આહ દાળવડાં, વાહ દાળવડાં Shilpa Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આહ દાળવડાં, વાહ દાળવડાં

આહ દાળવડાં, વાહ દાળવડાં

  • શિલ્પા દેસાઈ
  • માથે-મોઢે ફીટોફીટ ઓઢીને તેલમસાલામાં તરબતર ઊંધિયું સીસકારા બોલાવતાં બોલાવતાં ખાવાની સિઝન ગઈ. કચરિયું, મેથીપાક, ગુંદરપાક વગેરે વગેરે જેવા શિયાળામાં જ ખાઈ શકાય એવા વસાણાય લેતી ગઈ. દર વખતે શિયાળો આવે ને જાય પછી એક વાક્ય ઘણીવાર સાંભળવા મળે “આતી ફેરી દર વખત જેવી ઠંડી ના પડી એમ કહું છું.” આ દર વખત જેવી ઠંડી કે ગરમી કે વરસાદ એટલે શું હજી ખબર પડતી નથી. કચરિયું શિયાળાને બદલે બીજી કોઈ સિઝનમાં ખવાય? ગુંદરપાક ઉનાળામાં ખાઈએ તો શું થાય? ઊંધિયું બીજી કોઈ ઋતુમાં ખાવાની ઇચ્છા થાય તો શું કરવાનું? આવા બધા પ્રશ્નો શિવરાત્રિ આવે ત્યાં સુધીમાં મનમાં ને મનમાં ઊગે ને મનમાં ને મનમાં આથમીય જાય. હવે આપણે સ્વચ્છતા, આરોગ્ય ભણી જરા વધારે જ ધ્યાન આપતાં થયા છીએ. જેની સીધી અસર શાકભાજી કે અન્ય ખાદ્ય વસ્તુઓ પર સૌથી વધારે પડી છે. આમેય જગતમાં મોટાભાગનાં ખતરાવાળા અખતરા મનુષ્યની તંદુરસ્તી માટે જ થયા હોવાનું અભ્યાસો પૂરવાર કરે છે. દર વર્ષે સિઝનાનુસાર જુદા જુદા ફૂડ ફેસ્ટિવલ પણ આ વાતની સાક્ષી પૂરે છે. હમણાં વળી ઓર્ગેનિક ફૂડનો વાયરો વાયો છે. દરેક જણ ઓર્ગેનિક ફૂડની હિમાયતમાં લાગેલું હોય. પ્રમાણમાં થોડું મોંઘું પણ આખરે આપણે જે કંઈ પણ કરીએ છીએ એ પાપી પેટ માટે તો કરીએ છીએ. સારું ખાવાથી તબિયત સારી રહેશે તો સરવાળે ફાયદો તો આપણો અને આપણી આવનારી પેઢીને જ થવાનો છે. એ હિસાબે લોકો હોંશે હોંશે ઓર્ગેનિક એટલે શું ની મગજમારીમાં પડ્યા વિના ઓર્ગેનિક ફૂડ તરફ ઢળવા માંડ્યા છે. જુદી જુદી ટીવી ચૅનલ્સ પર રસોઈને લગતા શોઝની ભરમાર લાગેલી રહે. છાપાઓમાંય વાનગીની રેસિપીવાળા પાનાઓની બોલબાલા રહે એ કંઈ નાનીસૂની સિદ્ધિ ન કહેવાય. આજે મનમાં માત્ર અને માત્ર ખાવાનાં જ વિચારો આવે છે. આ સાલો ઉપવાસનું વિચારીએ એ દિવસે જ સૌથી વધુ ભૂખ લાગે અને જગતની દરેક ફૂડ આઇટમો પર અઢળક પ્રેમ ઉભરાય. હાલતાં-ચાલતાં માત્ર ખાવાનું જ દેખાય. આ અને આવું કંઈ કેટલુંય પણ માત્ર ખાવાને લગતું જ વિચારતાં વિચારતાં ભટ્ટજીએ સ્કૂટર કમ્પાઉન્ડમાં પાર્ક કર્યું. હૅલ્મેટ કાઢી અને સ્કટૂર પણ પડી ન જાય એમ ફૂટરેસ્ટ પાસે ગોઠવી. સ્કૂટરને લોક કર્યું ત્યાં જ હસુકાકાએ બૂમ પાડી... “ભટ્ટજી... એ ભટ્ટજી...”

    “બોલો કાકા...” ભટ્ટજીએ હોંકારો દીધો અને ચાલ્યાં કાકાનાં ઘર તરફ. કાકા ઓટલે જ બેઠેલાં છાપાંઓનો પથારો લઈને એટલે ભટ્ટજીએ સ્વાભાવિક જ પૃચ્છા કરી : “શું કાપકૂપી કરો છો કાકા? કોઈ અગત્યનાં સમાચારોની ફાઈલ બનાવો છો, કે શું?”

    “અરે, ના ના... આ તમારા કાકીએ મને ધંધે વળગાડ્યો છે કલ્લાકથી. આ છાપાંઓમાં જાતજાતની વાનગીઓની રેસિપીઓ આવે છે તે મારે કાપીને ફાઈલ કરવાની છે. એટલી બધી કાપલીઓ ભેગી કરી છે ને કે જો એ વેચું તો મોબાઇલ તો નહીં પણ મોબાઇલ માટે સારું કવર તો આવી જ જાય.” “તે તમારે તો રોજ જલસાં જ હશે ને કાકા? રોજ નવું ખાવા મળે.”

    “શાનું રોજ નવું ખાવા મળે? “આમાંથી કશુંય નવું બનાવ્યું હોય તો આપણે આખી જિંદગી આ કાપલીઓ ભેગી કરી આપવી એને રોજ. એકનું એ જ ખાઈને હવે તો કંટાળો આવવા માંડ્યો છે શું વાત કરું તમને?”

    “ઓકે ઓકે કાકા, ચાલો હું રજા લઉં, મારે થોડું કામ છે. પણ લો આ દાળવડાં. આજે આ વરસાદ પડ્યો તો મને દાળવડાં ખાવાની ઇચ્છા થઈ આવી. અમારા માટે તો લીધાં જ પણ ભેગાં તમારાં ને કાકી માટેય લેતો આવ્યો છું. આમાં ડુંગળી અને મરચાં છે.”

    “અરે વાહ ભટ્ટજી, તમે તો આજે સાક્ષાત્ અન્નદેવતા થઈ અમ આંગણે ઊતરી આવ્યાં. આ બપોરે ગાજતો હતો ત્યારે જ મને ને તમારા કાકીને મન થયેલું દાળવડાં ખાવાનું પણ મગની દાળ ન હતી ઘરમાં તો માંડી વાળ્યું.”

    “જલસા કરો કાકા. જેસીક્રષ્ણ.”

    જગતમાં દાળવડા જેવી અદ્ભુત ફરસાણની ઉત્પત્તિ ક્યારે થઈ એ વિશે તો કોઈ અભ્યાસ થયાનું જાણમાં નથી પણ એટલું ચોક્કસ કે મહાભારત કે રામાયણ પછીનાં યુગમાં જ થઈ હશે કારણ કે આ બે મહાગ્રંથોમાં દાળવડાની ઉત્પત્તિ જેવી મહાન ઘટના નોંધવાની રહી જાય એ અશક્ય છે. મુખ્યત્વે મગની ફોતરાવાળી દાળમાંથી બનતું આ ફરસાણ ચોમાસા દરમિયાન લોકપ્રિયતાની તમામ સરહદો વટાવી જાય છે. એક વરસાદ આવે ને જેમ વરસાદી દેડકાં કે ફૂદાં ઠેરઠેર ફૂટી નીકળે એમ દાળવડાની લારીઓય ગલીએ ગલીએ ફૂટી નીકળે છે. ચોમાસું જાય પછી આ લારીઓ પર બીજી સિઝનલ આઇટમો વેચાવા મુકાતી જોઈ છે. દાળવડાંની સાથે ચટણી કરતાં મીઠું નાખેલાં કે મીઠા વિનાનાં કાંદા અને તળેલા મરચાં ખાવાનો રિવાજ ક્યારથી અસ્તિત્વમાં આવ્યો એ વિશેય ક્યાંય નાની સરખી નોંધ જોવા મળતી નથી એટલે એ રિવાજ પણ દાળવડાની સાથે જ ઉદ્ભવ પામ્યો હશે એમ માની લઈએ તો સહેજેય અતિશયોક્તિ નહીં લેખાય. ગરીબોની કસ્તૂરી કહેવાની ડુંગળી ઉર્ફે કાંદા ઉર્ફે પ્યાજ વચ્ચે અતિ દુર્લભ જણસ થઈ ગયેલી. સરકારને સૌથી વધારે નિઃસાસા એ વખતે સાચ્ચાં દાળવડાંપ્રેમીનાં જ લાગેલાં. ડુંગળીનાં કાળાબજાર ધોળા બજારમાંય આંખે પાણી લાવી દે એવા ભાવોથી દેશમાં ઘણાં બધા વગર ડુંગળીએ રડ્યાંના દાખલાં છે. નાની નાની લારી પર દાળવડાં સાથે માત્ર તળેલાં મરચાં જ વેચાતાં હોવાથી દાળવડાંના વેચાણ પર પણ આડકતરી અસર પડેલી કારણ કે દાળવડાનો અસલી સ્વાદ ડુંગળી સાથે ખાવામાં આવે તો જ આવે એવી માન્યતા પણ સમાજમાં પ્રવર્તમાન છે. અનેક પ્રયત્નો પછી ડુંગળીનાં ભાવ આસમાનથી જમીન પર ઊતર્યા અને વળી પાછી દાળવડાની બોલબાલા શરૂ થઈ. આમ, દાળવડાં સમૂળી ક્રાંતિ છે.

    અમારો નમ્ર મત એવો છે કે ઘરમાં બનાવેલાં દાળવડાં કરતાં બહાર ખૂમચા પર કે લારી પર બનેલા દાળવડાં વધારે સ્વાદિષ્ટ લાગે છે. સાચું ખોટું અથવા કારણો તો રામ જાણે પણ આ હકીકત છે. ઘરમાં વણજોઈતા ક્લેશ ટાળવા ઘણાં અર્ધસત્ય અથવા પૂર્ણ અસત્ય ઉચ્ચારી લેતાં હોય છે કે “ઘરનાં એ ઘરનાં” આ ઘરનાં એ ઘરનાં દાળવડામાં મુખ્ય બાબત સ્વચ્છતા વિશે જ હોય છે. બહાર લારી પર બહુ સ્વાભાવિક રીતે જ ઘર જેવી સ્વચ્છતાનો અભાવ હોય, ખીરું કેટલું જૂનું હોય તે વિશે જરાતરા અવઢવ હોય, પણ દરેક એરિયામાં દાળવડાનો એક સ્પેશિયાલિસ્ટ તો હોય જ હોય. અમારા એરિયામાં એક દાળવડાવાળો દાળવડામાંથી એટલું કમાયો કે એણે 15 x 15ની એક નાનકડી દુકાન ખોલી લીધી. પણ હજી એ સવારમાં પહેલો ઘાણ તો પેલી નાનકડી લારી પર જ ઉતારે. લારી એના માટે શુકનવંતી નીવડી છે તો! ગલીએ ગલીએ દાળવડાંની લારી ઊભી હોય પણ સૌનો સાથ, સૌનો વિકાસ એ સૂત્ર હેઠળ દરેકેદરેક જણને નફો જ થાય. કોઈ ખોટમાં ન જાય. બધી લારીએ ભીડ જોવા મળે જ મળે. દરેક દરેક વસ્તુમાં કૅલરીચાર્ટ પ્રમાણે જ ગણીગણીને ખાતાં ભલભલા હેલ્થ કોન્શિયસ હોય એ દાળવડાની સામે સિઝનમાં કમસેકમ એક વાર તો હારી જ જાય. દાળવડાંની હરિફાઈમાં મેંદુવડા, બટાકાવડા, દહીંવડા એમ ત્રણ વડાં એક સંપ થઈ જાય તોય દાળવડાની લોકપ્રિયતા કે લોકભોગ્યતા સુધી પહોંચી નહીં શકે. એક જ વરસાદમાં આગલા જૂનાં તમામ રેકોર્ડ તોડી નાંખે એ હદ સુધી દાળવડાં ખવાય છે અને ખવાતા રહેશે. કેટલીક દાળવડાંની લારીઓ એટલી બધી પ્રખ્યાત થઈ જાય કે એમણે નવું કાઉન્ટર પણ ખોલવું પડે. અથવા દાળવડાનું વેચાણ વ્યક્તિદીઠ અમુક ગ્રામ જ કરી શકાશે. એવા પાટિયા મૂકવા પડે. અમદાવાદમાં ગોતા ચોકડી પાસે અંબિકા દાળવડા સેન્ટર અતિ પ્રખ્યાત છે. આ સાવ નાનકડી જગ્યાએ લોકોને વરસતા વરસાદમાંય લાંબી લાઇનોમાં ઊભેલાં અને દાળવડા માટે તપ કરતા જોયા છે. આ લારી પર દાળવડા સિઝનમાં વ્યક્તિદીઠ 250 ગ્રામ જ મળે. આ 250 ગ્રામ દાળવડાનું પડીકુંય હાથમાં આવે કે વૈતરણી તરી ગયા જેવો ભાવ ભાવકનાં મનમાં આવે. તો વળી લાઇનમાં આઘે ઊભેલો રસિકજન પોતાનાં ભાગે એક દાળવડુંય આવશે કે કેમ એની ચિંતામાં સતત દાળવડાના તાવડાને ત્રાટક કરી રહેલો જોયો છે. આ અંબિકા દાળવડા સેન્ટર દાળવડા માટે થયેલી નજીવી હાથાપાઈનુંય સાક્ષી બની ચૂક્યું છે. આવી હાથાપાઈઓના સાક્ષી ભવિષ્યમાં થવું ન પડે એટલાં માટે જ અહીં વ્યક્તિદીઠ 250 ગ્રામ દાળવડાં જ અપાય છે જેથી છેલ્લા ગ્રાહકને ખલાશ થઈ ગયા ભ’ઈ એવી જીવલેણ ઉક્તિ સાંભળવી ન પડે.

    ખોંખારો :Me : હવે ‘થાઇફૂડ’ની બોલબાલા છે.
    He : આપણે તો “ફૂડ થાય” તોય ઘણું છે.