૧. ભેંકડાસૂરની સમશ્યા!
તૈયારીઓ તડામાર ચાલતી હતી, જાત જાતની પૂરી, ચકરી, ગોળપાપડી, સક્કરપારા, ચેવડો અને એવું બીજું ઘણું બધું. દિવાળીના દિવસો હતા સ્વાભાવિક છે, ઘરે ઘરે આ જ દ્રશ્ય હોય, એમાં નવાઈ શાની? પણ અહીં હકીકત થોડી જુદી હતી. આ તૈયારી ચાલતી હતી તે દિવાળીની નહીં પણ કેરાલા ફરવા જવા માટેની હતી એટલે સવાલ થવો સ્વાભાવિક હતો કે કેરાલા ફરવા માટે જવાનું છે કે ખાવા માટે! પણ ભાઇ આપણે તો કોઈ પણ પ્રવાસની તૈયારી આ રીતેજ થાય, પછી એ કેનેડા જવાનું હોય કે કેરાલા...પહેલી પ્રાથમિકતા તો ખાવાપીવાની (અહીં ’પીવા’ નો બીજો કોઇ અર્થ ના કાઢવો!) સગવડને આપવાની નહીં તો આપણું ગુજરાતીપણું લજવાય!
મે મહીનામાં એક કૌટુંબિક પ્રસંગે ભેગા થયા ત્યાં વાતમાંથી વાત નીકળીને આમ કેરાલા જવાનું બીજ રોપાયું ત્યારે અને બધા થઈને દસ લોકો તૈયાર થયા ત્યારે થયું કે જમાવટ થવાની. પણ ધીમે ધીમે જેમ નક્કી કરેલો સમય ઓક્ટોબર નજીક આવતો ગયો એમ વાજબી કારણો ને લઈને વિકેટો પડતી ગઈ ને પીચ ઉપર છેક સુધી અણનમ રહ્યાં અમે પાંચ, મોટી બહેન જ્યોતિ, બનેવી ચંદ્રકાંત, શ્રીમતીજી મીતા, અંશુલ અને બંદા પોતે!
પછી મગજમારી ચાલુ થઈ ટુરનો રૂટ અને પ્રવાસનાં સ્થળો નક્કી કરવાની, અમારા પાંચેયના ખાનદાનમાંથી પણ કોઇ ક્યારેય કેરાલા ગયેલ નહીં એટલે એક માત્ર ઇન્ટરનેટ અને ગૂગલ દેવ ( હા, બિલકૂલ મઝાકનો મૂડ નથી, આ કળજૂગમાં કોઈ હાજરા-હજૂર દેવ હોય કે જેની પાસે તમામ સવાલના ઉકેલ છે તો એ એક માત્ર ગૂગલ દેવ છે!) નો સહારો. રાજકોટથી મુંબઈ થઈને ત્રિવેન્દ્રમ કે પછી કોચી, કે પછી સીધા અર્નાકુલમ જવું ઠીક રહેશે? પછી ત્યાં કોઈ એક સ્થળને હબ બનાવીને બધે ફરવા જવું કે સીધા દક્ષિણમાં જઈને ફરતા ફરતા ઉત્તર તરફ આવી, મુંબઈની ગાડી પકડી લેવી? ક્યા સ્થળને કેટલા દિવસ ફાળવવા? ત્યાં શું શું જોવા લાયક છે? ઉતરવા માટે કઈ હોટલ સારી? અગાઉથી બુકીંગ કરાવવું પડશે કે પછી પડશે એવા દેવાશે? આ બધું ઉતરાણના દિવસે અગાસીમાં હાથમાંથી ફીરકી છટક્યા પછી ગુંચવાયેલા દોરા જેવું હતું, ક્યાંય છેડો દેખાતો નહોતો. એમાં ભળી રેલ ટીકીટ બુકીંગની લમણાઝીક. સ્ટેશને જવાનું, લાંબી લાઇનની વૈતરણી પાર કરને બારી આવે ત્યાં ’અવેલેબલ’ માંથી ’વેઈટીંગ’ થઈ ગયું હોય! ( ઓનલાઇન બુકીંગ? IRCTC મોટા ભાગે સવારના દસ વાગ્યા સુધી ઘેનમાં હોય છે એવો અત્યાર સુધીનો અનુભવ છે!) ને એમાંયે તારીખો અને મેમ્બરો ફરવાને લીધે કેન્સલ,રીબુકીંગ, કેન્સલ ચાલ્યું. છેવટે ફાયનલ પાંચની જે ટીકીટ હાથમાં હતી એ હતી વેઇટીંગ. પણ ત્રણ મહિનાનો સમય હતો એટલે ચિંતા નહોતી.
ઓલ્યો દોરો તો હજુયે ગુંચવાયેલોજ હતો અને ૩૦મી ઓક્ટોબર (જે તારીખે અમારે રાજકોટથી મુંબઈ રવાના થવાનું હતું) આડે અઠવાડિયું રહ્યું તોયે છેડો નહોતો મળતો એટલે છેવટે થાકી-હારીને પેકેજટુરની શરણાગતી સ્વિકારી (આ નિર્ણય ડહાપણભર્યો છે કે મુર્ખામીભર્યો એતો કેરાલા પહોંચીને ખબર પડવાની હતી!) અને આમ નક્કી થઈ કેરાલાની સેવન ડેઝ, સિક્સ નાઈટની ટુર.
૩૦મીએ રાજકોટથી મુંબઈ અને ૩૧મીએ મુંબઈથી બેન-બનેવી સાથે અર્નાકુલમ માટે ગરીબરથ પકડવાનો હતો, વેઇટીંગ હવે આરએસીમાં પરિવર્તિત થઈ ચૂક્યું હતું પણ હતો કનફર્મ ને છેટું હતું. જે છેક છેલ્લા દિવસે છેલ્લા કલાકોમાં થયું. ને આ બધી માયાજાળ ને કારણે અમે G-5 અને G-9 (G ફોર ગરીબરથ) માં વહેંચાઇ ગયા.
આ ગરીબરથ ખરેખર નામ એવાં લક્ષણ ધરાવતો હતો અને થર્ડ એસી હોવા છતાં કંપાર્ટમેન્ટની હાલત લગભગ સામાન્ય સ્લીપર ક્લાસ જેવીજ હતી બલ્કે અમુક બાબતમાં તો એનાથીએ બદતર, જેમકે સામાન્ય સ્લીપર ક્લાસમાં પણ મેં ક્યારેય સાઈડ બર્થ ત્રણ નથી જોઈ! અને છેલ્લી ઘડીએ જેની ટીકીટ કન્ફર્મ થાય એના લમણે સામાન્ય રીતે આ સાઈડબર્થ જ લખાય છે! આ સિવાયની પણ નામને સાર્થક કરતી બીજી ઘણી અજાયબી હતી જેમકે ટીટી ચાર પાંચ ડબ્બા વચ્ચે એકજ, ( અમારી બાજુની બર્થ ઉપર એક યુવાન જે ભણતો હતો એણે કહ્યું છે હું આજ સુધી ઘણી વાર આ ગાડીમાં ગોવા ગયો છું પણ હજુ સુધી ટીટી નામનું પ્રાણી જોયું નથી!) વળી રાત્રે ઓઢવા માટેની કંબલ (જે દર્દીને ટોપી સુંઘાડવાની અવેજીમાં ચાલે એવા હતા) અને ઓશીકાં ભાડે મળતાં હતાં!
ટ્રેનનો ઉપડવાનો સમય સાંજના પાંચનો પણ એમાંયે ગરીબી બતાવીને એક કલાક મોડી ઉપડી. રાત પડી બધાં પોતપોતાની બર્થ ઉપર ગોઠવાયાં ને જ્યાં ઊંઘ આવવાની થઈ ત્યાં બાજુની બર્થ ઉપરથી એક દોઢ બે વરસના ટેણીયાએ ભેંકડો તાણ્યો, મમ્મી કેટલું પટાવે પણ કોઇ વાતે નમતું ના આપે, “બાબા...બાબા...” કરીને રડ્યેજ રાખે! આમ અડધી કલાક ચાલ્યું પછી બાજુની બર્થ ઉપર લાંબા થયેલા એના પિતાશ્રીને એની (અને અમારી પણ!) દયા આવી એટલે બાળક ને પોતાની પાસે લીધો, ને પરિણામ ફક્ત એટલું જ આવ્યું કે એ અમારી નિન્દ્રાના દુશ્મને પોતાનો સૂર બદલ્યો અને હવે “માં...” નો રાગ આલાપતાં રડવાનું ચાલુ રાખ્યું! ત્યારે અમને એના દરદનું કારણ પકડાયું, હકીકત જાણે એમ હતી કે એને ઘરે રોજ જે રીતે એક પથારીમાં મમ્મી-પપ્પા સાથે સુવાની ટેવ હતી એ જ અહીં જોઈતું હતું! (જે અહીં ટ્રેનની બર્થ ઉપર કોઈ પણ રીતે સંભવ નહોતું!)
છેવટે એ બાળક કંટાળીને સુઈ ગયો અને અમે પણ. પરંતુ આ ગરીબરથનો હજુ સૌથી ખતરનાક અનુભવ તો હજુ રાત્રે ઊંઘમાં થવાનો હતો એ ત્યારે ક્યાં ખબર હતી!