વન નાઈટ સ્ટે
દર્શન નસીત
આજે એ બધા ચહેરા મારી સામે આવવાના હતા જેનું મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું. પ્રેમની, દોસ્તીની, લાગણીઓની આડમાં છુપાઈને કોઈ આવી રીતે પણ વાર કરી શકે છે?
ઘણા સમય પછી અમે એકબીજાને મળવાના હતા, સ્કૂલમાં સાથે વિતાવેલી દરેક પળો નજર સમક્ષ આવીને ખડી થઇ ગઈ. આંખોને ઠંડક મળી, પણ તેના વિષે સાંભળેલી બધી વાતોએ યાદ આવીને ઠંડકને ગરમીમાં ફેરવી નાખી.
હું મારા ટેબલ પરથી ઉભો થઈને બારી નજીક ગયો. ચોમાસાની એ અમાસની રાત હતી. આકાશમાં વાદળોની આડે છુપાયેલા તારાઓ અલગ જ ચમકી આવતા હતા. તારાઓની સુંદરતા ત્યારે જ દેખાય આવે, જયારે ચંદ્રની ગેરહાજરી હોય...
હજુ થોડીવાર પહેલા જ પડેલા વરસાદને લીધે માટીની સુગંધ આવતી હતી. ચારેકોર ઘોર અંધારું હતું અને ઠંડા પવનની લહેરખીઓ લહેરાતી હતી. એવું જ અંધારું મારી જીંદગીમાં આવી ચુક્યું હતું, અમાસની રાત આજે ચાંદને તરસતી હતી અને હું એ ચાંદના ટુકડા અંકિતાને.
હું ટેબલ પર આવીને પાછો લખવા બેઠો, વર્ષો પછી હાથ લાગેલી એ અધુરી બૂક પૂરી કરવા માટે ઘરના બધા બહાર ગયા હોવાથી મેં તેને બોલાવી હતી.
સામેની દીવાલ પર લટકતી ઘડિયાળમાં બંને કાટાઓ સામ સામે ગોઠવાઈને સાડા બાર વાગ્યા હોવાનું સૂચવતા હતા. બહાર ધોધમાર વરસાદ પડવાની સાથે વીજળીના કડાકા ભડાકા સંભળાવા લાગ્યા. મનમાં થવા લાગ્યું કે એ નહી આવે! પહેલા પણ મેં આવી જ રીતે રાહ જોઈ હતી, શું પરિણામ મળ્યું? એ રાહ જોવાનું. બે પગલા આગળ વધવા માટે મારે એક ડગલું પાછળ ફરીને જોવું મંજુર નહોતું.
‘ડીંગ... ડોંગ...’ બેલ સંભળાયો.
હું સફાળો ખુરશીમાંથી કુદકો મારીને ઉભો થયો. ઝડપથી બારી પાસે પહોચીને પડદો હટાવ્યો.
મેં ગેટ પર નજર નાખી. સ્ટ્રીટ લાઈટ પાસેથી પડતા છાંટા ચમકી ઉઠતા હતા. એ ચમક એક હાથમાં છત્રી અને પર્સ પકડીને અને બીજો હાથ ડોરબેલની સ્વીચ પર રાખીને ઉભેલી સ્ત્રી પર વરસતી હતી. તેણે મારા તરફ નજર કરી.
મેં આંતરિક ખચકાટ સાથે દરવાજો ખોલ્યો. વરસાદમાં લીધે તે ભીંજાઈ ચુકેલી હોવાથી ધ્રુજતી હતી. તેના પગ પર ભીની માટી ચોટેલી હતી, ભીના કપડા તેના શરીર સાથે સ્પર્શેલા હતા. મેં તેને અંદર આવવા માટે કહ્યું. તેને છત્રી બહાર મૂકી અને વાળને હાથ વચ્ચે દબાવીને પાણી નીતાર્યું. એ ચહેરો ટીવીમાં પણ આવી ચુકેલો હતું અને મારા હ્રદયની દીવાલ પર પણ.
રૂ જેવી સફેદ ત્વચા, ઘેરી લાલ લીપ સ્ટીક, કાનમાં મોટા ઈયરરિંગ્સ, અને પહેરેલા કપડા પરથી તે કોઈ જોબ કરતી હોય તેવી લાગતી હતી.
‘હેલ્લો,’ મેં હાથ મિલાવવા હાથ લંબાવ્યો.
‘હાય,’ તેણે હાથ મિલાવ્યો. ઘણા સમય પછી આટલો મુલાયમ સ્પર્શ અનુભવ્યો હતો. તે હજુ મને ઓળખી નહોતી શકી. છ વર્ષ પછી આ ચહેરો મારી સામે આવ્યો, કોને ખબર હતી કે આ ચહેરાને મળવા માટે મારે આ દિવસોની રાહ જોવી પડશે?
છ વર્ષ પહેલા એક નાદાન, ગામડાની મધ્યમ પરિવારની છોકરી મને આજે જે રીતે હાઈફાઈ જીંદગી જીવતી જોવા મળી એ મારા માન્યામાં નહોતું આવતું.
‘બેસો ને,’ મેં હળવેકથી કહ્યું.
આજ સુધીમાં તો તેને બોલાવીને કોઈએ આ રીતે માન દઈને વાત નહોતી કરી. બધા નજર સામેથી પસાર થાય એટલે મો ચડાવી બેસતા. તેણીએ વિચિત્ર નજરે મારી સામે જોયું.
‘ભીના થઇ ગયા છો, એક કામ કરો. પલળી ગયા છો તો ચેન્જ કરી નાખો. માંદા પડશો.’ મેં બાથરૂમ તરફ આંગળી ચીંધી. તે ઉભી થઈને બાથરૂમ તરફ ચાલવા લાગી.
‘હમમમ.’
‘અંદર ટુવાલ પડ્યો જ હશે.’ મેં કહ્યું.
‘થેંક યુ.’ તે અંદર ગઈ.
એ ચહેરો સાવ બદલાઈ ચુક્યો હતો, જેને પામવાની ઈચ્છા રાખતો હતો એ અલગ મહોરું હતું અને અત્યારે અલગ મહોરું છે. હું તો એને ઓળખી ચુક્યો હતો, જેના માટે હું મારી બધી લાગણી વહાવી દેવા તૈયાર હતો પણ એ નહોતી. મેં અરીસામાં જોયું, નહી ઓળખી શકે શરદના આ ચહેરાને એ, છેલ્લે મળ્યા ત્યારે બાળક જેવો દેખાવ હતો અને અત્યારે દાઢી મૂછ કદાચ મારી ઓળખ છુપાવી રાખે છે.
‘પ્લીઝ પંખો બંધ કરી દેશો?’ બાથરૂમમાંથી કોરા થઈને બહાર નીકળતાવેત બોલી.
હું પંખો બંધ કરવા ઉભો થયો, તે ઠંડીને લીધે ધ્રુજતી હતી.
‘કઈ ઢાંકવા માટે જોઈએ છે?’
તેણે માથું હલાવ્યું, મેં રૂમમાં જઈને બ્લેન્કેટ તેના હાથમાં આપ્યું, તેની આંખોની ગહેરાઈમાં ઘણું બધું છુપાયેલું હોય એવું લાગતું હતું.
‘તમે ઢાંકવા માટે આપ્યું બાકી તો અત્યાર સુધી તો બધાએ ઉઘાડી કરવા જ પ્રયત્નો કર્યા છે.’
‘તમારું નામ તો પૂછવાનું ભૂલી જ ગયો.’
‘અમારે નામ નથી હોતા, જે નામે બોલાવો એ અમને ચાલે છે.’
‘શું કહ્યું?’
‘કઈ નહી.’
‘સુવું નથી?’ મેં પૂછ્યું.
‘મને રાતના જાગવું વધુ પસંદ છે, તમારે સુવું નથી?’ તેને વળતો પ્રશ્ન કર્યો.
‘ના, એમ થાય છે કે તમારી સાથે જ રહું, જેટલો સમય વિતાવી શકાય,’ હું અટક્યો અને વાત બદલાવતા મેં પૂછ્યું, ‘કોફી પીશો કે ચા?’
‘રેવા દો ને, એવી ખોટી તસ્દી નથી લેવી.’
‘ચા પીશો ને?’ મેં ઉભો થઈને રસોડા તરફ પગ માંડતા પૂછ્યું.
‘હમમમ.’
રસોડામાં ગેસ પર તપેલીમાં પાણી ખાંડ અને ભૂકીની સાથે ઉકળતું હતી. દૂધ ઉમેર્યું. ઉફાણો આવ્યો, હું બે કપમાં અમારા માટે ચા લઈને તેમની પાસે ગયો. તેમણે સસ્મિત મારા હાથમાંથી કપ લીધો અને કહ્યું, ‘આવી ખોટી મહેનત નહોતી કરવી જોઈતી.’
‘આમાં શું મહેનત.’
‘ઘરમાં બીજું કોણ,’ તેણે સમય પસાર કરવા માટે વાત કરવાનું શરુ કર્યું.
‘હું એકલો જ બાકી બધા બહાર ગયા છે,’ તેનું વાક્ય મેં ઝડપભેર પૂરું કરતા કહ્યું.
‘તમે શું જોબ કરો છો?’ હું તેને આ હાલતમાં જોઈ શકતો નહોતો. તેની આ હાલત સુધારી પણ નહોતો શકવાનો. હું એ માની પણ નહોતો શકતો કે દિલોજાન પ્રેમ વરસાવવા માંગતો હતો એ ચહેરો મને આ રૂપમાં જોવા મળશે.
તે બે ઘડી કઈ ન બોલી.
‘હેલ્લો, તમને પુછુ છું,’ મેં હાથ હલાવીને કહ્યું.
‘રહેવા દો ને, એ ન જાણવામાં જ ભલાઈ છે.’
‘એવું તો વળી તમે શું કરો છો કે કહેતા અચકાવ છો?’ હું હસ્યો.
‘દેહવ્યાપાર.’ તેણે નજર જુકાવીને જવાબ આપ્યો.
‘શું?’ હું ચોકી ગયો. જે સાંભળ્યું હતું એ જ હકીકત નીકળી. મને અચરજ થઇ કે મારી સામે બેઠેલી સ્ત્રી કોઈ સામાન્ય સ્ત્રી નહોતી. સમાજમાં ઘણા લોકો જેના સપના જોતા, અનુભવવા માંગતા હોય, શીખવા માંગતા હોય કે જેની પાસે કામેચ્છા વ્યક્ત કરતા.
‘હા, શરદ તે એ જ સાંભળ્યું છે જે હું બોલી છું. દરેક રાતે મને નિર્વસ્ત્ર કરવા લોકો તૈયાર રહેતા હોય છે અને આજે તું મને ઢાકવા તૈયાર થયો છે. આ ચહેરાની પાછળ પણ ઘણા એવા ચહેરાઓ છુપાયેલા છે જે આ સમાજને ખબર હોવા છતાય સ્વીકારવા તૈયાર નથી. વ્યક્તિને ઓળખી ના શકવાની એ ભૂલ મારા જીવનની એ સૌથી મોટી ભૂલ હતી.’ તે મને ઓળખી ચુકી હતી.
‘દરેક વ્યક્તિ પાછળ કોઈ એક સ્ટોરી છુપાયેલી હોય છે, મારા સપનાઓ પણ ઉચા હતા, એ સાકાર કરવાના હતા, પણ પોતાના એ જ દગો કર્યો. પણ હું તને આ બધું શા માટે કઉ છું?’ તે વાત કરતા કરતા અટકી.
‘અંકિતા કેવો ગજબનો સંગમ છે કેમ? અધુરો હું, અધુરી તું, અધુરી સ્ટોરી અને અધુરો આપણા વચ્ચેનો પ્રેમ,’ હું બોલ્યો.
મારી સામે બેઠેલી એ દેહવ્યપારું સ્ત્રી બીજી કોઈ નહિ, મારો પ્રેમ જ હતો. જેને મળવા માટે, મળીને તેની મદદ કરવા માટે મેં તેને મારા ઘર પર બોલાવી હતી.
‘એ મારી ભૂલ હતી, ખોટા વ્યક્તિ પર વિશ્વાસ કરી બેસવાની. સાચાને પારખી ન શકવાની. પણ આ વાતનો અફસોસ કરવાનો હવે શું ફાયદો?’
‘કારણ કે આપણે સારા એવા મિત્રો હતા. હું તારા પર બધુ વારી ચુક્યો હતો. મને તું એ કહીશ કે તું આ જગ્યા પર કઈ રીતે પહોચી? હું તારી સ્ટોરી જાણવા માગું છુ, જો તને કઈ વાંધો ના હોય તો.’ મેં પરવાનગી માંગતા કહ્યું.
‘હું ચાહના, પિંકી, રૂબી દરેક મારા નામ છે. જે કસ્ટમરને જે નામ પસંદ પડે એ નામે મને બોલાવતો હોય છે. દરેક કસ્ટમરની પહેલી ઈચ્છા એ હોય કે ચાહના સાથે એ રૂપિયાના તોલે શારીરિક સુખ ખરીદવા માંગતો હોય. એ શરીરને સ્પર્શવા માંગતો હોય કે જેને હું પોતે ધિક્કારતી હોય. નફરત છે મને ઈશ્વરે આપેલા મારા આ સુડોળ કાયા પ્રત્યે અને આ ચહેરા પ્રત્યે...’ અંકિતાએ મારી સામે ભૂતકાળ ખોલીને રાખી દીધો.
શું હશે ચાહના અને શરદ પાછળની સ્ટોરી? શરદને એક રાતે માટે ચાહનાના આવવાથી કઈ ફાયદો થશે? જાણીશું આવતા અંકે....