બદલાયેલો એક અભિગમ Chintan Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બદલાયેલો એક અભિગમ

બદલાયેલો એક અભિગમ

આમ જુઓ તો વાત સાવ સામાન્ય હતી. ત્રણ ચાર વર્ષનું નાનું બાળક હોય, એટલે રડવાનું તો ખરું જ. અને જીદ પણ કરે. એટલે કઈ આપણે ગભરાઈ જવાની જરૂર નથી. પણ અહી તો વાત કઈક અલગ છે. સતત એક વર્ષથી કેન્સરથી પીડાતી માતાનું ત્રણેક મહિના પહેલા જ મૃત્યુ થયું છે. અને એના આઘાતને કારણે મુન્નીનો સ્વભાવ ચીડિયો થઇ ગયો છે. વાતે વાતે રડવાની અને જીદ કરવાની એને આદત પડી ગઈ છે. વ્હાલસોયી માતાના મૃત્યુ બાદ મુન્નીની સારસંભાળ એના કાકી લે છે. પિતાજી તો હીરાનું કારખાનું ચલાવતા હોવાથી આખો દિવસ ઓફિસે હોય, અને રાત્રે ઘેર આવે. એટલે નાનકડી મુન્નીને પિતાજી કરતા કાકી સાથે વધુ મમતા બંધાઈ ગઈ છે. કાકી પણ દિલના ભોળા અને સારા સ્વભાવના છે. એને પોતાને કોઈ સંતાન નથી. અને થાય એવી કોઈ શક્યતા પણ નથી. ડોકટરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે જયાબેનને કોઈ સંતાન થાય એમ નથી. તેથી કાકીને માટે મુન્ની પોતાના સંતાનાથીયે વધુ વ્હાલી હતી. તેઓએ મુન્નીને કદીયે પરાયા હોવાનો અહેસાસ થવા દીધો નથી.

સાડાત્રણ વર્ષની મુન્ની પોતાનો અખો દિવસ માતાના પ્રતિક સમા રમકડા સાથે પસાર કરતી. કોઈ એકાદ રમકડું તૂટી જાય તો તરત નવા રમકડાની જીદ કરતી. કાકી પણ તુરંત નવું રમકડું લાવી આપતા. અને એમ પણ મુન્નીને દરેક વસ્તુમાં નવીનતાની જ અપેક્ષા રહેતી. કોઈક વખત નવું રમકડું લાવતા વાર લાગતી તો એકલી પડેલી મુન્નીના મગજમાં વિચારો ચાલવા લગતા. અને એમાંથી માની યાદ આવી જતા એ રડવા લગતી. અને એ સમયે એને ચુપ કરવી લગભગ અશક્ય હતું. માતા પાસે જવાની જ એ જીદ પકડતી. એટલે કાકી બને ત્યાં સુધી નવું રમકડું લાવવામાં મોડું કરતા નહિ. નવું રમકડું જોઇને મુન્ની એકદમ હરખાઈ જતી. એ રમકડું એને જુના રમકડા કરતા પણ વધુ ગમતું. અને જુના રમકડાને એ એકદમ ભૂલી જ જતી. જાણે એનું કોઈ અસ્તિત્વ જ ન રહેતું. સાથે સાથે માની સ્મૃતિઓ પણ સહેજ ઝાંખી થઇ જતી.

આજે પણ એમજ બન્યું. મુન્ની પોતાના નાનકડા મોર ઢેલની જોડી સાથે હીચકા ઉપર રમતી રમતી કશુક અસ્પષ્ટ ગીત જેવું ગણગણી રહી હતી. એકએક હિચકો હાલવાને કારણે ઢેલ હીચકા પરથી નીચે પડી ગઈ. અને તૂટી ગઈ. તેથી મુન્નીને ઘણું દુખ થયું. એ રડવા લાગી. અને જીદ પકડીને બેઠી કે મને અત્યારે ને અત્યારે જ નવી ઢેલ લાવી આપો. એ મોટે મોટેથી બૂમો પાડવા લાગી. સંધ્યા ઢળી ચુકી હતી. બધી દુકાનો બંધ થઇ ચૂકી હતી. તેથી નવી ઢેલ તત્કાળ તો લાવી શકાય એવા કોઈ સંજોગો હતા જ નહિ. કાકીએ મુન્નીને ઘણી સમજાવવાની કોશિશ કરી. પણ મુન્ની એકની બે ન થઇ તે ન જ થઇ. આખરે નાં છૂટકે કાકી જૂના રમકડાના થેલામાંથી એક જૂની ગેઈમ કાઢી લાવ્યા. પ્લાસ્ટીકના જુદા જુદા આકારો ગોઠવીને ઘર તૈયાર કરવાની ગેઈમ. એને એમ કે મુન્નીનું ધ્યાન આ ગેઈમ રમવામાં પરોવાશે એટલે એ રડતી બંધ થઇ જશે. અને એમ થયું પણ ખરું. પરંતુ પ્લાસ્ટીકના એ આકારો માંથી એક આકાર ખૂટતો હતો. તેથી ઘર કેમેય કરીને બનતું નહોતું. એ આકારના સ્થાને બીજી વસ્તુઓ મુકીને એ ઘર બનાવવાનો પ્રયત્ન કરતી રહી. એ આકાર તો ન ગોઠવાયો પણ એના ચિત્તમાં એક બીજો આકાર ગોઠવાયો. માનો આકાર. એ મોટે મોટેથી રડવા લાગી. કાકી આવ્યા અને પ્રેમથી એના માથે હાથ ફેરવતા બોલ્યા -

શું થયું બેટા? કાલે તને ચોક્કસ નવી ઢેલ લાવી આપીશ. હમણાં સુઈ જા. રાત થઇ ચૂકી છે.

કાકી મને માં પાસે જવું છે. મુન્ની રડતા રડતા બોલી.

સારું હમણાં સુઈ જા. કાલે તને નવી માં લાવી આપીશ બસ?

નવી માનું નામ સાંભળી મુન્ની એકદમ આનંદ વિભોર થઇ ઉઠી. નવી માની એક આકૃતિ એના ચિત્ત પર છવાઈ ગઈ. માત્ર ધૂંધળી આકૃતિ જ નહિ પણ પૂરેપૂરી માં. આખે આખી માં. જે એને ખવડાવતી, એને પાણી પીવડાવતી, પોતાની સાથે સુવડાવતી, એને નવા કપડા પહેરાવતી, ચૂમીઓ ભરતી.............

નવી ઢેલ જૂની ઢેલ જેવી જ હોય છે. રંગ માત્ર ચળકતો હોય, બાકી ઢેલ જેવી ઢેલ.બલકે જુનાથી પણ વધુ સુંદર. એજ રીતે માં પણ જૂની હોય કે નવી માં તે માં. વ્હાલસોયી વ્હાલ કરતી માં. માત્ર કપડા જ નાનાવા હોય. એવી નવી માની કલ્પના મુન્નીના મનમાં બરાબર ફીટ થઇ ગઈ હતી. નવી માને મળવા એ અત્યંત અધીર બનતી જતી હતી. હવે એનાથી સહેજ પણ ધીરજ રહેતી નહિ. દિવસો પણ પસાર કરવા અઘરા લગતા હતા. સવારથી લઈને સાંજ સુધી એ કાકીને એકજ પ્રશ્ન કરતી હતી.-

કાકી પેલી માં ક્યારે આવશે?

કઈ માં? કામમાં વ્યસ્ત કાકી પૂછતા તો

સાડીવાળી. એમ નિર્દોષતાથી જવાબ આપતી.

કેટલી નિખાલસતા હતી એ શબ્દોમા !

નવી માં લાવી આપીશ એવું કાકીએ બોલતા બોલી તો નાખ્યું પણ પોતાના શબ્દો પોતાને જ ભારી પડી ગયા. હવે જ્યાં સુધી નવી માં નહિ લાવી આપીએ ત્યાં સુધી મુન્ની જંપવાની નથી એવો કાકીનો વિશ્વાસ પાકો થઇ ગયો હતો. હવે તો મુન્નીના પિતાજીને આ વિષે વાત કરવી જ પડશે એમ કાકીને લાગ્યું. મુન્નીનું હૃદય ખુબ જ સંવેદનશીલ છે. એ જરા સરખો આઘાત પણ વેઠી શકે તેમ નથી. હવે એને સમજાવી- પતાવીને કાબુમાં કરવી એ કાકી માટે લગભગ અશક્ય જેવું થઇ ગયું હતું. તેથી એક વખત પિતાજી ઓફિસેથી આવ્યા ત્યારે લાગ જોઇને કાકીએ આ બધી ઘટના વિષે એમને વિગતે વાત કરી.

પિતાજીને પણ હવે તો લાગવા માંડ્યું હતું કે મુન્નીને ખરેખર નવી માની જરૂર છે. તેઓ એ અંગે વિચાર કરવા બેઠા. સીમા ઉર્ફે પોતાની પત્ની ઉર્ફે મુન્નીની માં. કેટલી પ્રેમાળ હતી. મુન્નીની સાથે સાથે પોતાના પતિનો પણ કેટલો ખ્યાલ રાખતી હતી. નોકરીએથી આવું એટલે મારા માટે પાણીનો ગ્લાસ લઈને આવી જતી. નહાવા માટે ગરમ પાણી અને ટુવાલ પણ તૈયાર જ રાખ્યા હોય. નાહીને આવું એટલે પ્રેમથી જમવાની થાળી પીરસતી. ઘરના તમામ કામ જાતે જ કરતી. ઘરના વડીલોનું ધ્યાન રાખતી, મુન્નીની કાળજી રાખતી, મારા માતા પિતાની સેવા કરતી, અને ખેતરનું કામ પણ સ્સાથે સાથે કરતી. એક સાથે પાચ માણસના કામ એ કરતી હતી. તેમ છતાં એના મુખ પર ક્યારેય થાકની એકેય રેખા દેખાઈ નહોતી. પોતાને ગમે તેટલું દુખ પડ્યું હોય તોય મો પર સ્મિત રાખીને સામા વ્યક્તિને ખુશ કરતી. એનામાં ભણતર કરતા ગણતર નો પ્રભાવ વિશેષ હતો. પતિવ્રતા નારી હતી એ. એનામાં ઘર સાચવાની સાથે સાથે પરિવારના સભ્યોના મન સાચવવાની કળા પણ હતી. કેન્સરના જીવલેણ હુમલાને કારણે બિચારી પરવશ થઇ ગઈ. અને ભગવાનને શરણ ચાલી ગઈ. જીવનરૂપી રમત રમતા રમતા ઢેલ હીચકા પરથી પડીને તૂટી ગઈ તે તૂટી ગઈ. અને હવે જીવનનો સંધ્યાકાળ થઇ ચુક્યો હતો. બધી દુકાનો કામ કરતી બંધ થઇ ગઈ હતી. નવી ઢેલ કેમેય કરીને લાવી શકાય એમ નહોતું. હવે થાય પણ શું? વાતને ભૂલાવવા એ પેલા જૂના પ્લાસ્ટીકના આકારોમાંથી ઘર બનાવવા બેઠા. પરંતુ ઘર બને જ કઈ રીતે? ઘર બનાવવા માટેના જરૂરી આકારોમાનો એક આકાર ખૂટતો હતો. અને એના જેવો જ બીજો આકાર હવે બજારમાં મળવો શક્ય નહોતો. વરસો જૂની ગેઈમ અને એનો વરસો જુનો આકાર...........

હવે તો એના સ્થાને બજારમાં આધુનિક ઇલેક્ટ્રોનીક્સ યાંત્રિક રમકડાઓ આવી ગયા હતા. એકએક એમના મનમાં કશોક ચમકારો થયો. પેલા ખૂટતા આકારને સ્થાને પૂથાનો આકાર કાપીને ગુંદર વડે ચોટાડી દેવાનું એમને મન થયું. અને એમ કરતા તેઓ આખું ઘર તૈયાર કરી શકશે. એવો તેમને વિશ્વાસ બેઠો. તેથી એવું જ કરવાનું એમને નક્કી કર્યું.

હવે તો રોજ થાયને મુન્નીનો એકજ પ્રશ્ન હતો.

નવી માં ક્યારે આવશે? મને નવી માં લાવી આપો.

કાકી માં ક્યાં છે? કેમ આવતી નથી?

શું કરતી હશે એ?

એ બીમાર છે? શું થયું છે એને?

એને મારી યાદ નહિ આવતી હોય?

કાકી તમે બોલતા કેમ નથી? કહોને ક્યારે આવશે માં?

આવું બધું સાંભળી સાંભળીને ઘરના બધા જ સભ્યો હવે કંટાળી ગયા હતા. હવે એનો કોઈક ઈલાજ તો કરવો જ પડશે. એમ વિચારીને એના પિતાજીએ તુરંત જ બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું. અને અઠવાડિયામાં જ એક યુવતી સાથે સિવિલ મેરેજ કરી નાખ્યા. અને મુન્નીની નવી ઘરમાં આવી ગઈ. પોતાની કલ્પના અનુસાર નવા કપડામાં સજજ માને જોતા જ એને એક અકથ્ય શાંતિનો અનુભવ થયો. એની કેટલાય દિવસોની પ્રતિક્ષાનો અંત આવ્યો. એકજ અઠવાડીયાની અંદર મુન્નીએ માં વિષે કેટલા બધા અરમાનો સેવી રાખ્યા હતા. પોતાને જોતા જ માં એને ગોદમાં તેડી લેશે. માથે હાથ ફેરવશે. ચૂમીઓનો વરસાદ વરસાવશે. એવું ઘણું ઘણું એ વિચારીને બેઠી હતી. માને જોતા જ એ રાજીની રેડ થઇ ગઈ. માં ઘરમાં પ્રવેશે એ પહેલા જ અધીર બનેલી મુન્ની ઓટલા પર જ માં......... માં એમ બોલતી માને ભેટી પડી.

માં શબ્દ સંભાળતા જ એ યુવતી ડઘાઈ ગઈ. પોતાના વિચારો અને સ્વપ્નોમાં ખોવાયેલી બાવીસ વર્ષની એક યુવતી. કિશોરાવસ્થા પૂરી કરીને હજી હમણાં જ યૌવનમાં એ પ્રથમ પગ મૂકી રહી હતી. યૌવન સાથેનો એનો પરિચય હજુ નવોસવો હતો. મનમાં કૈક અરમાન હતા. ઉરમાં નવવધુ સહજ કોડ હતા. એક કિડનીના સહારે જીવતી, અને હૃદયરોગના વારંવાર થતા હુમલાને કારણે આજ સુધી સુંદર દેખાવડી અને ગુણવાન હોવા છતાં જેના લગ્ન નહોતા થતા એવી યુવતી પોતાના અરમાનો પૂરા કરવાની આશાએ આવી હતી. અત્યંત લાડકોડમાં ઉછરેલી માં- બાપની એકની એક દીકરી જેને ગઈકાલ સુધી 'દીકરી' સંબોધન સાંભળવાનો મહાવરો હતો. તોફાન મસ્તી કરવાની આદત હતી. એને આજે એકએક આ બદલાયેલું સંબોધન સાંભળવું ન ગમ્યું. કેટલું બધું અંતર હતું એ બે સંબોધનો વચ્ચે! ગઈકાલ સુધી દીકરી અને આજે માં? 'માં' જેવા ભારેખમ શબ્દનો બોજ ઉપાડી શકે એટલી સક્ષમ હજી એ થઇ નહોતી. એકએક પોતાને વળગી પડેલી મુન્નીને જોઇને યુવતી જરા છોભીલી પડી ગઈ. એને પોતે શું કરવું જોઈએ એની કશી જ ગતાગમ પડી નહિ. એક ક્ષણ માટે એના પગ ત્યાં જ સ્થિર થઇ ગયા. બીજી તરફ મુન્ની 'આજ મારી માં છે' એવું સમજવા કોશિશ કરી રહી હતી. પણ યુવતી તરફથી કશો જ પ્રત્યાઘાત ન મળતા એ જરા સંકોચ પામી પાછળ ખસી ગઈ. એના મો પરથી તેજ ઉડી ગયું. એનું મુખ એકદમ ફિક્કું પડી ગયું. એના બધા અરમાનો એકી સાથે કડડભૂસ કરતા તૂટી પડ્યા. ચારેબાજુ બધું ગોળ ગોળ ફરતું હોય એવું લાગવા માંડ્યું. ચક્કર આવવાને કારણે એનો એક પગ પગથીયા પરથી લપસી ગયો. અને એ સીધી નીચે પડી ગઈ. એને માથામાં ગંભીર ઈજા થઇ. એ પોતાના હોશ ખોઈ બેઠી. એ જોઈ કાકી ચીસ પાડી ઉઠ્યા. એને તાત્કાલિક ઈસ્પિતાલમાં ખસેડવામાં આવી. એના પિતાજીને પણ ફોન કરીને ઓફિસેથી તેડાવી લીધા.

દરિયાના મોજામાં તણાતો માણસ એક એક ક્ષણ ગણી ગણીને જીવતો હોય છે. એને બહાર કાઢવામાં સહેજ સરખો પણ વિલંબ થાય તો દરિયાના પાણી તરત જ એને અંદર ખેચી જાય. એનો શ્વાસ રૂંધાવા લાગે અને જીવ નીકળી જાય. આવી પરિસ્થિતિમાં એના ઉપર દયા ખાઈને બીજો માણસ એને બચાવવા દરિયામાં કુદી તો પડે પરંતુ એને પણ તરતા ન આવડતું હોય તો? ના........ ના......... એવું નથી. એમાં મારો જ વાંક છે. મારા જ કારણે આ બધું થયું છે. એ પ્રકારનો આઘાત યુવતીને કોરી ખાવા લાગ્યો. એ સફાળી ઉભી થઇ ગઈ. અને મુન્નીની એકદમ લગોલગ બેસી ગઈ. અને પ્રેમથી એના કપાળ પર હાથ ફેરવવા લાગી.

થોડીવારે મુન્નીને ભાન આવ્યું. યુવતીને જોતા જ એક વિચિત્ર પ્રકારના ભયનો એને અહેસાસ થયો. આ સ્ત્રી પોતાની માં બનવા લાયક નથી એવું એને લાગ્યું. યુવતી તરફ એક નફરતભરી નજરે જોઇને એ એકએક રડવા લાગી. કાકી........ કાકી........ એવી બુમો પાડીને એનું ઘાટું બેસી ગયું. મુન્નીની ચીસ સાંભળીને કાકી હાફળા ફાફળા દોડ્યા. અને તરત મુન્નીને પોતાની ગોદમાં લઇ લીધી. કાકીની ગોદમાં જતાજ મુન્નીને માની મમતાનો અહેસાસ થયો. એક પ્રકારની હૂફનો મીઠો અનુભવ થયો. એ રડતી બંધ થઇ ગઈ. કાકીએ પોતાના થેલામાંથી થોડાક રમકડા કાઢ્યા. અને કહેવા લાગ્યા-

જો બેટા, તારા માટે કેટલા સરસ રમકડા લાવી છું.

જો આ ઢીંગલી.

આ તારી નવી ઢેલ. જો કેવી સરસ છે

તને ગમે છે ને એ?

આ સાંભળી મુન્ની રૂંધાયેલા સ્વરે એકદમ ધીમેથી બોલી, નાં કાકી મને નવી નહિ જૂની ઢેલ લાવી આપો.

આટલું બોલીને એ ફરી પાછી મૂર્છિત થઇ ગઈ. આખા ઓરડામાં એકએક સન્નાટો છવાઈ ગયો. જાણે નવીનતા વિશેનો આખેઆખો અભિગમ જ બદલાઈ ગયો.

- લેખક: ચિંતન પટેલ