્ય માનવિઓનું મનોરંજન કરવાની મજૂરી કરતાં હતાં!

છેવટે અમે અમારી રીતે જ પાર્કની વનસ્પતિઓની સાથે ઓળખાણ કરવાની કોશીશ ચાલુ કરી. આ પાર્કનું ખરેખર આકર્ષણ કહી શકાય તો એના બે ટ્રી હાઉસ, એમાનું એક તો ખૂબજ ઊંચા વૃક્ષ પર બાંધેલું હતું. અને અન્ય આકર્ષણ હતું પાર્કમાં આવેલ રિટેઇલ શોપમાંથી મસાલાઓની ખરીદી કરવાનું. અમને અમારા તરફ એટેન્શન ના આપવામાં આવ્યું અને સરખી રીતે પાર્ક બતાવવામાં ના આવ્યો એનો અફસોસ, આ ખરીદી વખતે થોડો ઓછો થયો કે ચાલો બીજું કંઇ નહીં તો સસ્તા ભાવે મસાલાઓની ખરીદી તો થઈ! પણ એ આનંદ પણ જ્યારે આગામી દિવસોમાં ઠેકડીની સ્પાઇસ માર્કેટમાં પહોંચીએ ત્યાં સુધી ટકવાનો હતો એની અમને ત્યારે ખબર નહોતી!

છેવટે અમે છ-સાત કલાકની મુસાફરી પછી થાક્યા પાક્યા અમારા ઉતારાની હોટેલ ટી કેસલ પહોંચ્યા જ્યાંથી મુન્નાર હજુ બાર કિલોમીટર દૂર હતું. રાત્રે જમીને એવી તો ઊંઘ આવી કે એકેય એવું સપનુંયે ના આવ્યું જેમાં ધોધ, ચાના બગીચા કે હાથી દેખાય!