તારા હાથથી પ્રશાંત સોમાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારા હાથથી

તારા હાથથી

પ્રશાંત સોમાણી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


તારા હાથથી

સ્વર્ગથી આશિષ તમે આપો પપ્પા

જિંદગીનો સાથ તારા હાથથી

મારી હવે બદલાય છે જિંદગી

ચાલ ચાલી નીકળીયે હું ને તું

પ્રેમથી આવી તું બોલી કાનમાં

કદી વિશ્વાસ તોડીને તને મળવા નહીં આવું

તકદીરમાં નથી છતાં ચાહું તને

મંઝિલે પ્હોંચવાનું ખબર નથી

આમ તો ચારે તરફ અંધાર છે

કાનમાં એક પંખીડું ટહુકી ગયું

લો, કરું કોશિશ ને ફાવે તો કહું

રહસ્યો ભીતરે રાખી ફસાવે છે

એ ચાંદ જો દેખાય તો જલસા પડે

સપના લખીયે પ્રેમના સરનામે

છે ઉદાસી આંગણામાં કેમ આવું?

આંગણમાં શ્રીચરણ કોણ માનશે?

આ બરફનાં દ્વાર પાછળ કોણ છે?

જિંદગીભરનો વિસામો કોણ આપે?

નામ તારું ફરી લખાયું છે

સવારે માનવી સાચા રતન લાગે

હું પ્રેમની સજા નથી આપતો,

આગમાં નાખી કે ભીતરથી દઝાડે, ફેર શું?

છું ઉદાસ, ભીતરની આ વ્યથા અધૂરી છે

ખુદા તારા મારા હિસાબ બાકી છે

આ ગઝલમાં ના ઉદાસી જોઈએ,

સ્વર્ગથી આશિષ તમે આપો પપ્પા

સ્વર્ગથી આશિષ તમે આપો પપ્પા,

હાથ મારા શીશ પર રાખો પપ્પા.

વૃક્ષનો એ છાંયડો બનતાં તમે,

આવનારા દુઃખ દર્દ કાપો પપ્પા.

ભીંત પર ફોટો નથી, છે લાગણી,

જિંદગીભર સાથ લાગો પપ્પા.

આપ તો દિલમાં વસો છો રાત’દી,

છે તમારો આશરો સાચો પપ્પા.

આપને જોનાર પણ ના ઓળખે,

માનવીમાં દેવતા લાગો પપ્પા.

જિંદગીનો સાથ તારા હાથથી

જિંદગીનો સાથ તારા હાથથી,

હાથ મળતો જાય તારા હાથથી.

જિંદગી સોંપી તને, લે સાચવી,

શ્વાસ બાંધી રાખ તારા હાથથી.

ઠોકરો ખાધી બધે આખર લગી,

તું સહારો આપ તારા હાથથી.

કષ્ટદાયી રાહ આવે પણ ખરી,

આપજે સંગાથ તારા હાથથી.

જિંદગીભર સાથ તારો આપજે,

થામ મારો હાથ તારા હાથથી.

મારી હવે બદલાય છે જિંદગી,

મારી હવે બદલાય છે જિંદગી,

આગળ જતાં ફંટાય છે જિંદગી.

અફવા તો ફેલાણી ઘણી ચોતરફ,

કોને સત્ય દેખાય છે જિંદગી.

દરિયો બની ભેટી પડી બાથમાં,

મોજાં સમી અથડાય છે જિંદગી.

રસ્તા ઉપર કોને કહું વેદના,

ઘરનાં ખુણે સચવાય છે જિંદગી.

તારું કહ્યું કર્યું હતું તે છતાં,

શાને હવે અકળાય છે જિંદગી?

ચાલ ચાલી નીકળીયે હું ને તું,

ચાલ ચાલી નીકળીયે હું ને તું,

એકબીજામાં ભળીયે હું ને તું.

પ્રેમથી ભીડાય જાશું બાથમાં,

છેક ભીતર ઓગળીયે હું ને તું.

પ્રેમનો વરસાદ પડતો આભથી,

રાતભર ભીંજાશું ફળીયે હું ને તું.

ચોઘડીયા કોણ જોવે, ચાલને?

પ્રેમમાં રોજે પડીયે હું ને તું.

છોડ દુનિયાની ખરી ખોટી રસમ,

ચાલ સ્વપ્નમાં મળીયે હું ને તું.

પ્રેમથી આવી તું બોલી કાનમાં,

પ્રેમથી આવી તું બોલી કાનમાં,

ત્યારથી આવ્યો નથી હું ભાનમાં.

માત્ર ખાલી ખિસ્સું છે મારી કને,

વાયદાઓ રાખતો સામાનમાં.

રોજ ચોકીદાર રાખે આંગણે,

કેમ આવું બોલ તારા સ્થાનમાં?

આજ મારે છે ખુદા ને પૂછવું,

કેમ લીધા નિર્ણયો તોફાનમાં?

હાથમાં આવી ગયા છે સાધનો,

બાળકો રમતાં નથી ચોગાનમાં.

સોડ તાણી એટલી ચાદર હતી,

ધ્યાન રાખ્યું છે છતાં સન્માનમાં.

જિંદગીભર નોકરી તારી કરી,

હું કમાયો પણ રહ્યો નુકસાનમાં.*

* હેમેન શાહની પંકિત

કદી વિશ્વાસ તોડીને તને મળવા નહીં આવું,

કદી વિશ્વાસ તોડીને તને મળવા નહીં આવું,

ફરીથી હાથ જોડીને તને મળવા નહીં આવું.

ભલે કરવા પ્રણયના પારખા આપ્યા તમારા સમ,

કબરના દ્વાર ખોલીને તને મળવા નહીં આવું.

ચહેરા પર આ કાળા કેશ તારાં છો લહેરાતા,

હવાને આજ રોકીને તને મળવા નહીં આવું.

હતી કાયમ પ્રણયની લાગણી બંને તરફ સાચી,

બહાનું રોજ શોધીને તને મળવા નહીં આવું.

સજાવી રાખજો મંડપ તમે, આવી જશું સાંજે,

સમય પ્હેલાં જ દોડીને તને મળવા નહીં આવું.

* રદ્દીફ સાભાર = ખલીલ ધનતેજવી

તકદીરમાં નથી છતાં ચાહું તને,

તકદીરમાં નથી છતાં ચાહું તને,

ઇચ્છા કે સાત જન્મ સુખ આપું તને.

પામી નથી શક્યો તને જાહેરમાં,

સપનું બની હું યાદમાં પામું તને.

સોપું તને આ જિંદગી સઘળી પ્રિયે,

હું એક એક શ્વાસમાં રાખું તને.

ધરપત હતી સમય થયે આવીશ તું,

સૂરજ ઢળી ગયો છતાં ભાખું તને.

લાગે ભલે પ્રશાંત સાગર આકરો,

છે ઝંખના મળે બધું સારું તને.

મંઝિલે પ્હોંચવાનું ખબર નથી,

મંઝિલે પ્હોંચવાનું ખબર નથી,

કેટલું છે ચાલવાનું ખબર નથી.

છે સફર વિશાળ ને સાથ નામનો,

હાથ કોણ ઝાલવાનું ખબર નથી.

રાહબરની રાહ દીઠી ઘણા વરસ,

કેટલું છે કાપવાનું ખબર નથી.

મોતનો હવે નથી ડર જરા મને,

આગ કોણ ચાંપવાનું ખબર નથી.

બેશુમાર દર્દ આપો પ્રશાંતને,

કોણ સાથ આપવાનું ખબર નથી.

આમ તો ચારે તરફ અંધાર છે,

આમ તો ચારે તરફ અંધાર છે,

તું મળે છે એટલે તહેવાર છે.*

ડૂબતો કાયમ રહ્યો છું ભીતરે,

નાવડીનોક્યાં મને આધાર છે?

તું સમય આપી ભલે મોડી પડે,

હર બહાનું આજ તો સ્વીકાર છે.

મેં નથી તસ્વીર તારી જોઈ કદી,

બંધ આંખોથી થતો વ્યવહાર છે.

લે, ખુદા જાણી ગયો મારું વજૂદ,

મેળવી આપી તને, ઉપકાર છે.

* તરહી પંકિત = મનહરલાલ ચોકસી

કાનમાં એક પંખીડું ટહુકી ગયું,

કાનમાં એક પંખીડું ટહુકી ગયું,

આંગણે બારણું મારું અડકી ગયું.

ચાંદની રાતમાં રાહ જોતો હતો,

એક સપનું હવે માર્ગ ભટકી ગયું.

આંસુ ને રોજ હું રોકતો તે છતાં,

આંખમાંથી ફરી પાછું છટકી ગયું.

શોધવાથી મળી જાય એવું ઘણું,

હાથમાં આવતાં વેંત સરકી ગયું.

આ હવા કેમ પ્યાસી બની વૃક્ષની,

પાનખર આવતાં પાન બટકી ગયું.

લો, કરું કોશિશ ને ફાવે તો કહું,

લો, કરું કોશિશ ને ફાવે તો કહું,

લાગણી થોડી બતાવે તો કહું.*

કેમ દિલને રોજ ખોટું લાગતું?

પ્રેમથી સાચું મનાવે તો કહું.

યાદમાં રાખે બધા તો શું નવું?

કલ્પના ભીતર સમાવે તો કહું.

ના સુણાવો ધર્મગીતા યુદ્ધ મહીં,

પ્રેમગીતા તું સુણાવે તો કહું.

કેદમાં તું અક્ષરોને રાખ મા,

શેર, ગઝલોમાં ચણાવે તો કહું.

* તરહી પંકિત = રાજેન્દ્ર શુકલ

રહસ્યો ભીતરે રાખી ફસાવે છે,

રહસ્યો ભીતરે રાખી ફસાવે છે,

તું આપે દર્દ, ને પાછો હસાવે છે.

અજબ આજે રમત જામી છે મેદાને,

જગતને તું ખરી લીલા બતાવે છે.

બધાને તું અચાનક મોત આપી દે,

અમર થઈ આજ દુનિયાને ચલાવે છે.

જગતને ના બચાવી લેત, જો તું હોત?

પછી તું કેમ ખુદને પ્રભુ ગણાવે છે?

જમાનો તો ફરી બેઠો થશે જોજે,

બધી વાતો ભુલી એ મન મનાવે છે.

એ ચાંદ જો દેખાય તો જલસા પડે,

એ ચાંદ જો દેખાય તો જલસા પડે,

તૈયાર છું, બોલાય તો જલસા પડે.

એ બાગમાં ખીલેલ કોમળ પુષ્પ જો,

સાંજે ફરી શરમાય તો જલસા પડે.

શાયર બની અમથી મઠારી આ ગઝલ,

મત્લા જરા સચવાય તો જલસા પડે.

તું ખાનગીમાં આવતી’તી સ્વપ્નમાં,

આંખો મહીં રોકાય તો જલસા પડે.

મંદિરની ચુપકીદી હવે સમજાય છે,

ભીતર ખુદા સમજાય તો જલસા પડે.

હૈયું હવે મારે નથી જા ખોલવું,

સામા દિલે ખોલાય તો જલસા પડે.

બેઠો અગાસી પર હું તારી યાદમાં,

તું બારણે ડોકાય તો જલસા પડે.

સપના લખીયે પ્રેમના સરનામે,

સપના લખીયે પ્રેમના સરનામે,

વરસો જીવીયે પ્રેમના સરનામે.

ગઝલો રૂપે માંગી ભલે કુર્બાની,

કાગળ ખડીયે પ્રેમના સરનામે.

માનો ભલે દેવો, ખુદા કે ઈશુને,

માળા કરીયે પ્રેમના સરનામે,

પકડી કલમ રોજે લખો સારાંશો,

મનને છળીયે પ્રેમના સરનામે.

સાગર મહીં બે-ચાર નાખો પથ્થર,

વમળો રચીયે પ્રેમના સરનામે.

છે ઉદાસી આંગણામાં કેમ આવું?

છે ઉદાસી આંગણામાં કેમ આવું?

આગ લાગી વાદળામાં કેમ આવું?

પાંપણો વચ્ચે હવે ભમવું છે મારે,

પત્થરો છે બારણામાં, કેમ આવું?

રોજ બોલાવીને ધુત્કારે પછી તું,

પ્રેમથી શુભ કામનામાં કેમ આવું?

જિંદગીભર લાખ અરમાનો જે સેવ્યા,

એ બળે છે તાપણામાં કેમ આવું?

કોણ જાણે શું હશે તારા વિચારો,

તે લખેલા ચોપડામાં કેમ આવું?

આંગણમાં શ્રીચરણ કોણ માનશે?

આંગણમાં શ્રીચરણ કોણ માનશે?

ઉત્સાહ આમરણ કોણ માનશે?

એ બંધ પરબિડીયું ખુલી ગયું,

જાણે થયું મરણ કોણ માનશે?

ડૂબાડશો તમે ખાતરી હતી,

શીખી ગયો તરણ કોણ માનશે?

મૃગજળ સમાન દેખાય છે મને,

સાચું હતું ઝરણ કોણ માનશે?

રાખ્યો હતો નયનમાં પ્રશાંતને,

માંગ્યું હતું શરણ કોણ માનશે?

આ બરફનાં દ્વાર પાછળ કોણ છે?

આ બરફનાં દ્વાર પાછળ કોણ છે?

ઓરડા ભીતર ને બાહર કોણ છે?

હું નથી સામે છતાં આકાર છે,

કોણ જાણે, કાચ આગળ કોણ છે.

હું સદા આગળ જનારો માનવી,

રોકનારો આજ સાગર કોણ છે.

કોણ છે, એ જાણવું છે આજતો,

સાવ ખોટી વાત પાછળ કોણ છે.

આંખ મારી ભીંજવે, જે શાયરી,

આ નવો નક્કોર શાયર કોણ છે.

જિંદગીભરનો વિસામો કોણ આપે?

જિંદગીભરનો વિસામો કોણ આપે?

સાથ કાયમનો અમારો કોણ આપે?

રોજ આવી છેતરે મારા કરીબી,

બોલ, મરતાને સહારો કોણ આપે?

ખુદને મળવા આયના પાસે જવું છે,

ત્યાં જવા માટે ઉપાયો કોણ આપે?

થાય ટીકા આપણા બેની જગતમાં,

પ્રેમના સારા વિચારો કોણ આપે?

ચોપડે સાચા હિસાબો રાખતો તું,

રોજનીશીમાં ઉતારો કોણ આપે?

નામ તારું ફરી લખાયું છે,

નામ તારું ફરી લખાયું છે,

હાથ પરથી દિલે છપાયું છે.

શોધવા નીકળી ગયો સપનું,

આંખમાં એટલું ફસાયું છે.

આ જમાનો ભલે કહે પાગલ,

છેક અંતર મહીં હસાયું છે.

માહયલા! છોડ રે ઉદાસી તું,

સૂર્ય ઉગતા ફરી જવાયું છે.

આખરે તું દર્દ ગયો જાણી,

*ભીતરે કેટલું દટાયું છે.

* તરહી પંકિત = વિવેક ટેલર

સવારે માનવી સાચા રતન લાગે

સવારે માનવી સાચા રતન લાગે,

વળી સાંજે બધા કડવા સજન લાગે.

હું બાજી હારતો રહ્યો, હવે તો ખુશ?

રમત જીતીને પણ તારું પતન લાગે.

જગત સામે હવે મારુંક્યાં ચાલે?

ખુદાને પણ હવે સામો પવન લાગે.

મને ડર લાગતો આજે અરીસાનો,

ઉદાસીનું ફરી થાતું મિલન લાગે.

આ રસ્તો શોધતાં કાયમ હું ખોવાયો,

નિરાંતે બેસતાં સામું સદન લાગે.

હું પ્રેમની સજા નથી આપતો

હું પ્રેમની સજા નથી આપતો,

ને દર્દની દવા નથી આપતો.

કેવો કર્યો ખરાબ આ ન્યાય છે,

કંઈ બોલવા રજા નથી આપતો.

ખોટો હતો, છતાં ગુનેગારને,

તું આકરી સજા નથી આપતો.

કષ્ટો ભલે તું આપતો,જાણું છું,

કારણ વગર ખુદા નથી આપતો.

નડતો હતો ‘પ્રશાંત’ સૌને ભલે,

ક્યારેય બદદુવા નથી આપતો.

આગમાં નાખી કે ભીતરથી દઝાડે, ફેર શું?

આગમાં નાખી કે ભીતરથી દઝાડે, ફેર શું?

તું કબરને રોજ ફૂલોથી સજાવે, ફેર શું?

આભથી તૂટી ગયો ત્યારે નથી પરવા કરી,

આંખનો વરસાદ કે પાણી વચાળે, ફેર શું?

દેવ કે દાનવ, હવે સાચો કે ખોટો કોણ છે?

એકબીજા બાહુબળ નાહક બતાવે, ફેર શું?

હે ખુદા, તારો ભરોસો કોણ કરશે હવેથી?

માનવીને રોજ મારે કે ઉગારે, ફેર શું?

તે છતાં દુનિયા ફરી વિશ્વાસ તારો રાખશે,

સત્ય વાતોને ભલે ખોટી ખપાવે, ફેર શું?

છું ઉદાસ, ભીતરની આ વ્યથા અધૂરી છે

છું ઉદાસ, ભીતરની આ વ્યથા અધૂરી છે,

ના શકો તમે પામી, પાત્રતા અધૂરી છે.

લાગણી ને પ્રગટાવી રાખજો ગઝલ ભીતર,

શબ્દની રમત રમતી યાતના અધૂરી છે.

હું મુશાયરા કરતો રોજ પ્રેમના નામે,

કેમ લાગતું? આખી આ સભા અધૂરી છે.

યાદમાં પ્રણય ગીતો કેટલા લખી નાખ્યા,

તોય જિંદગીભરની વારતા અધૂરી છે.

ધ્યાનથી ગઝલ સમજો, પણ પ્રશાંત આખરમાં,

જે વ્યથાને અડકે નહિ, તે કલા અધૂરી છે.*

* રઈશ મનીયારની પંકિત...

ખુદા તારા મારા હિસાબ બાકી છે

ખુદા તારા મારા હિસાબ બાકી છે,

પ્રણય સાગરની બે થપાટ બાકી છે.

સમય હું જાણું છું ઘણી ઉતાવળ છે,

જરા થોભો, અંતિમ સલામ બાકી છે.

ઉઠાવી ના શક્યો સવાલ ખુદ સામે,

દબાયેલો ભીતર અવાજ બાકી છે.

ખુશીથી બાળી નાખજો તમે વ્હાલા,

નથી આત્મા, અંદર સુવાસ બાકી છે.

મહેફિલમાં કોની ખોટ વર્તાણી?

હજારોની ભીડે પ્રશાંત બાકી છે.

આ ગઝલમાં ના ઉદાસી જોઈએ

આ ગઝલમાં ના ઉદાસી જોઈએ,

તારવા સાચો ખલાસી જોઈએ.

શક્ય છે કે આયનો ખોટો હશે,

સત્યને પાછું તપાસી જોઈએ.

ના પુછો કે કોણ કેવું કેમ છે?

ભીતરે ખુદને ચકાસી જોઈએ.

બંધ આંખે નીકળી પડવું હતું,

જિંદગીભર તું પ્રવાસી જોઈએ.

સ્વપ્નમાં તું ઘર કરી ચાલી ગયો,

ને મને દિલનો નિવાસી જોઈએ.