Uchhini kukh books and stories free download online pdf in Gujarati

ઉછીની કૂખ

“ઉછીની કૂખ”

“અલી વૈશાલી શું થ્યું ...? કેમ ક્યારની રો’યા કરે છે..?” મને ક્યારથી જોરજોરથી હીબકાં ભરીને રડતી જોઈ જતાં બાજુવાળા કાંતામાસીએ પૂછ્યું. મેં આંસુ છુપાવાની વ્યર્થ કોશિષ કરી પણ માસીની અનુભવી નજરથી છુપાવી ન શકી.

“ના, ના માસી કંઈ નહીં આ તો મા-બાપુની યાદ આવી ગઈ એટલે...”મેં આંસુ લૂછતાં કહ્યું, પણ કાંતામાસીસાચે જ મા જેવાં હતાં એટલે મારાં ચેહરાના દરેક ભાવને બરાબર સમજી લેતાં.

“એમને મર્યાને તો હવે પાંચ છ વરસ તો થ્યા હવે કેમનું રો’વાનું..? જો હું તને ત્યારથી જ ઓળખું છું એટલે મને ખબર પડે કે તું એટલે રો’તી નથી. કંઈક તો છે. જે હોય તે મને કહી દે બેટા હું તારી મા નહીં પણ મા જેવી તો છું જ ને....?” મારી આંખમાં આંસુ જોઈને માસીની આંખમાં પણ ભીનાશ છવાઈ ગઈ.

કાંતામાસીને આમ તો મારી રામ કહાણી ખબર હતી પણ હમણાં બે દિવસ પહેલાં જે નવી ઉપાધી આવી એ એમને મેં કહી નહોતી. કારણકે હું વારંવાર તેમની પાસેથી મદદ લેતી રહેતી. દસ બાય પંદરની ચાલીમાં રહેવાં વાળા લોકોનાં હૃદય બસ્સો વારના બંગલામાં રહેતાં લોકો કરતાં ક્યાંય વિશાળ હોય છે. તેમની પાસે બીજું કંઈ હોય કે ન હોય પણ મન બહુ મોટું હોય છે. છ વરસ પહેલાં મા-બાપુ એકસીડન્ટમાં મરી ગયા પછી બે રૂમ રસોડાનું ભાડાનું મકાન છોડીને મારી એકની એક ગાંડી બેન સોનલને લઈને એક રૂમ વાળી ચાલીમાં રહેવાં આવી ગયેલી. ભગવાનની મહેરબાનીથી કાંતામાસી જેવાં માયાળુ પાડોશી મળ્યાં. મારી ત્રીસ વરસની જીંદગીમાં મેં એમના જેટલી માયાળુ વ્યક્તિ જોઈ નહોતી. અમારાં બંનેના જીવનમાં ઘણી સમાનતાઓ હતી. એમનાં પણ મા-બાપ મરી ગયેલાં અને મારાં પણ. એમનાં પણ કોઈ સંતાન ન હતાં અને મારાં પણ. એમનાં પણ ધણી મરી ગયેલાં અને મારાં પણ. અમે બંને એકબીજાને મા-દીકરી માનીને જીવનની ખોટ પૂરી કરવાની કોશિષ કરતાં.

સોનલની જવાબદારી મારી પર હોવાથી હું ક્યાંય બહાર પણ કામ કરવા જઈ શકું એમ ન હોવાથી રાત દિવસ સંચો ચલાવીને અમારું બન્નેનું ગુજરાન ચલાવી લેતી. જયારે મારું સીવવાનું કામ સરખું ન ચાલતું હોય અને કરિયાણું લેવાનાં કે પછી સોનલની દવા લેવાનાં પણ વાંધા હોય ત્યારે હું સો, બસ્સો, પાંચસો રૂપિયા કાંતામાસી પાસેથી ઉભડક પગે ઉછીના લઈ આવતી, પણ ક્યારેય માસીએ મોં કટાણું કર્યું નહોતું. તેઓ દરેક વાર હસતાં મોઢે મને મદદ કરતાં. બે દિવસ પહેલાં જયારે સોનલને પેટમાં બહુ દુ:ખાવો ઉપડેલો ને ડોક્ટરને બતાવવા ગયેલાં ત્યારે ખબર પડેલી કે એનાં પેટમાં તો મોટી ગાંઠ થઈ છે અને ઓપરેશન કરીને કાઢવી જ પડશે બાકી એ નહીં બચે. આવું સાંભળ્યું ત્યારથી મારું રો’વાનું ચાલુ થઈ ગયું હતું. પાંચસો હાજર રૂપિયાની વાત હોય તો ઠીક કે ઉછીના પાછીના કરી લઉં, પણ ઓપરેશનનો કુલ ખર્ચો લગભગ લાખ થી દોઢ લાખ આવશે એવું ડોક્ટર એ કહેલું. મારું તો મગજ જ બહેર મારી ગયેલું. મા-બાપુના ગયા પછી સોનલની બધી જ જવાબદારી મારી પર હતી. મેં આ બધી વાત કાંતામાસીને કરતાં એમનાં કપાળ પર પણ કરચલીઓ પડી ગયેલી.

“આ તો મરી ઉપાધી આય્વી હો....!! પણ તું મૂંઝાતી નહીં આપણે કાંઈક રસ્તો કાઢી લેશું. છો’રી ને આમ મરવા થોડી મે’લી દેવાય...” માસીએ પથારી પર સુતેલી સોનલ સામે જોતાં કહ્યું.

“આ વાતથી જ મારો જીવ જાય છે માસી, કે આટલાં બધાં પૈસા ક્યાંથી લાવવા...?” મારાથી ડૂસકું ભરાઈ ગયું.

“બેટા....તું હામ રાય્ખ....કાંઇક થઈ જાશે. ઉપરવારો સૌ સારા વા’ના કરશે.” કાંતામાસી મારાં માથા પર હાથ ફેરવતા બોલ્યા અને મારાથી એમને વળગી જવાયું. પહેલાં હું એકલી ચિંતામાં હતી પરંતુ હવે તો માસી પણ કંઈક ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયેલા જણાયા.

એ વાતને માંડ ત્રણ દિવસ થયા હશે ત્યાં માસી મલક મલક થતાં મોઢે મારી પાસે આવ્યા.

“અલી વૈશાલી....ક્યાં ગઈ..? લે હું તને કે’તીતી ને કે ઉપરવારો કાંઇક રસ્તો સુઝાડશે...”

“આ રહી માસી...શું રસ્તો મળ્યો... મને સરખી વાત તો કરો....” મેં વિલાયેલા સ્વરે કહ્યું.

“સોનલના ઓપેરેશન માટે પૈસાની સગવડ થઈ જશે. જો આ જાહેરાત છે આજનાં છાપામાં...” માસીએ છાપું ખોલીને મારી સમક્ષ ટચુકડી જાહેરખબરનું પાનું ખોલીને ધરી દેતાં કહ્યું.

જાહેરખબર વાંચીને પહેલાં તો હું પણ હરખાઈ ગયેલી પણ પછી બીજા વિચારે એ હરખ ગાયબ થઈ ગયો અને મેં માસીને છાપું પાછું આપી દીધું. જાહેરાત કંઈક આવી હતી. ‘જોઈએ છે- સરોગેટ મધર, એક શ્રીમંત દંપતીનું સંતાન પોતાની કૂખમાં ઉછેરી શકે તેવી સરોગેટ મધરની જરૂર છે. બે લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. સક્ષમ બહેનો સમ્પર્ક કરે- મો.નં. ૯૮૭૬૫૪૩૨૧૦.’

‘બે લાખ રૂપિયા મળે અને ખાલી નવ મહિનાનો જ સવાલ છે તો હું બધી રીતે કરી શકું. આમ પણ મા બનવાનું હવે મારાં ભાગ્યમાં નથી તો કદાચ આ રીતે એ સૌભાગ્ય પણ પ્રાપ્ત થઈ જાય. પણ હું બાળક ઉછેરવાની ઉપાધી કરું તો સોનલનું શું થશે..? એનું બધું કરવાનું હોય તે કોણ કરે..?’ આવા અનેકો વિચાર મને ઘેરી વળ્યા. માસીએ મારું મગજ બરાબર કળી લીધું.

“અરે શું વિચારે છે આટલું બધું..?”

“પણ માસી હું કેવી રીતે..? સોનલની દેખભાળ કોણ કરે અને સારા દિવસોમાં મારી કાળજી કોણ રાખે..?”“કોણ કરે શું..? આ તારી કાંતામાસી હજી જીવે છે. હું બે’ય ને સંભાળી લઈશ. તું જરાય ચિંતાના કર અને એમાં નમ્બર છે એને ફોન કરીને બધું પૂછી લે.”

કાંતામાસીએ આટલી ધરપત આપીને બંનેને સંભાળવાની તૈયારી બતાવતાં મને બહુ હિંમત મળી. મેં તરત બાજુમાં આવેલા કરીયાણાવાળાની દુકાને જઈને એને પેલો નમ્બર આપીને ફોન જોડી આપવાં કહ્યું. ફોન પર વાત કરીને જયારે હું પાછી ફરી ત્યારે થોડાં હરખ સાથે એક છુપો ગભરાટ પણ હતો. ફોન પર થયેલી વાત મેં માસીને કરી. વડોદરાના જ એક શ્રીમંત એવાં કોઈ શેઠના દીકરાને ત્યાં પારણું ન બંધાતું હોય તેમણે દીકરો અને વહુ બંનેના મેડીકલ ચેકઅપ કરાવતાં ખબર પડેલી કે તેમની પુત્રવધુ પોતાની કૂખમાં બાળક ઉછેરી શકવા સમર્થ નથી. એટલા માટે તેમણે કોઈ બીજી સ્ત્રીની કૂખમાં પોતાનાં દીકરાનું સંતાન ઉછેરવાનું નક્કી કર્યું હતું તે માટેની જાહેરાત આપેલી. અદ્યતન ટેકનોલોજીનાં સહારે સરોગસી શક્ય બની ગઈ હોવાથી ઘણાં મા-બાપ કે જેમનાં નસીબમાં સંતાન સુખ નથી હોતું તેઓ પણ આ બંને રીતે સંતાન પ્રાપ્ત કરી શકે છે. ફોન પર મને એક ડોક્ટરનું સરનામું લખાવેલ જ્યાં મારે રૂબરૂ મળવા જવાનું હતું. માસીએ સોનલનું ધ્યાન રાખવાનું કહીને મારો મળવા જવા માટેનો નિર્ણય સહેલો કરી આપેલો.

બીજા જ દિવસે હું અલકાપુરી વિસ્તારમાં આવેલ એક બહુ નામી ડોક્ટરની અદ્યતન હોસ્પિટલ પર જવા માટે નીકળી ગયેલી. ડોકટરે મને સરોગસી વિશે સમજાવ્યું અને ત્યાર પછી બ્લડ ટેસ્ટ તેમજ ફર્ટીલીટી માટેના અમુક ટેસ્ટસ કરવામાં આવેલાં. ડોકટરે તેમની ટેકનીકલ ભાષામાં ઘણું કહ્યું પણ મને તો સરળ શબ્દોમાં એટલું જ સમજાયું કે જે રીતે પુરુષના શુક્રાણુઓનું સ્ત્રીના અંડબીજ સાથે મિલન થઈ અને ફલિત થતાં ગર્ભ ધારણ થાય એ જ રીતે સરોગસીમાં આ શુક્રાણુઓને કુદરતી રીતે નહીં પરંતુ કૃત્રિમ રીતે સ્ત્રીની અંદર દાખલ કરવામાં આવે અને એ રીતે ગર્ભ ધારણ થાય. પછી નવ મહીના સરોગેટ મધર એ બાળકને પોતાની કૂખમાં ઉછેરે અને જન્મ આપ્યા પછી એ બાળક પર કોઈ જાતનો હક્ક જતાવ્યા વિના જે તે મા-બાપને સોંપી દે. ડોક્ટર સાહેબનાં કહ્યા મુજબ જો બધાં ટેસ્ટસ નોર્મલ આવે અને હું સરોગસી માટે સક્ષમ હોઉં તો મારે તે દંપતિ સાથે કોન્ટ્રાક્ટ કરવાનો હતો. જેમાં મુખ્ય તો બે પાસા વિચારવાના હતાં. ‘એક તો એ કે આ બધી પ્રોસીઝર તેમજ ગર્ભાવસ્થા દરમિયાન મને કંઈ પણ થઈ જાય તો તેની કોઈપણ જાતની જવાબદારી એ ડોક્ટર કે દંપતિની ન હોય. બીજું કે એ બાળક પર કે બાળકના પિતા કે કુટંબ પર મારો કોઈ પ્રકારનો હક હિસ્સો ન હોય.’ જેનો સીધો મતલબ એ થતો હતો કે હું મારાં જ બાળકને પ્રેમ પણ ન કરી શકું કે મળી પણ ન શકું. આ બધું મારે મમતાથી દૂર રહીને માત્ર વ્યવસાયિક રીતે જ કરવાનું હતું. બધું સરખી રીતે સમજી લીધાં બાદ હું ઘરે પરત ફરી. ઘરે આવીને મેં કાંતામાસીને આ વિશે બધું વિગતવાર જણાવ્યું.

“બેટા, ગમે તેવી અઘરી શરતો હોય માન્યા વિના આપણે છૂટકો છે...?” માસીએ એક વાક્યમાં જ મારી દ્વિધા દૂર કરી દીધી. મને પણ હકાર ભણી દેવો જ યોગ્ય લાગ્યો.

ત્રણેક દિવસ પછી કરીયાણાવાળા ભાઈને ત્યાં ફોન આવ્યો. જેમાં મને જાણવા મળ્યું કે મારાં બધાં જ રીપોર્ટસ સામાન્ય આવ્યા હતાં અને હું કૂખ ઉછીની આપવા માટે સક્ષમ હતી. અઠવાડિયા પછી એકાદ દિવસ હોસ્પિટલમાં રોકવાની તૈયારી સાથે મને આવી જવા જણાવાયું. બસ તે દિવસથી જ હું માનસિક રીતે મારી જાતને આ એક નવા જ અનુભવ માટે તૈયાર કરવા લાગેલી. માસીને પણ ઘર વિશે અને ઘરની વસ્તુઓ વિશે તાકીદ કરી દીધેલાં. માસી મને રોજ હિંમત આપતાં કહેતાં,

“તારો જીવ ગભરાવા નહીં દે બેટા, ઉપરવારો સૌ સારા વા’ના કરશે. એમ માની લેવું કે કૂખ ઉછીની નહીં પણ તારી કૂખમાં તારું જ બાળક છે એટલે ગભરામણ ને બદલે તને બાળક સાથે મમતા બંધાઈ જાશે.”

માસીને ઉપરવાળા પર શ્રદ્ધા હતી અને મને તેમનાં શબ્દો પર. આ જ શ્રદ્ધાથી હું એ દિવસ માટે પણ તૈયારથઈ ગયેલી. સોનલને માસી પાસે છોડીને હું એકલી જ એક થેલીમાં બે જોડી કપડાં, દાંતિયો, તેલ અને એવી બધી જરૂરી વસ્તુઓ સાથે મનમાં થોડો ગભરાટ લઈને હોસ્પિટલ પર પહોંચી ગયેલી. હોસ્પિટલ પહોંચતા જ મારી પાસે સરોગસીનું એગ્રીમેન્ટ સાઈન કરાવવામાં આવ્યું. હોસ્પીટલની એર કન્ડીશન કોરીડોરમાં આવેલી વેઈટીંગ લાઉન્જમાં બેઠી હોવા છતાં કપાળ પર ઘડી ઘડી પરસેવાના ટીપાં બાઝી જતાં હતાં. પરસેવો લૂછી લૂછીને સાથે લાવેલી તે રૂમાલ પણ આખો પલળી ગયો હતો. મારી આવી અસ્વસ્થ હાલત જોતાં મધ્યમ વયની એક નર્સ માયાબેને મારી પાસે આવીને કહ્યું,

“બેન તમે બુલકુલ ગભરાઓ નહીં આ સાવ મામુલી પ્રક્રિયા છે, આ કંઈ ઓપરેશન જેટલું પીડાદાયક કે જોખમી નથી. તમને ખબર પણ નહીં પડે. ચાલો મારી સાથે આ રૂમમાં, હવે તમને એડમીટ કરવાનાં છે.” મને થોડી હિંમત તો મળી પણ......

હું શૂન્યમનસ્ક બની માયાબેનની પાછળ છેવાડાના એક સ્પેશ્યલ રૂમમાં દોરાઈ ગઈ. મને સાડી કાઢીને દવાખાનાનો એક ડ્રેસ પહેરીને પથારી પર સુઈ જવા જણાવાયું. સૌ પહેલાં મારું બ્લડ પ્રેશર ચેક કર્યું જે નોર્મલ આવતાં એક સ્ટ્રેચર પર મને સુવાડીને પ્રોસીઝર રૂમ તરફ લઈ જવામાં આવી. ઓપરેશન થીએટરની લાઈટ બંધ થતાંની સાથે જ મારી બેચેની પણ ચરમસીમાએ પહોંચી ગઈ. મારાં ગુપ્ત ભાગમાં થોડી વાર સુધી કંઈક પીડા થતી રહી પછી અચાનક એ પીડા બંધ થવાની સાથે જ લાઈટ્સ ફરી ચાલુ થતાં અને મેં થોડો હાશકારો અનુભવેલો. એક નર્સ અને વોર્ડ બોય મને ફરીથી એ સ્પેશ્યલ રૂમમાં લઈ ગયા. મને થોડું હળવું ખાવાનું આપવામાં આવ્યું. તે રાતે મારી પાસે મારી બેચેની સિવાય ફક્ત માયાબેન હતાં જે બહાર આવેલાં કોરીડોરમાં જ બેઠાં હતાં.

“બહેન હું અહીં બહાર જ બેઠી છું તમને કંઈ પણ કામ હોય કે સારું ન લાગે તો પેલી બેલની સ્વીચ દબાવજો એટલે હું આવી જઈશ.” મેં ડોકું હલાવીને હા પાડેલી અને થોડું પાણી આપી જવા કહેલું. ગમે તેટલું પાણી પીવા છતાં ગળું બહુ સુકાતું હતું. એવું લાગતું હતું કે જાણે હું ધોમધખતા તાપમાં રણમાં સુતી હોઉં.

માયાબેન પાણી મૂકી ગયા અને હું સૂવાની કોશિષ કરવા લાગી. મન અનેક વિકારોના ઘેરામાં આવી ગયેલું. સોનલ, કાંતામાસી ગર્ભાશયમાં જે બીજ આજે રોપાયું એ બધું જ. હવે એક બીજો જીવ પણ મારી અંદર આકાર લેવાનો હતો, જે મારો એક ભાગ હોવા છતાં પારકો બની જવાનો હતો. બીજ રોપવાની સાથે મારી માતા બનવાની મારી પરવારેલી ઈચ્છા ફરી જીવંત થઈ ગયેલી. એ ગર્ભને પણ કંઈ ન થાય તેની પણ તકેદારી મારે જ રાખવાની હતી. ઉપરથી ઘરનાં કામ, સોનલ, સિલાઈ કામ આ બધું તો ખરું જ. કઈ રીતે બધું થશે...? મારાથી નિસાસો નખાઈ ગયો. આખી રાત પડખાં ફર્યા કરી પણ મગજને જરા પણ જંપ ન હોય તો ઉંઘ ક્યાંથી આવે..? હું સવાર થવાની રાહ જોવા લાગી કે જલ્દી ઘરે જઈ શકું સોનલને જોઈ શકું. મારો જીવ બહુ મૂંઝાતો હતો. એમ લાગતું હતું કે બસ અહીંથી ભાગીને ઘરે જતી રહું પણ એટલી રાતે ક્યાંય જઈ શકાય એવું પણ ન હતું. વહેલી સવારે જેવાં માયાબેન ચેકઅપ માટે આવ્યા મેં તરત જ એમને ઘરે ક્યારે જવા મળશે તે વિશે પૂછ્યું એટલે ખબર પડી કે મોટાં ડોક્ટર આવીને ચેકઅપ કરે પછી મને ડીસ્ચાર્જ મળે એવું હતું. હું વિહ્વળ બની તેમની રાહ જોવા લાગી. દસેક વાગ્યે મોટા ડોક્ટર આવીને મને તપાસી ગયા. મારી તબિયત સાવ સામાન્ય હોવાથી એમણે મને કરાર મુજબના શરૂઆતના પચ્ચીસ હજાર રૂપિયા આપ્યા સાથે એક ગાડીની વ્યવસ્થા પણ કરી આપેલી જે મને ઘર સુધી મૂકી ગઈ હતી. ઘરમાં પગ મૂકતાવેંત સોનલ મને જોઈને વળગી પડી. અમારી બંનેની આંખોમાંથી અશ્રુઓ અનરાધાર વહી નીકળ્યા.કેટલાંય વરસો પછી મેં સોનલને એ રીતે એકલી મૂકી હતી.મારાથી ન રહેવાયું એટલે હું કાંતામાસીને પણ ભેટીને રડી પડેલી. જાણે કેટલાંય વરસો પછી હું એ બંનેને મળી હોઉં એવું લાગતું હતું. ઘરે પહોંચતા જ મારી ગભરાટ સાવ ગાયબ થઈ ગયેલી અને હ્રદયને અપાર ઠંડક વળી હોય તેવું લાગ્યું. હું પલાઠી વાળીને નીચે બેઠી તો સોનલ મારાં ખોળામાં જ માથું નાખીને સુતી રહી અને હું કાંતામાસીને બધી વાત કરતી રહી.

એક પછી એક દિવસો પસાર થઈ રહ્યાં હતાં, મારાં ગર્ભાશયમાં રોપાયેલું બીજ ધીમે ધીમે વિકાસ પામી રહ્યું હતું, આકાર પામી રહ્યું હતું. જેમ જેમ ગર્ભ ઉછરતો જતો હતો તેમ તેમ શરીરમાં બહાર વધી રહ્યો હતો. પેડુનો ભાગ ભારે થઈ રહ્યો હતો. મારે મન તો સોનલ જ મારી દીકરી જેવી હતી. જે અંદર ઉછરી રહ્યું તેની સાથે કોઈ સંબંધ ન હોવા છતાં કોઈ અજાણી જ લાગણીથી હું દિવસે દિવસે બંધાતી ચાલી ગઈ. ઉદરમાં હલચલ થવા માંડતા જ તેના અસ્તિત્વની સાબિતી મળી રહી હતી. માસી મારું ખાવાપીવાનું અને સોનલનું પણ પૂરું ધ્યાન રાખતાં. જેમ જેમ મારું પેટ વધતું જતું હતું તેમ તેમ લોકોની ટીકાઓ અને ટોણાઓ વધી રહ્યાં હતાં. મારે દરેકને કઈ રીતે ખુલાસા આપવા કે સરોગસી વિશે સમજાવા જવું...? જેટલાં મોઢાં તેટલી વાતો મને સાંભળવા મળતી. લોકોની તીર જેવી નજરનો સામનો ઓછો કરવો પડે તે માટે હું ઘરની બહાર જ ઓછું નીકળવા માંડી હતી. જયારે સમય મળે અને તબિયત સારી હોય ત્યારે સંચો લઈને બેસી જતી. ક્યારેક સોનલને ગાંઠના લીધે દુઃખાવો ઉપાડતો ત્યારે હું ખૂબ લાચાર બની જતી અને થતું કે હવે જલ્દી આ બાળકનો જન્મ થઈ જાય અને હું તે લોકોને સોંપી દઉં તો મને પૈસા મળે તેમાંથી સોનલનું ઓપરેશન થઈ શકે, પણ તેમાં કોઈ જ ઉતાવળ કર્યે મેળ પડે એવું નહોતું. અંદર ઉછરી રહેલું શિશુ જોઈ નહોતું શકાતું પણ જયારે પહેલી વાર સોનોગ્રાફી કરી ત્યારે તેનો આકાર હું જોઈ શકી હતી તે આકાર સાથે જ સ્નેહનો એવો સંબંધ બંધાઈ ગયેલો કે જયારે તેની કોઈ હિલચાલ ઉદરમાં ન વર્તાય ત્યારે એક પ્રકારનો ખાલીપો થઈ આવતો. હું તેને મનમાં પણ કંઈ કહું તો તેનો જવાબ મળતો હોય તે રીતે ઉદરમાં હિલચાલ થતી. જેના લીધે મારામાં મમતા જાગી ઉઠતી, માતૃત્વ અભિભૂત થવા લાગેલું. અમે બંને ફક્ત નાદથી નહીં પરંતુ શ્વાસથી અને લાગણીથી પણ પૂર્ણ પણે જોડાઈ ગયેલા. હું જેટલી વાર સોનોગ્રાફી માટે ગયેલી દરેક વખતે તેનો આકાર વધતો જોઈને ખુબ જ રાજી થતી. એ કારણે પણ ખરાં કે સોનલનું ઓપરેશન થઈ જશે, અને એ કારણે પણ કે હું તેને જલ્દી જન્મ આપીને તેને જોઈ શકીશ, સ્પર્શી શકીશ. જયારે પેટમાં તે લાત મારવા લાગ્યું ત્યારે લાગતું કે માત્ર તે જ મને સ્પર્શી શકે છે, હું માત્ર બહારથી પેટ પર હાથ એવી રીતે ફેરવી લેતી જાણે કે તેના માથા પર હાથ ફેરવતી હોઉં.

આખરે એ દિવસ પણ આવી જ ગયો. મહિનાઓથી ભારે થયેલું મારું પેટ તે દિવસે હળવુંફુલ થઈ ગયેલું. જયારે મેં તેને પેલી વાર મારાં ખોળામાં લીધો ત્યારે મને એવું લાગ્યું કે મારો અંશ સ્વતંત્ર અસ્તિત્વ પામવા સાથે જ મારો જન્મ સાર્થક થઈ ગયો હોય. પણ મારી એ ખૂશી વધુ વાર ટકી નહીં. પ્રસુતિના બીજા જ દિવસે મને ડીસ્ચાર્જ સાથે કરારની રકમના બાકીના રૂપિયા સાથે એક ગાડી કરીને ઘરે મોકલી આપવામાં આવી અને મારું બાળક, હોસ્પિટલવાળા લોકોએ પેલા શ્રીમંત પરિવારને સોંપી દીધું. તે દિવસે કોઈ ન સમજી શકાય તેવી લાગણી મેં અનુભવી. મારી પાસે સોનલના ઓપરેશનનાં પૈસા હતાં પણ હવે મારી સાથે મારું બાળક જ ન હતું જેને મેં નવ મહિના કૂખમાં ઉછેરેલું. એક એક દિવસ મેં જેને મારી અંદર અનુભવેલું, જેની સાથે આટલી લાગણી બંધાઈ ગયેલી એ બાળક મારો અંશ હોવા છતાં હવે બીજાં કોઈનું થઈ ગયેલું. શરીરનો કોઈ અંગ કાપીને બીજાને આપી દીધો હોય તેવી વેદના હું સતત અનુભવતી હતી. પણ એ બધીયે પીડા ઉપરાંત મારે સોનલને સાજી કરવાની હતી, તેનું ઓપરેશન કરાવાનું હતું. ‘એક સ્ત્રીને કેટલીએ લાગણી અને તેની સાથે જોડાયેલી અલગ અલગ પીડા સહન કરવી પડતી હોય છે’ એ વાત મને બરાબર સમજી ગયેલી. મારી તબિયત થોડી સારી થતાં જ હું અને માસી સોનલનું ઓપરેશન કરાવવા લઈ ગયા. ભગવાનની દયાથી તેમાં પણ કોઈ વાંધો ન આવ્યો. સોનલનાં પેટમાંથી હવે ગાંઠ નીકળી ગયેલી. બે દિવસ પછી તેને પણ હોસ્પીટલમાંથી ડીસ્ચાર્જ મળી ગયો હતો. બન્ને બહેનોનું પેટ હવે હળવું થઈ ગયું હતું. ફર્ક માત્ર એટલો હતો કે એકની પીડા સાવ જતી રહી હતી અને બીજીને એક પીડા કાયમ માટે સહન કરવાની હતી એવી પીડા જે કદાચ કોઈ ઘડી ભર પણ સહન ન કરી શકાય તેવી હતી. એક મા કે એક સ્ત્રી જ આ પીડાઓ સહન કરી શકે છે. એ પણ ફક્ત એક ભારતીય મા. મારી આ પીડા માસીથી છુપી ન રહી શકી. હું દિવસ રાત મારાં બાળકને ખુબ યાદ કરીને રડતી હતી. એક દિવસ માસી સામે રડી પડતાં માસીએ માત્ર એટલું કહ્યું,

“બેટા ક્યારેક એક સંતાન કાજે બીજા સંતાનનો ભોગ આપવો પડે છે. કાળજું કઠણ કરીને એમ માની લે કે કસુવાવડ થઈ ગઈ હતી.”

માસીના આ વિધાન પર હું ક્યાંય સુધી વિચાર કર્યા પછી એટલું માંડ બોલી શકી,

“હા માસી, કસુવાવડ જ તો થઈ ગયેલી પણ લાગણીઓની અને ઇચ્છાઓની.” હું માસીને વળગીને ક્યાંય સુધી આક્રંદ કરતી રહી. કંઈ પણ ન સમજી શકવા સમર્થ એવી સોનલ મને તાકી તાકીને જોઈ રહી.

-આલોક ચટ્ટ

બીજા રસપ્રદ વિકલ્પો