Abhishaap (Part-4) Virajgiri Gosai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

Abhishaap (Part-4)

"અભિશાપ" ભાગ-4

દિવસો વિતી રહ્યા હતા અને શ્રુતિની પેલી બાર વર્ષની છોકરી સાથે ખરેખર શું બન્યું હતું તે જાણવાની ઈચ્છા તીવ્ર બની રહી હતી. લગભગ દરરોજ રાત્રે સપનામાં તેણીને તે છોકરીના છેલા શબ્દો કાને સંભળાઈ રહ્યા હતા. તે હવે કોઈ પણ કિંમતમાં તે શબ્દો નો અર્થ શોધવા માંગતી હતી. એક દિવસ નાઈટ શીફ્ટમાં તેણીએ હોસ્પિટલના રીસેપ્સન પરથી તે છોકરીના કેસની ફાઈલ કાઢી અને માહિતી એકઠી કરવા લાગી. શ્રુતિએ તે છોકરીનું નામ વાંચ્યું, તેણીનું નામ માહી હતું. શ્રુતિએ તેણીનું સરનામું નોંધ્યું, ફાઈલ પાછી મૂકી અને રૂટીન કામમાં લાગી ગઈ. તેણીએ નક્કી કર્યું કે નાઈટ શીફ્ટ પૂરી કરીને કાલે તે માહીના ઘરે જશે અને આખી વાત જાણવાનો પ્રયત્ન કરશે. તેણીએ તેની સહકર્મી અને ખાસ બહેનપણી માધવીને પણ સાથે આવવા કહ્યું હતું.

"અરે બેટા સવાર સવારમાં ક્યાં ચાલી?" શ્રુતિને સવારમાં તૈયાર થઈને બહાર જતા જોઇને શારદાબેને પૂછ્યું.

"બહાર જાઉં છું માં, થોડું કામ છે" શ્રુતિ બોલી અને સેન્ડલ પહેરવા લાગી.

"પણ તું નાઈટ શીફ્ટ કરીને આવી છો, થોડીવાર સુઈ જા પછી જજે" શારદાબેને કહ્યું.

"બપોરે આવીને સુઈ જઈશ માં, અત્યારે જવું પડે એમ છે. હું નીકળું છું, માધવી મારી રાહ જોતી હશે" શ્રુતિ શારદાબેનને પગે લાગી અને ઘરેથી નીકળી ગઈ.

"ધ્યાન રાખીને જજે" શારદાબેન બોલ્યા, ખબર નહિ શ્રુતિએ તે સાંભળ્યું પણ હતું કે નહિ.

માહી ના ઘરનું સરનામું શોધતા શોધતા શ્રુતિ અને માધવી "કૈલાશધામ સોસાયટી" પોહાચ્યા. તેઓએ સ્કૂટી બહાર પાર્ક કર્યું અને સરનામું કન્ફર્મ કરવા સોસાયટીના ગેટ પર નામ વાંચ્યું. સોસાયટી ના નામ ભગવાનના નામ પર જોઇને શ્રુતિ આજકાલ ખુબ જ અકળાઈ જતી હતી.

"એક તરફ ભગવાનના નામ પર સોસાયટી ના નામ રાખે છે અને બીજીબાજુ,.............." શ્રુતિ એકલી એકલી જ બબડતી હતી એટલે માધવીએ પૂછ્યું, "શું?"

"કાઈ નહિ, ચલ અંદર જઈએ" શ્રુતિ બોલી અને તે બંને ગેટની અંદર જવા લાગી.

"આ ફ્લેટ નંબર 404 કયા ટાવર માં છે?" શ્રુતિએ વોચમેનને પૂછ્યું.

"આ સામેના બિલ્ડીંગમાં" વોચમેને કહ્યું, "કોનું કામ છે?"

"મહેશભાઈ રાવલ" શ્રુતિએ પોતે લખેલા સરનામાના કાગળમાં જોયું અને બોલી.

"ઠીક છે, જાઓ" વોચમેને કહ્યું એટલે તે બંને ત્યાં લીફ્ટ પાસે ગઈ.

"શ્રુતિ, હજી એકવાર વિચારી લે. તને ખરેખર લાગે છે આ યોગ્ય સમય છે તેના પરિવારને મળવાનો? આઈ મીન હજી દશ બાર દિવસ જ થયા છે એ વાત ને" માધવીએ શ્રુતિને પૂછ્યું, તે ડરી રહી હતી.

"એ ફક્ત વાત જ નહતી માધવી"

"આઈ નો શ્રુતિ, પણ મારો કહેવાનો મતલબ એમ છે એ હમણાં એ લોકો પણ પોલીસ અને મિડિયાના સવાલ જવાબ થી ત્રાસી ગયા હશે અને એવામાં આપણે......" માધવી વાક્ય પૂરું કરે એ પહેલા ચોથો માળ આવી જતા શ્રુતિ લીફ્ટ માંથી નીકળીને ફ્લેટ નંબર 404 તરફ ચાલવા લાગી એટલે માધવીએ પણ પોતાની વાત પડતી મૂકી અને સાથે ચાલવા લાગી. શ્રુતિએ બેલ વગાડી.

"કોણ?" દરવાજો ખોલતા જ આશરે ચાળીસેક વર્ષના વ્યક્તિએ પૂછ્યું.

"જી હું શ્રુતિ અને આ માધવી, અમે એક્ચુલી..................માહી વિષે......... આપ મહેશભાઈ...............માહીના પિતા....આ માહીનું ઘર જ......" શ્રુતિ તુટક અવાજમાં વાક્ય પૂરું કરે એ પહેલા જ પેલા વ્યક્તિએ કહ્યું "નાં" અને જોરથી દરવાજો બંધ કરી દીધો. શ્રુતિ અને માધવી તો સ્તબ્ધ જ થઇ ગઈ. માધવી તો શ્રુતિને કહેવા લાગી કે આપણે પાછું જવું જોઈએ પણ શ્રુતિ ત્યાં જ ઉભી રહી. તેણીએ ફરીથી બેલ વગાડી એટલે માધવી તો ડરની મારી બાજુ પર જતી રહી.

"તમે હજી અહિયાં જ ઉભા છો? તમને કીધુંને કે તમે ખોટા સરનામાં પર આવ્યા છો" તે વ્યક્તિએ દરવાજો ખોલતા ફરી ગુસ્સામાં કહ્યું અને દરવાજો બંધ જ કરવાના હતા ત્યાં શ્રુતિ બોલી, "મને માહીએ હોસ્પિટલ માં કાંઈક કહ્યું હતું". દરવાજો લગભગ બંધ જ થઇ જવાનો હતો પરંતુ શ્રુતિના શબ્દો સાંભળીને મહેશભાઈ એટલે કે માહી ના પિતા અટકી ગયા.

"કોણ છો તમે?" મહેશભાઈએ પૂછ્યું.

"અમે એ હોસ્પીટલમાં નર્સ છીએ જ્યાં માહીને..............." થોડું અટકીને શ્રુતિ બોલી, "અમે અંદર આવી શકીએ?". મહેશભાઈએ તેઓને અંદર બેસાડ્યા. શ્રુતિ અને માધવી ફ્લેટમાં અંદર ગયા. સામે રાખેલા ફૂલના હાર ચડાવેલા માહીના ફોટાને જોઇને શ્રુતિ બે ઘડી તો સમસમી ગઈ. તેણીને ફરી પાછી હોસ્પીટલની એ રાત યાદ આવી ગઈ. માધવીએ તેને સંભાળી અને સોફા પર બેસાડી. અંદરના રૂમ માંથી એક સ્ત્રી આવી અને હાથ જોડીને સોફા પર બેઠી. શ્રુતિએ દીવાલ પર લાગેલા ફેમિલી ફોટો જોયો અને કન્ફર્મ કર્યું કે તે સ્ત્રી માહીની માં હતી.

"હા પૂછો તમારે પૂછવું હોય એ" તે સ્ત્રી બોલી અને શ્રુતિની સામે જોઈ રહી. આ સાંભળીને શ્રુતિ અને માધવી એકબીજા સામે જોવા લાગી. તે સમજી ગઈ કે તે સ્ત્રી તેઓને પત્રકાર સમજી રહ્યા હતા.

"ના આંટી, એક્ચુલી તમે જેવું સમજો છો એવું નથી. અમે કોઈ પત્રકાર નથી" માધવી બોલી.

"તો? કોણ છો તમે લોકો?"

"જી....... અમે બંને નર્સ છીએ અને તે રાત્રે અમે જ માહીનો કેસ જોઈ રહ્યા હતા" માધવી એ જ જવાબ આપ્યો. આ સાંભળીને તે સ્ત્રી ચુપ રહી.

"મને ખબર છે કે આ યોગ્ય સમય નથી પરંતુ માહી ના છેલ્લા શ્વાસ સુધી હું તેની સાથે હતી............" શ્રુતિએ નિસાસો નાખ્યો અને બોલી,"તે કાંઈ કેહવા માંગતી હતી મને પરંતુ......"

"શું કીધું?.............. તમે માહી સાથે હતા?................ શું કેતી'તી એ?......... બોલોને,.........શું કીધું મારી માહીએ?" તે સ્ત્રી અધીરી થઈને પૂછવા લાગી અને રડવા લાગી. માધવી ઉભી થઈને તેણીની પાસે બેસી ગઈ અને તેના ખંભા પકડીને તેને શાંત કરવાનો પ્રયત્ન કરવા લાગી, "આંટી, શાંત થઇ જાવ". મહેશભાઈ પણ તેની પાસે આવી ગયા અને તેને તેણીને શાંત પાડી. થોડીવાર સુધી કોઈ કાંઈ ન બોલ્યું.

"માહી મને કહી રહી હતી કે મને તો પપ્પાએ મોકલી હતી.....એમાં મારો શું વાંક હતો....તેને મારી સાથે આવું શુકામ કર્યું? મેં તેનું શું બગાડ્યું હતું?" શ્રુતિ થોડું અટકીને ફરી બોલી, "તમે ક્યાં મોકલી હતી માહી ને અને શાં માટે?". મહેશભાઈ અને તેની પત્નીએ એકબીજા સામે જોયું અને પછી તેઓ શ્રુતિ તરફ જોવા લાગ્યા. મહેશભાઈએ બોલવાનું શરુ કર્યું.

"તે દિવસે માહી નો જન્મદિવસ હતો. તે સવારથી જ રાહ જોઈ રહી હતી કે અમે તેણીને વિશ કરીએ પરંતુ અમે બધા તેણીને સરપ્રાઈસ આપવા માંગતા હતા એટલે કોઈએ તેને જાણી જોઇને વિશ નહતું કર્યું. અમે બધા મળીને સાંજે એક નાની અમથી પાર્ટી કરવાના હતા અને તેમાં જ માહીને ગીફ્ટ આપવાના હતા. મેં તેણીને સવારથી જ સુરેશ ને ત્યાં મોકલી હતી. સુરેશ મારો નાનો ભાઈ છે અને અહિયાથી થોડે દૂર જ "શ્રી ક્રિષ્ના સોસાઈટી" માં રહે છે." સોસાઈટી નું નામ સાંભળીને શ્રુતિનું જાણે લોહી ઉકળવા માંડ્યું પણ તે ચુપ રહી અને આગળ સાંભળવા લાગી.

"મેં જયારે માહીને સુરેશ ના ઘરે જવા કહ્યું ત્યારે તે બોલી કે પપ્પા, ખરેખર હું ત્યાં જાઉં? તમને ખરેખર ખબર નથી આજે શું છે? પણ મેં મજાક કરીને વાત ફેરવી નાખી હતી. મને શું ખબર કે આવું થઇ જશે? મને શું ખબર કે મારી માહી પછી જ નહિ આવે?" મહેશભાઈ બોલ્યા અને નિસાસો નાખ્યો, "તેને મને બપોરે પણ ફોન કરેલો કે પપ્પા આજે કઈ તારીખ છે? આજે કાંઈક છે તમને યાદ છે? અને મેં તેને ત્યારે પણ વિશ ના કર્યું. અને સાંજે જયારે બધું સેટ કરીને સુરેશને ફોન કર્યો તો બીજા કોઈ અજાણ્યા યાક્તિએ ફોન ઉપાડ્યો અને ખબર પડી કે તે ફરાર થઇ ગયો છે, તે ફરાર થઇ ગયો હતો મારી માહી સાથે આવું કરીને, તે ફરાર થઇ ગયો હતો માનવતાના નામ પર કલંક લગાવીને, મારી તો પગ નીચેથી જમીન જ ખસી ગઈ. મારો ભાઈ.......સુરેશ,.....મારો સગો ભાઈ...... તેની ભત્રીજી સાથે આવું કરી શકે? સુરેશની પત્નીને આ વાતની ખબર પડી ત્યારે તે બેહોશ જ થઇ ગઈ હતી.બસ સુરેશ એકવાર મારા હાથમાં આવે એટલી વાર છે" મહેશભાઈ ના અવાજમાં અચાનક ગુસ્સો આવવા લાગ્યો.

"મેં તમને કીધું જ હતું કે માહીને સવારે જ વિશ કરી દઈએ અને અખો દિવસ આપણે સાથે રહીએ પણ તમે ના માન્યા, તેને ના મોકલી હોત તો આવું કઈ થાત જ નહિ, તો આપણી માહી આપણી પાસે જ હોત" મહેશભાઈની પત્ની બોલ્યા અને રડવા લાગ્યા.

"તમે ચિંતા નહિ કરો મમ્મી, મેં મારા બધા મિત્રોને કહી રાખ્યું છે. તે ગમે ત્યાં દેખાશે એટલે આપણને ખબર પડી જશે. હું તેને છોડીસ નહિ" મહેશભાઈ નો દીકરો અંદરથી આવીને બોલ્યો. તેની આંખ ગુસ્સામાં લાલ હતી. તે બાપ દીકરો એટલા ગુસ્સામાં હતા કે તેઓ સુરેશને ક્યાય જોઈ જાય તો ત્યાં જ મારી નાખે, માધવી તો બાપ દીકરાનો ગુસ્સો જોઇને ડરી જ ગઈ અને શ્રુતિને જવા માટે ઈશારો કર્યો. તે બંને એકીસાથે એક જ વિચાર કરી રહી હતી કે આ બાપ દીકરાને જો ક્યાંક સુરેશ મળી જાય તો શું થાય? એવામાં ડોરબેલ વાગી અને તેના અવાજે તે બંનેને વિચારોમાંથી બહાર ધકેલી. મહેશભાઈ ઉભા થઈને દરવાજા પાસે ગયા અને દરવાજો ખોલ્યો. સામે જે વ્યક્તિ ઉભું હતું તે જોઇને બધા અચરજ માં પડી ગયા, શ્રુતિ અને માધવીના તો જાણે હોશ જ ઉડી ગયા. હવે શું થશે એ વિચાર માત્રથી તે બંનેના હૃદયના ધબકારા વધી ગયા. તે વ્યક્તિ બીજું કોઈ નહિ પરંતુ સુરેશ હતો.

આગળની વાર્તા "અભિશાપ" ભાગ - 5 માં...

વિરાજગીરી ગોસાઈ