thanks for your compliments books and stories free download online pdf in Gujarati

થેન્ક્સ ફોર યોર કોમ્પ્લીમેન્ટ્સ!

થેન્ક્સ ફોર યોર કોમ્પ્લીમેન્ટ્સ!

વલીભાઈ મુસા

‘તમારો કહેવાનો મતલબ કે ચોરી કરવી એ અપરાધ નથી, પણ એક વ્યવસાય છે અને ભૂખે મરતા માણસનો જન્મસિદ્ધ અધિકાર છે. તો એ જરા વિગતે સમજાવશો?’

‘જી હા. આપના કાયદાની નજરમાં ચોરી એ અપરાધ ગણાય છે અને ચોરીની આચારસંહિતાનો ભંગ થતો હોય તો ચોરના આત્માના અવાજ પ્રમાણે પણ એ અપરાધ જ ગણાય. હું પણ એક ચોર છું અને મારા આત્માને અનુસરું છું. હું ચોરીને અપરાધ સમજતો નથી; પણ હા, ચોરી કરતાં પકડાઈ જવું એ અપરાધ ખરો!’ બોલનારે સ્મિતસહ કહ્યું.

‘ચોરીની આચારસંહિતા એ વળી શું?’

‘ગરીબ, વિધવા કે નિરાધારના ઘરે ચોરી ન કરવી. ચોરી દરમિયાન હત્યા ન કરવી, બેકારી કે ભૂખમરાની સ્થિતિમાં જ ચોરી કરવી, ચોરી દ્વારા ધનસંચય ન કરતાં જરૂરિયાત જેટલું જ ચોરવું – આ બધી બાબતો ચોરીની આચારસંહિતામાં આવે.’

‘આ આચારસંહિતાઓ કોઈ શાસ્ત્રોમાં લખાયેલી છે ખરી ?’

‘આચારસંહિતાઓ શાસ્ત્રોમાં ન હોય. એ તો વ્યક્તિના અંતરાત્મામાં લખાય અને તેને કોઈ વાંચવા ચાહે તો જ વાંચી શકાય. મેં જે ચોરીના વ્યવસાયની આચારસંહિતા દર્શાવી છે તે બીજાઓ સ્વીકારે કે નહિ, પરંતુ મારા માટે તો એ શિરોમાન્ય છે જ અને તેનું હું અક્ષરશ: પાલન કરું છું. અજાણતાં કોઈનો નાહકનો માલ હાથમાં આવી ગયો હોય, તો તેમાં ઉમેરો કરીને પાછો વાળું છું.’

યુવાન ડી.વાય.એસ.પી. રાજગોર સાહેબ અને જિલ્લાના અંતરિયાળ ગામના ચોરીના વ્યવસાયની કુખ્યાત કોમના આધેડ મુખિયા અરજણજી વચ્ચે બંગલાના કમ્પાઉન્ડમાં મૈત્રીપૂર્ણ સંવાદ ચાલી રહ્યો હતો. સીધી ભરતી પામેલા મિ. રાજગોર એક એવા પોલિસ ઓફિસર હતા કે જેમને અપરાધોના ઉકેલ કરતાં અપરાધનાં ઉદ્ભવસ્થાનો સમજવામાં વિશેષ દિલચસ્પી હતી. સરહદી જિલ્લામાં બદલી પામીને આવ્યાના એક જ મહિનામાં તેમણે ‘કાયદો અને વ્યવસ્થા’ની પૂરી સ્થિતિ સમજી લીધી હતી. અપરાધની સમસ્યાનાં મૂળ શોધવા અને તેના નિવારણના ઉપાયો વિચારવાની દિશામાં આગળ વધવાના ભાગરૂપે મિ. રાજગોર વિવિધ વર્ગના કહેવાતા અપરાધીઓ અને સજ્જન નાગરિકો સાથે દર રવિવારે અડધો દિવસ વિચારગોષ્ઠિ માટે ફાળવતા. જૂનાં ચલચિત્રોના શોખીન એવા મિ. રાજગોર વ્હી. શાંતારામની કેદીઓની આત્મસુધારણાને ઉજાગર કરતી ફિલ્મ ‘દો આંખે, બારહ હાથ’થી પ્રભાવિત થયા હતા અને એ જ ફિલોસોફીને પોતે પ્રાયોગિક ધોરણે અજમાવી રહ્યા હતા.

અરજણજીની કોમના ગુનાહિત ઇતિહાસની જાણકારી મેળવવાના આશયે તેમણે વિશેષ પ્રશ્નોત્તરી આરંભતાં કહ્યું, ‘શું તમારા વડવાઓ પણ ચોરીના ધંધામાં પડેલા હતા?’

’જી હા.’

‘અને દેશી દારૂ ગાળવાનો ધંધો પણ ખરો કે?’

‘જી, ના. એ તો અમે લોકોએ પાછળથી શરૂ કરેલો. એક વાત માનશો? અમે દારૂ વેચીએ, પણ અમારામાંનો કોઈ ટીપુંય ચાખે નહિ!’

‘એવું કેમ?

‘ઘઈડિયાઓની સલાહ કે ચોરી અને નશો બેઉ ભેળાં હરગિજ ન ચાલે. ચોરી કરતાં સૂધબૂધ ગુમાવી બેસીએ તો માર્યા જઈએ. આમેય અમારો મુખ્ય ધંધો તો ચોરીનો, પેલો તો પાર્ટટાઈમ.’

‘અમારા પોલિસવાળાઓના કોઈ હપ્તા ખરા?’

‘ના, રે! આવીને ઢીંચવો હોય એટલો ઢીંચી જાય. માલ ગંધાતા ગોળનો નહિ; ચોખ્ખે ચોખ્ખો મહુડાંનો, હોં કે! એમને અમારા સિવાય બીજે ક્યાંથી મળે?’

‘આ અનીતિના ધંધાઓ કરવા પાછળનું કારણ?’

’આજીવિકા.’

‘તમે લોકો તો ખેડૂતવર્ગના છો. ખેતી દ્વારા રોજીરોટી ન મેળવી શકાય?’

‘જમીન તો હોવી જોઈએ ને ?’

‘ખેતમજૂરી કે અન્ય કામધંધો પણ ન કરી શકાય?’

‘ખેતમજૂરી સિવાયના બીજા કામધંધા માટે મૂડી અને હુન્નર ક્યાંથી મેળવવાં?’

‘તો ખેતમજૂરી તો કરી શકો ને?’

‘ખેતમજૂરી માટે તો બીજી કોમના માણસો મળી રહે ત્યાંસુધી અમારો કોણ ભાવ પૂછે?’

’એવું કેમ?’

‘અમે બદનામ કોમ ગણાઈએ એટલે જ તો. વળી વાત પણ સાચી કે અમારાવાળા હાથફેરો કર્યા વગર રહે પણ નહિ ને!’

‘પરંતુ મારી જાણકારી મુજબ આઝાદી પહેલાંના તમારા નવાબે તમારો ચોરીનો ધંધો છોડાવવા વિનામૂલ્યે મોટા પટમાં જમીન ફાળવી તો હતી.’

‘એ વાત ખરી. એનેય સોએક વર્ષ થયાં. પરંતુ આપ સાહેબ સમજી શકશો કે વંશવેલો વધે, પણ જમીન તો વધે નહિ ને! મારા વડદાદાને એક ખેતર મળેલું, જેને હાલમાં અમે વારસદારોમાં વહેંચીએ તો મારા ભાગે ઢોલિયો ઢળાય એટલી જમીન આવે!’ અરજણજી હસી પડ્યા.

‘એ નવાબે તમને લોકોને કેમ જમીન ફાળવેલી તે હું જાણું છું, પણ એ તમારા મુખે સાંભળવા માગું છું.’

અરજણજી વળી પાછા ખડખડાટ હસી પડ્યા અને એકદમ ચૂપ થઈ ગયા.

‘કેમ ખામોશ? તમારા વડવાઓના પરાક્ર્મ માટે તમારે તો ગર્વ લેવો જોઈએ ને!’

‘હા, એ દંતકથા અમે પણ સાંભળતા આવ્યા છીએ. આપ જ કહો તો રૂડું લાગશે.’

‘મારા ખ્યાલ મુજબ નવાબે તમારા ગામે રાત્રિરોકાણ દરમિયાન પોતાની પહેરેલી ઈજાર ચોરવાનો પડકાર ફેંક્યો હતો અને તેમાં તમારા વડવા સફળ રહ્યા હતા. પરંતુ એ કેવી રીતે શક્ય બન્યું હશે તે તો તમે જ સમજાવી શકો, કેમ ખરું ને?’

‘સાહેબ, આપ હોશિયાર છો અને મારી પાસે જ કહેવડાવવા માગો છો; તો કહી જ દઉં. બે પોલિસવાળા નવાબ સાહેબના અલાયદા તંબુનો પહેરો ભરી રહ્યા હતા. મધ્યરાત્રિએ લાગ જોઈને અમારા એ દાદા જમીન ઉપર ઠોકેલા ખીલાના દોરડે ટોચ ઉપર પહોંચી જઈને મદ્યસ્તંભેથી સરકીને તંબુમાં ઊતરી ગયા હતા. નવાબ પલંગમાં ઘસઘસાટ ઊંઘતા હતા. પલંગ નીચેના તેમના હોકાને નમાવીને તેમણે તેના પાણીથી તેમની ઈજારને આગળના ભાગેથી પલાળી દીધી. નવાબને થયું કે નાનાં છોકરાંની જેમ સુસુ થઈ ગયું લાગે છે. એમણે ઊંઘઘેરી આંખે ઊભા થઈને ઈજાર બદલી દીધી અને દિવસે ફેંકેલા પડકારની વાત વિસારે પડી ગઈ. દાદા જેમ તંબુમાં દાખલ થયા હતા, તેમ જ ઈજાર સાથે બહાર નીકળી ગયા. બીજા દિવસે એમણે નવાબ આગળ ઈજાર રજૂ કરી દીધી. નવાબે ખુશ થઈને ચોરીચખાલી છોડી દેવાની શરતે અમને ફાજલ જમીન ભેટ આપી.’

‘દાદાનું ગજબનું પરાક્ર્મ તો સાંભળ્યું, પણ તમારા પિતાજીનું એવું કોઈ સાહસ ખરું?’

‘હાસ્તો, એ તો બિલકુલ માન્યામાં ન આવે તેવું છે.’

‘ખરે જ ! તો તો સાંભળવું ગમશે.’

‘અમારો સિદ્ધાંત હતો કે અમારા સ્ટેટમાં ચોરી ન કરવી. એનાં બે કારણો હતાં. એક, અમારી સ્ટેટ પરત્વેની વફાદારી; અને બે, બહારના સ્ટેટમાં ચોરીના કારણે અમારા સુધી પહોંચવામાં તંત્રને વાર લાગે અને અમે ચોરીનો માલ આરામથી સગેવગે કરી શકીએ. પાડોશી બરોડા સ્ટેટમાં અમારા કારણે ઘરફોડ ચોરીઓ ખૂબ વધી ગઈ હોઈ ગાયકવાડ સરકારે અમારા નવાબસાહેબને તેમના જાસુસીતંત્રના અહેવાલના આધારે અમારા વિરુદ્ધ ફરિયાદ કરી અને યોગ્ય પગલાં લેવાની તાકીદ કરી. પછી તો નવાબસાહેબે ગામમાં બે કાયમી પોલિસ મૂકી દીધા અને તેમણે રાત્રે જમવા પછીના એક કલાક બાદ અને સૂર્યોદયના એક કલાક પહેલાં અમારી કોમના પુખ્તથી માંડીને વયોવૃદ્ધ પુરુષોની હાજરી લેવાનું શરૂ કર્યું. કેટલાક સમય સુધી આ સ્થિતિ રહ્યા પછી મારા પિતાજીને લાગ્યું કે આમ તો ભૂખે મરવાના દહાડા આવશે. વળી રાત્રિની બે વખતની હાજરી વચ્ચે આઠથી નવ કલાકનો જ સમય રહેતો તથા ચોરીનો સમય મધ્યરાત્રિ પછી જ શરૂ થતો હોઈ એટલા ટૂંકા સમયગાળામાં પાલનપુર સ્ટેટમાં જ ચોરી કરવી પડે જે અમને માન્ય ન હતું. ત્યારબાદ મારા પિતાજી દસેક દિવસ કોઈક ગામતરે જઈ આવતા અને પહેલી હાજરીએ હાજર થઈ જતા. લોકોને વહેમ પડ્યો કે જયમલજી કોઈક ઘાટ ઘડતા લાગે છે! મારા બાપાનું નામ જયમલજી.’

મિ. રાજગોર અધીરાઈથી બોલી ઊઠ્યા, ‘ઈન્ટરેસ્ટીંગ!’

‘અરે સાહેબ, વેરી વેરી ઈન્ટરેસ્ટીંગ તો હવે આવશે!’

‘તમે અંગ્રેજી સમજી શકો છો?’

‘હા સાહેબ, કેમ ન સમજાય; છ ગુજરાતી અને બે અંગ્રેજી ચોપડીઓ ફાડી છે ને! અંગ્રેજ હકૂમત હેઠળ અમારા ગામની રેવન્યુની પૂરેપૂરી વસુલાત નવાબસાહેબને પોકેટમની તરીકે મળતી, એટલે લગભગ દોઢસોએક વર્ષ પહેલાં તેમની રહેમનજર હેઠળ ગામડાંઓમાંની પહેલી પ્રાથમિક શાળા અમારા ગામમાં શરૂ થઈ હતી. પાંચમા ધોરણથી અંગ્રેજી વિષય શરૂ થતો એટલે પૂરાં સાત ધોરણ સુધી ભણેલા મારી જેમ જ બોલે કે સાત ગુજરાતી અને ત્રણ અંગ્રેજી પાસ છીએ.’

‘માથે ફાળિયું અને દેશી માણસ જેવા લાગતા તમે તો છુપા રુસ્તમ નીકળ્યા! ચાલો હવે જલ્દી જલ્દી તમારું વેરી વેરી ઈન્ટરેસ્ટીંગ આવવા દો, કેમ કે એ જાણવાની મારી તાલાવેલી વધી ગઈ છે.’ રાજગોર સાહેબે મરકમરક હસતાં કહ્યું.

‘અમારો ચોરીનો ધંધો અટકી ગયાના બરાબર પંદરમા દિવસે મારા બાપાએ મારી બાને કહ્યું કે મેં મારી હાજરી પુરાવી દીધી છે અને તાકીદનું કામ આવી પડતાં હું ગામતરે જઈને રાતોરાત વહેલી સવારની હાજરી પહેલાં આવી જઈશ. બન્યું પણ એવું કે એ સમયસર આવી ગયા અને મારી બાના હાથમાં પોટલું પકડાવતાં કહ્યું કે સીમમાંની ભેંશને દોહવા માટેના ખાલી બોઘરણામાં તેને મૂકીને ગામચોરે પોલિસવાળાઓની સામે જ તે ખેતરે જાય અને ઊકરડામાં સંતાડી દે. વળી ચેતવણી આપતાં એમ પણ બોલ્યા કે આ માલ ગામનાં આપણાં બધાં ઘરોના સરખા ભાગે વરસનાં દાણાપાણી નીકળે તેટલો છે, જે આપણી પાસે અમાનત અને જવાબદારી હેઠળ છે. એમણે આગળ જણાવ્યું કે હું હાજરી પુરાવીને ખેતરે આવી પુગું છું. મારા પહેલાં એક માણસ મારું નામ પૂછતો ‘રતનપોળ’ એમ બોલે તો તેને બેસાડજે.’

‘રતનપોળ એટલે? કોઈ સાંકેતિક શબ્દ?’

‘એ શબ્દ સાંકેતિક પણ ખરો અને એ માલ રતનપોળમાંથી તફડાવેલો પણ ખરો!’

રાજગોર સાહેબ ખુરશીમાંથી ઊભા થઈ જતાં વિસ્ફારિત નયને બોલી ઊઠ્યા, ‘એ રતનપોળ તો અમદાવાદની! તમારા ગામથી અમદાવાદ કેટલું દૂર થાય?’

‘હાલના હાઈવે પ્રમાણે ૧૭૦ કિલોમીટર, પણ એ વખતે વણઝારાઓની આવનજાવનનો કાચો ધોરી માર્ગ તો વાંકોચૂકો એટલે વધારે અંતર થાય.’

‘અરજણજી, થોડુંક વ્યાજબી કરો. ભલા માણસ, કાચા રસ્તાના ૨૦૦ કિલોમીટર ગણો તોય જવા-આવવાના ચારસો કિલોમીટર થાય અને રતનપોળની દુકાન ખુલ્લી થોડી હોય કે તમારા પિતાજી ઘરેણાંનાં પોટલાં બાંધીને તરત જ વળતા થઈ જાય! દુકાન તોડવામાં દોઢબે કલાક તો લાગે કે નહિ?’

‘સાહેબ, મેં શરૂઆતમાં જ નહોતું કહ્યું કે મારા પિતાજીનું એ સાહસ બિલકુલ માન્યામાં ન આવે તેવું હતું!’

‘તમારી વાત કેવી રીતે મનાય? સમયની સાવ સીધી ગણતરી કરીએ તો બે હાજરીઓ વચ્ચેના આઠ કલાકમાંથી દુકાન તોડવાના બે કલાક બાદ કરતાં બાકીના છ કલાકમાં કાચા ધુળિયા માર્ગે ચારસો કિલોમીટર અને એ પણ નોન-સ્ટોપ! હાલની સુપર ફાસ્ટ બસ પણ એટલો સમય તો લે જ.’

‘પિતાજીની વાત રહેવા દો અને કહો તો હાલ હું પણ એ કરી બતાવું! શરત માત્ર એટલી કે મને પાકો હાઈવે ન ખપે. મને તો પેલો જૂનો કાચો ધોરી માર્ગ ખુલ્લો કરી આપો અને પછી જુઓ કે હું છ નહિ, પણ સાડાપાંચ કલાકમાં અમદાવાદ જઈને પાછો આવું છું કે નહિ!’

‘અરજણજી, વાતમાં મોંણ નાખ્યા વગર સીધેસીધું સમજાવી દો તો મને ધરપત થશે.’

‘તો સાહેબ, તમારે મને તમારા પોલિસ ખાતાના અલમસ્ત પાંચ ઘોડા આપવા પડે અને એ જમાનામાં વણઝારાઓએ વાવો ખોદાવેલો એ કાચો રસ્તો શોધી આપવો પડે. આપના ઘોડાઓને પાકી સડક ઉપર દોડાવીને હું દુ:ખી ન કરી શકું અને વળી કાચા રસ્તાના જેટલી ઝડપથી એ દોડી પણ ન શકે. ઈશ્વરે તેની ખરીઓને કાચા રસ્તાને અનુકૂળ બનાવી છે. ઊંટનો પણ દાખલો લો, તો આપણે માનવીઓ રેતીને અનુરૂપ ગાદીવાળા પગ ધરાવતા બિચારા એ પ્રાણીને ઊંટગાડાએ જોતરીને તથા પાકી સડકો ઉપર દોડાવીને જુલ્મ નથી કરી રહ્યા? હવે પાંચ ઘોડાવાળી વાત મારે આપને સમજાવવાની ન હોય, કેમ કે આપ આઈ.પી.એસ. ક્લાસ વન ઓફિસર છો.’

રાજગોર સાહેબ તેમના હોદાની ગરિમાને ભૂલી જઈને અરજણજીને બાવડેથી પકડીને તેમને ખુરશીમાંથી ઊભા કરીને ભેટી પડતાં કહ્યું, ‘માન ગયે, બાપુ! ખરે જ એ લોકો કેવા બુદ્ધિશાળી કહેવાય? અગાઉથી સરખા અંતરે એ ઘોડા હાજર હોય; ઘોડા બદલાય, સવાર એનો એ જ. છેલ્લા ઘોડાને બેએક કલાકનો આરામ અને એ જ પાછો વળતો થાય. બાકીના ઘોડાઓ પણ વિસામો પામેલા તાજામાજા જ હોય. વળી દરેકના ભાગે ઓછું દોડવાનું હોઈ વણથાક્યા પવનવેગે દોડી પણ શકે! અદ્ભુત… અદ્ભુત! બેમિસાલ વાત!’

‘ચાલો સાહેબ, આ બધી વાતોનો તો કોઈ અંત નહિ આવે; પરંતુ મને તેડવા આવેલો આપનો ડ્રાયવર રસ્તામાં કહેતો હતો કે અમને ચોરી કરવાના અનીતિના માર્ગેથી પાછા વાળીને પ્રમાણિકતાથી રોજીરોટી રળવા માટેની કોઈક યોજના આપ સાહેબ સમજાવવાના હતા.’

‘થશે, એ વાત પણ થશે; કેમ કંઈ ઉતાવળ છે? કે પછી રાતના ધંધા માટેની કોઈ પૂર્વતૈયારી કરવાની છે? વડીલ, આ તો ખાલી મજાક કરી લીધી, હોં! હવે તમારે કે તમારા જુવાનિયાઓએ આજ પહેલાં જે કંઈ કર્યું હોય એવું કશું જ નહિ કરવું પડે. મેં સરકારમાં રજૂઆત કરીને તમારા લોકો માટે એક ખાસ પેકેજ મંજૂર કરાવ્યું છે, એ શરતે કે તમે લોકો ચોરી અને દારૂનો ધંધો હંમેશ માટે છોડી દેશો. મિ. અરજણજી, મને વિશ્વાસ છે કે તમે તમારી કોમના મુખિયા છો એટલે અમને આ કામમાં તમારો પૂર્ણ સહકાર મળી રહેશે. વિગતે વાત આપણે સાથે જમતાંજમતાં કરીશું, કેમ કે આજે તમે મારા માનવંતા મહેમાન છો. બીજી ખાસ વાત એ કે એક અપવાદને બાદ કરતાં તમારે અને તમારી કોમે સઘળો ભૂતકાળ ભૂલીને એક નવા ભવિષ્ય તરફ આજથી જ પગલાં માંડવાનું શરૂ કરવાનું છે.’

‘એક અપવાદ! કંઈ સમજાયું નહિ!’

‘તમે તમારા દાદા અને પિતાજીના અંશ અને વંશ છો, એટલે તમારું પોતાનું કોઈક પરાક્ર્મ તો મને જમતાં જમતાં જ સંભળાવવું પડશે.’

‘ના, સાહેબ. ડાયનીંગ ટેબલ ઉપર તો અમારા માટેની સારી સારી વાતો જ થશે. મારું પરાક્ર્મ કે કાબેલિયત જે ગણો તે હું હાલ અહીં જ બતાવી દઉં. મને બંને હાથે હાથકડી પહેરાવીને મારા હાથમાં વેંતભર સખત પાતળો તાર આપી દો અને પછી જુઓ કે હું શું કરી શકું છું!’

‘ના હોય! નામુમકિન!’

‘તો પછી નવાબની ઈજારવાળી ઘટના અને રતનપોળની રાતોરાતની ઘરફોડ ચોરી કઈ રીતે મુમકિન?’

‘સોરી, ભાયા સોરી! જાઓ, વગર જોયે તમારી કાબેલિયત પણ મુમકિન! ઈજાર અને ઘરેણાંના પોટલાથી પણ શ્રેષ્ઠતમ કાબિલે તારીફ એવી તમારી હાથકડીની કરામત મને મંજૂર! મને લાગે છે કે અમારા પોલિસખાતાએ ભવિષ્યે તમારી સેવાઓ લેવી પડશે!’

‘પણ, આપે જ હમણાં કહ્યું કે ‘વી હેવ ટુ ફરગેટ અવર પાસ્ટ!’, તો એનું શું?’

મિ. રાજગોરે મિ. અરજણજીના ખભે હાથ મૂકીને બંગલા ભણી પગ માંડતાં એટલું જ કહ્યું, ‘આઈન્સ્ટાઈન કે ચર્ચિલ કરતાં પણ તમારો આઈ ક્યુ વધારે હોય તેમ લાગે છે!’

‘અરે સાહેબ, હું તો ગામડિયો માણસ છું; આમ છતાંય, થેન્ક્સ ફોર યોર કોમ્પ્લીમેન્ટ્સ!’

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED