કાફે કોર્નર - હું ગુજરાતી Hu Gujarati દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાફે કોર્નર - હું ગુજરાતી

કાફે કોર્નર

કંદર્પ પટેલ

-: हमिदाबाई ची कोठी: -

(હમીદાબાઈ ની કોઠી) – મરાઠી નાટક

“મારે તબિયત નહિ, જીંદગી સારી જોઈએ છે.”

મરાઠી રંગમંચના જાણીતા નાટકકાર અનિલ બર્વે, કલાકાર નાના પાટેકર અને ડિરેકટર વિજય મહેતાની ત્રિપુટી દ્વારા ભજવાયેલ મરાઠી નાટક ‘હમીદાબાઈ ચી કોઠી’ અદભુત છે. પહેલાના સમયમાં સાંજના સમયે મનોરંજન માટે નૃત્ય – સંગીતના કાર્યક્રમો થતા. ઠેર-ઠેર કોઠીઓ હતી. ઈમાનની કદર હતી અને ગર્વથી આ મોજશોખ થતા.

આ તેવા વિસ્તારની કહાની છે, જ્યાં પહેલાના સમયમાં સાતસો સારંગીઓ વાગતી અને આજે એ બારીઓમાંથી માથું બહાર કાઢીને સાતસો સ્ત્રીઓ બેસે છે. વેશ્યાઓ આદિ-અનાદિ કાળથી અસ્તિત્વ તો ધરાવે જ છે પરંતુ તે સમયે તેઓ તવાયફ કહેવાતી. તેઓ શરીર વેચતી કે વહેંચતી નહિ. પરંતુ, તે સમયે તેઓ પોતાનો અવાજ વહેંચતી અને ક્યારેય સસ્તો સોદો કરતી નહિ. આત્મ-અભિમાનની એરણે પોતાનો શાહુકાર ચલાવતી.

તે વિસ્તારમાં હમીદાબાઈ એક તવાયફ હતી. સંગીત જાણે તેનો ધર્મ અને અવાજ તેની પૂજા. સપ્તકની ઉપાસક, સમજણનો ભંડાર. જેવી રીતે અન્ય સંગીતના વિશારદ પાસે તેમના અવાજને રેકર્ડ કરીને વેચાણ શરુ થયું ત્યારે હમીદાબાઈ પાસે પણ આવી વાત આવેલી. પરંતુ, હમીદાબાઈ એ ના પાડી. તેમણે ચોખ્ખા શબ્દોમાં જણાવી દીધું કે, ‘સ્વર એ ઈશ્વરની દેન છે. તે વેચીને અર્થ કમાવા માટે નથી. તેનો હું દુરુપયોગ કદી પણ ન કરી શકું.’ સંગીત એ વ્યક્તિ વચ્ચેના આદાન – પ્રદાનની વસ્તુ છે તેવું તેઓ સમજતા હતા. ગેરફાયદો એ થયો કે અન્ય સંગીતકારોના અવાજો બજારમાં વેચાવા લાગ્યા તેથી હમીદાબાઈ પાસે આવનારા લોકોની સંખ્યા ઘટવા લાગી. એક માત્ર ખાન સાહેબ તેમની કલાના ચાહક હતા. તેઓ દર મહિને અમુક રકમ તેને મોકલતા હતા. તેમની એક દીકરી હતી, જેનું નામ ‘શબ્બો’ હતું.

શબ્બોને હમીદાબાઈ ખુબ ઉમંગથી ભણાવે છે. ખર્ચની ચિંતા કર્યા વિના જ તેને હોસ્ટેલમાં રાખે છે. સંગીત, નૃત્ય જેવું ‘બાઈ’ નું કામ તેને શીખવ્યું જ નહિ. કોઠીની આજુબાજુની વસ્તીમાં વેશ્યાઓ અને માથાભારે ગુંડાઓને લીધે શબ્બોને દૂર રાખતી હતી. પરંતુ, કલાના ચાહકો ઓછા થતા ધન આવતું બંધ થયું. હોસ્ટેલમાં રહેવા માટે પૈસા નથી. શબ્બોને નોકરી મળતી નથી. હમીદાબાઈ બીમાર છે. અમુક – તમુક લોકોને જયારે સંભળાવે છે ત્યારે તેના ગળામાંથી લોહી નીકળી આવે છે. ચોકીદાર, મજૂરો, અપરિણીત પુરુષો એ કોઠીના અભિન્ન અંગ હતા. તેઓ પણ હવે ખસતા જતા હતા. તેને લીધે હમીદાબાઈને હલકો ધંધો શરુ કરવો પડે છે. શરીરને બચાવવાની ચુંગાલમાં તેઓ વધુને વધુ ફસાય છે. જેમ અજગર ફંદો બનાવે અને જોરથી કષ્ટો જાય તેમ જ ! ગરીબીની ભીંસ વધતી જાય છે. અંતે, હમીદાબાઈ દુનિયાને જીરવી શકતી નથી અને મૃત્યુ પામે છે.

શબ્બો માટે બહારના સમાજમાંથી એક લેખકે આશા જન્માવી હતી. શબ્બો એક પછી એક નુત્ય અને સંગીતના સાધનો વેચીને જેમ-તેમ કરીને ઘર ચલાવે છે. તે લેખક શબ્બોને કહે છે કે, “હમીદાબાઈના અવસાન પહેલા આકાશવાણીમાંથી બાબુજી ખાન સાહેબ સાથે તેમની મુલાકાતે આવ્યા હતા.” આ સાંભળીને શબ્બોને થોડી સહાનુભુતિ મળે છે અને રસ્તો દેખાય છે. ગરીબી અને આજુબાજુના લોકોની કુદ્રષ્ટિ જાણીને શબ્બો આત્મહત્યાનો પ્રયાસ કરે છે. ત્યારે આ બાબુજી બચાવી લે છે, જેઓ આકાશવાણીમાંથી આવ્યા હતા. હમીદાબાઈ ને તેઓ પ્રેમપત્રો લખતા રહ્યા હતા. જયાએ સ્પષ્ટતા કરવાની વાત આવી ત્યારે બાબુજીએ કહ્યું, “મારા સમાજને ઠોકર મારી શકું એટલો હું અમીર પણ નથી અને સમાજને ઝુકાવી શકું એટલો શક્તિશાળી પણ નથી. એ જે રીતે તવાયફની બેડીઓ પગમાં પહેરીને સપના જોયા કરતી એ જ રીતે હું નીતિના બંધનોમાં બંધાઈને જ સપના જોતો રહ્યો.”

એ બદનામ વસ્તીમાં એક લુક્કા કરીને ગુંડો રહેતો હતો. જે દરેક પાસેથી હપ્તા લેતો હતો. ઉપરાંત, જેને જરૂર હોય તેને આપતો પણ ખરો ! પોલિસનો જરાયે તેને ડર હતો જ નહિ. ખૂન કરીને પણ બેફિકરાઈથી ફરતો. જયારે શબ્બોની ચુંદડી ઉતારવાની હિંમત તે વસ્તીના લાલજીએ કરી ત્યારે લુક્કાની પાશવી તાકાત જ તેનું રક્ષણ કરી શકે તેમ હતી. અને કદાચ, શબ્બો એ લુક્કાની પત્ની બની જાય તો તેનાથી વધુ સારું શું હોઈ શકે? પરંતુ, શબ્બોની માનસિક પરિસ્થિતિ જોઇને એવું લાગતું હતું કે તે આ લુક્કાને નહિ સ્વીકારે. છેવટે કોઈ વિકલ્પ જ ન રહ્યો. ન ચાહવા છતાં કોઠીમાં લુક્કા તેનું રક્ષણ કરી શકે તે ખાતર શબ્બો તેને પરણી ગઈ. લુક્કાને પતિ તરીકે સ્વીકાર્યો. લુક્કા એ કોઠીમાં દારૂની ભઠ્ઠી શરુ કરી.

લુક્કો ગુંડાગીરી પર ઉતરી આવ્યો. શબ્બો પાસે આઠ આના માટે કાલાવાલા કરતો અને તેને ઘણીવાર ઝૂડતો પણ ખરા ! એક દિવસ દારૂના નશામાં જુના સાથીદાર પેન્ટરના સૂચનથી શબ્બો માટે ઘરાક લાવે છે. શબ્બો સજી-ધજીને બહાર આવ છે. પછી અંદર જઈને અગાઉ કરેલા સંકલ્પ મુજબ કોઠીને સળગાવી મારે છે અને પોતાની જાતને પણ તેમાં જ હોમી દે છે.

આ જિંદગીને હોમતા પહેલા તે વલીબાબા પાસે આવે છે અને કહે છે, “આ દુનિયામાં નહિ તો એ દુનિયામાં આપ, પણ પૂરું થઇ શકે એવું સપનું આપ.”

આ સાથે જ નાટક પૂરું થાય છે. ગમાર લાગતા માણસોના મોં માં પણ સૂચક ઉક્તિઓ મુકીને લેખકે આખા સમાજની વાત વહેતી મૂકી દીધી છે. અમુક એવા વાક્યો છે જે કોઈ પણ વ્યક્તિના ઝમીરને અંદરથી ટટોળીને ઘમરોળી મુકે.

“આપણે પેદા થયા ત્યારે આ મહોલ્લામાં સાતસો સારંગી વાગતી હતી, હવે એક સારંગીની એક-એક રંડી થઇ ગઈ.”

“શબ્બો, મસ્જીદની ઉંચી બિલ્ડીંગ બનાવવા લાગ્યો માણસ, તેમાં દુનિયા બેઈમાન થઇ ગઈ.”

“શબ્બો રાની, દુનિયામાં જવાન કાયા સસ્તી હોય છે. હવેલીઓ અને કોઠીઓ જરૂર મોંઘી હશે.”

“જેને માટે સ્ત્રીનો અર્થ જ ભોગની વસ્તુ છે તેને માટે કોઈ પત્ની હોઈ જ કેવી રીતે શકે?”

“જે મનમાં હોય છે એ જ તેના દિમાગમાં હોય છે. એ જ તેના વર્તનમાં પણ હોય છે. આપણા જેવા સભ્ય લોકોના મનમાં સપના હોય છે. અને, દિમાગમાં હિસાબ અને વર્તન પારકા જેવું.”

“મારી જ અમ્મી એ સાલું વચન માત્ર ન આપ્યું અને દુનિયા નોકરી શું આપવાની?”

“આ દુનિયા સાલી બજાર છે. જો કંઇક વેચવાનું હોય તો ઉપજે. અને, ખરીદવાના પૈસા પણ અહી ક્યાં છે? દુનિયા રેસનું મેદાન છે. જ્યાં સુધી ઘોડી દોડ્યા કરે ને ત્યાં સુધી જ પૈસા મળે. એ પછી દુનિયા ભૂલી જાય છે, ભલે ભવિષ્ય એ ઘોડીના કારણે જ હોય.”

-: બૂઝી કોફી મિલ્કશેક :-

સબાહત ભરેલી સુહાની ગઝલ છે,

તને જોઇ ને મે ઉતારી ગઝલ છે

સનમ , સાકી, સૂરા બધુ આવી ગયુ છે,

સુણો..સાચવીને નશા ની ગઝલ છે.

તમારા સુગંધિત જવાં હુસ્ન માટે,

ફૂલો સંગ બેસી લખાવી ગઝલ છે

કલમ એટલા માટે રાખુ છું કાળી,

નજર ના લગે કે રુપાળી ગઝલ છે.

દુખોની ભયંકર હવાઓ ની સામે,

અડીખમ ઉભેલા દીવાની ગઝલ છે.

નિરાશાની ચારે દિવાલોની વચ્ચે,

ઉમ્મીદોની નાનકડી બારી ગઝલ છે.

દુબારાની એ દાદ શાને ન માંગે ?

જનાબ આ ખરી વેદનાની ગઝલ છે.

કે કોઠાની ચૌખટ પર લાચાર બેઠી,

તવાયફ ની ગમગીન કહાની ગઝલ છે.

ખુદાએ જે બક્ષી 'તી જીવનનાં રૂપે,

અમે જિંદગીભર મઠારી ગઝલ છે.

~ ટેરેન્સ જાની 'સાહેબ'