ઝંઝા અને જીવન
(લઘુનવલકથા)
ગણેશ સિન્ધવ
‘બાદલ’
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
ચાર
બીજા રવિવારે સુનિતાએ વૃદ્ધાશ્રમની મુલાકાતે જવાનું રાખ્યું, થોમસને સાથે લઈને એ વૃદ્ધાશ્રમે પહોંચી. વિશાળ કમ્પાઉન્ડમાં વૃક્ષો હતાં. એની છાયામાં બાંકડા હતા. ફૂલ ખીલેલાં છોડવા હતા. હરિયાળી હતી.દૂર બાંકડે કેટલાક વૃદ્ધો બેઠાં હતા. સામેનું વિશાળ દ્વાર ખોલીને સુનિતા થોમસ અંદર ગયાં.
અંદર તો મોટું ચોગાન હતું. એની ચારે દિશાએ રૂમોની હરોળ હતી. વચ્ચેના ચોગાનમાં બાંકડા હતાં. એની પર વૃદ્ધો અને વૃદ્ધાઓ બેઠાં હતાં. એ બધાં સુનિતા-થોમસને ટીકી ટીકીને જોવા લાગ્યાં. પ્રત્યેકને થયું કે પોતાને મળવા તો નથી આવ્યાંને ?
સુનિતા-થોમસ દરેક રૂમમાં ત્રણ કે ચાર મિનિટ ઊભાં રહીને વૃદ્ધોને કહેવા લાગ્યાં. ‘‘અમે તમારી ખબર પૂછવા માટે આવ્યાં છીએ.’’
‘‘તમારી તબિયત કેમ રહે છે ?’’
‘‘દવા લ્યો છો ?’’
‘‘દીકરા દીકરી મળવા આવે છે ?’’
‘‘એ ક્યાં રહે છે ?’’
‘‘પુસ્તકો વાંચો છો ?’’
‘‘ટીવી જુઓ છો ?’’
દરેક વૃદ્ધે ઘણું બધું કહેવાનું હતું. એમને આશ્વાસનના બે શબ્દો કહીને એ બન્ને આગળની રૂમમાં જાય છે. વૃદ્ધોના ખબર અંતર પૂછે છે. દરેક વૃદ્ધ પોતાની પાસે બેસવા માટે આગ્રહ કરે છે. એ આગ્રહની સાથે કાકલૂદી ભળેલી દેખાય છે. એક રૂમના વૃદ્ધને માંડ છોડીને બાજુની રૂમમાં જાય છે. ત્યાંના વૃદ્ધ એ જ રીતે વળગીપડે છે. પોતાની પાસે બેસવા માટે આજીજી કરે છે. આ રીતે એ ગ્રાઉન્ડ ફ્લોરની બધી જ રૂમોમાં ફર્યાં.
ઉપરના માળે પણ એટલી જ રૂમો હતી. ત્યાં વૃદ્ધાઓ રહેતી હતી. એ વૃદ્ધાઓ થોમસ સુનિતાને ટોળે વળીને જોવા લાગી. તે દરેકને થતું હતું કે પોતાને મળવા પોતાનો પૌત્ર તો આવ્યો નથી ને ?
એક વૃદ્ધાને સુનિતાએ પૂછ્યું. ‘‘તમારા પરિવારમાં કોણ કોણ છે ?’’ એ કહે, ‘‘મારે ચાર દીકરા છે. એક દીકરી છે. એક દીકરો ન્યુયોર્કમાં રહે છે. એની મોટી કંપની છે. એમાં ઘણા ઈન્ડિયનો સર્વિસ કરે છે. બીજો અહીં લોસ એન્જલીસમાં જ રહે છે. એ પણ સુખી છે. કોઈ વાર મળવા આવે છે. ત્રીજો કેનેડામાં સ્થિર થયેલો છે. ચોથો પીએચ.ડી.નો અભ્યાસ કરે છે. દીકરી પણ આ શહેરમાં જ રહે છે. એ પણ કોઈવાર આવે છે. ચારે દીકરાઓને પોતપોતાનો પરિવાર છે.’’
સુનિતા કહે, ‘‘તમને પરિવારથી જુદા રહીને અહીંના આ વૃદ્ધાશ્રમમાં ફાવે છે ?’’
વૃદ્ધા કહે, ‘‘ફાવે કે ન ફાવે અમારે અહીં રહેવું પડે છે. નીચેની રૂમમાં મારા પતિ રહે છે. અમે નીચેના બાંકડે સાથે બેસીએ છીએ. ફોન પર દીકરાઓ સાથે વાત થઈ શકે છે.’’
બીજી વૃદ્ધાને સુનિતાને પૂછ્યું. ‘‘તમારા દીકરા તમને નથી રાખતાં ?’’
સુનિતાનો આ પ્રશ્ન એ વૃદ્ધાને ન ગમ્યો. એણે કહ્યું. ‘‘અહીં હું સ્વતંત્ર રીતે રહું છું. દીકરા એમની રીતે રહે છે. એમાં ખોટું શું છે ?’’
સુનિતાએ કહ્યું. ‘‘માજી, તમે અહીં સુખી છો એ જાણીને અમને આનંદ થયો છે. તમારી સમજ માટે ધન્યવાદ.’’
ઘરડાઘરમાં ઘણો સમય થયો હોવાથી એ બન્ને રેસ્ટોરામાં જઈને બેઠાં. નાસ્તો કરતાં સુનિતાએ કહ્યું. ‘‘આ વૃદ્ધોને આર્થિક મુશ્કેલી નથી. એમનાં સંતાનો પૈસાપાત્ર છે. આમ છતાં પોતાના માબાપને ઘરડાઘરમાં મોકલતાં એમને ક્ષોભ થતો નથી. અહીંની આ સામાજિક રસમ છે. એ કારણે આ વૃદ્ધો અહીં રહે છે. આપણે જોયું કે પ્રત્યેક વૃદ્ધ અત્યંત દુઃખી છે. એમને પોતાની છેલ્લી જિંદગીમાં વૃદ્ધાશ્રમમાં રહેવું દુઃખદ લાગે છે. એમની પાસે પોતીકું કોઈ નથી. ટોળાથી વિખૂટું પડેલ હરણ જેવી એમની દશા છે. એમને લાગણીથી પીરસીને જમાડે એવાં કોઈ સગાં નથી. એમની શારીરિક પીડા સમજે એવું કોઈ સ્નેહી નથી. અહીં ખાવાં, પીવાં, સૂવા, બેસવાં, દવા, ડોક્ટર બધું યંત્રવત્ મળે છે. પરંતુ લાગણી અને વહાલનો અહીં અભાવ છે.’’
સુનિતાએ થોડીવાર રહી આગળ કહ્યું, ‘‘ઈન્ડિયામાં સંયુક્ત કુટુંબની પ્રથા હોવાથી દરેક માબાપ પોતાનાં સંતાન સાથે જ રહે છે. એમની તમામ જરૂરિયાતો એમના સંતાનો પૂરી કરે છે. એ કારણે ત્યાં વૃદ્ધાશ્રમો નથી. હવે શરૂ થયાં છે. અહીંના વૃદ્ધોની છેલ્લી જિંદગીની પીડા ઈન્ડિયાના વૃદ્ધોને નથી. પ્રત્યેક મા બાપને સાચવવાની નૈતિક જવાબદારી એમના સંતાનો નિષ્ઠાથી નિભાવે છે.’’