EK AUTHOR Darshan Nasit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

EK AUTHOR

Ek Author…

Darshan Nasit

‘સની, મારી બે વર્ષની બધી મહેનત પર પાણી ફરી ગયું. મારી સ્ટોરીને કોઈ “આરા” નામના લેખકે પોતાના નામે આજે પહેલો અંક છાપામાં લેખ તરીકે છપાવ્યો છે.’ મેં કહ્યું.

‘તું આનાથી પણ વધુ સારી સ્ટોરી લખી શકે છે. તે લોકો તારું લખાણ છાપી શકે છે, હાથમાંથી લઇ શકે પણ મનમાંથી નહી.’ સનીએ આશ્વાસન આપતા બોલ્યો.

‘પણ તું બૂક આપવા ગયો ત્યારે તો કૈક વિચાર કરાય ને!’

‘બધું વિચાર્યું હતું.’

‘તારી પાસે કોઈ પ્રકારના કોપીરાઈટ્સ પણ નથી કે કઈ કરી શકીએ.’ તેના દરેક વાક્યોમાં મને મારી કરેલી ભૂલો ઉપસી આવતી દેખાતી હતી.

‘એક રસ્તો છે. ન્યુઝ પેપરમાં જે દિવસે નોવેલનો પાર્ટ આવવાનો હોય તેના બે-ત્રણ દિવસ અગાઉ લોકો વચ્ચે મારી કથાવસ્તુ ફેલાવી દઉં.’

‘આમ કરવાથી તને શું ફાયદો?’

‘મારી આસપાસના લોકોને તો ખબર પડશે કે મેં શું લખ્યું હતું.’

‘હમમમ... આવતા શુક્રવારે તારી સ્ટોરી લીક થશે.’ જ્યારથી મને જાણ થઈ કે મારી નોવેલની ઉઠાંતરી થઇ છે, ત્યારથી બધાની સામે ફક્ત નોવેલની જ વાત કરતો હતો.

અમે બંને રૂમ પર જવા છૂટા પડ્યા. સનીને તેની હોસ્ટેલમાં જેટલી ઝડપથી દુર થતો જોતો હતો એટલી ઝડપથી મેં નોવેલ માટે ત્રણ મહિના સુધી બધે મુલાકાતો લીધી હતી તે દ્રશ્યો નજર સામે આવવા લાગ્યા.

₪₪₪

સ્મશાનના જેવા અલગઅલગ જગ્યાઓના વાતાવરણમાં, વિદ્યાનગરની ગલીઓમાં અને માતૃભૂમિ ચલાલાની વારંવાર મુલાકાતો લઈને એક સ્ટોરીને મનમાંથી કોરા કાગળો પર ઉતારી. બસ, હવે કોઈ પબ્લીશર મળે એટલે હાથ લખાણને કાયદેસર નોવેલમાં ફેરવીને લોકોના હાથ સુધી પહોચાડી શકાય.

નેટ પરથી બધા પ્રકારના પબ્લીશરના કોન્ટેક નંબર લઈને વાત કરી. તેમના જવાબ એક નવોદિત(અપકમર) લેખકને એકવાર તો લખનાર એવું અનુભવે કે બૂક લખવા કરતા પબ્લીશ કરવી એ લોઢાના ચણા ચાવવા બરાબર છે.

તેમના નવોદિત લેખક માટેના પ્રતિભાવ કઈંક આ પ્રકારના મળતા હતા.

‘અમારું પબ્લીકેશન હાઉસ કોઈ એક લેખકની બૂક પબ્લીશ કરીએ છીએ.’

‘અમારા પ્બ્લીકેશનમાં ફક્ત ધાર્મિક, મોટીવેશનલ, એજ્યુકેશનલ પ્રકારની જ બૂક છાપીએ છીએ.’

‘અમે લોકો તમારી સ્ટોરી પર રિસ્ક ના લઈએ, જો તમે પોતાના ખર્ચે કઈ કરવા માંગતા હોય તો અમે બૂક પ્રિન્ટ કરી દઈએ. અને બીજી વાત કે તેઓ માર્કેટિંગ માટે થોડો પણ હાથ નહિ લંબાવે.’ વગેરે વગેરે...

દરેક પબ્લીશીંગ હાઉસમાં બૂક માટે પ્રયત્નો કર્યા, પણ કોઈનો સારો પ્રતિભાવ ન મળ્યો. એક ગુજરાતી પ્રખ્યાત લેખકે મને ન્યુઝપેપરનો એક એવો સરળ રસ્તો બતાવ્યો જે સરળતાથી લોકોના હાથ અને કદાચ હાર્ટ સુધી પણ પહોચાડી શકે.

હું મારા ફ્રેન્ડ અંકિતની સાથે ગુજરાતી અખબારની ઓફિસોમાં ગયો. ત્યાં પણ નોવેલ પબ્લીશરની માફક જવાબ આવ્યો કે તેમની પાસે છાપવા માટે પ્રખ્યાત લેખકોના ઢગલાબંધ ઘણાબધા લેખો પહેલેથી આરક્ષીત હતા. કેટલાક પ્રેસવાળાઓ પાસે લવસ્ટોરી પ્લસ પોલીટીક્સવાળું લખાણ છાપવામાં પ્રોબ્લેમ હતા.

નોવેલ પ્રકાશન અંગે હવે આગળ કઈ નહી થાય એવું લાગવા લાગ્યું. હવે એક છેલ્લો પ્રેસ બાકી હતો. ગેટ પર વિઝીટરની એન્ટ્રી કરી તેમના મંત્રી કિશોરભાઈને મળવા મંત્રીવિભાગ તરફ ગયા. ચારે તરફ મોટી ઉમરના લોકો ટાયપીંગ અને હાથ લખાણ કરતા નજરે પડ્યા.

સામે બેઠેલા ભાઈએ પૂછયું, ‘ કોને શોધી રહ્યા છો?’

‘કિશોરભાઈ..’

અંકિત આગળ કઈ બોલે તે પહેલા સામેના વ્યક્તિએ ઓફીસ તરફ આંગળી ચીંધી.

ઓફીસના દરવાજા પર ટકોરા મારી આવવા પરમીસન માગી. ‘મેં આઈ કમ ઇન?’

‘યસ... કમ કમ...’ ત્રીસેક વર્ષની ઉમરના વ્યક્તિ તરફથી મીઠો આવકાર મળતા આનંદ થયો, પણ જયારે બૂક પબ્લીશ માટે હા પડે ત્યારે ખરેખરો આનંદ થાય.

‘બોલો.’

‘સર, મેં એક આંતરજ્ઞાતીય પ્રેમ અને યુથ પોલીટીક્સની થીમ પર ગુજરાતી નોવેલ લખેલી છે.’

‘તું શું કરે છે?’

‘સિવિલ એન્જીનીયરીંગ સ્ટુડંટ...’

‘તો આર્ટસના વિદ્યાર્થી માફક લખવાનું કેમ સુજ્યું?’

‘શોખ...’ અંકિત અમારા બંને વચ્ચે ચાલતા સંવાદને શાંતિથી સાંભળતો હતો.

‘જરા લખાણ બતાવિશ.’

મેં સ્ટોરીના સારાંસવાળી ફાઈલ આપી. તેની પેજ પલટાવવાની ઝડપ પરથી વાચવાની સારી એવી ફાવટ હોય તેમ દર્શાવતું હતું.

‘સારું લખાણ છે. અત્યારે ઉઠાંતરી કરનારા લોકો દુનિયામાં ખૂણેખૂણે પડેલા છે. તારું આખું મટીરીયલ મને આપ. હું તેને મુખ્ય પ્રકાશન વિભાગમાં પહોચાડીશ. તું યોગ્ય જગ્યાએ આવ્યો છે.’ મને તેમના પર વિશ્વાસ બેસી જતા મેં સંપૂર્ણ નોવેલ બીજા દિવસે પહોચાડવાનું કહી ત્યાંથી રજા લીધી.

‘આ માણસ તને કેવો લાગ્યો?’

‘સારો અને વિશ્વાસપાત્ર...’ અંકિતના પ્રશ્નને મેં હળવાશથી લેતા કહ્યું.

‘જે વ્યક્તિ સામેથી ઉઠાંતરી બાબતે વાત કરતો હોય તે કદાચ તેમનો એક પણ હોય.’

‘ના યાર, મને વિશ્વાસ છે કે તે વ્યક્તિ આમ નહી કરે.’

‘એઝ યું વિશ...’

બે- ત્રણ દિવસ પછી તેઓ પ્રકાશિત કરવી કે નહી તેનો જવાબ આપશે એવો જવાબ મળતા અમે પ્રેસમાં નોવેલ કિશોરભાઈના હાથોહાથ સોંપી.

બે દિવસ મેં બાદ પ્રેસમાં કોલ કર્યો. ‘સર, હું નસીત દર્શન... નો-વેલ ધ સ્ટોરી ઓફ કન્ફ્યુઝ્ડ યુથના પ્રકાશન અંગે વાત થયેલી.’

‘આ તે ક્યાં પ્રકારનું લખાણ લખેલું છે? આવી સ્ટોરી પબ્લિકમાં ના ચાલે. કોઈ બીજી સ્ટોરી લખ ત્યારે મળજે.’

‘થેન્ક યુ, સર. જવાબ આપવા માટે.’ બાકી ઘણા લોકો પાસેથી હા કે ના નો જવાબ પણ નથી મળતો.

હું હાર માનીને બેસી જાવ એ શક્ય નહોતું. મેં એવું લખાણ(સ્ટોરી લાઈન) લખવાના પ્રયત્નો કર્યા હતા જે અંગ્રેજી બૂકોમાં જોવા મળતું હોય. ટ્રાન્સલેશન કરીને સ્ટોરીને ઈંગ્લીશમાં ટ્રાય કરીશ પછી લોકો જાણશે કે મેં શું લખ્યું હતું???

₪₪₪

પાંચ અંક સુધી ચાલનારી મારી નોવેલના પહેલા અંકમાં શ્યામ અને રાકેશ બંને ભાઈઓની પ્રેમ અને પોલીટીક્સ પ્રત્યેના લગાવની વાત આવી ચુકી હતી. આવતા રવિવારે બીજો ભાગ પ્રકાશિત થવાનો હતો. જેમાં શ્યામની જીંદગીમાં નાયિકાનો અને રાકેશની ખલનાયક ભૂમિકામાં પ્રવેશ થવાનો હતો. શુક્રવારે આવતા અંકમાં આવનારી કથા વિષે બધા મિત્રોને ટૂંકમાં કહેવા લાગ્યો, અને તેઓ તેમના મિત્રોને...

હું જે કરવા ઈચ્છતો હતો તેમ થઇ રહ્યું હતું. રવિવારની પૂર્તિમાં મારા કહ્યા મુજબ સ્ટોરી કંટીન્યુ થઈ. સોમવાર બાદ મળનારા બધા લોકો મને પૂછવાં લાગ્યા કે હવે શું થશે. અને મારો એક જ જવાબ રહેતો કે શુક્રવારે કહીશ. લોકો મને નોવેલની ઉઠાંતરી થઇ હોવાની દ્રષ્ટિએ જોતા હતા. પાંચેપાંચ અંક સુધી ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે નોવેલ બાબતે મુલાકાત થતી રહી. પાંચમા અંકના અંતમાં લોકો બે વસ્તુ કહેતા હતા, એક તો સ્ટોરી ખુબ સરસ છે અને બીજું એ કે હપ્તાવાર આવેલી સ્ટોરી બૂક તરીકે પેલો આરા નામનો વ્યક્તિ તેને જન્માષ્ટમીના દિવસે પબ્લીશ કરે છે.

બધાની સાથોસાથ સનીને પણ ઉત્સુકતા હતી પેલી સ્ટોરી એક બેઠકે પૂરી કરવાની. જન્માષ્ટમીના દિવસે મેં સની પાસે જઈને પેલી બૂક હાથમાં આપી. તેણે પેલા લેખક વિષે માહિતી લેવા બૂકનું કવર પેજ ઉથલાવ્યુ. અને તે મારી સામે જોઇને હસીને સેલ્યુટ મારતા બોલ્યો, ‘માન્યો હો તને.’

‘કેમ? શું માન્યો?’ હું કઈ જાણતો ના હોય તેવા હાવભાવ સાથે નિર્દોષભાવે બોલ્યો.

‘જો તારા નામની નીચે આરા લખેલું છે.’

‘માર્કેટમાં પ્રવેશતા એક નવા ઓથર તરીકે ફેમસ થવા ઘણીવાર માર્કેટિંગ કરતા પબ્લીસીટી સ્ટંટ વધુ જોર કરી જાય છે.’

‘તો પેલા દિવસે જ તે કીધું હતું કે પ્રેસમાંથી ના આવી છે.’

‘ત્યારે ફોનમાં વાત કરવાવાળો પણ હું એકલો જ હતો ને! ત્યારે જ ત્યાંથી હા પાડી હતી પણ પબ્લીસીટી સ્ટંટનું નવું ગતકડું મળતા બધાને જવાબ ના આવ્યો છે તેમ ફેલાવી દીધું.’

પબ્લીશ થયેલી મારી નોવેલ માટે મને વિદ્યાર્થીઓ તથા બીજા વાચકો તરફથી મળેલા સકારાત્મક પ્રતિભાવો બાદ ચારે તરફ ભટકવાની યાદોમાં હું શોધતો હતો પેલો એક ઓથર...