હિંડોળ-મીનાક્ષી ચંદારાણા
શરૂઆતમાં તો અમે અડધાં-અડધાં થઈ જતાં એમના બે મીઠા બોલ સાંભળવા!
અમારા દાદાએ શરણાયું વગડાવી, ત્યારે અમારી ઉમર કંઈ સાવ ઓછીયે નહીં, ને એવી કાચીયે નહીં! પૂરાં સોળ વરસનાં હતાં અમે! સોળે શણગાર કરીને નીકળીએ, તો દેવતાય જોવા ઊભા રહી જાય, એવાં! અમારા વેવિશાળ પછી અમારા કામણગારાં કાકીએ પાણીડાની મશે અમને અમારા જીવણના દરશનનું સુખ ગોઠવી આપેલું, તે દા’ડે રોમે-રોમે દીવા ઝગ્યા’તા, ઠાલી હેલ છલકાણી’તી, અને અમે છોળમાં પગથી માથા લગીન ભીંજાયા’તા!
પછી તો એય ‘ને શરણાયુંના શોરની શાખે અમે આ ઘરમાં પગરણ કર્યાં. સહિયરુંએ અમને કંઈ કેટલાંયે નખરાં ‘ને જબરા-જબરા ઇશારા શિખડાવેલા! પણ ઈ કાંય આંયા કામ નો આયવું. એક તો ઈ અમારા કરતાં દસકો મોટા, ‘ને પાછું અમારું બહોળું કુટુંબ!
પેલાં-પેલાં તો એમના કડપની ધાકેય ભારે હતી અમારા ઉપર! પણ ધીરે-ધીરે એમના વહાલના મોજાંની મીઠી થપાટો ખમતાં થયાં, અને અમને ખબર પડી ગઈ, કે એમનો કડપ તો ઓલા નાળિયેરવાળો જ છે! પણ હા, અત્તારની ઘડીએય અમારા ઈ આમ તો ઓછાબોલા જ!
માતાજીની કૃપા, તે લગનને વરસ થીયું-નો થીયું, ને અમારા પેટે કલૈયાકુંવરે જનમ લીધો. પછી બે વાર માતાજી, અને વળી એક કુંવર… બધાં સવ્વાસુરિયાં. દાદા-દાદી, કાકા-કાકી, ફોઈના માંડવામાં છોકરાંવ ક્યારે મોટાં થઈ ગ્યા, ઈ ખબરેય નો પડી. હા, ખબર પડી પછી…!
દીકરાવને અને દીકરીયુંને સારું ભણાવવાનું એમના મનમાં ઊગ્યું, અને અમે આ શહેરમાં આવી વસ્યાં. ત્યારે આંયાની તો જીંદગી જ નોખી હતી. પહેલ-વહેલાં તો ભારે અણોહરું લાગ્યું. મહેલ જેવડી હવેલીની જગ્યાએ બે રૂમ-રાંધણિયાનું નાનું મકાન; નહીં ઢોર-ઢાંખર, નહીં ખેતી! ઈન, મીન ને તીન! ને વળી ખાસ મહેમાનેય નહીં! ફળીમાં નળ; બે ટાણાં રાંધવું-ખાવું, સૂઈ જાવું! ભારે કથોરું લાગતું અમને! પણ પછી બે-ત્રણ વરસમાં એમાંયે ટેવાઈ ગ્યા અમે, અને અમને ગોઠીયે ગ્યું આંયાં!
દીકરા-દીકરીયું મહેનત કરીને ખાંતેથી ભણતાં રહ્યાં, અમે અમારું કામ કરતાં રહ્યાં, અને અમારા એ અમારા માટે કમાતા રહ્યા. બહુ મહેનત કરી એમણે અમારા બધાંય સારું!
ઘણી વખત તો એ કમાવા ગયા હોય અને આપણે બપોરના લાંબો વાંસો કરીને સુખેથી પલંગમાં પડ્યાં હોઈએ, ત્યારે એમના પર બહુ વ્હાલ આવે! પછી એ ઘરે આવે ત્યારે આપણે તરસી જઈએ એમને બે મીઠાં વેણ કહેવા, ને બે મીઠાં વેણ સાંભળવા. છોકરાંવનેય બહાર કંઈક કામ ચીંધીને આઘાપાછા કરી દઈએ!
પણ અડધી રાતના અડધા ચાંદાની શાખે અમારા અંતરની અભિલાષા અધૂરી જ રહે! અને હા, તોય એમનાં વ્હાલના મોજાની થપાટું ઝીલી-ઝીલીને જ અમે આ રાતાં-માતાં થ્યાં, એનીયે કંઈ ના કહેવાશે? પણ ખરું કહીએ, તો અમારા એ છે જ ઓછાબોલા! ચાર શબ્દોથી ચાલતું હોય, તો પાંચમો શબ્દ નહીં બોલે!
સમયને જાતાં કંઈ વાર લાગે છે? એમાંય જ્યારે નવાં-નવાં સુખ રોજેરોજ તમારી હવેલીના આગળા ખખડાવતાં હોય ત્યારે!
બેનડીયુંનેય થાતી હશે, ને નણદીનેય થાતી હશે; જેઠાણીનેય થાતી હશે, ને ભોજાયુંનેય થાતી હશે; અદેખાઈ તો કરતાં જ હશે હંધાય! હજી તો ઉંમરના ચાર દાયકા ‘ને લગનના બે દાયકા થ્યા હશે, ત્યાં આ શહેરમાં અમારો મોટો બંગલો બંધાઈ ગ્યો છે. આગળ જગ્યા છે. એમાં ગુલાબ ને કરેણની હારે આંબાયે ઝૂલતા થ્યા છે. પાછળ ચીકુડી, જામફળી, સીતાફળી, બદામડી…
ચાર બેડરૂમનો ડૂપ્લેક્સ બંગલો, અને ફ્રીઝ-ટીવી-એસી-વોશિંગમશીન-ઘરઘંટી… બધું વસાવાઈ ગ્યું છે. ઠંડી હવા માગો તો ઠંડી હવા, અને ઠંડું પાણી માગો તો ઠંડું પાણી… નકરી ટાઢક-ટાઢક-ટાઢક…
મોટા દીકરા અમારા ઇન્જિનિયર થઈ ગ્યા, તે મુંબઈમાં મોટી નોકરીયે મળી છે. બેય દીકરીયુંને કોમ્પ્યૂટરનું ભણવા અમદાવાદ મૂક્યાં છે. નાના દીકરા દાકતરીનું ભણે છે. તે આખો દી’ હોય ભણવામાં! અમારે તો સવારમાં ઊઠીને એમને ખાલી ટિફિન બનાવી આપવાનું! ‘ને નાનાં-મોટાં કામ કરીયે. પાછું કામવાળુંયે રાખ્યું છે એક! તે એક વાગે, ત્યાં તો પરવારી જઈએ અમે. બપોરે આરામ કરીને થોડું ટીવી જોઈ, ‘ને પછી ઝૂલીએ અમારા ઝૂલે! પોર્ચમાં એયને મજાનો પિત્તળના સળિયાવાળો સાગનો હીંડોળો છે. ‘ને વળી પોર્ચની ફરતે જાળીયે ખરી! તે અમે તો જાળીને તાળું દઈ રાખીએ. અને બપોરે બેસીએ હીંચકે! શાકભાજી સાફ કરતાં જઈએ. ‘ને બે માણસ જોઈએ તો મન જરા છૂટું થાય. આમ તો અમારા કુટુંબમાં લાજ-મરજાદ બહુ! સાસરિયાં-કે પિયરિયાં, ગમે ઈ વડીલ ઘરમાં હોય, તો બૈરાંની જાત આમ હીંચકે બેસે નહીં. પણ આ તો અમે શહેરમાં આવી ગ્યા, ‘ને એકલાં રહીએ, એટલે…
કહેવાય સોસાયટી, પણ હજુ ક્યાં સોસાયટી થઈ છે! થોડાક પ્લોટ પ્લિન્થ સુધી ચણેલા છે, ‘ને થોડાક તો સાવ ખાલી જ છે. મજૂરોની ને ખટારાની અવર-જવર દેખાયા કરે. પણ અમારે શાંતિ છે. લાગે છે કે થોડા વખતમાં અમારે તો પડોશ મળી જશે. અમારા ઘરથી થોડેક જ દૂર સામે પણ એક બંગલો ચણાઈ રહ્યો છે. લગભગ પૂરો ચણાઈ ગ્યો હોય એમ લાગે છે. બે જણ કાયમ અવરજવર કરે છે. બાપ-દીકરો હશે! છોકરો પચ્ચીશેકનો લાગે છે, અને બાપ પચાસેકનો હશે! ગાડીમાં અવરજવર કરે છે, ‘ને સામાન મૂકી જતા હશે એવું લાગે છે.
લબરમૂછિયો દીકરો મજાનો છે. અમારા મોટા દીકરા શ્યામ જેવો જ દેખાય છે. બાપ પણ ઊંચો, ‘ને નાક-નકશે સલૂણો દેખાય છે. શ્યામના બાપુ જ જોઈ લ્યો! મોઢા ઉપરની કરડાકીને બાદ કરતાં અદ્દલ…
રોજની જેમ ગઈકાલે શાક-પાન લઈને અમે ઘડીક હીંચકે બેઠાં’તાં, એમાં ઘડીક ઝોકું આવી ગયું. કોઈ જાળી ખખડાવે છે એવો ખ્યાલ આવતાં નીંદર તૂટી. જોઉં છું તો એ જ, સામેવાળા પાડોશી!
‘જરા પાણી પાશો…?’ કહેતાં એ હસ્યા. અમે જરા મૂંઝાયાં. ઘરમાં અમે એકલાં… ને તોયે મોઢે તો ‘હા, એમાં શું! આપું છુંને…’ કહેતાં અમે પાણી લેવા ગયાં. ત્યારે વિચાર આવ્યો, કે જાળીમાંથી પાણી આપી દઈએ, તો કેવું ખરાબ લાગે ? મૂંઝાવાનું નો હોય. જાળી ખોલીને પાણી આપી દેવાનું હોય… ને વળી ઘરમાં બોલાવીએ તોયે શું ? અમે પાણી લઈને ન ગયાં. જાળીની ચાવી લઈને ગયા. ખોલી નાખી જાળી. આવકાર આપ્યો, ‘આવો, આવો…’. એ સહેજ ખમચાયા, મૂંઝાયા. પણ અમે ‘અરે આવોને! બેસો અંદર…’ કહેતાં પાણી લેવા ગયાં. પાણીનો પ્યાલો લઈને અમે પાછાં વળ્યાં, ત્યારે એ અમારું દીવાનખાનું જોઈ રહ્યા હતા. દીવાનખાનામાં તમે આવો, એટલે સામે તરત જ તમારી નજર જાય ઢાલ અને તલવાર પર. બાજુની દીવાલ પર સાબરનાં અને હરણનાં મોઢાં… વચ્ચે વાઘનું ચામડું એના મોં સહિત શોભે છે. એક બાજુની દીવાલ પર મારા સાસુ-સસરાના, મોટા માણસ જેવડા ફોટા… સામેની દીવાલ પર એક છેડેથી બીજા છેડા સુધીનું માછલીઘર.
અમને ઘણીવાર લાગે, કે ગમે એવું મોટું, પણ માછલીઘર ઈ કેદખાનું જ! પણ અમારા ઈ હસીને કહી દે, કે કેદખાનુંય જો મોટું હોય, તો જીવન નીકળી જાય!
ઠીક મારા ભઈ. પણ હું પાણીનો પ્યાલો લઈને આવી ત્યારે અમારા એ પડોશી અમારા મોટા સોફા પર બેઠા-બેઠા અમારી સજાવટ જોવાને બદલે ટીપાય સામે તાકી રહ્યા.
‘કોણે ભરત કર્યું છે!? ખૂબ સરસ લાગે છેને કંઈ! ટીપાય પરના રૂમાલને જોતાં એ બોલ્યા, હસીને. આંખમાં આંખ મેળવીને હસ્યા.
આમ તો ક્યારેય આવ્યો નથી આવો વિચાર, પણ આ વખતે અમારાથી મનમાં ‘ને મનમાં અમારા આ પડોશીની અમારા એમની સાથે સરખામણી થઈ ગઈ. અમારા ઈ કોઈ દી’ અમને આ રીતે વખાણે નહીં! હા, અમારી માટે વૈતરાં કરે, ખાંતે કમાઈને લાવે. વ્હાલેય ખરું! પણ બે મીઠાં શબ્દ!? રામ-રામ કરો…
રસોડાના દ્વારથી સોફા લગી પહોંચતાં અમને જાણે વરસો લાગે ગયાં! આટલા સમયમાં શું વીત્યું અમારા પર, એ તો માતાજી જાણે, પણ દીવાનખાનાની આખીયે સજાવટનો એક ખાલી ખૂણો અમારી આંખમાં ખટકવા લાગ્યો. ત્યાં એક સાપ લટકાડ્યો હોય તો?
છેવટે પાણી લઈને અમે એમના સુધી પહોંચ્યાં. એ ધીરેથી હસ્યા. બરાબર સામે જોઈને હસ્યા. અમે પ્યાલો ધર્યો… એમણે પ્યાલો પકડવા કર્યું કે શું કર્યું, કંઈ સરતેય નથી રહી અમને… પણ અમારી છાતી હાંફી ગઈ. દેખાઈ આવે એવી રીતે હાંફી ગઈ.
ક્ષણો આટલી લાંબી હોતી હશે એની તો આટલાં વરસોમાં ખબર નહોતી પડી. આજે એક ક્ષણમાં અમે કેટલી જુદી-જુદી વાતો જોતાં-નીરખતાં અને શીખતાં હતાં. માથું ધમધમતું હતું. અને અમારું અચાનક ધ્યાન ગયું કે એમને પ્યાલો ધરતા અમારા હાથની આંગળીઓ અતિશય ગોરી હતી. વળી એય ખબર પડી, કે અમારી ઝીણી બાંધણીનો અને અમારી નેઇલપોલિશના રાતાચટ્ટક રંગનો અમારા હૈયાના અરમાનો જોડે અદ્દલ મેળ ખાતો હતો.
‘અરે!’ અમે બોલી ઊઠ્યાં. ‘પાણી તો માટલામાંથી લાવી છું… ફ્રીઝમાંથી લઈ આવું… ઠંડું…’
‘અરે હોય કાંઈ! હૂંફાળું તે હૂંફાળું…’ બોલતાં-બોલતાં સ્મિત સાથે એમણે પ્યાલા તરફ હાથ લંબાવ્યો.
અમારી ગૌર આંગળીઓમાંથી સરકીને એમની શ્યામલ આંગળીઓ સુધી પ્યાલો પહોંચે તે પહેલાં ખુલ્લી બારીમાંથી અમને સામે કામ કરતાં મજૂરો દેખાયા. એક હાથમાં પ્યાલો હતો, બીજા હાથે અમે જરી માથે ઓઢી લીધું. પાલવથી પાછો રુદિયો ઢાંકી દીધો. એમણે પ્યાલો લીધો. પાણી પીધું, અને પોર્ચ તરફ ડગ ભર્યાં. દીવાનખાના અને ઓસરી વચ્ચે હવે તો કાંઈ ઉંબર હોતા નથી, પણ અમારા પગ જાણે સીસુંભર્યા ભારે થઈ ગયા હતા.
એ પોર્ચમાંથી બહાર સરકી ગયા. પાછળ જઈને અમે પોર્ચની જાળી બંધ કરી તાળું લગાવ્યું.
હિંડોળે ઝૂલવાનું મન નહોતું અત્યારે. અમે બેડરૂમમાં પહોંચ્યાં. ઓશિકાને હૈયા સરસું ચાંપીને પડ્યાં રહ્યાં.
*