Atit na attar books and stories free download online pdf in Gujarati

અતીતના અત્તર

“વહુ, ઘડિયાળમાં સેલ પુરા થઈ ગયા લાગે છે. જો ને જરા.”
“હા હવે જોઉં છું થોભોને જરા.”
“બેટા, ઘડિયાળ બંધ થઈ ગઈ છે. સમય વીતે છે એની ખબર જ નથી પડતી. સમય જલ્દી જલ્દી વીતી જાય છે. અને આપણે પાછળ રહી જઈશું.”
“હા કહ્યુંને એકવાર. જાતે ન થતું હોય તો પડી રહોને પથારીમાં તમારે એકલું ઘડિયાળ જોવાનું જ કામ છે. જ્યારે મારે બીજા ઘણા કામ કરવાના છે.”
રાહુલ સ્કૂલેથી આવ્યો.
“બેટા, કેમ મોડું થયું?”
“થાય હવે કામ હતું. તમે પણ બધી વાતે પંચાત કર્યા કરો છો તે. મમ્મી, બાને કંઈ સમજાવ ને.” રાહુલે બૂમ પાડી.

“કેવો જમાનો આવી ગયો છે! પોતાની કોઈને કશી પડી જ નથી. વૃદ્ધત્વ આવું હોય છે!” આટલું વિચારતા બાની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. એક તો સમય પ્રમાણે કશું થતું નથી. ઉપરથી પોતાનું કોઈ સાંભળતું નથી.ઘડિયાળ બંધ છે. ઝડપથી વીતતો વર્તમાન ભવિષ્ય તરફ આગળ વધી રહ્યો છે. અને બા બંધ ઘડિયાળની સાથે અતીતમાં ભુલા પડી ગયા છે. બાના જીવનમાંથી અતીતની સ્મૃતિઓ ભૂંસાવાને બદલે વધું ઘાટી થતી જાય છે.

અચાનક ડોરબેલ રણક્યો. આરતીએ ટી.વી. બંધ કર્યું. અને દરવાજો ખોલ્યો. અપૂર્વને એ બહાર જ ભેટી પડી.
“કેમ છો? આજનો દિવસ કેવો રહ્યો?” આરતીએ પૂછ્યું.
“સરસ. તારા જેવી પત્ની હોય પછી પૂછવાનું જ શુ?” અપૂર્વએ જવાબ આપ્યો.
“આજે ફિલ્મ જોવા જવાનું છે તે યાદ છે ને?”
“હા બરાબર યાદ છે.” અપૂર્વએ આરતીના ગાલ પર ટપલી મારતા કહ્યું.
“તમને કેટલા વાગ્યે આવવાનું કહ્યું હતું?”
“પાંચ વાગ્યે”
“બરાબર પાંચ વાગી ચુક્યા છે. સમય થઈ ગયો છે. જવું છે હવે?”
“જેવી તારી મરજી.”

“કેવું સરસ દામ્પત્યજીવન. બધું સમય પ્રમાણે વ્યવસ્થિત થાય છે.” આરતીએ વિચાર્યું. બંને ફિલ્મ પુરી કરી ઘરે આવ્યા. માર્ગમાં કોઈ રેસ્ટોરન્ટમાં બંનેએ ડિનર કરી લીધું હતું. એટલે રસોઈ કરવાની કોઈ ખટપટ નહોતી. બંને આરામથી સોફા પર બેસી પ્રણયની વાતો કરવા લાગ્યા. રાતના દસના ટકોરા થયા. બંનેએ સુવાની તૈયારી કરી. પરંતુ સુવાની હજુ વાર હતી. કારણકે લગ્ન કર્યાનો આ બીજો દિવસ હતો.

ધીમે ધીમે દિવસો વીત્યા, અઠવાડિયા વીત્યા, મહિનાઓ વીત્યા. બધું મીઠું મીઠું લાગતું હતું. આરતીની મરજી મુજબ બધું થતું હતું. ઘડિયાળના ટકોરે જીવન ચાલતું હતું. અપૂર્વ પણ આરતીને ખૂબ પ્રેમ કરતો હતો. મોડી રાત સુધી બંને વચ્ચે પ્રણયગોષ્ઠી ચાલતી રહેતી. અપૂર્વ પોતાની બધી જવાબદારી વ્યવસ્થિત રીતે નિભાવતો હતો. ક્યાંકથી વાસ્તવિકતાએ ડોકિયું કર્યું અને પાછી સંતાઈ ગઈ. વારંવાર વાસ્તવિકતા અપૂર્વ અને આરતીના આ મધુર દામ્પત્યને નિહાળતી અને પાછી શરમાઈને સંતાઈ જતી હતી. વાસ્તવિકતા ખુદ પોતાનું અસ્તિત્વ સ્વીકારવા તૈયાર નહોતી.

એક વાર અપૂર્વ નોકરીએથી ઘેર આવ્યો. ત્યારે આરતી ઘરમાં નહોતી. એણે પડોશમાં તપાસ કરી એક પડોશીએ કહ્યું કે આરતીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
“કેમ શું થયું એને?” અપૂર્વએ પૂછ્યું.
“એને પેટમાં ખૂબ દુખતું હતું.”
અપૂર્વએ ગાડી ચાલું કરી અને સીધો હોસ્પિટલ પહોંચ્યો. આરતીએ અપૂર્વની જવાબદારીમાં વધારો કર્યો. આરતીને હોસ્પિટલમાં જે રૂમમાં દાખલ કરવામાં આવી હતી, એ રૂમમાંથી તાજા જન્મેલા બાળકનો રડવાનો અવાજ આવી રહ્યો હતો. અપૂર્વ સમજી ગયો. આખી સોસાયટીમાં પેંડા વહેંચાયા. અને નાના ચિરાગને લઈને આરતી ઘરમાં આવી.

પેલી વાસ્તવિકતાએ ફરી ડોકિયું કર્યું. અને પાછી સંતાઈ ગઈ. આરતીની સામે આવવાની એની હિમ્મત ન ચાલી. ધીમે ધીમે ચિરાગ મોટો થવા લાગ્યો. આરતી એનો ઉછેર કરવાની જવાબદારીમાં પરોવાયેલી રહેતી. એને તૈયાર કરવો, સમયસર સ્કૂલે અને ટ્યુશને મોકલવો, વગેરે વગેરે. સમય પ્રમાણે ચાલનારી આરતીએ એક વખત અપૂર્વને મજાકમાં કહ્યું પણ ખરું કે, “ચિરાગ પણ કેવો મારી જેમ સમય પ્રમાણે ચાલનારો છે, નવ મહિનામાં એક પણ દિવસનો વિલંબ કર્યા વિના આપેલા સમયે હાજર થઈ ગયો.”

ધીમે ધીમે ચિરાગ સ્કૂલે જતો બંધ થયો. અને નોકરીએ જતો થયો. આરતી પોતાના થોડા ઘણા સફેદ થયેલા વાળમાં ડાય કરવા બેઠી. ચિરાગ સમયસર નોકરીએ જતો. અને પાછો સમયસર ઘેર હાજર થતો. એની આ સમયસૂચકતાથી આરતી ખૂબ ખુશ થતી. અપૂર્વએ નોકરીએ જવાનું બંધ કર્યું. અને નિવૃત થઈ ઘરમાં બેઠો. આરતીના વાળ પુરેપુરા સફેદ થઈ જાય એ પહેલાં આરતીના કહેવાથી ચિરાગના જીવનમાં લક્ષ્મીનું અવતરણ થયું.

હવે તો વાસ્તવિકતા પણ અકળાઈ ગઈ હતી. હવે એનાથી શાંત બેસી શકાય એમ નહોતું. હવે જો તે પોતાનું અસ્તિત્વ આરતીને ન બતાવે તો અનર્થ થઈ જશે એમ વાસ્તવિકતાને લાગ્યું. એણે ફરી ક્યાંકથી ડોકિયું કર્યું. અને સામે આવતા આવતા પાછી ક્યાંક સંતાઈ ગઈ.

ચિરાગના ઘરમાં કુળદીપકે જન્મ લીધો. એનું નામ રાહુલ રાખવામાં આવ્યું. રાહુલ ધીમે ધીમે મોટો થવા લાગ્યો. અને સ્કૂલે જવા લાગ્યો. ચિરાગની નવી આવેલી વહું પણ જૂની થતી ચાલી.

“બા ઘડિયાળના સેલ બદલી નાંખ્યા છે. હવે ખટપટ કર્યા વગર બેસી રહેજો. તમારે તો કોઈ કામધંધો નથી. પણ અમારે હજુ ઘણું કામ છે.” વહુંનો અવાજ કાને પડતા આરતી ચોંકી ઉઠી. એણે આજુબાજુ હાથ ફેરવી પોતાના જાડા કાચના ચશ્મા શોધીને પહેર્યા. અને પોતાના સંપૂર્ણ ધોળા થઈ ગયેલા વાળનો અંબોડો વાળી બાજુમાં મુકેલ વોકરના ટેકા વડે ઉભા થઇ, એક હાથ આંખ આડે રાખી ઘડિયાળમાં જોયું. ઘડિયાળ ચાલુ થઈ ગઈ હતી. અતીતના અત્તરની એ સુવાસ હવામાં ક્યાંક ઓગળી ગઈ. આરતીએ ફરી પેલા ઝડપથી ચાલતા વર્તમાનમાં પગ મૂક્યો. અને ક્યાંકથી ડોકિયું કરતી પેલી વાસ્તવિકતાએ પોતાનું અસ્તિત્વ બતાવ્યું. એ જોઈને આરતી અપૂર્વના હાર ચઢાવેલા ફોટા તરફ નજર કરીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી.


બીજા રસપ્રદ વિકલ્પો