Ashadhi Vasant books and stories free download online pdf in Gujarati

અષાઢી વસંત

લેખકનું નામ :- આલોકકુમાર નરેન્દ્રભાઈ ચટ્ટ

મોબાઈલ :- ૯૭૨૫૪ ૯૨૮૨૨, ૯૯૯૮૭ ૨૧૫૮૩

ઈ મેઈલ :- morbitiles09@yahoo.in

“અષાઢી વસંત”

એક અષાઢી સાંજે એક તરફ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને બીજી તરફ કંઈક એવા જ વાદળોએ અક્ષતના મનને પણ ઘેરી લીધું હતું. એસી ચેમ્બરમાં બેઠા હોવા છતાં એના ચહેરા પર પરસેવાના ટશિયા ફૂટ્યા હતા એટલી વ્યાકુળતા તેના મનને ઘેરી વળી હતી. હાથમાં ચાનો કપ અને ટેબલ પર ફાઈલો, પણ નજર સતત મોબાઈલ પર. તે વારંવાર મોબાઈલ હાથમાં લઈ ગોળ ફેરવી સ્ક્રીન જોઈને ટેલબ પર મૂકી દેતો હતો. આ જ ક્રિયા તે સતત કરી રહ્યો હતો. ચાના ઘૂંટ પણ માંડ માંડ ભરી રહ્યો હતો. એના મનમાં સતત એક જ વિચાર સળવળી રહ્યો હતો કે કેમ અક્ષરાનો ફોન કે મેસેજ ન આવ્યો...? સામેથી ફોન કરવો કે ન કરવો એ વિમાસણ એના મનમાં ચાલી રહી હતી.

29 વર્ષનો અક્ષત ભરાવદાર પણ સપ્રમાણ બાંધો અને કદ કાઠી ધરાવતો હેન્ડસમ કહી શકાય એવો most eligible bachelor હતો. એક ખ્યાતનામ એવી multinational company માં CEO ની પોસ્ટ પર હતો. અક્ષરા એ જ કંપનીમાં ડાયરેક્ટર હતી. અક્ષરાની ઉંમર 34 વર્ષ હતી પણ જાણે હમણાં જ જુવાનીમાં ડગ માંડ્યા હોય એવું તેનું યૌવન કોઈ નવયૌવનાને પણ શરમાવે એવું હતું. આશરે દોઢ વર્ષ પહેલા અક્ષત અમદાવાદથી ટ્રાન્સફર થઈને બરોડા આવ્યો હતો. અમદાવાદના ધાંધલિયા અને ધુમાડિયા વાતાવરણમાં રહ્યા પછી બરોડાનાં પ્રમાણમાં અનેકગણાં સ્વચ્છ - સુઘડ વાતાવરણ અને કંપનીએ આપેલા પાદરા રોડ જેવા પોશ એરિયાના 2 BHK ફ્લેટમાં સેટ થતાં તેને જરા એ વાર ન લાગી. જોઈનીંગના પ્રથમ દિવસે જ અક્ષત લેટ થઈ ગયો હોવાથી ઉતાવળે ડાયરેક્ટરની ચેમ્બરમાં દાખલ થવા ગયો ત્યાં જ અક્ષરા સાથે ટકરાયો અને બંનેના હાથની ફાઈલો ફર્શ પર ફેલાઈ ગઈ. ફાઈલો ઉપાડતા ઉપાડતા તેની નજર અક્ષરા પર જાણે સ્થિર થઈ ગઈ. ગૌરવર્ણી, હોદ્દાને અનુરૂપ વસ્ત્ર પરિધાન, ખૂબ સરસ રીતે સેટ કરેલા ખુલ્લા વાળ, slim n trim body structure ધરાવતી અક્ષરા અક્ષતને જાણે પહેલી નજરે જ મનમાં વસી ગઈ. વળી એમાં કપાળે કરેલી લાંબી બિંદી, ગજબનું ચુંબક્ત્વ ધરાવતા એના ચહેરાને વધુ ચુંબકીય બનાવી રહી હતી. એના ગાલમાં પડતા ખંજન અક્ષત માટે ખંજરનું કામ કરી ગયા.

અક્ષરાએ જરા કરડાકી નજરે એની તરફ જોયું એટલે એણે માંડ પોતાની જાતને સાચવી ને અક્ષરાના સંમોહન માંથી બહાર આવ્યો અને “sorry m’am… I m extremely sorry” કહીને એણે અક્ષરાની માફી માંગી એટલે અક્ષરા “it’s ok” કહી ફરી ચેમ્બરમાં જઈ પોતાની ચેર પર બેસી ગઈ. અક્ષતે ફાઈલો ટેબલ પર મૂકી shake hand કરી કહ્યું “ I am Akshat Shah ” રિપ્લાયમાં અક્ષરાએ “Welcome.. I am Akshara” કહી તેનું અભિવાદન કર્યું અને થોડી ઔપચારિક અને ઓફિશિયલ ચર્ચા બાદ બન્ને છૂટા પડ્યા. આ દરમિયાન પણ અક્ષતની નજર અક્ષરાના ચહેરા પરથી અને ખાસ તો એની આંખો પરથી હટતી જ ન હતી. અક્ષરાની સાદગી, સૌમ્યતા અને એની personality અક્ષતને ખૂબ સ્પર્શી ગઈ. ડિરેક્ટર જેવી મોભાદાર પોસ્ટ પર હોવા છતાં અક્ષરાએ ચહેરા પર માત્ર એક બિંદી જ કરી હતી. બીજો કોઈ મેકઅપ કર્યો હોય એવું લાગતું ન હતું. પણ એની વાચાળ આંખો... જાણે કેટલાયે રહસ્યો ઊંડાણમાં છુપાવીને રાખ્યા હોય એવું લાગતું હતું.

થોડા જ દિવસોમાં બન્ને વચ્ચે સારી એવી દોસ્તી એ જામી ગઈ. હવે એકલામાં અક્ષરા “મેમ” ને બદલે ફક્ત અક્ષરા અને અક્ષત “મિ. શાહ” ને બદલે ફક્ત અક્ષત થઈ ગયો હતો. Office hours દરમિયાન રીસેસમાં વાતચીત ઉપરાંત SMS માં પણ અંગત વાતો ઉપરાંત મજાક મસ્તીનો સિલસિલો ચાલુ રહેતો. વળી એટલું ઓછું હોય એમ Office hours બાદ ક્યારેક કોફી શોપ તો ક્યારેક રેસ્ટોરાં તો ક્યારેક મોલમાં બેય કલાકો સાથે વિતાવતા અને એ પછી એ કાંઈ વાત બાકી રહી ગઈ હોય તો ફોન તો ખરો જ...!

અક્ષતનો સરળ, જોલી અને helpful nature અક્ષરાને ખૂબ ગમતો. તેની sincerity અને કામ પ્રત્યે કાર્યદક્ષતાએ અક્ષરાનું મન મોહી લીધું હતું. તો બીજી તરફ અક્ષરાનો શાંત અને સૌમ્ય સ્વભાવ અક્ષતને સ્પર્શી ગયો હતો. અક્ષરા ઓછાબોલી હતી પણ તેની આંખો જાણે વાચા મળે ને વાણી ફૂટે એટલી બધી expressive હતી. અક્ષરા સદાય હસતી રહેતી પણ અક્ષતને સતત એમ જ લાગતું કે જાણે એ અંદરથી પિડાઈ રહી હોય. અક્ષત ઘણી વાર તેને તેના ભૂતકાળ વિશે પૂછતો પણ એ પોતાના માતા – પિતા સિવાય બીજી કોઈ જ વાત કરી હતી નહીં. પણ અક્ષત એક પ્રયત્ન હંમેશા કરતો, જ્યારે એને લાગે કે અક્ષરા upset કે કઈંક વિષાદમાં છે એ તરત જ કોઈક વાત કરીને એને હસાવી દેતો.

એક દિવસ workload વધુ હોવાથી Office hours બાદ અક્ષત અક્ષરાના ફ્લેટ પર ફાઈલો લઈને ગયો. બધું કામ પતાવીને કોફી પીતા પીતા બન્ને વાતે ચડ્યા. એવામાં અક્ષતે અક્ષરાને કહ્યું, “ હું હમેશા તારી આંખોમાં એક ન કળી શકાય એવો વિષાદ જોઉં છું અને તું દર વખતે મારા અમુક પ્રશ્નોને ટાળી દે છે. પણ આજે તો તારે મારા પ્રશ્નોના જવાબ આપવા જ પડશે. હું તને મારા સમ આપું છું અક્ષરા.. Pls… tell me everything about your pain and past…” અક્ષરા પણ જાણે અક્ષતના સમ આગળ લાચાર બની ગઈ અને પોતાના ભૂતકાળમાં સરી ગઈ......

મુગ્ધાવસ્થાના અનેક સ્વપ્નો આંખોમાં લઈ ધીમે ધીમે આગળ વધતી અક્ષરા એ માંડ હજી MBA complete કર્યું ત્યાં સમાજના એક પ્રતિષ્ઠિત અને અમીર કુટુંબમાંથી તેના માટે લગ્નનો પ્રસ્તાવ આવી ગયો. ૨૫ વર્ષીય અક્ષરા માટે well known business house શ્રી ત્રિલોકચંદ એન્ડ સન્સના એકમાત્ર વારસદાર એવા દેખાવે ઠીકઠાક, ભીનેવાન તથા મધ્યમ કદ કાઠી ધરાવતા ૩૦ વર્ષના અનિમેષનું માગું આવ્યું હતું. અક્ષરાને જોબ કરવી હતી અને પોતાના પગ પર ઊભા રહેવું હતું. એને તાત્કાલિક આ રીતે લગ્નના બંધનમાં બંધાય જવું ન હતું. પણ મધ્યમ વર્ગીય માતા પિતાને મન આવા ખ્યાતનામ કુટુંબમાંથી આવેલું માગું જાણે સુદામાને ઘેર સ્વયં કૃષ્ણ પધાર્યા હોય એવું હતું. અક્ષરા તો પ્રથમ મુલાકાતમાં જ અનિમેષની નજરમાં વસી ગઈ, પણ કોણ જાણે કેમ અનિમેષ એના મનમાં જગ્યા ન બનાવી શક્યો. એની વાત માંથી જાણે કૃત્રિમતા જ છલકતી હોય એવું સતત અક્ષરાને લાગતું. પણ માતા પિતાના દુરાગ્રહને વશ થઈ મને કમને અક્ષરાએ આ સંબંધને સ્વીકૃતિ આપી દીધી અને અનિમેષ સાથે પ્રભુતામાં પગલા માંડ્યા.

શ્રી ત્રિલોકચંદ એન્ડ સન્સના એકમાત્ર વારસદાર અનિમેષના લગ્ન ખૂબ જાહોજલાલી અને ધામધૂમથી થયા પણ લગ્નની પ્રથમ રાતે જ અનિમેષનું સાચું રૂપ અક્ષરા સામે છતું થઈ ગયું. શરાબના નશામાં ધૂત અનિમેષ લથડિયા ખાતો રૂમમાં આવ્યો અને મધુરજનીની આ રાતે એક ઓતપ્રોત પ્રેમીની જેમ તેના પ્રેમનો આસ્વાદ માણવાને બદલે એણે અક્ષરા પર પોતાનું પૌરૂષત્વ સાબિત કરવા માંગતો હોય એમ ખૂબ પાશવી રીતે સહશયન કર્યું. જે અક્ષરાને મન બળાત્કારથી જરાયે કમ ન હતું. એ આખી રાત સૂઈ ન શકી. ઓશિકું ભીંજાતું રહ્યું અને જાગતી આંખે જ જાણે સવાર થઈ ગયું. એ આખી રાત વિચારતી રહી કે એણે પોતાના લગ્ન અને પતિ વિશે કેવી કેવી કલ્પ્નાઓ કરી હતી અને હકીકત એ મધુર કલ્પ્નાઓથી જાણે એકદમ પરે હતી. એના સ્વપ્નોનો મહેલ જાણે પલક વારમાં ધરાશાયી થઈ ગયો. એક પ્રેમાળ પતિના બદલે તે એક પાશવી પુરૂષ સાથે પરણી હોય એવું એને લાગ્યું. મન તો એમ થયું કે સવાર પડતાંની સાથે જ એ પિતૃગૃહે જતી રહે પણ હ્રદય રોગથી પિડાતા પિતા આ આઘાત સહન નહીં કરી શકે એવું માની એણે ચૂપચાપ એ જ ઘરમાં રહેવાનો નિર્ધાર કર્યો. વળી મોડી સવારે અનિમેષનો નશો ઉતરતાં એણે એનાં રાતના વર્તન માટે અક્ષરાની માફી માંગી અને ભવિષ્યમાં ફરી ક્યારેય આવું નહીં થાય એવું વચન પણ આપ્યું એટલે અક્ષરાને ફરી થોડી આશા બંધાઈ.

થોડા દિવસ માંડ બધું બરાબર ચાલ્યું પણ ફરી એક રાતે અનિમેષ નશામાં ધૂત થઈને આવ્યો અને ફરી અક્ષરા પર પાશવી બળાત્કાર ગુજાર્યો. એટલું ઓછું હોય એમ એના અંગો ઉપાંગો પર સિગારેટના ડામ આપ્યા. અક્ષરા ચીસો પાડતી રહી પણ સ્વતંત્ર બંગલામાં આ ચીસો રૂમની ચાર દિવાલમાં જ કેદ થઈ ને રહી ગઈ અને પછી તો આ સિલસિલો રોજ ચાલુ જ રહ્યો. આવી કેટલીયે યાતનાઓ તેણે સહન કરી અને લગ્નનાં ફક્ત છ માસમાં અક્ષરા જાણે એક જીવતી લાશ બની ને રહી ગઈ હતી. સિગારેટના ડામ એના શરીરની સાથે દિલ પર પણ લાગ્યા હતા જેણે એના દિલની તમામ લાગણીઓને બાળી નાંખી હતી. અનિમેષે એને બંગલામાં કેદ કરી રાખી હતી. એ ના તો કોઈને મળી શકતી હતી ના કોઈ સાથે વાત કરી શકતી હતી. એ પોતાના માતાપિતાને પણ મળી ન શકતી હતી. એટલે તમામ યાતનાઓ અક્ષરા મૂંગે મોઢે સહન કરતી રહી.

આમ ને આમ દિવસો વીતતા ગયાં ત્યાં ફરી એક ગોઝારી રાત એવી આવી જેણે અક્ષરાની જિંદગી જ બદલી નાખી. એ રાતે ફરી અનિમેષ નશામાં ધૂત થઈને આવ્યો અને અક્ષરાને જબરદસ્તી સહશયન માટે મજબૂર કરવા લાગ્યો. પણ કોણ જાણે કેમ આજે અક્ષરા તેના તાબે થવા તૈયાર જ ન હતી. એણે અનિમેષનો વિરોધ કર્યો. પછી તો જોવું જ શું અનિમેષે લેધર બેલ્ટ કાઢી એને મારવાનું શરૂ કર્યું. સ્વબચાવમાં અક્ષરાએ મેટલનું એક સ્ટેચ્યુ લઈ અનિમેષના માથા પર પ્રહાર કર્યો. અનિમેષનો ચહેરો લોહીથી ખરડાય ગયો અને ત્યાં જ ફસડાય પડ્યો. એ વાતથી સાવ બેખબર એવી અક્ષરા પણ લેધર બેલ્ટના માર અને એક માતેલા સાંઢ જેવા અનિમેષ સાથેની હાથાપાઈથી અધમરી થઈને બેભાન થઈને ત્યાં જ ઢળી પડી. થોડી કલાક બાદ તે હોશમાં આવી ત્યારે જોયું તો અનિમેષ ચત્તોપાટ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડ્યો હતો. થોડીવાર માટે તો અક્ષરા સાવ હતપ્રત થઈ ગઈ પણ પછી એણે હિંમત ભેગી કરી. ઊભી થઈને પોલિસને અને પોતાના તેમજ અનિમેષના માતાપિતાને ફોન કર્યો. થોડી જ વારમાં પોલિસ આવી પહોંચી. અક્ષરા અને અનિમેષના માતાપિતા પણ બંગલે આવી ગયા. અક્ષરાએ પોતાની આપવીતી કહી સંભળાવી જે દરમિયાન અનિમેષ ભાનમાં આવ્યો અને એની વિરુધ્ધ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો ને ધરપકડ કરવામાં આવી.

અક્ષરાની આપવીતી સાંભળીને બન્નેના માતાપિતા તો અવાચક જ થઈ ગયા. અનિમેષના માતાપિતા પોતાના વંઠેલ દીકરાની કરતૂતથી ખૂબ શરમિંદા થયા અને એમણે અક્ષરાને પિતા સાથે મોકલી દીધી. અક્ષરાના પિતાએ અનિમેષ વિષે ઊંડી તપાસ કર્યા વિના માત્ર પૈસા, સારો બિઝનેસ અને સમાજમાં મોભો હતો એવા અમિર કુટુંબના વંઠેલ નબીરા સાથે પોતાની દીકરીની ખાસ મરજી ન હોવા છતાં લગ્ન કરાવ્યા એ માટે અક્ષરાની માફી માંગી. માતાપિતા પોતાની હાલત સમજે છે એ જાણી અક્ષરાને થોડી હિંમત મળી અને એમની સંમતિથી એણે અનિમેષથી છૂટા થવાનો નિર્ણય લઈ છૂટાછેડાનો કેસ દાખલ કર્યો. અનિમેષના માતાપિતા પણ પોતાના વંઠેલ નબીરાની કરતૂતોથી વાકેફ હોય એ લોકો એ પણ અક્ષરાના નિર્ણયને મૂક સંમતિ આપી. જો કે અનિમેષ કાંઈ એમ સહેલાઈથી હાર માને એમ કાંઈ ન હતો. એણે પોતાની વગ વાપરીને ઘરેલુ હિંસાનો કેસ દબાવવાનો પૂરો પ્રયત્ન કર્યો. એ ઓછું હોય એમ છૂટાછેડાના કેસમાં પણ એણે અક્ષરાને ચારિત્ર્યહીન સાબિત કરવાની પૂરો પ્રયત્ન કર્યો પણ આખરે સત્યની જીત થઈ. ૧ વર્ષની અક્ષરાની હિંમતભેરની લડત બાદ એની જીત થઈ ને એને અનિમેષથી છૂટકારો મળી ગયો.

આ સમગ્ર બનાવથી અક્ષરાના માનસ પર પુરુષજાત પ્રત્યે ખૂબ ખરાબ છાપ પડી ગઈ અને મુંબઈ શહેરથી પણ એને અણગમો થઈ ગયો હોઈ એણે મુંબઈથી દૂર જ્યાં એને કોઈ જ ઓળખતું ન હોય એવી જગ્યાએ જવાનો નિર્ણય કર્યો. માતાપિતાની રજા લઈ તે દૂરના એક સંબંધીને ત્યાં બરોડા ચાલી ગઈ. છ મહિનાના અથાગ સંઘર્ષ બાદ તેને એક MNC માં કોમર્શિયલ આસિસ્ટન્ટની પોસ્ટ માટે જોબ મળી ગઈ. એકલી સ્ત્રી અને એ પણ પાછી ત્યક્તા એટલે અહીં પણ ડગલે ને પગલે એણે લોકોની બેહૂદી નજર અને નિરર્થક સવાલોનો સામનો કરવો પડતો હતો પણ હવે એણે મક્કમ નિર્ધાર કરી લીધો હતો કે ગમે તે થઈ જાય એ હિંમત નહીં હારે. એણે પોતાનું ધ્યાન પોતાના કામ સિવાય ક્યાં દોરાવા ન દીધું. આમ કરતાં દિવસો મહિના અને વરસ વિતતાં ગયાં. એની કાર્યદક્ષતા અને કાબેલિયતના દમ પર તેને પોતાની જ કંપનીમાં જ CEO અને ત્યારબાદ ડાયરેક્ટરની પોસ્ટ પર બઢતી મળી ગઈ. આ દરમિયાન એણે સંબંધીનું ઘર છોડીને થોડો સમય PG અને ત્યારબાદ થોડો સમય ભાડેથી ફ્લેટ રહીને રહેવાનું શરૂ કર્યું. ડિરેક્ટર બન્યા બાદ કંપની તરફથી બરોડાના પોશ એરિયામાં ગણાતા એવા હરણી રોડ પર ફુલ ફર્નિશ્ડ ૨ BHK નો ફ્લેટ અને કાર મળી. જોકે આ છ વર્ષના ગાળા દરમિયાન એણે વારાફરતી પોતાના માતા પિતાને ગુમાવી દીધા અને હવે પોતાનું અંગત કહેવાય એવું કોઈ જ ન રહ્યું. આવામાં એક દિવસ એના જીવનમાં અક્ષતનું આગમન થયું અને જાણે કે કેટલીય પાનખર બાદ સાવ સૂકાય ગયેલા ઝાડ પર નવી કૂંપળ ફૂટી હોય..!!! ટૂંક સમયમાં જ સાવ અજાણ્યો એવો અક્ષત ખૂબ જ અંગત લાગવા લાગ્યો.

પોતાની જીવનકથની કહેતા કહેતા અક્ષરા ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી અને એ જોઈને અક્ષતની આંખો પણ છલકાઈ ઉઠી. અક્ષત ઊભો થઈ અક્ષરા પાસે ગયો ને એને સાંત્વના આપી અને પાણી આપ્યું. રાત બહુ થઈ ગઈ હતી પણ અક્ષરા સ્વસ્થ થઈ ત્યાં સુધી અક્ષત એની પાસેથી ખસ્યો નહીં. અક્ષરાએ પોતાની જાતને સાચવી અને Good Night કહીને અક્ષતને વળાવ્યો. એ આખી રાત અક્ષત સૂઈ ન શક્યો બસ પડખાં જ ફરતો રહ્યો. સવાર પડતાં જ એણે અક્ષરાને ફોન કર્યો. Good Morning વીશ કરી અક્ષરા આગળ કાંઈ કહે એ પહેલાં જ એણે અક્ષરાને કહ્યું, “ અક્ષરા, I like you and I Love you. હું તારા દુ:ખમાં તો ભાગીદાર ન બની શક્યો પણ મારા તમામ સુખ અને મારી આખી જીંદગી હું માત્ર તારી અને તારી સાથે જ share કરવા માંગુ છું. Whatever your past may be I don’t mind about that. Will you be kind enough to marry me?” અક્ષતની વાત સાંભળી અક્ષરા સાવ સ્તબ્ધ થઈ ગઈ અને કાંઈ જ બોલી ન શકી. અક્ષતે ફરી કહ્યું, “ અક્ષરા, Please say something… I am waiting for your answer.” પણ અક્ષરા કંઈ જ બોલી ન શકી ને એણે ફોન કટ કરી નાખ્યો. અક્ષરાનું આવું વર્તન અક્ષત માટે અકલ્પ્ય હતું. એણે ફરી ફોન જોડ્યો પણ ત્યાં તો અક્ષરાનો ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. એ દિવસે અક્ષરા ઓફિસ ન ગઈ અને બેડ પરથી સોફા પર ને સોફા પરથી બેડ પર સતત વિચારશીલ મગજે બેસવા સૂવાની ક્રિયા કરતી રહી. એ દરમિયાન એનું મગજ અનિમેષ – અક્ષત અને સમગ્ર પુરુષજાત વિશે તુલનાત્મક વિશ્લેષણ કરતું રહ્યું. અનિમેષની પાશ્વીયતા - અક્ષતની સૌમ્યતા, નિખાલસતા અને પ્રેમાળ સ્વભાવ પર હાવી થઈ જતી હતી. કદાચ એ જ અક્ષરાને અક્ષતની proposal સ્વીકારતા રોકી રહી હતી.

બીજી બાજુ અક્ષત આખો દિવસ આકુળ વ્યાકુળ બની અક્ષરાના ફોન-મેસેજની રાહ જોતો રહ્યો. અંતે તેની ધીરજ ખૂટી એટલે ઓફિસથી નીકળી સીધો જ તે અક્ષરાના ફ્લેટ પર પહોંચી ગયો. કેટલીયે ડોરબેલ વગાડી પછી અક્ષરાએ બારણું ખોલ્યું જાણે એ જાણતી જ હતી કે દરવાજાની સામે અક્ષત જ ઊભો હશે. પણ એ એનો સામનો કરતાં ખચકાતી હતી. દરવાજો ખોલતાંની સાથે જ જેવી બન્નેની નજરો એક થઈ કે અક્ષરાનો તમામ ખચકાટ અશ્રુ બની આંખોમાંથી વહી ગયો. એક પણ શબ્દ બોલ્યા વિના એ અક્ષતને વળગી પડી અને તેની proposal ને જાણે મુક સંમતિ આપી દીધી. અક્ષતે પોતાની અંદર રહેલી તમામ લાગણી સાથે અક્ષરાનું માથું ચૂમી લીધું. કેટલીયે વાર સુધી બન્ને એકબીજાને વળગી અશ્રુધારા છલકાવતા રહ્યા.

એ સાથે જ ગોરંભાયેલા કાળા ડિબાંગ વાદળો પણ ધોધમાર વરસી પડ્યા. સમગ્ર ધરતી ધોવાયને ઉજળી થઈ ગઈ અને વનરાજી ખીલી ઊઠી જાણે કેટલીયે પાનખરો એકસાથે વીતી ગયા બાદ વસંત પૂરબહારમાં ખીલી ઉઠી હોય...!!!

બીજા રસપ્રદ વિકલ્પો