મેદસ્વીતાપર્વ Krunal Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

  • રેમ આત્માનો - ભાગ 13

    (આગળ ના ભાગ માં જોયું કે પરેશભાઈ અને પેલા તાંત્રિક ને એનાજ ગ...

  • કવિ કોલક

    ધારાવાહિક - આપણાં મહાનુભાવો ભાગ:- 34 મહાનુભાવ:- કવિ કોલક લેખ...

શ્રેણી
શેયર કરો

મેદસ્વીતાપર્વ

-: મેદસ્વીતાપર્વ :-

ભારત જાત જાતની વિવિધતાઓ અને વિસંગતાતોથી ભરેલો દેશ છે. પ્રાદેશિકતા, ભાષા, બોલી, ધર્મ અને જાતીની વિવિધતાઓથી ભરપુર આ દેશ એક જ ધર્મ, ભાષા કે વંશના લોકોથી બનેલા દેશો માટે તો સૌથી મોટું આશ્ચર્ય છે. આ દેશમાં વિવિધતા છે પણ સાથે એ પણ સત્ય છે કે કેટલીક લાક્ષણિકતાઓ આ દેશને જોડી રાખે છે. એવી જ એક બાબત છે, જાડાપણું-મેદસ્વીતા. કાશ્મીરથી કન્યા કુમારી સુધી અને ગુજરાતથી મણીપુર સુધી ભારતમાં એક વાત સામાન્ય જોવા મળે છે એ છે, મેદસ્વીતા. ગુજરાતના અમદાવાદમાં હોવ કે બંગાળના આસનસોલમાં હોવ તમને ફાંદવાળા મેદસ્વીઓ અત્રતત્ર સર્વત્ર જોવા મળશે. જેમ તમારી આર્થિક સ્થિતિની માહિતી તમારી કારની કીમત પરથી મળે છે, તેમ તમે કેટલા મેદસ્વી છો તેની માહિતી તમારી ફાંદ પરથી મળે છે.

નવાઈની વાત એ છે કે મેદસ્વીતાપણું અને તેના ચુંટણી ચિન્હ જેવી ઓળખ ધરાવતી ફાંદ દરેક રાજ્ય, ધર્મ, જાતી, ભાષામાં જોવા મળે છે પણ આજ સુધી તેને આપણે કોમી એકતા કે રાષ્ટ્રીય એકતાના પ્રતિક તરીકે જાહેર કરીને તેનું સન્માન નથી કર્યું. બલકે બુર્જવા વર્ગ જેમ સર્વહારા વર્ગની સુગ ધરાવે છે, એમ ફાંદવાળા મેદસ્વી લોકો પ્રત્યે સમાજમાં ગર્ભિત પક્ષપાતની લાગણી પ્રવર્તે છે. આપણે નકારી કાઢીએ તોય વાસ્તવિકતા એ છે કે મેદસ્વી લોકો બસ કે ટ્રેનમાં જેવા પ્રવેશે કે તરત ચારે બાજુથી અહી નહિ પેલી બાજુ ખાલી છે, પાછળ કોઈ નથી ત્યાં જાઓ, જેવા સૂચનો મળવા લાગે છે. જયારે દુબળા-પાતળા કે સપ્રમાણ શરીરના લોકો પ્રત્યે આવો કોઈ દિશાનિર્દેશ થતો નથી. સીધી વાત છે કે કોઈને પણ પોતાની બાજુની સીટ પર મેદસ્વી વ્યક્તિ બેસે તે પસંદ નથી આવતું. પણ આજ દંભી સમાજની બીજી બાજુ પણ છે, જયારે કોઈ મેદસ્વી વ્યક્તિ ટ્રેન કે બસની બારી પાસેની સીટ પર બેઠી હોય ત્યારે પોતાના સંતાનોને “જા હો, કાકા/કાકીના ખોળામાં બેસી જા” કહીને પરાણે પોતાના તોફાની છોકરાઓને બેસાડી દેતા લોકોની ટકાવારી પણ સમાજમાં ઉંચી છે. અહી આ લોકોને મન મેદસ્વી વ્યક્તિ માનવજાતના સ્વતંત્ર નજરાણા કરતા ડનલોપ મઢેલી હાલતી ચાલતી ખુરશી વધુ હોય તેવું વર્તાય છે.

મેદસ્વી લોકોને ભારતીય સમાજમાં હાસ્યનો પર્યાય બનાવાયો છે. તેમના પર વ્યંગ કરાય છે, જોક બનાવાય છે. કેટલીક વાર તો કોઈ લગ્નની કંકોત્રી આપવા આવે તો ઘરના મેદસ્વી સભ્યને કહી પણ દે કે “તમે નહિ આવો તો ચાલશે, કાકા-કાકી તો આમેય આવવાના છે પછી આખા ઘરને ક્યાં હેરાન કરવા. અને હવે આમેય તમે થોડું કંટ્રોલ કરો તો સારું છે.” જે સલાહ પોતાનો ફેમીલી ડોક્ટર પૈસા લઈને આપતો હોય તે જ સલાહ કોઈ વગર પૈસે આપે ત્યારે બહુ કડવી લાગે. ખાસ કરીને ત્યારે જયારે રીશેપ્સનમાં મેન્યુ પોતાની પસંદનું હોય. ક્યારેક જાનમાં લઇ જવાની બાબતે પણ એવું થાય કે કોઈ મોઢે કહી દે કે “ભાઈ, તું નહિ નાનકાને જાનમાં મોકલજે, અમથો બે માણસની જગ્યા રોકીશ.” પશ્ચિમના દેશોમાં બીયર પીને વધી ગયેલી ફાંદને “બીયર બેલી” જેવું હુલામણું નામ આપવામાં આવે છે પણ આપણા ત્યાં ફાંદ માટે “સિંગતેલ બેલી” કે “કપાસિયા બેલી” જેવા હુલામણા નામ આપવાની પ્રથા અમલમાં નથી. જર્મની જેવા બીયર પ્રિય દેશમાં તો ફાંદ ધરાવતો વ્યક્તિ ગર્વથી કહે છે કે ૨,૫૦૦ યુરોની આ ફાંદ છે. જયારે આપણા ત્યાં કદી એવું કોઈ ગર્વથી નથી કહેતું કે મિત્ર, આ ફાંદ બનાવવા માટે સિંગતેલમાં અંકે પુરા ૭,૦૦૦ રૂ. નું રોકાણ કર્યું છે. ભારતમાં લોકો મેદસ્વીતાને આળસ અને વધુ પડતું ખાવાની ટેવને જોડીને જોવે છે તેથી તેનું ગૌરવ હણાઈ જાય છે.

નરેન્દ્રભાઈ મોદીએ એક વખત કહ્યું હતું કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી. કદાચ તેઓ લીક્વીડ ડાયટ પર રહેતા હશે. આમેય નવરાત્રીમાં તેમને લીંબુપાણી પર ઉપવાસ કરવાનો નિયમ છે એટલે બાકીના દિવસોમાં પણ તેમને વધારે આકરું નહિ પડતું હોય.જો તમે અવલોકન કર્યું હોય તો નરેન્દ્રભાઈ પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા ત્યારથી તેમનું શરીર (રાજકીય કદની જેમ જ) ક્રમશ: વધતું જ ગયું છે. એટલે એક વાત તો સિદ્ધ થાય છે કે ખાવાથી સ્થૂળતાને કોઈ લેવા દેવા નથી. ખાતો ના હોય એવો વ્યક્તિ પણ સ્થૂળતાને પ્રાપ્ત કરી શકે છે. આમ તો સ્થૂળતાને સ્ત્રીઓની બાબતમાં સુખી હોવાની નિશાની પણ માનવામાં આવે છે. દીકરી પરણાવ્યા બાદ છ-આઠ મહીને દીકરીનું વજન છ-આઠ કિલો વધે તો દીકરીના માં-બાપને ધરપત રહે છે કે “હાશ, દીકરી સાસરે સુખી છે.” કારણ તો જ્ઞાત નથી, પણ સોનિયા ગાંધી જ્યારથી ઈટાલીથી પરણીને ભારત આવ્યા ત્યારથી તેમના શરીરની સ્થૂળતા વધી નથી. એ છતાં સોનિયા ગાંધીના માતાપિતાએ ઇન્દિરા ગાંધી કે રાજીવ ગાંધીને આ બાબતે છણકો કરતી કોઈ ચિટ્ઠી લખી હોય એવું આજ સુધી ચર્ચામાં આવ્યું નથી. ભાજપવાળાઓએ સોનિયા ગાંધીનો ગમે તેટલો વિરોધ કર્યો તોય ઇટાલીની સરકારે એવું નથી કીધું કે તમે અમારી દીકરીને હખ નથી લેવા દેતા એના પ્રતાપે અમારી દીકરીને પા શેર લોહીય નથી વધતું. જો આવું જ ચાલુ રહેશે તો અમે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં દહેજનો કેસ કરીશું. એ રીતે ભારત નસીબદાર કહેવાય કે તેને વેવાઈપક્ષ ખાનદાન મળ્યો.

કોઈપણ શરીર સ્થૂળકાય બને તેની પાછળનું કારણ તેમાં વધતું ચરબીનું પ્રમાણ હોય છે. આ છતાં પણ તમારા બોસને તમારાથી એવું તો ના જ કહેવાય કે “સાહેબ, આજકાલ તમને બહુ ચરબી ચડી ગયી છે.” જો આવું વાક્ય વ્યવહારમાં બોલો તો સાહેબ તમારી “ચડેલી ચરબી” ઉતારી દે એ વાત નક્કી છે. એથી જ ગુજરાતી ભાષાને પ્રાથમિકતા આપતા હોવા છતાં પણ “સર, યુ હેવ ગેઇન સમ વેઇટ” કહેવું જ વધુ હિતાવહ છે. નોકરીના ભોગે તો ગુજરાતી ભાષાનું જતન ના જ કરાય ને !

શરીરમાં ભરાઈ પડેલી ચરબી ઘટાડવી આસાન કામ નથી. ખુદ નરેન્દ્ર મોદી માટે પણ નહિ. કોઈને નહિ આપેલા એક કાલ્પનિક ઈન્ટરવ્યુમાં નરેન્દ મોદીએ પોતે કહ્યું હતું કે કોંગ્રેસની બેઠકોને ૪૪ કરી દેવી સહેલી છે પણ કમરને ૪૪ માંથી ૩૪ કરવી ખુબ જ અઘરી છે. આ જાણવા છતાં (કે આની જાણકારી હોવાના કારણે જ) મેગા સીટીઝમાં સ્થૂળતા ઘટાડવાનો એક સમગ્ર ઉદ્યોગ વિકસ્યો છે. જેમાં આધુનિક જીમ, ડાયટીશ્યનસ, મેદસ્વીતા ઘટાડવાનો દાવો કરતી દવાઓ અને કસરતના સાધનોની બોલબાલા વધી છે. મેદસ્વીતા ઘટાડવાનો દાવો કરતી દવાથી શરીરની નહિ માત્ર પાકીટની ચરબી ઘટે છે તે જાણવા છતાં પણ લોકો પ્રયોગો કરવામાં માને છે. પોતાની સ્થૂળતા ઘટે કે ના ઘટે જે તે દવા બનાવતી કંપનીની બેલેન્સ શીટની સ્થૂળતા જરૂર વધે છે. ડાયેટીશિયન તમારી પાસેથી મોંઘી ફી વસુલ કરીને તમને ભાવતી તમામ વાનગીઓનો ત્યાગ કરવાની સલાહ આપે છે. તમારો મિત્ર ભીડ પડે ૩,૦૦૦ રૂપિયા માંગે તો, હાલ તો વ્યવસ્થા નથી કહીને ટાળી દો છો પણ – બે સ્કુબ આઈસ્ક્રીમ ખાવાનું મન થાય ત્યારે બે ખાખરા ખાવા જોઈએ; બાસુંદીપૂરી ખાવાનું મન થાય ત્યારે દાળરોટલી, આ બાસુંદીપૂરી છે આ બાસુંદીપૂરી છે એવું ૫૦ વખત બોલીને ખાવી જોઈએ– આ પ્રકારની સલાહ સાંભળવા માટે તમે ૩,૦૦૦ રૂપિયા ખર્ચી નાખો છો.

તમને પોતાને પણ ખબર છે કે ખાખરો આઈસ્ક્રીમનો વિકલ્પ ના બની શકે છતાં પણ આ તો ના જ થઇ શકે એ નિશ્ચિત કરવા માટે ડાયેટીશ્યનસ પાસે પણ જઈ આવીએ છીએ. શાસ્ત્રોમાં ભલે કહ્યું હોય કે મન મર્કટ છે પણ તેને દાળરોટલીને બાસુંદીપૂરી સમજાવવા જાઓ ત્યારે એ બાસુંદીપૂરી પર સ્લોથ બનીને સ્થિર થઇ જાય છે. ઉપરથી કહેશે કે તમે જેને બાસુંદીપૂરી કહો છે એ દાળરોટલી જ છે અને એ ઉપરાંત આજે દાળમાં વઘાર પણ બરાબર નથી થયો. તળેલું, ગળ્યું, મસાલેદાર, ફાસ્ટફૂડ અને વધુ ખાવાનું છોડી દો, એવી સલાહ સગો ભાઈ આપે તોય તેની સાથે ઝઘડો થઇ જાય તે જ સલાહ પૈસા આપીને સાંભળીએ છીએ અને એવુંય નથી કહી શકતા કે આ બધું છૂટી શકતું હોત તો જાતે જ ના છોડી દીધું હોત, તમારી પાસે શું કરવા આવત. ડાયટીશ્યનસ એક બીજી સલાહ પણ આપે છે (જે હું અહી વિના મુલ્યે જણાવું છું) તમે જમો ત્યારે થાળી અને વાડકી નાની સાઈઝની લેવી જેથી માનસિક રીતે વધુ જમ્યા જેવું લાગે, સરવાળે તમે ઓછું જમીને મેદસ્વીતા ઘટાડી શકો છો. પણ એ નથી ખબર પડતી કે થાળી ઓછી ખાવાની છે, રોટલીઓ ખાવાની છે. થાળી-વાડકી નાની લઈએ તોય એનાથી હોજરી ઓછી સંકોચાઈ જાય છે ! જો એમ શક્ય હોત તો રાહુલ ગાંધી નરેન્દ્રમોદીની જેમ દાઢી વધારીને કોંગ્રેસને લોકસભા જીતાડી ના દે ! રાહુલ ગાંધી ભલે એમ માનતા હોય કે ગરીબી કઈ નથી હોતી એ તો માત્ર માનસિક વિચાર છે પણ એવું ફાંદ વિષે તો ના જ કહી શકાય. જો આપણે ફાંદને પણ માત્ર માનસિક વિચાર માનીએ તો પણ જેવી કોઈ સુંદર યુવતી નજીક આવતી જણાય તરત યથાયોગ્ય માત્રામાં પેટના સ્નાયુઓને ખેચીને, શ્વાસોશ્વાસની ક્રિયાને બાધિત કરીને પણ આપણે આ માનસિક વિચારને સંકોચવાનો મહત્તમ પ્રયાસ કરીએ છીએ. લોકોને કેટલીક બાબતો રામદેવ બાબા ના શીખવાડે તોય પરિસ્થિતિ શીખવાડી દે છે.

આખું ગામ સવારની મીઠી નીંદરમાં ગરકાવ હોય ત્યારે આ સજ્જન/સન્નારી ફાંદ ઘટાડવા રીબોકના શુઝ પહેરી દોડી દોડીને પોતાના વિસ્તારની ફૂટપાથ અને રોડ તોડવાનો ઉદ્યમ કરતા હોય છે. આમને સવાર સવારમાં જોઇને થાય ખરેખર “પેટ કરાવે વેઠ” તે આનું નામ. આવા દોડવીર મેદસ્વીઓ સરકારી કોન્ટ્રાક્ટર્સને પ્રિય હોય છે. અમુક વોકર પ્લેસ પર ઉભી રહેતી મસ્કાબન અને સેન્ડવિચની લારીઓમાં સરકારી કોન્ટ્રકટર્સનું ધિરાણ કે/અને પ્રોત્સાહન હોવાનું કહેવાય છે. ઘરમાં પણ ટીવી એડમાં જેટલા શરીર ઘટાડવાના સાધનો બતાવાય તે બધાની ખરીદી કરીને, કોઈ શિકારીનું ઘર જેમ તેણે શિકાર કરેલા જાનવરોના માથાઓથી શોભતું હોય તેમ દરેક ખીંટીએ એક એક સાધન ટીંગાડેલું હોય છે. દસ-બાર મહિના આટઆટલા પ્રયોગ કર્યા બાદ કેવલ્ય પ્રાપ્ત થાય છે, ચરબી સત્ય છે, ઉપાય મિથ્યા છે. દાલવડા તરફ પાછા વાળો.

કોંગ્રેસી નેતા રાજ બબ્બરે એક વાર કહ્યું હતું કે ૫ રૂપિયામાં પેટ ભરીને જમી શકાય છે. રાજ બબ્બરને તેમના ફિલ્મી કરિયરમાં મોટાભાગે ગંભીર અભિનય જ ફાળે આવ્યા છે એટલે અભિનયમાં કોમેડી પણ એટલી જ સારી કરી શકે છે તે સિદ્ધ કરવાના આશયથી તેઓ આવું બોલ્યા હશે. પણ પ્રજા જેનું નામ. રાજ બબ્બરની આ વાત ગંભીરતાથી લઈને ગરીબો એમના ઘરે રોજ થાળી-ચમચી વગાડતા ૫ રૂપિયાનો સિક્કો લઈને જમવા આવવા લાગ્યા. રાજ બબ્બરે તેમને બરાબર જમાડ્યા નહિ હોય એટલે એ ઈલેક્શન હારી ગયા. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ એક વખત કહ્યું હતું કે ત્રીજા વિશ્વના દેશોની પ્રજાએ વધુ ખાવાનું શરુ કરી દીધું છે એટલે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્યસામગ્રીઓના ભાવ વધી ગયા છે. ગમે તે દેશના હોવ, પણ નેતા હોવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે ગમે તે બોલી શકો છો. મેદસ્વીતા નેતાઓમાં પણ જોવા મળે છે. જયલલિતા, નીતિન ગડકરી, શરદ પવાર, અમરસિંહ વત્તાઓછા અંશે મેદસ્વી છે. પણ તેમણે કદી મેદસ્વીઓની અસ્મિતાની વાત નથી કરી કે નથી કોઈ દિવસ “ગર્વ સે કહો હમ મેદસ્વી હૈ” નો નારો આપ્યો. જો ફાંદ કે ચરબી આંધ્ર પ્રદેશમાંથી તેલંગાના જુદા કરવા જેટલું સહેલું હોત તો કોઈ પણ નેતા મેદસ્વી ના હોત એટલે સામાન્ય પ્રજાએ મન મનાવવું જોઈએ કે મેદસ્વીતા નેતાઓને નથી ગાંઠતી તો આપણને તો શું ગાંઠવાની. બંધારણીય રીતે ભારત કલ્યાણકારી રાજ્ય છે તે છતાં પણ આજ સુધી એક પણપંચવર્ષીય યોજના મેદસ્વીઓ માટે નથી ચલાવવામાં આવી. ૩૦% વસ્તી માટે કોઈ યોજના પણ નહિ !

જેના ઉપર આપણે બહુ ગર્વ લઈએ છીએ એ બોલીવુડે પણ મેદસ્વીઓ પ્રત્યે ભેદભાવ જ દાખવ્યો છે. તમે કોઈ પણ મુવી જુઓ તો હીરો-હિરોઈનનો રોલ કદી કોઈ મેદસ્વીને નથી મળતો. જયારે વિલનના રોલ માટે મેદસ્વીઓને શોધી શોધીને લાવવામાં આવે છે. હીરોના વિદુષક છાપ મિત્ર તરીકે પણ મોટા ભાગે કોઈ મેદસ્વીને જ પસંદ કરવામાં આવે છે. વ્યવહારમાં બધાનું શરીર કઈ અક્ષય કુમાર કે બિપાશા બાસુ જેવું નથી હોતું. બોલીવુડે જેટલું મહિમામંડન “V” શેઈપ કે કર્વી શેઈપનું કર્યું છે એટલું “O” (ઓ) શેઈપનું કર્યું હોત તો ઘણા ખરા લોકોને ઝડપથી પ્રેમી/પ્રેમિકા મળી જાત. દક્ષીણ ભારતની મુવીઝમાં લીડ રોલમાં તમને થોડા હેલ્ધી લોકો દેખાઈ આવશે એ હિસાબે ત્યાનું સિનેમાજગત અને પ્રજા પ્રમાણમાં ઉદારવાદી છે.

આજ સુધી કોઈ ચોર, લુટારો, પાકીટમાર સ્થૂળકાય નથી મળ્યો. હકીકતમાં મેદસ્વી લોકો અહિંસાના પર્યાય જેવા હોય છે. અશોક, અકબર, બાબર, નાદિર શાહ, ઓરંગઝેબ મેદસ્વી હોત તો ઘોડા પર બેસી યુદ્ધ લડી લડીને લોહી વહેવડાવવાને બદલે શાંતિથી જીવત અને પ્રજાને પણ એટલી શાંતિ મળત. ઔરંગઝેબ મેદસ્વી હોત તો ધોમધકતા તાપ અને ઝંઝાવાતી વરસાદમાં શિવાજીને શોધવા દખ્ખણના પહાડો ખુંદવાને બદલે દિલ્લીમાં બેઠો શરબત-એ-ફાલસા પીતો હોત. અશોક શરીરે મેદસ્વી અને ફાફડા, જલેબી, દાલવડા, ઊંધિયાનો રસિયો હોત તો કલિંગ જીતવાને બદલે વિવિધ ફરસાણ અને મિષ્ટાન્ન આરોગતા, શરીર વધારતા, યુદ્ધછાવણીના બદલે રાજમહેલમાં જ સ્થાયી રહેત. બહુ બહુ તો ઈતિહાસમાં એવું વાંચવા મળત કે કલિંગનો રાજરસોઈઓ બહુ સ્વાદિષ્ટ માલપુઆ બનાવે છે તેવી જાણકારી મળવાથી અશોકે રસોઈયાના અપહરણનો કારસો રચ્યો હતો. એવું થયું હોત તો કલિંગના રાજાએ પાડોશી રાજ્યોમાંથી માલપુઆ આયાત કરવા પડ્યા હોય. એટલા આર્થિક નુકસાનની સામે તેનું રાજપાટ સલામત રહેત અને કલિંગ એક મોટા રક્તપાતમાંથી બચી જાત.

હવે આ લખાણ વધુ મેદસ્વી ના થાય એ માટે અહી જ અટકું છું.

અસ્તુ ||