ટુંકી વાર્તાઅો - 3 Patel Bhavna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટુંકી વાર્તાઅો - 3

૧)મનમાં રહેલા ખોટા દંભ(ટુંકી વાર્તા)

ખૂબ જ હોશિયાર એવો અતિશ્રીમંત ઘરનો એક નવયુવાન કૉલેજના અંતિમ વરસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.એના પિતા એ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા.એના પિતાએ પૂછયું કે પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે ?દીકરાએ જવાબ આપ્યો કે કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવી જાય તો પણ નવાઈ નહીં. બાપા સાંભળીને ખૂબ ખુશ થયો. થોડી વાર પછી એ યુવકે ફરી પૂછ્યું કે, ‘પિતાજી, જો મારો પ્રથમ નંબર આવેતો ફલાણા શૉરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટસ કાર મને ભેટમાં આપશો ખરા ?’બાપે હા પાડી. એના માટેતો આવી કારની ખરીદી એ રમતવાત હતી.

પેલો યુવક ખૂબ રાજી થઈ ગયો.એ કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી.એનો વાંચવાનો ઉત્સાહ અનેક ગણો વધીગયો.મહેનતુ અને હોશિયાર તો એ હતો જ. રોજ કૉલેજથી આવતાં જતાં એ પેલા શૉ-રૂમ પાસે ઊભો રહી હોન્ડા-સ્પૉર્ટસ-કારને બે ક્ષણ જોઈ લેતો. થોડા દિવસો પછી જ આ કારના સ્ટિયરિંગ પર પોતાની આંગળીઓ ફરતી હશે એ વિચારમાત્ર એને રોમાંચિત કરી દેતો. એની પરીક્ષા ખૂબજ સરસ રહી.યુનિવર્સિટીમાં એ પ્રથમ આવ્યો છે એવી જાણથતાં જ એણે કૉલેજ પરથી પોતાના પિતાને ફોનકરી દીધો. પોતાની ભેટની વાત પણયાદ કરી. ઘરનજીક એ ઘરે પહોંચ્યો.કમ્પાઉન્ડનો દરવાજો ખોલીને આંગણામાં એણે નજર નાખી, પણ પેલી કાર ક્યાંય દેખાઈ નહીં. એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ ગયો.કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે તેમ વિચારીને એ ઘરમાં દાખલ થયો. નોકરે એને આવીને કહ્યું કે 'શેઠ સાહેબ એમના રૂમમાં એના આવવાની રાહ જુએ છે.''દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો.એના પિતાજી જાણે એના આવવાની રાહ જ જોઈ રહ્યા હોય તેવું લાગ્યું. એના આવતાં જ એમણે ઊભા થઈ એ યુવકને ગળે વળગાડ્યો. અમીર બાપનો દીકરો હોવા છતાં બાપના પૈસે તાગડધિન્ના કરવાને બદલે દિલ દઈને ભણવાવાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે એવું પણ કહ્યું. પછી સુંદર કાગળમાં વીંટાળેલું એક નાનકડું બૉક્સ એને આપીને કહ્યું ; ‘દીકરા,આમ જ આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ છે.

આ લે તારા માટે મારા તરફથી ઉત્તમ ભેટ !’એટલું કહી બૉક્સ દીકરાના હાથમાં આપી તેઓ પોતાના કામે જવા નીકળી ગયા.પિતાના ગયા પછી દીકરાએ બૉક્સ ખોલ્યું. જોયું તો એમાં પાકા પૂઠાંવાળું સોનેરી અક્ષરોથી લખાયેલું ભાગવતમ હતું. ભાગવતમ બંને હાથમાં પકડીને એ થોડી વાર એની સામે જોઈ રહ્યો. એને અત્યંત ગુસ્સો આવ્યો. ભાગવતમ એમ જ ટેબલ પર મૂકીને એ વિચારમાં પડી ગયો. ઘરમાં અઢળક પૈસો હોવાછતાં પોતાની એક જ માગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલ્યો એ વાત એને હાડોહાડ કોરી ખાતી હતી. સ્પોર્ટસ કાર અપાવવાની હા પાડ્યા પછી પણ પિતાનો જીવ ન ચાલ્યો એનું એને ખૂબ જ લાગી આવ્યું.એ પોતે પણ સ્વમાની હતો. એટલે બીજી વખત પિતા પાસે માગવાનો કે એમને યાદ અપાવવાનો તો સવાલ જ નહોતો પેદા થતો.

ઘણો વખત વિચાર કર્યા પછી એણે કાગળ લીધો.એમાં ટૂકમાં એટલું જ લખ્યું કે, ‘પૂજ્ય પિતાજી,સ્પૉર્ટસ કારને બદલે ભાગવતમ આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે એમ માનું છું. પણ મારે સ્પૉર્ટસકાર જોઈતી હતી. હું ઘરેથી જાઉં છું. ક્યાં જાઉં છું તે નહીં કહું.જ્યારે

તમારી સમકક્ષ પૈસાદાર બની જઈશ ત્યારે જ હવે તમને મોં બતાવીશ. એ જ… પ્રણામ.’ચિઠ્ઠી ભાગવતમના બૉક્સ પર મૂકી એ ઘરેથી નીકળી ગયો.વરસો વીતી ગયાં. યુવકનાં નસીબ ખૂબ

સારાં હતાં.મહેનતુ અને હોશિયાર તો એ હતો એટલે એણેજે બિઝનેસ શરૂ કર્યો તેમાં તેને

અણધારી સફળતા મળી અને એ અતિશ્રીમંત બની ગયો. સુંદર મજાનું ઘર બનાવી એણે

લગ્ન પણ કરી લીધાં. વચ્ચે વચ્ચે એને પોતાના પ્રેમાળ પિતા યાદ આવી જતા.પરંતુ એ પ્રેમાળચહેરા પાછળ રહેલો કંજૂસ માણસનો ચહેરો એને તરત જ દેખાતો. માતાના મૃત્યુ પછી પોતે આટલા વરસમાં એક સ્પોર્ટસ-કાર જ માગી અને અઢળક પૈસો હોવા છતાં એના પિતાએ કારને બદલે ફિલૉસૉફી ઝાડવા ફકત ભાગવતમ જ આપ્યું, એ યાદ આવતાં જ એનું મન કડવાશથી ભરાઈ જતું.પરંતુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ એને એના પિતાની યાદ ખૂબ જ આવતી હતી.

હવે તો એ ઘણા વૃદ્ધ પણ થઈ ગયા હશે. કંઈ નહીં તો એમની સાથે વાત તો કરવી જ જોઈએ. વૃદ્ધ માણસોને સંતાનોના અવાજથી પણ શાતા વળતી હોય છે. પિતા સાથે ફોન પર વાત કરવાની એને અતિતીવ્ર ઈચ્છા થઈ આવી.

આમેય સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય છે અને એકાદ દિવસ એવો પણ આવે કે માણસને એમ થાય કે, ‘અરે ! આવા નાનાઅને વાહિયાત કારણ માટે આપણે આટલા બધા ગુસ્સે થયા હતા ?!’ આવું જ કંઈક એ યુવાનની સાથે બની રહ્યું હતું. એણે ફોનલઈ પોતાના ઘરનો નંબર ઘુમાવ્યો.

સામા છેડે જ્યારે કોઈએ ફોન ઊંચક્યો ત્યારે એના ધબકારા ખૂબ વધી ગયા હતા.

પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવઢવ સાથે એણે ‘હેલો !’ કહ્યું. પણ એને નિરાશા

સાંપડી.સામા છેડે એના પિતાજી નહોતા પણ ઘરનો નોકર હતો. નોકરે કહ્યું કે : ‘શેઠ સાહેબતો

અઠવાડિયા પહેલાં અવસાન પામ્યા. તમે પોતાનું સરનામું જણાવેલ નહીં એટલે તમને જાણ શી

રીતે કરી શકાય ? પણ મરતાં સુધી તમને યાદ કરીને રડતા હતા. એમણે કહેલું કે તમારો ફોન ક્યારેય પણ આવે તો તમને બધો કારોબાર સંભાળવા બોલાવી લેવા.એટલે તમે આવી જાવ !’પેલા યુવક પર તો જાણે વજ્રઘાત થયો.પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ મળી ન શકાયું એ વાતની વેદનાએ એના હૈયાને વલોવી નાખ્યું. પણ હવે શું થાય ?પોતાના ઘરે પાછા જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ વતન તરફ પ્રયાણ કર્યું. ઘરે આવીને સીધો જ એ પોતાના પિતાના રૂમમાં ગયો. એમની

છબી સામે ઊભા રહેતાં જ એની આંખો વરસી પડી.થોડી વાર આંખો બંધ કરીને એ એમ જ ઊભો રહ્યો.

પછી પોતાના રૂમમાં આવ્યો.એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલ સોનેરી અક્ષરવાળા ભાગવતમ પર પડી, આ એ જ ભાગવતમ હતું જેના કારણે એણે ઘર છોડ્યું હતું.એના મનમાંથી પિતાજી માટેની બધી જ કડવાશ ગાયબ થઈ ગઈ હતી.

એણે ભાગવતમ હાથમાં લઈ ખોલ્યું. પ્રથમ પાના પર જ એના પિતાએ લખ્યું હતું: ‘હે ભગવાન ! મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ રીતે આપવી તે તું મને શિખવાડજે . એણે માગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો વારસો પણ આપી શકું એવું કરજે.’ એ યુવકને આજે પોતાના પિતાએ લખેલ આ શબ્દો ભાગવતમના શબ્દો જેટલા જ મહાન

લાગ્યા.

એ શબ્દોને ચૂમવા એણે ભાગવતમને હોઠે લગાડ્યું.એજ વખતે એનાં પાનાંઓ વચ્ચે ક્યાંક

છુપાયેલ એક નાનકડું કવર નીચે જમીન પર પડ્યું. પેલા યુવાને એ કવર ખોલ્યું. એમાં

હોન્ડા સ્પૉર્ટસ-કારની ચાવી અને સંપૂર્ણ ચૂકતે લખેલું પેલા શૉ-રૂમનું બિલ હતું. એના

પરતારીખ હતી : એ પ્રથમ નંબરે પાસ થઈને આવ્યો હતો એ જ દિવસની….!કંઈ કેટલીય

વાર સુધી એ નીચે બેસી રહ્યો. પછી હૃદય ફાટી જાય એટલું બધું રડ્યો. ધ્રુસકે ધ્રુસકે. એ

પછી કલાકો સુધી સૂનમૂન બની એ પોતાનાપિતાજીની છબી સામે જોતો રહ્યો.ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે એનો સ્વીકાર કરીએ એ તો કેવું ? વડીલોતો ઠીક,ભગવાન તરફથી જુદી જુદી રીતે પૅકિંગ કરાયેલ આવી કેટલી બધી ભેટોનો આપણે અસ્વીકાર કરતાં હોઈશું ? કારણ એક જ કે આપણી ધારણા પ્રમાણે એનું પૅકિંગ થયું નથી હોતું. બસ ! એટલું જ !!

૨) મકકમ મનાબળની વાર્તા

એક સામાન્ય પરિવારનો છોકરો ભણવામાં તો સામાન્ય કરતા પણ નીચો હતો. ધો. ૧૦ સુધીનો અભ્યાસ સરકારી શાળાઓમાં જ કર્યો અને ધો. ૧૦ના એના પરિણામમાં એની વિદ્વતાનો પરિચય એણે બધાને કરાવ્યો. ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી આ ત્રણેય મહત્વના વિષયોમાં ૧૦૦માંથી ૩૫ માર્કસ આવ્યા આ બંદાને. સ્વાભાવિક છે કે માર્કશીટ જોઈને કોઈ સ્કૂલ એડમિશન આપવા તૈયાર નહોતી કારણ કે આવા નબળા વિદ્યાર્થીને એડમિશન આપીને ભલા કઈ શાળા પોતાનું પરિણામ બગાડે ?

સાયન્સ કે કોમર્સનો તો વિચાર જ ન કરી શકાય. આ પરિણામના આધારે, એટલે આપણે આ મિત્રએ આર્ટ્સ રાખ્યું. અંગ્રેજી તો એવું સારું કે ફોર્મ ભરતી વખતે એના નામનો પહેલો અક્ષર કેપીટલને બદલે સ્મોલ કરેલો અને છેલ્લો અક્ષર સ્મોલને બદલે કેપીટલ કરેલો. આટલું સારું અંગ્રેજી હોવાથી અંગ્રેજી સાથે આર્ટ્સ કરવાનો વિચાર કર્યો.

બસ અહીંથી વાર્તામાં બદલાવ આવે છે. મને કેમ અંગ્રેજી ના આવડે ? જો સામાન્ય માણસ અંગ્રેજી શીખી શકે તો હું કેમ નહીં ? મારું અંગ્રેજી કેમ ન સુધરે ? અને એણે સખત મહેનત શરૂ કરી. બી.એ. પછી એમ.એ. અને બી.એડ. કર્યું. વિદ્યાસહાયક તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૫૦૦ના ફિક્સ પગારમાં નોકરી શરૂ કરી.અહીંયા એના દિમાગમાં એક સ્વપ્નબીજ રોપાયું. મારે સામાન્ય શિક્ષક તરીકે નહીં પરંતુ આઈએએસ બનીને કલેક્ટર તરીકે કામ કરવું છે. ધો.૧૦માં માંડ માંડ પાસ થયેલા આ શિક્ષક મિત્રએ આભને આંબવાનું અને દેશની સર્વોચ્ચ પરીક્ષા આપવાનું નક્કી કર્યું. રોજની ૧૨ થી ૧૪ કલાકની મહેનત. નોકરી પણ મૂકી દીધી.

પ્રથમ વાર પરીક્ષામાં બેઠા પરિણામ આવ્યું નાપાસ, બીજી વાર નાપાસ, ત્રીજી વાર નાપાસ, ચોથી વાર નાપાસ… હવે તો હદ થાય વારંવારની નિષ્ફળતા પછી પણ પ્રયાસ ચાલુ. કદાચ આ પંક્તિઓ આપણા એ મિત્ર માટે જ લખાઈ હશે.

“સફળતાનો અંત હું રસ્તા પરની ઠોકરથી નહીં લાવું,

હજુ તો મારે મંઝીલને લાત મારવાની બાકી છે.”

પાંચમાં પ્રયાસે આપણા આ મિત્રએ પોતાની મંઝીલને લાત મારી. યુપીએસસી પાસ કરી અને એ પણ અંગ્રેજી માધ્યમમાં અને એને આઈએએસ કેડર મળી અને ગુજરાત રાજ્ય મળ્યું. ગુજરાત રાજ્યમાં જ આઈ.એ.એસ. અધિકારી તરીકે ફરજ બજાવે છે.

જો મનોબળ મજબૂત હોય તો સખત મહેનત દ્વારા સામાન્યમાંથી અસામાન્ય બની શકાય. માત્ર ટકાવારીના આધારે જ કોઈનું મૂલ્યાંકન કરવાની ભૂલ ક્યારેય નહીં કરતા.

૩) બુધ્ધિચાતુર્યની વાર્તા

એક સસલો તેની બોડ બહાર બેઠોબેઠો કમ્પ્યૂટર પર કામ કરતો હતો. ત્યાંથી પસાર થતા એક શિયાળે પૂછ્યું, ‘શું કરો છો?’ સસલાએ જવાબ આપ્યો, ‘ધંધામાં શિયાળને કઇ રીતે મારી પાડવો તે અંગે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવું છું.’શિયાળે કહ્યું, ‘સસલો તે કદી શિયાળને મારી શકે?’ ‘વિશ્વાસ ન બેસતો હોય તો આવો મારા દરમાં’ સસલાએ આમંત્રણ આપ્યું. બંને અંદર ગયા. થોડી વારમાં સસલો શિયાળના હાડકાંનો ટુકડો ચાટતો બહાર આવ્યો. થોડી વાર પછી ત્યાંથી વરુ પસાર થયો. સસલો કમ્પ્યૂટર પર કામ કરતો હતો.

વરુએ પૂછ્યું, ‘શું કરો છો?’

સસલાએ જવાબ આપ્યો, ‘ધંધામાં વરુને કઇ રીતે ખતમ કરવો તે અંગે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવું છું.’

વરુએ કહ્યું, ‘સસલો તે કદી વરુને મારી શકે?’ ‘વિશ્વાસ ન બેસતો હોય તો આવો મારા દરમાં.’ સસલાએ આમંત્રણ આપ્યું.બંને અંદર ગયા. થોડી વારમાં સસલો વરુના હાડકાંનો ટુકડો ચાટતાં બહાર આવ્યો.

છેલ્લે એક રીંછ આવ્યું. કમ્પ્યૂટર પર કામ કરતાં સસલાને પૂછ્યું, ‘શું કરો છો?’

સસલાએ જવાબ આપ્યો, ‘ધંધામાં રીંછને કઇ રીતે પતાવી દેવો તે અંગે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવું છું.’

રીંછે કહ્યું, ‘સસલાની શી મજાલ કે તે રીંછને પતાવી દઇ શકે?’ ‘વિશ્વાસ ન બેસતો હોય તો આવો મારા દરમાં.’ સસલાએ આમંત્રણ આપ્યું. બંને અંદર ગયા. અંદર એક ડાલામથ્થો સિંહ પંજા ચાટતો બેઠો હતો....!!

કથાબોધ : તમારી તાકાત કેટલી છે તે મહત્વનું નથી. ધંધામાં પાર્ટનર કોણ છે તે મહત્વનું છે....!!