અભિશાપ
(ભાગ–૭ “અંત”)
વિરાજગીરી ગોસાઈ
ઋણ સ્વીકાર...
સૌપ્રથમ આ “ઈ-બૂક” ડાઉનલોડ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મારી પ્રથમ ઈ-બૂક “નાનો અમથો ઈગો” અને “અભિશાપ” વાર્તાને અત્યાર સૂધી ખૂબ જ સારો એવો પ્રતિસાદ આપવા બદલ પણ આપ સૌનો આભાર. સારા કે ખરાબ, પ્રતિભાવો હમેશા માર્ગદર્શકનું કાર્ય કરતા હોય છે. અત્યાર સૂધીની સફરમાં જે જે લોકોના પ્રતિભાવો મળ્યા છે તેઓનો હું અભાર માનું છું. મારી આગળ આવનારી ઈ-બૂકો પણ આપ અપનાવસો અને અમૂલ્ય પ્રતિભાવો આગળ પણ મળતા રહેશે એવી આશા સાથે...
વિરાજગીરી ગોસાઈ
ઈ-મેઈલ –
WhatsApp - +91 99099 02743
પ્રસ્તાવના
અભિશાપ વાર્તાની શ્રેણીના આ સાતમાં અને છેલ્લા ભાગમાં આપનું સ્વાગત છે. અત્યાર સુધીની વાર્તામાં આપણે જોયું કે માહી સાથે થયેલી ઘટનાની અસર હવે શ્રુતિના મગજ પર પડવા લાગી હતી. તેણી પોતાના કામમાં પણ ધ્યાન નહતી આપી શકતી. માધવીને હવે તેણીના માનસિક સંતુલન પર પણ શંકા થવા લાગી હતી. શ્રુતિ વાસ્તવમાં જે ઘટના ના વિચારો અને પાત્રોથી દૂર રહેવાનો પ્રયત્ન કરી રહી હતી તે જ વિચારો અને પાત્રો વારંવાર તેણી સમક્ષ આવીને તેને હચમચાવી જતા હતા. અધૂરામાં પૂરું હવે સુરેશને હોસ્પીટલમાં જોઇને તો તે પાગલ જેવી થઇ ગઈ. શું થાય છે આગળ...?
અભિશાપ ભાગ- ૭
શ્રુતિ અને માધવી હોસ્પીટલની લોબીમાં બેંચ પર બેઠી બેઠી ડોક્ટરની બહાર આવવાની રાહ જોઈ રહી હતી. કોઈ નર્સનું આવી રીતે હોસ્પીટલની લોબીમાં બેંચ પર બેઠા બેઠા ડોક્ટરની રાહ જોવું એ થોડું અજીબ કહેવાય પરંતુ અહિયાં પરિસ્થિતિ જ કઈક એવી હતી. સુરેશની પત્ની તેમજ મહેશભાઈ અને તેનો પરિવાર બાજુની બેંચ પર બેસીને આ બધું જોઈ રહ્યા હતા. અંતે માધવી ઉભી થઇ અને તેઓની પાસે ગઈ.
“શું થયું તેમની સાથે અંકલ?” માધવીએ અચકાતા અચકાતા મહેશભાઈને પૂછ્યું. આમ તો તે દર્દીઓને અથવા તેમના પરિવારજનોને એકદમ પરિપક્વતાથી પૂછી લેતી પરંતુ આજે તે એમ ના કરી શકી.
“તેને આત્મહત્યા ની કોશીસ કરી હતી પરંતુ સમય રહેતા અમે જોઈ ગયા જેથી તુરંત તેને અહી લઇ આવ્યા” મહેશભાઈ બોલ્યા.
“તેમને કઈ થશે તો નહિ ને?” સુરેશની પત્ની ઘબરાતા બોલી.
“તમે ચિંતા નહિ કરો, ડોકટર પૂરી મહેનત કરી રહ્યા છે” માધવીએ પહેલા તેણીને જવાબ આપ્યો અને પછી મહેશભાઈ તરફ ફરીને કહ્યું, “પરંતુ કાલ સુધી તો બધું ઠીક હતું તો પછી આ અચાનક...”
“આજકાલ અમારી સાથે બધું અચાનક જ થઇ રહ્યું છે બેટા. પહેલા માહીનું મૃત્યુ પછી સુરેશનું સત્ય અને હવે આ તેનો આત્મહત્યાનો પ્રયાસ. ખબર નહિ મેં શું પાપ કર્યું હશે ગયા જન્મમાં” તેઓ બોલતા બોલતા નિસાસો નાખી ગયા. માધવી પણ જવાબમાં ચુપ રહી. એવામાં ડોક્ટર ઓપરશન થીએટરની બહાર નીકળ્યા. મહેશભાઈ ઉભા થઈને તેમની પાસે દોડી ગયા.
“તે હવે સુરક્ષિત છે ને ડોક્ટર?” મહેશભાઈએ અધીરાઈથી પૂછ્યું.
“હા તે થોડીવારમાં હોશમાં તો આવી જશે પરંતુ આ આત્મહત્યાનો કેસ હોવાથી અમારે પોલીસને જાણ કરવી પડશે, તેઓ આવીને પૂછપરછ કરી લેશે. તમે થોડીવાર બાદ તેમને મળી શકશો” ડોક્ટર બોલ્યા અને તેમની કેબીન તરફ ચાલવા લાગ્યા. ચાલતા ચાલતા તેમણે એક અધિકારીને પોલીસને જાણ કરવા કહ્યું. ડોકટરના આ શબ્દો સાંભળીને ત્યાં ઉભેલા બધાના હોશ ઉડી ગયા. બધાના મગજમાં અત્યારે એક જ વાત ઘૂમી રહી હતી કે સુરેશને આ વાત કહેવી કઈ રીતે? જે પોલીસથી સુરેશ દૂર ભાગી રહ્યો હતો એ જ પોલીસ તેની પૂછપરછ કરવા આવી રહી હતી.
“બેટા, આખું શહેર જાણે છે અત્યારે માહી વિશે તો શું ડોક્ટરને ખબર નથી કે મારો ભાઈ આ કેસમાં આરોપી છે?” મહેશભાઈએ માધવીને પૂછ્યું.
“ડોક્ટર બધું જાણે છે અંકલ પરંતુ અમારા મેડીકલના વ્યવસાયમાં એક નિયમ છે કે દર્દી કદાચ આરોપી અથવા ગુન્હેગાર પણ કેમ ના હોય પણ તેનો જીવ બચાવવો એજ અમારી પ્રાથમિકતા હોય છે” માધવીએ સહજતાથી કહ્યું. બદલામાં મહેશભાઈએ ચહેરા પર ફક્ત એક હંગામી સ્મિત ફરકાવ્યું.
“પણ હવે આપણે કરીશું શું? પોલીસ તો ગમે ત્યારે આવી જશે” સુરેશની પત્ની બોલી. શ્રુતિ પણ આવીને તેમની પાસે ઉભી રહી.
“બેટા, હવે તમે જ કાઈક મદદ કરો અમારી. જો પોલીસ સુરેશને પકડી જશે તો રાજકારણીઓના દબાણના કારણે તેને છોડાવવો લગભગ અશક્ય થઇ જશે” મહેશભાઈએ માધવી અને શ્રુતિને હાથ જોડતા કહ્યું. શ્રુતિ અને માધવી એકબીજાની સામે જોવા લાગ્યા. બન્નેમાંથી એકેયને નહતું સમજાતું કે તે આમાં શું કરી શકે. તેઓનું એક અવળું પગલું તેમનું કેરીઅર બરબાદ કરી શકે એમ હતું.
“એક મિનીટ આ બાજુ આવ” શ્રુતિએ માધવીનો હાથ પકડ્યો અને તેને બાજુમાં લઇ જવા લાગી.
“શ્રુતિ આપણે કાઈ જ ના કરી શકીએ આમાં અને આપણે કઈ કરવાના પણ નથી ઓ.કે...?” માધવીએ ચાલતા ચાલતા જ પોતાનો પક્ષ રાખી દીધો.
“તો શું કરું હું હવે તું જ કહે મને” શ્રુતિ બોલી.
“શ્રુતિ તું કાઈ જ ના કર, આ કામ પોલીસનું છે અને તેને જ કરવા દે. જો સુરેશ ખરેખર નિર્દોષ હશે તો તે પકડાયા બાદ છૂટી જ જશે. આજે ક્રાઈમ ડીપાર્ટમેન્ટમાં સાઈન્સ કેટલું આગળ નીકળી ગયું છે અને તું હજી જુના વિચારોમાં જ જીવે છે કે પોલીસ તેને પકડશે તો તે નહિ છૂટે વગેરે વગેરે...” માધવી અકળાઈને બોલી, “જો તે સાચો છે તો તેને તેના સત્ય પર શ્રધ્ધા પણ રાખવી જ પડશે. આજના જમાનામાં સત્ય ને પણ સાબિતી તો આપવી જ પડે છે સમજી?”. જવાબમાં શ્રુતિ પાસે કઈ જ નહતું. તે ચુપચાપ ઉભી રહી.
થોડીવાર બાદ બીજી એક નર્સે મહેશભાઈને આવીને કહ્યું કે હવે તેઓ સુરેશને મળી શકે છે એટલે તે બધા અંદર દોડી ગયા. શ્રુતિ અને માધવી પણ અંદર ગઈ. સુરેશ હવે હોંશમાં હતો પરંતુ અલબત તેને આ પગલું હોશમાં રહીને બિલકુલ નહતું ભર્યું. જેલમાં વર્ષો સુધી પુરાઈ રહેવું પડશે તેવા ડરથી ઘબરાઈને તેને આ રસ્તો અપનાવ્યો હતો પરંતુ તેમાં તેને સફળતા ના મળી.
“કેમ છે હવે તને?” મહેશભાઈ તેની પાસે ઉભા રહ્યા અને પૂછ્યું.
“શાં માટે લાવ્યા મને અહી મોટાભાઈ?” સુરેશ ધીરેથી બોલ્યો.
“નબળી વાતો ના કર સુરેશ, હું તારી સાથે છું. અમે બધા તારી સાથે છીએ. તને કાઈ નહિ થાય” મહેશભાઈ બોલ્યા અને એવામાં પોલીસના અધિકારીઓ ત્યાં આવી પહોચ્યાં. તેઓ બધા લોકોને બાજુ પર જવા કહેવા લાગ્યા. સુરેશના ચહેરાનો રંગ બદલાઈ ગયો અને તે બેડ પરથી લગભગ ઉભો જ થઇ ગયો હતો પરંતુ તેની પત્નીએ તેનો હાથ પકડી રાખ્યો અને તેને સુવાડી રાખ્યો. સુરેશ, તેની પત્ની, તેના મોટાભાઈ અને એ બધા લોકોના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ કે જેઓ સત્ય જાણતા હતા. પોલીસ અધિકારીઓની પણ આંખો પહોળી થઇ ગઈ જયારે તેઓએ સુરેશને બેડ પર સૂતેલો જોયો. જે સુરેશને શોધતા શોધતા તેઓને દિવસે તારા દેખાઈ ગયા હતા તે સુરેશ તેઓને મળ્યો તો પણ અંધારી રાત્રે એક હોસ્પીટલના ઓપરેશન થીએટરમાં. જુનીઅર પોલીસ ઓફિસર તો સુરેશને જોઇને ખુબ જ ગુસ્સે ભરાયા પરંતુ તેની સાથે આવેલા ઉપરી અધિકારીએ તેઓને શાંત રહેવા કહ્યું અને પૂછપરછ ચાલુ કરી.
“પૂરું નામ?” એક અધિકારીએ સુરેશની પૂછપરછ ચાલુ કરી. સુરેશે પણ જવાબ આપવાનું ચાલુ કર્યું. અલબત આ પૂછપરછ તેને કરેલા આપઘાતના નિષ્ફળ પ્રયત્ન માટેની હતી.
થોડીવાર બાદ તે ઉપરી અધિકારી આવીને સુરેશના બેડ પાસે રાખેલા નાના ટેબલ પર બેઠાં અને બોલ્યા, “સાચું બોલજે, શું થયું હતું એ રાત્રે અને.....” તેઓ તેનો પ્રશ્ન પૂરો કરે એ પહેલા જ એક જુનીઅર ઓફિસર બોલી ઉઠ્યો, “સર, તમે ફક્ત પરમીશન આપો, અમે જેલમાં બધું સાચું બોલાવી દઈશું આની પાસેથી” આ સાંભળી સુરેશ નીસાસો નાખી ગયો. અલબત પેલા ઉપરી અધિકારી સુરેશના આ બધા હાવભાવ ને જોઈ રહયા હતા. તેઓએ તેના જુનીઅર ઓફિસરને ઈશારો કર્યો અને શાંત કર્યો.
“બોલ સુરેશ, પણ સાચું બોલજે. કદાચ આ છેલ્લી તક છે તારા માટે. પછી કોઈ કઈ નહિ કરી શકે” તેઓ સુરેશની સામે જોઇને બોલ્યા. સુરેશને તેઓનો આટલો શાંત સ્વભાવ જોઇને આશ્ચર્ય પણ થયું અને તેમના પ્રત્યે સમ્માનની લાગણી પણ થઇ.
સુરેશે પહેલા તો તેના પરિવારજનો સામે જોયું અને પછી માંડીને બધી વાત કરવાનું શરુ કર્યું. તેને તે રાત્રે ઘટેલી ઘટના વિશે પોલીસને વિગતવાર સમજાવ્યું. ગીફ્ટ આર્ટીકલની દુકાન પાસે જોયેલી વ્યક્તિ, તેને પહેરેલા કપડા, તેના મોટાભાઈએ કરેલો ફોન, ફોન પર બોલેલા તે વ્યક્તિના શબ્દો, આ બધી જ માહિતી તેને પોલીસ સમક્ષ રજુ કરી. સુરેશની વાત સાંભળી તે જુનીઅર અધિકારી પણ સ્તબ્ધ થઇ ગયા.
“જો તે કાઈ કર્યું જ નહતું તો તારે ભાગવાની શી જરૂર હતી? આ બધી વાત તે પહેલા અમને કરી હોત તો ગુન્હેગાર અત્યારે જેલમાં હોત” તે અધિકારી બોલ્યા.
“કેવી રીતે કહું સર? ઘટનાના બીજા દિવસે મને હોશ આવ્યો ત્યારથી જ સમાચારમાં જોવું છું કે પોલીસ એક આતંકવાદીને શોધતી હોય તેવી રીતે મને શોધે છે. હું ગુન્હેગાર નથી એની ખબર ફક્ત મને જ હતી. મારી પાસે કોઈ જ પુરાવા નહતા જેથી હું પોલીસને સાબિત કરી શકું કે મેં કાઈ નથી કર્યું. તે વ્યક્તિ કોણ છે? મારી સાથે અથવા માહી સાથે તેની શું દુશ્મની છે? કાઈ જ સમજમાં નહતું આવતું મને” સુરેશ બોલવા લાગ્યો, “હું કેમ સાબિત કરું કે હું ગુન્હેગાર નથી?”
થોડીવાર તો કોઈ કાઈ ના બોલ્યું પછી એક અધિકારી બોલ્યો, “જો તને ફોટો અથવા સ્કેચ બતાવવામાં આવે તો તું એ વ્યક્તિને ઓળખી શકે?”
“અલબત સર. એ ચહેરાને હું ક્યારેય નહીં ભૂલી શકું” સુરેશ બોલ્યો.
“ઠીક છે સુરેશ. જે તૂ કહી રહ્યો છે તે સાચું હશે તો અમે તે વ્યક્તિને ગમે ત્યાંથી શોધી લઈશું પણ જો તે કીધેલી વાત ખોટી નીકળી તો........” તે અધિકારી વાક્ય પૂરું કરે એ પહેલા જ સુરેશ બોલ્યો, “તો હું જ તમારી સમક્ષ હાજર થઇ જઈશ સર”
“અને હા, આ આત્મહત્યા કરવી પણ એક ગુન્હો જ છે અને તેનાથી કોઈ જ સોલ્યુશન નથી આવતું. જરૂર પડ્યે સંપર્ક કરીશું, હાજર થઇ જજે” પોલીસવાળા આટલું બોલીને જતા રહ્યા. પોલીસની આટલી ટૂંકી પૂછપરછથી બધાને આશ્ચર્ય તો થયું પણ કોઈ કાઈ બોલ્યું નહિ.
“સર આપણે તેની વાતો માં વિશ્વાસ કેવી રીતે કરી શકીએ? હોઈ શકે કે તે જુઠું બોલી રહ્યો હોય?” જે જુનીઅર ઓફિસર ગૂસ્સામાં હતો તે બહાર ચાલતા ચાલતા બોલ્યો.
“અને એ પણ હોઈ શકે કે તે સાચું બોલતો હોય. રાજનેતા તો જનતાના મત માટે કઈ પણ વચન આપી દે પરંતુ એ આપણી જવાબદારી છે કે આપણાથી કોઈ એવો વ્યક્તિ ના જડપાઈ જાય જે ગુન્હેગાર ના હોય” ઉપરી અધિકારી પોલીસ જીપમાં બેસતા બોલ્યા, “આરોપી અને ગુન્હેગારમાં ફર્ક હોય છે રાકેશ”. રાકેશ નવો નવો પોલીસ દળમાં જોડાયો હતો.
“સોરી સર, હું થોડો આક્રોશમાં આવીને બોલી ગયેલો” રાકેશ બોલ્યો.
“એમાં તારો વાંક નથી, આજકાલ મીડિયા પોતે જ “જજ” બની જાય છે જેથી લોકો ગેરમાર્ગે દોરાય છે” તે બોલ્યા, “ચાલ ભાઈ, ગાડી પોલીસ સ્ટેશને લઇ લે”
“સર, તમે કહો તો તે ગીફ્ટ આર્ટીકલની દુકાન અને સુરેશ જે સોસાયટીમાં રહે છે ત્યાનું સી.સી.ટી.વી. રેકોર્ડીંગ મંગાવી લઉં?” બીજો અધિકારી બોલ્યો.
“તેની સોસાયટીનું સી.સી.ટી.વી. ફૂટેજ તો આવી ગયું છે પણ તેમાં તે વ્યક્તિને ઓળખવો શક્ય નથી. એક કામ કર, પેલી ગીફ્ટ આર્ટીકલની દુકાન પર તપાસ કર, ત્યાં કેમેરા હશે તો રેકોર્ડીંગ મળી જશે અને આપણે સુરેશને બોલાવીને વેરીફાઈ કરી લઈશું” તે બોલ્યા અને તેમની જીપ હોસ્પીટલના મેઈન ગેટની બહાર નીકળી ગઈ.
બીજીબાજુ સુરેશ અને તેના પરિવારે હવે શાંતિનો શ્વાસ લીધો. શ્રુતિ અને માધવી એકબીજીની સામે જોઈ રહી. શ્રુતિને માધવીની વાત પર હવે વિશ્વાસ આવી ગયો હતો કે જો કોઈ સાચું હોય તો તેને તેના સત્ય પર શ્રધ્ધા પણ હોવી જ જોઈએ. આજના જમાનામાં સત્યને પણ પુરાવો તો આપવો જ પડે છે.
બે દિવસ પછી સુરેશ તેના ભાઈ મહેશભાઈના ઘરે હતો ત્યારે તેનો ફોન રણક્યો. તે ફોન પોલીસ સ્ટેશનેથી હતો. સુરેશ તેના ભાઈ સાથે પોલીસ સ્ટેશને ગયો અને ત્યાંનું દ્રશ્ય જોઇને જે ગુસ્સાથી લાલચોળ થઇ ગયો. માહીનો ગુન્હેગાર તેની સમક્ષ હતો. તે તેને મારી નાખવા તત્પર હતો. તે જેવો પેલા વ્યક્તિ તરફ દોડવા લાગ્યો એટલે એક અધિકારીએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે એટલો ગુસ્સામાં હતો કે એક વ્યક્તિ તેને રોકવા માટે સક્ષમ નહતો. મહેશભાઈ તેમજ બીજા અધિકારીઓએ મળીને તેને રોક્યો.
“શું બગાડ્યુ હતું મારી માહીએ તારું હે? બોલ....બોલ....છોડો મને... હું જીવતો નહિ છોડું આને” સુરેશને ચાર ચાર લોકોથી પણ જકડી રાખવામાં મુશકેલી પડી રહી હતી. એક અધીકારીના કહેવાથી તે ગુન્હેગાર વ્યક્તિને બીજી તરફ લઇ જવામાં આવ્યો. સુરેશને ખુરશી પર બેસાડવામાં આવ્યો.
“તારી બતાવ્યા પ્રમાણેની વિગતોથી તેમજ સી.સી.ટી.વી. રેકોર્ડીંગની મદદથી અમે તેને પકડ્યો અને તારો ગૂસ્સો જોઇને સાબિત થાય છે કે આ એ જ વ્યક્તિ છે જેણે અમે શોધતા હતા. તેનું નામ અવનેશ છે અને તે માનસિક રીતે બીમાર કહી શકાય તેવો આરોપી છે. તે પહેલા પણ છોકરીઓની છેડતીના કિસ્સામાં જેલ જઈ ચૂક્યો છે. પહેલેથી જ તેના નામ પર ક્રિમિનલ રેકોર્ડ હોવાથી અમે તેને વગર કોઈ એફ.આઈ.આર એ અરેસ્ટ કરી લીધો” ઓફિસર બોલ્યા. સુરેશ અને મહેશભાઈ કાઈ જ બોલ્યા વગર બધું સાંભળતા રહ્યા. તેઓના આશ્ચર્યનો કોઈ પાર જ નહતો.
સુરેશ માહીના અસલી ગુન્હેગાર પકડાયાના સંતોષ સાથે પરંતુ માહી હવે તેણી સાથે ના હોવાના અફસોસ સાથે પોલીસ સ્ટેશનેથી તેના ઘર તરફ ચાલવા લાગ્યો, તેના ભાઈ પણ એટલા જ સદમા માં હતા. શ્રુતિ અને માધવીને આખી બાબત મહેશભાઈ થકી જાણ થઇ ત્યારે તે બંનેના પણ આશ્ચર્યનો પાર ના રહ્યો કે એક માનસિક રીતે બીમાર વ્યક્તિ સમાજમાં ખુલેઆમ ઘૂમી રહ્યો હતો અને એક નિર્દોષ બાળકીનો ભોગ લીધા બાદ તેને જેલ થઇ અને કાયદાકીય રીતે તેને માનસિક બીમારીની હોસ્પીટલમાં દાખલ કરી દેવામાં આવ્યો.
*****
સાંજના આશરે છએક વાગ્યા હતા. બપોર સુધી સતત વરસ્યા બાદ વરસાદે હવે વરસવાનું બંધ કરી દીધું હતું. સૂર્યના આછા કિરણો દિવસને અલવિદા કરી રહ્યા હતા. પક્ષીઓ પણ તેઓના માળામાંથી બહાર નીકળીને ટોળામાં આમ તેમ ઉડી રહ્યા હતા. શ્રુતિ અને તેણી માં ઘરની છત પર બેઠા હતા. શ્રુતિ માહી સાથે ઘટેલી ઘટનાના ગુન્હેગાર વિશે તેણી માંને બધી વાત કરી રહી હતી.
“આવું કેમ થતું હશે માં? એક માનસિક રીતે બીમાર વ્યક્તિ સમાજમાં ગમે તેની સાથે ગમે તેમ કરે અને પછી કાયદાકીય રીતે તેને હોસ્પીટલમાં એક દર્દી તરીકે દાખલ કરી દેવામાં આવે? શું આ જ ન્યાય હોઈ શકે એક બાળકી સાથે થયેલા આટલા ક્રૂર બળાત્કાર અને હત્યાકાંડ માટે?” શ્રુતિ બોલી. તેણી માંએ જવાબમાં ચહેરા પર કોઈ પણ જાતના હાવભાવ વગર ૧૭ વર્ષની ઉમરે તેણી સાથે ઘટેલી ઘટનાની વાત શ્રુતિને કરી. આ સાંભળીને શ્રુતિ બે ઘડી તો અવાચક જ બની ગઈ. ઘણીવાર પછી તે કાઈક બોલી શકી.
“અને છતાય પપ્પાએ તમારી સાથે લગ્ન કર્યા?” શ્રુતિ પાસે પૂછવા માટે ફક્ત એક જ પ્રશ્ન હતો.
“તારા પિતાજી ભણવા માટે શહેર આવેલા અને તેના જીવનનો મોટાભાગનો સમય તેમને શહેરમાં જ ગાળ્યો હતો. તે ગામડાના હોવા છતાં તેના વિચારો એક શહેરમાં રહેતા પુરુષ કરતા પણ ઊચ્ચ કક્ષાના હતા. મારી સાથે થયેલા બળાત્કાર બાદ જયારે મારા પિતાજી તેમના ઘરે ગયા ત્યારે તેમના માતા પિતાએ અમારી સગાઇ મૂકી દેવા કહેલું પરંતુ વિઠ્ઠલે કીધેલું કે “કાલ સવારે લગ્ન થયા પછી જો શારદા સાથે કાઈ થાય તો શું હું તેને છોડી દઉં? શું સગાઈ ફક્ત મુલાકાત કરવા માટે જ હોય છે?” તેઓ સગાઈને લોહીની સગાઇ માનતા અને એવી રીતે નિભાવતા પણ. તેના માતા પિતાએ કહેલું કે જો તારે આ સગાઇ રાખવી હોય તો આજથી તારે અમારો સાથે કોઈ સબંધ નહિ રહે” શારદા બોલતા બોલતા અટકી ગઈ.
“અને પછી?” શ્રુતિએ પૂછ્યું.
“તારા પિતાજી એમનું ઘર છોડીને મને અહી લઇ આવ્યા. સમાજની પરંપરાઓથી ઉપર તેમને મને અપનાવી. અહી આવ્યા બાદ અમે લગ્ન કર્યા અને એક નવી ઝીંદગીની શરૂઆત કરી. અલબત તે તેના માતા-પિતાનો ખુબ આદર કરતા પરંતુ ત્યારે વાત એક છોકરી સાથેના થવા જઈ રહેલા અન્યાયની હતી જેથી તેઓએ મારો સાથ આપ્યો. હજારોમાં કોઈ એક વ્યક્તિ આવું હોય છે જેવા તારા પિતાજી હતા” શારદાના ચહેરા પર હવે ગર્વ હતું.
“શારદાબેન દૂધ લઇ જાઓ” ઘરના મુખ્ય દરવાજાની બહારથી દૂધવાળાનો અવાજ આવ્યો અને શારદા દાદરા ઉતારીને નીચે દૂધ લેવા જતી રહી.
શ્રુતિ પાસે કહેવા માટે કાઈ જ નહતું. તેના પિતાજી પ્રત્યે તેને જે માન અને આદર હતો તે હવે અનેકગણો વધી ગયો હતો. સમાજના પુરુષો પ્રત્યેની ધ્રુણા વચે હવે તે તેના પિતાજી જેવા વિચાર રાખનારા સમાજના અમુક પુરુષોને મનોમન સલામ કરવા લાગી. ચહેરા પર એક અજીબ જ ભાવ સાથે તે ઢળતા સૂરજને જોઈ રહી અને જોતજોતામાં સૂરજે જાણે શ્રુતિના જીવનનો એક અધ્યાય પૂરો થયો હોય તેમ તે ખુબસુરત સાંજને અલવિદા કહી દીધી.
- અંત -