વન નાઈટ સ્ટે
દર્શન નસીત
શરદ તારી જેમ ઘણા મને પોતાની બનાવવા માંગતા હતા, પણ તમને બધાને જેટલી ના પડું એટલી તમે મને વધુને વધુ નજરે ચડાવતા. મારે એ જ જોઈતું હતું લોકોની નજરે ચડવાનું, પણ ગામમાં હું કોઈ છોકરાની સાથે કોન્ટેક્ટમાં આવવા નહોતી માગતી, થોડો ડર હતો કે ગામવાળા શું વિચારશે? બીજા શું વિચારશે?
ગામની સંકુચિત વૃતિમાંથી બહાર નીકળીને શહેરમાં કોન્ટેક્ટ વધારવા માંગતી હતી, નામ બનાવવા માંગતી હતી, દરેક વ્યક્તિની ચર્ચાનો વિષય બનવા માંગતી હતી.
ઘરેથી બધાને એમ હતું કે હું ઘરને ઉજાળવા માટે ભણવા માટે શહેર જઈ રહી છું અને મને પણ એમ જ હતું, બધું ઠીકઠાક જ હોત જો મને નામ કમાવાની ઈચ્છા ના હોત, પણ મારેય તે નામ બનાવવું હતું. હું ગામ છોડીને કોલેજ કરવા શહેરમાં આવી પહોચી ત્યારે બસ મેં એટલું જ વિચાર્યું કે લોકો મારે વિષે શું વિચારશે એવું હું વિચારૂ એના કરતા લોકો માત્ર મારા વિષે જ વિચારે એ વધુ સારું ગણાશે...
@®@
જયારે હોસ્ટેલમાં આવી ત્યારે ઘણા સપનાઓ લઈને આવી હતી, મારા સપના મોર્ડન હતા. પણ મારી રૂમમેટ ફેની, પૂજા, ધારા જેવી લૂકથી મોર્ડન છોકરીઓની વચ્ચે હું દેશી...
હોસ્ટેલમાં મોટા ભાગની છોકરીઓ જીન્સ, ટોપ, શોર્ટ્સમાં આમથી તેમ ફરતી હતી, અને હું ગામના દરજી પાસે સીવડાવેલા ડ્રેસમાં. મારા સિવાયની ત્રણેય રૂમમેટના સ્ટ્રેટનીંગ કરેલા હેર હતા જયારે મારા લાંબો ચોટલો લીધેલા વાળ.
હું મારો બધો સમાન કબાટમાં ગોઠવવા લાગી. ફેની લેપટોપમાં કોઈની સાથે ફેસબુક પર ચેટ કરી રહી હતી. ધારાને કોઈ છોકરાનો ફોન આવ્યો હોવાથી એ અડધો એક કલાકથી ગેલેરીમાં કોઈની સાથે વાતોમાં વળગી હતી. પૂજાએ બેડ પર લંબાવીને ફોનમાં મેસેજ વાંચીને એકલી એકલી હસ્યા કરતી હતી.
‘ફેની જમવા જઈશું?’ મેં બધું વ્યવસ્થિત મૂકાઈ જતા પૂછ્યું.
‘હજુ વાર છે.’ ફેનીએ કહ્યું. પૂજાએ ફોન સાઈડ પર મુકીને આંખ બંધ કરી.
‘કેટલી?’ મેં ફરીથી પ્રશ્ન કર્યો.
‘પ્લીઝ યાર, ડીસ્ટર્બ ના કર ને.’ ફેનીએ કહ્યું.
‘પૂજા તારે?’ મેં ઉઠાડતા પૂછ્યું.
‘સુવા દે, ઉઠીને કૈક વિચારીએ,’ પૂજા પડખું ફરી ગઈ.
અને હવે ધારાને તો પૂછવાની વાત જ નહોતી આવતી. બધા પોતપોતાની લાઈફને લઈને બીઝી હતા.
‘ઓકે, તો હું જાવ છું. મને કડકડતી ભૂખ લાગી છે,’ મારા પેટમાં ઉંદરડા બોલી રહ્યા હતા.
હું એકલી જમવા જવા માટે તૈયાર થઈ. કદાચ આ એક સાહસ હતું, ગર્લ્સ હોસ્ટેલમાંથી આજદિન સુધી તો મોટા ભાગે ગ્રુપમાં જ બહાર નીકળતી જોવા મળતી. હોસ્ટેલની બહારનું વાતાવરણ મને માફક આવે એવું હતું. હોસ્ટેલના દરવાજાની બરોબર સામે એક લીલીછમ હરિયાળી, લોનવાળું ગ્રાઉન્ડ હતું. જેંમા કેટલીક છોકરીઓ બેઠીબેઠી વાતોના ગપાટા મારી રહી હતી.
હું જમવા માટે કેન્ટીનમાં પ્રવેશી. ચારે તરફ વિદ્યાર્થીઓ જ વિદ્યાર્થીઓ હતા. કેન્ટીનમાં ગર્લ્સને બેસવા માટે અલગથી કોઈ વ્યવસ્થા નહોતી એટલી જ્યાં જગ્યા મળે ત્યાં વહેલા તે પહેલાના ધોરણે જમવાનું લઈને બેસી જવાનું હતું. મેં ડીશ હાથમાં લેતા સમયે આસપાસ નજર દોડાવી, બધાની નજર મારી તરફ આવીને અટકી હતી જાણે કે કોઈ સેલીબ્રીટી આવીને ના ઉભી રહી ગઈ હોય!
હું જમવાનું લઈને એક તરફ ખાલી ખૂણામાં જઈને બેઠી. જમવાનું થોડું વિચિત્ર હતું, શાકમાં રસાની વચ્ચે શાકના ફોડવા ગોતવા મુશ્કેલ પડે, અડધી કાચીપાકી રોટલીની બળેલી કોર, સાવ પાણી જેવી દાળ અને છાશ તો જાણે મમરાની બનાવી હોય એવી સાવ મોળી હતી. બીજી તરફનું “પે એન્ડ ઈટ” કાઉન્ટર પર કદાચ જમવાનું સારું મળતું હશે, પણ ઘરેથી વાપરવા માટે આપેલા રૂપિયાની રકમ જોઇને એવું લાગતું હતું કે હોસ્ટેલ તરફથી જે જમવાનું આપવામાં આવે છે એ જમવું મારા માટે સારું રહેશે.
આજ દિન સુધી ઘરથી ક્યારેય અલગ નહોતી પડી અને એકલા પણ ક્યારેય ન જમ્યું હોવાથી અત્યારે એકલું જમવું થોડું કઠણ પડતું હતું. મારી બાકીની રૂમમેટ કેન્ટીનમાં જીન્સ અને ટોપમાં સજીધજીને દાખલ થઇ. મોઢા પર મેક અપના કારણે થોડી એવી સારી દેખાતી હતી, જમવા આવવા માટે આટલી શું કામ તૈયાર થઇ હશે? મારી સાથે જમવા આવવામાં આ ત્રણેયને શું વાંધો આવ્યો હશે? શું હું ગામડાની, થોડી દેશી, અને મને શહેરની ખબર નથી પડતી એ કારણથી જ આ ત્રણેયને મારાથી વાંધો હશે?
‘હેલ્લો,’ મને અચાનક જ વિચારોની દુનિયામાંથી પાછી ખેચી લાવવા એક છોકરાએ નજીક આવીને ચપટી વગાડી.
‘શું?’ મેં ડઘાઈ જઈને તેની સામે જોયું.
ગોરા વાન પર તેને શેઈપ આપેલી દાઢી અને ગળા પર કરાવેલું ટેટૂ, સ્કાય બ્લુ ટીશર્ટ સારી લાગતી હતી.
‘કોઈ આવે છે?’ તેણે પૂછ્યું.
‘ના.’ મેં થોડું વિચારીને જવાબ આપ્યો.
‘બાય ધ વે, આઈ એમ યશ જોશી,’ તેણે હાથ મિલાવવા માટે લંબાવ્યો.
મેં આજુબાજુ જોયું. બધા માટે કદાચ છોકરો છોકરી એકબીજાની સાથે વાત કરે એ કોમન હશે પણ મારા માટે આ અનોખી લાગણી અનુભવડાવનાર હતું.
‘ધેન વોટ?’
‘અને તમારું?’
બસ આટલું જ ઈંગ્લીશ ગોખીને આવ્યો હશે? તે ગુજરાતી તરફ વળ્યો, સાચી લાગણીઓ તો માતૃભાષામાં જ બતાવી શકાય ને!
‘અંકિતા,’ જયારે સામેથી તક આવી હોય ત્યારે એ તકનો લાભ ન ઉઠાવું એટલી હું મુર્ખ પણ નહોતી.
‘અંકિતા, સરનેમ?’
જયારે નેગેટીવ રિસ્પોન્સ આપો ત્યારે વાતને વધુ વેગ મળે છે એમ વિચારી હું બોલી, ‘તમારે કામ શું છે એ બોલોને.’
તે કઈ બોલી ના શક્યો. મારી રૂમમેટ દુર બેસીને આ બધું જોઈ રહી હતી, અંદરથી બળી રહી હતી અને કદાચ વિચારતી હશે કે આ દેશી ગર્લને પણ પૂછવા જવાવાળા લોકો છે? મેં ડીશ ઉપાડી અને હાથ ધોવા માટે ઉભી થઈને ચાલવા લાગી. અને પેલો યશ આવક થઈને મને જતી જોઈ રહ્યો.
જ્યાંથી હું નીકળતી ત્યાં બેઠેલા છોકરાઓમાંથી એક બીજાને બોલાવીને બસ એટલું જ કહેતા હતા કે એય માલ તો જો, આમાં આપડે કરવું છે. પણ જયારે માર ચહેરા સિવાય એમની નજર મારા ક્લોથીંગ પર પડતી ત્યારે મારી પાસે આવવાનું માંડી વાળતા.
કેન્ટીનની બહાર નીકલી ત્યારે ગ્રુપમાં બેઠેલા માંથી એકે કોમેન્ટ પાસ કરી, ‘ફૂલ ફટકો છે.’
‘ફટકો તો છે પણ દેશી ફટકો છે.’
‘જો ડ્રેસિંગ સેન્સ સારી થઇ જાય તો કોલેજનો દરેકે દરેક છોકરો આની પાછળ મરવા તૈયાર થઇ જાય!’ એક પછી એક એમ બોલવા લાગ્યા.
પહેલા તો થયું કે તેમને વળતો જવાબ આપું પણ જયારે દેશી છું એ સાંભળવા મળ્યું ત્યારે થયું કે આ બધાને જવાબ અલગ રીતે જ આપીશ. મારામાં એવું કૈક તો હતું કે બધાને આકર્ષી શકું નહિતર યશ મારી પાસે ન આવ્યો હોત.
રૂમમાં જઈને થોડીવાર મેં વિચાર કર્યો ત્યારે ખબર પડી કે મારે પણ હવે થોડું મોર્ડન થવું જોઇશે, બાકીની રૂમમેટ જેવું કરે છે એમ કરવા લાગીશ તો બધા મારી સાથે સામેથી બોલવા લાગશે. ધીમે ધીમે ગ્રુપ મોટું થશે, અને જેટલું ગ્રુપ મોટું એટલી ફેમ વધારે.
ત્રણેય રૂમમેટ જમીને પછી આવી. પૂજાએ મારી સાથે થોડી વાતચિત કરી. તેની પાસેથી મને સસ્તા અને સારા શોર્ટ્સ, ટોપ અને જીન્સ ક્યાંથી મળશે એ બધી માહિતી મળી ગઈ. હું વધુ સારું કઈ દેખાઈ શકું એનું માર્ગદર્શન ધારાએ આપ્યું અને ફેનીએ મારું ફેસબુક યુઝ કરવા માટે તેનું લેપટોપ આપ્યું.
ઘણા સમયથી મેં એ એકાઉન્ટ નહોતું ખોલ્યું. ત્યારે ડર હતો કે કોઈ રીલેટીવને ખબર પડશે કે હું ફેસબુક પર છું તો પ્રોબ્લેમ થઇ જશે એટલે મેં બીજા નામે એકાઉન્ટ બનાવ્યું હતું. નહોતું નામ સાચું કે નહોતી સાચી સરનેમ, “ચાહના પટેલ”
પહેલું કામ મેં યશ જોશી નામ સર્ચ કર્યું. પ્રોફાઇલ પીકમાં એનું ટેટુ હતું. મેં એને કઈપણ વિચાર્યા વગર જ રીક્વેસ્ટ મોકલી. બે મીનીટમાં જ નોટીફીકેશન આવી કે “યશ જોશી અસેપ્ટ યોર રીક્વેસ્ટ” અને સાથોસાથ મેસેજ આવ્યો, ‘હાઈ.’
‘શું વાત છે અંકિતા, પહેલા જ દિવસે ફ્રેન્ડ ઓહો.’ પૂજા બોલી.
મેં વળતો મેસેજ કર્યો.
‘વ્હુ આર યુ?’ ફરીથી મેસેજ આવ્યો.
હું થોડીવાર અટકી. અંકિતા નામ છુપાવવા મેં ચાહના નામથી જ કોલેજમાં ફેમસ થવા વિચાર્યું. ચાહના નામ મારું ફેવરીટ નામ હતું અને બીજા બધા માટે પણ ચાહના નામ ફેવરીટ બને એમાં મને કઈ વાંધો નહોતો.
ઓળખ બદલાવવાની હતી, દેશી ફટકામાંથી બ્યુટી ક્વીન ચાહના તરીકે ઓળખાવું હતું. કોઈ પણ ભોગે ને કોઈ પણ સંજોગે.
મારી આંગળી લેપટોપના કી-બોર્ડ પર ફરવા લાગી, રીપ્લાય આપ્યો.
‘સારું નામ છે, ચાહના. નામ ગમ્યું.’ સામેથી યશનો રીપ્લાય આવ્યો.
મેં વાત શરુ રાખી. ધારા, પૂજા અને ફેનીને હું જો ફેમસ થાઉં તો ફાયદો પણ હતો અને અંદરથી બળતરા પણ...
શું ચાહનાના નામ પાછળ છુપાઈને અંકિતા ફેમ મેળવવાના સપના સાકાર કરવા કેવા કેવા સ્ટેજમાંથી પસાર થવું પડશે? એ જોઈશું આવતા શનિવારે...
-દર્શન નસીત
9426664124