વંશ - ગુજરાતી કથાકડી - 6 Shabdavkash દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વંશ - ગુજરાતી કથાકડી - 6

લેખકો માટે નિયમો :
૧. વાર્તાને અનુરૂપ પ્લોટ અને સરળ , શુદ્ધ ભાષાવાળી કડી પસંદ કરવામાં આવશે.
૨. વાર્તાને અનુરૂપ જરૂરી ફેરફાર ટીમ કરશે. પણ લેખકના નામે જ વાર્તા પ્રગટ થશે.
3. વાર્તા પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર ટીમનો રહેશે.
૪. વાર્તા ન પસંદ કરવાના કારણો આપવામાં નહી આવે.
૫. વાર્તા પસંદ ન થાય તો આગલી કડી લખી શકાય.
૬. પસંદ પામેલ લેખક એકથી વધુ વખત કડી લખી ન શકે
૭. દરેક કડી ૧૦૦૦ શબ્દની હોય એ અપેક્ષિત છે .
૮. પસંદગી અંગેના કોઈ સવાલનો જવાબ આપવામાં આવશે નહી.
૯ . વાર્તાની કડી વર્ડ ફોર્મેટમાં ટાઇપ કરી મોકલવાની રહેશે.
૧૦ . લેખકોએ પોતાની કડી kathakadi.online@gmail.com પર મોકલવી.
૧૧ .ટીમને પ્રાપ્ત પ્રથમ ૨૫ કડીઓમાંથી માન્ય ગણવામાં આવશે અને તેમાંથી જ સર્વ-શ્રેષ્ઠ કડીને વિજેતા જાહેર કરી વાર્તામાં કાયમી સ્થાન આપવામાં આવશે,
૧૨ .આ કડી સાથે આગલી કડીના મુદ્દાઓ આપ્યા છે તેને અનુસરીને જ પછીના અઠવાડિયાની કડી લખવાની રહેશે
૧3 .જેની કડી ટીમ દ્વારા પસંદ કરવામાં આવશે તે વિજેતા લેખકને માતૃભારતી ૫૦૦ રૂનો પુરસ્કાર આપશે .કડી : ૬

ડૉ. રાજેશ અને ડૉ. મિસીસ શીતલ પંજાબી એમની ચાલીસીમાં પહોંચેલું ડોક્ટર કપલ હતું. શીતલ ગાયનેકોલોજીસ્ટ હતા અને રાજેશ સાઇકિયાટ્રીસ્ટ. પોસ્ટગ્રેજ્યુએટ કર્યા પછી કેરિયરની શરૂઆતમાં બંને એક જ હોસ્પીટલમાં પોતાની અલગ અલગ પ્રેક્ટીસ કરતા. થોડા વર્ષો પછી ડૉ. શીતલે infertility ને લગતી સ્પેશીયલ ટ્રેઈનીંગ લીધી અને “શાશ્વત“ આઈ.વી.એફ. કલીનીક શરુ કર્યું.

માયાળુ સ્વભાવ અને ધીરજના ગુણોથી ભરપુર એવા ડો. શીતલની પ્રેકટીસ ધાર્યા કરતા વધુ વહેલી જામી ગઈ. વંધવ્ય જેવા સમાજમાં શરમજનક ગણાતા રોગમાં પુરુષ અને સ્ત્રી સાથે સમજાવટથી લેવાની ફાવટ આપોઆપ આવતી ગઈ.એમની સહજ વાતોથી તપાસ માટે આવનાર કમને નહી એક માનસિક તૈયારી સાથે સારવાર કરાવતા. અને એમની માહિતીસભર વાતોથી અંધશ્રધ્ધા જેવી ગેરસમજ પણ દૂર થઇ જતી.

થોડા સમયમાં જ ડૉ. શીતલની પ્રેક્ટીસ એટલી જામી ગઈ કે ડૉ. રાજેશ એમની પોતાની પ્રેક્ટીસ છોડીને પતિપત્ની અને પરિવારના કાઉન્સેલિંગના કામમાં જોડાઈ ગયા. હા, એમના જૂના પેશન્ટો માટે એ જરૂર પડે ત્યારે સમય કાઢી લેતા.

આશુતોષે જયારે કબૂલ કર્યું કે પોતે “માણસમાં નથી” અને એમને બાળક થાય એમ નથી, એટલે એમની નિરાશા સમજી ગયેલા ડૉ. રાજેશે કહ્યું,

“જુઓ, પહેલાં એ વાત સમજી લો લે સામાન્ય ભાષામાં જેને “માણસમાં નથી” કહે છે એને અમારી તબીબી ભાષામાં impotance એટલે કે “inability to perform” કહેવાય છે. એના અનેક શારીરિક કારણો ઉપરાંત અમુક માનસિક કારણો પણ હોય છે, ખાસ કરીને ભૂતકાળમાં કે નાનપણમાં કોઈ એવો અનુભવ થયો હોય તો પણ એવું બની શકે. અને બાળક ન થવું એને અમારી ભાષામાં “infertility” કહેવાય છે. આ બંને એકબીજા સાથે સંકળાયેલ છે અને નથી. Impotent પુરુષ infertile પણ હોય એવું જરૂરી નથી. એવી જ રીતે infertile પુરુષ impotent હોય એ પણ જરૂરી નથી. ખેર, તમે તો તમારા ટેસ્ટ પણ કરાવીને આવ્યા છો. જેમાં આશુતોષના કાઉન્ટ ઓછા છે, એટલે કે કુદરતી સંજોગોમાં એ બાપ બનવા સક્ષમ નથી. પણ જયારે તમે infertility clinic માં આવો, ત્યારે વાત અલગ થઇ જાય છે. જો સ્પર્મ કાઉન્ટ સહેજ પણ વાજબી હોય તો પણ તમારા બંનેનું જ બાળક જન્મે એવું કરી શકાય. પહેલાં તો અમે તમારા બંનેના અમુક ટેસ્ટ્સ કરાવીશું અને એ બધાના રીપોર્ટ જોયા પછી આગળ નક્કી કરીશું કે કઈ રીતે આગળની સારવાર કરીશું. બની શકે કે તમે તમારા બનેનું જ બાળક મેળવી શકો, પણ જો એવું શક્ય ન બને તો તમારે કોઈ દાતા એ કરેલા કૃત્રિમ વિર્યદાનથી બાળક મેળવવું પડશે.જો કે એ અંગેની તમામ વિગતો સાવ ગુપ્ત રાખવામાં આવે છે. એ તમને જરૂર પડ્યે જણાવીશું”
મીના અને આશુતોષ સાવ નાના બાળકની જેમ આ બધું અવનવું સાંભળતા રહ્યા.. એમને વાતમાં ભરોસો બેઠો છે એવું માનીને આટલું સમજાવ્યા પછી ડૉ. શીતલે પૂછ્યું, “હવે તમે તમારા લગ્નથી માંડીને બધી વાત કરો, અને તમે કઈ કઈ ટેસ્ટ કરાવી છે અને કઈ કઈ દવાઓ લીધી છે એ બધાની વિગતે વાત કરો, પછી તમારા જરૂરી ટેસ્ટ્સ કરાવી લઈએ”
*****
દોઢ કલાક પછી જયારે મીના અને આશુતોષ ઘણી બધી વાતો કરી, જરૂરી ટેસ્ટ્સ માટેના સેમ્પલ્સ આપીને “શાશ્વત“ આઈ.વી.એફ. કલીનીકની બહાર નીકળ્યા ત્યારે મીનાનું મગજ બહેર મારી ગયેલું. બંનેની તમામ હિસ્ટ્રી સાંભળ્યા પછી ડોક્ટર દંપતી સાથે થયેલા સીટીંગ પરથી મીનાને એ ખ્યાલ આવ્યો હતો કે આશુતોષ ફક્ત એ અનુભવને લઈને માની બેઠેલો કે એ “માણસમાં નથી”. બંને ડોક્ટર્સના કહેવા મુજબ આવી મુલાકાતોમાં અપરિપક્વ ઉંમર, ભય, ગિલ્ટ, મિત્રોએ કરેલી વાતોની અસર, આવા કોઈ પણ માનસિક કારણને લીધે પણ એવું બન્યું હોય. બની શકે કે એનાથી તદ્દન અલગ સંજોગોમાં આવું ન પણ બને. બની શક્યું હોત કે આશુતોષે મીના સાથે સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો હોત તો એ કદાચ, ભલે કદાચ જ, સફળ પણ થાત. એના બદલે આશુતોષે સાવ નિરાશ માણસની જેમ વર્તીને એ બાબતે પોતાનાથી અંતર કરી નાખ્યું અને બીજી પ્રવૃત્તિઓમાં જ પોતાનું ધ્યાન પરોવી દીધું. ખેતીની નવીનવી આધુનિક પદ્ધત્તિઓની મદદથી બંઝર જમીનમાંથી ય મબલખ પાક લઇ શકતા આશુતોષે મીના જેવી ફળદ્રુપ જમીન માટે ય કોઈ આધુનિક પદ્ધત્તિનો ઉપયોગ કરીને એને હરિયાળી કરવાનું આટલા સમય સુધી ન વિચાર્યું. હવે જયારે પાણી માથા પરથી ઉપર ચડી ગયું છે ત્યારે પરાણે એને આઈ.વી.એફ. કલીનીકમાં લઇ ગયો!

આ બધું વિચારતા મીનાના મનમાં ધૂંધવાટનો પાર ન હતો. એ આશુતોષ અને એના પરિવારની ઈજ્જત ખાતર લોકોના આરોપો સાંભળતી રહી હતી, એમ માનીને કે પતિની ભલે મર્યાદા છે, પણ એ પોતાને પ્રેમ તો કરે છે. પણ આજે એને લાગતું હતું કે આશુતોષ કાયર છે, પરિસ્થિતિથી ભાગનારો. (કદાચ સ્વાર્થી પણ ખરો) ,કારણ જો એ એને સાચો પ્રેમ કરતો હોત તો એને આમ વલખાં મારતી ને મહેણા સાંભળતી મૂકીને પોતાના કામોમાં પરોવાઈ ન ગયો હોત. જતો ન હોત.

*****
આ તરફ આશુતોષની સ્થિતિ પણ કફોડી હતી પણ ડૉ. રાજેશ પાસેથી બધું ડીટેઇલમાં જાણ્યા પછી એને અપરાધભાવ થઈ આવ્યો . પોતે તો વિદેશમાં રહેલો છતાં આધુનિક સારવાર કરાવવા તરફ બેકાળજી રાખીને એણે મીનાને સંતાપમાં ધકેલી હતી અને છતાં મીનાએ બધા જ ઈલ્જામો પોતાના પર લઇ લીધેલા એવું એને સમજાઈ રહ્યું હતું. કદાચ, એનું મન જ એ વાતમાંથી ઉઠી ગયું હતું. પણ બીજી તરફ ડૉ. રાજેશના કહેવા મુજબ જો કોઈ દાતાના કૃત્રિમ વીર્યદાનથી બાળક જન્મે, તો ભલે એ વાત પોતે બંને અને બીજા ત્રણ ચાર લોકો સિવાય આખા જગતથી ખાનગી રહેવાની હોય, પણ છતાં આશુતોષની અંદર રહેલા ઠાકુર કુળના પુરુષને એ વાત મગજમાં બેસતી ન હતી. એનો અહંકાર ઘવાતો હતો. જો કે, આ વિષે લાંબુ વિચારવાનો કે મીના સાથે વાત કરવાનો સમય મળે એમ જ ન હતું, ને મીના પણ કંઇક ધૂંધવાયેલી લાગતી હતી. આશુતોષે બધું ખંખેરવાનો પ્રયત્ન કરવા પોતાનું ધ્યાન ચૂંટણીની તૈયારીમાં પરોવ્યું. કારણ કે ત્યાં ધ્યાન ન રહે તો એ મોરચે ય એક સ્ત્રી એને માત આપી દે એમ હતું.
*****
મીના અને આશુતોષ બેય માટે આ આખું અઠવાડિયું ભારે વલોપાત અને ચિંતાભર્યું વીત્યું. આખા અઠવાડિયા દરમ્યાન કેટલીયે વાર બેય વચ્ચે વિના બોલ્યે જાણે ચકમક ઝર્યા કરતી હતી. મીનાએ તો એક વાર કહી પણ દીધું ," કેવો છે નહી આપણો સમાજ .. !! સ્ત્રીની પવિત્રતાના ઉદાહરણો દેવાતા હોય પણ પુરુષના સ્ખલન વિષે ઝાઝી ચર્ચા વગર સંસારના ફેલાવા અને સફળતા માટે બધો દોષનો ટોપલો સ્ત્રી પર ઢોળાઈ જાય છે .." નીચી નજરે મીનાની વાત સંભાળતો આશુતોષ કશું ન બોલી શક્યો . એને ચુપ જોઈ મીનાએ એક અણીયાળો સવાલ ભાલાની જેમ ફેંક્યો , " શું લાગે છે ? મારું આવું સ્ખલન તમારી સામે આવ્યું હોત તો તમે શું કર્યું હોત ? " નિશબ્દ આશુતોષ ઉઠીને બહાર જવા નીકળી ગયો .

અઠવાડિયા પછી રિપોર્ટ્સ આવી ગયા અને બંને ફરી એક આછી પાતળી આશા સાથે “શાશ્વત“ માં ગયા. બંને ડોક્ટરોએ એમને શાંતિથી બેસાડ્યા અને વાત શરુ કરી, “આશુતોષના રિપોર્ટ્સ જોતાં તમારે આઈ.વી.એફ. કરાવવું પડશે એ તો નક્કી જ છે. પણ આ સારવાર શરુ કરતાં પહેલાં થોડી વાત કરી દઉં. આ પ્રક્રિયામાં સ્ત્રીબીજ અને પુરુષના શુક્રકોષનું મિલન શરીરની બહાર, લેબોરેટરીમાં કરવામાં આવે છે ને તે પછી એને ગર્ભાશયની દીવાલમાં રોપી દેવામાં આવે છે. સામાન્ય રીતે દર મહિને એક સ્ત્રીબીજ છૂટું પડતું હોય છે, પણ આ પ્રક્રિયામાં એક થી વધારે ફલિત કરેલા સ્ત્રીબીજ ગર્ભાશયમાં મૂકવામાં આવે છે જેથી સફળતાની શક્યતા વધી જાય. વધારે સ્ત્રીબીજ એકસાથે વિકસિત થાય એના માટે પણ દવાઓ આપવામાં આવે છે. આજના જમાનામાં આ બધી સારવારને કારણે કોઈપણ પ્રકારની ખામી હોય તો ય બાળક થાય જ છે. પણ ખાસ બે વસ્તુની જરૂરિયાત રહે, એક તો ઘણાબધા રૂપિયા અને બીજું ખૂબ ધીરજ. કારણકે એવું શક્ય નથી કે પહેલા જ પ્રયત્નમાં બાળક રહી જાય. અલગ અલગ કેઈસીસમાં ત્રણથી લઈને છતા મહિના કે એથી પણ વધારે સમય લાગી શકે. ઉપરાંત દરેક ટ્રીટમેન્ટ સાયકલના સવા થી દોઢ લાખ રૂપિયા ગણી લેવા પડે. હા, ક્યારેક આ સારવારની એવી આડઅસર થાય કે બંને બાળક વિકસે અને ટ્વીન્સ થાય”

બેયના હાવભાવ તરફ જોઈ ડો શીતલે ઉમેર્યું,

“તો હવે આ બધું સાંભળ્યા પછી તમે આ સારવાર કરાવવા તૈયાર હો, તો મીનાના નેક્સ્ટ પીરીયડ્સ પછીના દિવસે આવી જાવ એટલે દવાઓ ચાલુ કરી દઈએ”
*****
“શાશ્વત“માંથી નીકળીને ફરી પાછી મીના વિચારે ચડી. જો એ આ ટ્રીટમેન્ટ માટે તૈયાર થાય તો પૈસાનો તો કોઈ સવાલ જ નહોતો, પણ સમય? કેટલાય વખતથી સગાસંબંધીઓના વ્યવહારથી એ કંટાળી હતી, અને હવે તો એ આશુતોષ પર પણ ગુસ્સે ભરાઈ હતી. આટલા વખતથી એણે પોતાને ફક્ત માતૃત્વથી જ નહિ, એ ચીજથી જ પણ વંચિત રાખી હતી કે જે એક પત્નીનો અધિકાર હોય છે. એના મનમાં હવે વિદ્રોહ જાગ્યો હતો. હવે એના માબાપને જરૂર છે એટલે આ બધી સારવાર માટે દોડે છે, જયારે મીનાની તડપનો તો એને ક્યારેય અહેસાસ હતો પણ નહીં અને હશે પણ નહીં. મીનાને એ બધી જ સૂમસામ રાતો યાદ આવી ગઈ જે એણે પરિણીત હોવા છતાં વિધવાની જેમ વિતાવી હતી. અને આશુતોષ જ એની એ યાતનાનું મૂળ હતો.

મીનાએ એક સ્વતંત્ર નિર્ણય કર્યો..

એને બાળક જોઈએ જ છે, કોઈ જ પ્રકારની રાહ જોયા વગર, તદ્દન કુદરતી રીતે, એક સંપૂર્ણ સંબંધને પામીને એના પરિણામરૂપે જ. પહેલાં એને એના સ્ત્રીત્વને સંતોષવું હતું અને પછી માતૃત્વને...

અને વાદળમાં વીજળી ચમકે એમ મીનાની નજર સામે આયાનનો ચહેરો ઝબકી ગયો..--શ્વેતા ઉપાધ્યાય
કડી ૭ માટેના મુદ્દાઓ :૧.. ઘરે આવી ડોકટરે આપેલી સલાહની વાત કરવી
૨.. સ્પર્મ ડોનરની વાતો સાંભળીને સસરાની ગુસ્સો
૩. ઠાકુર ખાનદાનમાં લોહીની ભેળસેળ ન જોઈએ આવનાર બાળક ઠાકુર ખાનદાનનું જ હોવું જોઈએ તેવું સસરાનું કહેવું. દીકરાના ગળે કંઇક અંશે વાત ગળે ઉતારવી.
૪... સસરાનો મીના પ્રત્યે રવૈયો બદલાવવો અને લોલુપ થવુ. કોઈને કોઈ બહાને પિયર આવજા શરુ
૫.. ઐયાન સાથે વધતી નિકટતા