Thank you Neha books and stories free download online pdf in Gujarati

Thank you Neha

મીનાક્ષી ચંદારાણા

એ-૨૨૮, સૌરભ પાર્ક, સુભાનપુરા, વડોદરા-૩૯૦૦૨૩

૯૯૯૮૦૦૩૧૨૮  ૦૨૬૫-૨૩૮૯૦૦૧

chandaranas@gmail.com

  • પ્રકાશિત પુસ્‍તકોઃ
  • હેઈ! હેઈ! (બાળ કાવ્યસંગ્રહ -૨૦૦૭),
  • ‘વારતા રે વારતા' (બાળ વાર્તાસંગ્રહ-૨૦૦૯)
  • ‘રંગબેરંગી’ (બાળ કાવ્યસંગ્રહ-૨૦૧૦)
  • અહીંથી ગયા એ રણ તરફ (પ્રખર પ્રતિબદ્ધ પત્રકાર શિવકુમાર આચાર્યના પરિચીતોનો સ્મૃતિ-સંચય, અશ્વિન ચંદારાણા સાથે સંયુક્ત સંપાદન)
  • પ્રકાશનાધિન પુસ્તકોઃ
  • ‘સાંજને સુને ખુણે’ (ગઝલ સંગ્રહ)
  • ‘ધુમ્મસનો જવાબ’ (વાર્તા સંગ્રહ)
  • પ્રકાશનાધિન સંપાદનોઃ
  • રિફ્લેક્શન્સ (ફોરમ ચંદારાણા દ્વારા ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુદિત શ્રી ડાહ્યાભાઈ પટેલ ‘દિનેશ’ની ગઝલોનો અનુવાદ સંગ્રહ)
  • અખંડઆનંદ, કુમાર, ઉદ્દેશ, શબ્દસૃષ્ટિ, નવનીત-સમર્પણ, પરબ, બુદ્ધિપ્રકાશ, શબ્દસર, કવિ, કવિતા, કવિલોક, શહિદેગઝલ, ગઝલવિશ્વ, ધબક, વિ-વિદ્યાનગર, ભાવિક પરિષદ, કેકારવ, સુવાસ, ચિનગારી, તમન્ના, સાધના, સ્ત્રી, દિવ્ય ભાસ્કર, સંદેશ, લોકસત્તા, ચાંદની, સરવાણી, અહા જિંદગી, ફૂલછાબ, ગુજરાત જેવાં પ્રકાશનોમાં ગઝલ, ટૂંકીવાર્તા, લેખ, વ્યંગ, આસ્વાદ, વગેરે પ્રકાશિત.
  • શ્રી મધુભાઈ કોઠારી સંપાદિત ‘દિકરી વરસતી વાદળી-૨૦૦૭’
  • શ્રી મધુકાંત જોષી સંપાદિત બાળ વર્ષાકાવ્યો ‘આવ મેહુલિયા આવ-૨૦૦૭’
  • શ્રી પંકજ શાહ સંપાદિત ‘ગઝલ ગરિમા-૨૦૦૭, ૨૦૦૮’
  • શ્રી નટવર પટેલ સંપાદિત ‘શ્રેષ્ઠ બાળ કાવ્યો – ૨૦૦૭, ૨૦૦૮, ૨૦૦૯’
  • શ્રી નટવર પટેલ સંપાદિત ‘શ્રેષ્ઠ બાળ વાર્તાઓ – ૨૦૦૭, ૨૦૦૮’
  • શ્રી રોહીત શાહ સંપાદિત ‘યશગાથા ગુજરાતની-કાવ્ય સંગ્રહ – ૨૦૦૮’
  • શ્રી રોહીત શાહ સંપાદિત ‘વાર્તા ઉત્સવ-૨૦૦૯’
  • શ્રી હરીશ વટાવવાળા સંપાદિત ‘ધ્વનિ અને પ્રતિધ્વનિ - ૨૦૦૮’
  • શ્રી રાજેશ વ્યાસ અને રઘુવીર ચૌધરી સંપાદિત ‘કાવ્યાંજલિ-ગુજરાત ગૌરવગાન ૨૦૦૯-૧૦’
  • વગેરે સંપાદનોમાં સ્થાન

  • સ્ત્રીઆર્થ - ૨૧ સ્ત્રી લેખીકાઓના વાર્તા સંગ્રહમાં ટૂંકીવાર્તા ‘નવલા યુગે’ - ૨૦૧૫

  • પારિતોષિકોઃ
  • સ્ત્રી સામયિક આયોજિત ટુંકીવાર્તા સ્પર્ધા-૨૦૦૬નું તૃતિય પારિતોષિક ટૂંકીવાર્તા ‘જીવતર' માટે
  • ગિરાગુર્જરી-૨૦૦૬નું દ્વિતીય પારિતોષિક પ્રકાશ્ય વાર્તાસંગ્રહ ‘શમણાંની આરપાર' માટે.
  • ‘અસ્મિતા' આયોજિત નારી વિષયક કાવ્યસ્પર્ધા-૨૦૦૭નું પ્રથમ પારિતોષિક અછાંદસ કાવ્ય ‘મહાનગર' માટે.
  • પ્રગતિ મિત્ર મંડળ અને ગુજરાતી સાહિત્ય પરિષદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ વાર્તા સ્પર્ધા-૨૦૦૭નું દ્વિતીય પારિતોષિક ‘ધુમ્મસનો જવાબ' માટે.
  • ‘ગઝલ વિશ્વ' સપ્ટેંબર-ડિસૅમ્બર ૨૦૦૮ અંકની શ્રેષ્ઠ ગઝલનું પારિતોષિક ‘લંગડી રમતા રહ્યા' ગઝલ માટે.
  • ગુજરાત સાહિત્ય અકાદમીનું વર્ષ ૨૦૦૭નું બાલ સાહિત્યનું ત્રીજું પારિતોષિક બાળકાવ્ય સંગ્રહ 'હેઈ હેઈ' માટે
  • ગુજરાત સાહિત્ય અકાદમીનું વર્ષ ૨૦૦૮નું બાલ સાહિત્યનું ત્રીજું પારિતોષિક બાળવાર્તા સંગ્રહ 'વારતા રે વારતા' માટે
  • શ્રી કેતન મુન્શી વાર્તા સ્પર્ધા ૨૦૦૯ નોંધપાત્ર ૨૦ વાર્તામાં સ્થાન
  • જન્મ તારીખઃ ૦૩.૦૯.૧૯૫૯
  • લગ્નઃ અશ્વિન ચંદારાણા સાથે ૧૯૮૬માં
  • પરિવારમાં બે પૂત્રીઓ છે.
  • ફોરમ ચંદારાણા: એમ.એ. અંગ્રેજી વિષય સાથે, એમ.એસ. યુનિવર્સિટિમાંથી ગોલ્ડમેડલ સાથે કરેલ છે.) હાલ અમદાવાદ ખાતે સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડ્મિનિસ્ટ્રેશન (SPIPA) સંસ્થામાં UPSCની તૈયારી કરે છે.
  • રેશમ ચંદારાણા: એમ.એસ. યુનિવર્સિટિમાં બી.કોમ. બીજા વર્ષ સાથે CAનો અભ્યાસ કરે છે.
  • થેંક્યુ નેહામીનાક્ષી ચંદારાણા

    નામ સંજય.

    નાતે કણબી.

    અટક? શાહ કહી શકો, શ્રોફ કહી શકો, દલાલ પણ કહી શકો.

    હવે તમે કહેશો કે કણબીમાં થોડી હોય આવી બધી અટકો? પણ તમે કહો એથી કરીને હું કણબી છું એ થોડો મટી જવાનો! ખેડવાનો મારો ધંધો. પણ હું ખેડું છું પૈસો! શાહ થઈને ખેડું, ક્યારેક શ્રોફ થઈને ખેડું. ફાયદો હોય તો શેરદલાલ થઈને પણ ખેડું! સામેવાળા મારા પડોશી સુકેતુની જેમ રાત પડે ચેસ બોર્ડ લઈને બેસવામાં મને કોઈ રસ નથી. આ તે ઉમર છે રમત રમવાની! જેમ નાનપણમાં ઘર-ઘર રમતા હોઈએ અને મોટા થઈને ઘર માંડીએ, એમ નાનપણમાં આપણી કિસ્મતનાં પ્યાદાં-ઊટ-ઘોડા-વજીરને ઓળખી લેવાનાં હોય અને મોટા થઈને પછી સમયને મ્હાત આપીને આપણે આપણી ક્ષિતિજો સર કરવાની હોય!

    આ બધી ફિલસૂફી કહો તો ફિલસૂફી અને ડહાપણ કહો તો ડહાપણ, પણ એના જોરે હું એક ઓફિસબોયમાંથી એક ઉદ્યોગપતિ બનવા સુધીના ચઢાણો ચડ્યો છું. સુકેતુના ફ્લૅટની સામેનો ફ્લૅટ અમે લીધો ત્યારે હું એક ઘણો નાનો વેપારી હતો. એ ફ્લૅટમાં અમે પાંચ વર્ષ રહ્યા. પાંચ વર્ષમાં મારું એક મોટું કહી શકાય એવું મકાન બની ગયું. ઘરે ફોર-વ્હીલર આવી ગયું. પત્નીનાં અંગે પ્લૅટિનમનાં બે-ચાર ઘરેણાં પણ શોભતાં થયાં. અને સુકેતુભાઈ ત્યારે પણ ચેસની બાજી બિછાવીને ચેસબોર્ડ પરનાં હાથી-ઘોડા અને વજીરથી હરખાતા અને મૂંઝાતા રહ્યા.

    જો કે એક વાત કબુલવી પડશે, કે જેમ હું સુકેતુથી કોઈ દિવસ પ્રભાવિત નથી થયો, એમ નવાઈની વાત એ છે કે મારે ઘરે દિવસે-દિવસે આંખ સમક્ષ દેખાય એમ સમૃદ્ધિ વધતી હોવા છતાં સુકેતુ મારાથી કોઈ દિવસ પ્રભાવિત થયો હોય એવું મને લાગ્યું નથી. અને એટલે જ તો એ યાદ રહી ગયો છેને! બાકી એક મધ્યમવર્ગિયના ફ્લેટની આસપાસ તો બીજા કેટલાયે મધ્યમવર્ગિય ફ્લૅટ હોય. સિતારો ચડતો જુએ ત્યાં બિચારા મસ્કાપાલિશ કરીને પણ સંબંધ વધારવા આતુર. રસની ગંધ આવી નથી ને મધમાખીઓ દોડી નથી! જો કે આમ કહીને મારો આશય મારા બીજા જુના પડોશીઓને નીચા દેખાડવાનો હરગિજ નથી. કેમ કે એમની જગ્યાએ હું હોઉં તો હું પણ એમ જ કરું!

    પણ આ સુકેતુ જ્યારે પણ મારા માનસપટ સમક્ષ આવે ત્યારે કોયડો બનીને જ ઊભો રહે! મને મળેલા માણસોમાં આ એક એવો માણસ કે જેના વિશે મારા મગજમાં કંઈ ફિટ બેસતું નથી. આ વિશાળ બંગલાના હિંચકે બેઠો-બેઠો એકલો ઝૂલતો હોઉં ત્યારે સામેના ફ્લેટમાં ચેસ બોર્ડ પર સુકેતુ દેખાય. એકધારી જિંદગી. સંપીલું, અભાવોમાં પણ રાજી રહેતું નાનું ફૅમિલિ. શિક્ષકની નોકરી. સાંજે ચા-પાણી પી, ‘ને કુટુંબ સાથે બેસવું એટલે સુખ! પત્ની પણ એકસરખા સિન્થેટિક સાડલાઓથી રાજી. એનાં છોકરાંઓએ પણ જાણે સહર્ષ સ્વીકારી જ લીધું હોય કે આપણાંથી મેડિકલ-એન્જિનિયરિંગમાં ન જવાય, નંબર ભલેને પહેલો આવતો હોય!

    શરૂઆતમાં એમની આવી એકધારી જિંદગી જોઈને મને દયા આવતી. પણ દયા ડાકણને ખાય! બે-ચાર વખત સુકેતુ સાથે હું જરા ચેસ રમવા બેઠો ત્યા એ ભાઈ તો મને ‘ચેક’ આપવા મંડ્યા! ઘરે જઈને મેં મારે પત્ની સુમનને કહ્યું પણ ખરું કે આઠ-બાય-આઠના બોર્ડ પર હાથી-ઘોડા ને ઊંટનાં રમકડાં ફેરવવાં એ જુદી વાત, અને જિંદગીમાં જીતવું એ જુદી વાત. સુમન ત્યારે કહેતી, “એની રીતે તો એ સુખી જ છેને! એ લોકોને એવી પડી છે જરાયે!”

    મેં તુચ્છકારથી કહેલું, “શું ખાક સુખી છે?”

    “કોઈની સામે ફરિયાદ કરતાં સાંભળ્યા બેમાંથી એકેયને?” સુમને હસીને વાત પૂરી કરેલી.

    એના મનમાં શું હશે એ ખબર નહીં. એ તો એવું, કે ભોગવવા ટાણે બધાં તૈયાર, અને પાછું બોલવાનું આવું! સુમનની ઉપેક્ષાને પી જઈને હું તો મારા કામમાં લાગી ગયેલો. પણ એ પછી તો ઘણી વખત મને ઉંઘમાંયે એવું દેખાવા માંડ્યું કે જાણે સુમન ને સુકેતુ ભેગાં મળીને મારી ઠેકડી ઉડાડતાં હોય! શું સુકેતુની સંતોષીવૃત્તિ એને સદા સુખી રાખતી હશે? એની પત્નીને સદા-સુહાગણનું સુખ આપતી હશે?

    હવે... આમ જુઓ તો આ બધી જુની વાતો. અમે તો હવે ત્યાં રહેતા પણ નથી. સુકેતુ ત્યાં જ રહે છે. એ જ ફ્લૅટમાં. બે-પાંચ વરસે રંગરોગાન કરાવ્યા કરે છે. કોક બેસતા વરસે આખું ફૅમિલિ આવી ચડે છે. નાસ્તા-પાણી લઈને વિદાય લે છે. હવે એવા એ સુકેતુની પંચાત મારે કરવીયે ન જોઈએ, અને… મને શોભેય નહીં! આતો… થોડા દિવસ પહેલાં નેહાને ત્યાં જમવા ગયો ત્યારે પાછું આખું રીલ ફરી ગયું. બાકી અત્યારે તો મારી પત્ની અને સંતાનો ક્યારના પહોંચી ગયા છે અમેરિકા. હું શ્રીલંકા, મલેશિયા, ઈન્ડોનેશિયા ને એવા બધા એશિયા અને ઑસ્ટ્રેલિયા અને અમેરિકા વચ્ચે ઊડ્યા કરું છું.

    નેટિવમાં પગ રાખવા ખાતર એક ઑફિસ રાખી છે. દસેક જણનો સ્ટાફ પોષાઈ રહ્યો છે એમાં, અને મારું કામ થાય છે.

    નેહા અમારે ત્યાં બે-એક વર્ષથી આવી છે. મારી દીકરીની ઉમરની, અને મારી દીકરી જેવી જ ચાલાક-ચબરાક-ચંચળ એટલે એનાંમાં મારું ધ્યાન રહે છે. વચ્ચે એક દિવસ બીજા સ્ટાફ મેમ્બર્સ પાસે રડતી હતી ત્યારે તપાસ કરતાં ખ્યાલ આવેલો કે એના પપ્પાને પેટમાં કંઈક ગાંઠ હતી અને ઓપરેશનમાં પાંત્રીસ-ચાલીસ હજારની જરૂર પડે એમ હતી, એ વખતે હું જાતે તેના ઘરે જઈને પચાસ હજાર આપી આવેલો, અને નેહાને પ્રમોશન આપી થોડી જવાબદારીઓ વધારવાને બહાને પગારમાં હજાર જેટલો વધારો કરી આપેલો. એ પછી નેહાના પપ્પા સરસ રીતે સાજા થઈ ગયા ત્યારે એમણે જમવાનું આમંત્રણ આપેલું. એ રાત્રે આઠેક વાગે હું એમના ઘેર પહોંચ્યો ત્યારે એમનું મધ્યમવર્ગીય મકાન કૃતજ્ઞતાભર્યા આવકારથી ચમકતું હતું.

    મહિનો એપ્રિલ હતો. વાતાવરણમાં ગરમી હતી અને વરસોથી એ.સી.માં રહેવાને કારણે હું લાંબો સમય ગરમીમાં બેસી શકતો ન હતો. ગરમીના વિચારોમાં હું જમ્યા વીના નીકળી જવા માટે મનમાં પ્લાન ગોઠવતો હતો, ત્યાં નેહાએ કહ્યું, “ચાલો, અગાસીમાં જમશું, બહુ મજા આવશે. બહાર સરસ પવન છે.”

    અગાસીમાં ગયાં. જમવા બેઠાં. જમવાનું એમના ગજા પ્રમાણેનું હોવા છતાં કાળજીથી બનાવેલું હોઈને અત્યંત સ્વાદિષ્ટ હતું. એમાં એમનો આગ્રહ ભળ્યો અને અગાસીનો કુદરતી પવન ભળ્યો. મારાથી બોલાઈ ગયું, “તમારે તો અહીં કુદરતી એ.સી. છેને કંઈ, વાહ!”

    પેલી ચબરાક નેહા તરત જ બોલી ઊઠી હતી, “કુદરતી એ.સી.? એવું કેવી રીતે કહી શકાય? સાહેબ તમે જ કહો, પહેલાં કુદરતે ઠંડક બનાવી કે માણસે પહેલાં એ.સી. બનાવ્યું? અમારે ઘેર કુદરતી એ.સી. છે એવું નથી સાહેબ, આપણી ઑફિસની ટાઢક કૃત્રિમ છે.”

    વાતને ત્યારે તો હસવામાં કાઢી નાખી, પણ મને એ રાતે ઊંઘ ન આવી. હુંયે સમજું છું, કે નેહા મારી એમ્પ્લૉઇ છે એટલે એ કાંઈ એમ તો ન જ કહે કે સાહેબ તમારા ઘરની શિતળતા કૃત્રિમ છે! એમાં પાછા આ સુકેતુના વિચારો ભળ્યા. અમે અમેરિકા પહોંચી ગયા હતા અને સુકેતુ અહીંયા રહેતો હતો, એટલે શું સુકેતુ દુઃખી અને અમે સુખી?

    મારા પૌત્રનું એક્સીડન્ટમાં અવસાન થયું, ત્યારે મારી સંપત્તિ એને ક્યાં બચાવી શકી હતી? ને તોયે સુકેતુ દુઃખી અને હું સુખી?

    નાના-મોટા ખટરાગ તો અમારા ઘરમાંયે ચાલે છે, સુકેતુના ઘરમાંયે ચાલતા હશે. પણ એના ચહેરા પરના સંતોષનું શું? અત્યારે ઘરનાં બધાં અમેરિકા છે, હું એકલો અહીંયા છું. મોટો બંગલો, મોટું કંપાઉન્ડ, મોટા રૂમ, મોટો બાગ અને નોકર-ચાકર... આ બધું મળીને મને જાણે એકલો પાડવા મથતાં હોય એવી વિચિત્ર લાગણી કેમ થયા કરે છે?

    ભલે આખી રાત ઊંઘ ન આવી, પણ હવે આ નક્કી કર્યું. આવતીકાલથી અઠવાડિયાની છુટ્ટી. પહોંચી જાઉં ક્યાંક હિલ-સ્ટેશન પર. રહું એક મધ્યમવર્ગીય સામાન્ય માણસની જેમ. ચાખી લઉં એમનાં સુખો પણ…!

    *

    અઠવાડિયું થવા આવ્યું મનાલીમાં આવ્યે. મધ્યમવર્ગીયની જેમ નક્કી કર્યાં પછી એટલી છુટ રાખેલી કે દિલ્હી સુધી ફ્લાઈટમાં પહોંચવું. દિલ્હીથી ચંદીગઢ અને ચંદીગઢથી મનાલી બસમાં. બસમાં બેઠો ત્યાં કોઈ જાણીતું બસમાં બેઠુ હોય એવો અહેસાસ થયો. કંપની મળી જશે એ હાશકારા સાથે એ જાણીતાને ઓળખવા મથતી આંખો બસમાં ફરી વળી, પણ કોઈ જણાયું નહી! એક-એક ચહેરા પર ફરી વળવા છતાં કોઈ જાણીતું દેખાયું નહીં, તો પછી એ અહેસાસ...

    ઘણા વર્ષો પછી આવી નિરાંત લઈને નિકળ્યો હતો. નક્કી કર્યું હતું કે આંખ, કાન અને હૃદય ખુલ્લાં રાખીશ; મગજ બંધ. આ મગજ બંધ રાખવાની ખૂબ મજા પડી.

    પ્રવાસ તો મેં ક્યાં ઓછા કર્યા છે. ફૅમિલિ સાથે ખૂબ ફર્યા છીએ. સ્વિટ્ઝરલૅન્ડ જેવું સ્વિટ્ઝરલૅન્ડ જોઈ નાખ્યું છે! પણ હવે ખ્યાલ આવે છે, કે અમે ખરેખર જોઈ નાખ્યું જ છે, નિહાળ્યું નથી!

    આ પહેલીવાર હું નદીના ધવલ જળને આંખોથી પી રહ્યો છું. ગાતાં ઝરણાં, ઘોષ કરતા ધોધ, આકાશને અડીને પૈસાદાર થવા માગતાં શિખરો, કંપનીના ચેરમેન જેવું ગરિમાભર્યું આકાશ, વ્હાઈટ કોલર જોબ જેવો સફેદ બરફ! આ બધું હું પહેલીવાર નિહાળી રહ્યો છું. કેડી પરથી ઊતરતાં ઘેટાં અને એની પાછળ દોડતી હિરોઇનો તો ફિલ્મોમાં બહુ જોઈ, પણ પહાડી કન્યાનું સૌંદર્ય આ પહેલીવાર મનમાં વસ્યુ!

    બુકિંગ વગર આવ્યો'તો એટલે થોડું અડવું તો લાગ્યું. પણ મધ્યમવર્ગીય હોટલ શોધીને પહોંચી ગયો રૂમ બૂક કરાવવા. મેળ પડ્યો નહીં, પણ પૂછતાં-પૂછતાં એક જગ્યાએ રૂમ મળી. ભાડું અઢીસો રૂપિયા. તેની જોડે કચકચ કરીને સવા બસ્સો કરાવવામાં બહુ રમુજ પડી. પણ રૂમમાં પ્રવેશતાં જ રમુજ એક તરફ રહી ગઈ.

    રૂમ મને ખાસ જચી નહીં. બહુ નાનકડી રૂમ. ગેલેરી ખરી, પણ ગેલેરીમાં ઊભા રહો, ‘ને રોહતાંગના શિખરો દેખાય એ પહેલાં તો માળા જેવાં મકાનો આંખમાં વાગે. મને વિચાર આવ્યો કે ગેલેરીમાં ઊંચું ટેબલ રાખ્યું હોય તો કદાચ હિમશિખરો દેખાય! પછી મેનેજર સાથે વાત કરીને પાંચમે માળે અગાસીમાં જવાની પરમિશન લીધી, મજા આવી!

    આ બધી લમણાફોડ કરવા સમયે પણ પેલો કોઈ જાણીતી વ્યક્તિ સાથે હોવાનો અહેસાસ સતત સાથે રહેતો હતો. બધી જ હોટેલોમાં કોઈ ને કોઈ જાણીતું હોય જ એવું બને તો નહીં જ અને ધારી-ધારીને જોવા છતાં કોઈ જાણીતું દેખાતું ન હતું!

    બીજે દિવસે જરા શરદી જેવું લાગતું હતું. પહેલાં તો વિચાર્યું, કે કોઈ સારો ડૉક્ટર શોધું. પણ પછી કૉમનમૅનની જેમ પુછતો-પુછતો સરકારી દવાખાને પહોંચ્યો. મને હતું કે અનુભવ બહુ સારો નહીં રહે. પણ પડશે એવા દેવાશે, એવું વિચારીને કેસ કઢાવ્યો. તો ઊલટું એ લોકો તો કોઈ ટુરિસ્ટને તકલીફ છે એમ જાણી વધારે કો-ઑપરેટ કરવા લાગ્યા. તરત જ ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટર કહે, “ગુજરાતી છો?” એમના લહેકા પરથી મને લાગ્યું કે એ પંજાબી હોવા જોઈએ.

    “હા. ગુજરાતી ઓળખાઈ જ જાય.” મેં કહ્યું

    ડૉક્ટર કહે, “હું તો ઓળખી જ જાઉં. પણ અહીંયા મારે મારા આ વ્યવસાયને કારણે બહુ ગુજરાતીઓને મળવાનું થતું નથી.”

    મેં તરત જ પકડ્યા, “તો પછી આટલું સરસ ગુજરાતી કઈ રીતે બોલો છો?”

    ડોક્ટરે ઊભા થઈને મારો હાથ પકડી લીધો. “હું બરોડામાં ભણ્યો છું.”

    “અરે!” મારાથી બોલાઈ ગયું. “બરોડામાં ભણ્યા પછી સારું કમાઈ શકાય એવી જગ્યાએ રહેવાને બદલે તમે અહીયા પડ્યા છો?”

    ડોક્ટરે મારો હાથ છોડી દીધો. “તમને સમય હોય તો દસેક મિનિટ બેસો. બે કેસ છે, હું પતાવી લઉં પછી આપણે વાત કરીએ...”

    દવાખાનાની પરસાળમાં દરદીઓ અને સ્ટાફની ભરમાર વચ્ચે મારી આંખો હજી પણ પેલા અહેસાસના માણસને પકડી પાડવા મથતી હતી. કોણ આવી રમત કરી રહ્યું હતું મારી સાથે! સમજાતું ન હતું…

    વીસેક મીનીટ પછી ડૉક્ટર ફ્રી થયા. અને તરત જ બહાર આવી મારી સામે હસીને બોલ્યા. “શું, તમે તો ધંધાના કામે આવ્યા હશો નહીં?”

    મેં કહ્યું, “અરે હોય! અહીં ધંધા કેવા? આ તો થોડા કુદરતી શ્વાસ કમાઈ લઈએ.”

    “બસ તો પછી. મારે તો અહીં બારે માસ ને શ્વાસેશ્વાસ, કુદરતની કમાણી છે. હું શા માટે ખોટ ખાઉં.”

    અચાનક બધા પડદાઓ હટી ગયા. પેલો જાણીતો માણસ અચાનક જાણે સામે આવીને ઊભો રહી ગયો હોય એમ મન તૃપ્ત થઈ ગયું. “ઓ... હો... એમ કહે ને ભાઈ સુકેતુ, કે તું જ સતત ચાલી રહ્યો છે મારી સાથે છેક દિલ્હીથી!”

    હું ઊભો થયો. ડૉક્ટરનો હાથ મારા બે હાથ વચ્ચે ઉષ્માથી દબાવી, મનમાં સલામ કરી નીકળી ગયો.

    *

    ચાલવાની બહુ મજા આવે છે. ખભે બગલથેલો. એકાદ બૉટલ પાણી, એકાદ વેફરનું પડીકું. બે પગ અને અલ્લાબેલી! અને છતાંયે સુકેતુ તો મારી ચારે કોર ચાલ્યો જ આવે છે... ચલાય એટલું ચાલ્યા કરું છું અને ન ચલાય તો પણ ચાલતો રહું છું. હિમાચલમાં એક સુખ છે. હાથ ઊંચો કરો એટલે બસ ઊભી રહે. સ્ટૉપ હોય તો પણ, ન હોય તો પણ! હું ખરો બિઝનેસમૅન હોઉં તો આનો ફાયદો કેમ ન ઊઠાવું?

    ચાલ્યા કરું છું. સૌંદર્યોને પીધા કરું છું. નિકોલસ રોરિકનું ચિત્રોનું મ્યુઝિયમ જોયું. ચિત્રોને પહેલી વાર ધ્યાનથી જોવાના રોમાંચનું સુખ જમા બાજુ નોંધ્યું. વિશિષ્ટ બાંધણીવાળા ‘નગર’ના મકાનોના ફોટોગ્રાફ લીધા. એક બાજુ ખીણ અને એક બાજુ પહાડ. વચ્ચે આપણે મસ્તરામ! આ બધી જ જગ્યાઓએ હું પહેલાં પણ ફરી ચૂક્યો છું, પણ મારમાર જતી ભાડાની ટેક્સીના બંધ કારની આરપાર આ સૌંદર્યનું એક ટીપું પણ હૃદયને સ્પર્શી શક્યું ન હતું. આ વખતની વાત જ જુદી હતી!

    મને યાદ આવ્યું કે વર્ષો પહેલાં અમે મનાલી આવ્યાં હતાં ત્યારે બાજપાઈજી રજાઓ ગાળવા મનાલી આવવાના હતા. ત્યારે અમે બધાં અંદર-અંદર વાતો કરતાં હતાં, કે એમને શી ખોટ છે, કે આનાથી કંઈક ચડિયાતા સ્પોટ છોડીને અહીંયાં રજા ગાળવા આવે છે? અને ત્યારે મેં જ કહેલું, કે કવિ ખરાને! કવિની દોટ મનાલી સુધી.

    એ પછી તો એય ખબર પડેલી કે અહીંના જ એક ગામ પરિણીમાં કવિએ એક મકાન રાખ્યું છે. ત્યારે થયેલું, કે આ કહેવાય કંઈક લાંબી બુધ્ધિની વાત. પણ પછી વળી ખબર પડેલી કે મકાન તો બહુ નાનું છે. દિવાનખાનામાં શેટી છે. ટાઈલ્સની જગ્યાએ સિમેન્ટ છે. ત્યારે જ હું ફરીથી બોલી ઊઠેલો, “કવિ ખરાને!”

    આજે પરિણી જઈને કવિ ત્યાં હોય તો તેમને મળવાની અને પગે લાગવાની ઈચ્છા હતી. પણ કવિ અહીં નથી એટલે આજે સોલાંગ જઈ આવું.

    મનાલીથી સોલાંગનો રસ્તો ઊંચા ચઢાણવાળો છે. ચાલતાં-ચાલતાં થોડીવારમાં ગળે શોષ પડે. હાંફ ચડવા મંડે. અડધેથી બંદા ચડી બેઠા બસમાં!

    અહીંયા પૅરાગ્લાઈડિંગની સગવડ છે. કેમ કે સોલાંગ જાણે નાની-નાની ટેકરીઓ વચ્ચેનો એક ટાપુ છે. પહાડી હવા છે. અને લોકો ખૂબ હોંશે-હોંશે એક ટેકરીથી બીજી ટેકરી વચ્ચેનું પૅરાગ્લાઈડિંગ માણી રહ્યા છે. પણ મારે શી જરૂર છે પૅરાગ્લાઈડિંગ કરવાની? વગર પૅરાશુટે, ને વગર હવાએ મારું મન આનંદમાં તરતું થયું છે. પેલા મારા ભાઈબંધ સુકેતુની માફક.

    એક ટેકરી પર હું ઊભો છું. મને લાગે છે કે મારી શ્વેત લાંબી દાઢી હવામાં ફરફરી રહી છે. મારો શ્વેત ડગલો અને શ્વેત લુંગી પણ હવામાં ફરફરી રહ્યા છે. ટેકરી પરથી મનાલી શહેર સુધીનો રસ્તો તુટક-તુટક દેખાઈ રહ્યો છે. બિયાસનો ધવલ પ્રવાહ અને રોહતાંગના હિમશિખરો... બધા જાણે મારી સાથે ગોઠડી માંડવા સ્પર્ધામાં ઊતર્યા છે એવાં જાત-જાતનાં ગુમાન મનમાં ઊગતાં અને શમતાં રહ્યાં. એક બાર-તેર વર્ષની છોકરી આવીને પૂછી રહી છે, “ચને ખાયેંગે?”. મેં હા કહી એટલે ‘બાપુ-બાપુ’ કે એવું જ કહીને દોડી અને ચણા વેચતા એના બાપને બોલાવી લાવી.

    મેં પૂછ્યું, “ગરમ હૈ?”

    “હા સાબ.”

    ચણા લીધા. એક ચણો મોમાં મૂક્યો. ઠંડો ગાર! ઠંડીમાં ઓર ઠંડી ચડી જાય એવો. સામાન્ય સંજોગોમાં હું છેતરાવાનું પસંદ ન કરું, પણ સામે પેલી છોકરી ઊભી હતી; વાળ ઓળ્યા વગરની, લઘરવઘર. ઠંડીમાં ચણા વેચવા શી ખબર ક્યાંથી આવી હશે! નજીકમાં તો અહીં ઝુંપડાં પણ દેખાતાં નથી. મેં પચાસની નોટ કાઢી. છોકરી જરા રંજ ભર્યું બોલી. “છુટ્ટા નહી હૈ સાબ.”

    શી ખબર કેમ, પણ બોલાઈ ગયું મારાથી, કે “રખ લો. સમજના કી મામાને દીયે થે.”

    છોકરી ઘડીક લોભવશ પચાસની નોટ સામે, ઘડીક શંકાથી મારી સામે અને ઘડીક મુંઝવણમાં એના બાપ સામે જોઈ રહી, અને પછી હાથમાંથી નોટ ખેંચીને ભાગી. મજા પડી!

    પાંચ વાગ્યા છે. મનાલી અહીંથી તેર કિલોમીટર. ચાલતા નીકળું તો રાત પડતાં પહેલાં પહોંચું કે નહીં તેનો વિચાર મનમાં ઘોળાઈ રહ્યો છે. હવે તો ઢાળ ઊતરવાનો જ છે. જો કે સાંકડી સડક, એમાં એક બાજુ ટેકરીઓ અને બીજી બાજુ ખીણ!

    બસ તો છ વાગ્યે આવવાની જ હતી, પણ હવે મને પગપાળા ચાલવાના આનંદની ખબર પડી ગઈ હતી. ચાલવાનું શરું કર્યું. થોડું ચાલ્યા પછી ચલાતું ન હતું, દોડાઈ જતું હતું. ઘેટાના એક રખેવાળે મને ઊભો રાખ્યો, “સાબ જી, મત જાઈયે, ગીર જાયેંગે.”

    હું ત્યાં જ ઊભો રહી ગયો. ખીણ પર અંધકાર ઊતરી ગયો હતો. ઠંડી વધી રહી હતી. આમ તો ભય લાગે એવું વાતાવરણ હતું. પણ મારા મનની હાલત હુંયે ન સમજી શકું એવી વિચિત્ર હતી. મન ભયભીત થવાને બદલે આનંદ અને પરમાનંદના ઘાટ વચ્ચે સંતાકુકડી રમી રહ્યું હતું

    પાછળથી બસ આવીને ઊભી રહી ત્યારે ખબર પડી. “બાબુજી બૈઠ જાઈયે”. બસ આખ્ખીયે હકડેઠઠ્ઠ ભરેલી હતી. ઊભા રહેવાની પણ જગ્યા ન હતી. છાપરા પર પણ આઠ-દસ જણ બેઠેલા હતા.

    “સાબ ઊપર ચલે જાઈએ.” કંડક્ટર બોલ્યો. છાપરા ઊપર ચડ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે બીક લાગે એવું તો હવે હતું! આટલી સાંકડી સડક પરથી વારે-વારે વળાંક લેતી બસ સહેજ જ ચૂકે તો શું થાય એ અંદર બેઠા ન સમજાય, પણ છાપરા પરથી તો બરાબર સમજાય! તે છતાં લોકો ઊપર બેઠા હતા. એ બધાયે કંઈ બિન્દાસ નહીં હોય! પરીવારની જવાબદારી હશે. પણ આ જ જિંદગી હતી, તો પછી મૃત્યુની બીક પણ શા માટે રાખવી! હું એમના જેવી જ બેફિકરાઈથી એમની સાથે બસના છાપરા પર બેઠો રહ્યો. જીવનને ચાહતો અને છતાં મૃત્યુથી બેપરવાહ! આજુબાજુ જોયું. આટલા દિવસ જોયું જ હતુંને આજુબાજુ! પણ અત્યારે સાંકડી સડક પર ચાલતી બસના છાપરા પરથી જોયું. નજર નોંધીને જોયું. મનાલી નજીક આવતું જતું હતું.

    બે માળનું એક મકાન દેખાયું. સળંગ બે માળની ઊંચી ભીંત પર ગુલાબનો વેલો ચડેલો હતો. અને ભીંત આખી લીલાં પાન અને લાલ ગુલાબોથી ઢંકાઈ ગઈ હતી. કાલે અહીંથી જવાનું છે. બસ ખીણમાં ગબડી પડે તો અત્યારે પણ જવાનું થાય. ઠીક છે, પ્યાલો મેં તો પીધેલ છે ભરપૂર...

    રાત પડી ગઈ છે. તારાઓએ એમના ઝબૂકિયાં બતાવવાનું શરું કરી દીધું છે. છાપરા પર બેઠેલા એક સહયાત્રીએ ટેપ કે પછી રેડિયો ચાલુ કર્યો છે. ભજન સંભળાય છે, સુનતા હૈ ગુરુ ગ્યાની... ગગન મેં આવાઝ હો રહી ઝીની ઝીની ઝીની ઝીની... અવાજને હું પકડું, ડૂબું, તરું, એ પહેલાં મનાલીની લાઈટો દેખાવી શરુ થઈ ગઈ છે. હવે આ બધી ઝાકઝમાળમાં મારે ગગનના અવાજો ઝીલી-ઝીલીને સાંભળવા છે. રૂમની બારીમાંથી રોહતાંગના શિખરને જોવા મથવું છે. રાતના અંધકારમાં મારે નિકોલસ રોરિકની ચિત્રાવલીઓના રંગોને ઓળખવા છે...

    અને... અને પાછા પહોંચીને એક વાર સુકેતુ સાથે ચેસ પણ રમવું છે.

    *

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED