બુઆ Valibhai Musa દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બુઆ

બુઆ

બડો શેતાન છે, આ છોકરો ! જોયું ? મેં વાતમાં સહજ રીતે ઘરકી મુર્ગી દાલ બરાબરકહેવત પ્રયોજી અને મને મુર્ગીકહીને ભાગી ગયો !બુઆએ સૌની આગળ મલકતા મુખે આંખો ઉલાળતાં ઔપચારિક ફરિયાદના સ્વરે કહ્યું.

એ તારી સાથે પકડદાવ રમવા માગે છે, એટલે તો તને સતાવે છે ને !દાદી ગુણસુંદરીએ પોતરાનું ઉપરાણું લીધું.

આમ જ બધાં એને ફટવો છો. બસ, આજે જ મારા બેડરૂમમાંથી તેનાં બિસ્તરાંપોટલાં ઉપડાવી ન દઉં તો મારું નામ બુઆ નહિ, હા !

બુઆ, મુન્નો હરગિજ એમ નહિ કરે ! તારે જ એ ઉપાડવાં પડશે અને વળી તારે જ કાનબુટ્ટી પકડીને એની માફી માગતાં એ જ બિસ્તરાંપોટલાં પાછાં લઈ જવાં પડશે ! તું જ એના વગર રહી નહિ શકે, જોજે !દાદાએ છાપામાંથી મોં ઊંચું કર્યા વગર ગર્વભેર આગાહી કરી દીધી. ઘરનાં આબાલવૃદ્ધ સૌ મલ્લિકાને બુઆતરીકે જ સંબોધતાં હતાં.

પૂર્ણ કૉરમ સાથેની એ સંયુક્ત પરિવારની આવી મહેફિલ સવારના નાસ્તાટાણે માત્ર રવિવારે જ જામતી હતી. પરીણિત મોટા બે પુત્રો, કોલેજમાં ભણતી અવિવાહિત પુત્રી મલ્લિકા, હાલમાં તો ત્રીજી પેઢીનું એક માત્ર સંતાન એવો મુન્નો અને બંને વડીલ વયસ્કો સહિતનું સાધનસંપન્ન અને સંસ્કારી એ પરિવાર ટ્વીન ટાવરના માત્ર વીસ જ ફ્લેટની એ સોસાયટીમાં આદરણીય અને અનુકરણીય ગણાતું હતું.

નિરામિષાહારી આપણા પરિવારમાં મુર્ગીશબ્દ ન ઉવાચાય, ગાંડી !લાયન્સ કોલેજના સંસ્કૃતના અધ્યાપક જ્યેષ્ઠ બંધુ રવિશંકરે મલ્લિકાને હળવી ટકોર કરી.

અરે શાસ્ત્રીજી, આ તો ગુજરાતી મધ્યે વિદ્યમાન એવમ્ સામાન્યત: પ્રાયોજિત એવો સર્વસ્વીકૃત રૂઢિપ્રયોગ છે; જેનો વિધ્વંસ કરવો આપણા માટે અસંભવમ્ નહિ, તો દુષ્કર તો અવશ્યમેવ છે જ, સમજ્યા જ્યેષ્ઠ વડીલ બંધુશ્રી ! બીજું એ કે આ આપણું નિવાસગૃહ છે, આપનું મહાવિદ્યાલય નહિ, હોં કે !મલ્લિકાએ મરકમરક મરકતાં સંસ્કૃતશાઇ શબ્દછટાએ મોટાભાઈની હાંસી ઊડાવી.

જુઓને બાપુજી, આ બુઆને વારો; નહિ તો અમારી વચ્ચે મિથ્યા વિવાદનું કારણ બનશે !

એની વાત સાચી છે, રૂઢિપ્રયોગને કોઈ બદલી ન શકે. વળી તું નિરામિષાહારીના બદલે શાકાહારી કે ગુજરાતીમાં રૂઢ થઈ ગએલો વેજિટેરિઅન શબ્દ ન બોલી શકે ? હું બુઆની વાર લેતો નથી, પણ દીકરા; તું તારા લેક્ચરરૂમની બહાર સ્વાભાવિક ગુજરાતી બોલ, નહિ તો મારા એક જામનગરની કોલેજના પ્રોફેસરમિત્રની જેમ વહુ સાથે તું ભરબજારમાં હોઈશ અને તારો કોઈ અટકકાળો વિદ્યાર્થી તને જમીન ઉપર લાંબો સૂઈ જઈને દંડવત્ પ્રણામ કરશે અને તારી જોવા જેવી વલે થશે !

સાચે જ !

હાસ્તો વળી ! છેવટે એણે ઉપરવાળાઓને પાયલાગણ કરીને બદલી કરાવી અને નવી જગ્યાએ સામાન્ય વાણી, વર્તન અને વ્યવહાર અપનાવીને તેને તેની રીતભાત જ બદલી નાખવી પડી હતી. એ તો સારું હતું કે એ સરકારી કર્મચારી હતો, નહિ તો એના કુટુંબની શી હાલત થાત !આમ કહીને કુટુંબના વડીલ જયમનલાલે દીકરા રવિશંકરને મહાકવિ કાલિદાસના યુગમાંથી ગુજરાતી ભાષાના અર્વાચીન યુગમાં લાવી દીધો.

દાદીમા વિદ્યાગૌરી મુખવાસની ચમચી મોંઢામાં ઠાલવીને સવારના નાસ્તાની પૂર્ણાહુતિ કરતાં બોલી ઊઠ્યાં, ‘હવે તમે લોકો મને પલ્લે ન પડે એવી ભારેખમ વાતો બંધ કરો અને મને સાંભળો. આજે સાંજે ચાર વાગે મારી એક સાહેલીની ભલામણથી આપણા જ જેવા પરિવારમાંથી એક મુરતિયો તેનાં બાબાપુજી અને બહેન સાથે બુઆને જોવા આવે છે. જો દીકરી, તું આપણા ઘરની શોભા અને સંસ્કાર પ્રમાણે ધીરગંભીર વર્તન આચરજે. ભલે આપણે તેમનું માગું સ્વીકારીએ કે ન સ્વીકારીએ એ બે નંબરની વાત છે, પણ તેઓ આપણા વિષેની સારી છાપ લઈને જાય એ જ મહત્ત્વનું છે; સમજી મલ્લિકા, સમજ્યાં બધાં ?’

અરે અરે બા, આ તો તમે અમને સરપ્રાઈઝ આપી રહ્યાં છો ! બાપુજી, આપના માટે આ તો વાસી સરપ્રાઈઝ હશે ખરું ને !નાની પુત્રવધૂ સારિકા માથા ઉપરના પાલવને ઠીક કરતાં બોલી ઊઠી.

તમને લોકોને ખબર તો છે જ કે તમારી બા કોઈક વખતે આગલા ટંકનું વાસી ખાવાનું વાપરી નાખવાના સંજોગોમાં સારી વાનગી હોવા છતાં એ પોતે ખાઈ લે પણ મને એ પીરસે નહિ, તો આજે તે મને વાસી સરપ્રાઈઝ તો કઈ રીતે આપી શકે ! વળી સૌની જેમ મને પણ આ સરપ્રાઈઝ તાજી જ મળે છે, એમ કહું તો તમે ચોંકશો નહિ.જયમનલાલે અટ્ટહાસ્ય કરતાં પોતે જ અજાણ્યા હોવાનું કહીને બધાંને વળી બીજું સરપ્રાઈઝ આપી દીધું.

વાહ, ધન્ય છે સરસ્વતીચંદ્રનવલકથાનાં આદર્શ ગૃહિણી ગુણસુંદરીજી; ધન્ય છે તમને ! અમે તો નવલકથામાં અને તેની સિરિયલમાં એવું કંઈ જોયું કે જાણ્યું નહિ કે જેનું વેવિશાળ થવાનું હોય એ દીકરીને જ ઘરનાં બધાંની સાથે જ સરપ્રાઈઝ મળે ! સાંભળી લો બધાં, ભલે તમે લોકો આધુનિક વિચારધારાઓનાં પોટલાં માથે ઊંચકીને ફરતાં હો, પણ હું તો એ ઘરવાળાંઓની વતી તમારી પાસે દહેજ માગીશ, માગીશ અને માગીશ જ. હા, એટલી ખાત્રી હું જરૂર આપીશ કે એ દહેજ મારા હસ્તક જ રહેશે અને એ લોકોને એની સાથે કોઈ લેવાદેવા નહિ હોય, સમજ્યાં ?’ બુઆએ વળી હળવા આક્રોશ સાથે બધાંને ત્રીજું સરપ્રાઈઝ આપ્યું.

આટલીવાર સુધી બધાંને સાક્ષીભાવે સાંભળ્યે જતા પુત્રવધૂ સારિકાના મિસ્ટર અને મુન્નાના પિતા સચિન મૌનવ્રત તોડતાં અને જરા ઊંચા અવાજે તાડુકતાં બોલી ઊઠ્યા, ‘જો બુઆ, તું કુંવારી જ રહેજે અને અમે તને ત્રીજો ભાઈ સમજીને સાથે રાખીશું; પરંતુ એ દહેજ ભલે તારા હસ્તક રહેવાનું હોય, પણ અમારી આગળ તું બીજીવાર દહેજ શબ્દ બોલી, તો અમે ત્રણેય જણાં બાબાપુજીના આશીર્વાદ લઈને પહેરેલાં કપડે આ ઘર છોડી જઈશું, સમજી ?’

હા હા, મને ખાત્રી છે જ કે બધાં મારી માગણી મુજબનું દહેજ આપવા તૈયાર હશે, પણ તમે જ, તમે જ અને મારાં સારિકા ભાભી તો ખાસ એ દહેજ આપવા હરગિજ તૈયાર નહિ થાઓ ! તમે લોકો એટલું કેમ સમજી શકતાં નથી કે મારાં સાસરિયાં પક્ષના માથે દહેજ માગવાનો કોઈ દોષ લાગુ પડશે નહિ ! આ દહેજ તો હું જ માગવાની છું અને એ પણ તમારા લોકોના આસમાનને આંબતા ઊંચાઊંચા આદર્શો મુજબ કે દીકરોદીકરી એક સમાન !મુસ્લીમોમાં પણ દરેક દીકરાને મળતા વારસાથી અડધી રકમ જેટલો વારસો દરેક પુત્રીને મળતો હોય છે ! જ્યારે હું તમારા ધંધાના ભાગીદાર તરીકેનો, મોટાભાઈના પેન્શન-પ્રોવિડન્ટ ફંડ કે બચતોનો અથવા બાના દરદાગીના કે બાપુજીની મિલ્કતોનો કોઈ વારસો કે હક મેળવવા માગતી નથી. મને પહેરેલે કપડે અને દરદાગીના વગર કન્યાદાન કરશો તો તે મને માન્ય રહેશે, પણપણ મારી ઇચ્છા મુજબનું એક અને એક માત્ર એ દહેજ લઈને જ રહીશ; નહિ તો, સચિનભાઈ, તમે કહ્યું તેમ કુંવારી જ રહીશ અને એ પણ તમારો ભાઈ બનીને નહિ, પણ તમારાં બધાંની સેવિકા બનીને !આટલું બધું એકી શ્વાસે બોલી જતાં બુઆની છાતી ઊંચાનીચી થઈ રહી અને આંખોમાં ઝળહળિયાં પણ ડોકાઈ ગયાં. આમ વહેલી સવારનું કિલ્લોલમય વાતાવરણ અચાનક અકથ્ય એવા પ્રત્યેક જણના જુદાજુદા મનોભાવોથી સહેજ ગરમાઈ જવા માંડ્યું.

મોટાં પુત્રવધૂ ધીરુબહેન કે જે તેમના નામ પ્રમાણે અત્યારસુધી ધીરજ ધારણ કરીને બેઠાં હતાં તે ગળગળા સ્વરે બોલી પડ્યાં, ‘ઈશ્વર એવું ન કરે કે એ સમય આવે, પણ તમે સેવિકા શાનાં; તમે તો અમારાં નણદીબા, બા પછીના બીજા સ્થાને, અમારાં બા બનીને રહેશો અને સારિકા તથા હું તમારાં આ ઘરનાં સેવિકા જ રહીને તમને ઘરનાં રાણી બનાવીને રાજ કરાવીશું !

અલી એ બાઈડીઓ, તમે બધી આ શું લઈ બેઠી છ?ભેંશ ભાગોળે, છાશ છાગોળે અને ઘરમાં ધમાધમ!જેવું આ તમે લોકોએ કરી નાખ્યું. જા બુઆ, તું જે ઇચ્છશે તે આપીશું; પણ એને દહેજનું નામ પાડીશ નહિ, એ તારા હક્કના સ્ત્રીધનનો એક ભાગ જ ગણાશે ! હવે ઠંડી પડ, મારી-અમારા બધાંની મા !

એ ભલી ડોશી, તમારાં બધાંની મા ભલે થાય; પણ મારી તો દીકરી જ રહેશે હોં કે, કેમ મલ્લિકા ખરું ને ! દીકરી મારી વ્હાલનો દરિયો, ભલે ને પછી ખારો કેમ ન હોય ! આમેય માવતરનાં દુ:ખ, માંદગી અને મોતપ્રસંગમાં હૈયું વલોવીને સાચું રડનારી દીકરીનાં આંસુ તો ખારાં જ હોય ને !જયમનલાલે ગુજરાતી ફિલ્મોના દીકરીઓના મરતબાને સમજાવતા ડાયલોગ જેવાં વેણ ઉચ્ચારીને બધાંને ખડખડાટ હસાવી દીધાં.

બુઆ ધ્રૂસકેધ્રૂસકે રડી પડતી જયમનલાલના હાથમાંના છાપાને ફંગોળીને એમના ગળે બાઝી પડી, પરંતુ એના ગળે ડુમો ભરાઈ જતાં તે એકેય શબ્દ ઉચ્ચારી ન શકી. વળી ખરું પૂછો તો એવો કોઈ શબ્દ બોલાવો જરૂરી પણ ન હતો, કેમ કે પિતાપુત્રીનાં હૃદયોમાં કુટુંબનાં તમામ સભ્યોને સંભળાતો એ નીરવ રવ ધબકતો હતો. જયમનલાલે બુઆના ગાલે ચુંબન કરતાં સાવ ધીમા અવાજે કહ્યું, ‘બેટા, તું દહેજમાં મને માગીશ ને તો હુંય આવવા તૈયાર છું; બોલ, એનાથી વધારે તારે શું જોઈએ ?’

પિતાના પ્રેમાળ શબ્દોને સાંભળતાં જ બુઆ ફરી હીબકાં ભરતાં બોલી ઊઠી, ‘હું જ તમારું સર્વસ્વ છું અને કન્યાદાનમાં તમે મને જ લૂંટાવી દેવાના હો ત્યારે તમને મારું દહેજ કઈ રીતે ગણાવી શકું અને તમને કઈ રીતે માગી પણ શકું ? બે ભાઈઓના જન્મ પછી ઈશ્વરને કાકલૂદીઓ કરીકરીને તમે બંને બાબાપુજીએ મને જ્યારે ભીખમાં માગી જ હોય ત્યારે એ ભીખ પોતે જ તમારી પાસે કઈ રીતે ભીખ માગી શકે !

હવે તું કોઈને ભલે ન કહે, પણ મને એકલાને કાનમાં કહીશ કે તારે શું દહેજ જોઈએ છ?’

તમને એકલાને જ કેમ, બધાંના સાંભળતાં જ કહીશ; પણ તમે બધાં વચન આપો તો !જયમનલાલના ગળેથી છૂટી પડીને આંસુ લૂછતાં બુઆ થોડીક સ્વસ્થ થઈ.

તું અમને પહેલેથી જ વચનમાં બાંધવા માગે છે તેનો મતલબ તો એવો થાય કે તને અમારા લોકો ઉપર ભરોંસો નથી !સચિન બોલી ઊઠ્યો.

મને ભરોંસો ન હોવાનો તમે લોકો વિચાર પણ કઈ રીતે કરી શકો ! પરંતુ મારી માગણી જ એવી છે કે તેને તમે લોકો સ્વીકારશો તો ખરાં, પણ ભારે હૈયે !

હવે નણદીબા, અમને છોકરાંને તમે ક્યાં સુધી ટટળાવશો; જલ્દી બોલી નાખો એટલે અમારા દિલને શાતા વળે !સારિકા કાકલૂદીભર્યા અવાજે બોલી પડી.

આવા સંવેદનશીલ માહોલમાં બુઆને મુર્ગીકહીને સતાવ્યા પછી બહાર ભાગી ગએલો મુન્નો તેના બંને કાન પકડીને દરવાજા વચ્ચે ઊભો રહેતાં બોલ્યો, ‘બુઆ, સોરી; આઈ એમ એક્સ્ટ્રીમ્લી સોરી ! યુ આર નોટ અ મુર્ગી, બટ યુ અર અ હેન એન્ડ આઈ એમ યોર ચીક, આરન્ટ વી ?’

ડોન્ટ મુવ ફ્રોમ ધેર, ઓ નોટી બોય ! યુ આર રાઈટ; વી બોથ આર હેન એન્ડ ચીક, રિસ્પેક્ટીવ્લી ! કમ હીઅર, માય બોય કમ હીઅર; યુ આર માય ડાઉરિ, માય દહેજ !

હેં !!!બધાં એકી અવાજે બોલી ઊઠ્યાં અને પોતાની ખુરશીઓમાંથી ઊભાં થઈને તાળીઓ વગાડવી શરૂ કરી દીધી.

અલ્યાં, તમે બધાં શાની તાળીઓ વગાડો છો એ મને કહો તો ખરાં; કે જેથી તમારા ભેગી હું પણ તાળીઓ પાડું ! આ બુઆ અને મુનિયાએ અંગ્રેજીમાં કંઈક ગુટપુટ કર્યું અને તમે બધાં શાને હરખઘેલાં થઈ ગયાં ?’ ગુણસુંદરી ખુરશીમાં બેઠાંબેઠાં જ બોલી ઊઠ્યાં.

જયમનલાલે ગુણસુંદરીનું બાવડું પકડીને તેમને ખુરશીમાંથી ઊભાં કરતાં કહ્યું, ‘બહેરું બે વાર હસે, તેમ પહેલાં તું બધાંની સાથે તાળીઓ પાડ; અને પછી તને સમજાવું, ત્યારે બીજીવાર તું તાળીઓ પાડજે !

બુઆ મુન્નાને ઊંચકી લઈને તેને ચુંબનોથી નવડાવી દેતાં બોલી ઊઠી, ‘બા, તને હું જ સમજાવી દઉં છું કે આ મુન્નો જ મારું દહેજ છે. સામેવાળાં મારા આ દહેજને કબૂલ કરશે, તો ભલે; નહિ તો એ લોકો એમના ઘેર અને હું મારા ઘેર !

અરે, ઓ લુચ્ચી ! તેં તો બધાંને જબરાં ટેટળાવ્યાં ! તું એ લોકોને શું કહેવાની હતી, અમે જ કહીશું કે અમારી બુઆ તો આ મુનિયાની બા છે; તેને મૂકીને તમારા ઘરે નહિ આવે, બોલો છે મંજૂર ?’ ગુણસુંદરીએ પ્રતિપક્ષની ગેરહાજરીમાં જ એકતરફી ચુકાદો સંભળાવી દીધો.

સૌએ ફરી એકવાર તાળીઓના ગડગડાટથી ગુણસુંદરીના ચુકાદાને વધાવી લીધો.

અલ્યાં, આ વાતની ખુશીમાં ફ્રિજમાંથી આઈસક્રીમ કાઢો અને મારા સિવાયનાં બધાં ઝાપટવા માંડો, આમ કોની રાહ જોઈ રહ્યાં છો !જયમનલાલે એનાઉન્સમેન્ટ કર્યું.

આજે તો તમારી ડાયાબિટીસની ઐસી તૈસી ! હું મારા હાથે જ તમને બે કપ ખવડાવવાની છું, તમે તમારે જેટલી ગોળીઓ લેવી પડે તે લઈ લેજો.ગુણસુંદરીએ જયમનલાલના આઈસક્રીમ માટેની લીલી ઝંડી ફરકાવી દીધી.

સાંજે વેવિશાળનું જે પરિણામ આવે તે ખરું, પણ હાલ તો બધાંયે ડીપ ફ્રિજમાંના મોટા જથ્થામાં સચવાએલા એ આઈસક્રીમને તળિયાઝાટક કરી નાખ્યો હતો !

-વલીભાઈ મુસા