Shamnane simadethi books and stories free download online pdf in Gujarati

શમણાંને સીમાડેથી

અને શીતળ પાણીના ઉછળતા મોજા એના ઘુંટણને સ્પર્શીને વહેવા લાગ્યા. અસ્ત થતા સૂર્યના એ કેસરવર્ણા કિરણો અને સૂર્યનું દરિયાના પાણીમાં પડતું પ્રતિબિંબ જાણે ટુકડા ટુકડા થઈને વહેતા પાણીમાં ક્યાંક ઓગળી ગયું. જોરથી ફૂંકાતો શિયાળાનો હિમવાયું એના હાડને કોતરીને ઊંડે ઊંડે સુધી ઉતરી જવા લાગ્યો. કકડતી ઠંડીથી એ ધ્રુજી ઉઠતી. હાડમાં ઉતરેલો એ ઠંડો પવન જાણે એની વધતી જતી વેદનાને વાચા આપતો હતો. રેતીમાં પડેલી પગલીઓ ઉપર ભરતીનું પાણી ફરી વળતા બધી પગલીઓ આછી થઈને ધીમે ધીમે ભૂંસાઈ જવા લાગી હતી. એણે ખભે લટકાવેલું ગુલાબી પર્સ ખોલ્યું. અને એમાંથી એક ફોટોગ્રાફ કાઢી એને ધ્યાનપૂર્વક જોવા લાગી. ફોટોગ્રાફ જોતા જોતા એ ભૂતકાળની સ્મૃતિઓમાં ક્યાં ખોવાઈ ગઈ એનું એને ભાન રહ્યું નહીં. પાછળથી કોઈક પરિચિત હાથ આવીને એની ડોકમાં વીંટળાઈ વળ્યાં. સુમિતના મીઠા હાથના એ હુંફાળા સ્પર્શથી સુહાની રોમાંચિત થઈ ગઈ.

સુહાનીના મગજમાં કશોક સળવળાટ થયો. આ વખતે પાછી વળેલી દષ્ટિ કંઈક નવું શોધવા મથતી હતી. એણે ઊંડે ઊંડે સુધી નજર નાંખી. પણ ક્યાંયથીયે નવીનતા હાથ લાગતી નહોતી. એજ કોલેજ, એજ દિવસો, એજ સુમિત, એજ સ્પર્શ, અને એજ પ્રેમ. પ્રણયની તાજી ફૂટતી કૂપણોની સુવાસ એના રગેરગમાં વ્યાપી જવા લાગી. વ્યાકુળ બનેલું એનું મન વારંવાર 'સુમિત' 'સુમિત' પોકારી ઉઠતું.

મિત્રોના કારણે કોલેજમાં એક બે વખત સુમિત સાથે ઝઘડો થયો હતો. પરંતુ એ દિવસ એને બરાબર યાદ છે કે પરીક્ષામાં સુમિતનો પ્રથમ નંબર આવ્યો અને પોતે બીજા નંબરે પાસ થઈ. ત્યારથી સુમિત કરતા વધારે માર્ક્સ લાવવા તે વધું મહેનત કરવા લાગી. બંને વચ્ચે સ્પર્ધા થતી અને સ્પર્ધામાંથી દોસ્તી થઈ. બંને એકબીજાથી પોતે ચઢિયાતા છે એવું બતાવવાનો પ્રયાસ કરતા. એકબીજાની સામે ચેલેન્જ ફેંકતા. નોટ પુસ્તકોની આપ લે કરતા. વિશ્રાન્તિના સમયમાં લંચ પણ સાથે જ કરતા. થોડો સમય એકલા બેસી વાતો કરતા. એકબીજાની ખૂબ કાળજી લેતા. અને ધીમે ધીમે આ એમનો નિત્યક્રમ બની ગયો.

આ રીતે દિવસો પસાર થતા એમના જીવનમાં એક અનેરો વળાંક આવ્યો. દોસ્તીની દુનિયા પ્રણયમાં પલટાઈ ગઈ. બેઉના દેહ જુદા પણ પ્રાણ એક જ હોય એવી સ્થિતિ આવી ગઈ. બંને એકબીજાના કોલની વાટ જોતા બેસી રહેતા. સુમિતનો કોલ ન આવે ત્યાં સુધી સુહાની જમતી પણ નહીં. પરંતુ સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે. કોલેજના એ લીલાછમ દિવસો પુરા થવા આવ્યા. જેમ જેમ વાર્ષિક પરીક્ષા નજીક આવતી તેમ તેમ સુહાની વધુ વ્યથિત થતી જતી. વાંચવામાં એનું મન જરાય લાગતું નહીં. આખરે કોલેજનો છેલ્લો દિવસ આવી પહોંચ્યો. હવે સુહાનીની ધીરજ ખૂટી ગઈ. તે અચાનક બોલી ઉઠી ----

સુમિત આપણે હવે લગ્ન કરી લેવા જોઈએ.

માત્ર લગ્ન જ? સુમિતે સામો પ્રશ્ન કર્યો.

ના. લવ મેરેજ. આટલું બોલતા જ બંનેની આંખમાં આંસુ આવી ગયા.

સુમિતની ઘટાદાર છાતીમાં એણે પોતાનું માથું ઢાળી દીધું. એનાથી જાણે એને કોઈક સુરક્ષાનો અનુભવ થયો. પરંતુ લગ્નને લવ મેરેજનું નામ અપાઈ ગયું. તેથી એ સુરક્ષાના પાયા ડગુ મગુ થતા હોય એવું સુહાનીને લાગ્યું.

આપણે હવે માતા પિતાની પરવાનગી લઈ લેવી જોઈએ.

હા તારી વાત સાચી છે સુહાની. પણ.......

પણ શું?

પણ એમ તેઓ માનશે ખરા?

હા જરૂર માનશે. ન માને તો જબરજસ્તીથી મનાવીશું.

બંનેની કુંડળી મળતી આવી. રાશિ મળતી આવી. જ્ઞાતિ મળતી આવી. પરંતુ પરવાનગી મળતી ન આવી. ગર્ભશ્રીમંત સુહાનીના મા બાપ ગરીબ ખેડૂતના દીકરા સાથે સુહાનીના લગ્ન થાય એમ ઇચ્છતા નહોતા.

બંનેના જીવનમાં જમીન આસમાન જેવા ફાંટા પડી ગયા. જમીન અને આસમાનનું મિલન ક્યારેય શક્ય નથી. અને જો થાય તો તે માત્ર ક્ષિતિજનો ભ્રમ હોય છે. સુહાની પોતાના જીવનમાં આવેલા આ ક્ષિતિજ ભ્રમને તોડી નાખવા ઈચ્છે છે. કોલેજના એ રમણીય દિવસો, બંને વચ્ચે ચાલતી સ્પર્ધા, ડુમ્મસના એ ઉછળતા મોજા વાળો દરિયાકિનારો, ગળા પર વીંટળાયેલા સુમિતના હાથનો માદક સ્પર્શ..... આ બધું સુહાનીના ચિત્તમાં વમળોની માફક ઘુમવા લાગ્યું. એવામાં ક્યાંકથી કોઈ આશાનું કિરણ આવીને જાણે એના મગજમાં પેસી ગયું. જાણે વીજળીનો જોરદાર ઝાટકો લાગ્યો હોય એમ તે બેઠી થઈ ગઈ. એનું મગજ જાણે છિન્નભિન્ન થઈ ગયું.

"સુમિત આપણે ભાગી જઈએ તો?......." એનાથી અનાયાસે બોલાઈ ગયું. સુમિતે મૌન રહી એની વાતમાં પરાણે સંમતિ આપી. બંને ન છૂટકે ઘરમાંથી પોતાનું સામાન સંકોરીને નાસી છૂટયા. પણ જવું ક્યાં? આ પ્રશ્ન એમના મગજને કોરી ખાવા લાગ્યો. સુહાનીનું ચિત્ત ડામાડોળ થવા લાગ્યું. સુમિતના ચિત્તમાં વિચારોની વણઝાર ચાલવા માંડી. વિચારમાં ને વિચારમાં બેધ્યાન થતી જતી સુહાની ચાલતી ચાલતી રસ્તાની એકદમ વચ્ચે આવી ગઈ. એના મગજમાં ચાલતા વિચાર એટલા જોરથી એના કાનમાં અથડાતા હતા કે પાછળથી આવતી ગાડીના હોર્નનો અવાજ જવા માટે એના કાનમાં જરાય જગ્યા રહી નહોતી. અને ગાડી પાછળથી સુહાનીને ટક્કર મારીને જતી રહી. એ બેભાન અવસ્થામાં ત્યાં પડી ગઈ.

થોડીવારે એણે આંખ ખોલી તો પોતાની જાતને હોસ્પિટલમાં પડેલી જોઈ. સુમિત આંખમાં આંસુ સારતો શૂન્યમનસ્ક થઈને ત્યા ઉભો હતો. સુહાનીને માથામાં ગંભીર ઇજા થઇ હતી. એને તાત્કાલિક બ્લડની જરૂર હતી. ભાગ્ય સંજોગે સુમિતનું બ્લડગ્રુપ સુહાનીના બ્લડગ્રુપ સાથે મળતું આવતું હતું. ડોક્ટરના કહેવાથી સુમિતે પોતાનું બ્લડ આપવાની તત્પરતા બતાવી. સુમિતનું બ્લડ ટેસ્ટ કરવામાં આવ્યું. પોતાનો બ્લડ રિપોર્ટ જોઈને સુમિત ચોંકી ઉઠ્યો. એની આંખો આંસુથી ભરાઈ આવી. ભરાઈ આવેલી આંખોમાંથી આંસુને સરી જતા મૂકી દઈને તે સુહાની પાસે આવીને ઉભો રહ્યો. પથારીમાં તરફડતી સુહાનીએ ચિંતાનું કારણ પૂછ્યું, ત્યારે સુમિત કોઈ પણ પ્રત્યુત્તર આપ્યા વિના માત્ર બ્લડ રિપોર્ટ સુહાનીના હાથમાં મૂકી રૂમની બહાર નીકળી ગયો. એચ. આઈ. વી. પોઝીટીવનો રિપોર્ટ જોઈ સુહાનીની આંખો આંસુથી ભરાઈ આવી. અને ચહેરો રડમસ થઈ ગયો. એની તકલીફ ખૂબ વધવા માંડી. તાત્કાલિક બ્લડ બેન્કમાંથી બ્લડ મંગાવી સુહાનીની સારવાર કરવામાં આવી. સારવાર પુરી થતા સુહાની શારીરિક રીતે એકદમ સ્વસ્થ થઈ ગઈ. પણ માનસિક રીતે હજુ અસ્વથ હતી. સુમિતને ગુમાવ્યાનું દુઃખ હજુ એના મનમાંથી જતું નહોતું. એણે સુમિતને શોધવાના ઘણા પ્રયત્નો કર્યા. પણ ક્યાંયથીયે સુમિતનો પત્તો લાગ્યો નહીં. તેથી નિરાશ થઈને ફરી એ ડુમ્મસના દરિયાકિનારે આવી સુમિતની ભૂતકાળની યાદોને યાદ કરી રડવા લાગી.

"તારી આંખમાં આંસુ સુહાની?"- પાછળથી કાનની એકદમ નજીકથી આવેલો અવાજ સુહાનીના કાનમાં ઘુસી ગયો. તે કઈંક અંશે સ્વસ્થ થઈ. ગળા પર વીંટળાયેલા પેલા પરિચિત હાથ છૂટયા. અને તેની આગળ આવીને ઊભા રહયા. એ હાથમાંથી જાણે ધીમે ધીમે નવો આકાર ઘડાતો એણે જોયો. એ આકાર પોતાની ધારણાથી જુદો હોય એવું સુહાનીને લાગ્યું. એ આકારને જોઈને એક ક્ષણ માટે તે અવાક રહી ગઈ. એ આકારને એણે પ્રિયંક એવું નામ આપ્યું. એના હાથમાંથી ફોટોગ્રાફ સરી ગયો. અને ઊંધો થઈ દરિયાના પાણીમાં તણાવા લાગ્યો. તાણાતાં ફોટોગ્રાફની પાછળ લખેલું પોતાનું નવું નામ એને વંચાયું. "સુહાની પ્રિયંક દેસાઈ." અને અચાનક એ શમણાંનાં સીમાડામાંથી બહાર આવી. સામે ઉભેલા પ્રિયંકની છાતી પર એ માથું નાંખી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. પ્રિયંકે એને શાંત કરી. એવામાં સુહાનીના મોબાઈલમાં રિંગ આવી. સુહાનીએ કોલ રિસીવ કર્યો. મોબાઈલમાંથી અવાજ સંભળાયો. " મમ્મી ક્યાં છે તું? હું સ્કૂલેથી આવી ગઈ છું. પપ્પા પણ ઘરે નથી. તું જલ્દી ઘરે આવ ને."

"પ્રિયંક હવે આપણે ઘરે જવું જોઈએ. આપણી શ્રેયા વાટ જુએ છે. ઘણું મોડું થઈ ગયું છે. " સુહાની બોલી. અને તરત જ ડ્રાઇવરે કારનો દરવાજો ખોલ્યો. બંને કારમાં બેઠા. અને પવન જેવા વેગે રોલ્સરોય ઘર ભણી જવા ઉપડી. ખળ ખળ વહેતા દરિયાનું એ મધુર સંગીત સુહાનીના કાનમાં ગુંજી રહ્યું. સૂર્ય સંપૂર્ણ અસ્ત થઈ ગયો. રોલ્સરોય કારે દરિયાની રેતી પર રહેલી સુહાનીની બચી કચી સ્મૃતિઓ પર ટાયરના નિશાન બનાવી દીધા.

બીજા રસપ્રદ વિકલ્પો