સેવન ડેઝ, સિક્સ નાઇટ, ભાગ-૩
કેરાલા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શું સમાનતા છે? અથવા કઈ એવી બાબત છે જે કેરાલા અને ન્યૂઝીલેન્ડને જોડે છે? ન્યૂઝીલેન્ડના કવિ થોમસ બ્રેકનનાં કાવ્યોની એક બૂક ૧૮૯૦માં પ્રકાશીત થઈ, જેમાં પોતાના દેશ ન્યૂઝીલેન્ડ વિશે એક કાવ્ય હતું, જેનું શીર્ષક હતું. “God's Own Country” અને એ બુકનું નામ પણ હતું, ” God's Own Country and Other Poems” આમ આ શબ્દો પહેલવેલા ત્યારે વાપરવામાં આવ્યા એમ કહી શકાય. પરંતુ આ શબ્દોને લોકપ્રિયતા અપાવી ન્યૂઝીલેન્ડ ઉપર સૌથી વધુ સમય શાસન કરનાર વડાપ્રધાન રિચર્ડ જહોન સેડને વારંવાર ઉપયોગ કરીને. આ શબ્દોને કેરલાના લોકોએ પોતાના રાજ્ય માટે ક્યારે અપનાવી લીધા, એનો કોઈ ઈતિહાસ મળતો નથી અને ઇતિહાસમાં જવાની જરૂર પણ નથી. એકવાર કેરાલાની મુલાકાતથી જ ખ્યાલ આવી જાય છે કે એને God's Own Country શા માટે કહેવામાં આવે છે!
નેશનલ જ્યોગ્રોફિકના ટ્રાવેલર મેગેઝીન દ્વારા કેરાલાને “ધરતી પરના દશ સ્વર્ગ માંનુ એક” અને “ જોવાં જ જોઈએ એવાં વિશ્વનાં પચાસ સ્થળોમાંનું એક” માનવામાં આવ્યું છે અને એ શા માટે એ તો ટ્રેન જેવી કેરાલાની સરહદમાં પ્રવેશે ત્યાં જ ખ્યાલ આવવા માંડે છે! ક્યાંક આભને આંબતાં તો ક્યાંક બેકવૉટર પર ઝળુંબતાં નાળિયેરીના વૃક્ષો, રબ્બર ટ્રી, જાત જાતના મરી મસાલા અને તેજાના ના વૃક્ષો અને વેલાઓ, દૂરથી કશ્મીરી ગાલીચા જેવા દેખાતા ચા ના બગીચાથી આચ્છાદિત ડુંગરાઓ ઉપરથી દડતાં પાણીના ઝરણાં અને એ ડુંગરાઓની ઓથે પકડદાવ રમતી વાદળીઓ...કેરલા ઉપર કુદરતે ભરપુર મહેર વરસાવી છે, ભૈ આખરે એની પોતાની ભોમકા જો છે!
અમારો પહેલો ઉતારો અલેપ્પી અથવા તો અલપ્પુઝામાં આવેલ પૅગોડા રિસોર્ટમાં હતો, રિસોર્ટ ખરેખર ભવ્ય છે, પહેલી નજરે જોતાં અંજાઈ જ જવાય. અમે અમારા ભાગે આવેલ કોટેજમાં ગોઠવાયા, ૨૪ કલાકની ટ્રેનની વત્તા દોઢ કલાકની ઈન્ડિકાની મુસાફરીનો થાક હતો, રૂમમાં ટીવી હતું પણ ટીવી જોવાની તેવડ ન્હોતી, પીવાનું પાણી મગાવ્યું અને આવે ત્યાં સુધી ટાઈમપાસ માટે ટીવી ચાલુ કર્યું, પણ મલયાલમ ચેનલોની વચ્ચેથી એકાદ હિન્દી અથવા અંગ્રેજી ચેનલ શોધવી એ ચેલેન્જીંગ કામ હતું! પાણી માટે ચારેક વખત રિમાઇન્ડર આપ્યા પણ બધાજ રિમાઇન્ડર પાણીમાં ગયા! શ્રીમતિને ગળામાં દુખાવો હતો એટલે મીઠાના પાણીના કોગળા કરવા હતા,પણ ચપટી મીઠા માટે પણ દાંડીકૂચ જેવું આંદોલન કરવું પડશે એવું અમને લાગ્યું એટલે પછી પાણી અને મીઠાંને ભૂલીને નિન્દ્રાદેવીનુ શરણ સ્વીકારી લીધું. ૧૨ સુંદર કોટેજીસ, ૨ આલીશાન સ્યૂટ, ૨૧ ડીલક્સ રૂમ અને બીજા સ્ટાન્ડર્ડ રૂમ ઉપરાંત આયુર્વેદા સેન્ટર, સ્વિમીંગ પુલ અને બીજી ઘણી બધી સગવડો ધરાવતા આ રિસોર્ટને સર્વિસના નામે તો શૂન્ય જ આપી શકાય.
બીજા દિવસે સવારે ગરમ પાણીના નામે પણ એજ હાલત એટલે ગરમ પાણીના નામનુંજ નાહી નાખ્યું! હા સવારનો બ્રેકફાસ્ટ (કોમ્પ્લીમેન્ટરી હતો એટલે જ નહીં પણ ખરેખર) સારો હતો. ચેકઆઉટની વિધી પતાવી અને અમારા પાયલટ સેલ્વમના માર્ગદર્શન હેઠળ અલ્લપુઝા બીચ જવા નીકળ્યા, બીચ ઉપર અરધો કલાક જેવું ધમાલ મસ્તી કરી કુમારકોમના માર્ગે ઈન્ડિકા દોડતી હતી જ્યાં દોઢેક કલાકની મુસાફરી પછી અમારે હાઉસબોટ પહોંચવાનું હતું, રસ્તામાં ટુર ઓપરેટરની ઓફિસે બાકીનું પેમેન્ટ પતાવવાનું હતું. રસ્તામાં સેલ્વમભાઇએ એક બહુજ અગત્યની (એની દ્રષ્ટિએજ સ્તો!) માહિતી આપી કે અહીં એક ખાસ પ્રકારની ફીશ થાય છે જે બહુજ મોંઘી હોય છે અને એની કરી બહુજ સ્વાદિષ્ટ હોય છે જે બહાર ખાવા જઈએ તો બહુજ મોંઘી પડે પણ હાઉસબોટમાં તમને લોકોને તદ્દન ફ્રી માં પિરસવામાં આવશે! મેં એને કહ્યું કે ભાઇ અમે બધા જ સંપૂર્ણ શાકાહારી છીએ અને ફીશ તો શું પણ ઈંડું પણ નથી ખાતા, ત્યારે એના મોઢામાંથી અફસોસની સાથે “ઓ...” એટલો જ ઉદ્ગાર નિકળી શક્યો પણ એના ચહેરાના ભાવમાં મને “બંદર ક્યા જાને અદ્રક કા સ્વાદ...!” એ ડાયલોગ બહુ સ્પષ્ટ દેખાતો હતો!
વેમ્બનાડુ લેઇક એ ભારતનું લાંબામાં લાંબુ અને કેરલનું મોટામાં મોટું સરોવર છે જેની કુલ સપાટી આશરે ૨૦૩૩ સ્ક્વેર કિલોમીટર જેટલી છે અને કેરાલાના ઘણા જીલ્લાઓને સ્પર્શે છે તથા અલગ સ્થળે અગલ અલગ નામે ઓળખાય છે જેમકે કુટ્ટાનાડમાં પુન્નામડા લેઇક અને કોચીમાં કોચી લેઇક. કોચી પોર્ટ પણ આ લેઇક ઉપરજ આવેલ છે. કેરલાની વિશ્વવિખ્યાત બોટ રેસ પણ આ લેઇકમાંજ થાય છે. અમારે પહોંચતાં મોડું થયું હતું એટલે અમે રસ્તામાં હતા ત્યારેજ હાઉસબોટ વાળાનો મારા ઉપર ફોન આવ્યો, પણ હરામ બરોબર તો એક અક્ષર પણ પલ્લે પડે તો! કારણ કે એ બંદાને મલયાલમ સિવાય બીજી કોઈ પણ ભાષા સાથે બાપે માર્યાં વેર હતાં. દક્ષિણના રાજ્યોના લોકો વિશે આપણા લોકોમાં એક ભ્રમ વ્યાપક રીતે જોવા મળે છે કે સાઉથવાળાનું અંગ્રેજી સારૂ! સારૂં હતું કે અમારા સેલ્વમને ભાંગ્યું તૂટ્યું અંગ્રેજી અને હિન્દી આવડતું હતું એટલે અમારૂં ગાડું ગબડી જતું હતું એટલે હાઉસબોટ વાળાનો ત્યારે અને પછી પણ જેટલી વાર ફોન આવ્યો ત્યારે મેં સેલ્વમને જ પકડાવી દીધો.
સાડાબારની આસપાસ અમે અમારા માટે પાર્ક કરેલી હાઉસ બોટ ’આદિથ્યાન’ પહોંચ્યા ત્યારે ત્યાં અમારા સ્વાગત માટે હાઉસબોટના ત્રણ કર્મચારીઓ હાજર હતા. બોટમાં પ્રવેશતાંજ અમારૂં સ્વાગત વેલકમ ડ્રિંકથી કરવામાં આવ્યું, સ્વાભાવિક છે એક કેરાલામાં વેલકમ ડ્રિંક તરીકે નાળિયેર પાણી જ હોય! પણ અમે એ વેલકમ ડ્રિંક તરીકે નાળિયેર પીધું એક કેરાલામાં પહેલું અને છેલ્લું પણ હતું!