Aathamo bhav books and stories free download online pdf in Gujarati

આઠમો ભવ

આઠમો ભવ...

‘હજુ પણ તું એટલી જ ખુબસુરત છો’ એક યુગ જેવી ખામોશી તોડતા હું બોલ્યો. એણે મારી આંખોમાંથી એની કાળી આંખો હટાવી લીધી. ચારેય આંખોની ભિનાશ એક સામટી એના ચહેરા પર ઉપસી આવી ને એ હસી પડી. એ જ ખુબસુરત હાસ્ય જે 25 વર્ષ પહેલા એના ચહેરા પર ઝળકતું ને મારા અરમાનો ઝમગાવી દેતું.

‘55 વર્ષની ઉંમરે પણ તે ફ્લર્ટ કરવાનું બંધ નથી કર્યું?’ એક સમયની કાળી ભમ્મર પણ હવે સફેદ પડી ગયેલી એની લટને ગાલ પરથી હટાવતા એ બોલી.

‘અરે! એ તો વર્ષો પહેલા જ બંધ કરી દીધું હતું. છેલ્લે તારી સાથે ફ્લર્ટી થયો હતો. એ બાદ ક્યારેય નહીં.’ એનું હાસ્ય સમેટાયું ને એ બોલી ‘જાને હવે, હું તને ઓળખું નહીં. તું ક્યારેય ના સુધર.’

હવે હસવાનો વારો મારો હતો. હું બોલ્યો ‘તકલિફ એ જ છે યારા કે હું સુધરી ના શક્યો. હજું પણ એ જ રહ્યો.’

‘જિંદગી પતી ગઈ પણ તું એવો જ રહ્યો. તારું શું થશે?’

મારી આંખોમાં આંખો મેળવી ના મેળવી, એણે નજર ફેરવી લીધી. સામે દરિયો ઘુઘવાતો હતો. ને એના મોજા મને 25 વર્ષ પૂર્વે તાણી ગયા.

***

‘જિંદગી પતી ગઈ યારા. મારું શું થશે?’ એનો હાથ મારા હાથમાં લેતા હું બોલ્યો.
‘કંઈ નથી પત્યું.’ એની ભીની આંખોને લૂંછતા એ બોલી. ‘તારે લગ્ન કરવાના જ છે. મોમ-ડેડ શોધી દે એની સાથે જ. સમજ્યો.’
‘ને તું?’ હું માંડ બોલી શક્યો.
‘હું પણ કરી લઈશ. જ્યાં મોમ-ડેડ કહેશે ત્યાં.’
‘તો પ્રેમ કરતી વખતે પણ તારા મોમ-ડેડને પૂછવું જોઈતું ને. એને મારા ધર્મથી વાંધો પડશે. મારી હેસિયતથી વાંધો પડશે. મારાથી વાંધો પડશે, એ નહોતી ખબર તને?’ મારા ગુસ્સાનો બંધ જાણે તૂટવા લાગ્યો.
‘એ સવાલોનો કોઈ જવાબ નથી મારી પાસે. પણ હકીકત એ જ છે કે હું મારા પેરેન્ટ્સની એકની એક દીકરી છું. તું મને ગમે તે સમજી શકે. પણ હું તેના વિરુદ્ધ કોઈ પગલું નહીં ભરું એ નક્કી જ છે.’
‘તું એક આદર્શ દીકરી હોઈશ પણ, અફસોસ કે આદર્શ દિલરૂબા ના બની શકી.’
‘તારે જે સમજવું હોય એ સમજ. પણ હવે આપણે ક્યારેય નહીં મળીએ. બાય એન્ડ ઓલ ધી બેસ્ટ ફોર યોર લાઈફ.’
મારા હાથમાંથી એનો હાથ છોડાવીને એ ચાલી નિકળી... હું એકલો બેઠો એને તાકી રહ્યો. મારી સામે દરિયો ઘુઘવાતો હતો...


***

‘ક્યાં ખોવાઈ ગયો? ’
મારો હાથ એના હાથમાં લઈને મને પા સદીમાંથી ખેચી વર્તમાનમાં લાવતા એ બોલી. સામે દરિયો ઘુઘવાતો હતો.
‘???’
‘કંઈ નહીં.’ મેં નિસાંસો નાખ્યો ‘આપણી છેલ્લી મુલાકાત યાદ આવી ગઈ.’
એ હસી અને કોઈ ફિલોસોફરની અદાથી બોલી, ‘વહી ગયેલા સમયને યાદ કરવાથી શું ફાયદો. જે જતું રહ્યું એ પાછું થોડું જ આવવાનું. મનને કહેવાનું જસ્ટ ફરગેટ ઇટ ને આગળ વધવાનું!’
હું એની સામે જોઈ રહ્યો. ‘તું આટલી નિર્મોહી કઈ રહી બની શકે? તને કંઈ જ અસર નથી થતી?’
એનો ચહેરો એકદમ ગંભીર બન્યો ને એ બોલી, ‘ના તો હું નિર્મોહી છું ને ના તો હું પથ્થરની છું કે મને કંઈ અસર નથી થતી.’
‘તો? તો પણ સાવ આવું?’
‘હાં. તો પણ સાવ આવું જ. કારણ કે ઘણી વખત મોહને બાજુમાં રાખીને નિર્ણયો લેવા પડતા હોય છે. એના પરિણામની અસરને ગણકાર્યા વગર જીવવું પડતું હોય છે.’
હું એને જોઈ રહ્યો. એને સમજવા પ્રયત્ન કરતો રહ્યો. આ સ્ત્રીએ જિંદગીમાં ક્યારેય પોતાની લાગણીઓ ખુલ્લીને વ્યક્ત ના કરી. ને આટલા વર્ષે પણ એ નહોતી બદલાઈ.
‘શું જૂએ છે?’ એ બોલી.
‘તને’
એ ફરી હસી ને બોલી. ‘હવે એટલી ખુબસુરત નથી લાગતી કે તું આવી રીતે જોયા કરે.’
‘એક વાત કહું?’
‘શું’
‘ક્યારેક મને લાગે છે કે તને મારાથી વધુ કોઈ નહીં ઓળખતું હોય. ને ક્યારેક લાગે છે કે હું તને સમજી જ નહોતો શક્યો.’ એ એક શબ્દ પણ ના બોલી. બસ મારી સામે જોઈ રહી. થોડી વાર ફરી ખામોશીએ બન્ને પર કબજો જમાવી લીધો. એની કેદમાંથી મુકતવા મેં પ્રયાસ કર્યા. ‘લગ્ન કેમ ના કર્યા?’ અધિકારવાળા ભાવે હું બોલ્યો.
એ હસી અને બોલી. ‘એક આદર્શ દિલરૂબા બનવું હતું એટલે.’ એના જવાબે મારા રોમેરોમ નિસાસા નિકળી ગયા.
‘ઓ યારા. આટલી મહોબ્બત હતી તો હિંમત કેમ ના કરી પેરેન્ટ્સ વિરુદ્ધ જવાની.’
‘આસમાન! હમણા પણ મેં કહ્યુ ને ફરી પાછું એ જ કહીશ. વહી ગયેલા સમયને યાદ કરવાથી કશો જ ફાયદો નથી. ચાલ્યો ગયેલો સમય પાછો નથી આવવાનો. મનને જસ્ટ ફરગેટ કહી આગળ વધી જા.’
આ સ્ત્રીએ પણ ગજબ હતી! મારા વગર આખું જીવન કાઢી નાખ્યું અને આજે જ્યારે અમે બન્ને મળ્યા તો ત્યારે રત્તીભારેય લાગણીવેડા ના બતાવ્યા. એ જિંદગીનો સામનો આજે પણ એટલી જ નિડરતાથી કરતી હતી.
‘તું ખુશ તો છેને?’ હું બોલ્યો
‘હાં! ખુશ છું. એકલી છું. પણ તારી યાદો છે મારી સાથે. તારી સાથે વિતાવેલો સમય છે મારી સાથે. હાં! જિદગી સાથે થોડી ફરિયાદો છે પણ કહે છેને કે ‘કભી કિસી કો મુકમ્મલ જહાં નહીં મિલતા, કહી ઝમી, તો કહી આસ્માં નહીં મિલતા.’’
જવાબ સાંભળીને લાગ્યું કે મારી ચારે બાજુ હવાનું દબાણ અચાનક વધી ગયું ને હું હમણા ભિંસાઈ જઈશ! મારા શરીરનો, મારા અસ્તિત્વનો છૂંદો થઈ જશે. પણ જેમ તેમ કરીને મેં મારી જાત સંભાળીને ને બોલ્યો, ‘વાહ શેર અને તારા મોઢે. તું ક્યારથી શેરો-શાયરી કરવા લાગી.’
‘આપણે અલગ થયા ત્યારથી’. એ હસી. જાણે રડી શકતી ના હોય ત્યારે હસી લેતી હોય એમ, ને બોલી. ‘તને હજુ પણ શેરો-શાયરીનો શોખ એવો જ રહ્યો?’
‘ના. છોડી દીધી શેરો-શાયરી-કવિતાઓ.’
‘કેમ? ક્યારે?’
‘ખબર નથી કેમ. પણ આપણે અલગ થયા ત્યારથી.’ હું બોલ્યો. ફરી ચાર બૂઢ્ઢી આખો એક થઈ. અને બે આત્માઓ એકબીજાને ગળે વળગીને રડી પડી.
‘ઘણો સમય થઈ ગયો છે. જવું જોઈએ તારે હવે. તારા છોકરાઓ જોઈ જશે તો કહેશે કે પપ્પા કોઈ બૂઢી સાથે ચોપાટીએ બેઠા હતા.’ એણે મશ્કરી કરી કે કટાક્ષ એ હું ના સમજી શક્યો.
‘જવું જ છે?’ વર્ષો બાદ આવેલી વિસાલની આ ક્ષણને કોઈ પણ ભોગે ગુમાવવા ના માગતો હોય એમ હું બોલ્યો. હાથમાંથી વહી જતા સમયને મુઠીમાં બાંધી રાખવા મથતો હોય એમ હું બોલ્યો. હથેળીઓની રેખાઓને ભૂંસી નાખવા મથતો હોય એમ હું બોલ્યો. ‘વર્ષો બાદ મળ્યા છીએ. બેસને થોડું.’
‘ના જવું જ છે. ’ ઉભી થતા એ બોલી. ‘ચલ બાય. ખુશ રહેજે.’ ને ભાવનાઓનો છાંટો અણસારેય દર્શાવ્યા વગર એ ધીમે ધીમે ચાલવા લાગી.
‘ધરતી’ એને અટકાવતા હું બોલ્યો. ‘કદાચ આ જ નસીબ હશે આપણા. એકબીજાને અનહદ ચાહતા હોવા છતાં પણ આપણા નામની જેમ આસમાન ને ધરતી ક્યારેય એક ના થઈ શકે. આપણે એક ભૂમિમાં સામસામે ઉગેલા બે છોડવા. એકબીજાને જોઈ શકીએ, અનુભવી શકીએ પણ એક ના થઈ શકીએ. આ જિંદગી તો જતી રહી. પણ આવતા ભવે ચોક્કસથી મળીશું. પ્રોમિસ.’
‘ના. આવતા ભવે પણ નહીં મળીએ. તું સાત ભવ સુધી માત્ર તારી પત્નીનો જ છે. સાતેય ભવ સુધી તારા પર હક નહીં જ જતાવું.’ એ બોલી. દરિયાની એક મોટી લહેર ઉઠી અને ખડકો સાથે અથડાઈ. તૂટી ગઈ. મારો આતમ કકળી ઉઠ્યો.
‘ભલે તો જા. સાત જન્મ સુધી ના મળતી મને. નહીં મળુ સાતેય જન્મ તને. પણ યાદ રાખજે. આઠમા જન્મે રાહ જોઈશ તારી.’ મારી વાતે દરિયાનું એક મોજુ એની આંખમાં ઉઠ્યું ને તરત જ શાંત થઈ ગયું. રડુ રડુ થઈ રહેલા પણ મક્કમ સ્વરે એ એટલું જ બોલી.
‘બહુ રાહ નહીં જોવડાવું. પ્રોમિસ’
સાત જન્મો સુધી એકબીજાને નહીં મળે એ જાણતી ચાર આંખો આંખો એકબીજાને વળગી પડી. ધ્રુસકે ધ્રુસડી રડી પડીને ને એ ચાલી ગઈ. દરિયો ફરી ઘુઘવાયો. ફરી એક મોટી લહેર ઉઠી ને ખડકના પથ્થર પર ધડામ કરતી પછડાઈ. મને ભીંજવી ગઈ. હું એને જોતો રહી ગયો.

***

એક મહિના બાદ....

શહેરના કબ્રસ્તાનમાં એક નવી બનેલી કબર પર એક ઔરત ગુલાબનું ફૂલ મુકે છે. કબરને બથ ભરી ચૂમે છે અને બોલે છે, ‘મને ખબર છે કે આઠમાં ભવની બહુ ઉતાવળ છે તારે... નહીં રાહ જોવડાવું... પ્રોમિસ કરી છે યારા!’

-જય મકવાણા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED