ઇન્દ્રજાળ
એક સમય ની વાત છે – ઇન્દ્રપ્રસ્થ પર યવનોનુંશાસન હતું. યવનો સાથેના દીર્ધ અને વિકટ યુદ્ધમાં યવનોનો પરાજય થતા તેઓ સ્વદેશ પરત થયા. ઇન્દ્રપ્રસ્થ સ્વતંત્ર થયું પરંતુ ખંડિત અવસ્થામાં હતું. દરેક ગ્રામ પોતાને સ્વતંત્ર દેશ માનતા હતા. ભગ્ન વિખરાયેલું ઇન્દ્રપ્રસ્થ ફરીથી કોઈ વિદેશીઓના હાથમાં ન આવી જાય તેથી તેને સંગઠિત કરવામાં આવ્યું. પરંતુ યવનોની ગેરહાજરી થતા સમગ્ર ઇન્દ્રપ્રસ્થ પર શાસન કોણ કરે એ વિકટ પ્રશ્ન હતો. આથી કેટલાક વિદ્વાનોએ વિકલ્પ સૂચવ્યો કે હવે યવનો સાથે યુદ્ધ કરવાનો પ્રશ્ન નથી તેથી આપણે પરસ્પરયુદ્ધ કરવું અને જેનું સૈન્ય સમગ્ર ઇન્દ્રપ્રસ્થ પર જય પામે તે સમગ્ર ઇન્દ્રપ્રસ્થ પર નિશ્ચિત કાલાવધીસુધી પ્રશાસન કરે. કાલાવધીસમાપ્તિ પછી પુનઃ યુધ્ધ આરંભ કરવા. પરંતુ કાળાંતરે નિશ્ચિત કાલાવધી સુધી પ્રશાસન કરવું એ વિધાન ગૌણ થયું અને પરસ્પર યુદ્ધ કરવા એ દરેક રાજપુરુષ માટે મુખ્ય અને એકમાત્ર કાર્ય થયું. આમ તો તેઓને પરસ્પર યુદ્ધની જ નિપુણતા હતી તેથી તેઓ આ જ કાર્ય શ્રેષ્ઠ રીતે કરી શકતા. રાજવહીવટ કે પ્રજાકલ્યાણના કાર્ય યુદ્ધમાંથીઅવકાશ મળે ત્યારે જ, નિર્વિકલ્પે જ કરતા.
યુદ્ધમાં સમગ્ર ઇન્દ્રપ્રસ્થ પર પોતાનો અધિકાર છે તેવો દાવો ઘણાબધા સૈન્ય કરતા.દરેક સૈન્ય પોતાની ધ્વજાથી ઓળખાતું. બધા સૈન્યોમાં સૌથી વધુ પ્રભાવશાળી બે સૈન્ય હતા. પરંતુ આ બે સૈન્ય પણ સમગ્ર ઇન્દ્રપ્રસ્થ જીતી શકવામાં વારંવાર અસમર્થ સાબિત થયા. તેથી તેઓ ક્ષેત્રીય રાજાઓ સાથે યુધ્ધમાં મદદ માટે સંધિ કરતા. યુદ્ધમાં જય પામીશુ તો સમગ્ર ઇન્દ્રપ્રસ્થની રાજસત્તામાં તેમને મહત્વનું પદ મળશે એવા વચન પામવાથી તેઓ સહર્ષ યુદ્ધ અભિયાનમાં સહભાગી થતા અને સમય આવ્યે યુદ્ધ જયથી ઉપલબ્ધ ઉત્તમ ફળોને આરોગતા. ક્ષેત્રીય રાજાઓની પણ પોતાની ધ્વજપતાકાઓ રહેતી તેથી તેઓ મુખ્ય સૈન્ય સાથે યુદ્ધમાં સાથ આપવા માટે ત્યારે જ તૈયાર થતા જ્યારે તેમના ધ્વજનો રંગ મુખ્ય સૈન્યના ધ્વજમાં ઉમેરવામાં આવે. મુખ્ય સેનાનાઅધિપતિઓ (બંને સેનાઓના) યુદ્ધ સમયની અનિવાર્યતાથી લાચાર હોવાથી તેમને યથેચ્છ રંગ ઉમેરવાદેતા. વારંવાર થતા યુદ્ધોમાં બંને સૈન્યોના ધ્વજોમાં વિવિધ રંગો ઉમેરાઈને લગભગ સરખા જ પ્રતીતિ થવા લાગ્યા હતા. જાણે કહેતા હોય एकोहमबहुश्याम | બંને સૈન્યના ધ્વજનો દેખાવ એક જ સરખા કાબરચીતરા અને દરેક રંગમાંરંગાયેલા હોવાથી બંને સૈન્યોએ પોતાનું નામકરણ કરી દીધું. એક સૈન્ય અનંતરંગીવાળા તરીકે તથા બીજું સૈન્ય બહુરંગીવાળા તરીકે ઓળખાયા. પરંતુ બંનેની ધ્વજામાં વિશેષ તફાવત ન જણાતા પ્રજાને મન તો આ બંને સૈન્ય એક જ છે કે પૃથ્થક તે અંગે શંકા રહેતી જ. સૈન્યની ટુકડી ધ્વજ સાથે રાખીને ક્યાંક સ્થાનાંતર કરતી હોય ત્યારે તે જ સૈન્યની બીજી ટુકડી તેમને ધેરી લઈને શિક્ષા કરે તેવું વારંવાર બનવા લાગ્યું કારણ કે ટુકડીના અગ્રક્રમમાં ચાલતા સૈનિકનો ધ્વજ તેમને શત્રુસૈન્યનો ધ્વજ જેવો લાગતો. આવો દ્રષ્ટિભ્રમ બંને સૈન્યનાસેનાપતિઓ, સેનાનાયકો અને સૈનિકોને તેમજ પ્રજાજનોને વારંવાર થતો તેથી નવી પદ્ધતિમાં ધ્વજ લઈને ચાલતા સૈનિક “અમે અનંતરંગી છીએ” કે અમે બહુરંગી છીએ” એવો પ્રચંડ નાદ કરતા. જેથી તેઓ એકબીજાથીપૃથ્થક છે તેવું કંઈક અંશે લાગતું.
બંને મુખ્ય સૈન્યના સૈન્યાધીકારીઓમાં પણ ખાસી હુંસાતુસી રહેતી. ક્ષેત્રીય સૈન્યો અને રાજાઓને જેટલું મહત્વ મળે છે તેટલું મહત્વ બહુરંગી કે અનંતરંગી સૈન્યમાં બે-બે દાયકાવિતાવ્યા, અસંખ્ય યુધ્ધોજીત્યા છતાં પણ અમને નથી મળતું તેવું અમુક સેનાનાયકો કે સેનાપતિઓને લાગતું, તેઓ અંદરખાને ક્રોધથી ભભૂકતા. પદોન્નતિ યોગ્ય સમયે થતી નથી અને યુદ્ધ જય બાદ રાજવહીવટ કરવાનો સમય આવે તો મને રાજકોષના રક્ષણ જેવી જવાબદારીને બદલે સીમાંત ક્ષેત્રોમાં પાલતું અને રાની પશુઓને પીવાના પાણીની સમસ્યા ઉકેલવા, ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં પાકનું જંગલી પશુઓથી રક્ષણ કરવા, વિદ્યાલયોમાંથી ભાગી જતા વિદ્યાર્થીઓની શોધ કરવી, વેપાર-વાણીજ્ય અને પ્રજાની પ્રગતિ/કલ્યાણ પર લલિત નિબંધ લખવા, ઘેટા-બકરાનું ઊન-દૂધ વધારવા માટેના અભિયાન જેવી તુચ્છ જવાબદારીઓ સોપવામાં આવે છે જે મારી કાર્યક્ષમતા, કાર્યદક્ષતા અને વ્યક્તિત્વને અનુરૂપ નથી તેવું લાગવાથી કેટલાક સૈન્યાધીકારીઓ પોતાના વફાદાર અને સમદુખિયા સૈનિકોને લઈને પોતાનું નવું સૈન્ય રચી દેતા અને પાંચ-છ ગ્રામ્ય વિસ્તારો પર જય પામીને તે ક્ષેત્ર પર પોતાનું આગવું પ્રભુત્વ જમાવી દેતા. નવું સૈન્ય બનવાથી નવો ધ્વજ પણ બનાવો પડતો, જેથી પ્રજાને તેઓ બીજા સૈન્યોથી પૃથ્થક છે તેવું દર્શાવી શકાય. પરંતુ નાના મોટા એટલા બધા સૈન્યો અને એટલા બધા ધ્વજો બની ગયા હતા તેથી નવું કઈ કરવાની મતિ ના સુજે તો પોતે જે સૈન્યમાંથી વીલગ થયા હોય તે સૈન્ય જેવો જ ધ્વજ રંગાવતા અને ધ્વજની મધ્યમાં તારાઓ, ચંદ્ર, સુરજ, ધનુષ્ય-બાણ, તલવાર, હિંસક પશુઓ, છેવટે કઈ ના સુજે તો પોતાનું તૈલચિત્ર ચિત્રાવીને બીજા સૈન્યથી અલગ-આગવી ધ્વજપતાકા બનાવાનો સંતોષ માનતા. પોતાના સૈનિકોને તથા પોતાને પણ પોતાના માતૃસૈન્યથી હવે અલગ થઇ ગયા છીએ તે સ્મૃતિમાં જળવાઈ રહે તે માટે નિત્ય પ્રાતઃકાળ તેઓ પોતાનો નવો ધ્વજ જોઈ લેતા. વારંવાર અભ્યાસથી તેમની સ્મૃતિમાં નવા ધ્વજની આકૃતિ ધીમે ધીમે ગોઠવાઈ જતી.
જોકે આવા વિદ્રોહી સેનાધીકારીઓની આર્થિક ઉન્નતી ન થાય તો પણ પદોન્નતિ તો થતી જ. મૂળ સૈન્યમાં સેનાનાયક તરીકે પદ ભોગવતા યોદ્ધા પોતાનું અલગ સૈન્ય સ્થાપીને પોતે મહારાજાની પદવી ધારણ કરતા અને ભવિષ્યમાં પોતે સમગ્ર ઇન્દ્રપ્રસ્થનાં “સમ્રાટ” બનશે તેવી ધોષણા તેઓ વારંવાર કરતા જેથી તેમના સૈન્યના અંકે કુલ ૫૦૦ યોદ્ધાઓ હર્ષનાદ કરીને તેમના આહવાહનને સમર્થન આપતા પણ પ્રજા મોં આગળ વસ્ત્રોનું આવરણ લાવીને છૂપું છૂપું હસી લેતી. નવા સૈન્યમાં દરેકને પદોન્નતિ મળતી. દરેક સૈનિકને સેનાનાયક ઘોષિત કરાતા, ચાર-પાંચ સેનાનાયકનાઉપરીનેઉપસેનાપતિઘોષિત કરાતા અને ઉપસેનાપતિઓ બે-ત્રણ સેનાપતિના તાબા હેઠળ રહેતા. આ સેનાપતિઓના પ્રમુખ તરીકે “મહારાજા” પોતે રહેતા. ઘણીવાર પદ વધુ અને યોદ્ધા ઓછા હોય ત્યારે એક યોદ્ધો એકથી વધુ પદ ભોગવતો. દાત. સેનાપતિની પદવી ધારણ કરતો યોદ્ધો સૈન્યુંનું કાર્ય પણ કરતો સાથે સાથે સૈન્ય માટે જમવાનું રાંધતારસોઈયાનું પદ પણ તે ભોગવતો. રસોઈયાનું પદ કઈંક અણગમો ઉપજાવે તેવું લાગે ત્યારે તે પોતે સેનાપતિ પણ છે તે વાત યાદ કરીને આનંદિત થતો, પરિણામે રસોઈ સ્વાદિષ્ટ બનતી. આમ દરેક યોદ્ધાની પદોન્નતિ થવાથી બધા હર્ષિત જ રહેતા પણ હવે સૈનિકો કોને ઘોષિત કરવા તે પ્રશ્ન થતો તેથી અંતે સૈન્યમાં રહેલા ભારવાહક પાલતું જાનવરો ગધેડા, ધોડા, ખચ્ચર, બળદોને સૈનિકોનું પદ અપાતું. આથી સેનાનાયકોનું પદ ભોગવતા યોધ્ધાઓ તેમના તાબા હેઠળ બે-ત્રણ ગધેડા-બળદ સૈનિક તરીકે છે તેવી લાગણીથી ખુશ રહેતા. ઉપરી અધિકારી હોવાનો ગર્વ લેવા માટે આ વ્યવસ્થા ઠીક ઠીક પ્રમાણમાં સારી જ કહેવાય.
નવા સૈન્યમાં કોઈપણ વ્યક્તિ જે પદ સ્વીકારવા તૈયાર ન થતું તે પદ હતું કોષાધ્યક્ષનું. કારણ કે નવા રચાયેલા સૈન્યમાં દ્રવ્ય જેવું કઈ રહેતું નથી. વધુમાં સૈન્યને નિભાવવાની અને કોષને ભરવાની જવાબદારી કોષાધ્યક્ષને નિભાવવાની રહેતી. આથી આ જવાબદારી માટે હમેશા કોઈ ધનવાન શ્રેષ્ઠીની શોધ આદરવામાં આવતી. શ્રેષ્ઠીઓ પણ લાભ દેખાય તો જ જવાબદારી સ્વીકારતા અન્યથા આવા જવાબદારીવાળા પદ માટે હું ઘણો તુચ્છ છું એવી દલીલ કરીને છટકી જતા અને ઘણુંખરું આ જવાબદારી નવા સૈન્યના “મહારાજા” પદધારીનાસિરે આવી જતી જે તેઓ કમને સ્વીકારતા સાથે સાથે યોગ્ય શ્રેષ્ઠીનીશોધમાં પણ પ્રવૃત્ત રહેતા.
જોકે નાના સૈન્યોનું મહત્વ ઘણું હતું. અનંતરંગીવાળાઓ અને બહુરંગીવાળાઓને યુદ્ધમાં વધુ યોદ્ધાઓનીજરૂરીયાત પડશે અને આવા નિર્ણાયક યુદ્ધમાં કોઈ જોખમ નથી લેવું તેવું લાગે તો આવા નવસ્થાપિતસૈન્યો (જેમાં ક્યારેક તો એક જ યોદ્ધો રહેતો) અને ક્ષેત્રીયસૈન્યો પાસે સહાયતા માંગતા અને યુધ્ધમાં પોતાના પક્ષમાં રહીને યુદ્ધ લડવાનું આહવાન કરતા. પરંતુ આ જ ક્ષણની વર્ષોથી પ્રતીક્ષા જોતા, તલવારને પથ્થર પર ધસી ધસીને કટાર નાના કદની કરી દીધી છે તેવા, મહારાજાઓ, પોતાની માંગણીઓની યાદી રજુ કરતા. કોઈ શ્રેષ્ઠીએ કલમ, શાહી, ખડિયા આ સૈન્યને ભેટ આપ્યા હોઈ અને આવા પ્રસંગ સિવાય તેનો ઉપયોગ ખાસ થતો નહિ તેથી જ્યાં સુધી ખડિયાની શાહી સમાપ્ત ન થઇ જાય ત્યાં સુધી આ યાદીમાં માંગણીઓ લખવામાં આવતી. આટલી બધી માંગણીઓ તો કોઈ કાળેસ્વીકારથવાની નથી તેવી જાણ ઉભય પક્ષને હોવાથી ચર્ચા માટે રાત્રીના અંધકારમાં નગરથી દૂર કોઈ ઉપવનમાં મળવાનું નક્કી થતું જેમાં ઉત્તમ ભોજન અને ઉત્તમ પેય પદાર્થો ઉપલબ્ધ રાખવામાં આવતા, જેનું આયોજનખર્ચ અનંતરંગીવાળા અને બહુરંગીવાળાના સિરે આવતો. આવી ચર્ચાઓમાં મુખ્ય સૈન્યના મહારાજા કે રાજમાતા જોડાતા નહીં પણ આવી ચર્ચાઓ વારંવાર યોજવાની થતી હોઈ તેમના સૈન્યમાં ૮-૯વિદ્વાનોને આ કાર્ય માટે જ રાખવામાં આવતા. તેઓ પોતાના દૂત કાર્યમાં ઘણા નિપુણ હોય તથા કટુ વચન પણ હસતા મુખે સાંભળી શકે તે તેમની ખાસ યોગ્યતા લેખાતી.
મધ્યરાત્રીએ નગરથી દૂર કોઈ ઉપવનમાં ગુપ્તચર્ચાઓમાં કઈક આવું વાતાવરણ રહેતું.
બૃહદસૈન્યના દૂત અને નવસેનાના મહારાજા પોતપોતાનાઅંગત સલાહકારો, નીતિ વિશેષજ્ઞઓ તથા અત્યંત વિશ્વાસુ સેનાપતિઓ સાથે સમૂહ ભોજન લઇ રહ્યા છે. એક વિશાલ મેજ બિછાવી છે જેની એક તરફ નવસૈન્યના મહારાજા તથા તેમનું મંડળ, બીજી તરફ દૂત અને તેમનું મંડળ બેઠા છે. પરસ્પર સામસામે બેસીને ભોજન લેવાની વ્યવસ્થા ગોઠવવાનું મુખ્ય કારણ એ કે દરેક વ્યક્તિએ પોતાની હરોળમાં બેઠેલાં સજ્જનો પોતાના સૈન્યના છે તેથી તેમના દરેક મુદ્દાનું સમર્થન કરવાનું અને સામેના મંડળના વ્યક્તિ કે વ્યક્તિઓના મુદ્ધાઓનો વિરોધ કરવાનો રહેતો. પૂર્વે આવી વ્યવસ્થા ન હતી ત્યારે કઈ વ્યક્તિ પોતાના મંડળની છે અને કઈ પ્રતિપક્ષની છે તે નક્કી ના થવાથી ભારે ગૂંચવાડો થતો. લાંબા સમય સુધી વાક્ધારથી ધર્ષણમાં ઉતરેલારાજપુરુષોને બે-ત્રણ દિવસ બાદ ખ્યાલ આવતો (એ પણ મહારાજાની સમજાવટથી) કે પોતે જેના દરેક વિધાનનો વિરોધ કરતા હતા તે તો પોતાના જ સૈન્યના છે અને તે પણ મહારાજાના વિશ્વાસપાત્ર. આથી પોતાના જ સૈન્યમાં કડવાશ ન ઉદભવે તે માટે આવી વ્યવસ્થા શોધી કાઢવામાં આવી.
બંને મંડળો એકબીજાને વધુ ભોજન કરવાનો આગ્રહ કરતા તથા વ્યંજન કેવા વિશિષ્ટ છે તેનું ગુણગાન કરતા હતા. પીણામાં વૈવિધ્ય હોવાથી ભોજન લેવાથીપીણાંઓને ન્યાય નહિ આપી શકાય તેવી સમજ ધરાવતા મહાપુરુષો ફક્ત પીણાઓ જ ગ્રહણ કરતા. કોઈ પીણાંની “પ્રજાતિ” ના સંપર્કમાં પ્રથમ વાર જ આવ્યા હોય તો આ પીણું કઈ પ્રકારનું છે, તેનું લૌકિક નામ શું છે તેવી પૃચ્છા કરીને ઉત્તર પોતાની નોંધપોથીમાં ટપકાવી લેતા.
દૂત :- હમ્મ, ઉત્તમ પીણાઓ સાથે ઉત્તમ ભોજન – એ પણ ઉપવનમાં પોતાના ભૂતપૂર્વ સાથીઓ સાથે –ખરેખર આનંદ આનંદ છે.
મહારાજા :- હા, સાચું જ કહ્યું આપે. ભૂતકાળમાં આપણે એક જ સૈન્યમાં હતા ત્યારે પણ આવા ભોજન સમારંભ યોજાતા પણ તે સમયે આપે મને સૈન્યમાં નિમ્ન ક્રમાંકનો હોવાથી આવો આગ્રહ કયારેય નહોતો કર્યો, તેવું મને જ્ઞાત છે. વળી તમે ભોજન કરતા અને મારે ગરમાગરમ રોટલીઓ માટે સસોઈયાને દોડી દોડીને સૂચનાઓ આપવી પડતી.
દૂત :- ભૂતકાળને છોડી દો. હવે તો આપ નવસ્થાપિત સૈન્યના મહારાજા છો. એટલે જ તો આ ભોજન સમારંભ ગોઠવવામાં આવ્યો છે. મેં આવી ધણી બધી ગુપ્ત મંત્રણાઓ કરી છે પરંતુ આટલીવિવિધતામાં પીણાઓમેં પૂર્વે ક્યાય નથી ચાખ્યા. આપના પ્રદેશમાં આ બાબતની ઉન્નતિ અન્ય પ્રદેશ માટે માર્ગદર્શક બની રહેવી જોઈએ.
મહારાજા :- અમારા પ્રદેશની ઉન્નતિની પ્રશંસા આપે કરી તે બાબતે આભાર. પરંતુ મારી ઉન્નતિ આપને હમેશા આંખમાં કણાનીખૂંચી છે. મને આપે ૨૦ વર્ષ સુધી જોતર્યા બાદ પણ પદોન્નતિ માટેરાજમાતાને ભલામણ કરી ન હતી. ઘણા યુદ્ધમાં મારી નિર્ણાયક ભૂમિકા રહેતી પણ સેનાપતિ હોવાના કારણે બધો યશ રાજમાતાપાસેથી આપને મળતો અને આપ પણ કદી મારા નામનો ઉલ્લેખ કરીનેમને ધન્ય કરાવતા નહિ.
દૂત :- (ગળામાં કૈક આવી જતા)ખેખેખે (થોડા સ્વસ્થ બનીને) યુવા વયમાં આપને યશ મળવા લાગતતો આપ છકી જાત. યૌવન તો ચંચળ હોય છે. જો ચંચળતા આપને વ્યાપી જાત તો આપનીકારકિર્દી અલ્પસમયમાં જ રોળાઈ જાત તેથી જ તો મેં આપને એ વ્યાધિથી દૂર રાખ્યા જેનો આપે મારો આભાર માનવો જોઈએ.
મહારાજા :- (કૈક ગુસ્સેથી) હા, પણ ભૂતકાળમાં આપણા સૈન્યે જયારે ઇન્દ્રપ્રસ્થ જીતી લીધું હતું ત્યારે આપ મંત્રીમંડળમાં હતા. આપે મને સેનાનાયકનો સેનાનાયક જ રાખ્યો અને પોતાના સાળાને દક્ષિણનાપ્રાંતના ક્ષત્રપના ખાસ સલાહકાર તરીકે નીમેલો જ્યાં તે કલ્યાણકારી કાર્યક્રમો ઘડીને પોતાનું પુષ્કળ કલ્યાણ કરતો.
દૂત :- (કડવાશ ગળી જઈને) એ પણ આપના કલ્યાણ અર્થે જ કર્યું હતું. મારા સાળાને દક્ષિણમાં સલાહકારનું પદના મળત તો મારી ધર્મપત્ની આત્મઘાત કરત, તો શું હું એ જાણીને પણ આપનેસ્ત્રીહત્યાના પાપનો કરનારો બનાવું ? હું તેવો નિર્દયી ન થઇ શકું. વળી, મારા સાળાને દક્ષિણનીભાષાઓંનું જ્ઞાન હતું અને આપને તેનો અભાવ હતો, એ શું ધ્યાન દેવા જેવી બાબત નથી.ભાષાસમૃદ્ધિ વિના આપ રાજવહીવટ શી રીતે ચલાવત ? ત્યારે મેં આપને કોઈ સહાયતા નહોતીકરી પણ મારે પુત્ર તો હતો નહિ તો મારા પછી એ વારસો આપનો જ હતો. આપ તો મારામાનસપુત્ર હતા. બીજી વખત હું જયારે મંત્રીમંડળમાંનિમણુક પામ્યો ત્યારે આપે મને રાજદૂતબનીને વિદેશમાં ઉન્મુક્ત પક્ષીની જેમ વિહરવાની ઈચ્છા દર્શાવી હતી તે મુજબ મેં આપને રાજદૂત બનાવ્યાજ હતા ને ! તે બદલ આપ મારો આભાર ન માની શકો ? આપણા જ સૈન્યનાઘણાવિદ્વાનોનું કહેવું છે કે આપ એ સમયે ઘણા અપરિપક્વ હતા. આપ યોદ્ધા સારા એટલે સૈન્યમાં ચાલોપણ રાજવહીવટમાં લઠ્ઠબુદ્ધિ, છતાં મેં મારી વ્યક્તિગત ભલામણ પર આપને વિદેશમાં દૂત નીમ્યાહતા.
મહારાજા :- રહેવા દો નેવિદ્વાનો અને તેમની પરિપક્વતાની ચર્ચા ......... હું વૃદ્ધ થઈને મૃત્યુ પામત તો પણ એ વિદ્વાનો મને નાનું શિશુ અને અપરિપક્વ જ માનત. આપે મને રાજદૂત બનાવી વિદેશ મોકલી આપ્યો પણ એ તો કેવા ભુખ્ખડદેશમાં !!! જે રાજ્યનો રાજા પણ મારી પાસે વારંવાર ધન સહાયતાની માંગણી કરવા પ્રાતઃકાળે મારા નિવાસસ્થાને આવી જાય એવા દેશમાં મારે શું સુખ હોય!!! ત્યાની માનુનીઓ પણ કેટલી કદરૂપી હતી કે કેમેય કરીને મનના લાગે !!! એ દેશમાં દ્રવ્ય જનહોતું તો દ્રવ્યોપાર્જનનો તો પ્રશ્ન જ ઉત્પન્ન ક્યાંથી થાય !!! તેથી જ તો માત્ર ત્રણ માસના ગાળામાંમેં ત્યાગપત્ર આપીને સ્વદેશ ફરવાનું યોગ્ય માન્યું. આપના વારસદાર તરીકેની વાતનો તો મનેપણ ઘણો આનંદ હતો પણ આપ ઘણા સમય સુધી મૃત્યુનું નામ નહોતા લેતા. બીમારીમાં પડ્યારહેતા તો થતું કે હવે માર્ગ પ્રશસ્ત છે પણ જેવું યુદ્ધ જીતાય અને કોઈ પદ મળે આપની માંદગીચમત્કારિક શક્તિથી ભાગી જતી, આપ પદગ્રહણ કરતાને કોઈ બળપૂર્વક હાંકી ના કાઢે ત્યાં સુધીપદચ્યુત થતા નહીં. આપને યમરાજ અને વૈદ્યો પણ મૃત્યુ ન આપી શક્યા આથી અંતે મોહભંગથઈને મારે નવું સૈન્ય રચવું પડ્યું જે આજે અજેય છે.
દૂત :- (અજેયનીવાતથી મરકીને) અજેયની વાત રહેવા દો એવું અભિમાન તો હવે અમે પણ નથી રાખતા.આપની તાલીમમાં મારો ફાળો અમુલ્ય છે. આપને તલવાર પકડતા મેં શીખવી હતી, યાદ છે ?કટાર અને ખંજર વચ્ચે અંતર મેં શીખવ્યું હતું. સામાન્ય નાગરિકમાંથી સૈનિક અને સૈનિકમાંથીસેનાનાયકની આપની પદોન્નતિ મારા જ માર્ગદર્શનમાં થઇ હતી. આજે રણભૂમિના ચક્ર્વ્યુહો માટેઆપની જે પ્રશંસા થાય છે તે મારા જ શિવિરમાં આપ શીખ્યા છો. ચાલો એ બધું જવા દો. હવેઆપણે ભૂતકાળ પરથી વર્તમાન પર આવીએ. (ઔપચારિક રીતે ચર્ચા બીજે વાળવા) આપના પ્રાંતમાંપીણાઓની ગુણવત્તા ઉત્તમ છે. પૂર્વે લાટ પ્રદેશમાં ગુપ્તમંત્રણામાટે મારે જવું પડ્યું હતુંત્યારે ત્યાં પીણાઓની તંગીથીહદયવિહળ થઇ ગયું હતું.
મહારાજા :- શું લાટ પ્રદેશમાં પીણાઓની તંગી છે ? એવું હોય તો મારા બે-ચાર શ્રેષ્ઠીઓ કે જે તેનો જવ્યાપાર કરે છે, તેમને કહી પુરવઠો પૂરો પાડીએ.
દૂત :- પીણાંઓનો પુરવઠો તો પર્યાપ્ત પ્રમાણમાં છે પરંતુ ત્યાના પીણાંઓની ગુણવત્તા અંગેવારંવાર દુખથતું હતું. વળી ત્યાનાજનમાનસમાંપીણાંપાનનેઅભદ્રતાનીનિશાની તરીકે જોવામાં આવતુંહોવાથી વન-વગડા અવાવરું જગ્યાઓમાં જવું પડે છે. પ્રજા આ બાબતથી ત્રસ્ત છે પણ કઈઉકેલ નથી આવતો. વળી, ગુણવત્તા વગરના પેય પદાર્થોથી ઉન્માદની માત્રા યોગ્ય પ્રમાણમાં નહોવાથી અમારા સૈનિકો યુધ્ધમાં ટકી શક્યા નહિ જેનો લાભ બહુરંગીવાળાઓને મળ્યો અને અમે યુદ્ધ ગુમાવ્યું.
મહારાજા :- હા, યુધ્ધમાં સૈનિકોના પગ થાકે નહીં તે માટે પીણાઓનાપુરવઠામાં સાતત્ય જળવાઈ રહેવુંજોઈએ. પુરવઠા ઉપરાંત પીણાઓની ગુણવત્તામાં પણ સાતત્ય જળવાઈ રહેવું જોઈએ. જો કે અમારાપ્રાંતમાં એ બાબતે ઘણું જ સુખ છે. મારા જ સ્નેહી એવા બે-ચાર શ્રેષ્ઠીઓ પીણાંના વેપારમાં છે અનેગમે તેવી તંગીમાં પણ પુરવઠો જાળવી રાખવાના મહારથના કારણે જ મેં તેમને “શ્રી પુરવઠોત્તમગુણવત્તોતમશ્રેષ્ઠી” ની ઉપાધિ આપી છે.
દૂત :- હુમ, આપના આ બાબતનામહારથથી હું સુપરિચિત છું તેથી એ બાબતની મને વ્યથા નથી.અલ્પકાળ બાદ યુદ્ધઘોષણા થશે. યુદ્ધમાં જેનું સૈન્ય જીતશે તે દીર્ધકાળ સુધી આ પ્રાંત પર રાજ કરશેમાટે અમે અમારા રાજમાતાની કૃપાથી કમર કસી લીધી છે. સૈનિકો, સેનાનાયકો, સેનાપતિઓને યુદ્ધઅભ્યાસ શરુ કરી દેવાનું કહેવડાવી દીધું છે. પરંતુ આ પ્રાંતમાં પૂર્વે પણ તુમુલ યુદ્ધ થયું હતું. મુખ્યસૈન્ય તો અમારું અને બહુરંગીવાળાઓનું જ હતું પરંતુ અમને આપનું પ્રમાણમાં નાનકડું સૈન્ય ખુબત્રાસદાયક લાગતું. આપના સૈનિકો મૂળ અમારા જ સૈન્યના હતાપરંતુ અમારા સૈન્ય પર પ્રહારકરવામાં તેમનો ઉત્સાહ અદભુત હતો. અમે બહુરંગીવાળાઓનેઘેરવા ચક્રવ્યૂહ રચીએ તો આપનાયોધ્ધાઓ દૂરથી બાણોની વર્ષા કરી અમારા સૈનિકોને ધાયલ કરી અસહાય કરીદેતા. બંને દિશામાંયુદ્ધ કરવામાં અંતે અમે હાર્યા અને બહુરંગીવાળા જીતી ગયા. આપના સૈનિકોએ તલવારો, ધનુષ્ય-બાણનો ઉપયોગ અમને ત્રાસ કરવા ના કર્યો હોત તો એ યુદ્ધ અમારા માટે યશ અપાવનારું જ સાબિત થાત.
મહારાજા :- એ યુદ્ધમાં અમે કઈ જીતવાના કે પામવાના નથી તે તો અમને જ્ઞાત જ હતું પરંતુ આપનેહરાવીને, આપ અમારા સહકાર વિના અપૂર્ણ છો તે વાત આપને જણાવવા જ અમે રણમેદાનમાંઉતર્યા હતા. અમે યુદ્ધમાં ઉતાર્યા હોઈ બહુરંગીવાળા પણ અમારા પણ શત્રુ પણ આપના સૈનિકો પર પ્રહાર કરવામાં અમારા સૈનિકોને વિશેષ આનંદ આવતો કારણ કે પોતાના ભૂતપૂર્વ સાથીઓમાંથીઅમુક કોઈકની ઘી ચોપડેલી રોટલી ખાઈ ગયું હોય, કોઈ આણે ભંડારના બધા લાડુ ખાધા છે તેવી માહિતી આપીને પદોન્નતિ પામ્યું હોય, એવી બધી દાઝ કાઢવાનો શ્રેષ્ઠ અવસર હતો.
દૂત :- હા, પણ એમ કરવાથી આપને કઈ યુદ્ધના વિજેતા નહોતા ધોષિત કાર્ય કે ન તો કઈ ફળ પ્રાપ્ત થયું.હવે, અમારી સાથે અમારા સહકારમાં યુદ્ધ લડો તો રાજવહીવટની સમીપ પહોચાય. પરંતુ મને ચિંતા આપણી યુધ્ધસંધિ માટેની માંગણીઓની છે જે ઘણી વધારે અને અવ્યવહારુ છે.......
મહારાજા :- કઈ માંગણીઓ અવ્યવહારુ લાગી આપને ?
દૂત :- મને તો બધી જ અવ્યવહારુ લાગી પરંતુ કેટલીક રજુ કરું છું. (પત્ર પર આંગળી ફેરવતા) આમાંગણી ક્રમાંક ૩૪૫ જે મુજબ યુદ્ધમાં જય પામવાથી રાજસત્તા મળતા પ્રાંતના ક્ષત્રપ (પ્રાંત અધિપતિ) તરીકે અમારા સૈન્યમાંથી નિમણુકથશે. અધિપતિના કૂલ ૩૦ મંત્રીઓમાંથી ૨૦ મંત્રીઓઆપના સૈન્યમાંથી અને માત્ર ૧૦ મંત્રીઓ અમારા સૈન્યમાંથી રહેશે. કોષાધ્યક્ષ, કોષનારક્ષણકર્તાએમ કોષને લગતા તમામ કાર્યો અંગે આપના સૈન્યના યોદ્ધાઓને સ્થાન આપવાનું આપે જણાવ્યુંછે. શું આ અવ્યવહારુ નથી ?
મહારાજા :- ઠીક છે, મંત્રીમંડળમાં સમપ્રમાણ જાળવીશું. ૧૫ મંત્રી આપના અને ૧૫ મંત્રી અમારા યોગ્ય રહેશે. પરંતુ ક્ષત્રપ અને કોષ તમામ કાર્યનું ઉત્તરદાયિત્વ અમારા સિરે.
દૂત :- આ પ્રાંતમાં અમારા સૈન્યની તુલનામાં આપનું સૈન્ય પાંચમાભાગનું છે છતાં ક્ષત્રપઆપના સૈન્યમાંથી બનાવીએ તો પછી અમારે યુદ્ધ જીતીને પણ શો લાભ ? વળી, આપના સૈન્યનાવ્યક્તિઓને જયારે જયારે કોઈ પણ સ્થાને કોષ રક્ષણનું કાર્ય સોપ્યું હોય ત્યારે દ્રવ્યની દશાપૂનમના ચંદ્રમાંથી ક્ષય પામીને અમાસના ચંદ્ર જેવી થઇ જાય છે, એવા ભૂતકાળના આપના કૃત્યોકવિઓ, લેખકો અને નટ-નટીઓ દ્વારા જાણવામાં આવેલ છે. તેઓ કહે છે કે આપના સૈનિકો કોષનાદ્રવ્યને સજીવન કરવાની મંત્રશક્તિ જાણે છે તેથી સજીવ થયેલું દ્રવ્ય કોષગૃહમાંથી પલાયન થઇજાય છે. મારું તો માનવું છે કે અસ્થિભંગ થાય એ હદ સુધી શિસ્તભંગ આચરવું નહિ.
મહારાજા :- ક્ષત્રપના પદ માટે મારી પાસે એક મધ્યમમાર્ગ છે. આપણે બે ક્ષત્રપની વ્યવસ્થા કરીશું, એકઆપના સૈન્યમાંથી અને એક અમારા સૈન્યમાંથી. આમ પણ આટલા વિશાળ પ્રાંતના વહીવટનીકામગીરી એક વ્યક્તિથી થવી જટિલ જણાય છે. બંનેને પરસ્પર ઘર્ષણ ન થાય તે માટે એક ક્ષત્રપદિવસે અને બીજા ક્ષત્રપ રાત્રે કાર્ય કરશે. આમ, દિવસ અને રાત્રી બંને સમયે રાજ કાર્ય કરતુહોવાથી પ્રાંત બમણી પ્રગતિ કરશે. રહી વાત, કવિઓ, લેખકો અને નટ-નટીઓની તો તેઓનું કાર્યમનોરંજનનું છે. તેમની વાત કોઈ ગંભીરતાથી નથી લેતું, પ્રજા પણ નહિ. તો પછી આપના જેવાવિદ્વાનોએ એવી બાબતો પ્રત્યે દુર્લક્ષ સેવવું જોઈએ.
દૂત :- ચાલો એ બાબતે દુર્લક્ષ સેવીએ પરંતુ આવી બે ક્ષત્રપની વાત પર દુર્લક્ષ સેવી ના શકાય, યવનોનાપતન બાદ રાજવ્યવસ્થા અંગે આપણા પૂર્વજોએ “અખંડ ઇન્દ્રપ્રસ્થ શાસનવ્યવસ્થા શાસ્ત્ર” નામનોગ્રંથ નિર્માણ કર્યો હતો જેના નીતિ-નિયમોનું પાલન ઇન્દ્રપ્રસ્થમાં સમસ્ત માટે અનિવાર્ય છે. આ ગ્રંથઅનુસાર એક પ્રાંતમાં એક જ ક્ષત્રપ હોઈ શકે, એકથી વધુ વ્યક્તિનો નિષેધ છે, તેથી શક્ય નથી.જો શક્ય હોત તો પણ આપની સૂચવેલ વ્યવસ્થા વ્યવહારમાં શક્ય ન બનત. રાત્રીના ક્ષત્રપ રાત્રેકાર્ય કરત પણ તેમની સહાય માટે રાત્રીના સમયે કારભારીઓ-કર્મચારીઓ ઉપલબ્ધ નરહેત કારણકે દિવસે કાર્યપાલન કાર્ય બાદકર્મચારીઓનેરાત્રીએ તો નિદ્રા જોઈએ ને ? રાત્રીના ક્ષત્રપ માટેઅલગથી કારભારીવર્ગની નિમણુક કરવી પડત. તો પાછુ દિવસ અને રાત્રીના કર્મચારીઓના કાર્યોવચ્ચે સંકલન લાવવા એક નવા કર્મચારીગણની નિમણુક કરાવી પડત. આ રીતે તો રાજનો વહીવટચલાવવાનો ખર્ચ ત્રણ ગણો થઇ જાત. એ ઓછુ હોય એમ રાત્રીના ક્ષત્રપને દિવસે નિંદ્રાધીન અનેરાત્રીએ વિહરતો જોઇને પ્રજા તેને ઘુવડ જેવા નિશાચર પક્ષીની ઉપમા આપીને ઉપહાસ કરત. આવુંપ્રતિષ્ઠિત પદ ત્યારબાદ ઉપહાસનો વિષય જ બની જાત. નાટ્યકારો ભજવવા અને ઉપહાસ કરવાનવો વિષય મળી જાત. આથી જે વ્યવસ્થા છે તે સારી જ છે. એક જ ક્ષત્રપ હોઈ શકે અને તેઅમારા સૈન્યમાંથી હશે. કોષગૃહની વ્યવસ્થામાં થોડી બાંધછોડ કરી શકાય. કોષાધ્યક્ષ આપના રહેશેપણ ક્ષત્રપના સંમતીપત્ર વિના તે દ્રવ્યુંનું વિનિયમન નહિ કરી શકે.કોષાગૃહની રક્ષા માટે કુલ ૨૫સૈનિકો હોય છે જેમાંથી ૧૫ અમારા સૈન્યના અને ૧૦ આપના સૈન્યના, યોગ્ય છે ?
મહારાજા :- યોગ્ય ? કોષાધ્યક્ષનેક્ષત્રપનોસંમતીપત્ર જોઈએ તોકોષાધ્યક્ષનાપદનું મહત્વ શું ? શું તે ઠગછે, શું તે ચોર છે, જે દરેક બાબતમાં ક્ષત્રપની સંમતી લે. કોષાધ્યક્ષક્ષત્રપનુંઆત્મસ્મરણ કરીનેક્ષત્રપે સંમતી આપી જ દીધી છે એમ માનીને જ કોષાધ્યક્ષ કાર્ય કરશે. યોગ્ય લાગે તો કહો ?
દૂત :- આપ કહો તો યોગ્ય જ છે. પણ આપની એક માંગણી અમારા સૈન્યનાપદાધિકારીઓને અરુચિકરલાગે તેમ છે. આમાં જણાવ્યા મુજબ આપના અને અમારા યોધ્ધાઓએ પરસ્પર સૈન્યપદ મુજબઆદર કરવો. આ તો કેવું વિચિત્ર કહેવાય !!! આપના સૈન્યમાં સેનાપતિના પદ ભોગવાવનારયોદ્ધનાં તાબામાં ૫૦૦ સૈનિકો હોય છેજયારે અમારા સૈન્યમાં સેનાનાયકના તાબામાં ૧૨૦૦ સૈનિકો હોય છે તો પછી આપના સેનાપતિ કરતા તો વધુ મહત્વ અમારા સેનાનાયકનું ગણાય. આપની વ્યવસ્થા મુજબ તો અમારા સેનાનાયકે આપના સેનાપતિનેનતમસ્તક થઈને અભિવાદન કરવાપડે. આ તો અપમાનજનક સ્થિતિ કહેવાય.
મહારાજા :- એમાં અપમાન શાનું !!! તાબામાં યોદ્ધાઓનું જે પણ સંખ્યાબળ હોય પરંતુ સૈન્યમાં પદ તો નીચુંજ ભોગવે છે ને. આપણા ત્યાં ઘણા પ્રાંતોનો વિસ્તાર નગરો જેટલો છે છતાં તેના ક્ષત્રપ અન્ય ક્ષત્રપ જેટલું જ માન-સન્માન મેળવે જ છે ને.......
દૂત :- આપની વાત આમ તો યોગ્ય છે, યુદ્ધ માટે આપે કોઈ રણનીતિ વિચારી છે.
મહારાજા :- બહુરંગી સૈન્યમાં અમુક સૈન્યાધીકારીઓમાંરોષ છે. તેમને દીનહીન સ્થિતિમાં જીવવું પડે છે.યોગ્ય સન્માન, પદ અને દ્રવ્ય એમને પ્રાપ્ય નથી તેવું એમનું માનવું છે. તેઓ આપણને મદદરૂપ થઇ શકે છે. તેમની સાથે મારે (ગુપ્ત) મંત્રણાઓનો અભ્યાસ ચાલે છે. આર્થિક સહાયતાનીજવાબદારી આપ નિભાવો તો કેટલાક છેલ્લી ઘડીએ આપણી સંયુક્ત સેનામાં ભળી જવા તૈયાર છે. કેટલાક આપણા સંયુક્ત સૈન્યમાં તો ભળવા નથી માંગતા પરંતુ પોતાના જ સૈન્યમાં રહી યુદ્ધમાં નિર્ણાયક બિંદુએ પોતાના જ સાથીઓ પર આક્રમણ કરીને તેમને વ્યથિત કરી મુકાશે અને આપણી વિજયમાંસહાયભૂત થશે.
દૂત :- ઓ....હહહો, અહો રૂપમ અહો ધ્વનિ નહિ પરંતુ જ્યમ ધ્વનિ ત્વંરૂપમ..... હા હાહા જેમ જેમમુદ્રાઓની ધ્વનિ સાંભળશે તેમ તેમ રૂપ બદલશે. આ ક્રાંતિકારીઓના સંપર્કમાં રહો. દરેક પ્રકારનીસહાયતાનું તેમને આશ્વાશન આપો. આપણી સંયુક્ત સેનાના પક્ષમાં રહીને યુદ્ધ કરવા માટે એમની સેનાના ભાગેડુ યોદ્ધાઓનો પણ સંપર્ક કરો. ( તલવાર આકાશ તરફ ચીંધીને ) આ નિર્ણાયક યુદ્ધ છે, ઇન્દ્રપ્રસ્થની પ્રજા માટે, ઇન્દ્રપ્રસ્થના સુવર્ણ ભવિષ્ય માટે, ઇન્દ્રપ્રસ્થના ગૌરવ માટે આપણે જીતવું જ જોઈએ.
થોડે દૂર ઉપવનનાઅંધારા ભાગમાં એઠાં વાસણો સાફ કરતા એક ચાકર વિચારી રહ્યો છે, અમારા માટે આ યોદ્ધાઓ કેટલો પરિશ્રમ કરે છે !!!