ડરના મના હૈ
Darna Mana Hai-26 ભૂતિયાં વાહનોનો તરખાટ
લેખકઃ મયૂર પટેલ. ફોનઃ ૦૯૫૩૭૪૦૨૧૩૧
અકસ્માતમાં લોકો જીવ ગુમાવે એવા સમાચાર તો દરરોજ અખબારોની હેડલાઇન બનતા હોય છે પણ કોઈ અકસ્માતમાં ભૂતિયા તત્વ છુપાયેલું હોય તો! ખુદ કોઈ વાહન ભૂતિયા બનીને અકસ્માત સર્જતું હોય તો! હોલીવુડના હાર્ટથ્રોબ એક્ટર જેમ્સી ડીનેનો જીવ લેનારી અપશુકનિયાળ સ્પોર્ટ્સ કારથી લઈને લંડનમાં તહેલકો મચાવનાર ડબલ ડેકર બસના પ્રેત અને સાગર પેટાળમાં ભટકતી સમબરીનના ભૂત સહિત ભૂતિયા વાહનોના ઉદાહરણો અનેક છે.
હોલીવુડ હંકની રહસ્યમય કારઃ
જેમ્સ ડીન. ૫૦ના દાયકાના હેન્ડસમ, ટેલેન્ટેડ એક્ટર. હોલીવુડના આ હાર્ટથ્રોબે ગણીને માત્ર ત્રણ જ ફિલ્મો કરી હોવા છતાં તેમનું નામ ફિલ્મ ઈતિહાસમાં આદરપૂર્વક લેવામાં આવે છે. ૧૯૫૩થી ૧૯૫૫ દરમિયાન રિલીઝ થયેલી તેમની ફિલ્મો ‘રિબેલ વિધાઉટ અ કોઝ’, ‘જાયન્ટ’ અને ‘ઈસ્ટ ઓફ ઈડન’ને ભારે સફળતા મળી હતી અને જો તેમનું અકાળે અવસાન ન થયું હોત તો તેમનું ભવિષ્ય હોલીવુડમાં ઉજ્જવળ હતું. ૧૯૩૧માં જન્મેલા જેમ્સ ડીન ફક્ત ચોવીસ વર્ષની યુવા વયે ૧૯૫૫માં એક કાર અકસ્માતમાં માર્યા ગયા હતા અને પોતાના મોત પાછળ કેટલાક વણઉકેલ્યા રહસ્યો છોડી ગયા હતા. એ રહસ્યો તેઓ જે કાર અકસ્માતને લીધે માર્યા ગયા હતા એ કાર સાથે સંકળાયેલા છે. પ્રોફેશનલ રેસિંગનાં શોખીન જેમ્સે ૧૯૫૫માં પોર્શ ૫૫૦ સ્યાયડર નામની એક સ્પોર્ટ્સ કાર ખરીદી હતી. ઝડપી ડ્રાઈવિંગનો જેમ્સને શોખ હતો અને આ કાર તેમનો એ શોખ પૂરો કરતી હતી. જેમ્સે તેમની કારને ‘લિટલ બાસ્ટર્ડ’ (નાનકડો હરામી!) એવું વિચિત્ર નામ આપ્યું હતું.
એ અગમ્ય ભવિષ્યવાણીઃ
૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં ‘સ્ટાર વોર્સ’ શ્રેણીની ફિલ્મોમાં ઓબી-વાન કેનોબીનો રોલ કરીને ભારે ખ્યાતિ મેળવનારા એક્ટર એલેક ગિનેસ એ જમાનામાં જેમ્સના પરમ મિત્ર હતા. એક દિવસ જેમ્સે એલેકને પોતાની કાર બતાવી અને તેમાં બેસવા કહ્યું. દરવાજો ખોલીને એલેક અંદર બેસવા જતા હતા, પરંતુ અચાનક અટકી ગયા. તેમણે જેમ્સને કહ્યું, ‘આ કારમાં કંઈક એવું અપશુકનિયાળ તત્ત્વ છે જે મને અંદર બેસતા રોકે છે. જેમ બને એમ જલદી આને વેચી દે, નહિતર એ તારો જીવ લઈને જ રહેશે.’
એલેકની વાત સાંભળી જેમ્સ અવાચક થઈ ગયા કેમ કે તેઓ જાણતા હતા કે, એલેકની છઠ્ઠી ઈન્દ્રિય ઘણી શક્તિશાળી હતી અને ભૂતકાળમાં તેમના દ્વારા થયેલા ઘણા ભવિષ્યકથન વિચિત્ર અને અવિશ્વસનીય લાગતા હોવા છતાં સાચા પડ્યા હતા. પરંતુ જેમ્સે જિગરજાન મિત્રની વાત હસવામાં કાઢી નાખી. કારને વેચી દેવાનો તો કોઈ પ્રશ્ર્ન જ નહોતો કેમ કે તેમને કાર પ્રત્યે માયા લાગી ગઈ હતી. આ બનાવ ૨૩ સપ્ટેમ્બરે બન્યો હતો.
એ ગોંઝારી દુર્ઘટનાઃ
બીજા જ અઠવાડિયે કેલિફોર્નિયામાં સાલિનાસ ખાતે એક સ્પોર્ટ્સ કાર રેસનું આયોજન થયું. જેમ્સ પણ તેમાં પોતાની કાર સાથે ભાગ લેવાના હતા, જે મીડિયા માટે આકર્ષણનું કારણ હતું. રેસ સર્કિટમાં જેમ્સના ઈન્ટરવ્યુ માટે પત્રકારોએ પૂરી તૈયારી કરી રાખી હતી. ૩૦ સપ્ટેમ્બર ૧૯૫૫નો એ દિવસ હતો. રેસનો સમય સાંજે હોવાથી બપોરના સમયે જેમ્સ કાર લઈને પ્રેક્ટિસ માટે હાઈવે ૪૬૬ પર નીકળી પડ્યા. સાથે કાર મિકેનીક રોફ વુધરિચ પણ હતા જે કારની પાછલી સીટ ઉપર બેઠા હતા. ૫૫ માઈલની સ્પીડ લિમિટનાં ઝોનમાં 65 માઈલની ઝડપે કાર ચલાવવા બદલ જેમ્સને હાઈવે પોલીસે દંડ ફટકાર્યો. નજીકના ભવિષ્યમાં બનનારી ઘટના માટેની આ કદાચ ચેતવણી હતી. દંડ ભરીને આગળ જઈ ફરીથી જેમ્સે કારને પૂરપાટ ભગાવવાનું ચાલુ રાખ્યું. થોડે આગળ ગયા ત્યાં જ એક યુવાન રસ્તો ઓળંગતો દેખાયો. જેમ્સનું ધ્યાન તેના ઉપર હોવાથી તેઓ સામેથી આવતી બીજી કારને જોઈ ન શક્યા. તેમનું ધ્યાન પેલી કાર તરફ ગયું ત્યાં સુધી ખૂબ મોડું થઈ ચૂક્યું હતું. પેલા યુવાન અને સામેથી ધસમસતી આવતી કાર એમ બંનેથી બચવું લગભગ અશક્ય હતું. જેમ્સની કાર અને પેલી બીજી કાર સામસામે ટકરાઈ અને આ ભયંકર અકસ્માત સર્જાયો. ઘટનાસ્થળે જ જેમ્સનું પ્રાણપંખેરું ઊડી ગયું. મિકેનીક રોફ બચી ગયા. એલેક ગિનેસની ભવિષ્યવાણી સાચી પડી. લિટલ બાસ્ટર્ડે છેવટે પોતાના માલિકનો ભોગ લઈ જ લીધો. જેમ્સ ડીન જેવા હોનહાર અભિનેતાના અકાળ અવસાનથી હોલીવુડમાં હાહાકાર મચી ગયો. મીડિયાએ જેમ્સની મનહૂસ કારની કહાનીને બરાબર ચગાવી.
અને લિટલ બાસ્ટર્ડે જીવ લેવાનું ચાલુ રાખ્યું...
ભારે નુકસાન પામી હોવા છતાં ‘લિટલ બાસ્ટર્ડ’ હજી ઉપયોગમાં લઈ શકાય એમ હતી. વ્યવસ્થિત સમારકામ કરીને તેને વેચવા માટે કાઢવામાં આવી ત્યારે જેમ્સ ડીનની કાર હોવાથી તેની ઘણી સારી કિંમત ઉપજી. થોડા દિવસમાં કારને ફરી વાર અકસ્માત થયો અને તે તેના નવા માલિકને પણ ભરખી ગઈ. અપશુકનિયાળ ગણાવા લાગેલી હોવા છતાં કારને નવા માલિક શોધવામાં કદી મુશ્કેલી પડી નહિ. ભવિષ્યમાં તેના અનેક અકસ્માત થવાનાં હતાં અને અનેક લોકો જીવ ગુમાવવાના હતા. ૧૯૭૦નાં દાયકામાં ‘લિટલ બાસ્ટર્ડ’ તેના એક માલિકના બંધ ગેરેજમાંથી ગાયબ થઈ ગઈ અને પછી કદી ન મળી.
વિશ્વયુદ્ધનો પૂળો ચાંપનાર ભૂતિયા કારઃ
પ્રથમ વિશ્ર્વયુદ્ધ સાથે સંકળાયેલી એવી જ બીજી અપશુકનિયાળ કાર હતી ૧૯૧૦માં બનેલી ‘ગ્રાફ એન્ડ સ્ટીફ્ટ ડબલ ફેટોન’. પહેલા વિશ્ર્વયુદ્ધનાં ભણકારા વાગી રહ્યા હતા ત્યારે આ કારમાં ‘ફ્રાંઝ ફર્ડિનાન્ડ’ની હત્યા કરવામાં આવી હતી, જે વિશ્ર્વયુદ્ધનો પૂળો ચાંપવાના કારણો પૈકીનું એક કારણ હતું. ફ્રાંઝની કાર પછીના ૧૨ વર્ષોમાં ૧૫ વ્યક્તિઓનાં હાથમાં ગઈ જેમાંના ૧૩ના મોતનું તે કારણ બની! ૧૩ પૈકી ૩ જણે પાગલપણાની હાલતમાં આત્મહત્યા કરી લીધી હતી. ચાર મિત્રો સહિત પરણવા જતા રોમાનિયન મૂરતિયાને લઈને એ કાર એક પુલ પરથી નીચે ખાબકી હતી અને પાંચેય મરણને શરણ થઈ ગયા હતા. કહેવાતું હતું કે ફ્રાંઝનું પ્રેત એ કારમાં હંમેશ માટે વસી ગયું હતું અને તેના લીધે જ એ કારે આટલા બધા માણસોનો ભોગ લીધો હતો. હાલમાં એ કાર ઑસ્ટ્રીયાનાં એક મ્યુઝિયમમાં તૂટેલી હાલતમાં પડી છે.
આપમેળે સ્થાનફેર કરતી કારઃ
આવી એક ભૂતિયા કારનો અનુભવ સાઉથ આફ્રિકાનાં કેપટાઉન શહેરનાં એક ફેમિલીને પણ થયો હતો. તેમણે એક અજાણી વ્યક્તિ પાસેથી સાવ સસ્તામાં ખરીદેલી એ કાર જાણે કે સ્વયંસંચાલિત હતી. તે આપોઆપ જ ચાલુ થઈ જતી અને સ્થળાંતર કરવા લાગતી. ઘરની પાછળના ખુલ્લા વગડામાં તેને પાર્ક કરવામાં આવતી પરંતુ સવારે તે પોતાના સ્થાનથી ક્યાંક બીજે જ ઊભેલી મળી આવતી. તેના દરવાજા, બારીના કાચ બધું લોક રહેતું હોવાથી કોઈ વ્યક્તિએ તેનું સ્થાનફેર કર્યું હોય એ પણ અશક્ય હતું. છતાં પણ આવી કોઈ સંભાવના ચકાસવા માટે કારનાં માલિકે એક રાતે આખી કાર ઉપર ટેલ્કમ પાઉડર છાંટી દીધો, જેથી કોઈ વ્યક્તિ તેને સ્પર્શે તો તેના હાથ-આંગળાની છાપ દેખાઈ જાય. દરરોજની જેમ બીજી સવારે કાર વગડાનાં કોઈ બીજા જ ખૂણામાં ઊભી હતી. તેના ઉપર ક્યાંય કોઈ વ્યક્તિના હાથનાં નિશાન નહોતા. મૂંઝાયેલા માલિકે પોતાના એક પોલીસ મિત્રને આ બાબતમાં જણાવ્યું.
પોલીસ મિત્ર તપાસ માટે ઘરે આવ્યો. કારને અંદર બહારથી બધી રીતે તપાસીને તેણે જાહેર કર્યું કે તેને કારમાં કંઈ વિશેષ કે વિચિત્ર લાગતું નથી. બરાબર એ જ સેકન્ડે કાર સળગી ઊઠી. જોતજોતામાં તો આખેઆખી કાર અગનજ્વાળાઓની ચપેટમાં આવી ગઈ. એ બનાવ એટલો રહસ્યમય અને ડરામણો હતો કે, આત્મદહન પામેલી કારની નજીક જઈ આગ ઓલવવાની પણ કોઈની હિંમત થઈ નહીં. ભૂતિયા કારે છેવટે પોતે જ પોતાનો અંજામ નક્કી કરી લીધો હતો.
અકસ્માત કરીને અદૃશ્ય થઈ જતી એ ભૂતિયા બસઃ
ન માનવામાં આવે એવી થોડી ઘટનાઓ ૧૯૩૪ના વર્ષમાં લંડનમાં બની હતી. આખેઆખી ડબલ ડેકર બસનું ભૂત લંડનની સડકો પર અડધી રાત બાદ ફરતું રહેતું! કેટલીયે કારોને તેણે પોતાની ચપેટમાં લીધી હતી અને ઘણા લોકોએ આવા ભૂતિયા અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા. જે લોકો બચી ગયા હતા તેમના જણાવ્યા મુજબ અચાનક જ ક્યાંકથી મસમોટી બસ તેમના વાહન સામે આવી ગઈ હતી અને તેઓ અકસ્માત કરી બેઠા હતા. આઘાતની કળ વળે અને તેઓ સભાન થઈ જુએ તો સામે કોઈ બસ હોતી નથી, પરંતુ તેમના વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હોય એ નક્કી. લંડનના જે જે વિસ્તારોમાં એ ભૂતિયા બસે અકસ્માત સર્જ્યા હતા ત્યાં પોલિસ પહેરો મૂકવામાં આવ્યો હતો પણ એ બસ કદી એક સ્થળે બે વાર ‘પ્રગટ’ થતી નહોતી. દર વખતે તે ‘શિકાર’ માટે નવું સ્થળ પસંદ કરતી. હવામાં ક્યાંક શિકારની રાહ જોતી રહેતી અને કોઈ પૂરપાટ દોડતી કાર દેખાય એટલે ફટાક કરતી એના માર્ગમાં આડી ઊતરતી. ક્ષણભર માટે દર્શન દઈ, કારને જખ્મી કરી, અંદર બેઠેલાના જીવ લઈ તે પલકવારમાં તો અંતર્ધ્યાન થઈ જતી! અનેક તપાસ છતાં એ ભૂતિયા બસનો ક્યારેય કોઈ અત્તોપત્તો નહોતો લાગ્યો. અકસ્માત કરીને અદૃશ્ય થઈ જતી એ ભૂતિયા બસે થોડા સમય માટે જ લંડનમાં દેખા દીધી હતી પણ એ સમય દરમિયાન તેણે જબરી અફરાતફરી મચાવી હતી.
સમુંદરની સતેહ નીચે ભટકતી સબમરીનની આત્માઃ
પહેલા વિશ્ર્વયુદ્ધ દરમિયાન જર્મનીની યુબી 3 ક્લાસની સબમરીનો ખૂબ મહત્ત્વ ધરાવતી હતી. દરિયામાં તેની રીતસર આણ પ્રવર્તતી હતી. એચ. એમ. એસ. બ્રિટાનિયા સહિત બીજા ૫૦૭ નાના મોટા યુદ્ધ જહાજોને આ પ્રકારની સબમરીનોએ જળસમાધિ આપી હતી. આવી જ એક યુબી 3 ક્લાસની સબમરીન હતી ‘યુ 65’. યુ 65 સબમરીન મધદરિયે પ્રવાસ કરી રહી હતી ત્યારે એક રાતે તેની અંદર અકસ્માતે એક ટોરપિડો ફાટતા ક્રૂના આઠ સભ્યો અને એક કમાન્ડિંગ ઓફિસરનું મૃત્યુ થઈ ગયું હતું.
ઈજાગ્રસ્ત યુ 65ની મરમ્મત કરીને તેને ફરીથી દરિયામાં ઉતારવામાં આવી. થોડા જ દિવસોમાં પેલા અકસ્માતમાં માર્યા ગયેલા કમાન્ડિંગ ઓફિસરનું પ્રેત સબમરીન ઉપર દેખાવા લાગ્યું. ક્રૂના સભ્યો તેને જોઈને પરેશાન થવા લાગ્યા. તેમણે કમાન્ડિંગ ઓફિસરના પ્રેત બાબતે ફરિયાદ તો કરી પણ તેમની વાતો પર ઉપરી અધિકારીઓએ વિશ્ર્વાસ ન કર્યો. એક પછી એક કરીને ક્રૂનાં તમામ સભ્યો એ સબમરીન પરથી બીજે ક્યાંક જવા માટે બદલી માગવા લાગ્યા, પરંતુ તેમની ઈચ્છા પૂરી થાય તે પહેલાં જ...
...એક રાતે એક અમેરિકન સબમરીન દ્વારા છોડાયેલા ટોરપિડો દ્વારા યુ 65 સબમરીન નાશ પામી હોવાના સમાચાર આવ્યા.
બીજે જ દિવસે પેલી અમેરિકન સબમરીનના ઓફિસરે મીડિયામાં ખુલાસો કરતું વિધાન આપ્યું કે, તેઓ યુ 65 પર હુમલો કરે એ પહેલા જ યુ 65માં આપમેળે જ ધડાકા થઈ ગયા હતા અને સબમરીન તેના તમામ ક્રૂ સભ્યો સાથે જાતે જ ભસ્મીભૂત થઈ ગઈ હતી. યુ 65નાં વિનાશનું કારણ કદી જાણી શકાયું નહીં, પરંતુ કહેવાય છે કે પેલા ઓફિસરનું પ્રેત જ તેના અંતનું કારણ હતું.