૨૫ ડિસેમ્બર... Shilpa Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • આત્મજા - ભાગ 12

  આત્મજા ભાગ 12“શું બોલી તું..? મગજ ખરાબ થઈ ગયા છે..? મગજ ખરાબ...

 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

શ્રેણી
શેયર કરો

૨૫ ડિસેમ્બર...

૨૫ ડિસેમ્બર...

આજે પૂરાં પંદર વર્ષ પછી ફરીથી એ દેવકા બીચ પર આવી હતી . દરિયાનાં મોજાંઓની આવન-જાવન જોતા એના વિચારોની લહેરો પણ આવન જાવન કરતી હતી . ‘ કેટલાં ઝડપથી વીતી ગયાં પંદર વર્ષ !!! કેટકેટલું બદલાઈ ગયું !!! ‘ એ વિચારી રહી. એ એટલે નિયતિ . એને એ દિવસ હજી પણ યાદ હતો . આ જ જગ્યા પર એ અને અશેષ છેલ્લી વાર મળ્યા હતા.

અશેષ ...રમતિયાળ , ચબરાક , હસમુખો , બેફિકરો . આવા દરેક વિશેષણો એને લાગુ પડતા . ‘ અશેષ એટલે જેનું કશું બાકી બચ્યું નથી એ . અને આપણે તો બધું તને સોપી જ દીધું છે ને દોસ્ત ...’ આ એનો ફેવરીટ ડાયલોગ. અચાનક જ નિયતિની અંદર જાણે વંટોળ ફૂંકાયો અને બધું ધૂંધળું ધૂંધળું થઇ ગયું . ધીરે ધીરે ડમરી બેસતી ગઈ અને બધું સ્પષ્ટ દેખાવા લાગ્યું . પણ આ શું ? નિયતિ જાણે પોતે જ પોતાને કોઈ ફિલ્મમાં નિહાળી રહી છે ....અરે ....આ તો પોતે કોલેજના પ્રથમ વર્ષમાં હતી ત્યારનો ડ્રેસ ...એ જ લહેરાતા છુટ્ટા વાળ ...આ શ્યામલ ઘટા પર મરનારની ત્યારે કોઈ ખોટ ન હતી . અનાયાસ જ નિયતિનો હાથ પોતાના વાળ પર ફર્યો . જરા લુખ્ખા , પાતળા થઇ ગયા હોય એવું ય મહેસુસ કર્યું અને વળી પાછી એ અંતરમાં ઉતરી ગઈ . ને ટાઈમ મશીન એ અને અશેષ પહેલીવાર મળ્યા ત્યાં આવીને અટકી ગયું .

સુરત શહેર કે.પી.કોમર્સ કોલેજમાં નિયતિ બક્ષીએ પ્રવેશ લીધો અને કેટલાય મજનુ નિયમિત કોલેજ આવતા થઇ ગયા ., કોલેજ શરુ થયાના ત્રીજા મહીને જ કે.પી.કોમર્સ કોલેજે ‘ ઓલ ગુજરાત બ્યુટી પેજન્ટ ‘ ના યજમાન થવાનું સ્વીકાર્યું . આખા ગુજરાતની બધી મળીને ૧૨૦ કોલેજોએ આ સ્પર્ધામાં પોતાની વિદ્યાર્થીનીઓને મોકલી હતી . જાતજાતની પરીક્ષાઓના ગળણે ગળાયા પછી છેલ્લે ૧૩ છોકરીઓમાં એક કે.પી.કોમર્સની નિયતિ પણ ખરી . દેખાવમાં સુંદર નિયતીએ એના બુદ્ધિ ચાતુર્યથી નિર્ણાયકોને એને જ વિનર બનાવવા મજબુર કર્યા . કે.પી.કોમર્સમાં તો દિવાળી આવતા પહેલા જ તહેવારનું વાતાવરણ થઇ ગયું . નિયતિના સન્માન સમારંભમાં અશેષ પણ કોલેજના વિદ્યાર્થી તરીકે આવેલો . સામાન્ય રીતે કોલેજમાં વિદ્યાર્થીઓ ભણવા ઓછા અને આવી ઈતરપ્રવૃત્તિ માટે વધારે આવતા હોય છે . એ હિસાબે કોલેજનું ઓડીટોરીયમ ફૂલ હાઉસ હતું . મંચસ્થ દરેક પ્રોફેસર્સ , પ્રિન્સિપાલે નિયતિને ખુબ બિરદાવી અને પ્રશંસાથી એને ઢાંકી દીધી . ટોળામાં એક જણે મોટેથી બુમ પાડેલી ‘ બ્યુટી એન્ડ બ્રેઈન નેવર ગો ટુગેધર ‘ એ અશેષ હતો . અચાનક આખા હોલમાં પીનડ્રોપ સાઈલન્સ. થોડીવાર પછી ફરીથી શોરબકોર ચાલુ થયો . કેટલાક અશેષની તરફેણમાં હતાં તો કેટલાક વિરોધમાં ... થોડીવાર પછી બધું થાળે પડી ગયું અને કાર્યક્રમ જરા ભાર સાથે પૂરો થયો . અશેષ કોલેજનો રેન્કર સ્ટુડન્ટ હતો અને અભ્યાસેતર પ્રવૃતિઓમાં પણ મોખરે રહેતો એટલે એ પ્રોફેસર્સ અને પ્રિન્સિપાલનો લાડકો હતો . એ કારણોસર એને કોઈ કઈ કહેતું નહિ . નિયતિ પ્રથમ વર્ષમાં અને અશેષ બીજા વર્ષમાં હતો . ધીમેધીમે પરિચય કેળવાતો ગયો . એકાઉન્ટન્સી કે ઇકોનોમિકસ જેવા નીરસ વિષયો પણ અશેષ ખુબ સારી રીતે સહાધ્યાયીઓને જરૂર પડ્યે સમજાવી શકતો . નિયતિ પણ અન્ય વિદ્યાર્થીઓની સાથે અશેષની મદદ લેતી થઇ ગઈ . નિયતિના એકાઉન્ટન્સીના પ્રોબ્લેમ્સ સોલ્વ કરાવતા કરાવતા એની ને અશેષ વચ્ચેના પ્રોબ્લેમ્સ ક્યારનાય વિદાય લઇ ચુક્યા હતા અને હવે બંને લવ-બર્ડઝ તરીકે મશહુર હતા. આમ જ હસતા હસતા નિયતિ બીજા વર્ષના અંત તરફ અને અશેષ ત્રીજા વર્ષના અંત તરફ હતા .એક દિવસ કોલેજના મિત્રોએ પીકનીક જવાનું નક્કી કર્યું . સ્થળની પસંદગી માટે થોડી ખેંચતાણ થયા પછી સર્વાનુમતે બધા એ દેવકાબીચ જવાનું નક્કી કર્યું. દેવકાબીચ પર શું થવાનું છે એની જો આ ઉછળતા ઝરણાંઓને ખબર હોત તો એમણે ત્યાં કદી ન જવાનો નિયમ જ બનાવી લીધો હોત !!!!

પચીસમી ડિસેમ્બરની સવારે બધા મિત્રો શાર્પ ૬ વાગ્યે કોલેજ ભેગા થયા . કે.પી.કોમર્સ કોલેજ સુરત ‘ ના બેનર્સ સાથે બસ તૈયાર ઉભી હતી . અશેષ , રોહન અને અનિકેત સિવાય બધા જ સમયસર આવી પહોચ્યા હતા . નિયતિ વારેવારે ઉંચી ગરદન કરીને રસ્તા પર જોઈ લેતી હતી એ જોઇને મિત્રોએ એને ચીડવવાનું શરુ કર્યું . મનમાં રમુજ અને મોઢા પર બનાવટી ગુસ્સા સાથે નિયતિ બધાને જવાબ આપી રહી . સાડા-છ વાગ્યા સુધી રાહ જોયા પછી બસના ડ્રાઈવરની ધીરજનો અંત આવી ગયો . એણે બુમ મારી : ‘ ચાલો બઢાં બેહી જાવ જોમ બસમાં ... જે બાકી છે એ આવહે એટલે બસ ચલાવી મૂકા ...’ બધા ફટાફટ બસમાં મનગમતી જગ્યા અને કંપની શોધીને બેસી ગયા . નિયતિની બાજુમાં કોઈ બેઠું નહિ કારણકે એ અશેષ માટે રીઝર્વ જગ્યા હતી . એટલામાં અશેષ , રોહન અને અનિકેત બાઈક પર મારંમાર કરતા આવતા દેખાયા ને બસમાંથી એક સામટા અવાજો ગુંજ્યા : ‘ અલા કાં ગેય્લાને અત્યારની પોરમાં ? કેદુના બઢાં રાહ જોયા કરતા છે તમારી હમજણ પડે કે ની કઈ ? ‘ એક-બે જણાએ ગાળો પણ બોલી લીધી . અશેષ નિયતિની બાજુમાં બેઠો. એના હાથમાં એક બોટલ હતી . ફૂન્ગરાયેલી નિયતીએ અશેષ સામે જોયું પણ નહિ અને બારીની બહાર જોયા રાખ્યું . અશેષ મનાવતો રહ્યો. છેલ્લે હારીને એણે કહ્યું , ‘ આ જો તારા માટે મેં હું લાઈવો છે ? “ માઝા - ચિલ્ડ . તને બો ભાવતું છે તો લેવા રોકાયેલો . દુકાન ખુલેલી ની હતી એટલે જરા લેઇટ થયું ‘ અને નિયતીબેન ખુશ ખુશ . “ માઝા ‘ ચિલ્ડ એની ફેવરીટ હતી .

લગભગ સાડા દસે આખો સંઘ દેવકાબીચ-દમણ પહોચ્યો અને દરિયાકિનારાના કુણાકુણા તડકાએ બધાયને વધારે ઉત્સાહિત કરી મુક્યા . ભરતીનો સમય બપોરે 1 વાગ્યે હતો એટલે ત્યાં સુધી જેને જેમ રખડવું ભમવું હોય એમ છૂટ હતી . કેટલાક વોલીબોલ રમવા લાગ્યા તો કેટલાક બેસીને અંતાક્ષરી ... તો કોઈ વળી ઉભી ખો રમવામાં મશગુલ થઇ ગયા પણ અશેષ અને નિયતિ ચાલતા ચાલતા બધાથી દુર ખડક પર જઈને બેઠા . એક હાથમાં કોલ્ડડ્રીંકની બોટલ હતી અને બીજો હાથ પ્રિયપાત્રના હાથમાં હતો . હવે એમને કોઈ હોકારા દેકારા સંભળાતા ન હતા . થોડીવાર પછી ‘ માઝા ‘ પૂરી થઇ ગઈ . અચાનક અશેષને કૈક સુઝી આવ્યું . એણે ખિસ્સામાંથી એક કાગળિયું કાઢ્યું અને પેનથી કઈ લખ્યું. પછી એ કાગળિયું રોલ કરીને બોટલમાં ઉતારી દીધું અને બોટલનું ઢાંકણું એકદમ ચુસ્ત વાસી દીધું ને ઉભા થઈને સહેજ આગળ જઈને ઘા કર્યો દરિયામાં “ હવે આ ચિઠ્ઠી જે વાંચે એ ... લેટ્સ વિશ કે એ આપણી જેમ જ કોઈ પ્રેમીપંખીડાને જ અથવા તો આપણને જ મળે ..” ને બેઉ ખુબ હસ્યા - હરખાયા . હસતાહસતા જ અચાનક જ લીલવાળા ખડક પરથી અશેષનો પગ લપસ્યો અને એ જઈ પડ્યો દરીયાદેવના ખોળામાં . નિયતીએ ચીસાચીસ કરી મૂકી . બધા જ નિયતિ તરફ દોડી આવ્યા પણ ડૂબી રહેલા અશેષને ખડકાળ દરિયો નદી ગયો. કોઈ મદદ કરે એ પહેલા અશેષમાંથી હવે માત્ર ખોળિયું જ શેષ રહી ગયું . નિયતિ સાવ ચુપ થઇ ગઈ . ઘડી પહેલાનો કિલ્લોલ ભેંકાર થઇ ગયો .ઉલ્લાસને બદલે વાતાવરણમાં ઉદાસી છવાઈ ગઈ.કોણ કોને હિંમત અને આશ્વાસન આપે?માંડમાંડ બધા સુરતભેગાં થયાં . દેખીતો અકસ્માત અને આટલા બધા સાક્ષી હોવાથી પોલીસની કાર્યવાહી જલદી સમેટાઈ ગઈ.

કોલેજમાં થોડો સમય હવા બોઝિલ રહી પછી થાળે પડી ગઈ. નિયતી, રોહન અને અનિકેત એકદમ ગંભીર થઈ ગયા.

આમને આમ કોલેજ પૂરી થઇ ગઈ અને મિત્રો એક પછી એક ગોઠવાવા લાગ્યા . રોહન વધુ અભ્યાસ માટે યુ.એસ.એ. ગયો તો અનિકેતે સુરતમાંથી જ સી.એ. થઈને પોતાની કન્સલ્ટન્સી ફર્મ શરુ કરી . આ બધા સમયગાળા દરમ્યાન અનિકેતે નિયતિની કાળજી રાખી . નિયતિ બોલાવે કે નહિ પણ અનિકેત અચૂક રોજ સાંજે એની પાસે હાજર થઇ જતો . નિયતીના કુટુંબમાં પણ અનિકેત સૌને પસંદ હતો . તો અનિકેતના ઘરે પણ કોઈને આ જોડું ગોઠવાય એમાં ભૂતકાળ નડતો ન હતો . અશેષના મૃત્યુ પછી પાંચ વર્ષે નિયતીઆઘાતમાંથી બહાર આવી હતી . હવે એ પણ અનિકેતની રોજ સાંજે રાહ જોવા લાગી . સમજુ અનિકેતે નિયતીની લાગણીની જરા પણ ઠેસ ન પહોંચે એ રીતે લગ્ન માટે પ્રપોઝ કર્યું અને એના આશ્ચર્ય વચ્ચે નિયતીએ હા પાડી . બંનેના લગ્ન સાદાઈથી થયા . નિયતિ નવા જીવનમાં ગોઠવાઈ રહી હતી છતાં ય ક્યારેક એને અશેષ સાંભરી જતો . એવા સમયે અનિકેત એને સંભાળી લેતો. લગ્નના ત્રીજા વર્ષે નિયતીએ પુત્રને જન્મ આપ્યો. ; આપણે ત્યાં પુત્ર જન્મે તો એનું નામ નિશેષ અને પુત્રી જન્મે તો એનું નામ અનીષા રાખીશું “ અશેષ સાથેનો આ અંતિમ સંવાદ નિયતિને બરાબર યાદ હતો . સમય સરતો ગયો . નિશેષ પાંચ વર્ષનો થવા આવ્યો હતો . બધા કુટુંબીજનોએ દેવકાબીચ પર એની પાંચમી વર્ષગાંઠ ઉજવવાનું નક્કી કર્યું . નિયતિ જરા ગમગીન હતી પણ અનિકેતે એને સાચવી લીધી .

નિશેષની વર્ષગાંઠના દિવસે બને કુટુંબો કારમાં દેવકાબીચ પહોચ્યા. ખુશનુમા વાતાવારણમાં નિયતિના મમ્મી-પપ્પા અને અનિકેતના મમ્મી-પપ્પા પગ છૂટો કરવા લટાર મારતા હતા તો નિયતિ દરિયાકિનારે બેસીને વિચારમગ્ન હતી. અનિકેત નિશેષને લઈને દોડાદોડી કરતો હતો . અચાનક જ નિશેષે નિયતિને બુમ મારી “ મમ્માઆઆ .... આ મને હું મઇલુ જો ....’ એ બુમ સાથે જ નિયતિ સ્મૃતિવનમાંથી પાછી વર્તમાનમાં આવી ગઈ . નિયતીએ જોયું તો નિશેષના હાથમાં માઝાની બોટલ હતી અને અંદર કઈ કાગળનો રોલ હતો . નિયતીએ ઝડપથી નિશેષ પાસે જઈને બોટલ ખોલીને અંદરથી પેલો રોલ બહાર કાઢ્યો.

એને અશેષે ઘા કરેલી બોટલ યાદ આવી ગઈ . ધડકતા હ્રદયે એણે રોલ ખોલ્યો ...વાંચ્યું ...

“ નિયતિ , હું હમેશા તારી સાથે જ રહીશ . અશેષ “ તારીખ : ૨૫ મી ડીસેમ્બર

નિયતિ ફસડાઈ પડી . અનિકેતે એને ઝાલી લીધી . અને આજે તારીખ હતી : ૨૫ મી ડિસેમ્બર ....

-દેસાઈ શિલ્પા