સેવન ડેઝ, સિક્સ નાઇટ-૨ Mukul Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સેવન ડેઝ, સિક્સ નાઇટ-૨

૨. શેક્સપિયરની આત્મહત્યા!


૨૬મી જાન્યુઆરી ૧૯૯૮ના રોજ ખુલ્લી મૂકાયેલ કોંકણ રેલ એક અજાયબીની સાથે સાથે..ભારતના જ નહીં પણ વિશ્વના સુંદરતમ રેલમાર્ગોમાંનો એક છે. મુંબઈથી શરૂ થઈ ગોવાને વીંધીને મેંગ્લોર પુરો થતા આ ૭૬૦ કી.મી ના રેલમાર્ગમાં ૨૦૦૦ જેટલા બ્રિજ જેમાં લાંબામાં લાંબો બ્રિજ ગોવાની જુવારી નદીપરનો ૧૩૧૯ મીટર છે અને ૯૨ જેટલી ટનલ આવેલી છે, જે બધીજ ટલનની કુલ લંબાઇ થાય છે ૮૩ કિલોમીટર જેટલી, જેમાંની લાંબામાં લાંબી ટનલ ૬૫૦૬ મીટર જેટલી લંબાઇ ધરાવે છે જે મહારાષ્ટ્રમાં આવેલી છે. વળી આજ માર્ગ બરાબર ગોઆ અને કર્ણાટકની બોર્ડર ઉપર ગોઆમાં ભારતનો પાંચમા નંબરનો સૌથી ઊંચો ધોધ દૂધસાગર, મંડોવી નદી ઉપર આવેલો છે. કોંકણ રેલનો આખો માર્ગ બન્ને બાજુ નાળિયેરી,આંબા, જેક ફ્રુટ, પામ ટ્રી, સાગ અને ઘાસના મેદાનોથી આચ્છાદિત છે, પણ બધું જોવાનું અમારા નસીબમાં ક્યાં હતું? ટ્રેનના સમયના કારણે જતી અને આવતી બન્ને વખતે અમે આમાંથી મોટા ભાગનું નીંદરમાં ગુમાવ્યું!

એમ તો નીંદર પણ ક્યાં નહોતી ગુમાવી! શરૂઆતમાં પેલા ભેંકડાસૂરે બે કલાક જેટલું પોતાનું કામ કર્યું, માંડ નીંદર આવી’તી ત્યાં ભર નીંદરમાં પડખું ફરવા જતાં ડાબા પગનીપાનીમાં કંઇક અણીદાર ખીલા જેવું ભોંકાયું અને ભયંકર પીડાને સહન કરી ચીસને નીકળતી જેમ તેમ રોકી રાખી. અંધારામાં પગની પાની ઉપર હાથ ફેરવીને જોયું તો લોહીની ભીનાશ અનુભવી... થોડીક વાર કશ્મક્શ અનુભવી ને મન મક્ક્મ કરી લીધું કે બીજા કોઈની નીંદર નથી બગાડવી. પીડા સહન કરતાં કરતાં પાછી ઊંઘ આવી ગઈ. સવારે ઊઠીને પહેલ વહેલાં બે કામ કર્યાં એક તો કેવું ક વાગ્યું છે એ જોવાનું. જોયું તો સારો એવો અરધા ઈચ જેટલો ઘા હતો, અને બીજું કામ એ સંશોધન કરવાનું કે આ વાગ્યું છે શું? અગાઉ વાત કરી હતી એમ ગરીબરથમાં સાઈડમાં પણ ત્રણ બર્થ આવે છે, એમાં વચ્ચેની બર્થને ઉપર બાંધી રાખવા માટે સ્ટીલના હૂક હોય છે ખોલી નખાયા પછી એના અને દિવાલના વચ્ચે આ હૂકના લીધે ત્રણેક ઈંચ નો ગેપ રહે છે.( રેગ્યુલર વચ્ચેની બર્થ કરતાં આ થોડી અલગ પધ્ધતિ છે) આ હૂક અણીદાર હોય છે (અણી શા માટે? લાલુજીને ખબર!) રાત્રે પગ પૂરા ફોર્સથી આ હૂક પર જતો રહેલો! સવારે, “અરર..અને હાય..હાય..કેટલું બધું વાગી ગયું છે...અમને કેમ ના જગાડ્યા”..વગેરે વગેરે ઉદ્‌ગારો પછી પ્રાપ્ય સંશાધનોની મદદથી પાટાપીંડી કરવામાં આવી.( અને પછીના તમામ દિવસો લંગડાતા લંગડાતા જ પસાર કર્યા!)

અમે રસ્તામાં હતા ત્યારેજ ટુર ઓપરેટર સતત ફોનથી અમારા સંપર્કમાં હતા વળી અમારા ડ્રાયવરનો મોબાઇલ નંબર અને ગાડી નંબર પણ અમને એસ એમ એસ કરી દીધો હતો એટલે અજાણી જગ્યાએ ઉતરીને શું કરવું એની કોઈ ચિંતા નહોતી. ૩૧ ઓકટોબરે સાંજે ૬ વાગ્યે મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ( આ ટર્મિનસ જેણે જોયું હશે એને એની ગરીબી ખબર હશે, સમગ્ર ભારતમાં આટલાં ગંદા અને ઢંગધડા વિના ના સ્ટેશન ઓછાં હશે) થી ઉપડેલી ટ્રેન બીજા દિવસે સાંજે ૬;૩૦ની આસપાસ નિર્ધારીત સમયે અર્નાકુલમ સ્ટેશન પર પહોંચી ગઈ એકદમ રાઈટ ટાઈમ! આ ગાડીની સૌથી મજાની વાત એ હતી અથવા તો છે કે એનું ભાડું બીજી ટ્રેનની સરખામણીમાં લગભગ ૪૦% જેટલું ઓછું છે! (ભલે ખીલો વાગ્યો પગમાં, હજી જરૂર હોય તો બીજો પગ પણ છે!)

ટ્રેનમાંથી સ્ટેશન ઉપર ઉતર્યા ત્યારે વરસાદ ચાલુ હતો, અને અમારા ડ્રાઈવર ભાઈ હજુ આવ્યા નહોતા જે થોડીજ વારમાં આવી ગયા,સામાન ગાડીમાં ગોઠવાયો, અને લશ્કર ઉપડ્યું. અમારા ડ્રાયવરનું નામ સેલ્વમ, પણ એનો સાચો ઉચ્ચાર શીખતાં અમારી અરધી ટુર પૂરી થઈ ગઈ હતી! કેમ કે એ મલયાલમ બંદો શું ઓચરે છે એ સરખું સમજાય જ નહીં! મેં પહેલેથી જ આગ્રહ રાખેલો કે અમને શક્ય હોય ત્યાં સુધી હિન્દી બોલી સમજી શકે એવો જ ડ્રાયવર આપવો, એના પ્રતિભાવમાં આ સેમ્પલ, સોરી સેલ્વમ અમારે ભાગે આવેલ! જેટલું ખરાબ હિન્દી એટલું જ ભંગાર ઈંગ્લીશ! ( ને આપણેય ઈંગ્લીશમાં તો કયાં ઓછા ઊતરીએ એમ હતા!) પછીના એક અઠવાડિયા સુધી મેં અને સેલ્વમભાઇએ જે રીતે અંગ્રેજીમાં ચલાવ્યું છે...જે ચલાવ્યું છે એ જોઈને શેકસપિયરના આત્માએ પણ વારંવાર આત્મહત્યા કરી હશે!

અહીંથી સીધા અમારે ૭૦ કિલોમીટર દૂર આવેલ એલ્લેપી, પૅગોડા રિસોર્ટ જવાનું હતું જ્યાં અમારો આજની પ્રથમ રાત્રીનો સ્ટે હતો. સેલ્વમભાઈએ ભાંગી તૂટી હિન્દીન્ગ્લીશમાં અમને સમજાવ્યું કે ત્યાં રિસોર્ટમાં જમવાનું ઘણું મોંઘું હશે એટલે રસ્તામાં જમવાનું પતાવી લેવું. અમારે પણ એટલું જ જોઈતું હતું એટલે એને કોઈ પ્યોર વેજ રસ્ટોરંટ બતાવવા કહ્યું. દસેક કિલોમીટર પછી અમારી ગાડી એક શુધ્ધ શાકાહારી રેસ્ટોરાં પાસે આવીને ઊભી, રેસ્ટોરાંનું નામ હતું આર્યા. બધું જ સાઉથ ઇન્ડિયન, ઢોસા, ઈડલી, વડા અને ભાત. જમવાનું ખરેખર સારૂં હતું અને સસ્તું પણ ખરૂ. કેરાલા જવાનો વિચાર હજુ અપરિપક્વ અવસ્થામાં હતો ત્યારે કેરાલ જઈ આવેલ એક મિત્ર વિરલ માસ્ટર પાસે માર્ગદર્શન માગતાં એણે કહેલું એક વાક્ય યાદ છે, “ કેરાલા જવાના છ મહિના પહેલાથી ઇડલી-ઢોસા ખાવાના બંધ કરી દેજો, અને આવીને પછી તમે છ મહીના માટે બંધ કરી દેશો!” સાચ્ચેજ એવું જ થયું, અંશુલને ઢોસા અતિ પ્રિય, પણ અત્યારે ઢોસા નું નામ પણ લઈએ તો ચિડાઇ જાય છે!

છેવટે દોઢેક કલાકની મુસાફરી પછી રિસોર્ટ ઉપર પહોંચ્યા, ચેક-ઇન ની વિધી પતાવી પોતપોતાના કોટેજમાં ગયા. કોટેજ ખરેખર સરસ હતાં અને રિસોર્ટ પણ વિશાળ અને સુંદર રીતે મેનેજ કરેલો હતો પણ હોટેલ બિઝનેસમાં જે સૌથી અગત્યનું છે એનો કારમો દુકાળ હતો.