અભિશાપ - ભાગ 1
રાત્રિના દશેક વાગ્યા હતાં, શહેરના મધ્યમાં આવેલી "શ્રીરામ સોસાયટી" ને આંગણે ઓટોરીક્ષા આવીને ઉભી રહી. ડ્રાઈવરે પાછળ બેઠેલી યુવતીને તેણીનું ઘર આવી ગયાનું જણાવ્યું અને પચાસ રૂપિયા ભાડું આપવા કહ્યું. થોડીવાર સુધી પાછળથી કોઈ જવાબ ન આવતા ડ્રાઈવર ફરી બોલ્યો, "બેન તમારી શ્રીરામ સોસાયટી આવી ગઈ" એટલે તે યુવતી ઝબકીને ભાનમાં આવી અને રીક્ષાની નીચે ઉતરી. તેણીએ ઓટો ડ્રાઈવરને પૈસા આપ્યા, સોસાયટીના મેઈન ગેટ પર લખેલા નામ તરફ જોયુ અને તેણીના ઘર તરફ ચાલવા લાગી. આશ્ચર્ય કેહવાય પરંતુ સોસાયટીના એ નામ પર આજે તેને ગુસ્સો આવી રહ્યો હતો.
"બેટા ક્યાં હતી તું? કેમ આટલું મોડું થઇ ગયું?" ઘરનો દરવાજો ખોલતા તેણીની માં બોલી. જવાબ આપવાને બદલે તે સીધી તેના રૂમ તરફ ચાલવા લાગી. શ્રુતિ શારદાબેનની એકની એક દીકરી હતી અને હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતી હતી. દશ વર્ષ પેહલા તેના પતિને એક અકસ્માત ગુમાવ્યા બાદ તેણીએ જ શ્રુતિને ઉછેરી હતી. તેને શ્રુતિને કોઈ દિવસ બાપની કમી અનુભવવા નહતી દીધી. આમ તો શારદાબેનને પેન્શન આવતું જ હતું જેમાંથી માં-દીકરી નું ગુજરાન આરામથી ચાલી શકતું પણ શ્રુતિને નવરા બેસી રેહવું ના ગમતું એટલે તેણીએ નર્સિંગનો કોર્ષ કરીને શહેરની એક ખાનગી હોસ્પિટલમાં નોકરી કરવાનું પસંદ કર્યું હતું.
"અરે શ્રુતિ, શું થયું બેટા? તું કાંઈ બોલતી કેમ નથી?" તેણીને અસ્વસ્થ જોતા શારદાબેન મુંઝાયા. શ્રુતિ તેનો કોઈ જ જવાબ આપ્યા વગર તેના રૂમમાં પ્રવેશી અને ધડ્ દઈને રૂમનો દરવાજો બંધ થઇ ગયો. શારદાબેન તો મનમાં ન આવવાના વિચાર આવવા લાગ્યા. તે દોડીને શ્રુતિના રૂમ પાસે ગયા અને દરવાજો ખખડાવવા લાગ્યા, " બેટા શ્રુતિ, દરવાજો ખોલ. શું થયું?" પરંતુ અંદરથી કોઈ જ જવાબ ના આવ્યો. "શ્રુતિ તને મારા સમ છે, દરવાજો ખોલ" શારદાબેને પ્રયન્તો ચાલુ રાખ્યા. અંતે થોડીવાર પછી દરવાજો અંદરથી ખુલ્યો અને શારદાબેનની સામે શ્રુતિનો ભય અને નિરાશાથી ઘબરાયેલો ચહેરો હતો. શારદાબેને તેનો હાથ પકડીને પલંગ પર બેસાડી.
"શ્રુતિ, મારી સામે જોઇને વાત કર. શું થયું?" શારદાબેને સહજતાથી પૂછ્યું પરંતુ તેણી ફક્ત શારદાબેનની સામે જોઈ રહી. તેણીની આંખમાં આંસુ નહતા.
"તે ફક્ત બાર વર્ષની હતી માં" ઘણીવાર પછી શ્રુતિ મુશ્કીલથી બોલી શકી.
"કોણ બેટા?" શારદાબેને તેણીની પીઠ પર હાથ ફેરવતા પૂછ્યું. શ્રુતિ તરત તો કાંઈ ના બોલી પરંતુ થોડીવાર પછી તેને બોલવાનું શરુ કર્યું.
"આજે હોસ્પિટલ માં એક બાર વર્ષની છોકરીનો કેસ આવેલો માં. તેની સાથે બળાત્કાર થયો હતો. તે કેટલી પીડાતી હતી દર્દથી. ફક્ત બાર વર્ષ માં, ફક્ત બાર ! આ ઉંમર છોકરીઓના રમવા કૂદવાની હોય છે પણ પુરુષપ્રધાન આપણા આ સમાજના કહેવાતા અમૂક "જણ" એમને ફક્ત જાતીય સમાગમનું રમકડું સમજે છે, તેની વેદના, તેની પીડા અને માનસિક હાલત કેટલી હદે કથળી જાય એનો અંદાજ પણ નથી કોઈને. શું સ્ત્રી હોવું એ કાંઈ અભિશાપ છે?" શ્રુતિ બોલી અને નીચું જોઈ રહી. અલબત તે જાણતી હતી કે આવા દુષ્કર્મ સમાજના અમૂક માનસિક રીતે બીમાર લોકો જ કરી શકે પરંતુ તેણીને અત્યારે આખી પુરુષ જાતી પર રોષ આવી રહ્યો હતો. શારદાબેને કહીં જ બોલ્યા વગર તેણીની પીઠ પર હાથ ફેરવવાનું ચાલુ રાખ્યું. તેઓ સારી રીતે જાણતા હતા સમાજના આ વર્ગને, તેઓએ તો બાપ વગર એક દીકરી મોટી કરી હતી. કેટકેટલી મુસીબતોનો સામનો કરીને તેણીએ શ્રુતિને મોટી કરી હતી તેનો કોઈ અંદાજ પણ ના લગાવી શકે.
"તમને ખબર છે માં, મેં બળાત્કારના કેસ તો ઘણા જોયા છે પરંતુ આ કેસ માં મને આંચકો કેમ લાગ્યો? કેમ કે આ દુષ્કર્મ બીજા કોઈએ નહિ પરંતુ તેના સગા કાકાએ કર્યું હતું. સંસ્કૃતિ અને પરંપરાના નામ પર હમેશા છોકરીઓ પર દબાણ કરનારો આપણો આ સમાજ આવા લોકો માટે કેમ કોઈ નિયમો નથી બનાવતો? આવું જ થવા લાગશે તો લોહીના સબંધોનું મહત્વ શું રહેશે? બાપ-દીકરી, ભાઈ-બહેન, કાકા-ભત્રીજી, મામા-ભાણી અને એવા બધા જ લોહીના સબંધ કે જેને આપણે પવિત્ર માનીએ છીએ. સબંધની પવિત્રતા કરતા પણ ઉપર એ છોકરીની પીડા અને તેની માનસિક સ્થિતિ।....." શ્રુતિ બોલતા બોલતા નિસાસો નાખી ગઈ, "અમે તેણીને ના બચાવી શક્યા માં, અમારી આખી ટીમ તે છોકરીને ના બચાવી શકી" બોલીને તેને માંના ખોળામાં માથું રાખી દીધું. શારદાબેન તેના માથા પર હાથ ફેરવવા લાગ્યા. શ્રુતિ બોલતી બોલતી ક્યારે સુઈ ગઈ તેની ખબર બેમાંથી એકેયને ના રહી. શારદાબેને તેણીનું માથું તકિયા પર રાખ્યું અને ચાદર ઓઢાડીને રૂમની બહાર નીકળી ગયા. તેઓને તેની સાથે થયેલો એ દર્દનાક કિસ્સો યાદ આવી ગયો.
પોતે અખળાપર ગામમાં રહેતા અને સત્તર વર્ષની ઉમરે તેમના લગ્ન નક્કી થઇ ગયા હતા મધલપર ગામના એકવીસ વર્ષના યુવક વિઠ્ઠલ સાથે. વિઠ્ઠલ ભણવામાં ખુબ જ હોશિયાર હતો એટલે વધુ અભ્યાસ માટે ગામડેથી ઘણો સમય દૂર રહેલો. સગાઇ થયાના ત્રણ મહિના પછી તે ફરી પોતાના વતન પરિવારને મળવા આવેલો, અલબત શારદાને પણ કે જે તેની પત્ની બનવાની હતી. અખળાપર અને મધલપર વચ્ચે લગભગ નવ કિલોમીટરનો રસ્તો હતો કે જેમાં અમુક અમુક અંતરે ખેતરો આવતા. શારદા પણ તેના થનારા જીવન સાથીને મળવા ઉતાવળી થઇ રહી હતી. સત્તર વર્ષની ઉમર એટલે સોળે કળાએ ખીલતું તેનું રૂપ, ભરાવદાર શરીર, કોઈપણ જોઇને છક્ક થઇ જાય એવો શરીરનો રંગ. ચણીયા ચોળી પહેરીને તે તેની જ ધૂન માં ચાલી રહી હતી એ વાત થી અજાણ કે કોઈ તેનો પીછો કરી રહ્યું હતું. ગામના સરપંચનો પચીસ વર્ષનો છોકરો નવઘણ શારદાના રૂપ પર મોહી પડ્યો હતો. અલબત તે પરણેલો હતો તેમજ તેના ઘરે પણ બે વર્ષની પુત્રી હતી. તેને ઘણી વખત શારદાને તેના ઘરે આવવા કહેલું તેમજ તેણીના ઘરે કોઈ ના હોય ત્યારે તકનો લાભ લઈને ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરેલો પરંતુ શારદા તેનો ઈરાદો સમજી ગયેલી જેથી તેને ચોખી નાં પાડી દીધેલી. ગામના પાદરે બેસીને આવતી જતી છોકરીઓને અશ્લીલ નજરથી જોવી, તેની આગળ પાછળ ફરવું એજ તેનું કામ. બાપ ગામનો માથાભારે મોભી હોવાથી તેને કોઈ કાઈ કહી શકતું નહિ અને આ બધું છૂટથી કરવાની પ્રેરણા મળતી. ચાલતા ચાલતા શારદાને રસ્તાની બાજુમાં પડેલા ઘાસના ઢગલામાંથી કાંઈક અવાજ આવ્યો એટલે તે ચમકીને ઉભી રહી ગઈ. કાળા ડીબાંગ વાદળા આકાશમાં જાણે વર્ષોથી વરસવાની રાહ જોતા હોય અને તેની ધીરજ ખૂટી ગઈ હોય તેમ તૂટી પડ્યા. પળભરમાં તો શારદા ભીંજાઈ ગઈ. તેણીએ વરસાદથી બચવા માટે આમતેમ નજર કરી પરંતુ ત્યાં બધું ખુલ્લું હતું જેથી તેની પાસે પલળવા સિવાય કોઈ વિકલ્પ ના હતો. રસ્તાની બાજુ પર રાખેલા ઘાસના ઢગલાની પાછળ છુપાયેલો નવઘણ આ બધું જોઈ રહ્યો હતો. વરસાદમાં ભીંજાયેલી શારદાને જોઇને નવઘણ જાણે અધીરો થઇ ગયો. તે ભૂખ્યા શિયાળની જેમ ઉપર નીચે થતી શારદાની છાતી, તેની ચણીયાચોળી પેહર્યાના કારણે દેખાતી કમર તેમજ શરીરના તમામ વણાંકોને તાકી રહ્યો હતો. તે શારદાને વાસનાની એવી નજરથી જોઈ રહ્યો હતો કે જેમાં તે તેણીને પોતાના ધાર્યા પ્રમાણેની અવસ્થામાં કલ્પી શકે. શારદાએ ફરી ચાલવાનું શરૂ કર્યું અને ચાલતા ચાલતા થોડે આગળ જઈને તે અચાનક અટકી ગઈ. તેણીને પાછળ કોઈ પીછો કરતુ હોવાનો અહેસાસ થયો જેથી પહેલા તો ખુબ મુંઝાણી પરંતુ પછી ખૂબજ હિંમત એકઠી કરીને પાછળ ફરી, તેણીના હોશ ઉડી ગયા. તેનાથી ફક્ત સાત આઠ પગલાના અંતરે નવઘણ ઉભો હતો. હવે શું કરવું તેણીને કઈ જ સમજ નહતું આવતું.
વિરાજગીરી ગોસાઈ