ડરના મના હૈ
Darna Mana Hai-18 ભૂતાળવી હોસ્પિટલઃ ડોમિનિકેન હિલ
લેખકઃ મયૂર પટેલ. ફોનઃ ૦૯૫૩૭૪૦૨૧૩૧
લોહી નીંગળતો એ હાથઃ
મારિયો લોરેન્ઝો નામનો અઠંગ બ્રાઝિલિયન પ્રવાસી કોઈક કારણસર એ રાતે ઊંઘી શકતો નહોતો. દિવસ દરમ્યાન કરેલી રખડપટ્ટીને લીધે શરીર થાકેલું હોવા છતાં તેની ઊંઘ વેરણ થઈ ગઈ હતી. ‘ડિપ્લોમેટ’ હોટલના કમરામાં પોતાના બેડ પર તે એકલો હતો અને પડખાં ફેરવી રહ્યો હતો. કંઈક વિચિત્ર પ્રકારની બેચેની તેને અનુભવાઈ રહી હતી. કલાકો સુધી ઊંઘવા માટે મથામણ કર્યા બાદ છેવટે કંટાળીને તેણે પથારી છોડી દીધી. રૂમમાં આમતેમ આંટા માર્યા પછી તાજી હવા લેવા માટે તે રૂમની બહાર નીકળી ગયો. હોટલના બગીચામાં અડધો કલાક પસાર કર્યા બાદ તેની બેચેની દૂર થઈ અને મન શાંત થયું. હવે ઊંઘ આવી જશે એવું લાગતા તે પોતાના કમરા તરફ પાછો ફર્યો. સમય મધરાત ઉપરનો થયો હોવાથી હોટલમાં કોઈ ચહલપહલ નહોતી. બગીચામાંથી હોટલના પગથિયાં તરફ આગળ વધી રહેલા મારિયોની નજર અચાનક હોટલની બહાર ઊભેલા એક માણસ પર પડી. દીવાલ સરસો ઊભેલો એ માણસ કશીક પીડાથી કણસી રહ્યો હતો. એની સહેજ નજીક જતાં મારિયોએ જે જોયું એનાથી તેના હોશ ઊડી ગયા. તેણે જોયું કે પેલા માણસનો જમણો હાથ કોણીમાંથી કપાઈને છૂટો પડી ગયો હતો. એના કપાયેલા હાથમાંથી વહેતું લોહી બગીચાના ઘાસ પર રેલાઈ રહ્યું હતું અને ઘાસમાં લોહીનું ખાબોચિયું બની ગયું હતું. એના શરીર પર બીજા પણ અનેક ઘા પડ્યા હતા, જેમાંથી લોહી વહી રહ્યું હતું. એની હાલત જોઈ મારિયોને કમકમાં છૂટી ગયાં. તે પગથી માથા સુધી થથરી ગયો.
‘ઓહ માય ગોડ! તમારી આવી હાલત કોણે કરી?’ મારિયોના મોંમાંથી શબ્દો સરી પડ્યા. જવાબમાં પેલો ઘાયલ માણસ કંઈ બોલ્યો નહિ. એને એટલી બધી વેદના થઈ રહી હતી કે એ કંઈ પણ બોલી શકવાની સ્થિતિમાં નહોતો. એણે આજીજીભરી આંખે મારિયો તરફ જોયું.
મદદ મેળવવા માટે મારિયો હોટલના મુખ્ય દરવાજા તરફ ઉતાવળે દોડી ગયો. ત્યાં બેઠેલા ચોકીદારને તેણે પરિસ્થિતિ સમજાવતાં કહ્યું, ‘જલ્દી મારી સાથે ચાલો. ત્યાં કોઈ માણસ ઘવાયેલી હાલતમાં પડ્યો છે.’
તેણે જે દિશામાં ઈશારો કર્યો હતો એ દિશા તરફ જોઈ ચોકીદાર ખૂબ શાંતિથી બોલ્યો, ‘ત્યાં કશું જ નથી, સાહેબ. હવે ત્યાં કશું જ નહિ હોય.’
‘શું વાત કરો છો તમે?’ રઘવાયા થતાં મોરિયો બોલ્યો. ‘મેં હમણાં જ ત્યાં એક માણસને લોહી નીંગળતી હાલતમાં જોયો છે. એને તાત્કાલિક મદદની જરૂર છે. તમે જલ્દી મારી સાથે ચાલો.’
તેની જીદ સામે ઝૂકીને ચોકીદાર તેની સાથે પેલો ઘાયલ માણસ હતો એ તરફ ગયો. ત્યાં કોઈ જ નહોતું! થોડી વાર પહેલાં મારિયોએ જોયેલો માણસ ત્યાં નહોતો. એના કપાયેલા હાથમાંથી વહેતા લોહીથી ઘાસમાં રચાયેલું ખાબાચિયું પણ નહોતું.
‘હમણાં જ મેં અહીં એક...’ મારિયો બોલવા ગયો, પરંતુ ગભરાટનો માર્યો બોલી ન શક્યો. તે ડરને લીધે ધ્રૂજી રહ્યો હતો.
‘એ માણસને જોનારા તમે પહેલા આદમી નથી, સાહેબ,’ ચોકીદાર બોલ્યો. ‘અને એના જેવા બીજા અનેક ઘાયલો અહીંતહીં દેખાતા રહે છે.’
ચોકીદારની વાત સાંભળી મારિયો હેબત પામી ગયો. તેને એ સમજતા વાર ન લાગી કે હકીકતમાં શું બન્યું હતું. જીવનમાં પહેલી જ વખત તેણે ભૂત જોયું હતું. ભૂત...
ડોમિનિકેન હિલ પર આવેલું એ ભૂતિયા મકાનઃ
ફિલિપાઈન્સ દેશનું બાગીઓ શહેર પર્વતોથી ઘેરાયેલું એક નાનકડું નગર છે. અહીંની સૌથી ઊંચી જગ્યા ‘ડોમિનિકેન હિલ’ નામે જાણીતી એક ટેકરી છે. આ હિલથી બાગીઓ શહેરનું મનોહર દૃશ્ય દેખાય છે અને પ્રવાસીઓ કુદરતી સૌંદર્યની મઝા માણવા અહીં આવતા રહે છે. ડોમિનિકેન હિલ પર ઊભેલું એક માત્ર મકાન એટલે ‘ડિપ્લોમેટ હોટલ’. એક જમાનામાં ફિલિપાઈન્સની સૌથી વધુ આકર્ષક ગણાયેલી હોટેલો પૈકીની એક એવી આ હોટલ આજે ખખડધજ દશામાં ઊભી છે. હોટલની દીવાલોના રંગ વાતાવરણની થપાટો ઝીલી ઝીલીને પૂરેપૂરા ઊખડી ચૂક્યા છે. બારીબારણાને નામે લાકડાના થોડા ટુકડાઓ જ બારસાખમાં લટકી રહ્યા છે. ફર્શ પરની ટાઇલ્સ ઠેકઠેકાણે ઊખડી ગયેલી છે અને ફર્નિચર પર ધૂળના જાડા થર જામી ગયા છે.
આવા આ ખંડેર સમા મકાનના મુખ્ય ઓરડા—જેનો એક જમાનામાં રિસેપ્શન હોલ તરીકે ઉપયોગ થતો હતો—ની બંને બાજુ બે ખુલ્લાં આંગણાં છે. બંને આંગણામાં દેવદૂતની એક-એક મૂર્તિઓ ઊભી છે, પરંતુ એ મૂર્તિઓની હાલત એટલી ખરાબ છે કે તેઓ દેવદૂત કરતાં દાનવ વધુ લાગે છે. હોટલના મકાનની ચારે તરફ ઝાડીઝાંખરાં ઊગી નીકળ્યાં છે જેને લીધે મકાનનો દેખાવ વધુ ડરામણો લાગે છે. ખાસ કરીને રાતે તો આ ઈમારત જબરી ભૂતાળવી ભાસે છે! અહીં વર્ષોથી કોઈ માણસે વસવાટ નથી કર્યો. અહીંના રહેવાસીઓ ફક્ત વન્ય પક્ષીઓ છે. અબોલ પક્ષીઓના ઘણા બધા માળા અહીં જોવા મળે છે. મકાનની અંદર ફરતી વખતે સંભળાતા કબૂતરોના ઘૂઘવાટ અને પાંખો ફફડવાના અવાજો વાતાવરણને વધુ ભયાનક બનાવી મૂકે છે.
ડોમિનિકેન હિલ પર આવેલા આ એકાકી મકાનમાં એવું તો શું બન્યું હતું કે તેને ત્યજી દેવામાં આવ્યું અને તેની આવી અવદશા થઈ ગઈ એ જાણવા માટે દૂરના ઈતિહાસમાં ડોકિયું કરવું પડશે.
ભયંકર હત્યાકાંડની સાક્ષી બનેલી ડોમિનિકેન હિલ હોસ્પિટલઃ
ઈસવી સન ૧૯૧૧માં ડોમિનિકેન હિલ પર આ મકાનનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. વેકેશન હાઉસ તરીકે બાંધવામાં આવેલા આ મકાનને સરકારી ટેક્સ બચાવવા માટે શાળામાં ફેરવી દેવામાં આવ્યું, પરંતુ બાગીઓ ટાઉનથી દૂર હોવાથી બહુ ઓછા વિદ્યાર્થીઓ અહીં સુધી ભણવા આવતા, એટલે થોડા વખતમાં શાળા બંધ કરી દેવામાં આવી. કુલ મળીને ૧૭ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલી આ જાગીરને ત્યાર બાદ લાંબા સમય સુધી તેના માલિકો દ્વારા વપરાશમાં લેવામાં આવી નહિ. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ખાલી પડેલા આ મકાનનો ઘરબારવિહોણા લોકોના વસવાટ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. ફિલિપાઈન્સ પર એ વખતે જાપાનનો કબજો હતો અને જાપાની સેના એશિયાના અન્ય દેશોની જેમ ફિલિપાઈન્સમાં પણ હાહાકાર મચાવી રહી હતી. બીજા વિશ્વ યુદ્ધનું બ્યૂગલ તો યુરોપમાં ફૂંકાયું હતું, પણ હાલના ચીનની જેમ એ જમાનામાં વિસ્તારવાદી નીતિ ધરાવતા જાપાને વહેતી ગંગામાં હાથ ધોઈ લેવાને ઈરાદે કારણ વગર એશિયાઈ દેશો પર સશસ્ત્ર આક્રમણ કરવાનું શરૂ કરી દીધું હતું. ભારત ઉપરાંત ચીન, મ્યાન્માર, સિંગાપોર અને ફિલિપાઇન્સ સહિતના દક્ષિણ એશિયાના તમામ દેશોમાં જાપાને રીતસર કાળો કેર વર્તાવ્યો હતો. યુરોપમાં જર્મનીની ધાક જામશે અને એશિયામાં પોતાનું એકચક્રી સામ્રાજ્ય સ્થપાશે એવી ગણતરીએ જાપાન બેફામ બન્યું હતું અને એ પાપની સજા તેણે બબ્બે અણુ બોમ્બના કમરતોડ પ્રહાર વેઠીને ચૂકવવી પડી હતી. બીજા વિશ્વ યુદ્ધના આવા કપરા સમયમાં જાપાની સૈનિકો દ્વારા આચરાતી ક્રૂરતા હિટલરની નાઝી સેનાના સિપાઈઓ દ્વારા આદરાયેલા હત્યાકાંડનેય સારી કહેવડાવે એટલી ભયંકર હતી. કટોકટીના એ સમયમાં ડોમિનિકેન હિલના એ વિશાળ મકાનમાં એક હૉસ્પિટલ પણ ઊભી કરવામાં આવી હતી.
અન્ય નગરોની જેમ જાપાની હવાઈ સેનાએ બાગીઓ નગર પર ભારે બૉમ્બ વર્ષા કરી હતી. એ અગનવિનાશમાંથી ડોમિનિકેન હિલ પણ બચી શક્યું નહોતું. મકાનના માળખાને ભારે નુકસાન પહોંચ્યું અને અનેક લોકો માર્યા ગયા. આટલું અધૂરું હોય એમ જાપાની થલ સેનાએ થોડા દિવસો બાદ ફરી વાર બાગીઓ નગર પર હુમલો કર્યો અને લોકોને વીણી વીણીને માર્યા. ડોમિનિકેન હિલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને પણ એમણે ન છોડ્યા. પલંગ પર પડેલા અસહાય, ઘાયલ, લાચાર દર્દીઓને તેમણે ગોળીઓથી વિંધી નાખ્યા અને ઘણાને તલવારથી વધેરી નાખ્યા. શારીરિક રીતે અક્ષમ દર્દીઓ સ્વબચાવ પણ કરી શકે એમ નહોતા. ગણતરીના કલાકોમાં હોસ્પિટલને રક્તરંજિત કરીને જાપાની સૈન્ય ત્યાંથી જતું રહ્યું. પાછળ પડી હતી અનેકાનેક લાશો. એ લાશો, જે પોતાના અપમૃત્યુને લીધે પાછી જીવતી થવાની હતી. પ્રેત રૂપે…
સમય જતાં વિશ્વ યુદ્ધ તો પૂરું થઈ ગયું, પરંતુ ડોમિનિકેન હિલ હૉસ્પિટલમાં બનેલા લોહિયાળ હત્યાકાંડની ગૂંજ શાંત થઈ નહિ. રેઢા પડેલા મકાનમાં ભૂતો થવા લાગ્યાં. રાત પડ્યા બાદ અહીં કમોતે મરનારા લોકોની ચીસાચીસ સંભળાતી. સંપૂર્ણપણે ખાલી હોવા છતાં ઘણા પ્રવાસીઓએ હૉસ્પિટલની બારીઓમાં માણસો ઊભેલા જોયા હતા. અહીં થતી ભૂતાવળની વાતો સાંભળી તેના મૂળ માલિકોએ કદી અહીં રહેવાની હિંમત કરી નહિ.
ભૂત-પ્રેતની હાજરીએ હોટલને ચાંદી કરાવી દીધીઃ
છેક ૧૯૭૩માં આ મિલકત બાગીઓ શહેરના જ એક વેપારી ટોની અગપોઆને વેચી દેવામાં આવી. નવા માલિકે મકાનનું સમારકામ કરાવ્યું અને તેને ‘ડિપ્લોમેટ’ નામની હોટલમાં બદલી નાખ્યું. કુલ ૩૩ બેડરૂમની એ હૉટેલમાં પ્રવાસીઓ આવવા લાગ્યા અને હોટલ જાણીતી બની. જોકે હોટલને કુખ્યાત થતાંય ઝાઝી વાર ન લાગી. હોટલમાં રાતવાસો કરનારા લોકોને અહીં ભૂતપ્રેત દેખાવા લાગ્યા. ઘણી વાર કારમી ચીસો પણ સંભળાતી. બારીબારણાં પર ધબડાટી સંભળાતી. મારિયો જેવા કેટલાક લોકોને તો ભૂતો સદેહે પણ દેખાતાં. ભૂતાવળ થતી હોવાની વાત જંગલમાં આગની જેમ ફેલાઈ ગઈ અને ડિપ્લોમેટ હોટલની ચર્ચા દેશવિદેશમાં થવા લાગી. અનેક લોકો તો ફક્ત ભૂત-પ્રેતનો અનુભવ લેવા માટે અહીં આવવા લાગ્યા.
ડિપ્લોમેટ હોટલની દુર્દશાઃ
નેગેટિવ પબ્લિસિટી મળતી હોવા છતાં હોટલનો માલિક ખુશ હતો, કેમ કે હોટલ સારી કમાણી કરાવી આપતી હતી. જોકે ૧૯૮૭માં ટોનીને હૃદયરોગનો જીવલેણ હુમલો થયો. તેના મર્યા બાદ તેના કોઈ વારસદારને એ ભૂતિયા હોટલ ચલાવવામાં રસ નહોતો રહ્યો. હોટલ બંધ કરી દેવામાં આવી અને ત્યારથી એ બંધ જ છે. ટોનીના વારસદારોએ એકથી વધુ વાર એ ભૂતિયા પ્રોપર્ટી વેચવાની કોશિશો કરી જોઈ, પણ એમને કોઈ લેવાલ ન મળ્યા. આવી જોખમી અને ડરામણી પ્રોપર્ટીને હાથ પણ કોણ અડાડે? વણવપરાયેલા પડ્યા રહેલા એ મકાનને કાળની થપાટ અને વાતાવરણના મારે ગ્રસી લીધું. એક સમયની રોનકદાર ઈમારત વર્ષો વીતતાં ખંડેરમાં ફેરવાઈ ગઈ. આજની તારીખે પણ ડોમિનિકેન હિલ પરનું એ મકાન એવી જ દુર્દશામાં ઊભું છે અને આજની તારીખે પણ ત્યાં અપમૃત્યુ પામેલા લોકોની ભૂતાવળ થતી હોવાનું કહેવાય છે.