Mandakanta books and stories free download online pdf in Gujarati

મંદાક્રાંતા

-: મંદાક્રાંતા :-

રામકાકાની કાન્તા ઘરે આવી. ઓસરીમાંથી ડુસકા ભરતી સડસડાટ પોતાના રૂમમાં જતી રહી. રમીલા કાકી ને ધ્રાસકો પડ્યો, આ શું ? હમણા તો ૨ કલાક પહેલા પોતાના મંગેતર પીયુષ કુમાર સાથે ફરવા ગયી હતી. કાન્તા પોતાના થનારા મંગેતર પીયુષ કુમાર સાથે દર રવિવારે ફરવા જતી હતી. પીયુષ કુમારની મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી એટલે રવિવાર સિવાય સમય ના મળે. કાન્તાના માતાપિતાને પણ બંને જણ પર પૂરો ભરોસો અને એવો આશય પણ ખરો કે લગ્ન પહેલા બંને એક બીજાને જાણી-સમજી લે. દર વખતે તો પીયુષ કુમારને મળીને કાન્તા આવે ત્યારે હવામાં તરતી જેવી દેખાય. આજે કેમ અચાનક…..? રમીલા કાકી કાન્તાના રૂમમાં ગયા. કાન્તા પોતાના બેડ પર તકિયામાં મો સંતાડીને ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. રડી રડીને તેની આંખો સોજી ગયી હતી, આંખમાં આંજેલું કાજળ ચહેરા પર રેલાઈ રહ્યું હતું.

રમીલા કાકી એ પૂછ્યું “બેટા શું થયું, પીયુષ કુમાર સાથે ઝગડો થયો? ”

કાન્તા એ લાંબુ ડૂસકું ભર્યું.

રમીલા કાકીની આંખમાં પણ આંસુ આવી ગયા, “બેટા, કહે તો ખરી શું થયું ? પીયુષ કુમારે તને કઈક ખાટુંમોળું કહ્યું.”

કાન્તા :- “મમ્મી, શું કહું, મેં પીયુષ ને આવો નહોતો ધર્યો.”

રમીલા કાકી :- “બેટા, માંડી ને વાત તો કર. અમે વેવાઈને વાત કરીશું.”

કાન્તા :- “મમ્મી,દર રવિવારની જેમ આ રવિવારે પણ અમે ફરવા ગયા.તેણે બાઈક પોતાના એક મિત્રના ફ્લેટ પર લઇ લીધી. મેં એને કહ્યું પીયુષ આ ક્યાં લઇ આવ્યો. ચાલ પાછા જઈએ. પીયુષે મને કહ્યું કેમ તને મારા પર ભરોસો નથી? મેં કહ્યું તારા પર નહિ કરું તો કોના પર ભરોસો કરીશ? ફ્લેટ પર કોઈ હાજર નહોતું. પીયુષે ફ્લેટનો દરવાજો બંદ કરી દીધો અને મારી બાજુમાં આવીને બેસી ગયો. મારો હાથ હાથમાં પરોવીને કહેવા લાગ્યો, જો હું તારી પાસે કઈ માંગું તો તું “ના” તો નહિ પડે ને. મેં સહજ ભાવે “હા” કહી દીધી.”

રમીલા કાકી :- “હાય હાય !!!”

કાન્તા :- “તેણે મારી એકલતાનો લાભ ઉઠાવીને એક કવિતા સંભળાવી દીધી.

થયો છુ પુલકિત તમને પામીને, જેમ બિલ્ડર ને મળી હોય NA-NOC.

તું મને ગમે છે પ્રિયે દિલ થી, ભલે લોકો કહે તને ડોસી.

હું તો બહાવરી બની ગયી. મને એમ કે દુખ પછી સુખ આવે છે એટલે ધીરજ રાખવી પણ મેં ધારેલા સુખની આશા ઠગારી નીકળી. તેની આંખોમાં દીવાનગી હતી કે ખુન્નસ પણ તે એક પછી એક કવિતાઓ સંભળાવતો ગયો. હું ના ના કરતી રહી પણ તેણે મારી એક વાત ના માની. મેં તેના હાથ જોડ્યા, પગ પકડ્યા પણ દરેક કવિતા પછી હું ઈર્શાદ કે મુકરર નહોતી કહેતી તો પણ તેનો ઉત્સાહ આર્થિક ફુગાવાની ઝડપથી વધી રહ્યો હતો. ૧૦માં ધોરણમાં મેં અમુક કવિતાઓ ઓપ્સનમાં કાઢી દીધી હતી તે પાપનો કદાચ આજે મારે ભોગવટો કરવાનો હતો. ગ્રેસીંગ માર્કની કૃપાથી હું ગુજરાતીમાં પાસ થતી પણ અમુક કવિતાઓ તો પરાણે મીનીમમ માર્ક લાવવા વાંચવી પડતી હતી ત્યારે જે ત્રાસ થતો તેનાથી પણ અનેક ગણો ત્રાસ વેઠવો પડ્યો. પાછો પીયુષ મને કહે કે મારી ઇચ્છા છે કે લગ્ન પછી હું તને રોજ બે કવિતા સંભાળવું, તને શહેરમાં યોજાતા કવિ સંમેલનોમાં ફરવા લઇ જઉ.

એક કલાક માં ૨૫ થી ૩૦ કવિતા સંભળાવી દીધી. કલિયુગ માટે ઇન્દ્રના ઈન્દ્રાસનના પાયા સ્પેશિયલ સોક પ્રૂફ મટીરીયલથી બનાવ્યા હશે નહીતર ઈન્દ્રાસન ડોલ્યા વગર રહેત નહિ. નદીઓના જળ બાબતે રાજ્યો વચ્ચે આમેય ઝગડા ચાલે છે એટલે એ ઝઘડા વધે નહિ તે હેતુથી નદીઓએ પોતાના વહેણ ના બદલ્યા. પણ હું તો નદી નથી ને ? હું બિચારી કેટલું સહન કરી સકું? જયારે મારી ધીરજની ઇમારતના પાયા સડેલી દાઢની જેમ હચમચી ચુક્યા ત્યારે તેના હાથને ઝાટકો મારી હું ફ્લેટની બહાર ભાગી આવી. ધોળા દિવસે શટલને બદલે રીક્ષાનું દોઢું ભાડું નક્કી કરીને આવી. હાય રે મારી કિસ્મત !!! હાય રે પીયુષ !!! હું તો તને સજ્જન ધારતી હતી પણ તું તો………..

………..થોડા દિવસ માં કાન્તાની પીયુષ સાથેની સગાઈ તૂટી ગયી. આખી નાતમાં પીયુષના કવિતાકાંડની વાત ફેલાઈ ગયી.

રમીલા કાકી :- “બોલો, કોણ વિચારી શકે કે આવો ભલો છોકરો કવિ હશે, એના માબાપ તો બિચારા મરતાને પણ મર ના કહે, હૂઊઊઊ.”

સવિતા ફોઈ :- “બેન, માબાપ પણ શું શું દયાન રાખે. અત્યારના છોકરાઓ ઘરની બહાર કોની સાથે ઉઠે છે બેસે છે, શું શીખે છે કોને ખબર પડે ?”

રમણ મામા :- ” મને તો વેવાઈ પક્ષે દહેજ લેવાની ના પડી હતી ત્યારે જ શંકા હતી કે નક્કી દાળમાં કઈક કાળું છે, પણ અમારા કુમાર મારું માને છે કોઈ દિવસ ??? નોકરી જોઇને દીકરીનું નક્કી કરી દીધું. એમ પણ નહિ કે પૂરી તપાસ તો કરીએ કે છોકરાના સંસ્કાર કેવા છે, કોઈ વ્યસન કે ખોટી સંગત તો નથી ને?”

ગીરીશ ફુઆ :- “મુઓ કાન્તાને મંદાક્રાંતા મંદાક્રાન્તા કરતો હતો ત્યારે જ આપણે સમજી જવા જેવું હતું, પણ આપણને એમ કે ભણેલા ગણેલા છે એટલે કાન્તા નામ કરતા અઘરા નામ બોલીને આપણને ઈમ્પ્રેસ કરવા હશે.”

ચંદુ માસા :- ” અમારા છોટુભાઈની દીકરીના પેલા કવિ સાથે લગ્ન નહોતા કર્યા તે ૨ મહિનામાં તો ઘરે પાછી આવી ગયી. દીકરી કહે છે કે તમારા કુમાર શું બોલે છે કઈ ખબર નથી પડતી. કુમાર એવું કહે છે કે હું તો સર્જાયો જ છું છંદો સાથે રમવા માટે. પ્રાસને પીવા માટે. અલંકારો સાથે ઝઘડવા માટે. સંધીઓને સાંધવા માટે. હું તો કવિતાથી જ નહાઉં છું, કવિતાઓ જ પહેરું છું. કવિતાને જ જીવું છું.”

લક્ષ્મી માસી :- “બેન, એ તો સારું થયું કે લગ્ન પહેલા ખબર પડી ગયી કે છોકરો કવિતાના લતે ચડ્યો છે, લગ્ન પછી ખબર પડી હોત તો ??? કાન્તા એ આક્રાન્તા સાથે કેવી રીતે જીવન કાઢત? દીકરીને તો રોજે રોજ રીબાવાનું જ ને….”

…………..આ ઘટનાને ૬ મહિના થઇ ગયા છે પણ કાન્તા હજુ દુખી છે. સાંભળ્યું છે કે પોતાના દુખને દુર કરવા તે હવે કવિતા લખે છે….

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED