પ્રાઈમ ટાઈમ - હું ગુજરાતી Hu Gujarati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રાઈમ ટાઈમ - હું ગુજરાતી

પ્રાઈમ ટાઈમ

હેલી વોરા

પ્રવાસ વર્ણન


ઉનાળુ વેકેશન એટલે ઘૂમના તો બનતા હૈ દોસ્ત. આપણી ગુજરાતી પ્રજા દરેક વાતની શોખીન એમ ફરવાની પણ શોખીન. અને રોજીંદી ઘટમાળમાંથી બહાર આવી, ફરી રીચાર્જ થવા અને જીવનને ચૂસીને માણવા વર્ષે એકવાર ફરવા જવું જરૂરી પણ છે. પણ દર વખતે કઈ આપણે વિદેશ ટુરમાં ના જઈ શકીએ અરે, વિદેશ ટુર છોડો આ મોંઘવારીમાં મધ્યમવર્ગીય પરિવાર માટે ઇન્ડિયામાં જ કોઈ લાંબી મુસાફરી દર વર્ષે ના માણી શકે.

તો આનો એક જ ઉપાય કે ગુજરાતમાં નાની ટુર કરી લેવી. પરંતુ આવી અકળાવનારી ગરમીમાં સાલું ગુજરાતમાં ક્યાં ફરવા જવું ? તો આ રહ્યો તેનો જવાબ, ગુજરાતનું એકમાત્ર ગિરિમથક એવું “સાપુતારા”.

ગુજરાત રાજ્યના દક્ષીણભાગમાં આવેલું ડાંગ જીલ્લાનું આ સ્થળ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર સહ્યાદ્રી પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે ૧૦૦૦મીટર જેટલી ઉંચાઈ પર આવેલું છે, અને ભર ઉનાળે અહી ઠંડક પ્રસરેલી હોય છે. અહીના સ્થાનિક લોકો આદિવાસી છે અને તેઓ વાતચીતમાં કુકણા બોલીનો ઉપયોગ કરે છે. અહીના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજુરી તેમજ પશુપાલન છે. હા, જંગલી ઔષધિઓ વ્હેચીને પણ તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે.

અમદાવાદથી ૪૨૦કીમી દુર આવેલું સાપુતારા સુરત કે વલસાડથી બાય રોડ આરામથી પહોંચી શકાય છે, વલસાડથી ઉપર સાપુતારા જતા રસ્તે જો આંખો ખુલ્લી રાખીએ આંખને ઠરે તેવી હરિયાળી, અવનવા પક્ષીઓ ઉપરાંત તે જીલ્લાના સ્થાનિક આદિવાસીઓની હાડમારી પણ ઉડીને આંખે વળગે.
પ્રવાસનને વેગ મળતાં ત્યાં હોટેલ્સ પણ સારી એવી સંખ્યામાં આવેલી છે તેમજ ગુજરાત ટુરીઝમ પોતાની પણ કે સારી હોટેલ છે. ‘ચા’ના શોખીનો માટેતો સાપુતારા એક જન્નત છે. ત્યાં ચાયની લીલી પતી અને આદુવાળી એકદમ મસ્ત ચાય લગભગ દરેક દુકાન કે ટપરી પર મળે. પણ હા, સવારે બજારમાં નીકળો તો નાસ્તાના ઓપ્શન્સ બહુ ઓછા છે, લગભગ દરેક લારીએ બટાકા-પોહા જ મળે.

કોઈ પણ શહેર કે સંસ્કૃતિને પીછાણવા તેના મ્યુઝીયમની મુલાકાત અવશ્ય લેવી જોઈએ, હા તે કોઈને બોરિંગ લાગી શકે પણ મ્યુઝીયમમાં એક આખો ઈતિહાસ સચવાયેલો હોય છે, અહી પણ મ્યુઝીયમમાં આદિવાસી કળા અને સંસ્કૃતિ સચવાયેલી છે, અહી પ્રદર્શન મુખ્યત્વે ૪ ભાગોમાં વહેચવામાં આવ્યું છે. આદિવાસી સંગીતવાદ્યો, આદિવાસી વસ્ત્રો, આદિવાસી દાગીના, ડાંગ વિસ્તારના પૂર્વ ઐતિહાસિક સાધનો વગેરેનો સમાવેશ થાય છે.

અહીની જમીન જ એટલી ફળદ્રુપ છે કે અહી જાતજાતના ફૂલોને ઊગવું ગમે છે, અને તેથી જ અહી બે મોટા ગાર્ડન્સ આવેલા છે, એક રોઝ ગાર્ડન કે જેમાં નામ પ્રમાણે જ વિવિધ જાતના અનેક ગુલાબની જાત ઊગેલ છે અને બીજું સ્ટેપ ગાર્ડન કે જેમાં અલગ અલગ કલર અને સોડમ ધરાવતા કેટલાય ફૂલોની જાત ખીલી છે જે મનને ખુશ ખુશાલ કરી જાય અને હા, અહીની દરેક જગ્યાની ચોખ્ખાઈના પણ વખાણ કરવાજ રહ્યા.
મને સહુથી પ્રિય અને કદાચ લગભગ દરેક સાપુતારા પ્રવાસીઓને પણ પ્રિય એવી એક જગ્યા એટલે ટેબલ-પોઈન્ટ. સાપુતારાની સહુથી ઉંચી જગ્યા કે જ્યાં તમારા મોબાઈલમાં થોડીવારે મહારાષ્ટ્રનું નેટવર્ક પકડાય તો વળી થોડીવારે ગુજરાતનું. તેણે ટાઉન-વ્યુ પોઈન્ટ પણ કહે છે, અહી ગવર્નર હિલ પર સપાટ ટેબલ જેવી સર્ફેસ આવેલી હોવાથી તેનું નામ ટેબલ પોઈન્ટ પડ્યું છે. ટેબલ પોઈન્ટ પર રોમાંચના શોખીનો માટે બાઈક રાઈડીંગ, હોર્સ રાઈડીંગ, કેમલ રાઈડીંગ, ઝીપ લાઈનીંગ કે વેલી ક્રોસિંગ જેવી એક્ટીવીટીઝ પણ છે, અને હા, અનુકુળ હવામાનમાં ચાલુ રહેતી સાપુતારાના રોપ-વેમાં બેસવું તો એક લાહવો છે.

સાપુતારાનો યુ.એસ.પી કહીએ તો એ સાપુતારા લેક. અહી બોટ ભાડે કરી એયને જીવનસાથીના (કે જી.એફ, બી.એફના) હાથમાં હાથ નાખી જલસાથી બોટિંગ કરો. લેકની બહાર ફૂડ પોઈન્ટ્સ અને ગેમિંગ ઝોન પણ આવેલા છે.

બીજી મજાની કુદરતી જગ્યા જે આ લેકથી માત્ર બે મીનીટના અંતરે આવેલું છે તે ‘મધ-માખી ઉછેર કેન્દ્ર’ જ્યાં અલગ અલગ જાતના ફૂલોની આટલી બધી જાત હોય ત્યાં મધમાખી તો રહેવાની જ ને.. અહી દિવસના ભાગમાં એક પણ મધમાખી પોતાના ‘ઘર’માં ના દેખાય, બધી મધમાખી કમાવવા માટે કાળી મજુરી કરવા ફૂલે ફૂલે ભટકતી રહે અને સાંજ પડતાં જ તેઓ પાછા આવે ત્યારે ગીતો ગણગણતા પોતાના ‘ઘર’(લાકડાની પેટી)માં પુરાઈને છુટથી મધ આપે. ત્યાં ચોખ્ખું મધ વેંચાતું પણ મળે.
સાપુતારામાં બીજા હિલ સ્ટેશન પર જનરલી જોવા મળતા સનરાઈઝ પોઈન્ટ, સનસેટ પોઈન્ટ કે ઇકો પોઈન્ટ જેવા પોઈન્ટ્સ તો જોવા મળે જ અને એ આપણે સહુને ખ્યાલ જ હોય એટલે વધુ લખવું જરૂરી નથી, પણ એક શાંત જગ્યા કે જે એક ગણેશ મંદિર છે તે નાસ્તિક લોકો એ પણ જોવા જેવું. અહી ગણેશ ભગવાનના મંદિરની સરહદ પૂરી થાય એટલે બે મોટા પત્થર રાખ્યા છે અને બંનેને સફેદ ચુનાથી રંગી નાખ્યાં છે.. શા માટે? એ નિશાની છે કે આ સફેદ પત્થર પછી ગુજરાતની હદ પૂરી અને મહારાષ્ટ્રની સરહદ ચાલુ.. અરે ત્યાં તો એકદમ બાઉન્ડ્રીને અડીને ગુજરાતના કેટલાય ઘરો આવેલા છે અને જોવાની મજા તો એ આવે કે તે લોકોની પાડેલી મુરઘી અને તેના બચ્ચા આરામથી સરહદ પાર કરી ત્યાનું ચણ ચણી અને ફરી પછી માલિક પાસે ગુજરાતમાં આવી જાય . જાવેદ સાહેબને પંછી, નદીયા, પવન કે ઝોંકે કોઈ સરહદના ઇન્હેં રોકે..નાં શબ્દો અહીં બેઠે જ મળ્યા હશે ..

સાવ જ નાનું સાપુતારા એક દિવસમાં આખું ફરાઈ જાય પણ જો તમે કામના પ્રેસરમાંથી છુટવા અને થોડા રિલેક્ષ થવા માંગતા હોવ તો અહી ઓછામાં ઓછી બે રાત અને ત્રણ દિવસ વિતાવવા જોઈએ. અને સાપુતારા એટલું નાનું છે કે તમે ઉપર જણાવેલા પોઈન્ટ્સમાંથી ટેબલ પોઈન્ટ સિવાયના બધાય પોઈન્ટ્સ પગપાળા જ કવર કરી શકો છો. તો મિત્રો, કુછ દિન તો ગુઝારીયે સાપુતારા મેં ?