હાસ્યલેખક બંધુશ્રી અધીરભાઈને પત્ર Krunal Rajput દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાસ્યલેખક બંધુશ્રી અધીરભાઈને પત્ર

હાસ્યલેખક શ્રી અધીરભાઈને એક કાલ્પનિક પત્ર

પ્રતિશ્રી,
મુરબ્બી લેખકબંધુ શ્રી અધીરજી,

વિષય :- ઉજ્જડનગરીમાં ચોમાસાની ઋતુમાં મચ્છરોની વધતી વસ્તી અને તેને લઈને નાગરીકોને થતી હાલાકી અંગેના આપની ફરિ-યાદના મુનસીડબલીનો વિગતવાર જવાબ

આપનો ઉજ્જડનગરી મુનસીડબલીને મચ્છરોના ઉપદ્રવની ફરિયાદ અને અમારા તંત્રની ટીકા કરતો પત્ર મળ્યો. આપને બધી વાતે મુનસીડબલી સાથે કોઈ વાતે ગોઠતું જ નથી. પહેલા તો આપે પત્રમાં લખેલા મુનસીટાપલી અંગે છણાવટ કરી દઈએ. સાચો શબ્દ સાચો શબ્દ મુનસીટાપલી નથી “મુનસીડબલી” છે. આ શબ્દનો અર્થ આપને કોઈ શબ્દકોષમાં નહિ મળે. જોકે આ શબ્દવ્યુત્પત્તિ માટે ગૌરીશંકર નામના વિદ્વાને જણાવ્યું છે કે લોકવાયકા પ્રમાણે ડાયનાસોર યુગના પતન દરમિયાન ડાયનાસોરોએ ઈશ્વરને પ્રાર્થના કરી કે, હે પ્રભુ, અમારો કેમ નાશ કર્યો, અમારો શું વાંક ? અચાનક એક આકાશવાણી થઇ, “હે ડાયનાસોરો, તમે આવનારા યુગમાં મનુષ્ય જન્મ પામશો. જે સ્થાને અત્યારે તમે પડ્યા પાથર્યા રહો છો તે જ સ્થાન પર એક મહાન સંસ્થા જન્મ લેશે અને આજ સંસ્થામાં કોઈને કોઈ રૂપે તમે જોડાશો. તમે મનુષ્યરૂપે તેમાં લીલા કરશો.” કાળક્રમે તે સ્થાને એક ગામ વસ્યું. લોકવાયકા છે તે પ્રમાણે એ જમાનામાં સોંઘવારી હશે અને ડબ્બાડબલીના બદલે કોઈ વળતર આપવાનો વ્યવસાય અસ્તિત્વમાં નહોતો આવ્યો. ગામમાં દરેક ઘરમાં જે નકામા ડબલા-ડબલી રહેતા તે ગામમાં સૌથી છેલ્લે રહેતા મુનસી કાકાના ઘરની પાસેની ખુલ્લી જમીન પર મૂકી આવતા. મુનસી કાકાની પત્નીના મહેણાં-ટોણા,છણકા આ ડબલા-ડબલીના પડવા આફળવાના આવાજમાં દબાઈ જતા એટલે તેમણે પણ ગામ લોકોને આ પ્રવૃત્તિ માટે પ્રોત્સાહિત કર્યા.

ધીરે ધીરે ઢગલો મોટો થતો ગયો અને આ વિસ્તાર મુનસીના ડબલા-ડબલી તરીકે ઓળખવા લાવ્યો. ચીની યાત્રી તી તી ઘોડાએ પણ પોતાના વૃત્તાંતમાં એવો ઉલ્લેખ કર્યો છે કે આ ડબલા-ડબલીનો ઢગલો એક વિશાળ ખેતરમાં 10 માળ જેટલો હતો. તેમાં ડબલા-ડબલી પડવાથી થતા અવાજો ચાર ગાઉં સુધી સંભળાતા હતા. જોકે જર્મન વિદ્વાન ટુ વ્હીલરે તી તી ઘોડાની વાતનું ખંડન કરતા કહે છે કે ડબલા-ડબલીનો ઢગલો 7 માળ જેટલો હતો અને તી તી ઘોડાને પોતાને જ શ્રવણ બાધા હતી એટલે ચાર ગાઉંવાળી વાતની સત્યતા પર શંકા છે. જુદા જુદા વિદ્વાનોમાં આ ઢગલાની ઊંચાઈ અંગે મતમતાંતર છે પણ આવો એક ઢગલો હતો તેના માટે સહમતી છે. એક સમયે જયારે તે પ્રદેશમાં દુકાળ પડ્યો ત્યારે રૈયતને રોજગાર આપવા માટે તત્કાલીન રાજાએ આ ડબલા-ડબલીને ઓગાળીને તેનાથી ભવન નિર્માણની સામગ્રી બનાવડાવીને તે જ સ્થાન પર એક ભવન બનાવડાવ્યું હતું. આ ભવન માટે મુનસી કાકાના યોગદાન અને ડબલા-ડબલીના ઢગલાની યાદગીરી રૂપે લોકજીભે મુનસીડબલી તરીકે ઓળખાયું. અત્યારે પણ એવું કહેવાય છે કે આ ભવનમાં તમે સાચા મનથી એક વાક્ય બોલો તો ચારે બાજુથી ડબલા-ડબલીના બોદા અને કર્કશ અવાજ સંભળાય છે.

પહેલા તો આપની ફરિયાદ પ્રમાણે ચોમાસામાં જ મચ્છરોનો ત્રાસ રહે છે. જોયું આપનો પક્ષપાતી (વનસ્પતિ ઘી જેવો) આક્ષેપ. અરે ભાઈ, ઉનાળા અને શિયાળામાં મચ્છરોનો ત્રાસ નથી રહેતો તેના માટે આપે મુનસીડબલી માટે એક વાક્યની પણ અભિનંદનવૃષ્ટિ કરી ??? ના !!! બસ નિંદા-કુથલી જ કરો…

આ ધરાર પૂર્વગ્રહોથી પ્રેરિત આક્ષેપોથી ….. ગટરલાઇનો ફાટી કેમ નથી જતી !!! ખાળ કુવા ઉભરાઈ કેમ નથી જતા !!! સુએઝ ફાર્મ મહેકી કેમ નથી ઉઠતા !!! મુનસીડબલી મુખ્ય ભવન ધરતીમાં સમાઈ કેમ નથી જતું !!! (કોણે હર્ષનાદ કર્યો, ખબરદાર અશિસ્ત આચરી છે તો, લાગણીઓ પર કાબુ રાખો)

શિયાળા અને ઉનાળામાં અમારી મચ્છર રોકો ઝુંબેશ ૧૦૦% સફળ છે એવું આપના વાક્યો પરથી વિદિત છે (જેના માટે અમો આપના આભારી છીએ, સામાન્ય રીતે કોઈનો આભાર માનવો એ અમારો શિરસ્તો નથી પરંતુ આપના માટે “ખાસ” કિસ્સામાં આભાર માન્યો છે જેના માટે આપે અમારા આભારી રહેવું જોઈએ, અમુક કામ અમે “આઉટઓફ પ્રોટોકોલ” જઈને પણ કરીએ છીએ તે આના પરથી સાબિત થાય છે), એ પરથી ફલિત થાય છે કે મુનસીડબલી મચ્છરનું નિયંત્રણ કરવામાં શાસ્ત્રીય રીતે પ્રવીણ સંસ્થા છે.

ચોમાસામાં મચ્છરો કેમ થાય છે જો એવું આપનો પ્રશ્ન હોય તો અમો આપને જણાવવા માંગીએ છીએ સંસ્થા નાગરીકોની આધ્યાત્મિક, માનસિક ઉન્નતી ઉપરાંત સમાજમાં ઉચ્ચ મુલ્યો જાળવી રાખવા માંગે છે. આપણા ત્યાં તો એટલે સુધી કહ્યું છે કે “સુખ દુખ મનમાં ના આણીએ રે”. અતિ સુખમાં માનવ છકી જાય છે. સુખ સાથે દુખ જોડાયેલું ના હોય તો વ્યક્તિને સુખની કદર નથી થતી. જો દરરોજ મચ્છરોની પજવણી વગર સુઈ શકો તો પછી સારી ઊંઘનું (દેવગૌડાની જેમ) અભિમાન આવી જાય. મચ્છરોથી પ્રાપ્ત થતી પીડા એ પણ બોધ આપે છે કે, “હે મન, ક્યાં સુધી આ માટીના પુતળાને લાડ લડાવીસ અંતે તો માયાનું પુતળું જ છે. માયાના બંધનમાં લિપ્ત પ્રાણી, જેમ મચ્છર તને પીડે છે અને સારી ઊંઘમાં ખલેલ પાડે છે તેજ રીતે તારી લાલસાઓ તારી આત્માને પીડે છે. આ દેહ નશ્વર છે, શાશ્વત તો આત્મા છે. શરીરને મલેરિયા થાય તો ચાલશે પણ આત્માને મેલરિયા ના થવા દેતો. દર જન્મમાં ભગવાનના ઘરેથી ક્રિકેટની નવી કીટની જેમ નવું શરીર તો મળશે પણ ટીમના કેપ્ટન જેવો આત્મા તો આજ રહેશે. તો હે જીવ, તું તેની અવગણના કેમ કરે છે ! જેમ મચ્છરોના બણબણાટથી તેને મારી નાખવા માટે પ્રવૃત થયેલો મનુષ્ય પોતાના જ શરીર પર પ્રહાર કરે છે અને સ્વપીડનનો ભોગ બને છે તેજ રીતે લોભ, મોહ, વાસના, રાગ, દ્રેષના બણબણાટથી ભ્રમિત થયેલ મનુષ પણ પોતાના જ હિતો પર પ્રહાર કરે છે. જેમ જ્ઞાની મનુષ્ય મચ્છર મારવામાં પ્રવૃત થવાને બદલે બજારમાં મળતી મચ્છરનિવારક ક્રીમ શરીર પર ચોપડીને રાહત મેળવે છે તેમ તું પણ આધ્યાત્મનું આવરણ લગાવીને લોભ, મોહ, વાસના, રાગ, દ્રેષથી રાહત મેળવ.” તો હે નાગરિક, સંસ્થા દ્વારા તુજ તુચ્છ જીવની આધ્યાત્મિક ઉન્નતી થઇ કે નહિ !!!

હવે સમાજમાં ઉચ્ચ મુલ્યો કેવી રીતે જાળવવામાં આવે છે તે જોઈએ. શેરીમાં રખડતું ખસુડીયું કુતરું દરેક નાગરિકને નથી કરડતું. કુતરું ગરીબો અને મધ્યમવર્ગના લોકોને કરડે છે કારણ કે ધનાઢ્ય વર્ગના નાગરીકોના વિસ્તારમાં ચોકીદાર હોય છે. સોસાયટી અને અપાર્ટમેન્ટને ફરતે ઉંચી બાઉન્ડ્રી વોલ હોય છે. આવા નાગરીકો ઘરની બહાર નીકળે તો પણ કારમાં નીકળે છે પરિણામે કુતરું આવા ધનાઢય નાગરીકોના રહેણાંક વિસ્તારો બાજુ મો રાખીને ભસીને જ સંતોષ માને છે અથવા તેમની કાર સાથે વગર મેડલની રીલે દોડનું આયોજન કરે છે, પણ કરડી નથી શકતું. આવું જ બીજા પ્રાણીઓનું પણ છે.

આમ એકંદરે જોઈએ તો કોઈ પણ જીવ સાચું સમાજવાદી નથી. સમાજવાદમાં બધાને એક જ નજરે જોવાય તેવું ઇષ્ટ છે. આ દ્રષ્ટીએ મચ્છર સમાજવાદમાં માને છે. તે ગરીબ, મધ્યમવર્ગીય અને ધનવાન તમામને સમાનભાવે કરડે છે. તે સ્ત્રી-પુરુષમાં ભેદ નથી કરતુ. તે એસી રૂમમાં સુતા અને ફૂટપાથ પર સુતા લોકો વચ્ચે ભેદ નથી કરતુ. મચ્છર માટે – બંધ મિલના શેઠિયા, ઓફીસની સ્ટેસનરી ઘરે ઉપયોગમાં લેતા અને કંપનીના લેટરપેડના કાગળિયાં પ્લેન બનાવતા કારકુન, વરસાદની રાહ જોતા ખેડૂત, સાચું બોલતો અને પ્રજાકીય કાર્યો માટે તત્પર રહેતા નેતા, રોડ પર રેકડી લગાવનાર ફેરિયા, ઘરના પૈસા ઉમેરીને પણ ગુણવત્તસભર કામ કરતા સરકારી કોન્ટ્રકટર, પોતાના બનેવીની કોર્પોરેટ કંપનીના રીજનલ મેનેજર, ફાર્મા કંપનીની ઓફરો ઠુકરાવતા ડોક્ટર, સ્ટેન્ડ-અપ કોમેડી કરતા કલાકાર, પ્રાદેશિક ભાષા બચાવવા માટે રુદન કરતા સાક્ષરો, રીયલ એસ્ટેટ કે શેયર બજારની આવકમાંથી અંગ્રેજી સ્કુલની સ્થાપના કરતા શિક્ષણપ્રિય સજ્જનો, જે શિક્ષણ અને જ્ઞાન સરકાર નથી આપી શકતી તેની પૂર્તિ કરવા માટે રોયલ્ટીનો મોહ રાખ્યા વગર CD બહાર પાડતા ધર્મગુરુઓ, ફિક્સ પગારમાં કુબેરને પણ ઈર્ષા થાય તેવું જીવન જીવતા સરકારી કર્મચારીઓ, નાનકડી આવકમાં પેટે પાટા બાંધીને ગુજરાન ચલાવતા છતાં પણ દેશ માટે જીવ આપી દેવા માટે તત્પર મંત્રીઓ, પડોશીઓની સહનશક્તિ વધારવા માટે ક્રિયાશીલ સંગીતકારો, ઘોડાઓના સ્વાસ્થ્ય માટે જુગાર રમતા પરગજુઓ, ગણિતશાસ્ત્રીઓના સિદ્ધાંતોની ખરાઈ કરવા માટે સટ્ટો રમતા કુતુહલપ્રિય પ્રયોગપ્રેમીજનો, ગઝલ કે ભારતનાટ્યમના સંગીત પર પણ ગરબા કરવાનું ના ચૂકતી હિન્દી સીરીયલની ગુજરાતી અભિનેત્રીઓ – આ બધા સમાન છે. મચ્છર બધાનું લોહી પીવામાં અને લોહી પીને પોતાની વસ્તી વધારવામાં માને છે. કોઈને પણ કરડવું કે કોઈનું પણ લોહી તેના માટે વર્જિત નથી. “લોહીનું ગ્રુપ જુદું જુદું હશે પણ તેમાંથી મળતું પોષણ તો સમાન જ છે", આજ ઉચ્ચ મૂલ્યોની યાદ મચ્છર પોતાના દરેક ડંખથી અપાવે છે. આમ અહી મુનસીડબલી સમાજના ઉચ્ચ આદર્શો મચ્છરોના માધ્યમથી સૂક્ષ રૂપે સમજાવીને તેનું જતન, સંરક્ષણ, સંવર્ધન કરે છે.

અહી અર્થશાસ્ત્રની દ્રષ્ટીએ પણ એક મુદ્દો જોઈ શકાય. જો બજારમાં પૈસો ફરે નહિ અને સંચિત થાય તે દેશના અર્થતંત્ર માટે સારું નહિ. મચ્છરોથી દેશના ડોક્ટર્સ, ફાર્મિસ્ટ, ફાર્મા કંપનીઓ, મચ્છરદાની બનાવનારાઓ, મચ્છર ભગાડવાની કોઈલ/અન્ય ઇલેક્ટ્રિકલ સાધનોનું ઉત્પાદન કરનારા, મચ્છરથી રક્ષણ આપતી ક્રીમ બનાવતી કંપનીઓનો કારોબાર ચાલે છે. જો લાખો નહિ તો હજારોને તો આ પ્રવૃત્તિઓથી રોજગાર મળતો જ હશે. મચ્છરોના કારણે સમાજમાં આટલી બધી રોજગારીની તકો વિકસી હોય ત્યાં પોતાની થોડી તકલીફ માટે આટલા વિશાળ સમુદાયની રોજીરોટી સાથે રમત કરવાની આપની સ્વકેન્દ્રી મનોવૃત્તિને સંસ્થા પ્રચંડ બહુમતીથી વખોડી કાઢે છે. આ બાબતે પસાર થયેલ નિંદા પ્રસ્તાવની એક નકલ ટુંક સમયમાં આપને મળી જશે, જેને આપ કાચની ફ્રેમમાં મઢાવીને ઘરના દીવાનખાનામાં રાખશો અને અમારી કાર્યશીલતા અંગેના આપના વલણમાં પરિવર્તન આવશે તેવી સંસ્થા આશા સેવે છે.

સૌથી અગત્યની વાત છે કે જો નાગરિક બારેય મહિના શાંતિથી ઊંઘી શકે તો તેને પોતાની રાષ્ટ્રીયતા અંગે પણ શંકા થવા લાગે. પૂર્વે સંસ્થાના કર્મચારીઓ કેટલાક વિસ્તારોમાં તાબડતોબ ફાટેલી ગટર લાઈન રીપેર કરી આવ્યા હતા ત્યારે તે વિસ્તારના લોકોએ પોતાના નાગરીક્પત્રો અને ઓળખપત્રોની ખરાઈ કરવા માટે કચરીઓ પર ઉમટી પડ્યા હતા. ભીડ જોઇને નગરમાં એવો ભ્રમ ફેલાઈ ગયો કે તરણેતરનો મેળો હવે અહી લાગશે. તમાશાને તેડું ના હોય એટલે ચાની લારીવાળા, ચોકલેટ-બિસ્કીટ વેચતા ફ્રેરીયાઓ, નાસ્તાપાણીવાળા, ભરતકામ કરેલા પારંપરિક પોશાકો વેચતા ફેરિયાઓના ટોળાઓ, ભીખ ઉદ્યોગના સાહસિકો પણ કચેરીઓની આસપાસ ઉમટી પડ્યા. ભારે ભીડને વિખેરવા માટે અંતે ફોજદાર સાહેબને બોલવા પડ્યા. આમ આપ સૌ ક્યાં ભૂખંડમાં જન્મ્યા છો તેની યાદ સતત રહે તે માટે પણ અમારે મચ્છરો પર અંકુશ રાખવાથી વિમુખ રહેવું પડે છે.

આપે એવું લખ્યું છે કે અમુક મહિલાઓ ગણગણાટ કરતી હોય, તેનાથી મચ્છરો દુર રહે છે. આવા અવાજોનું રેકોડીંગ કરીને એક ઇલેક્ટ્રિક સાધન સંસ્થાએ વિકસાવ્યું હતું પણ આ સાધનના અવાજના કલીનીકલ પ્રયોગો દરમિયાન અમુક પુરુષોને બેચેની, વૈરાગની ભાવના આવવી, અનિંદ્રા, વાઈ આવવા જેવી સમસ્યાઓ ઉભી થતી હતી એટલે હાલ આ સાધનની સાઈડ ઈફેક્ટ દુર કરવા માટે વધુ R & D માટે પ્રયાસો ચાલુ છે.

સૌથી અગત્યની વાત છે, પૃથ્વી પર સૌથી વધારે બૌધિક ગણાતા સામાજિક પ્રાણી એવા મનુષ્યોની વસ્તી પણ બેફામ વધી રહી છે. જેમને વસ્તી વધારો સૌથી વધારે નડે છે અને જેઓ વિચારી શકે છે તેવા જીવો પણ જો વસ્તી નિયંત્રણ કરવામાં અસમર્થ હોય તો મચ્છરોને કુટુંબ નિયોજન અંગે અમોને સમજાવવા માટે કેટલી તકલીફ પડતી હશે તે તો આપ સમજી શકો છો.

આપની દરેક મૂંઝવણ, ફરિયાદનું નિવારણ સંસ્થા આપી શકી હશે તેવી આશા સાથે,

આપનો હિતેચ્છુ,

શ્રી સુનબહેરા ઉકેલવાળા

ઉચ્ચ જુલમદાર,

(મચ્છરનિવારણ વિભાગ, ઉજ્જડનગરી મુનસીડબલી)

# નકલ રવાના :-

(૧) અખિલ બ્રહ્માંડ મચ્છર નિવારણ ખાતું (પીતું)(
૨) મચ્છર અધિકાર સમિતિ(
૩) પાટનગર